૬. પંચમ વર્તમાન : વટલવું નહિ ને વટલાવવું નહિ
વટલવું નહિ ને વટલાવવું નહિ, એટલે શું?
વટલવું નહિ ને વટલાવવું નહિ, અર્થાત્ વ્યક્તિએ પોતે દૂષિત થવું નહિ ને અન્યને પણ દૂષિત ન કરવા. પોતે શુદ્ધિ જાળવવી અને અન્યને શુદ્ધિ જાળવવામાં સહાયરૂપ થવું. એવી કોઈ પણ ક્રિયા કે આચરણ ન કરવાં, જેથી વ્યક્તિ પોતે દૂષિત થાય અને બીજાને પણ દૂષિત કરે. જેમ ફળથી ભરેલો ટોપલો હોય તેમાં એક પણ ફળ જો સડેલું હોય, બગડેલું હોય, તો સાથેના બીજા ફળોને પણ બગાડે છે. એ રીતે દૂષિત વ્યક્તિના સંગને લઈને અન્ય વ્યક્તિ પણ દૂષિત બને છે.
આ વર્તમાનમાં આંતરશુદ્ધિ તેમ જ બાહ્યશુદ્ધિ એમ બંને પ્રકારની શુદ્ધિનો સમાવેશ થાય છે. આભ્યંતર તેમ જ બાહ્ય શૌચ-શુદ્ધિ તો આધ્યાત્મિક જીવનનું પ્રથમ સોપાન છે. એ બંને પ્રકારના શૌચ વગર આધ્યાત્મિક જીવન શક્ય જ નથી. કેટલાક લોકો બાહ્યશુદ્ધિને વધુ મહત્ત્વ આપે છે ને આંતરશુદ્ધિ તરફ દુર્લક્ષ્ય સેવે છે. તે ગંભીર ભૂલ છે. આખો દિવસ નાહ્યા-ધોયા કરવું, દેહને જ શુદ્ધ રાખ્યા કરવો. “કોઈ અડકી જશે તો હું અશુદ્ધ થઈ જઈશ. એવા કૃત્રિમ ભય હેઠળ રહેવું.” મારી પૂજા-સામગ્રી, મારાં વસ્ત્રો તથા ખાદ્ય પદાર્થો વગેરેને કોઈ અશુદ્ધ મનુષ્ય, હલકાવર્ણનો માણસ કે કોઈ પશુ-પક્ષી અભડાવી જશે તો હું ભયંકર પાપમાં પડી જઈશ. આવી ચિંતામાં જ તેનો આખો દિવસ પસાર થઈ જતો હોય છે. એવી ચિંતામાં ને ચિંતામાં તેઓ જ્ઞાન-ધ્યાન-ઉપાસના-આરાધના, આત્મા-પરમાત્માના સ્વરૂપનું ચિંતન-મનન કરવું વગેરે પ્રભુપ્રાપ્તિના આધ્યાત્મિક સાધનોનો સૂક્ષ્મ અભ્યાસ નથી કરી શકતા.
એ પ્રકારની કેવળ ઉપર ઉપરની બાહ્યશુદ્ધિ અને સ્વચ્છતા જાળવવાથી આ લોકમાં તેની થોડી પ્રસિદ્ધિ થાય કે વાહ! આ ભગત તો ખરેખરા છે. તેઓ શોળે-બોળેની વિધિ તથા ધર્મ-નિયમ બહુ પાળે છે. તેઓ બહુ પવિત્ર છે. આ રીતે વખાણ થવાથી તે વ્યક્તિનો અહંકાર પોષાય છે ને તેથી પોતાની જાતને બીજા કરતાં વધુ મહાન માનતો થઈ જાય છે, પરંતુ આંતરિક રીતે કોઈ પ્રગતિ ન થવાથી આધ્યાત્મિક સ્થિતિની બાબતે શૂન્ય રહે છે. બહાર સ્વચ્છ ને અંતર મેલું હોય ત્યાં સુધી આધ્યાત્મિક વિકાસ કદીયે શક્ય ન બને. એમ તો જળમાં માછલાં આખો વખત નાહ્યા જ કરે છે. તેથીશું તેઓ આધ્યાત્મિક રીતે મહાન છે? બિલકુલ નહિ! તેઓજે સ્થિતિમાં છે, તેમ જ રહે છે. માટે બહારની શુદ્ધિ કે ટાપટીપ, આંતરશુદ્ધિ ન થાય ત્યાં સુધી એકડા વગરના મીંડાં જેવી વ્યર્થ છે.
કેટલાક લોકો આંતરશુદ્ધિને વધુ મહત્ત્વ આપીને બાહ્ય શુદ્ધિને સાવ ગૌણ લેખે છે. તેઓ પણ ભૂલ કરે છે. કારણ કે સાધનદશામાં આંતરશુદ્ધિ તેમ જ બાહ્યશુદ્ધિ એમ બંને પ્રકારની શુદ્ધિ અત્યંત આવશ્યક છે. જ્યારે આત્મા- પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ દિવ્ય સ્થિતિ થાય અને સિદ્ધમુક્તદશા આવે, પછી તેને કંઈ પણ અશુદ્ધિ નડી શકતી નથી. એવા સિદ્ધ પુરુષો પણ બીજાના ઉપદેશ માટે, ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરવા માટે બંને પ્રકારની શુદ્ધિના સાધનો કરતા જણાય છે.
કુદરતી હાજત, દંતમંજન, પવિત્રજળથી સ્નાન, હસ્ત-પાદ-મુખ પ્રક્ષાલન કરવું. સ્વચ્છ ને ધોયેલાં વસ્ત્રો પહેરવાં, પવિત્ર ને શુદ્ધ સ્થાનમાં શુદ્ધ આસન ઉપર બેસી પૂજા-પાઠ, જપ-તપ, ધ્યાન-ભજન વગેરે કરવું. એ રીતે બાહ્યશુદ્ધિ રાખવાથી મન શુદ્ધ, સાત્ત્વિક ને નિર્મળ બને છે. ચિત્ત પણ શાંત બને છે, તેથી આત્મા-પરમાત્માના સ્વરૂપનું ચિંતન-મનન એકાગ્રપણે ને સરળતાથી થઈ શકે છે. શુદ્ધ પવિત્ર થઈને ભોજન તૈયાર કરી પ્રભુને અર્પણ કરી, ધરાવીને ગ્રહણ કરવાથી મનની સાત્ત્વિકતા વધે છે ને રજોગુણ - તમોગુણની અસર ઓછી થઈ જાય છે. તેમ થવાથી મનની એકાગ્રતા, ગ્રહણશક્તિ તથા વિવેકબુદ્ધિની સૂક્ષ્મતા વગેરે વૃદ્ધિ પામે છે. આવા સાત્ત્વિક અંતઃકરણથી આધ્યાત્મજ્ઞાનના ગહન રહસ્યો સરળતાથી સમજી શકાય છે. તે માટે પ્રથમ બાહ્યશુદ્ધિ દ્વારા શરીર શુદ્ધ, નિરોગી ને સ્ફૂર્તિલું બનાવવું જોઈએ. એટલે મન પણ નિરામય ને નિર્વિકારી બની શકે. એ રીતે બાહ્યશુદ્ધિની સાથે સાથે આંતરશુદ્ધિના સાધનો પણ કરતાં રહેવું જોઈએ.
સદગુરુના માર્ગદર્શન હેઠળ જ્ઞાન-ધ્યાન-ઉપાસના, જપ-તપ, બાહ્યપૂજા-માનસીપૂજા (ભાવપૂજા) વગેરે સાધનો દિવ્યભાવ સાથે, ભક્તિભાવ સાથે કેવી રીતે કરવાં તે શીખી લઈ તે પ્રમાણે દરરોજ નિયમિતપણે પ્રભુના સ્વરૂપમાં અતિ પ્રેમે સહિત, રોમાંચિત ગાત્રે, સમર્પણની ને શરણાગતિની ઉદાત્ત ભાવોર્મિઓ સાથે કર્યા કરવાં જોઈએ. સત્શાસ્ત્રોનું એકાગ્રતાપૂર્વક વાંચન-શ્રવણ કરી, સત્પુરુષના ઉપદેશામૃતનું શ્રવણ-સ્મરણ કરી, તેનું ચિંતન-મનન-નિદિધ્યાસ શ્રદ્ધાપૂર્વક કર્યા કરવું જોઈએ. સદગુરુના જોગ-સમાગમ-સેવા-પરિચર્યા દ્વારા તેમને પ્રસન્ન કરવાથી, તેમના દ્વારા પરમાત્માની કૃપા આપોઆપ ઊતરી આવે છે. આ બધાની ફલશ્રુતિરૂપે અંતઃકરણની શુદ્ધિ થાય છે. અંતર શુદ્ધ થવાથી પ્રભુના સ્વરૂપમાં પરાપ્રેમ-પરાભક્તિનો ઉદય થઈ, પ્રભુના દિવ્યસ્વરૂપનો સાક્ષાત્કાર થવાની પાત્રતા નિષ્પન્ન થાય છે. તે માટે આંતરશુદ્ધિ તેમ જ બાહ્યશુદ્ધિ સાધક માટે અતિ આવશ્યક છે.
દરેક વ્યક્તિના શરીરમાંથી, તેના સંસર્ગમાં આવેલા પદાર્થોમાંથી, અન્ય પ્રાણીઓ વગેરેના શરીરમાંથી અમુક પ્રકારની કિરણોત્સર્ગી ઊજાર્ના સૂક્ષ્મ તરંગો વહે છે. તે આંદોલનો - તરંગોને Aura અથવા Aurical Radiations કહેવામાં આવે છે. શરીરની આસપાસ આવા પ્રકાશિત તરંગોનું એક વલય-મંડળ રચાયેલું હોય છે. તેને આભામંડળ કહેવામાં આવે છે. જીવંત વ્યક્તિમાં આ આભામંડળ તેના મનોભાવ, વિચારો, કર્મો, આચરણ વગેરે દ્વારા બદલાતું રહે છે. જ્યારે જડ પદાર્થોમાંથી નીકળતા તરંગોનું મંડળ બદલાતું રહેતું નથી. જીવંત વ્યક્તિના આભામંડળથી જડપદાર્થો પણ પ્રભાવિત થાય છે. વ્યક્તિની જેવી ભાવધારા હોય, તેવું તેનું આભામંડળ રચાય છે. જેનું અંતઃકરણ નિર્મળ હોય છે, તેની નિર્મળ ભાવધારાને લઈને તેનું આભામંડળ પણ નિર્મળ અને પ્રકાશિત રંગોનું હોય છે. જેનું અંતઃકરણ મલિન હોય છે, તેનું આભામંડળ પણ મલિન અને ઘેરા રંગોનું-અંધકારમય હોય છે. તેજોલેશ્યા એટલે સવારના ઉગતા સૂર્ય જેવી ચમકતી લાલરંગની લેશ્યા. પઘ્મ લેશ્યા એટલે ચમકતા પીળા રંગની લેશ્યા. શુકલ લેશ્યા એટલે શુભ્ર-શ્વેતરંગની લેશ્યા. લેશ્યા એટલે આભામંડળના તરંગો. આ રંગોવાળી લેશ્યાઓ શુભ ને પવિત્ર હોય છે. જે સૂક્ષ્મ શરીરમાં રહેલા નાભિચક્રની ઉપરના ચક્રો અર્થાત્ શક્તિકેન્દ્રોમાંથી વહે છે. કૃષ્ણલેશ્યા એટલે કાળા રંગના તરંગો. નિલલેશ્યા એટલે નિલા ઘેરા રંગના તરંગો તથા કાપોતલેશ્યા એટલે કાબરચિત્રા-રાખોડીરંગના તરંગો. આ રંગોવાળી લેશ્યા અશુભ ને મલિન હોય છે. તે શરીરમાંના નાભિકેન્દ્રથી નીચેના કેન્દ્રોમાંથી વહે છે. અશુભ ભાવ તથા અશુભ આચાર-વિચારવાળી વ્યક્તિની ચેતના નાભિકેન્દ્રની નીચેના કેન્દ્ર મૂલાધાર ચક્ર તથા સ્વાધિષ્ઠાન ચક્રમાં વધુ કાર્યરત હોય છે. તેથી તેવા લોકો કામ, ક્રોધ, માન, ઈર્ષ્યા વગેરે દોષોથી પીડિત હોય છે. તેઓ હિંસા, વ્યભિચાર, દંભ, કપટ, કાવાદાવાઓ વગેરે પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય હોય છે. તેમનું આભામંડળ મુખ્યત્વે કાળારંગ, નિલરંગ અને કાપોતરંગનું બનેલું હોય છે. તેઓ અશુભ ભાવવાળા ને અપવિત્ર ને પાપકર્મોમાં પ્રવૃત્ત હોય છે. જે વ્યક્તિની ચેતના નાભિકેન્દ્ર અર્થાત્ મણિપુર ચક્રથી ઉપરના ચક્રો, જેવા કે અનાહત ચક્ર, વિશુદ્ધ ચક્ર, આજ્ઞા ચક્ર અને સહસ્ત્રાર ચક્રમાં વધુ સક્રિય હોય તેવી વ્યક્તિ પવિત્ર ને સાત્ત્વિક હોય છે. તેમનો આધ્યાત્મિક વિકાસ થયેલો હોય છે. તેમનું આભામંડળ રક્ત રંગ, પીળો રંગ અને શુભ્ર-શ્વેતરંગનું રચાયેલું હોય છે. તેમનામાંથી પવિત્ર તરંગો વહે છે. આ બધા ચક્રો છે એ સૂક્ષ્મશરીરમાં રહેલા શક્તિકેન્દ્રો છે. આત્માની ચેતના-શક્તિ દ્વારા તે સતેજ થઈને કાર્યરત થાય છે. તેમાંથી નીકળતી ઊજાર્ના સ્પંદનો દ્વારા શરીરમાંની અંતઃસ્રાવી ગ્રંથિઓ કાર્યરત બને છે અને તેથી શારીરિક અને માનસિક પ્રવૃત્તિઓ-વ્યવહારો થયા કરે છે. આપણું સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીર દ્વારા પ્રભાવિત થાય છે. સૂક્ષ્મ શરીરમાં રહેલા શક્તિ કેન્દ્રો દ્વારા વિવિધ ભાવને લઈને વિવિધ રંગોવાળા તરંગો વહે છે ને એ પ્રમાણે શારીરિક પ્રવૃત્તિઓ થાય છે. શારીરિક પ્રવૃત્તિઓથી કર્મ બંધાય છે. એ કર્મો કારણ શરીર સાથે સૂક્ષ્મ સંસ્કારોરૂપે જોડાય છે. કારણ શરીરમાં રહેલ કર્મસંસ્કારો દ્વારા સૂક્ષ્મ શરીર કાર્યરત બને છે, અને સૂક્ષ્મ શરીર દ્વારા ફરી સ્થૂળ શરીર કાર્યરત બને છે. આ ચક્ર નિરંતર ચાલ્યા કરે છે.
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સેવા, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ક્ષમા વગેરે અનેક સદગુણો દ્વારા શુભભાવ પ્રગટે છે. તેથી આભામંડળ પણ શુભરંગોનું રચાય છે. આ તરંગો કે આંદોલનો મનુષ્યને આ ચર્મચક્ષુથી જોવામાં નથી આવી શકતા. જે વ્યક્તિએ ધ્યાન દ્વારા અતિ સૂક્ષ્મદૃષ્ટિ કેળવી હોય, તેવી વ્યક્તિ જ આવા તરંગોને જોઈ શકે છે, અનુભવી શકે છે. મુક્તપુરુષો તથા સિદ્ધ યોગીઓ પોતાના આંતરચક્ષુઓ દ્વારા અથવા દિવ્ય દૃષ્ટિ દ્વારા આવા તરંગો જોઈને વ્યક્તિના ગુણ-દોષ, મનોભાવો, લાગણીઓ તથા કર્મો, ઇચ્છાઓ તે બધું જ પારખી શકે છે. આગળ જણાવ્યું તેમ આવા તરંગોને રંગો તથા લંબાઈ, પહોળાઈ વગેરે પરિમાણો પણ હોય છે. સત્પુરુષ કે પવિત્ર પુરુષનો જોગ-સમાગમ-સેવા વગેરે કરવા પાછળનો હેતુ એ છે કે તેમનામાંથી શુભ-પવિત્ર તરંગો વહે છે. તે તરંગો કે આંદોલનોની શુભ અસર તેમના સંસર્ગમાં આવતી વ્યક્તિ કે પદાર્થ ઉપર તથા આસપાસના વાતાવરણ ઉપર પણ પડે છે. તેને કારણે તેમના સાંનિધ્યમાં રહેનાર કે સંપર્કમાં આવનાર વ્યક્તિને શિતળતા ને શાંતિનો અનુભવ થાય છે. મુક્તપુરુષ પાસે આવનાર પાપી વ્યક્તિ પણ જો ખરાભાવથી તેમના દર્શન-સ્પર્શ કરે, તો તે પાપ રહિત થઈ જાય છે. પવિત્ર સત્પુરુષનો પ્રસાદ ગ્રહણ કરવા પાછળનું કારણ પણ આ જ છે. પવિત્ર સત્પુરુષ જે પદાર્થ કે ખાદ્યપદાર્થને સ્પર્શ કરે કે દૃષ્ટિ કરે તે પણ પવિત્ર બની જાય છે. તેથી તેને ગ્રહણ કરનારમાં પણ પવિત્રતા ઉદય થાય છે. સત્પુરુષ જ્યાં જ્યાં વિચરણ કરે છે તે ભૂમિ પણ પવિત્ર ને તીર્થરૂપ બની જાય છે. આવી ભૂમિ તથા ત્યાંનું વાતાવરણ ઘણા કાળ સુધી સત્પુરુષના દિવ્ય તરંગોને લઈને પવિત્ર રહે છે ને તેવા સ્થાને જનારના પાપકર્મો દૂર થાય છે.
જેમ પવિત્ર વ્યક્તિમાંથી પવિત્ર તરંગો વહે છે ને સર્વને પ્રભાવિત કરે છે, એમ દુષ્ટભાવવાળા, અપવિત્ર ને પાપી મનુષ્યોમાંથી અશુભ તરંગો વહે છે. તેવા પાપી પુરુષનો જોગ, પ્રસંગ તથા તેના સંસર્ગ-સંપર્કમાં આવેલા વ્યક્તિ તથા પદાર્થો પણ અપવિત્ર ને અશુભ બને છે. તેનો સ્પર્શ કરવાથી તથા તે સંબંધી પદાર્થ ગ્રહણ કરવાથી વ્યક્તિ અશુભ અને અપવિત્ર બને છે. આ કારણને લઈને જ પાપી વ્યક્તિનો જોગ કરવાનો તથા તેના દર્શન-સ્પર્શ કરવાનો તથા તેના સંસર્ગમાં આવેલા પદાર્થો ગ્રહણ કરવાનો શાસ્ત્રોમાં નિષેધ છે. ભગવાન સ્વામિનારાયણે આવા હેતુથી જ વચનામૃતમાં કહ્યું છે કે, પાપી વ્યક્તિના દર્શન-સ્પર્શ-ગંધ વગેરેની અસર લીલાગર ભાંગ જેવી થાય છે. અને વ્યક્તિ જેવો સંગ કરે તેવી જ થાય છે, તેનું કારણ પણ આ વિજ્ઞાન જ છે.
તે માટે મુમુક્ષુ સાધકે જાગૃત રહીને હિંસા, દુરાચાર, વ્યભિચાર, ચોરીકર્મ કરનાર, કામી, કપટી તથા દુર્વ્યસનોમાં રત રહેતા પાપીનો જોગ વર્જવો. તેનો સ્પર્શ પણ વર્જવો અને તેવો સ્પર્શ વગેરે અજાણતા કે ભીડમાં થઈ જાય તો ઘરે આવીને સ્નાન કરવું અને પ્રભુને પ્રાર્થના કરવી. તેથી તેની અશુભ અસર દૂર થઈ જાય. બહારની પ્રવૃત્તિઓ પતાવી ઘરે આવ્યા પછી સ્નાન વગેરે ક્રિયા આરોગ્યની દૃષ્ટિએ પણ લાભદાયી છે. સ્નાન કર્યા પછી શાંત ચિત્તે પ્રભુનું સ્મરણ, નામ જપ, પ્રભુને પ્રાર્થના તથા ધ્યાન વગેરે ક્રિયાઓથી અંતઃકરણ શુદ્ધ થાય છે. માટે આવી ક્રિયાઓ સાધકે સાધનદશામાં વારંવાર કર્યા કરવી જોઈએ. તેમાં આળસ પ્રમાદને સ્થાન ન આપવું અને આ ક્રિયાઓને ગૌણ ન સમજવી. આમ વર્તવાથી આધ્યાત્મિક સાધનામાં વિઘ્નો નડતા નથી.
સાધકે પોતાની પવિત્રતા જળવાઈ રહે એ હેતુ માટે આપત્કાળ સિવાય જ્યાં ત્યાં, જેનું તેનું ખાવાનું ટાળવું જોઈએ. તથા પાણી પણ ગમે તેના હાથનું ગ્રહણ કરવાનું ટાળવું જોઇએ. આવી બાબતમાં સિદ્ધ મુક્તપુરુષનો વાદ લેવાનો કદીયે પ્રયત્ન ન કરવો. સિદ્ધ મુક્તપુરુષો ક્યારેક પાપીનું કલ્યાણ કરવા તેનું અન્ન-જળ-સેવા વગેરે ગ્રહણ કરે છે. પણ તેનો તેમને બાધ ન આવે. કારણ કે પ્રભુનો સાક્ષાત્કાર થયા પછી દિવ્ય સ્થિતિમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ક્યારેય નડી શકતી નથી. પરંતુ બીજા તેનો વાદ ન લઈ શકે અને લેવા જાય તો ભ્રષ્ટ થાય.
સાધકે વારંવાર અવકાશ મળેથી સત્પુરુષનો જોગ કર્યા કરવો જોઈએ. સત્પુરુષ કે મુક્તપુરુષ પૃથ્વી ઉપર મનુષ્યરૂપે વિચરતા ન હોય તો આંતરિક રીતે તેમને સંભારી, તેમના ઉપદેશામૃતો તથા વચનો સંભારી જોગ કર્યા કરવો. બાહ્ય રીતે શુભ આચરણવાળા પવિત્ર પુરુષોનો પણ જોગ કરી શકાય, પછી ભલે તે સાધનદશામાં હોય. સાધનદશામાં સત્સંગીઓએ પરસ્પર સત્સંગ કરતા રહેવાથી સત્સંગમાં દૃઢતા આવે છે ને આધ્યાત્મિક પ્રગતિ પણ થાય છે. કુસંગીઓનો સંગ તો જાગૃત રહીને સર્વદા વર્જવો જોઈએ. સત્પુરુષ પૃથ્વી ઉપર હોય ત્યારે તે સાધકે અવશ્યપણે તેમના જોગ-સમાગમ-સેવા-શુશ્રુષા વગેરે કરવાં જોઈએ, તો આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ સરળ બને. એવા સદગુરુ જંગમતીર્થ છે. તેમની પાસે બેસવા માત્રથી કામ, ક્રોધાદિ અંતરશત્રુઓનું જોર ઘટી જાય ને પરમ શાંતિનો અનુભવ થાય છે. તેમનો જોગ કરનાર જો પાત્ર હોય તો તેને પણ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ તેમના જેવી દિવ્ય સ્થિતિ પ્રાપ્ત થાય. જેમ પારસથી પારસ થાય છે, તેમ સત્પુરુષના જોગથી સત્પુરુષ થવાય છે. એટલે સત્પુરુષના મનુષ્ય સ્વરૂપની વિશેષતા છે. અહીં સત્પુરુષ એટલે પૂર્ણ સિદ્ધ મુક્તપુરુષ સમજવાના છે, પણ સાધનદશાવાળા પુરુષ સમજવાના નથી.
આ પાંચમા વર્તમાનમાં બાહ્યશુદ્ધિ, આંતરશુદ્ધિની સાથે સાથે સંગશુદ્ધિ પણ આવી જાય છે. સંગદોષની વ્યક્તિ ઉપર સારી-નરસી અસર કેવી રીતે થઈ શકે છે તેનું આભામંડળના વિજ્ઞાન દ્વારા આપણે ઊંડાણપૂર્વક વિવરણ કર્યું. હવે તેની થોડી વિશેષ વિચારણા કરીએ. ભગવાન સ્વામિનારાયણે કુસંગીઓનો સંગ ન કરવો અને સત્પુરુષનો તથા સત્સંગીઓનો જ સંગ કરવો તેમ ભારપૂર્વક જણાવ્યું છે. તેમાં પણ ચાર પ્રકારના કુસંગીઓનો સંગ વિશેષપણે વર્જવાનો આદેશ છે. કૂડાપંથી, દુરાચારી શક્તિપંથી, નાસ્તિક તથા શુષ્કવેદાંતી, આ ચાર પ્રકારના વ્યક્તિઓનો સંગ ન કરવો. કારણ કે આ પ્રકારના પંથના કેટલાક લોકો વેદ, પુરાણ, ઉપનિષદ વગેરે સત્શાસ્ત્રોનો અર્થ પોતાની માયિક બુદ્ધિને લઈને પોતાની કલ્પના પ્રમાણે ઘડીને, તે પ્રમાણે પોતાની ને અન્યની ચેતનાનું અધઃપતન કરે તેવું આચરણ કરે છે. તેઓમાં મોટાભાગના મનુષ્યો દારૂ-માંસના ભક્ષણમાં, સ્ત્રી સાથે વ્યભિચારમાં અને અફીણ, ગાંજો, તમાકુ વગેરે દુર્વ્યસનોમાં રચ્યાપચ્યા રહે છે. આવા મનુષ્યો સારા મનુષ્યને પોતાના સિદ્ધાંતો જેમ તેમ, યેનકેનપ્રકારેણ સમજાવીને ગેરમાર્ગે દોરે છે અને તેમને દૂષિત કરી અધઃપતન તરફ લઈ જાય છે. તેમાં પણ નાસ્તિક અને શુષ્કવેદાંતીનો સંગ તો સૌથી ભયંકર અને જોખમી છે. કારણ કે તેમના જોગથી પરમાત્માના સાકાર સ્વરૂપની શુદ્ધ ઉપાસનાનો ભંગ થાય છે. ભગવાનના સ્વરૂપની ઉપાસના ન સમજનારા લોકો પોતાનું જ કર્તાપણું સમજતા હોવાથી, માયાના અહંકારરૂપ આવરણથી કદીય પર થઈ શકતા નથી. શુષ્કવેદાંતી એ લોકોને કહ્યા છે કે જેમણે વેદાંતના જ્ઞાનનો અનુભવ નથી કર્યો અને પોતાની કલ્પના પ્રમાણે તે જ્ઞાનના અર્થનો નિર્ણય કરી શુષ્કપણે તેના અંગે વાદવિવાદમાં જ કીમતી સમય વેડફે છે. તેઓ એમ માને છે કે આત્મા એ જ બ્રહ્મ છે ને બ્રહ્મ સિવાય બીજું કોઈ પરમાત્મા નામનું વિશેષ તત્ત્વ જ નથી. શાસ્ત્રોમાં કહેલા વિધિ-નિષેધ બધા મિથ્યા છે. બ્રહ્મને કોઈ પાપ-પુણ્ય સ્પર્શતું નથી. તેમ માની મિથ્યાચાર, વ્યભિચાર વગેરે પ્રવૃત્તિઓમાં સ્વચ્છંદીપણે વર્તે છે. આવા શુષ્કજ્ઞાનીનો જોગ થાય તો મતિ ફરી જાય અને ઉપાસનાનો ભંગ થાય તો અનંતકાળ સુધી આત્યંતિક મોક્ષનું દ્વાર બંધ થઈ જાય. બીજા પાપકર્મોમાંથી તો ક્યારેક છૂટી શકાય છે. કારણ કે સત્પુરુષો પોતાની અસીમ કરુણાને લઈને પાપીઓ ઉપર પણ કૃપા વરસાવી તેનું કલ્યાણ કરે છે. સત્પુરુષના જોગથી વાલિયા લૂટારામાંથી વાલ્મીકિ ઋષિ થયા. જોબનપગી જેવા ભયંકર લુંટારાને સ્વામિનારાયણ ભગવાનનો જોગ થયો તો ઉત્તમકોટિના ભક્તરાજ બની ગયા. તેમ પાપી જીવનો છૂટકારો શક્ય છે, પણ નાસ્તિક અને શુષ્કવેદાંતીઓનો સંગ કરનારને આત્યંતિક મોક્ષ થવો દુર્લભ બની જાય છે. તે માટે મુમુક્ષુઓએ પ્રભુને નિરંતર પ્રાર્થના કરવી કે એ ચાર પ્રકારના કુસંગીઓનો સંગ કદી ન થાય. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે.
બીજું શિક્ષાપત્રીમાં શ્રીહરિ જણાવે છે કે ચોર, પાપી, વ્યસની, કામી તથા કીમિયાગરીથી ઠગનારા ઠગ મનુષ્યનો પણ સંગ વર્જવો. “સંગ તેવો રંગ” એ ઉક્તિ પ્રમાણે જેનો સંગ થાય તેના જેવા ગુણદોષ સંગ કરનારમાં આવે છે. દા.ત. પાપી મનુષ્યનો સંગ કરે તો પાપમય પ્રવૃત્તિઓમાં રસ લેવાનું મનોવલણ થઈ જાય. ચોરના સંગમાં રહે તો ચોરી કરવાની વૃત્તિ જન્મે અને ચોરી કરતાં શીખી જાય. કામીનો સંગ કરે તો સંગ કરનાર પણ કામી બની જાય. કારણ કે કામ આદિ દોષો જીવમાં સંસ્કારોરૂપે પડેલા જ હોય, તેનો એવા દોષોએ યુક્ત વ્યક્તિનો સંગ કરવાથી તુરત જ ઉદય થાય. આ કારણથી જ સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદમાં અત્યંત લોલૂપ રહેતા વ્યક્તિનો સંગ કરવાનો પણ શ્રીહરિ નિષેધ કરે છે. એમ જેવો સંગ કરે તેવો થાય તે આપણે આભામંડળના વિજ્ઞાનને આધારે આગળ જોયું છે. માટે મુમુક્ષુએ વિવેકબુદ્ધિનો સદુપયોગ કરીને સંગશુદ્ધિ રાખવી ઘટે.
કુંવારી તથા સધવા અથવા વિધવા મુમુક્ષુ સ્ત્રીઓએ અન્ય સ્વૈરિણી, કામિની ને પુંશ્ચલી એવી કુલટા અને કુકર્મ કરનારી સ્ત્રીઓનો સંગ સદાય વર્જવાની શ્રીહરિની આજ્ઞા છે. માટે સ્ત્રીઓએ તે પ્રકારનો કુસંગ જાગૃત રહીને વર્જવો અને પવિત્ર સ્ત્રીઓનો જ સંગ રાખવો, તો જ તેમની આધ્યાત્મિક ઊર્ધ્વગતિ સંભવી શકે.
સ્ત્રીઓને થતાં રજોદર્શન-માસિકમાં શુદ્ધિ જાળવવાનો પણ આ છેલ્લા વર્તમાનમાં સમાવેશ થઈ જાય છે. યુવા સ્ત્રીઓને રજસ્વલાપણું-માસિકધર્મ એ સ્ત્રી શરીરમાં થતી હૉર્મોન્સના સ્રાવોની અને અંડાશયમાંના અંડ વિસર્જનની એક કુદરતી પ્રક્રિયા છે. તબીબી વિજ્ઞાનની દૃષ્ટિએ પણ રજસ્વલા સ્ત્રીમાં થતી રજસ્રાવની ક્રિયાની અશુદ્ધિ ત્રણ દિવસ સુધી રહે છે. માટે એ સમય દરમ્યાન થતા શારીરિક ફેરફારો અને મનોવલણમાં - મનના મૂડ (mood)માં થતા ફેરફારો માટે મનોદૈહિક આરામ તથા આંતર-બાહ્ય શુદ્ધિ રાખવી જરૂરી છે. શ્રીહરિની આજ્ઞા છે કે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને આપત્કાળ સિવાય અડવું નહિ ને ચોથે દિવસે નાહિને શુદ્ધ થયા પછી જ અડવું. આ દિવસોમાં આરામ, માનસિક શાંતિ અને સંયમ અતિ આવશ્યક ગણ્યા છે. તે સ્ત્રીના પોતાના તથા અન્યના શારીરિક ને માનસિક આરોગ્ય માટે હિતાવહ છે.
આજકાલ પ્રમાદને લઈને ઘણી બહેનો શ્રીહરિની આ આજ્ઞાની અવહેલના કરીને, તે આજ્ઞાને ગૌણ ગણીને રજસ્વલાના નિયમનું બરોબર પાલન કરતી નથી. તે યોગ્ય ન ગણાય. એ નિયમનું પાલન ન થવાથી ક્યારેક હાનિ થાય છે ને અનર્થ થવાનો પણ સંભવ રહે છે. માટે તે આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય તો પ્રભુની પ્રસન્નતા થવાથી અનિષ્ટ પરિણામોમાંથી બચી જવાય છે.
માસિક દરમ્યાન હૉર્મોન્સના સ્રાવોની પ્રક્રિયાને લીધે શારીરિક અશુદ્ધિની સાથે સ્ત્રીમાં માનસિક ફેરફારો થતા પણ વૈજ્ઞાનિકોએ નોંધ્યા છે. માનસિક હતાશા થવી, સ્વભાવ ચિડીયો થવો, મનની એકાગ્રતામાં ઉણપ આવવી, કોઈ કાર્યમાં ચેન ન પડવું, સ્મરણશક્તિમાં થોડી ઉણપ જણાવી વગેરે માનસિક ફેરફારો થોડેઘણે અંશે થાય છે. પેટ, કમ્મર તથા સ્નાયુના કેટલાક દુઃખાવાને લઈને પણ આરામ કરવાની ઇચ્છા વર્તે છે. આ પ્રકારના ફેરફારો વિશેષજ્ઞોએ નોંધ્યા છે. માસિકધર્મ દરમ્યાન સ્ત્રીના શરીરમાંથી અશુદ્ધ અને વિષમય તરંગો વહે છે જે હાનિકર્તા હોય છે. એ સમય દરમિયાન નીકળતા વિષમય તરંગોને - આંદોલનોને સામાન્ય ભાષામાં સ્ત્રીનો ઓછાયો કહે છે. એ ઓછાયાની તીવ્ર અસરથી તેની આસપાસનું ક્ષેત્ર વિષમય થાય છે અને તેને લઈને અનાજ, અથાણા વગેરે બગડે છે. સર્પ જો તે અસર હેઠળ આવી જાય તો તે અંધ થઈ જાય છે એમ પણ નોંધાયું છે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ આ વાત ભક્તચિંતામણીમાં કહી છે. પરામનોવિજ્ઞાનના વિશેષજ્ઞો કહે છે કે આવા સમય દરમ્યાન સ્ત્રીઓને સૂક્ષ્મસૃષ્ટિમાં રહેલા મલિન અને આસુરી તત્ત્વોથી પીડા થવાનો સંભવ પણ વધી જાય છે, એટલે શારીરિક શુદ્ધિની સાથે પ્રભુની પ્રાર્થના તથા નામ-સ્મરણ વગેરે કરવાની આવશ્યકતા રહે છે.
આ બાબતે કેટલાક તજ્જ્ઞોના અભિપ્રાયો જોઈએ. સેરિક નામના એક વિખ્યાત ડૉક્ટરે પ્રયોગો દ્વારા સાબિત કર્યું છે કે રજસ્વલા સ્ત્રીના શરીરમાંથી નીકળતા વિષમય તરંગો હાનિકર્તા છે. રજસ્વલા સ્ત્રીના હાથમાં રાખેલા ફૂલનું કરમાઈ જવું, તેના હાથમાં મૂકેલા દેડકાના હૃદયની ગતિ મંદ પડી જવી વગેરે તારણો પ્રયોગો દ્વારા તેમણે કાઢ્યાં છે. આ સમય દરમ્યાન જો તે સ્ત્રી પોતાના પતિનો કે અન્ય પુરુષનો સંગ કરે અને જો ગર્ભ રહે તો શારીરિક અને માનસિક ખોડખાપણવાળી સંતતિ જન્મે એવી ચેતવણી પણ આપી છે.
પ્લીની નામક એક રોમન લેખક નોંધે છે કે - રજસ્વલા સ્ત્રીના સ્પર્શથી દૂધ, અનાજ, અથાણા વગેરે જલદી બગડીજાય છે.
અમેરિકન પ્રો. શીક (Schick) પણ લખે છે કે -રજસ્વલાના શરીરમાં પ્રબળ વિષ હોય છે. તે જો હરિયાળી (લીલા ઘાસ) ઉપર ચાલે તો તે તથા આજુબાજુના ફૂલ-પાંદડા તુલસી વગેરે કરમાઈ જાય છે. ફળો સડી જાય છે. (American journal of clinical medicine 1921 A.D.)
પ્રાચીન મીસર પ્રજામાં પણ રજસ્વલાએ એકાંતમાં રહેવું એવો રિવાજ હતો.
પારસી તથા ઇસ્લામ ધર્મમાં પણ રજસ્વલા સ્ત્રીઓને શુદ્ધ નથી ગણતા.
યહુદી ધર્મમાં 7 દિવસ સુધી રજસ્વલાધર્મ પાલનનો નિર્દેશ છે.
રજસ્વલાના સ્પર્શથી પુરુષોમાં સુષુપ્ત કામુકતા જલદી જાગી ઊઠે છે. એવું વિશેષજ્ઞોનું મંતવ્ય છે.
આયુર્વેદે રજસ્વલાએ બ્રહ્મચર્યનું પાલન કરવા ઉપર ભાર મૂક્યો છે. આ રીતે લગભગ દરેક ધર્મમાં અને જાતિઓમાં રજસ્વલાના ધર્મ પાલનના કોઈ ને કોઈ નિયમો જરૂર છે. તે માટે આપત્કાળ સિવાય આ નિયમનું પાલન જાગૃતિ અને સંયમ રાખીને કરવું હિતાવહ છે.
આજના વિકાસશીલ યુગમાં સ્ત્રીઓને પણ પોતાની કારકિર્દી માટે તથા આર્થિક પાસું જાળવવા નોકરી-ધંધા -વ્યવસાય વગેરે પ્રવૃત્તિઓ કરવી પડે છે. અને તે જીવન માટે આવશ્યક પણ છે. તેમ છતાં માસિકધર્મ વખતે ઘરમાં તથા બહાર આંતર-બાહ્ય શુદ્ધિ જાળવવા બનતો પ્રયત્ન ચોક્કસ કરવો જોઈએ. કોઈ પણ વ્યક્તિનો અનાવશ્યક સ્પર્શ વર્જવા પ્રયત્ન કરવો. વાહનોમાં કે ભીડમાં અજાણતા સ્પર્શ થઈ જાય તો ઘરે આવીને સ્નાન વગેરેથી શુદ્ધ થઈ જવું. આ રીતે વ્યાવસાયિક જીવનમાં પણ શુદ્ધિ જાળવી શકાય છે.
કુદરતી હાજત બાદ તથા ગૃહસ્થોએ મૈથુન ક્રિયા બાદ તથા દુષિત આચાર-વિચારવાળી વ્યક્તિઓના સ્પર્શ કે સંપર્કથી થયેલ અશુદ્ધિ દૂર કરવા માટે સ્નાન કરી શુદ્ધ થવું જોઈએ. મલિન વિચારો દ્વારા થયેલી માનસિક અશુદ્ધિને સદ્વિચારો દ્વારા, સત્સંગ દ્વારા, ધ્યાન-ભજન-પ્રાર્થના-જપ વગેરે દ્વારા શુદ્ધ કરવાની માનસિક શુદ્ધિકરણની પ્રક્રિયાનો આ વર્તમાનમાં સમાવેશ થઈ જાય છે.
આ રીતે વ્યક્તિએ પોતે આંતર-બાહ્ય શુદ્ધિ જાળવી ને અન્યને શુદ્ધિ જાળવવામાં મદદ કરવી જોઈએ. પોતાના વાણી-વર્તન-વિચાર સત્યમય, નિર્મળ ને અનુકરણીય બનાવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. જેથી પોતાના આદર્શમય જીવન દ્વારા અન્ય લોકોને પણ એવું આદર્શમય જીવન જીવવાની પ્રેરણા મળે અને સુખમય જીવન બનાવી શકે. એ મુદ્દો આ પાંચમું વર્તમાન આપણને શીખવે છે.