10. મૂંઝવણ અને ઉકેલ

0:000:00

મૂંઝવણ : હું અશુભ વિચારોને રોકવા અને મારાં દુઃખોને દૂર કરવા માટે ખૂબ જ પ્રયત્ન કરું છું. તેમ છતાં મને તેમાં સફળતા નથી મળતી. તો તે અંગે મારે શું કરવું જોઈએ?

ઉકેલ : આપણને અનંતકાળથી એવી દૃઢ માનીનતા થઈ ગયેલી છે કે આપણે તુચ્છ જીવ છીએ અને અલ્પજ્ઞ, અશક્ત તથા અનેક વિકારો, દોષો ને ક્ષતિઓથી ભરેલા છીએ. આવા પ્રકારની જીવની ક્ષુદ્ર 'હું'પણાની ભાવના જ્યાં સુધી રહે, ત્યાં સુધી અશુભ વિચારો કે વિકારોને કેવી રીતે ટાળી શકાય?

આપણું જીવપણું એ કેવળ અસત્ય છે, મિથ્યા છે. આપણું બ્રહ્મરૂપત્ત્વ, પરબ્રહ્મરૂપપણું જ સત્ય છે. એવું અખંડ મનન-ચિંતન જ અશુભ વિચારો ને વિકારોને ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે. ઝાંઝવાના જળને એક વાર મિથ્યા જાણ્યા પછી પોતાની તરસ છીપાવવા કોઈ તેની પાસે જશે ખરું? સત્શાસ્ત્રો અને સત્પુરુષો પાસેથી તત્ત્વજ્ઞાન જાણીને એવો દૃઢ નિશ્ચય થયો હોય કે આપણે માયાબદ્ધ જીવ નથી, પરંતુ પરમાત્મારૂપ, પુરુષોત્તમરૂપ છીએ, નિત્યમુક્ત છીએ તો પછી અશુભ વિચારો-વિકારો ટાળવા માટે વ્યર્થ સંઘર્ષને ક્યાં સ્થાન છે?

અશુભ વિચારો-વિકારોનું આપણાં અંતઃકરણમાં ભલે આવાગમન થયા કરે, તે અસત્ય જ છે. અને આપણને તેનાથી કદી કોઈ પણ પ્રકારની હાનિ થવાનો સંભવ નથી, કારણ કે આપણે તેનાથી બિલકુલ વિલક્ષણ, અલિપ્ત છીએ. આપણો તેની સાથે કોઈ સંબંધ જ નથી. અંતરમાં આવી ભાવના સ્થિર થવાથી અશુભ વિચારોનો પ્રવાહ ક્રમશઃ અટકી જશે.

અશુભ વિચારો-વિકારોનું વાસ્તવિકરૂપે કોઈ અસ્તિત્વ જ નથી. એ અસત્ય ને મિથ્યા છે. આભાસમાત્ર છે. તેની કોઈ બળવાન સત્તા નથી. આ પ્રકારની ભાવનાનું હૃદયમાં સ્ફૂરણ કર્યા કરવું, જેથી તેનું બળ, તેની તીવ્રતા ચોક્કસ ઘટી જશે. એ જ પ્રમાણે દુઃખ, દારિદ્રતા, વિપત્તિ, વ્યાધિ, ક્લેશ, નિર્બળતા વગેરે જીવપણાની મર્યાદિત ભાવનામાં જ રહેલાં છે. તેનું પણ કોઈ અસ્તિત્વ નથી એવું દૃઢપણે માનવું જોઈએ. દુઃખાદિનું સતત રટણ-ચિંતન કર્યા કરવાથી તેઓ આપણાં અંતઃકરણમાં વધુ ને વધુ દૃઢ થતાં જાય છે. તેથી આપણને તે સંબંધી કષ્ટ ને ક્લેશનો અનુભવ થાય છે, કારણ કે એ અસત્યને આપણે અજ્ઞાનથી સત્ય માની બેઠા છીએ. વસ્તુગતે તે આપણી મિથ્યા ભ્રાંતિ છે. ભ્રાંતિને દૂર કરવાનો એ જ ઉપાય છે કે ભ્રાંતિને ભ્રાંતિ જ જાણવી અને આપણા ચૈતન્યસ્વરૂપનું ને પરમાત્માના દિવ્ય સત્ય સ્વરૂપનું ચિંતન કરવું.

પરબ્રહ્મસ્વરૂપમાં પાપ, વિકાર, વ્યાધિ, દુઃખ, ક્લેશ, ભય, નિર્બળતા વગેરે મર્યાદિત જીવતત્ત્વના ગુણધર્મોનો લેશ પણ નથી. આપણે આપણી જાતને પરબ્રહ્મસ્વરૂપમાં એકાકાર કરીને આપણું મિથ્યા જીવપણું એમાં વિલીન કરીને પરબ્રહ્મરૂપ છીએ, એવું જ અખંડ મનન-ચિંતન કરીએ તો આપણા અજ્ઞાન આધારિત મિથ્યા દુઃખાદિ ક્લેશો સૂર્ય ઊગતાં ધુમ્મસ જેમ વિખરાઈ જાય છે, તેમ અદૃશ્ય થઈ જાય છે. એ નિઃસંશય વાત છે.

આપણાં સ્વરૂપને આપણે પરબ્રહ્મરૂપે છીએ એમ માની પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું અખંડ ચિંતન-મનન કરીને એ વિચારમાં સુદૃઢ થઈએ, તો આપણી જીવપણાની મિથ્યા માનીનતા દૂર થઈ જાય છે. અને આપણા આત્મસ્વરૂપમાં પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનો આવિર્ભાવ થતાં સઘળાં દુઃખો, વ્યાધિઓ, વિકારો, દોષો, ક્લેશો, ભય વગેરે સમૂળા દૂર થઈ જાય છે. ત્યારબાદ પૂર્ણબ્રહ્મ સર્વત્ર પ્રકાશે છે એવો સાક્ષાત્કાર અનુભવ થાય છે. પછી આપણને ક્યારેય એવી ભ્રાંતિ નથી થતી કે હું દુઃખી છું, રોગી છું, નિર્બળ છું, નિર્ધન છું વગેરે વગેરે.

ઉપર્યુક્ત બ્રહ્મવિચાર અથવા તત્ત્વવિચારનું સતત ચિંતન કરવું એ જ ખરી સાધના છે. બીજી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાની સાધનાઓ આની પાસે ગૌણ છે. એ સાધના સિદ્ધ થયે આત્મામાં પૂર્ણબ્રહ્મ પરમાત્માના દિવ્ય સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે અને ત્યારબાદ આપણા માટે આ વિશ્વમાં અશુભ કે અશુદ્ધ જેવું કંઈ જ રહેતું નથી.

મૂંઝવણ : મારે માટે મારા અધિકારની (સ્થિતિની) વૃદ્ધિ શી રીતે કરવી?

ઉકેલ : ઉત્કૃષ્ટ પ્રકારની ભાવનાઓ, વિચારો તથા કર્મો દ્વારા વ્યક્તિ ઉચ્ચ અધિકાર ને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. આપણે જે સ્થાને કે જે સ્થિતિમાં હોઈએ તેથી વધુ ઉચ્ચ સ્થાન કે સ્થિતિની પ્રાપ્તિ કરવી હોય, આપણા અધિકારમાં વૃદ્ધિ કરવાની અભિલાષા હોય તો આપણે જે અધિકારમાં હોઈએ તેથી ઉચ્ચ કક્ષાના વિચારો અને કર્મો કરવાનો, પુરુષાર્થ કરવાનો પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. એમ કરવાથી થોડા સમયમાં તેનું નક્કર પરિણામ આપણી સમક્ષ આવ્યા સિવાય રહેતું નથી. ઉચ્ચ પ્રકારના વિચારો, ભાવના ને કર્મોનું જ્ઞાન મેળવી એ દિશામાં સતત પુરુષાર્થ કરવાથી પોતાના અધિકારમાં વૃદ્ધિ થાય છે એ વાત નિશ્ચિત છે.

હવે આપણી સામે પ્રશ્ન એ છે કે હાલ આપણે કયા સ્થાને, કયા અધિકારમાં કે કઈ સ્થિતિમાં છીએ? અને તેનાથી ઉચ્ચ સ્થિતિ કે અધિકાર કયો છે? અને તેમાં કેવી રીતે વૃદ્ધિ કરવી?

અધિકારના ભેદ વ્યક્તિની યોગ્યતા-પાત્રતા પ્રમાણે અનેક પ્રકારના છે. તેમ છતાં સામાન્ય રીતે અધિકારનો નિર્ણય આ પ્રમાણે કરવો.

અધિકારના મુખ્ય ત્રણ ભેદ છે.

(1) શારીરિક અધિકાર

(2) માનસિક અધિકાર

(3) આધ્યાત્મિક અધિકાર

જે મનુષ્યને પોતાનાં શરીર તથા શરીર સંબંધી જ વિવિધ વિષયોમાં આસક્તિ હોય છે અને માનસિક કે આધ્યાત્મિક ઉન્નતિ પ્રત્યે કાં તો અજ્ઞાત હોય છે અથવા તેનું જ્ઞાન હોવા છતાં પંચવિષયમાં તીવ્ર આસક્તિને લઈને તે પ્રત્યે દુર્લક્ષ્ય હોય છે. આ પ્રકારના મનુષ્યો શારીરિક અધિકારવાળા ગણાય છે. આવા મનુષ્યોને પુષ્કળ ધન મેળવવું, મોટા મોટા ધંધા ચલાવવા, કારખાનાંઓ કરવાં તથા બંગલા, બાગબગીચા, વાહનો, સુંદર વસ્ત્રો, અલંકારો, ખાણી-પીણીની સ્વાદિષ્ટ વાનગીઓ તથા શરીરની ઇંદ્રિયોની તૃપ્તિ માટે ભોગવિલાસનાં અન્ય સાધનોમાં જ અત્યંત અભિરુચિ હોય છે. તેમનું મનન-ચિંતન પણ હંમેશાં પંચવિષયો સંબંધી જ હોય છે. તેમની વાતો-ચીતો પણ મહદ્અંશે તે વિષયો સંબંધી જ હોય છે. ભૌતિક સુખો સિવાય એને બીજા કશામાં ખાસ રસ હોતો નથી. તેમના જીવનમાં જો અમુક પ્રકારનાં વિષયસુખોનો અભાવ હોય તો તેઓ વ્યગ્ર બની જાય છે. તેમને પોતાનું જીવન નિરસ લાગવા માંડે છે. વ્યગ્રતાને લઈને ક્યારેક તે પોતાની જાતને તથા બીજાને માટે પણ હાનિકર્તા બને છે. નવાં નવાં ભૌતિક સુખો અને વિષયભોગનાં સાધનો તેમને મળતાં રહે તો જ તેમને જીવન સાર્થક લાગે છે. કદાચ ધાર્મિક કાર્યો દાન-પુણ્ય, પૂજા-પાઠ, કથા-પારાયણો, યજ્ઞો, મંત્રજાપ વગેરે કરવા માટે તેઓ પ્રેરાય છે, તો પણ તેમની અભિલાષા તો તેવા કાર્યોથી વધુ ને વધુ ભૌતિક સુખો કેમ મળે, તે જ હોય છે. પ્રભુનું ભજન-સ્મરણ- ભક્તિ, તીર્થયાત્રા, દેવદર્શન વગેરે કરવા પાછળનો આશય પણ પોતે કરેલાં પાપકર્મો જેવાં કે છેતરપિંડી, છળ-કપટ, દગો, લાંચ, ભ્રષ્ટાચાર, દુરાચાર, હિંસા વગેરેનો ક્ષય થઈ જાય અને વધુ ભૌતિક સુખો મળે તેવા સ્વાર્થવાળો હોય છે.

બીજા પ્રકારના કેટલાક મનુષ્યને શારીરિક ભૌતિક સુખો કરતાં માનસ સુખોમાં-માનસિક આનંદમાં વધુ અભિરુચિ હોય છે. તેમાં પણ કેટલાંક શારીરિક સુખો મેળવવા માટે માનસ અધિકારમાં વૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરે છે. અને કેટલાક લોકોને શારીરિક સુખો ગૌણ જણાય છે ને માનસિક સુખો મેળવવામાં વધુ રસ હોય છે.

સંસારનાં ભૌતિક સુખો મેળવવા માટે વિદ્યા સંપાદન કરી માનસિક શક્તિઓનો વિકાસ સાધવા જેઓ પ્રયત્ન કરે છે, તેઓ પહેલા જ પ્રકારના અર્થાત્ શારીરિક અધિકારવાળા જ છે. સાંસારિક સુખોને ગૌણ ગણી વિદ્યા-કલા સંપાદન કરી ઉચ્ચ પ્રકારનું માનસિક સુખ મળે તેવો પ્રયત્ન કરનાર વ્યક્તિ માનસ અધિકારવાળી ગણાય. અને તે પ્રથમ કહેલા શારીરિક અધિકારવાળા કરતાં ચડિયાતી છે.

પ્રથમ પ્રકારના અધિકારવાળા મનુષ્યો વિદ્યા-કલાથી માનસિક વિકાસ સાધી તેમણે ઇચ્છેલાં ભૌતિક વિષયસુખો મેળવી તેમાં જ રચ્યાપચ્યા રહે છે. તેથી તેમના માનસ અધિકારમાં થતી વૃદ્ધિ અટકી જાય છે. બીજા પ્રકારના અધિકારવાળા લોકોને ભૌતિક સુખો મળે તો પણ તેમાં લુબ્ધ થઈ જતા નથી, પરંતુ ઉચ્ચ પ્રકારનાં માનસ સુખ મેળવવામાં તેઓ વધુ પ્રયત્નશીલ બને છે. અને માનસિક વિકાસમાં તેઓ વધુ ને વધુ વૃદ્ધિ કરે છે.

હવે ત્રીજા પ્રકારના આધ્યાત્મિક અધિકારવાળા મનુષ્યોની વાત કરીએ. આ પ્રકારના મનુષ્યોને જેમ શારીરિક વિષયસુખો ક્ષુલ્લક, ક્ષણભંગુર ને તુચ્છ લાગે છે અને તેમાં અભિરુચિ નથી થતી, તેમજ માનસિક વિકાસ સાધવા વિવિધ વિદ્યા-કલા સંપાદન કરી માનસ સુખો મેળવવામાં પણ રસ નથી હોતો. તેમને તો કેવળ પરમઅર્થ આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર કરી તે સંબંધી શાશ્વત સુખ-શાંતિ-આનંદ મેળવવાની જ તાલાવેલી હોય છે. એ દિશામાં જ ઉત્તરોત્તર પ્રગતિ સાધવાનો જ પ્રયત્ન તેઓ સતત કરતા રહેતા હોય છે. સાચા માર્ગદર્શક સદગુરુની શોધ કરી શ્રેયમાર્ગનો સર્વોત્કૃષ્ટ ધ્યેય શી રીતે સિદ્ધ થાય, એની જ એક ચિંતા હોય છે. બીજું જગત સંબંધી, શરીર સંબંધી કે માનસ સંબંધી બધું જ તેમને મન ગૌણ હોય છે. તેમનો કર્મયોગ નિઃસ્વાર્થ સેવા, પરોપકાર ને અન્યના અભ્યુદય માટેનો હોય છે. તે દ્વારા પણ તેમનો આશય તો શ્રેયને પંથે સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ કરવાનો જ હોય છે. આવા પ્રકારના મનુષ્યો શ્રેષ્ઠ અધિકારવાળા ગણાય.

હવે આપણે આમાં કયા અધિકારવાળા, કઈ સ્થિતિવાળા છીએ તેનો નિર્ણય કરવો સહેલો થઈ જશે. અંતઃકરણમાં અંર્તદૃષ્ટિ કરીને તપાસ કરવી કે આપણા દિવસનો વધુ સમય કેવા પ્રકારના વિચારોમાં, ભાવોમાં કે કાર્યોમાં તથા કેવા પ્રકારનાં સુખો મેળવવાના પ્રયત્નમાં વ્યતિત થાય છે?

જો વ્યક્તિને સર્વશ્રેષ્ઠ આધ્યાત્મિક અધિકારમાં વિકાસ કરવો હોય તો પોતાનું સમગ્ર જીવન ક્રમે ક્રમે ધડમૂળમાંથી પ્રયત્નપૂર્વક બદલી નાખવું જોઈએ. પોતાના અયોગ્ય સ્વભાવ તથા વાણી-વર્તન સુધારી નાંખવા જોઈએ. નીચી હલકી કક્ષાના વિચારો અને કર્મોનો ત્યાગ કરી ઉત્તમ પ્રકારના વિચારો અને કર્મો દ્વારા શ્રેષ્ઠ અધિકારમાં પ્રવેશ થાય અને તેમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાય અને પ્રભુપ્રાપ્તિરૂપ સર્વોચ્ચ ધ્યેય સિદ્ધ થાય તેવો પ્રયત્ન કરી જીવનને સાર્થક બનાવવું જોઈએ. એ જ મનુષ્યનું કર્તવ્ય છે.