૭. ઉપસંહાર
આમ પંચવર્તમાનના સ્થૂળ-સૂક્ષ્મ અર્થો બરોબર સમજી તેને જીવનના એક મહત્ત્વના અંગરૂપ બનાવી, આત્મસાત્ કરવા આપણે ખરા અંતઃકરણપૂર્વક પ્રયત્ન કરીશું તો આપણું પરમ શ્રેય થશે. અને સાથે સાથે આપણે એવા ઉત્કૃષ્ટ પ્રકારના આદર્શમય જીવનની મધુર સુવાસ આપણી આજુબાજુના સમાજમાં ફેલાવીને અન્યને પણ શ્રેયને માર્ગે વાળી શકીશું. આ પંચવર્તમાનના યથાર્થ પાલનમાં પ્રભુની પ્રસન્નતા ને કૃપા સમાયેલાં છે. તે આપણા ચૈતન્યની ઊર્ધ્વગતિ થવામાં અડચણરૂપ અનેક દોષો અને વિઘ્નોને દૂર કરી પરમપદની પ્રાપ્તિ કરાવે છે.
એક મુદ્દાની વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી એ છે કે ઉપર્યુક્ત પાંચેય વર્તમાનો એકબીજા સાથે સુસંગત ને એકબીજાના પૂરક છે. તેથી એકના લોપથી બીજાનો લોપ પણ થાય છે. માટે એ પાંચેય વર્તમાનોનું જાગૃત ચેતનાથી પાલન થાય તેમ વર્તવું જોઈએ. આ વર્તમાનના પાલનમાં ક્યારેક દેશ, કાળ, સંગ, ક્રિયા વગેરેના વિપરિત પ્રભાવથી ક્ષતિ જણાય તો તુરત જ જાગૃત થઈને પ્રભુપ્રાર્થના દ્વારા, મુક્તપુરુષના માર્ગદર્શન તથા આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણ દ્વારા, સમજણપૂર્વકના પ્રાયશ્ચિત્ત દ્વારા, આળસ-પ્રમાદનો ત્યાગ કરી દોષમુક્ત થઈ શ્રેયને માર્ગે ફરી પાછા ચડી જવું. તેથી ચૈતન્યની ઊર્ધ્વગતિ થવામાં વિઘ્ન ન આવે ને પ્રગતિ થાય.
મુમુક્ષુ સાધકના જીવનમાં દેશકાળને લઈને ક્યારેક ક્યારેક ભરતી-ઓટ થવાના પ્રસંગો બનતા રહે છે. અંત:કરણની શુદ્ધિ-અશુદ્ધિ પણ થયા કરે છે. તેમ છતાં તેનાથી નાહિંમત કદાપિ થવું ન જોઈએ. શૂરવીર થઈ દરેક પ્રકારની માનસિક નબળાઈઓને ખંખેરીને સતત જાગૃત ચેતનામાં રહીને પ્રગતિને પંથે પ્રયાણ ચાલુ જ રાખવું જોઈએ.
‘उतिष्ठ जाग्रत प्राप्यवरान्निबोधत - ઊઠો, જાગો અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકો નહિ. સ્વામી વિવેકાનંદજીનું આ વિધાન તથા
“હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતાં લેવું નામ જોને.”
કવિ પ્રિતમની આ પંક્તિઓની સ્મૃતિ હંમેશાં રહેવી ઘટે.
શુભમસ્તુ!