૧૩. હર હર ગોપીનાથ મમ કષ્ટમ્
શ્રીજીમહારાજે ધોલેરામાં શ્રી મદનમોહનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા કરી ત્યારે તેમણે વરુણીમાં ધોલેરાના પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ નાગજીભાઈ દવે તથા તેમના ત્રણે પુત્રો વિરજીભાઈ, દેવેશ્વરભાઈ અને ઘેલાભાઈને બેસાડ્યા હતા. દેવેશ્વર બાલ્યકાળથી જ અત્યંત વૈરાગ્યવાન, જ્ઞાની અને ભગવદીય હતા. સંતોના સતત સહવાસથી તેમના અંતરમાં સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્યની ઉત્પત્તિ થઈ. તેમણે ત્યાગી થઈને સંપ્રદાયની સેવા કરવાનો પોતાનો સદ્વિચાર પોતાના કુટુંબીજનોને જણાવ્યો. પરિવારજનોએ રાજીખુશીથી તેમને ત્યાગી થવા માટે સંમતિ આપી. એટલું જ નહિ, તેમના પિતાશ્રી નાગજીભાઈ દવે તો તેમને લઈને વડતાલ આવ્યા ને સ્વહસ્તે આચાર્યશ્રી રઘુવીરજી મહારાજને દેવેશ્વરનો હાથ સોંપી તેમને બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા આપવા ભલામણ કરી. આચાર્યમહારાજે દેવેશ્વરમાં ત્યાગી થવા માટેની ઉત્તમ યોગ્યતા ચકાસી તેમને બ્રહ્મચારીની દીક્ષા આપી તેમનું નામ 'નિષ્કામાનંદ' પાડ્યું.
દીક્ષા ગ્રહણ કર્યા બાદ નિષ્કામાનંદ બ્રહ્મચારી વડતાલ મંદિરમાં સ. ગુ. શ્રી નારાયણાનંદ બ્રહ્મચારીના શિષ્ય થઈને તેમની પાસે રહીને સેવા-સમાગમ તથા દેવસેવા કરતા. પૂર્વાશ્રમમાં જ સંસ્કૃત વાઙમયનો તલસ્પર્શી અભ્યાસ કરેલો હોવાથી બ્રહ્મચારી થયા બાદ થોડા સમયમાં જ સંપ્રદાયના શાસ્ત્રોમાં પ્રાવિણ્ય પ્રાપ્ત કરી તેઓ સમગ્ર સત્સંગમાં વિદ્વાન વક્તા અને કુશળ કવિ તરીકે ખ્યાતનામ થયા. તેમણે રચેલ સુંદર સંસ્કૃત સ્તોત્ર અષ્ટકોમાં હર હર ગોપીનાથ... એક અનેરી ભાત પાડે છે.
ધ. ધૂ. શ્રી વિહારીલાલજી મહારાજના સમયમાં વડતાલ દેશમાં જે વિદ્વાન સંતરત્નો વિદ્યમાન હતા તેમાં શ્રી નિષ્કામાનંદ બ્રહ્મચારીનું નામ પણ ગૌરવભેર ગણાતું. 'શ્રીહરિલીલામૃતમ્'ની રચના વખતે આચાર્ય મહારાજે જે નવ વિદ્વાન સંતોને સલાહ સૂચન માટે આમંત્રેલા તેમાં શ્રી નિષ્કામાનંદ બ્રહ્મચારી એક હતા.
સત્સંગ સાહિત્યની આજીવન અજોડ સેવા કરી અનેક જીવોને આત્યંતિક કલ્યાણના માર્ગે લઈ જનાર સંતવર્ય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મચારી શ્રી નિષ્કામાનંદજી સં. 1957ના જેઠ વદ આઠમે વડતાલમાં સ્વધામે સિધાવ્યા.
કાવ્યકૃતિ : (રાગ - ઠૂમરી)
હર હર ગોપીનાથ! મમ કષ્ટમ્ હર હર ગોપીનાથ (ધ્રુવપદમ્)
સુરનરમુનિવર! જલધરસુંદર! મારમહામદમાર! મમ. 1
રાજીવલોચન! પાપવિમોચન! દુર્ગપુરી સુવિહાર! મમ. 2
હાટકભૂષણ! હતજનદૂષણ! દિવ્યગુણાલયસાર! મમ. 3
વૃષકુલનાયક! સુરસુખદાયક! કુન્દકુસુમશુભહાર! મમ. 4
મંગલકારણ! ગતિજિતવારણ! પ્રેમવતિસુકુમાર! મમ. 5
માનસમોદન! દિતિસુતરોદન! ભૂમિનિવારિતભાર! મમ. 6
વિશ્વવિભાવન! દુર્મતિપાવન! કાલદવાનલહાર! મમ. 7
સુરકુલરંજન! નિત્યનિરંજન! ભાનુસુતાવિતનાર! મમ. 8
બ્રહ્મપુરાસન! જનહિતશાસન! નિષ્કામાનંદનિધાન! મમ. 9
આસ્વાદ :
સદગુરુ શ્રી નિષ્કામાનંદ બ્રહ્મચારી રચિત પ્રસ્તુત સ્તોત્રની બંદિશ કોઈ છંદમાં નહિ પરંતુ શાસ્ત્રીય સંગીત ઉપર આધારિત ઠૂમરી રાગમાં કરવામાં આવેલી છે. આ ઠૂમરીનો રાગ કાફીના સ્વરો યુક્ત છે. તેના સ્વર અને તાલ અત્યંત મધુર અને કર્ણપ્રિય છે.
સ્તોત્રનો ઉપાડ હર હર ગોપીનાથ... એવા પ્રગલ્ભ પોકાર સાથે થાય છે. ગોપીનાથનો સીધો શબ્દાર્થ તો વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ એવો થાય છે, પરંતુ અહીં કવિને એ અર્થ અભિપ્રેત નથી. જ્યારે ગઢપુરમાં શ્રી ગોપીનાથજીની મૂર્તિ નારાયણજીભાઈ નામના શ્રીજીમહારાજના અનન્ય આશ્રિત અને કુશળ શિલ્પકાર ઘડતા હતા ત્યારે એમની સામે મોડેલ તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણ સ્વયં બિરાજ્યા હતા. શિલ્પીએ શ્રીહરિના અંગોઅંગને પ્રત્યક્ષ નીરખી-માપીને તેમની પ્રતિકૃતિરૂપે શ્રી ગોપીનાથજીની મૂર્તિ કંડારી છે. શ્રી ગોપીનાથજીની પ્રાણપ્રતિષ્ઠા બાદ શ્રીજીમહારાજે સૌ સંત હરિભક્તોની સભામાં જાહેરમાં એવું કહ્યું હતું કે આ ગોપીનાથજીની મૂર્તિમાં અમે અખંડ રહ્યા છીએ. તેથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં 'ગોપીનાથ' એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણ એવો અર્થ સર્વે સત્સંગીઓની સમજણમાં દૃઢપણે પ્રવર્તે છે.
કવિ આરતભર્યા અંતરે આજીજીપૂર્વક અવિનાશી અલબેલ ભગવાન શ્રી સ્વામિનારાયણને વારંવાર વિનવતા કહે છે કે હે મહારાજ! મારા કષ્ટ તમે કાપો. કવિના મતે કષ્ટ એટલે કેવળ ત્રિવિધ તાપ યાને આધિ, વ્યાધિ અને ઉપાધિ જ નહિ પરંતુ અનેક જન્મોની સંસૃતિરૂપ અજ્ઞાન, કર્મપાશ અને વાસનાનું કષ્ટ પણ એમાં સમાવિષ્ટ છે. સ્તોત્રના પ્રત્યેક ચરણમાં ભગવાનના સ્વરૂપના વિશેષણરૂપે અનેક નામો વપરાયા છે.
દેવો, મનુષ્યો તથા ઋષિમુનિઓ સર્વેને જે વરવા યોગ્ય છે, જે જળ ભરેલા નવીન મેઘ સમાન શ્યામસુંદર છે, જેમણે એકલાએ જ કામદેવનો મદ ઉતાર્યો છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે કૃપા કરીને મારું કષ્ટ તત્કાળ દૂર કરો.
જેમનાં નેત્રો પૂર્ણ વિકસિત કમળ સમાન છે, જે પોતાના આશ્રિતોને સર્વ પ્રકારનાં પાપોથી મુક્ત કરનારા છે, તથા જે ગઢપુરમાં નિવાસ કરીને રહેલા છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે કૃપા કરીને મારું કષ્ટ દૂર કરો.
ભક્તજનોના લાલનપાલન માટે જેમણે સુવર્ણ અને રત્નોના આભુષણ ધારણ કરેલા છે, પોતાના આશ્રિતજનોના દોષમાત્રનો જેમણે નાશ કરેલો છે અને જે અનંત કલ્યાણકારી દિવ્ય ગુણોના ધામરૂપ સાર છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે કૃપા કરીને મારું કષ્ટ તત્કાળ દૂર કરો.
જે ધર્મકુળમાં શ્રેષ્ઠ છે, સત્પુરુષોને માટે જે હંમેશાં સુખદાયક છે અને જેમણે કંઠમાં દાડમના પુષ્પોના હાર ધારણ કરેલા છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે કૃપા કરીને મારું કષ્ટ તત્કાળ દૂર કરો.
જે સર્વનું સર્વ પ્રકારે મંગળ કરનારા છે, જેમની ચાલ હાથીની ચાલ કરતાં પણ મસ્ત છે, અને જે પ્રેમવતી યાને ભક્તિદેવીના પુત્ર છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે મારું સર્વ પ્રકારના કષ્ટથી રક્ષણ કરો.
મુમુક્ષુમાત્ર માટે જે પરમાનંદનું કારણ છે, જે આસુરી સંપત્તિવાળા દુષ્ટજનોનો પરાભવ કરનારા છે અને જે અધર્મસર્ગનો ઉચ્છેદ કરી પૃથ્વી ઉપરથી પાપનો ભાર નિવારનારા છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! તમે મારું કષ્ટ કૃપા કરીને હરો.
જે અનંત કોટી બ્રહ્માંડોને ધારણ કરીને નિભાવનારા છે, જે દુષ્ટ બુદ્ધિવાળા અસુરોને પણ અહૈતુકી કૃપા દાખવીને પાવન કરનારા છે અને જે કાળના પણ મહાકાળ છે એવા હે શ્રીજીમહારાજ! તમે કૃપા કરીને મારું કષ્ટ કાપો.
જે સત્પુરુષોને આનંદ આપનારા છે, જે નિત્ય છે, જે નિરંજન અર્થાત્ માયામાં પ્રવેશ કરવા છતાં માયાથી હંમેશાં અલિપ્ત રહે છે અને જે મૃત્યુના ભયથી પોતાના આશ્રિતોનું રક્ષણ કરનારા છે એવા શ્રીહરિ! તમે મારું સર્વ પ્રકારના કષ્ટથી કૃપા કરીને રક્ષણ કરો.
જે બ્રહ્મપુર, અક્ષરધામ, ચિદાકાશ ઇત્યાદિ નામોથી ઓળખાતા દિવ્ય ધામમાં નિત્ય વસે છે, જેમનું જીવન, અવતરણ અને ચરિત્ર સ્વભક્તોના લૌકિક અને પરલૌકિક હિત માટે જ હતું અને જે કવિ શ્રી નિષ્કામાનંદ બ્રહ્મચારીનું આશ્રયસ્થાન છે એવા હે ભગવાન શ્રી સ્વામિનારાયણ! આપ કૃપા કરીને મને સર્વ પ્રકારના કષ્ટમાંથી મુક્ત કરો.
ગેયતા અને માધુર્યની દૃષ્ટિએ આ ઠૂમરી અત્યંત રોચક છે. એમાં માત્ર શબ્દમાધુર્ય કે પદલાલિત્ય જ નથી પરંતુ અર્થગાંભીર્ય પણ એટલું જ અનોખું છે. સંપ્રદાયના સાહિત્યમાં આ સ્તોત્ર એક અનેરું સ્થાન ધરાવે છે.