૩. દ્વિતીય વર્તમાન : માટી (માંસાહાર-હિંસા)નો ત્યાગ

0:000:00

માટી એટલે શું?

સૌ પ્રથમ માટીનો સ્થૂળ અર્થ જોઈએ.

માટી અર્થાત્ માંસ. સત્શાસ્ત્રોમાં પશુ-પક્ષીના લોહી-માંસનો આહાર કરવાનો નિષેધ કરેલો છે. એ પશુ-પક્ષી-માછલી વગેરેની હિંસા બીજાએ કરી હોય તો પણ એ નરક તુલ્ય માંસ ભક્ષણ કરવાથી ખાનારના મનમાં હિંસકવૃત્તિનો ઉદભવ થાય છે. કોઈને થોડે અંશે તો કોઈને વધુ અંશે હિંસકવૃત્તિ ઉદભવે છે. હિંસા કરનાર, કરાવનાર, હિંસા કરવાની પ્રેરણા, પ્રોત્સાહન કે અનુમોદન આપનાર તથા હિંસા થયેલ પશુનું માંસભક્ષણ કરનાર, આ બધાને હિંસારૂપી પાપકર્મનું બંધન થાય છે. પછી એ કર્મનું ફળ ભોગવવામાંથી કોઈ છટકી શકતું નથી. આ લોકમાં સત્તા ને પૈસા દ્વારા વ્યક્તિ કોઈક સજામાંથી છટકી જઈ શકે, પરંતુ કુદરતના કર્મના સિદ્ધાંતના નિયમમાંથી, તે નિયમ મુજબ થતી શિક્ષામાંથી કોઈ છટકી શકતું નથી. ત્યાં તેની સત્તા, શક્તિ, સંપત્તિ, અધિકાર કે લાગવગ કોઈ જ કામમાં આવી શકતાં નથી. આમ સર્વવ્યાપી સર્વશક્તિમાન-સર્વાંતર્યામી પ્રભુએ રચેલ સૃષ્ટિમાં કર્મના નિયમો અફર છે. તેમાં કેવળ પ્રભુ અથવા તેમના મુક્તપુરુષ જ હસ્તક્ષેપ કરી શકે છે, પરંતુ તેઓ પણ અનિવાર્ય વિશિષ્ટ કિસ્સામાં જ તેમ કરે છે. અન્યથા બિનજરૂરી ફેરફાર કરતા નથી.

માંસાહારથી રજોગુણ ને તમોગુણની વૃદ્ધિ થાય છે. તેથી મનમાં વિષય-વાસના, ક્રોધ, વૈરભાવ, ઈર્ષા-દ્વેષ, માનસિક જડતા વગેરે વિકૃતિઓ જન્મે છે. આધ્યાત્મિક સુક્ષ્મ સમજણ ને ગ્રહણશક્તિનો અભાવ વર્તે છે. મનની સાત્ત્વિકતા ને પવિત્રતા ખંડિત થાય છે. સાંપ્રતકાળે જગતમાં થઈ રહેલ મોટા પ્રમાણમાં હિંસા, આતંકવાદ, વૈરબુદ્ધિ, કુસંપ, ભ્રષ્ટાચાર વગેરે માંસાહાર અને દુર્વ્યસનોને આભારી છે. તેનો સમાજમાં સમજુ કહી શકાય તેવી દરેક વ્યક્તિ સ્વીકાર કર્યા વગર નહિ રહે.

આપણે સિંહ, વાઘ, ચિત્તો, રીંછ વગેરે હિંસક પ્રાણીઓનું અવલોકન કરીશું તો તેઓ ક્રોધી, વિકરાળ ને હિંસક જણાશે, અશાંત જણાશે. કારણ કે તેઓ માંસાહારી પ્રાણીઓ છે. જ્યારે મહાકાય ને શક્તિશાળી પ્રાણી હાથી શાકાહારી હોવાથી શાંત જણાય છે. આ તફાવત આહારને લઈને છે. પાશ્ચાત્ય દેશોમાં માંસાહાર તથા દારૂ-ડ્રગ્સ વગેરે કેફી દ્રવ્યોનું પ્રમાણ આપણા દેશ કરતાં અનેકગણું વધારે છે. તેથી ત્યાંની પ્રજામાં સત્ત્વગુણ કરતાં રજોગુણ-તમોગુણનું પ્રમાણ વધુ છે. ત્યાંના લોકો ભૌતિક સિદ્ધિઓમાં આગળ છતાં આધ્યાત્મસંસ્કારની દૃષ્ટિએ પશુકોટિનું જીવન જીવતાં જણાય છે. ત્યાંની પ્રજામાં Free Sex - સ્વૈરવિહાર, સ્વછંદીપણું, હિંસા, વ્યભિચાર, ખુનામરકી, બળાત્કાર, ચોરી વગેરેના કિસ્સાઓનું પ્રમાણ ઘણું બધું છે. આપણા દેશમાં થતા હિંસા, બળાત્કાર, ખુનામરકી વગેરે ગુનાઓ પાછળ પણ કેફી પદાર્થોનું સેવન તથા માંસાહારનો વિશેષ ફાળો છે, એવું સંશોધકોનું તારણ છે. શાકાહારી તથા ધાર્મિક ને પવિત્રપણે જીવન જીવતી વ્યક્તિઓમાં ગુનાઓનું પ્રમાણ અલ્પ છે.

ઘણા લોકો પોતાની જાતને Higher class of the society - સામાજિક ઊંચા દરજ્જાના માને છે. તેઓ ઘણી વખત માંસભક્ષણ તથા કેફી પદાર્થોના સેવનને ફૅશન તરીકે અપનાવે છે. માંસ નહિ ખાનારને જુનવાણી, નમાલા, વેવલા ગણે છે. માંસભક્ષણ તથા કેફી પદાર્થોની લતે ચડી હિંસા, વ્યભિચાર, બળાત્કાર, ચોરી, છેતરપિંડી, અપહરણ, ગરીબોનું શોષણ કરવું, જુગાર રમવો વગેરે અનેક પ્રકારના ગુનાઓનું આચરણ કરે છે. એમાં પોતાની મોટાઈ માને છે, પરંતુ તેઓ એ સમજતા નથી કે તેઓ પોતાની પાછળની પેઢીને પણ એમની સાથે અધઃપતન ને અંધકારમય ભાવિ તરફ દોરી રહ્યા છે! મોટી વયે કે મૃત્યુ સમયે જ્યારે પોતે કરેલી ભૂલોનું ભાન થાય છે, ત્યારે ઘણું મોડું થઈ ગયેલું હોય છે. પોતાની પ્રજા પણ તેમના તરફથી મોં ફેરવી લે છે. પછી તેમના જીવનમાં અફસોસ, પસ્તાવો ને નિરાશા સિવાય કંઈ શેષ રહેતું નથી. હવે પશ્ચિમના લોકો પણ અતિ ભૌતિકતાથી કંટાળીને આપણી આધ્યાત્મિકતા તરફ આકર્ષાઈ રહ્યા છે. માનસિક શાંતિ ઝંખી રહ્યા છે, ત્યારે આપણે આપણી ઉજ્જવલ સંસ્કૃતિને વિસારી એમની અંધકારની ઊંડી ગર્તામાં ધકેલી દેનારી સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકતાં અચકાતા નથી. આ ખરેખર શરમજનક છે! ત્યાંના લોકો આપણી ભારતીય સંસ્કૃતિનો આદર કરી મનની શાંતિ માટે ધ્યાન, યોગ, પ્રભુભક્તિ, શાસ્ત્રીય સંગીત, કલા-સાહિત્ય તરફ વળી રહ્યા છે અને દુર્વ્યસનો તથા માંસભક્ષણનો ત્યાગ કરી શુદ્ધ શાકાહારી બની રહ્યા છે. આ ખરેખર નોંધપાત્ર બાબત છે.

ઘણા લોકો એવી માન્યતા ધરાવે છે કે માંસભક્ષણથી શરીર પુષ્ટ અને તંદુરસ્ત બને છે, શાકાહારી કરતાં માંસાહારી લોકો વધુ શક્તિશાળી હોય છે. આ વાત સદંતર અસત્ય છે. કેમ જે વૈજ્ઞાનિકોએ જ સાબિત કર્યું છે કે સિંગદાણામાં માંસ કે ઈંડાં કરતાં પાણી સિવાયના બધા જ પોષક તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે. સાથે સાથે માંસ ભક્ષણ કરનારા એ વાત ભૂલી જાય છે કે માંસાહારને લઈને ઉદભવતી પાશવિક વૃત્તિ પશુતા તરફ જ લઈ જાય છે. પાશ્ચાત્ય રમતો જેવી કે ફ્રી સ્ટાઈલ કુસ્તી, કરાટે, બોક્સિંગ - મુક્કાબાજી વગેરે રમતોમાં એકલી હિંસકવૃત્તિના પ્રદર્શન સિવાય બીજું શું જોવા મળે છે? બે સાંઢોની સાઠમારી જેવું જ દૃશ્ય લાગે! વિચારશીલને તો એમાં નરી પશુતા જ જણાશે!

કેવળ ભૌતિક વિકાસ એ જ માનવસમાજનો સાચો વિકાસ નથી. કારણ કે ગમે તેટલો ભૌતિક વિકાસ થાય, અંતે તેનો નાશ નિશ્ચિત છે. ચૈતન્યનો આધ્યાત્મિક વિકાસ, ચેતનાની ઊર્ધ્વગતિ, પૂર્ણતાની પ્રાપ્તિ પ્રત્યે થતી પ્રગતિએ જ માનવજીવનનો સાચો વિકાસ છે. ચૈતન્યના આધ્યાત્મિક વિકાસનો કદીયે નાશ નથી થતો, માટે એ જ સાચી ઉત્ક્રાંતિ છે.

મેડકાવ (madcow) ઉપર એક જાણવા જેવો ન્યુઝરિપોર્ટ હતો કે કાચા માંસમાં તો હોય જ છે, પરંતુ રાંધેલા માંસમાં પણ રોગના વાઈરસ (જીવાણુઓ) રહેલા હોય છે, જે અનેક પ્રકારના રોગો નોતરવામાં કારણભૂત બને છે. રોગી પશુઓને તેમની સારવાર માટે ભારેભારે એન્ટિબાયોટિક્સ દવાઓ આપવામાં આવતી હોય છે. એવા પશુઓનું માંસભક્ષણ કરનારના લોહીમાં પણ એ દવાઓની આડઅસર ભળે છે. તેથી જ્યારે એવું માંસભક્ષણ કરનારને કોઈ રોગ લાગુ પડે તો તેને ભારે એન્ટિબાયોટિક્સ દવાઓ પણ અસર કરી શકતી નથી. અંતે તેવો રોગી મોતના મુખમાં ધકેલાઈ જાય છે. વૈજ્ઞાનિકોએ એવું પણ શોધ્યું છે કે પશુની જ્યારે હિંસા કરવામાં આવે છે, ત્યારે તેમાં ભય ને ગભરાટને લઈને ધ્રૂજારી છૂટે છે અને તેની અંત:સ્રાવી ગ્રંથિઓમાંથી અમુક પ્રકારના હોર્મોન્સ લોહીમાં ભળે છે. જેમ કે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનલીન, નોરએડ્રિનલીન, કોર્ટીકોસ્ટીરોઈડ વગેરે ભળે છે. એવા ટોક્સીન્સવાળા ઝેરીલા લોહી-માંસના આહારથી માંસભક્ષણ કરનારને માનસિક વિકૃતિઓ તથા મનોદૈહિક રોગો જન્મે છે.

આ પૃથ્વી ઉપર દરેક જીવપ્રાણી માત્રને જીવવાનો સમાન હક છે. ઈકોલોજી શાસ્ત્ર પ્રમાણે દરેક જીવ એ પ્રકૃતિના વિશાળ ચક્રનો પૂર્જો-હિસ્સો છે. એના અકુદરતી વિનાશથી કુદરતની સંતુલા ખોરવાઈ જાય છે. એટલે અનેક પ્રકારની કુદરતી હોનારતો ને આફતો વધતી જાય છે, જેનો અવારનવાર આપણે અનુભવ કરીએ છીએ. નિર્દોષ પશુની હિંસા કરી તેના માંસનું ભક્ષણ કરે એટલે કર્મના નિયમ મુજબ એ હિંસાકાર્યનું પાપ લાગ્યા વગર રહે જ નહિ. ભગવદ્ગીતામાં કહેલું છે કે ‘कर्मणां गहनां गति:’ કર્મની ગતિ અતિ ગહન છે. પ્રભુની સર્વવ્યાપી અન્વયશક્તિ દ્વારા સારા-નરસા દરેક કર્મોનો Record - નોંધ થઈ જ જાય છે. જીવાત્માને કર્મબંધન સૂક્ષ્મ સંસ્કારોરૂપે તેના કારણશરીર સાથે વળગી જાય છે. તેનું ફળ તેણે અવશ્ય ભોગવવું પડે છે. નિર્દોષ પશુને જ્યારે કોઈ મારે, ત્યારે તેની ચેતનાને અસહ્ય પીડાનો અનુભવ થાય છે. જ્યારે એ પશુનો ચૈતન્ય તેના પશુશરીરથી અલગ થાય છે, ત્યારે તેને જ્ઞાન થાય છે કે અમુક વ્યક્તિએ તેની હત્યા કરેલી છે. તેથી તે નિસાસો નાંખીને હિંસા કરનારને શ્રાપ આપે છે. તે શ્રાપનું દુઃખરૂપ ફળ હિંસા કરનારને, હિંસા કરવામાં મદદરૂપ થનારને, હિંસાને પ્રોત્સાહન કે અનુમોદન આપનારને અને માંસભક્ષણ કરનારને એમ બધાને ભોગવવું પડે છે. પશુની હિંસાથી તેની યોનિમાં રહેલા જીવને જેટલા આયુષ્યનો ભોગવટો લખ્યો હોય - નિયત થયેલો હોય, તેમાંથી હિંસા દ્વારા તેનું વહેલું મૃત્યુ થવાથી તે યોનિમાં જીવને ફરી જન્મવું પડે છે. તેથી તે જીવની ઉત્ક્રાંતિમાં વિલંબ થવાના નિમિત્ત બનવાનું પાપ પણ હિંસા કરનારને લાગે છે. માંસ ખાનારની રાક્ષસી વૃત્તિઓ વૃદ્ધિ પામે છે. માંસ ખાનારે જે પશુનું માંસ ખાધું હોય, તે પશુની જ્યારે હિંસા કરવામાં આવી હોય એ વખતની પશુની કારમી પીડાનો જો ઊંડા ઊતરી વિચાર કરવામાં આવે અને પોતાની જાતને તેની જગાએ જુએ-કલ્પે તો એ પ્રકારના વિચારથી જ તેના માંસભક્ષણમાં રહેલી અભિરૂચિ ચોક્કસપણે ઓછી થઈ જાય. માંસાહારીએ આ પ્રયોગ ભાવાત્મકપણે કરવા જેવો છે. જે વ્યક્તિ ખરેખર માંસાહારને ત્યાગી ને શાકાહારી થવા માંગતી હોય તેના માટે આ પ્રયોગ ઉપયોગી થઈ શકે છે.

ઘણા લોકો એવી દલીલ કરતા જોવામાં આવે છે કે જેમ પશુ-પક્ષીમાં જીવ છે, તેમ વનસ્પતિમાં પણ જીવ છે, તો તે વનસ્પતિના ભક્ષણથી પણ જીવહિંસા થયેલી ગણાય અને તેનું પણ પાપ લાગવું જોઈએ. તો એ બિનપાયેદાર દલીલનો ઉત્તર એ છે કે આપણા ભૌતિક શરીરના પોષણ માટે જે જે ખાવા લાયક ને પોષક વનસ્પતિ છે તેને પ્રભુએ જ પ્રકૃતિમાતા દ્વારા આપણા માટે સર્જેલી છે. તેમાં પણ અતિ રજોગુણ કે તમોગુણની વૃદ્ધિ કરે અને તન-મનના સંતુલન ઉપર વિપરિત અસર કરે તેવી વનસ્પતિના આહારનો સત્શાસ્ત્રોમાં નિષેધ કરેલો જ છે. માટે વનસ્પતિના આહારમાં પણ વિવેક રાખવો આવશ્યક છે. દા.ત. ડુંગળી, લસણ વગેરે વનસ્પતિમાં અમુક ડૉક્ટરો અને વૈદ્યોના મંતવ્ય પ્રમાણે કેટલાંક ઔષધીય ગુણો છે, જે શારીરિક રીતે ઉપયોગી હોઈ શકે, પણ માનસિક-આધ્યાત્મિક દૃષ્ટિએ ખૂબ જ નુકસાનકારક છે. જેમ કે, હૃદય-રોગની બીમારીમાં લસણ ઉપયોગી છે, પણ લસણના સેવનથી મન રજોગુણ-તમોગુણ તરફ વળે છે. જેથી વિષયો ભોગવવાની ઇચ્છા થાય છે તથા ક્રોધ અને તાણની વૃદ્ધિ થાય છે. સરવાળે હૃદયના તેમ જ સમગ્ર આરોગ્યને વધુ નુકસાનકારક છે અને આધ્યાત્મિક પ્રગતિમાં પણ અવરોધરૂપ થાય છે. ઘણા એવી ગેરવ્યાજબી દલીલ કરતા હોય છે કે જો તે ન ખાઈ શકાય તો કુદરતે તેનું સર્જન શું કામ કર્યું હશે? અરે! કુદરતે તો ધતૂરો, આકડો, થોર વગેરે વનસ્પતિ પણ બનાવી છે, પણ તેનું ભક્ષણ કોઈ નથી કરતા. કારણ કે તે પ્રાણનાશક બની શકે છે. માટે આવી દલીલો નિરર્થક છે. માનવને પ્રભુએ સાર-અસાર, યોગ્ય-અયોગ્ય પારખવાની વિવેકશક્તિ પ્રદાન કરેલી છે. તેનો સદુપયોગ કરવો ઘટે. માટે મનને સાત્ત્વિક રાખે અને શરીરને પૂરતું પોષણ મળી રહે તેટલો જ વનસ્પતિનો આહાર યોગ્ય છે. વનસ્પતિનો આહાર કરવો તે મનુષ્ય માટે સૃષ્ટિકર્તા પરમેશ્વર દ્વારા જ નિર્મિત થયેલું છે. તેમ હોવાથી તેનો આહાર બાધ કરતો નથી. કુદરતે મનુષ્યના મુખ અને દાંતની રચના પણ શાકાહાર માટે જ કરી છે. માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, વરૂ, ચિત્તા, દિપડા વગેરેના દાંતની ને મુખની રચના માંસાહારને અનુકૂળ છે, જ્યારે શાકાહારી પ્રાણીઓ તથા મનુષ્યના દાંત તથા મુખની રચના શાકાહારને જ અનુકૂળ છે. શાકાહારથી મન ધીમે ધીમે સાત્ત્વિક બને છે. અંતઃકરણ સાત્ત્વિક બને, શુદ્ધ બને ત્યારે તેની સૂક્ષ્મ આધ્યાત્મિક રહસ્યોને ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. અંતઃકરણની શુદ્ધિ આહારશુદ્ધિ ઉપર અવલંબે છે. અંતઃકરણ સાત્ત્વિક બને એટલે તેની જડતા ઓછી થઈ ગ્રહણશક્તિ વધે છે. અને આધ્યાત્મિક રહસ્યો ગ્રહણશક્તિને લીધે ઉકેલાતાં ચેતનાની આધ્યાત્મિક ઉત્ક્રાંતિ ત્વરિત ગતિથી થાય છે.

વનસ્પતિનો આહાર કરવાથી વનસ્પતિની હિંસા થયેલી નથી ગણાતી. કારણ કે વનસ્પતિમાં રહેલ ચૈતન્યમાં તેની ચેતનામાં જડાંશ-જડતાનું પ્રમાણ વિશેષ રહેલું છે, તેથી તેને તોડવાથી કે કાપવાથી પીડાનો અનુભવ નથી થતો. વનસ્પતિ-ચેતનામાં બુદ્ધિ, વિવેક, વિવિધ માનસિક લાગણીઓનો વિકાસ થયેલો હોતો નથી. તેમાં કેવળ પ્રકૃતિસહજ વિકાસ થાય છે એટલું જ. અમુક વૈજ્ઞાનિકોએ પ્રયોગ દ્વારા નોંધ્યું છે કે વનસ્પતિને અમુક પ્રકારના સંગીત દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિતરંગો તથા અમુક પ્રકારના સ્પર્શનો અનુભવ થાય છે. વનસ્પતિમાં જીવાત્મા તો છે જ તેથી ધ્વનિ કે સ્પર્શના તરંગોની તેની ઉપર અસર સ્વાભાવિક રીતે થાય છે, પણ તેથી એવું સાબિત ન થઈ શકે કે તેમને પ્રાણીની જેમ પીડાનો પણ અનુભવ થાય છે. કારણ કે વનસ્પતિમાં સુખ-દુઃખની લાગણીનો અનુભવ થાય તેટલી ચેતના તેમાં વિકસેલી હોતી નથી. સંગીતના ધ્વનિ કે સ્પર્શના તરંગોથી કદાચ તેનામાં કંપનો થાય એ શક્ય છે, પરંતુ તેને કાપવાથી પીડાનો અનુભવ થાય કે પંપાળવાથી સુખ-શાંતિનો અનુભવ થાય છે, એમ કહી ન શકાય. એમ તો સંગીતના ધ્વનિ તરંગોથી જડ પદાર્થના પરમાણુઓમાં પણ કંપન થઈ શકે છે.

ઘણા લોકો એવી પણ દલીલ કરતા હોય છે કે દૂધ છે એ પણ પ્રાણીજ્ય- Animal product છે, તે પ્રાણીના લોહીમાં રહેલ પોષક દ્રવ્યમાંથી બને છે. માટે દૂધ ન લેવું જોઈએ. ઈંડાંના આહારની જેમ દૂધનો આહાર પણ માંસાહારમાં ગણાવો જોઈએ. ઈંડાંમાં જેમ પ્રોટિન, કાર્બોહાઈડ્રેટ્સ વગેરે તત્ત્વો છે, તેમ દૂધમાં પણ છે. તેથી બન્નેનો આહાર સરખો માંસાહાર ગણવો જોઈએ. આ ખ્યાલ ભૂલ ભરેલો છે. કારણ કે દૂધ એ માતાના સંતાન પ્રત્યેના વાત્સલ્ય ને પ્રેમભાવથી પ્રગટે છે. તેમાં માતાને કોઈ પીડાનો નહિ, પણ પ્રેમ અને વાત્સલ્યનો અનુભવ થાય છે. તે સંપૂર્ણ ને સાત્ત્વિક આહાર છે. બાળકના જન્મ વખતે તે પ્રથમ આહાર છે. આપણે ગાય, ભેંસ, બકરી વગેરેનું દૂધ પીએ છીએ અને તેમ કરવાનો માનવને અધિકાર પણ છે. કારણ કે મનુષ્ય હજારો વર્ષોથી આવા પ્રાણીઓનું પાલન-પોષણ ને રક્ષા કરતો આવ્યો છે. આ પશુઓ જાણે માણસ સાથે હજારો વર્ષોથી હળીમળી ગયાં છે. આવા પશુનો યોગ્ય રીતે ઉછેર તથા પાલન-પોષણ કરવાથી માનવને તેના દૂધનો ઉપયોગ કરવાનો અધિકાર છે. આવા પશુનું ધાવણ તેના વાછરડાંને પૂરતું મળી રહે, પછી જે વધારાનું હોય તેનો ઉપયોગ માણસે કરવાનો રહે છે.

ઈંડું એ પક્ષીના મૈથુનભાવ - Sexual feeling માંથી સજાર્યેલું છે. તેમાંથી બચ્ચું જન્મવાની સંભાવના પણ રહેલી છે. તેથી ઈંડાંનો આહાર હિંસા સાથે જોડાયેલો છે. ઈંડાંનો આહાર રજસ ને તમસ ઉત્પન્ન કરે છે. તેના આહારથી કામ, ક્રોધ વગેરે વિકારોને વધુ વેગ મળે છે. આધુનિક વૈજ્ઞાનિકો પણ જણાવે છે કે ઈંડાંના અમુક તત્ત્વો દ્વારા શરીરમાં કોલેસ્ટ્રોલ જેવાં હાનિકારક દ્રવ્યો દૂધની અપેક્ષાએ વધુ બને છે. ઘણા લોકો Artificially - અકુદરતી રીતે ફલન કરેલાં ઈંડાંને શાકાહારમાં ખપાવવાની કોશિશ કરે છે, તે યોગ્ય નથી. કારણ કે એ પ્રક્રિયામાં પણ પક્ષીને પીડા તો થાય જ છે. એ ઈંડાંમાંથી પોતાનું બચ્ચું જન્મશે એવી સહજ લાગણી તે પક્ષીને હોય છે, તેથી તે દુભાય છે, જે હિંસાકાર્ય જ ગણાય.

ઈંડાંમાં જીવ છે, જ્યારે દૂધમાં જીવ નથી. જે ઈંડાંનું ફલીનીકરણ ન થઈ શકે તે ઈંડું શાકાહારી છે તેમ માનવું ભૂલ ભરેલું છે. કારણ કે તેમાં પણ સુષુપ્ત બીજરૂપે જીવ રહેલો છે. અને જીવ છે કે નથી તે કોઈ પણ માઈક્રોસ્કોપથી જોવું શક્ય નથી, કારણ કે કોઈ પણ ભૌતિક માધ્યમ દ્વારા જીવ જોઈ શકાતો નથી. આ રીતે ઈંડાંનો માંસભક્ષણમાં સમાવેશ થઈ જાય છે. તેમ જ માછલાં, કરચલાં, અળસિયાં વગેરેનો આહાર પણ માંસાહાર છે. સાથે સાથે બરોબર સાફ ન કર્યાં હોય તેવાં ને ધનેડાં, ઈયળ વગેરે જીવાતવાળાં અનાજ, કઠોળ, ફળ, મેવા, સૂકામેવા વગેરે તથા ગાળ્યા વગરના પાણી, દૂધ, ઘી, તેલ વગેરે પ્રવાહીનું સેવન પણ માંસભક્ષણ તુલ્ય છે. માટે એ પદાર્થોનો ઉપયોગ સારી રીતે સાફ કર્યા પછી જ કરવો જોઈએ. તે આહાર પણ શુદ્ધ-પવિત્રપણે તૈયાર કરી પ્રભુને અર્પણ કરી, ધરાવીને પ્રભુની મનમાં સ્મૃતિ સાથે શાંતચિત્તે ગ્રહણ કરવો જોઈએ. ભોજન તથા અન્ય પદાર્થો પ્રભુને ભક્તિભાવપૂર્વક ધરાવવાથી સર્વવ્યાપી પ્રભુ ભક્તના ભાવથી પ્રતિમા સ્વરૂપમાં આવિર્ભાવ પામીને ભક્તનો ભાવ ગ્રહણ કરે છે ને ભોજન સામગ્રી ઉપર પોતાની દિવ્ય દૃષ્ટિ કરીને તેને પ્રસાદરૂપ બનાવે છે. તેથી તે પદાર્થમાં રહેલ જડતા તથા રજસ-તમસ ગુણોની અસર ઓછી થઈ તે શુદ્ધ ને સાત્ત્વિક બને છે. તેવા આહારથી અંત:કરણ પણ સાત્ત્વિક બને છે. પ્રભુને ધરાવીને આહાર ગ્રહણ કરવાનું આ ગહન રહસ્ય છે. અશુદ્ધ પ્રક્રિયાથી તૈયાર કરેલાં બજારૂ ખાદ્ય પદાર્થો તેમજ કોઈને છેતરીને, દુભવીને કે છળકપટથી પચાવી પાડીને મેળવેલ ધનથી ખરીદેલું અન્ન કે ધાનનો આહાર પણ માંસભક્ષણ તુલ્ય જ ગણાય. શંકાસ્પદ ડૉક્ટરે કે વૈદ્યે આપેલું ઔષધ કે દારૂ તથા માંસના સંસર્ગવાળું ઔષધ પણ ગ્રહણ ન કરવું. અહીં શંકાસ્પદનો અર્થ એ છે કે કોઈ કેવળ સ્વાર્થી હેતુથી, દંભથી દર્દીને છેતરીને પૈસા પડાવવાના હેતુથી અનૈતિક ને ખરાબ આચરણવાળા વૈદ્યે તૈયાર કરેલું ઔષધ ગ્રહણ ન કરવું એવો હેતુ છે. આવા ઔષધના સેવનનો પણ માટીના અર્થમાં સમાવેશ થાય છે. અતિ અનિવાર્ય એવા રોગાદિ આપત્કાળ સિવાય વિશ્વાસપાત્ર ન હોય તેવા વૈદ્યો કે ડૉક્ટરોનું ઔષધ લેવું તે ઉચિત નથી. એવા ઔષધથી શરીરનું આરોગ્ય સુધારવા જતાં મનનું આરોગ્ય જોખમાય છે. અર્થાત્ મન અપવિત્ર બને છે, જે સાધક માટે હિતાવહ નથી. સાંપ્રતકાળમાં અનેક પ્રકારના રોગોના ઈલાજ માટે મનુષ્યે હોસ્પિટલો-દવાખાનાઓ તથા અજાણ્યા ડૉક્ટરોનો સહારો પણ કેટલીક વાર લેવો પડે છે. તે દેશકાળ પ્રમાણે અનિવાર્ય પણ બને છે. આવા ઉપચારો બાદ શુદ્ધિરૂપે પ્રાયશ્ચિત ને પ્રભુને પ્રાર્થના કરવાથી શુદ્ધિ થઈ શકે છે. બને ત્યાં સુધી સારા ડૉક્ટરો કે વૈદ્યનો પરિચય મેળવી તેમની પાસે ઈલાજ કરાવવો વધુ ઉચિત છે. શરીર એનર્કનું દ્વાર નથી. એ પ્રભુ પ્રાપ્તિ માટેનું ઉત્તમ માધ્યમ છે. માટે તેની જાળવણી પ્રભુના મંદિરની જેમ કરવી જરૂરી છે. તેનો વધુ પડતો અનાદાર એ અવિવેક છે ને તે હાનિકારક નિવડે છે.

આ રીતે માંસભક્ષણનો ત્યાગ એ માટી ત્યાગના વર્તમાનનો સ્થૂળ અર્થ થયો. હવે આપણે તેનો સૂક્ષ્મ અર્થ સમજીએ.

માટીના ત્યાગનો અર્થ માત્ર સ્થૂળ હિંસાના ત્યાગમાં જ પૂર્ણ નથી થઈ જતો. એમાં તો મન-કર્મ-વચનથી થતી અનેક પ્રકારની સૂક્ષ્મ હિંસાઓનો પણ સમાવેશ થાય છે. દા.ત. ઈર્ષા, દ્વેષભાવથી કે પોતાના અહંને પોષવાની વૃત્તિથી કોઈની ઉપર ક્રોધ કરવો, કોઈને ઈજા પહોંચાડવી કે તેની લાગણીઓ દુભવવી. પોતાના સ્વાર્થ ખાતર કે માનસિક વિકૃતિથી પ્રેરાઈને કોઈને મનૌદૈહિક પીડા પહોંચાડવી તે હિંસાકાર્ય છે. અસત્ય વાણી વદવી, અપશબ્દો બોલવા, અશ્લીલ ભાષા વાપરવી કે ગાળો દઈ કોઈના હૃદયને ઠેસ પહોંચાડવી, કોઈને વિશે ભૂંડો સંકલ્પ કરવો, કોઈનું અહિત થાય તેમ વિચારવું અથવા આચરણ કરવું એ સર્વે હિંસા છે. કોઈની ગુપ્ત (ખાનગી) વાત પોતાના અંગત સ્વાર્થ ખાતર કે ઈર્ષા-દ્વેષના ભાવથી જાહેર કરવી, કોઈ ઉપર તેનો દોષ કે વાંકગુનો ન હોવા છતાં મિથ્યાપવાદનું આરોપણ કરવું, પારકાનો દ્રોહ થાય કે અહિત થાય એવું સત્યવચન બોલવું, કોઈના મર્મસ્થાન (કુણી લાગણીઓ)ને ભેદે એવી અપ્રિય, તિરસ્કારભરી ને રૂખી વાણી બોલવી એ હિંસા છે.

આરોગ્યના નિયમોનું આળસ-પ્રમાદને લઈને ઉલ્લંઘન કરી રોગાદિ માંદગીને આમંત્રણ આપવું, જેમ કે વધુ પડતો, અશુદ્ધ, અયોગ્ય આહાર-વિહાર કરવો, અતિ મૈથુન, અતિ વિષયભોગ કરવો, પોતાની શક્તિમર્યાદા કરતાં વધુ પડતો પરિશ્રમ કરવો, જ્યાં ત્યાં આરોગ્યને હાનિ પહોંચાડે તેવી જગ્યાએ પ્રયોજન વગર રખડવું, બિનઆરોગ્યપ્રદ આહાર કરવો, પોતાના રોગનો ચેપ બેદરકારીથી બીજાને લગાડવો એ સર્વે હિંસાના પ્રકારો છે. અનેક પ્રકારના દુર્વ્યસનો દ્વારા શરીર અને મનને વિકૃત કરી કષ્ટ આપવું, બીજાને પણ તેવા દુર્વ્યસનો તરફ યુક્તિપૂર્વક કે બળજબરી કરીને દોરી જવા એ હિંસા છે.

કોઈની ક્રૂર મજાક કે હાંસીમશ્કરી કરવી, કોઈને સમૂહમાં કે સમાજમાં હલકો પાડવો - નીચો દેખાડવો Humiliation કરવું કે તેનામાં લઘુતાગ્રંથી -Inferiority complex બંધાય તેવું વાણી-વર્તન કરવું, કોઈની ભૂલ કે દોષ ન હોવા છતાં તેના ભૂલ કે દોષ દેખાડવા એ બધી હિંસા છે.

ઘરમાં, ઘરની બહાર, આંગણામાં, બાગબગીચાઓમાં, રસ્તા ઉપર કે અન્ય જાહેરક્ષેત્રોમાં કચરો નાંખી ગંદકી કરવી, મળ-મૂત્ર કરવાં, જ્યાં-ત્યાં થૂંકવું વગેરે રીતે ગંદકીનું પ્રદૂષણ ફેલાવવું, બિનજરૂરી ને અવિવેકીપણે અયોગ્ય રીતે, અસભ્ય રીતે ઘોંઘાટ કરી, ધાંધલ-ધમાલ દ્વારા તથા વધુ પડતા મોટા અવાજે રેડિયો, ટી.વી., ટેપરેકોર્ડર, સંગીત વગાડી નાચગાન વગેરે દ્વારા ધ્વનિપ્રદૂષણ ફેલાવવું, બીડી, સિગારેટ, તમાકુ, અમુક પ્રકારના ઝેરીલા રસાયણો ને બળતણો દ્વારા તેના ધુમાડાથી પ્રદૂષણ ફેલાવવું, કેમિકલ્સ ફેક્ટરીઓ દ્વારા કાયદાની એસીતેસી કરીને વાયુનું કે જળનું પ્રદૂષણ ફેલાવવું તે બધા હિંસાના વિવિધ પ્રકારો છે.

સત્તાનો દુરુપયોગ કરવો, અધિકાર કરતાં સત્તાનો વધારે ઉપયોગ કરવો, કોઈને કોઈક કાર્ય નિમિત્તે વિશ્વાસ આપીને તેનો વિશ્વાસઘાત કરવો, આપેલા વચન - Commitment નું પાલન ન કરવું એ હિંસા છે.

પોતાની નિર્બળવાણી કે સૂચનો દ્વારા કોઈને હતોત્સાહી, નિરાશ કે નાહિંમત બનાવવો, વિવિધ ભય દેખાડીને માનસિક કે શારીરિક ત્રાસ આપવો એ હિંસા છે. કન્યાપક્ષ પાસે દહેજ પૈઠણની અયોગ્ય માગણી કરવી, તેને બોજારૂપ થવું તે વરપક્ષ તરફથી થતું હિંસા કાર્ય છે. કોઈની વધુ પડતી મહેમાનગતિ માણી તેને બોજારૂપ થવું, કોઈને બોલી કરતાં ઓછું મહેનતાણું આપવું, કોઈની પાસે ગજા ઉપરાંત પરિશ્રમ કરાવવો, કોઈનું શારીરિક, માનસિક કે આર્થિક શોષણ કરવું તે હિંસાકાર્ય છે. દેશદ્રોહ કરવો, દેશની મિલકતને કોઈ પણ પ્રકારે નુકસાન પહોંચાડવું, દાણચોરી, કાળાબજાર, કરચોરી, ભ્રષ્ટાચાર વગેરે દ્વારા દેશને નુકસાન પહોંચાડવું તે હિંસા છે. પૈસાના જોરે, સત્તા, અધિકાર કે લાગવગ દ્વારા કોઈને ગુલામી કરાવવી, ગુંડાતત્ત્વો કે પોલીસ દ્વારા અયોગ્ય - અસત્ય રીતે કોઈ ઉપર દમન ગુજારવું તે હિંસા છે. આધ્યાત્મિક માર્ગના સાધકને હિંમત રહિત નબળી વાત કરીને પ્રભુપ્રસન્નતાના સાધનો કરવામાં મોળો પાડવો તે પણ હિંસા છે. પોતાની જાતને કે અન્યને ખોટું માર્ગદર્શન આપી વધુ પડતાં આકરાં ને જડતાપૂર્વકના તપ, જપ, ઉપવાસ, પ્રાયશ્ચિત, દેહદમન, ઉજાગરા વગેરે કરવાં કરાવવાં તે હિંસા છે. દેહને નર્કનું દ્વાર નહિ ગણતાં પ્રભુનું મંદિર સમજી તેની યોગ્ય જાળવણી કરવી એ અહિંસા છે, એવી સમજણ કેળવવી જોઈએ.

કોઈ વ્યક્તિમાં મહાનગુણો ન હોવા છતાં, પોતાનો સ્વાર્થ કે હેતુ સિદ્ધ કરવા કે તેની મહોબત-શેહશરમમાં લેવાઈ જઈને તેના અતિશયોક્તિયુક્ત વખાણ-પ્રશંસા કે ખુશામત કરવાં તે એક પ્રકારની હિંસા છે. કારણ કે તેવી મિથ્યા ખુશામત દ્વારા તેનો અહં પોષાય છે તેથી તે વધુ દંભી બની, મિથ્યાભિમાની બની અનેક પ્રકારના અનર્થો આચરીને પોતાનું તથા અન્યનું પ્રેય ને શ્રેય બગાડે છે.

ઈર્ષા-દ્વેષથી કે માનસિક વિકૃતિથી પ્રેરાઈને બીજાને અંદર અંદર વૈરવૃત્તિ-વૈમનસ્ય જગાવીને લડાવી મારવા, ખોટા સમાચારો ફેલાવી કોમવાદ કે જાતિવાદ ભડકાવવો તે હિંસાના પ્રકારો છે. ડૉક્ટર કે વૈદ્ય દર્દીને ગેરમાર્ગે દોરે, અયોગ્ય કે બિનજરૂરી ઔષધ-સારવાર આપી વધુ પૈસા પડાવે, વકીલ કે ન્યાયાધિશ ખોટી દલીલો તથા ભૂલભરેલા ચૂકાદાથી નિર્દોષને સજા આપે તે હિંસા છે.

મનુષ્યની હિંસા તો કોઈ પ્રકારે ક્યારેય ન જ કરવી. એમ ભગવાન સ્વામિનારાયણ ભાર દઈને કહે છે. એનું કારણ એ છે કે જીવની - ચૈતન્યની ભૌતિક ઉત્ક્રાંતિમાં મનુષ્ય અવતાર એ છેલ્લું પગથિયું છે. દેવોને પણ દુર્લભ એવો મનુષ્યદેહ ગણ્યો છે. કારણ કે ચૈતન્યની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની સંભાવના કેવળ માનવશરીરમાં જ રહેલી છે. માટે મનુષ્યની ઘાત એ મોટું હિંસાકૃત્ય - પાપકર્મ છે. અમુક શાસ્ત્રોમાં આતતાયીને અર્થાત્ અતિ પાપીને ને હત્યારાને મારવો તેમાં હિંસા ન ગણાય તેમ કહેલું છે, પરંતુ એ વિચાર પણ પૂર્ણ રીતે યોગ્ય ન ગણાય. કારણ કે એવા પાપીને કેવળ સજા કરવા કરતાં સાથે સાથે સમજાવટ દ્વારા સુધરવાની તક આપવી વધુ યોગ્ય ગણાય. સાચા માર્ગદર્શનથી તે ક્યારેક વાલિયા લુટારામાંથી વાલ્મીકિ ઋષિ પણ બની શકે છે. માટે મનુષ્યની હિંસા એ બીજા જીવની હિંસાની અપેક્ષાએ મોટું પાપકર્મ છે અને તેનું દુઃખરૂપ ફળ પણ મોટું ભોગવવું પડે છે.

સ્ત્રીઓ, બાળકો કે યુવાનો પાસેથી તેના ભોળપણનો કે નિર્દોષપણાનો લાભ ઉઠાવી યુક્તિપૂર્વક કે બળજબરીથી ખોટાં, અનૈતિક કાર્યો કરાવવાં કે તેનું જાતીયશોષણ કે શારીરિક-માનસિક-આર્થિક શોષણ કરવું તે હિંસા છે.

સંત-મુક્તપુરુષનું કે સ્વયં પરમાત્માનું કોઈ ઘસાતું કે અણછાજતું બોલે અથવા નિંદા-ટીકા કે અપમાન કરે તેને નબળાઈપૂર્વક સાંભળી લે તો તે હિંસા છે. પોતે જો તેને રોકવા કે ટોકવા સમર્થ ન હોય તો ત્યાંથી ખસી જવું, પણ એ અધમ પ્રવૃત્તિને સાંખી લેવી નહિ. સમર્થ હોવા છતાં પાપીને પાપકર્મ કરતાં રોકે નહિ કે ટોકે નહિ અને પોતાની નજર સમક્ષ પાપકર્મ થવા દે કે અંધેર ચાલવા દે તે હિંસા છે. કારણ કે પાપીના પાપકર્મને તેણે મૂક સંમતિ આપી ગણાય. દા.ત. દુર્યોધન અને દુઃશાસને દ્રૌપદીના ચિર ખેંચ્યા ત્યારે ભિષ્મપિતા હાજર હતા ને સમર્થ હોવા છતાં કોઈ પ્રતિકાર કર્યો નહિ. તેમ કોઈની મહોબત કે શેહશરમમાં આવી જઈ ખોટા કાર્યને સમર્થન- અનુમોદન કે મૂક સંમતિ આપવી તે હિંસા છે. પોતાની સ્ત્રીનું દાન કરવું, કન્યાવિક્રય કરવો, પોતાના સંતાનોને વેચવા, બાળલગ્નો કરવાં, બળજબરીથી બાળકોને પરણાવવા, બાળમજૂરી કરાવવી એ સર્વે હિંસાના પ્રકારો છે. હવે તો સરકારે પણ બાળમજૂરીને ગેરકાયદે ગણેલી છે.

પોતાની પ્રતિષ્ઠાહાનિ થઈ હોય, અપમાન થયું હોય, કોઈ કાર્યમાં નિષ્ફળતા મળી હોય, કોઈ પ્રકારની શારીરિક, માનસિક, આર્થિક કે આધ્યાત્મિક મૂંઝવણ હોય કે કંઈક અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો તે નિમિત્તે પોતાને નાની-મોટી ઈજા પહોંચાડે કે આત્મઘાત કરે કે તેનો પ્રયાસ કરે તે હિંસા છે. પોતાના અયોગ્ય-અનૈતિક વાણી-વર્તન કે આચરણથી પ્રેરાઈને અન્ય લોકો તેનું અનુકરણ કરવા લાગે તો તે પણ હિંસા દોષ છે. મોટા પુરુષ દ્વારા થયેલ અધર્માચરણનું અનુકરણ ન કરવું તેમ શિક્ષાપત્રીમાં ભગવાન સ્વામિનારાયણ પણ જણાવે છે, કારણ કે દરેક મોટા સંતપુરુષ કાંઈ પૂર્ણ નથી હોતા તેથી ભૂલો થવાનો સંભવ તેમને પણ રહે છે.

પોતાના પ્રાણનો કે ધનનો નાશ થતો હોય, રાજાનો કે રોગચાળો ફાટી નીકળવો વગેરે ઉપદ્રવ હોય, જીવનું જોખમ આવી પડે તેવી પરિસ્થિતિ હોય, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવા ખરાબ ને પ્રતિકૂળ સંજોગો ઊભા થયા હોય તો તે સ્થાને આસક્તિપૂર્વક પડી રહેવું તે હિંસા છે. એવા વિપરિત સંજોગોમાં બીજા સુખમય ને શાંતિમય સ્થળે જઈ સુખે પ્રભુભજન કરવું હિતાવહ છે, પણ પ્રતિકૂળ સંજોગોમાં ત્યાં પડી ન રહેવું. જેને આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર હોય ને અખંડ દિવ્યસ્થિતિમાં વર્તતા હોય, તેમને કોઈ દેશકાળાદિ તેવી સ્થિતિમાંથી વિચલિત કરી શકતાં નથી. તેવા મુક્તપુરુષને આ વિધાન લાગુ પાડી શકાય નહિ, પરંતુ જેમને પરિપક્વ નિશ્ચય તથા સ્થિતિ ન થઈ હોય તેમને એ વચન ચોક્કસ લાગુ પડે છે.

પ્રભુપ્રાપ્તિને માર્ગે, સત્યને માર્ગેથી વિચલિત થઈ મન-ઇંદ્રિયો દ્વારા દોરવાઈને વિષયભોગને માર્ગે તથા દુરાચારને માર્ગે જઈ પોતાનું અધઃપતન કરવારૂપ પોતાના ચૈતન્યનું આત્મઘાતીપણું એ હિંસાનું અતિ સૂક્ષ્મરૂપ છે. કારણ કે દેવોને પણ દુર્લભ એવો મનુષ્યજન્મ મળ્યા પછી પ્રભુપ્રાપ્તિ ન થઈ શકે તો જન્મ સાર્થક થયો ન ગણાય. એટલે એ સૌથી મોટી ને સૌથી સૂક્ષ્મ હિંસા છે.

‘अहिंसा परमो धर्म:’ આમ અનેક પ્રકારની સ્થૂળ ને સૂક્ષ્મ હિંસાનો ત્યાગ કરી, સંયમી રહી અહિંસાનું દૃઢપણે પાલન કરવું એ માટીત્યાગના વર્તમાનનું યથાર્થ પાલન ગણાય.