ધ્યાન

નિવેદન

મનુષ્ય જીવનના સર્વોચ્ચ લક્ષ્ય એવી પ્રભુ પ્રાપ્તિ માટે પરમાત્માના સ્વરૂપનું ધ્યાન અને તે સ્વરૂપની અનન્ય ઉપાસના એ અત્યંત અનિવાર્ય ને અમોઘ સાઘન છે. વિશ્વમાં અનેક પ્રકારના ધ્યાન માર્ગો છે. તેમાંના કેટલાક શરીર અને મનના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે; કેટલાક આત્મોન્નતિ માટે, તો કેટલાક યૌગિક શક્તિઓ અને સિદ્ધિઓની પ્રાપ્તિ માટે પ્રયોજાય છે. શાસ્ત્રોમાં પણ સાંગ, ઉપાંગ, સલિલ ને સપાર્ષદ એવા ધ્યાનના પ્રકાર છે. કેટલાક ધર્મોમાં ધર્મઘ્યાન, શુક્લધ્યાન, પ્રેક્ષાધ્યાન, વિપશ્યના, સક્રિય ધ્યાન વગેરે અનેક ધ્યાનના પ્રકાર છે. અહીં આપણે જે ધ્યાનની વાત કહેવા માગીએ છીએ તે ધ્યાનના અનેક પ્રકારોમાંનો સર્વોત્કૃષ્ટ પ્રકાર તેવા પ્રતિલોમ ધ્યાનની વાત છે. જેના દ્વારા પ્રભુના દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિની સાથે સાથે પુરુષોત્તમરૂપ એવી અનાદિમુક્તની આત્યંતિક કલ્યાણની સ્થિતિ ઉપલબ્ધ થાય છે.

સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શ્રીમુખવાણી વચનામૃતમાં અમદાવાદ પ્રકરણના પ્રથમ વચનામૃતમાં અષ્ટાંગયોગના પ્રશંસનિય ઉત્તમ અંગ એવા ધ્યાનને ત્વરિત સિદ્ધદશા પ્રાપ્તિ માટે અતિ મહત્વ આપેલું છે. શ્રીજીમહારાજના દિવ્ય સંકલ્પ સ્વરૂપ એવા પરમકૃપાળુ શ્રી અબજીબાપાશ્રીએ પણ મૂર્તિરૂપ થઈ મૂર્તિના ધ્યાનની જ અગત્ય સ્વીકારી છે. આવા પ્રતિલોમ ધ્યાનની લટક, જેમને સહજ સિદ્ધહસ્ત હતી એવા આપણા પરમ શ્રધ્ધેય અનાદિ મુક્તરાજ પૂજ્યશ્રી નારાયણભાઈએ ધ્યાનમાર્ગના ખપવાળા મુમુક્ષુ માટે સરળપણે તેમ જ સચોટપણે ઉપયોગી થાય તેવા ઉદ્ાત હેતુથી પોતાની વાણી દ્વારા સમજાવી આપણને ચિરકાળ માટે ઉપકૃત કર્યા છે. એ દિવ્ય ઉપદેશામૃતમાંથી કેટલાક ભાગનું ધ્વનિમુદ્રણ (ઓડિયો કેસેટ) તેમ જ તેનું શ્રુત લેખન અત્રે સત્સંગ સમક્ષ મૂકતાં અમે અત્યંત હર્ષની લાગણી અનુભવીએ છીએ.

આવા અનુભવસિદ્ધ મહામુક્તની દિવ્યવાણી એટલી પ્રભાવક છે કે તે ચૈતન્ય પરના આવરણો દૂર કરી, ચેતના શક્તિ જાગૃત કરી તેને પ્રભુપ્રાપ્તિને માર્ગે સરળપણે પ્રગતિ સધાવે છે તે નિર્વિવાદ છે. જે મુમુક્ષુઓ આ પદ્ધતિ પ્રમાણે ધ્યાન કરી પોતાનું શ્રેય સાધવાનો પ્રયાસ કરશે તેમની ઉપર પ્રભુની તથા સદગુરુની પ્રસન્નતા ચોક્કસ ઉતરશે. અસ્તુ!

સં. 2058, મહા સુદ ચોથ

ઈ.સ. 2002, 16 ફેબ્રુઆરી


પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન