૫. સાચી ઉજવણી કોને કહેવાય?

પ.પૂ. બાપાશ્રીના પ્રાકટ્યને સંવત 2050ના કારતક સુદ અગિયારશ, તારીખ: 24-11-1993એ 150મું વર્ષ બેઠું, તેથી આ સાર્ધ શતાબ્દી વર્ષ થયું. મહાપ્રભુના પરમપદને પામવા માટે આશીર્વાદસમું આવું વર્ષ શી રીતે ઊજવવું તે વિચારીએ:

સાચી ઉજવણી તે જ ખરી કહેવાય જે સમગ્ર જીવનને સ્પર્શી જાય. આપણા ઊર્ધ્વીકરણના માર્ગને સંપોષણ થાય તેવી રીતે આ વર્ષ ઊજવવું જોઈએ. આ સર્વજીવહિતાવહ બ્રહ્મયજ્ઞ કોઈ પણ ધર્મ કે નાતજાતના વાડાથી પર સર્વે મનુષ્યો માટે આત્યંતિક મોક્ષનો મહાયજ્ઞ છે.

અનાદિમુક્તની દુર્લભ સ્થિતિ પમાડવી એ બાપાશ્રીના જીવનનો ઉચ્ચતમ હેતુ હતો. તે આત્મસાત્ કરવા આપણે સૌ કટિબધ્ધ થઈએ.

[અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈએ ઉપરોક્ત મુદ્દાઓ અનાદિમુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીના સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે લખેલા છે, પરંતુ તે પરમકૃપાળુ બાપાશ્રી તથા પૂર્ણમુક્તસ્થિતિવાળા અન્ય અનાદિમુક્તોના દરેક પ્રાગટ્ય મહોત્સવોને લાગુ પાડી શકાય તેમ હોવાથી વ્યક્તિગત ચેતનાની ઊર્ધ્વગતિ માટે તે સમગ્ર જીવનના યોગના એક ભાગરૂપે આવશ્યક છે.]

એ માટે આ રહ્યો પ્રેરણારૂપ રચનાત્મક કાર્યક્રમ:

(1) પંચ વર્તમાનનું પાલન: બાપાશ્રી કહે છે કે, "જો મહારાજના વચનથી બહાર પડે એટલે વર્તમાનમાં ફેર પાડે તો મોટો વિમુખ કહેવાય." માટે શ્રીહરિના પંચ વર્તમાન મોટા સિદ્ધ મુક્તના જોગ-સમાગમ થકી સમજીને, જીવનના અંગરૂપ બનાવવા શૂરવીર થઈ, હંમેશ જાગ્રત ને પ્રયત્નશીલ રહેવું.

(2) પૂજા-અર્ચન: આત્મિક ઉન્નતિ ને શાંતિ અર્થે દરરોજ શ્રીહરિની બાહ્ય તથા માનસી પૂજા પરિશિષ્ટમાં બતાવ્યા મુજબ નિયમિતપણે કરવી.

(3) દૈનિક ગૃહસભા: કૌટુંબિક આંતર-બાહ્ય વિકાસ માટે આપણા કુટુંબના બધા સભ્યોએ મળીને આપણા જ ઘરમાં દરરોજ ઓછામાં ઓછો અડધો કલાક કે શક્ય હોય તો વધુ સમય ગૃહસભા યોજવી. એ સભાના કાર્યક્રમમાં સમર્થ નંદ સંતોએ રચેલાં શ્રીહરિની મૂર્તિનાં તથા જ્ઞાન-ધ્યાન-ભક્તિને લગતાં કીર્તનોનાં પદોનું ગાન, વચનામૃત આદિ ગ્રંથની કથા, વિવેચન, નિત્યનિયમ, ધૂન, ધ્યાન વગેરે મુદ્દાઓનો સમય મર્યાદા મુજબ સમાવેશ કરવો.

(4) કીર્તન મુખપાઠ: કુટુંબના દરેક સભ્યે આ વર્ષ દરમિયાન પોતાની પસંદગીનાં ઓછામાં ઓછાં પાંચ કે તેથી વધુ કીર્તનો કંઠસ્થ કરવાં. દરરોજ હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં એમ સર્વ ક્રિયા કરતાં, શ્રીહરિના સ્વરૂપની સ્મૃતિ રાખી, તાલબધ્ધ રીતે એ કીર્તનોનું ગાન કરવું. કીર્તનભક્તિથી શ્રીહરિની મૂર્તિ અંતરમાં ખડી થઈ જાય છે.

(5) 'વચનામૃતમ્' આદિ ગ્રંથોનો અભ્યાસ: 'વચનામૃતમ્' શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખકમળની દિવ્ય પરાવાણી છે. બાપાશ્રી કહેતા કે, "વચનામૃત જેવું એકેય શાસ્ત્ર નથી." તે જીવોના અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી, આત્મા-પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવે છે. તેના રટણથી શ્રીજીમહારાજની મૂર્તિના આનંદનો અનુભવ થાય છે. એ આનંદ અહર્નિશ રહ્યા કરે એ માટે કુટુંબના સર્વેએ વચનામૃતનું વાચન-શ્રવણ સમજપૂર્વક દરરોજ કરવું. અને પોતાની પસંદગીનાં પાંચ કે તેથી વધુ વચનામૃત કંઠસ્થ કરવાં. સત્સંગિજીવન, શિક્ષાપત્રી રહસ્યાર્થ, ભક્તચિંતામણિ આદિ ગ્રંથોનો પણ અભ્યાસ કરવો.

(6) થાળ-આરતી: થાળ એ પ્રભુ પરત્વે સમર્પણ ભાવનાનું પ્રતીક છે અને આરતી સમયે આંતરપ્રકાશ થઈ શ્રીહરિનું દર્શન અંતરમાં ઉતરે છે તેમ જ અંતરિક્ષમાં ઉપસ્થિત રહેતા દેવોને પણ પ્રભુના દર્શનનો લાભ મળે છે. દરેક કુટુંબે દિવસમાં સવાર-સાંજ બે વખત શ્રીજીમહારાજની મૂર્તિને થાળ ધરાવવો ને આરતી ઉતારવી. સમયની ગણતરી ન કરતાં થાળ ને આરતી પૂરેપૂરાં બોલવાં, થાળ-આરતીના સમયે શક્ય હોય તો કુટુંબના બધા સભ્યો હાજર રહી શકે એવું આયોજન કરવું. થાળ-આરતીનાં પદ કુટુંબના દરેક સભ્યને કંઠસ્થ હોય એ અતિ આવશ્યક છે.

(7) જપ: શ્રી વૃષપુર (કચ્છ) બાપાશ્રીની છત્રી સંસ્થા, સરસપુર શ્રી સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ તથા શ્રી સ્વામિનારાયણ ડિવાઈન મિશન, નારણપુરા, અમદાવાદ દ્વારા 'શ્રી સ્વામિનારાયણ' મહામંત્રની લેખનપોથીઓ છપાવેલ છે. તે ઉપરોક્ત ત્રણેય સંસ્થાએથી વિના મૂલ્યે મળી શકશે. વિદ્યાર્થીઓને વેકેશન માટે એક ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ મળશે અને તેથી આંતરિક ઊર્ધ્વરોહણ પણ થશે. દરેક કુટુંબ ઓછામાં ઓછી એક કે તેથી વધુ મહામંત્રની લેખનપોથીઓ લખી શકે. લખાઈ રહ્યેથી એ પોથીઓ ઉપરોક્ત ગમે તે સ્થળે, પહોંચ લઈ, પરત કરી શકાશે. તદુપરાંત સ.ગુ.શ્રી ગોપાળાનંદસ્વામી રચિત 'લોકમંગલ મંત્ર' અને 'જનમંગલ સ્તોત્ર'ના જપ-પાઠ સ્થિર આસને બેસીને અગર અન્ય પ્રવૃત્તિ કરતાં કરતાં કરી શકીએ. 'શ્રી સ્વામિનારાયણ' નામનો મંત્ર બધા રોગોની દવા છે; સકલવ્યાધિહર ઔષધ છે. મંત્રોચ્ચારણથી હલકી કોટીના દૈવી તત્ત્વો તેમજ અંતરીક્ષમાં વસનારા કે ભૂમિ પરનાં દુષ્ટ તત્ત્વો નાસી જાય છે.

(8) માળા: માળા શ્રીહરિના સર્વોપરી સ્વરૂપમાં એકાગ્ર મને જોડાવાનું અમોઘ સાધન છે. ભગવાનના નામના નિમ્નલિખિત મહામંત્રો માળાના પ્રત્યેક મણકે મનમાં બોલી, નિત્યે એક કે વધુ માળા, શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપમાં સ્થિર ચિત્તે જોડાઈને ફેરવવી:

1. 'ब्रह्माहम् स्वामिनारायणदासोऽस्मि'

2. 'શ્રીજીમહારાજે મારા ચૈતન્યને કૃપા કરીને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. શ્રીજીમહારાજ જ છે.'

આ બંને મંત્રો અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે છે.

(9) ધ્યાન: વાસનાએ રહિત વર્તવું એ એકાંતિક ભક્તનો ધર્મ છે. વાસના ન હોય તે એકાંતિક ભક્ત. સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપને વિષે અચળ મતિ થવાનો એકમાત્ર ઉપાય ભગવાનની કૃપા છે; ભગવાનના સ્વરૂપનું ધ્યાન છે. ધ્યાન કરનાર ઉપર એ કૃપા સહેજે થાય છે. માટે શ્રીજીમહારાજની મૂર્તિ નખશિખ ચૈતન્યમાં સિદ્ધ કરવા કુટુંબના દરેક સભ્યે અનુકૂળતા પ્રમાણે ધ્યાનનો અભ્યાસ દરરોજ નિયમિતપણે અચૂક કરવો. મોટા મુક્ત દ્વારા ધ્યાનની લટક શીખી, તે પ્રમાણે એકાગ્રચિત્તે ધ્યાન કરવું.

ધ્યાનની લટકના મુદ્દાઓ:

1. પ્રથમ દરેક ધ્યાન કરનાર વ્યક્તિએ પોતાને વધુ ગમતી અને ધ્યાનમાં આવે એવી શ્રી ઘનશ્યામ મહાપ્રભુની બેઠી કે ઊભી; ઉઘાડા ડિલની (મંગળા દર્શનની) કે વસ્ત્રે સહિતની (શણગાર દર્શનની) મૂર્તિ પોતાની સન્મુખ રાખવી. એ ધ્યેય-સ્વરૂપને બદલવું નહિ.

2. એ મૂર્તિને નખશિખ એટલે ચરણથી મસ્તક પર્યંત એકચિત્તે નિહાળવી.

3. ત્યાર બાદ મૂર્તિના મુખારવિંદનાં ભાલ, ભ્રમર, નેત્રો, નાસિકા આદિ અંગ આપણાં નેત્રો ઉઘાડ-વાસ કરી, એકાગ્રપણે નીરખી દૃઢ કરવાં. જ્યાં સુધી બહિર્દૃષ્ટિએ (ઉઘાડે નેત્રે) દેખાતાં અંગો અંર્તદૃષ્ટિએ અંતરમાં એવાં જ આબેહૂબ દેખાય ત્યાં સુધી ધારવાં.

4. એ પ્રમાણે સમગ્ર મૂર્તિ અંર્તદૃષ્ટિએ આપણા અંતરમાં દૃઢ કરવી.

5. નેત્ર મીંચતાં જ બહારના જેવી જ આબેહૂબ મૂર્તિ અંર્તદૃષ્ટિએ હંમેશ દેખાવી ચાલુ રહે ત્યાં સુધી એ મુજબ ધ્યાન કરવું ચાલુ રાખવું.

6. એ રીતે સમગ્રપણે મૂર્તિ દૃઢ થયા બાદ જ્ઞાને કરીને, આપણા દેહના અસ્તિત્વને સદંતર ભૂલીને, એની જગ્યાએ અધોઊર્ધ્વ તેજના સમૂહની મધ્યે દૃઢ થયેલ મહારાજની મૂર્તિને દેહમાં જેમ જીવ રહ્યો છે તેમ, મૂર્તિમાં રહી જોયા કરવી.

7. એ વખતે શ્રીજીમહારાજે મારા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે એવી ભાવના કરી, મૂર્તિમાં રહ્યા થકા આત્મસત્તાએ મૂર્તિને નિહાળ્યા કરવી. આ પ્રતિલોમ ધ્યાન.

8. આમ દરરોજ મૂર્તિનું પ્રતિલોમપણે ધ્યાન કરતાં કરતાં મૂર્તિના દિવ્ય સુખના આનંદનો અનુભવ, પાત્રતા વધતી જશે તેમ તેમ વધુ ને વધુ થવા લાગશે.

9. જ્યાં સુધી શ્રીહરિના સ્વરૂપ સાથે રોમે-રોમ રસરૂપ એકતા ન સધાય એટલે કે અનાદિમુક્તની સ્થિતિનો અનુભવ સહજ ન બને ત્યાં સુધી જરા પણ આકુળવ્યાકુળ થયા વગર પૂરા ઉત્સાહ ને આનંદ સાથે ધ્યાન કરવાનું ચાલુ રાખવું.

ધ્યાનની કોઈ પણ પ્રક્રિયા દરમ્યાન કંટાળો કે મૂંઝવણ અનુભવવાં નહિ. મૂર્તિના પ્રતાપે ધ્યાનમાં વિઘ્નકર્તા ઘાટ--સંકલ્પો ધીરે ધીરે સમૂળગા દૂર થઈ જશે અને અહર્નિશ મૂર્તિનો આનંદ આવ્યા કરશે.

10. અનાદિમુક્તની અલૌકિક સ્થિતિને પમાયા પછી નેત્રો ખુલ્લાં હોય કે બંધ તેમાં કાંઈ ફરક પડતો નથી, કારણ કે એ પછી દેહના અસ્તિત્વનું અનુસંધાન સમૂળગું જ જતું રહે છે. પછી કેવળ શ્રીજીમહારાજ જ રહે છે અને ચૈતન્ય દિવ્ય સાકાર સ્વરૂપ પામીને, સેવકભાવે મૂર્તિમાં રસબસ રહી નવીન નવીન સુખ અનુભવે છે.

આ રીતે, સમયની અનુકૂળતા કરીને દરરોજ શાંત સ્થળે, સ્થિર આસને બેસીને, નિયમિત ધ્યાન કરવું. એ જ રીતે માનસી પૂજા પણ નિત્ય પ્રતિલોમવૃત્તિએ મૂર્તિમાં રહી કરવી. એ સિવાય હરતાં-ફરતાં, ખાતાં-પીતાં, બેસતાં-ઊઠતાં કે અન્ય પ્રવૃત્તિ કરતાં ધ્યાન કરી શકાય. જ્યાં સુધી ધ્યેય સિદ્ધ ન થાય ત્યાં સુધી ધ્યાનનો અભ્યાસ સાનંદ ચાલુ રાખવો.

(10) મહાગ્રંથોની પારાયણ: દરેક કુટુંબે આ વર્ષ દરમ્યાન નીચેના બે મહાગ્રંથો પૈકી ગમે તે એકની પાંચ પારાયણો શ્રીહરિની મૂર્તિના અનુસંધાન સહિત સમજપૂર્વક કરવી:

1. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત;

2. સ.ગુ.મુનિસ્વામી રચિત 'શિક્ષાપત્રી રહસ્યાર્થ'.

અથવા નીચેના પાંચ ગ્રંથોની એક-એક પારાયણ એમ કુલ પાંચ પારાયણો કરવીઃ

1. રહસ્યાર્થ વચનામૃત;

2. શિક્ષાપત્રી રહસ્યાર્થ;

3. બાપાશ્રીની વાતો ભાગ 1-2;

4. શ્રી અબજીબાપાશ્રીનું જીવનચરિત્ર કે જીવનવૃત્તાંત;

5. સ.ગુ.બ્રહ્મચારી શ્રી નિર્ગુણાનંદજી કૃત 'શ્રી પુરુષોત્તમ લીલામૃત સુખસાગર'.

એવી પાંચ પારાયણ કરેલ હોય એવાં કુટુંબો બાપાશ્રીના પરમ વરદાનસમા છત્રી સ્થાને ઊજવાનાર સાર્ધ શતાબ્દી મહોત્સવ દરમિયાન એ પારાયણોની પુરશ્ચરણ વિધિ કાર્યક્રમમાં બેસી, ભાગ લઈ શકશે.

(11) ધૂન: સર્વોપરી શ્રીહરિના મહામંત્રના નામની ધૂન આજુબાજુના વાતાવરણને નિર્મળ, પવિત્ર ને દિવ્ય બનાવી દે છે. અંત:શત્રુઓરૂપી ત્રાસ ઊપજાવનાર દોષો એ દિવ્ય ધ્વનિના પ્રબળ પ્રતાપથી શમી જાય છે. તદુપરાંત અવકાશમાં ઘૂમતા અશુભ વાસનાવાળા પ્રેતાત્માઓ એ મહામંત્રના રણકારથી ભયભીત બની પલાયન થઈ જાય છે; શુભ પ્રેતાત્માઓ એ દિવ્ય ધ્વનિના શ્રવણ-સ્પર્શથી પાવન બની શ્રીહરિના સંકલ્પથી મોક્ષને પામે છે. ધૂનનાં દિવ્ય આંદોલનો હવામાં સર્વત્ર પ્રસરી, જગતના મનુષ્યોનાં પાપ બાળી, ઓછાં કરી નાખે છે; પરિણામે વિશ્વમાં શાંતિ પ્રસરે છે. ધૂનની દિવ્ય શક્તિ ધૂન કરનારાઓના મનોરથ પૂર્ણ કરે છે. પ્રભુપ્રાપ્તિને ઝંખતા મુમુક્ષુઓની પાત્રતામાં વૃધ્ધિ કરે છે ને ધ્યાન સ્થિર વૃત્તિથી થવા લાગે છે. આથી જુદાં જુદાં ગામોમાં અને શહેરોના વિવિધ વિસ્તારોમાં બાર, ચોવીસ, છત્રીસ કલાક .......ની અખંડ ધૂનના કાર્યક્રમો યોજાતા રહે છે; હાલ આ કાર્યક્રમો ચાલુ જ છે. ધૂનનો પ્રારંભ શ્રી છત્રી સ્થાનેથી સંવત 2050ના કારતક સુદ એકાદશીથી શરૂ થયેલ છે અને ગામેગામ શહેરેશહેરમાં યોજાઈને સં.2051ના કારતક સુદ એકાદશીએ શ્રી છત્રી સ્થાને જ સમાપ્ત થશે. સાર્ધ શતાબ્દી મહોત્સવ સમિતિ તરફથી, એ વખતે 150 કલાકની ધૂનના આયોજન સાથે વર્ષ દરમ્યાન જુદાં જુદાં સ્થળોએ થયેલ સમગ્ર ધૂનના કાર્યક્રમોનું વિધિસર સમાપન થશે.

(12) સામૂહિક સત્સંગ સભા: પ્રત્યેક ગામના તેમજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વસતા હરિભક્તોએ મંદિરમાં અગર અન્ય અનુકૂળ સ્થળે મહિનામાં એક, બે કે ચાર વખત એટલે કે મહિને, પખવાડિયે કે અઠવાડિયે અનુકૂળતા પ્રમાણે સમૂહમાં એકત્ર થઈ સત્સંગ સભા યોજવી. સભાના કાર્યક્રમમાં મંગલાચરણ-પ્રાર્થના, શ્લોકો, કીર્તન, વચનામૃત-બાપાશ્રીની વાતો, ભક્તચિંતામણિ આદિ ગ્રંથોનું વારાફરતી વાચન, તેના પર વિવેચન, વિદ્વાન સંત-હરિભક્તોનાં નિયત કરેલ પ્રવચનો, સમાપન વક્તવ્ય, ધૂન, ધ્યાન, થાળ, આરતી, પ્રસાદવિતરણ વગેરેનો સમાવેશ કરી શકાય. આમ આશરે બેથી ત્રણ કલાકનો સુંદર કાર્યક્રમ રાખવો. સત્સંગ સભામાં વધુ ને વધુ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહે એવું સંગીન આયોજન કરવું. સત્સંગ સભાને લીધે સંગઠન, એકતા ને પરસ્પર આત્મીયતા સધાય છે. તદુપરાંત સંત-હરિભક્તોનાં દર્શન-સમાગમ-પ્રવચનનો અમૂલ્ય લાભ મળે છે. સૌથી વિશેષ મહારાજની મૂર્તિના સંબંધનો અપૂર્વ આનંદ પ્રાપ્ત થાય છે.

(13) ધર્માદો: શ્રીજીમહારાજની આજ્ઞાનુસાર ધનાઢ્ય કુટુંબે પોતાની આવકનો દશાંશ ને આર્થિક રીતે ગરીબ ને મધ્યમ કુટુંબે આવકનો વીશાંશ ધર્માદો પૂરેપૂરો શ્રી ઠાકોરજીને અર્પણ કરવો. ગૃહસ્થ હોય તેમણે દશાંશ-વીશાંશ કાઢવો તે કનિષ્ઠ ધર્માદો છે; બાર મહિનામાં એકાદ માસ મોટા મુક્તનો સમાગમ કરવો તે મધ્યમ ધર્માદો છે ને શ્રીજીની દિવ્ય મૂર્તિમાં ઇંદ્રિયો, અંત:કરણ ને જીવ એકાગ્ર કરીને જોડાઈ જવું તે ઉત્તમ ધર્માદો છે. બાપાશ્રી કહે છે કે સર્વે ગૃહસ્થોએ આ ત્રણેય પ્રકારનો ધર્માદો કાઢવો, પણ એકેય પડ્યો મૂકવો નહિ. આપણે સર્વેએ એ પ્રમાણે જ વર્તવાનો ઠરાવ રાખવો. જેથી શ્રીજીમહારાજ ને બાપાશ્રીની અનન્ય પ્રસન્નતા મળે. હવે ત્યાગીવર્ગ શું કરી શકે? ત્યાગીની કોઈ વસ્ત્રાદિકે સેવા કરે તે ધર્મામૃત પ્રમાણે રાખે અને તેથી અધિક જણાય તો જે મંદિરમાં તે રહેતા હોય ત્યાં શ્રી ઠાકોરજીના કોઠારે આપી દે. તો ત્યાગીએ ધન અર્પણ કર્યું કહેવાય. ત્યાગી-ગૃહી બંનેએ પોતપોતાના ધર્મ પ્રમાણે શ્રી ઠાકોરજીને નિયમિતપણે ધન અર્પણ કરવું .

(14) અન્ય મહત્ત્વની પ્રકીર્ણ બાબતો: આ સાર્ધ શતાબ્દી વર્ષ દરમિયાન આટલું વિશેષ અવશ્ય કરીએ કે-

(અ) આપણે સૌ ટી.વી. પર આવતા દેશ-વિદેશના દૈનિક સમાચાર અને શૈક્ષણિક, વૈજ્ઞાનિક ને ધાર્મિક કાર્યક્રમો સિવાયના બીજા વ્યર્થ કાર્યક્રમો નિહાળવાનું ર્વજીએ. તદુપરાંત ન જાવા જેવાં સિનેમા, નાટક, ભવાઈ, મેળા, તમાશા આદિ ન જોઈએ. બાળકોને અને કિશોરોને આ વાત આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે તેમના ગળે ઊતરે એવી રીતે સમજાવીશું તો તેઓ જરૂર સમજશે ને સંમત થશે.

(બ) નવરાત્રીના દિવસો દરમ્યાન ઘરના કોઈ પણ સભ્યે લૌકિક ગરબા-રાસ જોવા-રમવા ન જતાં, તેને બદલે સૌ સાથે મળી 'મધ્યે' શ્રીહરિજીની મૂર્તિ બિરાજમાન કરી, પ્રસંગોચિત કીર્તનો બોલાવરાવી ગરબી-રાસનું આયોજન કરીએ. તેથી શ્રીહરિની પ્રસન્નતા મળશે ને રચનાત્મક સાત્ત્વિક પ્રવૃત્તિનો આનંદ પણ સર્વે માણી શકશે.

(ક) પોતાના ઘરમાં શ્રીજીમહારાજ ને તેમના સંત-મુક્તોનાં સ્વરૂપોના પ્રેરણાદાયક ફોટાઓ તથા તીર્થસ્થાનો, કુદરતી દૃશ્યો, મંદિરો, વૈજ્ઞાનિક શોધખોળને લગતી કૃતિઓ, સુવાક્યોનાં બોર્ડ આદિ દીવાલો પર સુશોભન તરીકે કે પ્રેરણા અર્થે મૂકીએ. તેમજ તેનાં આલબમ તૈયાર કરીએ. અસંસ્કારી ચિત્રો કે ફોટાઓ કદાપિ સંઘરીએ કે લટકાવીએ નહિ.

આ મહાપર્વના ઉપલક્ષ્યમાં આપણે સૌ આવા કાર્યક્રમો અપનાવી કૃતાર્થ થઈએ અને આપણા સંપર્કમાં આવનાર વ્યક્તિને તેની પાત્રતા લક્ષમાં રાખી, તે અનુસરવા પ્રેરણા કરીએ.

કવિરત્ન સ.ગુ. બ્રહ્માનંદસ્વામી માનવજીવનના લક્ષ્યબિંદુ વિશે જણાવે છે કે --

"મરના મરના સહુ કહે, મરી ન જાને કોઈ;

મરના તો ઐસા મરના, ફિર જન્મ ન હોઈ."

આ ધ્યેય સિધ્ધ કરવા અંગે પરમકૃપાળુ બાપાશ્રી શું કહે છે તે જોઈએ:

"જીવને મહારાજનું સુખ ઓળખાતું નથી અને સત્સંગમાં સેવા કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય એવા સંત-હરિજનો ઓળખાતા નથી. સમાગમ કરવા યોગ્ય અને સેવા કરવા યોગ્ય એવા સંત-હરિજનોને ઓળખીને, તેમનો સમાગમ કરીને, શ્રીજીમહારાજની મૂર્તિમાં જોડાઈ જાય તો સુખિયો થઈ જાય. ભગવાનનું સુખ તો શ્રીજીમહારાજ ને તેમના અનાદિમુક્ત દ્વારા, એમની કૃપાથી મળે છે; કેવળ સાધનના બળથી નહિ. પરંતુ તે કૃપાના અધિકારી બનવા, પાત્ર થવાનો પ્રયત્ન તો જાતે જ કરવો પડે."

અંતમાં, શ્રીજીમહારાજના અનાદિ મહામુક્તોનાં આ વચનોને જીવનમાં અને વ્યવહારમાં ચરિતાર્થ કરવા પ્રામાણિક પુરુષાર્થ કરીએ અને એ પુરુષાર્થને આ સાર્ધ શતાબ્દી પૂરતો જ નહિ, પરંતુ સદાને માટે સમગ્ર જીવનનો આનંદયોગ બનાવીએ. તથાસ્તુ.

[આવી બધી આધ્યાત્મિક ઉન્નતિની પ્રવૃત્તિઓ કેવળ સાર્ધ શતાબ્દી વર્ષ પૂરતી જ સીમિત ન રહેતાં સારાય જીવનના યોગ માટે લાગુ પડે છે તેની નોંધ લેવા વિનંતી.]