3. આત્મશ્રદ્ધા

0:000:00

'પરમાત્માના અનુગ્રહથી આપણે જે ધારીએ તે કરવા સમર્થ છીએ, આપણાથી કંઈ જ અશક્ય નથી.' આ સિદ્ધાંત જાણીને આપણે તેમાં સંમત થઈએ એટલા માત્રથી જ આત્મશ્રદ્ધાના ઉત્કૃષ્ટ ગુણથી પ્રાપ્ત થતી દુર્લભ સિદ્ધિ આપણને મળી જતી નથી.

ઉપર્યુક્ત સિદ્ધાંત સત્ય છે એમ આપણે શા આધારે માનીએ છીએ? સત્શાસ્ત્રો અને જ્ઞાનીપુરુષો કહે છે માટે? જ્યાં સુધી તે સિદ્ધાંતને આપણે સ્વાનુભવમાં ન ઉતારીએ, ત્યાં સુધી તે પોથીમાંના રીંગણાની જેમ નિષ્ફળ નીવડે છે. તેથી તેમાં આપણું કાંઈ વળતું નથી. જ્યાં સુધી આપણી સાચી શક્તિનો આપણને અનુભવ નથી, ત્યાં સુધી જ્ઞાનીઓ કે સત્શાસ્ત્રો ગમે તેટલી યુક્તિ-પ્રયુક્તિથી આપણને આ સિદ્ધાંત સમજાવે તો પણ આપણી અશ્રદ્ધામાં લેશમાત્ર ઘટાડો થતો નથી. જ્યારે આપણને પોતાને એ સિદ્ધાંતનો સ્વાનુભવ થાય અને આપણે ભાગે આવેલું કોઈ પણ કાર્ય કે કર્તવ્ય સફળતાપૂર્વક ને ખંતપૂર્વક પૂર્ણ કરીએ, ત્યારે જ આપણે માટે એ સિદ્ધાંત સત્ય તેમજ સાર્થક થયો ગણાય.

માનવસમાજનો મોટો ભાગ આ સત્ય સિદ્ધાંતના અનુભવથી વંચિત રહેલો છે. આપણે કથા-પ્રવચન વગેરે પ્રસંગોએ લોકોને વારંવાર બોલતાં સાંભળીએ છીએ કે 'વૈરાગ્યથી નિર્ભયતા આવે છે. સત્ય ને અહિંસાથી સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે. પરમાત્માના કલ્યાણકારી સદગુણો કેળવવાથી સદા સુખ, શાંતિ ને આનંદ મળે છે. પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, ધ્યાન ને અનન્ય ઉપાસનાથી સર્વ સિદ્ધિની ઉપલબ્ધિ થાય છે.' પરંતુ આવાં વિધાનોનો ભાગ્યે જ કોઈને વાસ્તવિક અનુભવ હોય છે.

આ બધું બોલવામાં વ્યક્તિ પોતાની મહત્તા સમજે છે. સુંદર ભાષામાં બીજા ઉપર તેનો પ્રભાવ પાડવાની કોશિશ પણ કરે છે. અને થોડું સારું બોલતાં આવડ્યું એટલે તેનું કર્તવ્ય પૂરું થઈ ગયું તેમ માની બેસે છે. પરંતુ જે વચનોને તે સિદ્ધાંતરૂપે સ્વીકારે છે એની સત્યતાનો અનુભવ કરવા તે ભાગ્યે જ પુરુષપ્રયત્ન કરે છે.

વહાલા મિત્રો! સત્પુરુષો અને સત્શાસ્ત્રો પાસેથી સિદ્ધાંતો જાણવાની ના નથી. બેશક અનેક સિદ્ધાંતો આપણે જાણીએ, પણ ફક્ત તેને જાણીને બેસી ન રહીએ. એક પછી એક સિદ્ધાંતને લઈ અનુભવની એરણ પર તેને ચકાસી, તે શાથી સત્ય છે તે સિદ્ધ કરીએ. અનુભવથી કરેલા નિશ્ચયનું નામ જ જ્ઞાન છે. બીજું બધું ઉપલકિયું જ્ઞાન તો પોપટિયું જ્ઞાન છે. તે જગતના પદાર્થો કે પ્રક્રિયાઓ સંબંધી અમુક પ્રકારની માહિતી માત્ર જ છે. 'પરમાત્માના અનુગ્રહથી આપણે ધારીએ તે કરવા સમર્થ છીએ' એ આપણે પોતે અપરોક્ષપણે અનુભવવાનું છે.

એ અનુભવ પુરુષપ્રયત્નમાં જોડાવાથી જ થાય છે. સમુદ્ર રત્નાકર કહેવાય છે. તેમાં મોતી - માણેક વગેરે અનેક રત્નોના ભંડાર ભરેલા છે. એમ કાંઠે ઊભા ઊભા માન્યા કરવાથી કાંઈ ધનવાન બની જવાતું નથી! પરંતુ સમુદ્રને તળિયે ડૂબકી મારીને તે રત્નોને બહાર લાવીને યોગ્ય વ્યક્તિને યોગ્ય કિંમતે વેચવાથી ધન પ્રાપ્ત થાય છે. તેવી રીતે આપણા આત્મસ્વરૂપમાં અગાધ સાર્મથ્ય રહેલું છે તે કેવળ વાતો કરવાથી અનુભવાતું નથી, પણ પુરુષપ્રયત્ન કરવાથી જ અનુભવાય છે. 'પરમાત્માની અસીમ કૃપાથી હું ધારું તે કરવા સમર્થ છું.' એ સિદ્ધાંતને સ્વીકાર્યા પછી પ્રાપ્ત થયેલું દરેક કર્તવ્ય બજાવવા આપણે તત્કાળ પૂર્ણ શ્રદ્ધા સાથે સંનિષ્ઠ પુરુષપ્રયત્ન કરવો જોઈએ. 'એ કામ ઘણું મુશ્કેલ છે. મારાથી તે નહિ થઈ શકે.' તેમ બોલવાનો કે વિચારવાનો હવે આપણને કોઈ અધિકાર નથી, કારણ કે 'પરમાત્માની અસીમ કૃપાથી હું ધારું તે કરવા સમર્થ છું.' એવો સિદ્ધાંત આપણે સ્વેચ્છાએ સ્વીકાર્યો છે. 'હું કરું તો ખરો, પણ આટલી મુશ્કેલીઓ નડે છે. આટલી અડચણો છે, એ ન હોય તો...! મારી પણ કેટલીક મર્યાદાઓ છે.' એવા મિથ્યા પ્રલાપો આપણે કરી શકીએ નહિ. ત્યારે હવે શું કરવું? તો પરમાત્મા ને સત્પુરુષના વચનમાં અડગ શ્રદ્ધા સાથે કમ્મર કસી પુરુષપ્રયત્નમાં જોડાઈ જવું જોઈએ એ જ આપણું કર્તવ્ય!

કોઈ પણ કાર્ય કરવાથી જ આવડે છે. અને તેમાં સફળતા પણ પુરુષપ્રયત્નથી જ મળે છે. એ નિયમ અબાધિત છે. તે હંમેશાં સ્મૃતિમાં રાખવો ઘટે. પુરુષપ્રયત્ન કરીને ધારેલા કાર્યને પૂર્ણ કરીએ અને અનુભવપૂર્વક જાણીએ કે એ કાર્ય કરવા આપણે સક્ષમ હતા જ. એક કાર્ય પૂરું થયે બીજાં કાર્યો હાથમાં લઈ તેને પણ પ્રથમની જેમ પરમાત્મામાં ને સત્પુરુષમાં અતૂટ શ્રદ્ધા, ધીરજ અને અસ્ખલિત પુરુષપ્રયત્ન દ્વારા પાર પાડીએ. આમ અનુભવથી આપણે જોઈ શકીશું કે દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવાની શક્તિનો અનંત ભંડાર આપણાં ચૈતન્યમાં પ્રભુએ ભરી જ રાખેલો છે. ગમે તેવાં કઠીન જણાતાં કાર્યો પણ પછી સરળ લાગવા માંડશે અને આત્મશ્રદ્ધાનો અમૂલ્ય ગુણ ક્રમે ક્રમે વિકસતો જ રહેશે. જેમ જેમ પુરુષપ્રયત્ન થતો જશે, તેમ તેમ આત્માનું સાર્મથ્ય વધુ ને વધુ પ્રગટતું જશે. ત્યારે આપણને પ્રતીતિ થશે કે પરમાત્માના અનુગ્રહથી આપણા આત્મામાં રહેલું સાર્મથ્ય ને શક્તિ અપાર ને અપાર છે. તે પ્રગટ થતાં જ જાય છે, તેનો કોઈ અવધિ જ નથી. ત્યારે જ આપણે છાતી ઠોકીને ખાતરીપૂર્વક કહી શકીશું કે 'પરમાત્માના અનુગ્રહથી હું ધારું તે કરવા સમર્થ છું. આત્મા પરમાત્માની કૃપાથી સર્વ કંઈ કરવા શક્તિમાન છે.' ત્યારે આપણું જ્ઞાન સાચું હશે. કારણ કે તે અનુભવમાંથી પ્રગટેલું જ્ઞાન હશે. ઉપર્યુક્ત સૂત્રની પાછળ માનસશાસ્ત્રની દૃષ્ટિએ પણ એક પ્રબળ સકારાત્મક અભિગમ રહેલો છે, તેથી કાર્યની સફળતાને અદભુત વેગ મળે છે. એટલે દરેક કાર્ય સરળ લાગવા લાગે છે.

આપણે જાણીએ છીએ કે રાઈના નાના દાણા જેવડા વડના બીજમાં વિરાટ વટવૃક્ષ બનવાનું સાર્મથ્ય છુપાયેલું છે. પરંતુ તેને ફળદ્રુપ ભૂમિમાં રોપાઈ, પૃથ્વીમાં તથા વાતાવરણમાં રહેલાં સૂર્યપ્રકાશ વગેરે પોષક દ્રવ્યોનું તથા પાણીનું પોષણ ન મળે તો તે વટવૃક્ષરૂપે વિકસી ન શકે. તેમ આપણા આત્મસ્વરૂપમાં સારાય વિશ્વનું આધિપત્ય કરવાનું, સમગ્ર પ્રકૃતિ ઉપર પ્રભુત્વ ધરાવવાનું સાર્મથ્ય છે. અરે! એથી પણ અધિક પરમતત્ત્વ પરમાત્મારૂપ, પૂર્ણપુરુષોત્તમરૂપ થવાનું અગાધ સાર્મથ્ય પણ છે. તે માટે પ્રયત્નપૂર્વક દૃઢ શ્રદ્ધા, પ્રેમભક્તિ, અનન્ય ઉપાસના ને નિષ્ઠાથી પરમાત્માના સ્વરૂપને ઉપાસી તે પરમતત્ત્વ-પરમાત્માભાવનું આપણા ચૈતન્યમાં પ્રગટીકરણ કરીએ તો જ તેવું સાર્મથ્ય પ્રગટ થઈ શકે છે, અન્યથા નહિ. ડાબલીમાં રાખેલા વડનાં બીજ વટવૃક્ષરૂપે વિકાસ ન પામી શકે!

હું પરમાત્માના અનુગ્રહથી તેમના સ્વરૂપના યથાર્થ જ્ઞાન, ધ્યાન ને ઉપાસનાથી પરમાત્મારૂપ, પૂર્ણ પુરુષોત્તમરૂપ થવા સમર્થ છું. એમ દૃઢ શ્રદ્ધાથી માની ક્રમે ક્રમે તે માર્ગે અધિક ને અધિક પુરુષપ્રયત્ન કરવાથી જીવ મટીને શિવ બની શકાય છે. નરમાંથી નારાયણ બની શકાય છે. સુખ-દુઃખ, શીત-ઉષ્ણ, રાત-દિવસ, પ્રિય-અપ્રિય, અનુકૂળ-પ્રતિકૂળ, મારું-તારું, માન-અપમાન, રાગ-દ્વેષ, શુભ-અશુભ, નિંદા-સ્તુતિ, આશા-તૃષ્ણા વગેરે દ્વંદ્વોથી તથા અનંત પ્રકારનાં દુઃખો, આધિ-વ્યાધિ-ઉપાધિ તથા અધ્યાત્મ - અધિભૂત - અધિદૈવ એ ત્રિવિધ તાપથી પર થઈ, જન્મ-મરણના ભયથી રહિત થઈ મુક્તદશા પ્રાપ્ત કરી શકાય છે. એ આત્માનું અમર્યાદ, અદભુત સાર્મથ્ય નથી તો બીજું શું છે?

આપણા ચૈતન્યમાં અમર્યાદ, અપાર સાર્મથ્ય છે એ નિર્વિવાદ સત્ય છે. પરંતુ તે અપાર સાર્મથ્ય ક્રમે ક્રમે અભ્યાસ દ્વારા પ્રકટાવવાનો પુરુષપ્રયત્ન અનિવાર્ય છે. દા.ત. બીજને જોઈએ કે તે કેવી રીતે વિકાસ પામે છે? જમીનમાં વાવ્યા પછી આરંભમાં તો તે માત્ર નાનો સરખો અંકુર બહાર કાઢે છે. પછી એ કુંપળોમાં વધીને પાંદડીઓમાં વિકસે છે. ત્યાર બાદ નાની નાની શાખાઓમાં વિકસીને અંતે વિશાળ વૃક્ષરૂપે થાય છે. આ બધું ક્રમે ક્રમે વિકાસ પામવાની પ્રક્રિયા છે. એક સામટું કંઈ થઈ જતું નથી. એ જ પ્રમાણે સાધકની ચેતનાનો વિકાસ પણ ક્રમે ક્રમે સધાય છે. પ્રયત્ન દ્વારા વિકાસની સાથે સાથે પ્રભુકૃપાથી વધુ ને વધુ સાર્મથ્ય, પ્રકાશ, જ્ઞાન, દિવ્યતા વગેરેનો આવિર્ભાવ થતો જાય છે.

વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય સ્વરૂપે તત્ત્વતઃ સરખા જેવા જણાય છે, પણ પુરુષપ્રયત્ન અને પાત્રતાના ભેદથી સર્વેમાં ઘણો ફરક પડી ગયેલો જણાય છે. કોઈક આપણા કરતાં અધિક જ્ઞાની ને સમર્થ હોય છે અથવા આપણે અન્ય કરતાં અધિક જ્ઞાની ને સમર્થ હોઈએ છીએ. એનું કારણ આપણે અથવા બીજાએ સ્વપ્રયત્ન, પ્રભુ તથા સત્પુરુષની કૃપા અને અનુભવથી આત્માનું અધિક સાર્મથ્ય પ્રગટાવેલું હોય છે. તેથી જ આવો તફાવત રહે છે.

આ જગતમાં અનુભવજ્ઞાન જ સર્વશ્રેષ્ઠ છે અને તે જ્ઞાન પ્રભુકૃપા અને પુરુષપ્રયત્નથી જ ઉદભવે છે. કેવળ બૌદ્ધિક-મનોરંજન માટે પોપટિયાં જ્ઞાનને વાદ-વિવાદમાં, વિતંડાવાદમાં કે વાતોમાં મૂકવાથી ચૈતન્યનું સાર્મથ્ય પ્રગટી શકે નહિ, પરંતુ પ્રત્યેક જાણેલી વાતને કે સિદ્ધાંતોને આચરણમાં મૂકીને તેને આત્મસાત્ કરવાથી, તેનો સ્વતઃ અનુભવ કરવાથી જ પ્રગટે છે. વાતોનાં વડાં ને સાચાં વડાંમાં જેટલો ફેર છે, તેટલો જ શબ્દજ્ઞાન-વાચ્યાર્થજ્ઞાન અને અનુભવજ્ઞાનમાં તફાવત છે.

કોઈ વ્યક્તિ પાસે ધન-દોલત, અન્યની સહાય વગેરે કંઈ ન હોય, પણ આત્મશ્રદ્ધા, પુરુષપ્રયત્ન અને તેથી પ્રાપ્ત થયેલી પરમેશ્વરની ને સત્પુરુષની કૃપા, આટલાં જ સાધનો હોય તો પણ તે સમગ્ર વિશ્વને જીતવા માટે સમર્થ બને છે. એથી વિપરીત એની પાસે વિશ્વની સઘળી સંપત્તિ હોય અને તેની સહાયમાં બ્રહ્મા જેવા મોટા દેવો હોય, પણ ઉપર્યુક્ત સાધન ન હોય તો તે સામાન્ય તૃણને તોડવા પણ સમર્થ ન બની શકે.

આત્મશ્રદ્ધા દ્વારા પુરુષપ્રયત્ન થાય છે અને પુરુષપ્રયત્ન કરતાં કરતાં આત્માનું સાર્મથ્ય પ્રગટે છે. તેથી પુનઃ આત્મશ્રદ્ધામાં વૃદ્ધિ થાય છે. આત્મશ્રદ્ધામાં વૃદ્ધિ થયે પુરુષપ્રયત્નનું પ્રમાણ ને વેગ અત્યંત વૃદ્ધિ પામે છે. આ રીતે આત્મશ્રદ્ધા અને પુરુષપ્રયત્ન પરસ્પર સહકારરૂપ છે. તે બંનેનું યોગ્ય સંયોજન થતાં પ્રભુકૃપા ઊતરે છે. અને તેથી ચેતનાનો એવો વિસ્મયકારક વિકાસ થાય છે કે વ્યક્તિને ક્યારેય એમ નથી લાગતું કે તેનામાં અમુક પ્રકારની શક્તિ નથી. તેના દરેક પ્રયત્નમાં 'મારાથી એ નહિ થાય' એવો સંકલ્પ પણ સ્ફૂરતો નથી. તેને અમર્યાદ-અસીમ સાર્મથ્યની પ્રાપ્તિ થાય છે. ત્યાર બાદ પ્રભુની પેઠે જ તે પ્રભુના અનુગ્રહથી સંકલ્પમાત્રમાં જે ધારે તે બધું જ કરવા સમર્થ બને છે. સમગ્ર પ્રકૃતિ ઉપર તે પોતાનું વર્ચસ્વ જમાવી શકે છે. આત્મશ્રદ્ધામાં દૃઢતા થવાથી તે ક્રમે ક્રમે પરમાત્માની દૃઢ શ્રદ્ધામાં પરિણમે છે, માટે આત્મશ્રદ્ધાનું અતિ મહત્ત્વ છે. પુરુષપ્રયત્નથી જ પ્રભુકૃપા અને પ્રભુકૃપાથી જ અનુભવજ્ઞાન પ્રગટ થાય છે.

જેમને અધિક અનુભવજ્ઞાન હોય છે, તેમણે અધિક પુરુષપ્રયત્ન કરેલો હોય છે. જેને અનુભવજ્ઞાન ઓછું છે તેનો પુરુષપ્રયત્ન પણ અલ્પ હોય છે. અધિક પુરુષપ્રયત્નથી અધિક અનુભવજ્ઞાન પ્રાપ્ત કરેલી વિરલ વ્યક્તિઓ જ જગતમાં સફળતા, વિજય અને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તેઓના જ જીવન સાર્થક અને અન્ય લોકો માટે આદર્શરૂપ અને પથદર્શક બને છે. અહીં અનુભવજ્ઞાન વ્યાવહારિક તેમજ પારમાર્થિક, પ્રેય અને શ્રેય એ બંને ક્ષેત્રને લાગુ પડે છે તે લક્ષ્યમાં રહેવું ઘટે. પુરુષપ્રયત્ન જ દરેક વ્યક્તિ માટે કર્તવ્ય છે એ વાત અહીં સિદ્ધ થાય છે.

આત્મશ્રદ્ધાનો ગુણ જાગૃત કરી પુરુષપ્રયત્ન કરવાનો અદમ્ય ઉત્સાહ વધારનાર મનુષ્યો જગતમાં ખરેખર દુર્લભ હોય છે. કેટલાક લોકો તો આત્મશ્રદ્ધા અને પુરુષપ્રયત્ન બંનેને ગૌણ કરી બીજાની શ્રદ્ધાને ડગાવી તેના પુરુષાર્થમાં તેને શિથિલ કરી દેતા હોય છે. એમના નકારાત્મક વલણથી (Negative Attitude) અને નિર્બળ-નિર્માલ્ય વચનોથી અનેકને ગંભીર રીતે હાનિ પહોંચે છે. અજ્ઞાનવશ એનો ખ્યાલ પણ તેઓને હોતો નથી. તેવા લોકોનાં વચનો આવા પ્રકારનાં હોય છે : 'અરે ભાઈ! આ કામમાં એટલી બધી મગજમારી છે કે એમાં પડવાથી તમારો કોઈ ભલીવાર થવાનો નથી. તમારે લાયક આ કામ છે જ નહિ.' કોઈ કાયદાશાસ્ત્ર (Law)નો અભ્યાસ કરતો હોય તો તેને કહેશે : 'ભાઈ! હવે આ અભ્યાસમાં કોઈ લાભ રહ્યો નથી. જુઓ, વકીલો અને એલ.એલ.બી. થયેલાઓ કોટ-પેન્ટ પહેરી, ટાઈ લગાવી, પોતાના ખિસ્સાનું ખર્ચી, આ કચેરીથી પેલી કચેરીએ આંટા મારીને ઢીલાઢસ થઈ જાય છે. એને 'પાઈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ' એના જેવું છે.' કોઈ ડૉક્ટરી અભ્યાસ કરવા માગતો હોય તો તેને કહેશે : 'અરે ભાઈ! અમથા મગજમારી શું કામ કરો છો? આજે ઘરની બહાર નીકળીને હજામ શોધવો હોય તો મુશ્કેલ છે, પણ ડૉક્ટરો ને વૈદ્યો તો ગલીએ ગલીએ દવાખાનાનાં પાટિયાં મારી, ખુરશી પર બેઠા બેઠા હાથ જ ઘસતા હોય છે. બી.એ., એમ.એ., બી.કોમ. વાળાઓને તો કોઈ નોકરી જ નથી આપતું. આ બધા અભ્યાસક્રમો હવે નકામા થઈ ગયા છે. એન્જિનિયરોની તો જ્યાં જાવ ત્યાં લાઇનો જ લાગેલી હોય છે.' ઘણા કહે છે : 'ભાઈ! હવે સ્વતંત્ર ધંધો કરવાનો તો આ સમય જ નથી. એટલી બધી મંદી છે કે માર્કેટમાં ઊભા રહેવું પણ શક્ય નથી.' આવા પ્રકારના માણસોના નબળાં વચનોથી અને નકારાત્મક અભિગમથી ઘણા ઉત્સાહી લોકોનું મનોબળ તૂટી જાય છે. આત્મશ્રદ્ધા મંદ પડી જાય છે. આજના સમાજની દુર્દશા થવામાં આવી નકારાત્મકતાવાળા લોકોનો ફાળો ઘણો મોટો છે.

પોતાની આત્મશ્રદ્ધામાં દૃઢ અને પુરુષપ્રયત્નમાં નિષ્ઠાવાળા પ્રયત્નશીલ ને કર્તવ્યપરાયણતાની ભાવનાવાળા મનુષ્યોએ આવાં નિર્બળ વચનો ને વિચારો પ્રત્યે બિલકુલ લક્ષ્ય આપવું ન જોઈએ. વર્ષોથી લોકોના મોઢે આવાં વચનો સંભળાય છે. તેમ છતાં જગતમાં અનેક વિદ્વાનો, વકીલો, ડૉક્ટરો, એન્જિનિયરો વગેરે બને જ છે ને? તેઓ સારી કમાણી કરીને સુખ-સમૃદ્ધિવાળું જીવન જીવે જ છે ને? આત્મશ્રદ્ધાવાળા અને પુરુષાર્થી મનુષ્યો પોતાના ક્ષેત્રમાં ચોક્કસ સફળ થયેલા જણાય છે.

એક આશ્ચર્યની વાત એ પણ છે કે પરમાર્થને માર્ગે - પ્રભુપ્રાપ્તિને માર્ગે પ્રગતિ સાધવા મથતા હોય તેવા ખંતિલા સાધકોને પણ કેટલાક લોકો પોતાનાં નિર્બળ વચનોથી તેમની સાધનાને મંદ પાડી દેતા હોય છે. આ ખરેખર ખેદજનક બાબત છે. તેઓ કહે છે : 'ભાઈ, પ્રભુપ્રાપ્તિ તો આવા હળાહળ કળિયુગમાં બિલકુલ શક્ય જ નથી. આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર અનેક જન્મોની સાધના વગર સંભવી શકતો જ નથી. કેટલાય તપસ્વીઓ રાફડા થઈ જાય એટલી તપસ્યા, ધ્યાન-યોગ વગેરે સાધનો કરે છે, તો પણ તેઓને કંઈ પ્રાપ્તિ થતી નથી. કામ, ક્રોધ, લોભ, માન વગેરે દોષો પણ કોઈ જીતી શકતું નથી. મોટા મોટા વિશ્વામિત્ર, ચ્યવન, નારદ, એકલશૃંગી વગેરે ઋષિ મુનિઓ તથા શિવજી, બ્રહ્મા જેવા મોટા દેવો પણ તેનાથી પરાભવ પામ્યા છે, તો આપણા જેવા સામાન્ય મનુષ્યનું તો શું ગજું? માટે તેને જીતવાના બધા પ્રયત્નો વ્યર્થ છે. તેમાં સમય ને શક્તિનો ખોટો વ્યય કરવા જેવું છે.' આવાં નિર્બળ-નિર્માલ્ય વચનોથી તેઓ પોતાની જાતને તથા બીજાઓને ગંભીર હાનિ પહોંચાડે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે તેમના વચનામૃતમાં વચ. ગ. પ્ર. 17માં આવાં વચનો બોલનારને સત્સંગમાં કુસંગસમ ગણેલા છે. અને એવી હિંમત રહિત વાત કરી બીજાને ભગવાનની પ્રસન્નતાના ધ્યાન-ભજન વગેરે સાધનો કરનારને મોળા પાડી હિંમતહીન બનાવનારને નપુંસક કહી પ્રાયશ્ચિત્તરૂપે ઉપવાસ કરવાનું પણ કહ્યું છે. જે મનુષ્ય આવાં વચનોની દરકાર કર્યા વગર પ્રભુ તેમજ સત્પુરુષમાં દૃઢ શ્રદ્ધા રાખી, આત્મશ્રદ્ધા દ્વારા પોતાની સાધનામાં મંડ્યા રહે છે, તેઓ પ્રભુકૃપા પામી પોતાના ધ્યેયને નિશ્ચિતરૂપે સિદ્ધ કરે છે. જેઓ એવાં નબળાં વચનોથી ભાંગી પડે છે, હતાશ થઈ જાય છે અને પોતાની સાધનામાં શિથિલ બને છે, તેઓ જીવનમાં સફળ થઈ શકતા નથી.

વ્યાવહારિક કે પારમાર્થિક, પ્રેય કે શ્રેય એ બંને પ્રકારના માર્ગમાં જેને પ્રગતિ સાધવી હોય અને પોતાનું જીવન સાર્થક કરવું હોય, તેમણે બીજાનાં નિરુત્સાહી ને નાહિંમત બનાવનારાં વચનોને લક્ષ્યમાં ન લેતાં પ્રયત્નશીલ રહી ધૈર્યથી આત્મશ્રદ્ધાના ગુણને દૃઢ કરતા રહેવું. પુરુષપ્રયત્ન અને આત્મશ્રદ્ધાના સમન્વય દ્વારા પ્રભુનો અનુગ્રહ થયે જીવનમાં દરેક પ્રકારની સફળતા હાંસલ થાય છે એ નિર્વિવાદ સત્ય છે.

આથી મનમાં દૃઢપણે એવો નિશ્ચય કરવો કે ચૈતન્યમાં બધું જ કરી શકવાનું અપાર સાર્મથ્ય પ્રભુએ મૂકેલું જ છે. તેનો વિકાસ સાધવા પ્રભુને ને સત્પુરુષને નિરંતર પ્રાર્થના કરવી અને તેમની અનુકંપાથી જીવનમાં બળ, પ્રકાશ, જ્ઞાન, સાર્મથ્ય વગેરે મેળવવા. પુરુષપ્રયત્નથી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. એ પ્રાપ્ત અનુભવજ્ઞાનથી આત્માના સાર્મથ્યમાં અધિક ને અધિક શ્રદ્ધા પ્રગટાવવી ને અધિક પુરુષપ્રયત્ન કરવો. તેથી આત્માનાં અમર્યાદ સાર્મથ્યની વાસ્તવિક અનુભૂતિ થઈ શકે.

આત્મા સ્વયં પરમાત્મારૂપ, પૂર્ણ પુરુષોત્તમરૂપ થઈ શકે છે. એવું અદભુત - અલૌકિક સાર્મથ્ય તેમાં રહેલું છે. પરમાત્મારૂપ થવું એ આત્માના સાર્મથ્યની સર્વોત્કૃષ્ટ, પૂર્ણ ને અંતિમ સ્થિતિ છે. એ સ્થિતિએ પહોંચ્યા પછી તે વ્યક્તિ માટે કંઈ જ કરવું શેષ રહેતું નથી. તે પૂર્ણકામ બની જાય છે.