૫. લોયા પ્રકરણ

વચનામૃત - 1

સંવત 1877 કાર્તિક વદિ- 10 = તા.30-11-1820, શુક્રવાર.

લોયા = સારંગપુરની નજીક બોટાદ ગામ છે જે તાલુકામથક છે, તેની પાસે રાણપુર ગામ છે, રાણપુરથી દસેક કિલોમીટરના અંતરે આવેલું ગામ ત્યાંના દરબાર સુરાખાચર શ્રીજીમહારાજના અનન્ય ભક્ત હતા.

નંદીશ્વર = શિવના દ્વારપાલ, પોઠિયો.

ડાચિયું નાંખવું = ખિજાઈને કાંઈ કહેવું, જેના-તેના ઉપર ગુસ્સો કરવા, કરડવા પ્રયત્ન કરવો.

કસાઈ = પશુને મારીને તેનું માંસ વેચવાનો ધંધો કરનાર માણસ, ખાટકી, ઘાતકી, હિંસક.

ભાવર = રખડું, શિકારી.

દગ્ધ = દુ:ખી, બળેલું, દાઝેલું, કષ્ટ થતું હોય તેવું.

કૃચ્છ્ર ચાંદ્રાયણ = બહુ મુશ્કેલીથી થઈ શકે તેવું પ્રાયશ્ચિત વ્રત.

અનુસ્યૂતપણે = ઓતપ્રોતપણે, ગૂંથાયેલું, ગાઢ સંબંધવાળું, સાથે જોડેલું.

ટોકે = અટકાવે, રોકે.

વચનામૃત - 2

સંવત 1877 કાર્તિક વદિ- 11 = તા.1-12-1820, શનિવાર.

કિનખાપ = કિનખાબ, રેશમ અને કસબ સાથે વણેલું, બુટ્ટાદાર વસ્ત્ર, રેશમી કપડા ઉપર કસબ અને તારા ટીપકી વગેરેનું ભરત કામ.

બુરાનપુરી = બુરાનપુર નામના મધ્યપ્રદેશમાં આવેલા શહેરમાં બનેલું.

વચનામૃત - 3

સંવત 1877 કાર્તિક વદિ- 13 = તા.3-12-1820, સોમવાર.

ગોદોહન = વનવિચરણ દરમ્યાન શ્રીજીમહારાજ જે સ્થળે સવારે ગાયને દોહી હોય તે સ્થળે સાંજના ગાયને દોહવાનો સમય આવે તે અગાઉ બીજે સ્થળે વિચરણ કરી જતા. સાંજે જે સ્થળે હોય ત્યાંથી વહેલી સવારે ગાય દોહે તે અગાઉ નીકળી બીજે જતા.

તેની કોરનો કેફ = તેની તરફનો કેફ.

કંઠપ્રાણ = પ્રાણ કંઠે આવી ગયેલા, દેહ મૂકવાનો સમય, જીવ દેહમાંથી નીકળી જવાની તૈયારી.

માર્ગીનો પંથ = માર્ગી નામનો સંપ્રદાય.

વીઘા = એકરનો ચાલીસમો ભાગ તે ગુંઠો તેવા આશરે 25 ગુંઠા તે વીઘો. જમીનનું એક માપ. (1 એકર = 4840 ચો.વાર = 43560 ચો.ફૂટ, 1 ગુંઠો = 121 ચો.વાર = 1.89 ચો.ફૂટ)

વચનામૃત - 4

સંવત 1877 કાર્તિક વદિ- 14 = તા.4-12-1820, મંગળવાર.

અંશકળા = અંશ અવતાર, કળા અવતાર.

બિલોરી કાચ = જેમાંથી આરપાર દેખાય તેવો પાસાવાળો કાચ, જેમાંથી જોવાની ઝીણી વસ્તુ મોટી દેખાય તેવો કાચ.

મચ્છ, કચ્છ, વરાહ, નૃસિંહ = મચ્છ = માછલું, કચ્છ = કાબચો, વરાહ = ભૂંડ, નૃસિંહ = નર + સિંહ. ભગવાને જુદાં જુદાં પ્રયોજન માટે તેવા તેવા અવતાર ધારણ કરેલા હતા તે.

સ્થાવર - જંગમ = સ્થાવર એટલે સ્થિર, જંગમ એટલે એક ઠેકાણેથી બીજે ઠેકાણે ખસી શકે એવા ચર.

વચનામૃત - 5

સંવત 1877 કાર્તિક વદિ- 30 = તા.5-12-1820, બુધવાર.

અવધિ = સમય મર્યાદા.

માંહ્યલી કોરથી = અંદરની તરફથી.

શાણે = શેના વડે, કેવી રીતે.

વચનામૃત - 6

સંવત 1877 માગશર સુદિ- 1 = તા.6-12-1820, ગુરુવાર.

સુધાં સારાં = સીધી રીતે, સરસ રીતે.

લલોચપો = લોચોપોચો, આ ખરું કે તે ખરું એવો સંશય, દ્વિધા.

કુત્સિતપણું = અશ્લીલતા, તિરસ્કાર છૂટે એવું, ખરાબ.

પગ પાછો પડી જવો = ભગવાને આજ્ઞા કરેલા વર્તમાન પાળવામાં ચૂક પડી હોય તથા સંત-સત્સંગનો અવગુણ લેતો હોય તેવો.

એકડમલ વિમુખ = સંપ્રદાયમાં સંતોને જોડીમાં (અન્ય ત્યાગી સાથે) રહેવાનો નિયમ છે, પણ કોઈ જુદો પડી એકલો અલગ રહેતો હોય તે.

કરતલ = કરનારા.

ચિરકારી = ઘણી વાર લગાડી કામ કરવું.

યદ્યપિ = જો કે.

વચનામૃત - 7

સંવત 1877 માગશર સુદિ- 3 = તા.8-12-1820, શનિવાર.

ऋते ज्ञानान्न मुक्ति = ઋત (ભગવાનના) જ્ઞાન વિના મુક્તિ થતી નથી. હિરણ્ય કેશિય શાખાની શ્રુતિ.

तमेव विदित्वाति...= ભગવાનને જાણીને જ મોક્ષને પામે છે તે વિના બીજો મોક્ષનો માર્ગ નથી. શ્વેતા. ઉપનિષદ, અધ્યાય 3, વા.8

જન્માંતરે = પછીના જન્મે, અન્ય જન્મે.

જીવસત્તા તદાશ્રિત જે અનુભવજ્ઞાન = દસ ઇંદ્રિયો ને ચાર અંત:કરણથી અલગ એવા જીવની સત્તાએ રહે ત્યારે તેને જે અનુભવ થાય તેનું જ્ઞાન.

સાવકાશે = અવકાશ-આકાશ સાથે.

પૂગતાં = પહોંચતાં.

यस्मात् क्षरम्... = હું ક્ષર વર્ગથી જુદો છું અને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોક અને વેદમાં મને જ પુરુષોત્તમ કહે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 15, શ્લોક 18.

विष्टभ्याह मिंदं = સમગ્ર જગતને હું મારી યોગામાયાના એક અંશમાત્રથી ધારણ કરું છું. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 10, શ્લોક 42.

मत्त परतरं नान्यति... = માટે હે અર્જુન! મારાથી પરમાર્થ સત્ય બીજું કાંઈ પણ નથી, જેમ દોરામાં પરોવાયેલા મણિઓનો સમૂહ છે, તેમ સર્વે મારામાં પરોવાએલું છે. ગીતા, અધ્યાય 7, શ્લોક 7.

पश्य मे पार्थ!... = હે અર્જુન! મારા સેંકડો ને હજારો રૂપોને તું જો. ગીતા, અધ્યાય 11, શ્લોક 5.

અગોચર = અગમ્ય, ઇંદ્રિયોથી ન જાણી શકાય તેવું.

भूमिरापोडनलो वायु... = પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, મહતત્ત્વ અને અહંકાર આ આઠ પ્રકારે પરિણામ પામી છે તે પ્રકૃતિથી હું વિલક્ષણ છું. ગીતા, અધ્યાય 7, શ્લોક 4.

अपरेयमितस्त्वन्यां... = આ જે આઠ પ્રકારની ભેદવાળી કહી તે અપરા એટલે જડ પ્રકૃતિ છે અને એનાથી જુદી ચેતન પ્રકૃતિ છે તે મારા જીવરૂપ પરાપ્રકૃતિ છે જેનાથી મેં સંપૂર્ણ જગત ધારણ કરેલ છે. ગીતા, અધ્યાય 7, શ્લોક 5.

नैष्कर्म्यम् अपि अच्युत... = નૈર્ષ્કમ્ય જે આત્માની ઉપાસનારૂપ જ્ઞાન તે રાગદ્વેષ આદિ અંજને રહિત છે પણ તે જો ભગવાનની ભક્તિ વિનાનું છે તો તે અતિ શોભતું નથી. અર્થાત્ ભક્તિ વિનાનું કેવળ જ્ઞાન શોભતું નથી. શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધ, અધ્યાય 5, શ્લોક 12.

कर्मणो हि अपि... = મુમુક્ષુએ કરવા યોગ્ય કર્મમાં જાણવું રહ્યું છે તથા વિકર્મ જે વૈદિક કામ્યકર્મ તેમાં પણ જાણવું રહ્યું છે તથા અકર્મ જે જ્ઞાન તેમાં પણ જાણવાનું રહ્યું છે, એવી રીતે કર્મની ગતિ ગહન છે. ગીતા, અધ્યાય 4 શ્લોક 17.

ब्रह्मभूतः प्रसन्नात्मा...= જે બ્રહ્મરૂપ થયો છે તે પ્રસન્નાત્મા ન કોઈ વાતનો શોક કરે છે, ન કોઈની ઇચ્છા-આકાંક્ષા રાખે છે, એ તો સર્વમાં સમભાવ રાખીને મારી પરાભક્તિને પામે છે. ગીતા, અધ્યાય 18, શ્લોક 54.

કૈવલ્યાર્થી = ભક્તિ વિનાનો જ્ઞાની.

વ્યાપ્ય પ્રકૃતિ = પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન, મહતત્ત્વ ને અહંકાર એ આઠ પ્રકારના ભેદવાળી પ્રકૃતિ કે જેને વિશે ચૈતન્ય પ્રકૃતિ વ્યાપીને રહી છે તે.

વ્યાપક ચૈતન્ય પ્રકૃતિ = આઠ પ્રકારની પ્રકૃતિને વિશે વ્યાપેલ ચૈતન્ય પ્રકૃતિ.

यस्माक्षरं शरीरं = જે પરમાત્માનું અક્ષર એ શરીર છે. સુબાલ ઉપનિષદ, ખં.7.

यस्मात्मा शरीरं = જે પરમાત્માનું જીવાત્મા એ શરીર છે. બ્રહ. અ.3, બ્રા.7-22.

यस्य पृथ्वि शरीरं = જે પરમાત્માનું પૃથ્વી એ શરીર છે. બ્રહ. અ.3, બ્રા.73.

શ્રુતિ = વેદ, વેદ એટલે જ્ઞાન. જે જ્ઞાન ઋષિઓએ અનુભવથી સ્વયં પરમાત્મા પાસેથી સાંભળ્યું તે શ્રુતિ. શ્રુતિનો શબ્દશ: અર્થ: જે સંભળાય તે.

અન્નમય- મનોમય- વિજ્ઞાનમય- આનંદમય બ્રહ્મ = અન્નથી બંધાયેલ દેહ તે અન્નમય- સ્થૂળ દેહ, પ્રાણમય કોશ-મનોમન કોશ ને વિજ્ઞાનમય કોશ તે મળીને સૂક્ષ્મ શરીર અને આનંદમય કોશ તે કારણશરીર.

શરીરી = શરીરથી અલગ, શરીરના માલિક-આત્મા.

સોતી = સહિત.

आर्तो जिज्ञासुरर्थाथीर्... = સંસારના પદાર્થો માટે ભજવાવાળા અર્થાર્થી, સંકટ નિવારણ માટે ભજવાવાળા આર્ત, મને યથાર્થ રૂપથી જાણવાની ઇચ્છાથી ભજવાવાળા (જિજ્ઞાસુ ને જ્ઞાની (નિષ્કામી) એ ચાર પ્રકારના ભક્તો મને ભજે છે. ગીતા, અધ્યાય 7, શ્લોક 16.

तेषां ज्ञानी... = તે ચારેયમાં નિત્ય મારામાં એક ભાવ અને અનન્ય પ્રેમવાળી ભક્તિથી મને ભજતા જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ છે. ગીતા, અધ્યાય 7, શ્લોક 17.

अहं ब्रह्मास्मि... = હું બ્રહ્મ છું.

લહેરી છે = તરંગ છે, એટલે રામ-કૃષ્ણાદિ ભગવાનના અવતારમાં (એટલે પરમાત્મામાં) અને બ્રહ્મરૂપ એવા મારામાં કાંઈ ભેદ નથી, પાણી અને તેના તરંગ-મોજા-લહેર જુદા નથી, તેવા છીએ.

બ્રહ્મકુદાળ = કુદ્દાળ એટલે કોદાળી, જે ખોદવા માટે વપરાય છે. ભગવાન અને ભગવાનના અવતારનું ખંડન કરનારા-ખોદનારા એ બ્રહ્મકુદાળ.

આધુનિક = પોતાના મનની રીતે શાસ્ત્રોના અર્થઘટન કરનારા, (સાચો- સનાતન અભિપ્રાય ન જાણનારા) હાલના- હમણાનાં સમયના, અર્વાચીન.

વચનામૃત - 8

સંવત 1877 માગશર સુદિ- 5 = તા.10-12-1820, સોમવાર.

ખાર હોય = વેર, શત્રુતા, અંટસ હોય.

ક્રિયમાણ = કરવામાં આવતું, વર્તમાનમાં થતું કાર્ય કે કર્મ.

પ્રારબ્ધ = નસીબ, ભાગ્ય, સંચિત (= ભેગા થયેલા) કર્મોમાંથી જેટલાં ભોગવવાને માટે આ વર્તમાન દેહ સરજાયો છે. તેટલાં કર્મ, જેનું ફળ આ જન્મમાં ભોગવવા માંડ્યું છે તે કર્મો.

ફોશી = બીકણ, બાયલું, નામર્દ, ઢીલું.

બહુધા = મોટા ભાગે, ઘણું કરીને.

સારી-નરસી = સારી ને ખરાબ, સારાસાર.

મેષોન્મેષે રહિત = આંખ પટપટાવ્યા વિના, આંખના પલકારા માર્યા વિના.

જિહ્વા = જીભ-રસાસ્વાદ.

અલિંગ = લિંગ- સ્ત્રી પુરુષ કે નર-માદાના કુદરતી ચિહ્નો વિનાનું, શરીર વિનાનું, નિરાકાર.

ઉપશમ અવસ્થા = સર્વે વૃત્તિઓ (મનની ને જીવની) સંકેલાઈ જાય તેવી સ્થિતિ.

વચનામૃત - 9

સંવત 1877 માગશર સુદિ- 6 = તા.11-12-1820, મંગળવાર.

સ્તંબ પર્યંત = તૃણ-જેને મૂળ કે થડ નથી એવું ઘાસ- સુધી. નીચલામાં નીચલી પાયરી સુધી.

વચનામૃત - 10

સંવત 1877 માગશર સુદિ- 8 = તા.13-12-1820, બુધવાર.

અનુવર્તી = અનુસરી, અનુકરણ કરી.

વિષમપણું = વિપરીતપણું, ખરાબ સમય, સરખું ન હોય તેવું.

દોષની સેડ = દોષની ઝીણી ધાર, સેર. દોષ અંગેની સૂક્ષ્મ વિચારધારા.

द्युपतय एव ते न... = બ્રહ્માદિક દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી કેમ કે અપાર છે, અરે ! તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી. શ્રીમદ્ ભાગવત દશમ સ્કંધ, અધ્યાય 87, શ્લોક 41.

यश्च मूढतमो लोके यश्च = જે ભક્ત મૂઢતમ (અતિશય અજ્ઞાની એટલે શાસ્ત્રનું જ્ઞાન નથી પણ ભગવાન અને તેમના ભક્તના વચનમાં દૃઢ વિશ્વાસથી તેમને ભજે) છે કે બુદ્ધિશાળી (ભગવાન યથાર્થ જ્ઞાનને સમજ્યો છે તે) છે તે મુક્તિને પામે છે, એ સિવાયના તો ભગવાનના સુખ વિનાના ક્લેશમાત્રને પામે છે. શ્રીમદ્ ભાગવત તૃતીય સ્કંધ, અધ્યાય 7, શ્લોક 17.

विषया विनिवर्त्तन्ते = જે ઇંદ્રિયો દ્વારા વિષયો ગ્રહણ નથી કરતો તેના વિષયો તો ટળે ખરા, પણ તેમાં રાગ (રસ) રહી જાય છે, તે રામ ભગવાન મળે ત્યારે ટળી જાય છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 2, શ્લોક 59.

सत्त्वं यद् ब्रह्मदर्शनम् = સત્વગુણ છે તે પરબ્રહ્મનું દર્શન કરાવનારો છે શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંદ, અધ્યાય 2, શ્લોક 24.

સંપત્તિ = સમૃદ્ધિ, ગુણોનો ઉત્કર્ષ.

विद्याविद्ये मम तनू विद्ध युद्धव = હે ઉદ્ધવ! વિદ્યા અને અવિદ્યા તે મારા શરીરભૂત છે, ને મારી માયામાંથી નિર્માણ થયેલી છે ને શરીરીઓને બંધન ને મુક્તિ કરનારી છે. શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ, અધ્યાય 11, શ્લોક 3.

વચનામૃત - 11

સંવત 1877 માગશર વદિ- 8 = તા.27-12-1820, ગુરુવાર.

સદ્યસમાધિ = તરત લાગી જાય તેવી સમાધિ.

ઘોરતમ = અતિ ભયાનક.

સંસૃતિ = જન્મ-મરણ.

રગડ = મહેનત, શ્રમ.

વચનામૃત - 12

સંવત 1877 માગશર વદિ- 9 = તા.28-12-1820, શુક્રવાર.

પરદારા = પારકી સ્ત્રી.

ષટ્ઊર્મિ = છ ઊર્મિ, મનનો છ પ્રકારનો આવેગ. શોક-મોહ, ભૂખ-તરસ અને જરા-મૃત્યુ.

વચનામૃત - 13

સંવત 1877 માગશર વદિ- 10 = તા.30-12-1820, રવિવાર.

तत् सृष्टसृष्टसृष्टेषु... = બ્રહ્માએ સર્જેલા મરીચિ આદિક તેમણે સર્જેલા દેવ-મનુષ્યો-તે સર્વેમાં એક નારાયણ ઋષિ વિના કયો પુરુષ છે. જેનું માયાથી મન આકર્ષણ ન થાય? સર્વ કોઈનું મન માયામાં આકર્ષાય જ. શ્રીમદ ભાગવત તૃતીય સ્કંધ, અધ્યાય 31, શ્લોક 37.

एतदीशनमीशस्य.. = ભગવાનના એકાંતિક ભક્તોની બુદ્ધિ દેહના ગુણો સાથે નથી જોડાતી તો અંતર્યામી રૂપે રહ્યા જે ભગવાન તે જડચિત્ પ્રકૃતિના ગુણો સાથે જોડાતા નથી. શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધ, અધ્યાય 11, શ્લોક 38.

दैवी हि एषा गुणमयी... = મારી ત્રિગુણાત્મિકા એવી જે માયા તે દુ:ખે કરીને પણ તરાય એવી નથી, પણ જે મારો આશ્રય કરે છે તે પુરુષ તે માયાને તરી જાય છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 7, શ્લોક 14.

વિપર્યયપણું = ગરબડ, અવ્યવસ્થા, ફેરફાર.

मम साध्मर्यमागताः... = મારા સાર્ધમ્યપણાને પામેલા, મારા જેવાં ગુણ-લક્ષણવાળા થયેલા શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 14, શ્લોક 2.

સ્વરાટ થકા વિરાજમાન = રાજાધિરાજ પણે વિરાજમાન.

अपरिमिता ध्रुवास्तनुभृतो... = હે ધ્રુવ! જીવો અનંત અને નિત્ય છે જો તે સર્વ જીવો ઈશ્વર થાય તો રક્ષણ કરવારૂપી નિયમ બને નહિ અને સર્વ જીવો ઈશ્વર ન થાય ને એક જ ઈશ્વર હોય તો રક્ષણ કરવારૂપી નિયમ બને. શ્રીમદ્ ભાગવત, દશમસ્કંધ, અધ્યાય-7, શ્લોક 30.

વેદસ્તુતિનું ગદ્ય = જુઓ ગ.પ્ર.પ્ર.વ.41નું વિવરણ.

एकमेवाद्वितीय ब्रह्म... = એક ને અદ્વિતીય એવું બ્રહ્મ છાંદોગ્ય, અ. 6, ખં.2-1.

વચનામૃત - 14

સંવત 1877 માગશર વદિ- 11 = તા.31-12-1820, સોમવાર.

સુંસરો = સોંસરો, એક છેડેથી બીજા છેડા સુધી, પાંસરું.

न कुर्यात् कर्हिचित... = અતિ ચંચળ સ્વભાવવાળું જે મન તેનો વિશ્વાસ ક્યારેય ન કરે. મનના વિશ્વાસથી ઘણા કાળથી સંપાદન કરેલું ઈશ્વરોનું તપ નાશ પામ્યું. વિશ્વાસુ પતિની વ્યભિચારિણી સ્ત્રી અન્ય વ્યભિચારી પુરુષને અવકાશ આપે છે તેમ મનનો વિશ્વાસ કરનાર યોગી કામ-ક્રોધ રૂપી શત્રુઓને અવકાશ આપે છે. શ્રીમદ્ ભાગવત પંચમ સ્કંધ, અધ્યાય 6, શ્લોક 3-4.

સુવાણ = સવાણ, આરામ, સોબતનો આનંદ.

સ્તબ્ધપણું = થંભી જવું, દિગ્મૂઢ થયેલું.

વચનામૃત - 15

સંવત 1877 માગશર વદિ- 13 = તા.2-1-1821, બુધવાર.

અધ્યાત્મ = આંખ, કાન, વગેરે ઇંદ્રિયો.

અધિભૂત = ઇંદ્રિયોના સ્થાન- ગોલક.

અધિદૈવ = ઇંદ્રિયોના અધિષ્ઠાતા સૂર્ય વગેરે દેવતાઓ.

બપોરિયા = જેને સળગાવતાં બપોર જેવો પ્રકાશ આપે તેવી આતશબાજી.

અક્ષિવિદ્યા = જુઓ ગ.પ્ર.પ્ર.વ.46નું વિવરણ.

મુવાળા = વાળ, કેશ, મોવાળા.

ષટ્ સંપત્તિ = શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, સમાધાન ને શ્રદ્ધા એ છે.

त्यज धर्ममधर्म च... = અર્થ આપેલ છે.

શ્રી મહાભારત, મોક્ષપર્વ, અધ્યાય 33, શ્લોક 40.

પિંડીભાવ = એકઠા કરીને તે ભાવે.

સંસૃતિ = જન્મ-મરણ.

વચનામૃત - 16

સંવત 1877 માગશર વદિ- 14 = તા.3-1-1821, ગુરુવાર.

કુંઠિત = રૂંધાયેલું, અટકી ગયેલું, બૂંઠું.

मदभयात् वाति वातो... = મારા ભયથી વાયુ વાય છે, ને સૂર્ય તપે છે. શ્રીમદ્ ભાગવત તૃતીય સ્કંધ, અધ્યાય 25, શ્લોક 42.

પગકી પહેનિયા = પગના પગરખાં.

વચનામૃત - 17

સંવત 1877 માગશર વદિ- 30 = તા.4-1-1821, શુક્રવાર.

વિપરીતપણું = તદ્દન ઊલટું.

અનાદર = તુચ્છપણું, અભાવ, અપ્રીતિ.

બખેડો = ઝઘડો, કજિયો.

મોથ = એક પ્રકારનું ઘાસ.

વચનામૃત - 18

સંવત 1877 પોષ સુદિ- 1 = તા.5-1-1821, શનિવાર.

भुभारः क्षपितो येन तां... = અર્થ આપેલો જ છે. શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધ, અધ્યાય 15, શ્લોક 34-35.

કિરીટ = મુગટ

तेनैव रुपेण ... = હે સહસ્રબાહો ! હે વિશ્વમૂર્તે! તેના તે જ ચતુર્ભૂજરૂપે તમે થાઓ. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 11, શ્લોક 46.

अवजानंति मा मूढा... = હું સર્વ જીવ પ્રાણીમાત્રનો મહાન ઈશ્વર છું છતાં મારા પરમભાવને ન જાણનારા મૂઢ જનો મને બીજા મનુષ્ય જેવો જાણીને મારો તિરસ્કાર કરે છે. શ્રીમદ્ ભગવદ્ગીતા, અધ્યાય 9, શ્લોક 11.