9. સદા પ્રસન્ન રહેતાં શીખીએ

0:000:00

ભૂતકાળમાં ભોગવેલાં દુઃખોનું સ્મરણ કરીને, અતીતની ઘટનાઓને વાગોળીને અથવા ભાવિની વ્યર્થ ચિંતા કરીને આપણે પોતાની જાતને હતાશા, નિરાશા, ખિન્નતા વગેરે નકારાત્મક ભાવોથી દુઃખી બનાવવી ન જોઈએ. વર્તમાન સમયને શુભકાર્યો, સત્કાર્યો દ્વારા આનંદ ને પ્રસન્નતાના વહેણમાં જ વહેવા દેવો જોઈએ.

આપણે દરિદ્રતાને લઈને ખેદ કરીશું તો ખેદ કરવાથી શું આપણી દરિદ્રતા ટળી જશે ખરી?

આપણે અભણ હોઈએ, અજ્ઞાની હોઈએ, તેનું આપણને દુઃખ હોય તેથી તે અંગે ક્લેશ કરવાથી આપણે વિદ્વાન કે જ્ઞાની બની જઈશું ખરા?

શરીરે મંદવાડ કે રોગ હોવાથી આપણને ઉદ્વેગ થતો હોય, પરંતુ તેમ ઉદ્વેગ કરવાથી નીરોગી થવાશે ખરું? એ શું આરોગ્ય મેળવવાનો સાચો ઉપાય છે?

ભૂતકાળમાં અમુક અયોગ્ય કામ થઈ ગયું, તે અંગેના શોકની છાયા મુખ પર લઈને સોગિયું મોઢું લઈને, લમણે હાથ દઈને બેસવાથી થઈ ગયેલી ભૂલ સુધરી જશે એમ લાગે છે?

મિત્રો! ભય, શોક, દુઃખ, ચિંતા, વ્યગ્રતા વગેરેના વિચારોનું મનન-ચિંતન કરવું કોઈ પણ રીતે યોગ્ય નથી. વર્તમાનકાળ પ્રભુએ આપણને શુભકાર્યો-સત્કાર્યો કરવા માટે આપેલો છે. અતીત કે ભાવિના ભય, શોક, દુઃખ, ચિંતા, વ્યગ્રતાના વિચારોમાં વેડફી નાખવા માટે નથી આપ્યો. વર્તમાનકાળ ઉપર જ સર્વ સુખનો આધાર છે. ભવિષ્યની કોઈ પણ સફળતા કે સિદ્ધિનો આધાર પણ વર્તમાન સમય ઉપર જ છે. માટે મનમાંથી સઘળી નિર્બળતાઓ તથા ભય, શોક, દુઃખ, ચિંતા, હતાશા, નિરાશા વગેરે નકારાત્મક લાગણીઓને ખંખેરી પ્રસન્ન ચિત્ત બનીએ. મનને અપૂર્વ આનંદની ભાવોર્મિઓથી ભરી દઈએ. વર્તમાનકાળને શુભ ચિંતન અને ઉત્તમ પુરુષાર્થ દ્વારા શોભાવીએ. આપણી શક્તિનો ને જ્ઞાનનો પૂર્ણતઃ ઉપયોગ કરી વર્તમાનકાળને શુભ પ્રયત્નમાં ગાળીએ. આપણે તો સર્વોપરી પરમાત્માનાં સંતાનો છીએ એ કદી ન ભૂલીએ.

ભૂતકાળના પ્રસંગોનું સ્મરણ કરી, તે દરમ્યાન થયેલી ભૂલો શોધી, તેને સુધારી ફરી તેવી ભૂલોનું પુનરાવર્તન ન થાય તેવો મનમાં દૃઢ નિશ્ચય કરી પ્રયત્ન કરવો તે યોગ્ય છે, પરંતુ શોક ને વ્યગ્રતાને મનમાં પોષવા તે બિલકુલ યોગ્ય નથી.

ભવિષ્યમાં આવનારા સુખની કલ્પના કરી મનમાં પ્રસન્નતા વધારવી એ ચોક્કસ ઇચ્છનીય છે, પણ ભાવિના દુઃખના અનુમાનથી ભય પામી વ્યગ્ર થવું એ તો અયોગ્ય જ છે. આ મુદ્દો હંમેશાં ધ્યાનમાં રાખીને જીવનમાં આમૂલ પરિવર્તન લાવવા સતત પ્રયત્નશીલ બનીએ, એ જ ખરો પુરુષાર્થ છે.