૭. વ્યવસાય
અમદાવાદમાં પૂજ્યશ્રી નારાયણભાઈએ વ્યવસાયની શરૂઆત દરિયાપુરમાં આવેલી પ્રિમિયર હાઈસ્કૂલમાં ટીચર તરીકે કરી. પ્રામાણિકતાના અતિ આગ્રહી એવા પૂજ્યશ્રી નારાયણભાઈએ આ શાળામાં તેમની અનુરુચિ ન જળવાતાં રાજીનામું આપ્યું.
તે વખતે અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રી કેશવલાલ કારભારીના પિતાશ્રી કારભારી હતા. તેમને પૂજ્યશ્રી નારાયણભાઈની સ્થિતિની થોડી ઘણી જાણ હતી. એક મોટી મિલ (કેલિકો મિલ)ના શેઠનાં પત્નીને ટી.બી. થયેલો. કારભારીને શેઠ જોડે ઓળખાણ એટલે પૂજ્યશ્રી નારાયણભાઈને વિનંતી કરી શેઠના બંગલે લઈ ગયા. શેઠે પોતાની પત્નીને સાજા કરવા પ્રાર્થના કરી ત્યારે પૂજ્યશ્રી નારાયણભાઈએ કહ્યું કે હું તો શ્રીજીમહારાજને પ્રાર્થના કરું. મંદવાડ મટાડવો એ તો તેમના હાથમાં છે પણ ત્યાં સુધી હું તમને આ શ્રીજીમહારાજની મૂર્તિ આપું છું તેની આગળ રોજ દીવો કરજો ને શેઠાણીબા જે કંઈ પણ જમાડે તે આ ભગવાનની મૂર્તિને ધરાવી પછી જમે. શેઠ કહે ભલે. દિવ્ય ઉપચાર શરૂ થયો ને થોડા જ દિવસમાં અસર દેખાવા લાગી. ટૂંક સમયમાં શેઠાણી બિલકુલ સાજા થઈ ગયાં ને શેઠને પૂજ્યશ્રી નારાયણભાઈનો ગુણભાવ આવ્યો. શેઠને જ્યારે ખબર પડી કે પૂજ્યશ્રી નારાયણભાઈએ ડી. ટી. સી. કરેલું છે ને નોકરીની શોધમાં છે ત્યારે તેમણે પોતાની મિલમાં જ ડાઈંગ આસિસ્ટન્ટ તરીકે મહિને રૂ.350ના પગારથી રાખી લીધા. તે વખતે પૂજ્યશ્રી નારાયણભાઈના ઉપરી ડાઈંગ માસ્ટર મિસ્ટર ભટ્ટ કરીને હતા. તેઓ ડાઈંગ માટે વપરાતા રંગની ખરીદીમાં કમિશન લેતા. આથી તેમણે પૂજ્યશ્રી નારાયણભાઈને પણ વધારે કમિશન આપતી કંપનીના રંગ હલકી ગુણવત્તાના હોવા છતાં ખરીદવાની ભલામણ કરવા કહ્યું. આ મુક્તરાજ માટે તો આ વાત શક્ય હતી જ નહિ. એટલે નોકરી છોડવાનો નિર્ધાર કરી ઘેર આવતા હતા ત્યાં રસ્તામાં આવતી સરસ્વતી વિદ્યામંડળની શાળા બહાર શિક્ષકોની ભરતી માટેની લાઈન જોઈ. મુક્તરાજ પણ લાઈનમાં ઊભા રહી ગયા અને ઇન્ટરવ્યૂમાં પસંદ થયા. સરસ્વતી વિદ્યાલયમાં ગુણવત્તા ને પ્રામાણિકતાનું ઊંચું ધોરણ જણાતા નોકરી સ્વીકારી લીધી. અહીં તેમને પગાર મહિને રૂ.60નો હતો અને વાર્ષિક રૂ.5નો પગાર વધારો મળતો. આ શાળા સરસપુર વિસ્તારમાં હોવાથી ઘર પણ આ જ વિસ્તારમાં ભાડેથી લીધું. શિક્ષક થયા એટલે વડોદરા જઈ બી. ટી. (બેચલર ઇન ટિચિંગ) કર્યું. ભારતના ભૂતપૂર્વ નાણામંત્રી શ્રી એચ. એમ. પટેલ તથા જાણીતા કેળવણીકારો શ્રી હરભાઈ ત્રિવેદી અને રઘુભાઈ નાયક સરસ્વતી વિદ્યામંડળના મુખ્ય સંચાલકો હતા. પૂજ્યશ્રી નારાયણભાઈની કાર્યદક્ષતા તથા વહીવટી સૂઝથી તેઓ ઘણા પ્રભાવિત થયા ને તેમને સરસ્વતી વિદ્યમંડળની જ જે. એન. વિદ્યાલય કન્યાશાળામાં આચાર્યપદ સોંપ્યું. નિષ્ઠાવાન તથા ઉચ્ચ ચારિત્ર્યવાન આચાર્ય તરીકે સેવા બજાવી પૂજ્યશ્રી નારાયણભાઈએ ઉજ્જવલ આદર્શો સ્થાપ્યા. સહકાર્યકર તથા વિદ્યાર્થીઓ મુક્તરાજનો કેવળ આદર્શ આચાર્ય તરીકે જ નહિ, બલ્કે એક મહાન સંત તરીકે પણ આદર કરતા. કોઈ પણ કાર્ય કરતા પહેલાં તેઓ મુક્તરાજના આશીર્વાદ લેવા આવતા. મુક્તરાજ પણ સ્ટાફના સભ્યોને પરિવારના સભ્યોની જેમ જાળવતા અને વિદ્યાર્થીઓ પર કરુણાદૃષ્ટિ રાખતા. દયાળુ સ્વભાવ છતાં તેઓ સત્યનિષ્ઠા, પ્રામાણિકતા, ચારિત્ર્યશીલતા ને કડક શિસ્તપાલનના આગ્રહી હતા. ભણવાની સાથે અધ્યાત્મની વાતો થઈ જાય, છતાં ય વિદ્યાર્થીને વિષય ભણવાનો સતત ઉત્સાહ રહે એવી મુક્તરાજમાં સમજાવવાની કળા હતી.
દરેક વિદ્યાર્થી મર્યાદામાં રહીને જ વર્તન કરે તેની તેઓ તકેદારી રાખતા. તેમની હાજરીમાં કોઈ મર્યાદા બહારનું વર્તન કરી શકતું નહિ, તેવો તેમનો પ્રભાવ હતો. શિસ્તપાલનની સાથે વિદ્યાર્થી નીડર અને સાહસિક બને તે પણ મુક્તરાજ જોતા. એક વખત પર્યટનમાં ગયા હતા ત્યારે રાત્રે એક ગામમાં ઉતરવાની ક્યાંય વ્યવસ્થા ન મળતા વિદ્યાર્થીઓને કબ્રસ્તાનમાં લઈ ગયા અને કહ્યું, "જેમ આ બધા સૂતા છે, તેમ આપણે પણ ભગવાનનું નામ લઈ ગભરાયા વગર સૂઈ જઈએ. ભગવાન કોઈને કાંઈ થવા નહિ દે. હિંમત રાખી બધા સૂઈ જાવ." વિદ્યાર્થીઓ મુક્તરાજનો સંત તરીકે આદર કરતા, આથી તેમના વચનમાં વિશ્વાસ રાખી, ભગવાનનું નામ લઈ નિર્ભય થઈ બધા સૂઈ ગયા. મુક્તરાજ વિદ્યાર્થીઓને નીડર તથા હિંમતવાન બનવાનું કહેતા અને તેઓનો સર્વાંગી વિકાસ થાય તેવું આયોજન પણ કરતા.
શાળામાં દરેક જીવનું કલ્યાણ થાય અને ચોમેર પ્રભુની દિવ્યતા પ્રસરે તે હેતુથી મુક્તરાજ પાણીની ટાંકીમાં ચરણરજ નંખાવતા અને દરેક જણ તે પાણી પીવાના ઉપયોગમાં લે તેવો આગ્રહ રાખતા. તેમની શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન તેમના રિસર્ચ પેપર 'મોડર્ન એજ્યુકેશન થિયરી વીથ રિસ્પેક્ટ ટુ ટિચિંગ'ને રાષ્ટ્રીય એવૉર્ડ પણ એનાયત થયો હતો.
સંપૂર્ણ નીતિવાન રહી પોતાના આદર્શો ને સિદ્ધાંતો અનુસાર જ કાર્ય કરી ઈ. સ. 1977માં મુક્તરાજે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. ટ્રસ્ટના સભ્યોએ મુક્તરાજને વધુ સમય શાળાનું સંચાલન કરવા વિનંતી કરી, પરંતુ મુક્તરાજના મનમાં હવે આધ્યાત્મિક કાર્યો તરફ વધુ ઝોક આપવાનો વિચાર હોવાથી ટ્રસ્ટના સભ્યોને પ્રેમપૂર્વક ના પાડી દીધી. મુક્તરાજ નિવૃત્ત થયા ત્યારે શાળાના દરેક સભ્યોનાં મન ખિન્ન ને નેત્રો સજળ હતાં. તેઓ જાણતા હતા, દરેકનું ધ્યાન રાખનારા આવા પ્રેમાળ આચાર્ય તેમને હવે ક્યારેય નહિ મળે! આશરે 29 થી 30 વર્ષ સુધી શિક્ષણક્ષેત્રમાં સેવા બજાવી અનેકનાં જીવનઘડતર કર્યાં.
મુક્તરાજના હાથ નીચે અભ્યાસ કરી ચૂકેલા અનેક વિદ્યાર્થીઓ અત્યારે જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા છે. વર્ષો બાદ તેમાંના કેટલાકને અનાયાસે જ મુક્તરાજનો ભેટો થઈ જાય ત્યારે મુક્તરાજને ઓળખી તેમને વંદન કરીને કહેતા કે સાહેબ! અમે જે કંઈ છીએ તે આપના જ માર્ગદર્શન ને કેળવણીનું તથા શુભાશીર્વાદનું પરિણામ છે. આપે તો અમારું સમગ્ર જીવન જ પલટી નાખ્યું. આવાં ઉદાહરણો દર્શાવે છે કે મુક્તરાજનું શિક્ષણક્ષેત્રમાં કેવું અપૂર્વ યોગદાન હતું!