૧. પશ્ચાદ્ ભૂમિકા
સદગુરુ મુક્તાનંદ સ્વામી-- સત્સંગની મા! તેમને એકવાર શ્રીજીમહારાજે પૂછ્યું, "સ્વામી! તમે અમને કેવા જાણો છો?" ત્યારે સ્વામી સાહજિક જ બોલી ઊઠ્યા કે "હે મહારાજ! મહાભારતકાળમાં થઈ ગયેલા શ્રીકૃષ્ણ પરમાત્મા તે તમે જ સ્વયં પ્રભુ. એમાં શું પૂછવાનું?" આ સાંભળી શ્રીજીમહારાજ મર્મમાં હસીને કહે, "સ્વામી! તમે કાળે તળાવ જાવ ત્યાં તમને રવજીભાઈ વાત કરશે." શ્રીજીમહારાજની આજ્ઞા થતાં જ સ્વામીશ્રીએ કાળા તળાવે જવાની વાટ પકડી. રસ્તામાં સ. ગુ. મુક્તાનંદ સ્વામીને એક સંત મળ્યા. સંતે મુક્તાનંદ સ્વામીને ઉતાવળે જતાં જોઈ પૂછ્યું, "સાધુરામ! ક્યાં ચાલ્યા?" સ્વામીએ મહારાજ સાથે થયેલું વૃત્તાંત જણાવ્યું. ત્યારે તે સંતે કહ્યું, "સ્વામી! તમે સ્વામિનારાયણ ભગવાનને શ્રીકૃષ્ણ સમજો છો! તો આમાંથી કયા શ્રીકૃષ્ણ તમારા સ્વામિનારાયણ શ્રીકૃષ્ણ છે?" આમ કહી તે સંતે મુક્તાનંદ સ્વામી સામે પોતાની હથેળી ધરી ત્યાં તો મુક્તાનંદ સ્વામીને તે સંતની હથેળીમાં અસંખ્ય શ્રીકૃષ્ણ દેખાયા. મુક્તાનંદ સ્વામી તો આ જોઈ હતપ્રભ થઈ ગયા. આ શું! આટલા બધા કૃષ્ણ! જેઓ પોતાની હથેળીમાં આટલા બધા કૃષ્ણનાં દર્શન કરાવી શકે તે સંત તો કૃષ્ણથી અતિ મોટા કહેવાય. મુક્તાનંદ સ્વામીને આશ્ચર્યચકિત થયેલા જોઈ તે સંત કહે, "સ્વામી! તમે જે શ્રીકૃષ્ણને પરમાત્મા કહો છો, તેમને તો મૂળપુરુષ કહેવાય છે અને તે મૂળપુરુષની ઉપર તો મહાકાળ છે ને મહાકાળના ઉપરી વાસુદેવબ્રહ્મ છે ને વાસુદેવબ્રહ્મની ઉપર મૂળઅક્ષર છે ને તેની ઉપર શ્રીજીમહારાજના મુક્ત છે અને તે સૌના ઉપરી ને નિયંતા એવા જે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. તેઓ સર્વોપરી છે ને તેમની ઉપર કોઈ નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતે સ્વસ્વરૂપના સુખે સુખિયા છે અને બાકી બધા તેમનું આપેલું સુખ ભોગવે છે. અમે તો એ સર્વોપરી મહાપ્રભુના મુક્ત છીએ અને તમે પણ તેમના મુક્ત છો. પણ શ્રીજીમહારાજે તમારી સ્થિતિ રૂંધી રાખી હોવાથી તમે તેમને ઓળખી શક્યા નહિ." આમ કહી તે સંત અદૃશ્ય થઈ ગયા.
જીવોના કલ્યાણ અર્થે શ્રીજીમહારાજે જુદા જુદા અવતારોને પૃથ્વી પર મોકલ્યા. પણ તે કોઈ શ્રીહરિજીની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી શક્યા નહિ. ઊલટું સામાન્ય કોટીના જીવો તે અવતારોમાં પોતાના કરતા વિશેષ ઐશ્વર્યશક્તિનાં દર્શન થવાથી તે અવતારોને ભગવાન સમજી તેમનું ભજન કરવા લાગ્યા. આથી મુક્તોએ શ્રીજીમહારાજને સ્વયં પૃથ્વી પર પ્રગટ થવા પ્રાર્થના કરી. તેથી શ્રીહરિજી અનંત મુક્તોને સાથે લઈ આ પૃથ્વી પર પોતાની શુદ્ધ સર્વોપરી ઉપાસનાનું સ્થાપન કરવા સંવત 1837ના ચૈત્ર સુદ નવમીને રોજ પ્રગટ થયા.
બાલ્યકાળ અને વન વિચરણ દરમ્યાન અસંખ્ય લીલાઓ કરી પોતાનું પુરુષોત્તમપણું જણાવતા સત્સંગમાં આવ્યા. સ. ગુ. શ્રી રામાનંદ સ્વામીએ શ્રીહરિજીના સંકલ્પ અનુસાર અગાઉથી પૂર્વભૂમિકારૂપે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી રાખી હતી. શ્રીહરિજી સાથે મિલાપ થતાં તેમને દીક્ષા આપી સ. ગુ. શ્રી રામાનંદ સ્વામીએ ધર્મધુરા શ્રીહરિજીને સોંપી. આ સમયે પણ અગાઉ અવતરી ચૂકેલા અવતારોની ઉપાસનાનું જોર ખૂબ જ હતું. તેથી શ્રીજીમહારાજે પોતાને સૌપ્રથમ શ્રીકૃષ્ણના ભક્ત કહ્યા. પછી જેમ જેમ જીવો શ્રીજીમહારાજ ને તેમના મુક્તોના સંપર્કમાં આવી પાત્રતા કેળવતા ગયા તેમ તેમ શ્રીહરિજીએ પોતાને ક્રમશ: શ્રીકૃષ્ણ જેવા કહ્યા અને છેવટે જેવું છે તેવું--શ્રીકૃષ્ણથી અનેકગણું મોટું ને પોતાનું સર્વોપરી પરમાત્મસ્વરૂપ સમજાવ્યું. સામાન્ય જીવો પણ આ સમજણ દૃઢ કરી પરમપદના અધિકારી થાય તેવા શુભ આશયથી શ્રીહરિજીએ સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીને પોતાની સર્વોપરી ઉપાસનાનું પાલન-પ્રવર્તન કરવાનું કામ સોંપી મનુષ્યલીલા સંકેલી લીધી. સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીએ ઉત્તરોત્તર આ મહાકાર્યને આગળ ધપાવવાની જવાબદારી પોતાના સમર્થ શિષ્ય સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને સોંપી. શ્રીહરિજીએ આત્યંતિક કલ્યાણના ભગીરથ કાર્યને વેગ આપવા પોતાના સંકલ્પસ્વરૂપ અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીનું પૃથ્વી પર સંવત 1901ના કારતક સુદ એકાદશીને રોજ અવતરણ કર્યું.
બાપાશ્રીએ શ્રીજીમહારાજના સંકલ્પ પ્રમાણે શ્રીહરિજીની નિર્ભેળ સર્વોપરી ઉપાસનાના પ્રવર્તનમાં અદ્વિતીય ફાળો આપ્યો. તેમણે ગામોગામ ફરી અસંખ્ય જીવોને શ્રીહરિજીની જેવી છે તેવી મોટપ મૂળથી સમજાવી. તદુપરાંત શ્રીહરિજી સાથે એકાત્મપણે જોડાઈને અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાની લટક પણ શીખવી. શ્રીજીમહારાજની ઉપદેશામૃત વાણીને 'વચનામૃત' ગ્રંથમાં સંગ્રહીત કરવામાં આવી છે. તેમાં શ્રીજીમહારાજે જે તે વાત કરતી વખતે સભામાં ઉપસ્થિત જીવોની પાત્રતા અનુસાર પોતાને ભક્ત, અવતાર, મુક્ત અને પૂર્ણ પુરુષોત્તમ અવતારી કહ્યા છે. બાપાશ્રીએ આ સર્વે વાતોને એકબીજાના પરિપ્રેક્ષ્યમાં વચનામૃતોના જ જુદા જુદા આધાર લઈ યથાર્થપણે સમજાવી શ્રીજીમહારાજનું સર્વોપરીપણું પ્રસ્થાપિત કર્યું છે, જે વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકા નામે પ્રસિદ્ધ છે. પ. પૂ. બાપાશ્રીને તો શ્રીજીમહારાજે પોતાની સર્વોપરી ઉપાસના પ્રવર્તાવવા અને પોતાના દિવ્યાતિદિવ્ય અલૌકિક સુખની લહાણી કરવા મોકલ્યા હતા. તેથી બાપાશ્રીએ પણ પાછું વળીને જોયા વગર આ મહદ્ ઉપકારક કાર્યો હાથ ધર્યાં હતાં. સંતો-હરિભક્તોને લઈ બાપાશ્રી ગામેગામ ને ઘરોઘર ફરતા ને શ્રીહરિજીની મૂર્તિના સુખનો પ્રસાદ વહેંચતા.
શ્રીજીમહારાજના આશીર્વાદ ને સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામીની નિષ્ઠાના પ્રતીકસમા મૂળીધામના શ્રી સ્વામિનારાયણ મંદિરનો શતવાર્ષિક પાટોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પ. પૂ. બાપાશ્રી પણ તે સમયે સંઘે સહિત મૂળી પધાર્યા હતા. ખરેખર તો આ પાટોત્સવની ઉજવણી પ. પૂ. બાપાશ્રીના અલૌકિક પ્રતાપને લીધે જ શક્ય બની હતી અને રંગેચંગે પૂર્ણ થઈ શકી. મૂળીથી પાછા બળદિયા જતા અનેક નાનાં-મોટાં ગામોમાં વિચરણ કરતા પ. પૂ. બાપાશ્રી ધ્રાંગધ્રા ગામે પધાર્યા. શરીરે અનુકૂળતા ન હોવા છતાં મોટા મોટા હરિભક્તોને ઘેર પધરામણી કરી, સૌને શ્રીજીમહારાજની રસમયી મૂર્તિના સુખમાં તરબતર કર્યા. આ સમયે આર્થિક સ્થિતિએ અને સ્વભાવે બંને રીતે ગરીબ એવા ગીગાભાઈ ઠક્કરને પણ પોતાને ઘેર પ. પૂ. બાપાશ્રીને પધરાવવાની ઇચ્છા થઈ પણ સંજોગવશાત્ તેઓ કાંઈ બોલી શક્યા નહિ. કરુણામૂર્તિ બાપાશ્રી તો આ ભોળા ભગતનો ભાવ જાણતા જ હતા. આથી બીજે ગામ જવા ગામ બહાર નીકળતા પહેલાં રસ્તામાં ગીગાભાઈ ઠક્કરના ખોરડાની સામે જ લઘુ જવાના બહાને સિગરામ ઊભો રખાવ્યો. ગીગાભાઈ ને તેમનાં ધર્મપત્ની શાકુબેનના આનંદનો પાર ન રહ્યો. પ. પૂ. બાપાશ્રીને લઘુ કરવાની વ્યવસ્થા પોતાના ખોરડામાં કરી આપી. લઘુ કરી બાપાશ્રી તે ખોરડામાં બિરાજ્યા. તે સમયે શેઠ શ્રી શિવલાલભાઈ પારેખ, અ. મુ. પ. પૂ. શ્રી સોમચંદભાઈનાં બહેન અ. મુ. શ્રી દીવાળીબા વગેરે હાજર હતાં. શેઠ શ્રી શિવલાલભાઈએ ગીગાભાઈના સૌથી નાના પુત્ર 11 માસના 'નારાયણ'ને ઘોડિયામાંથી લઈ પ. પૂ. બાપાશ્રીના ખોળામાં મૂક્યા. ત્યારે બાપાશ્રીએ પોતાના ભાલમાંના ચાંલ્લામાંથી કંકુ લઈ તે બાળક સામે અમિદૃષ્ટિ કરી તેના કપાળમાં ચાંલ્લો કર્યો. બાળક પણ પરભવની પ્રીત હોય તેમ એકીટશે હસતા હસતા પ. પૂ. બાપાશ્રીની અલૌકિક મુખાકૃતિ નિહાળી રહ્યો. પછી શેઠ શ્રી શિવલાલભાઈએ પ. પૂ. બાપાશ્રીને પ્રાર્થના કરી કે, "હે બાપા! આ ભગતના પુત્ર ભગત થાય તેવા આશીર્વાદ આપજો." ત્યારે પ. પૂ. બાપા તે બાળકના માથે હાથ ફેરવતા બોલ્યા જે, "આ તો શ્રીજીમહારાજના મહામુક્ત છે. શ્રીજીમહારાજે તેમને અનેક જીવોનાં કલ્યાણ ને સર્વજીવહિતાવહ કાર્યો કરવા મોકલ્યા છે."
આ બાળક 'નારાયણ' તે બીજું કોઈ નહિ પણ અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર. શ્રીહરિજીના કૃપાપ્રસાદસમી શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાના પ્રણેતા, સંસ્થાપક, આજીવન પ્રમુખ એટલે કે તેનું હાર્દ.