૧૦. સ્વામિન્પરાત્પર વિભો પુરુષોત્તમાદ્ય ।

0:000:00

'આજ તો શુકજી અહીં આવે છે, માટે ચાલો આપણે એમનું સ્વાગત કરવા સામે જઈએ!' ગઢપુરમાં દાદાખાચરના દરબારમાં નિમ્બતરુ નીચે સભા કરીને વિરાજમાન શ્રીજીમહારાજે એકવાર અચાનક આવી જાહેરાત કરી. સૌ સંતો ને હરિભક્તો મહારાજ સાથે રાધાવાવ આવ્યા. મહારાજે કેટલાક ઘોડેસવાર કાઠી દરબારોને શુકજીનું સામૈયું કરવા આગળ મોકલ્યા. પેલા દરબારો મારતે ઘોડે આગળ બે ગાઉ સુધી જઈ આવ્યા, પરંતુ માર્ગમાં એક સોળ વર્ષના બ્રાહ્મણ કિશોર સિવાય કોઈ ન મળ્યું. એ સવારો તો કોઈ જટાધારી જોગીના દેદિપ્યમાન દર્શનની કામણગારી કલ્પના કરીને ઘોડા દોડાવ્યે જતા હતા. પરંતુ એવું કોઈ મારગમાં ન મળતાં તેઓ વિલે મોંઢે રાધાવાવ પાછા ફર્યા. ત્યાં આવીને જોયું તો રસ્તામાં મળેલો પેલો લબરમૂછિયો બ્રહ્મકુમાર મહારાજ પાસે બેઠો હતો. મહારાજે દરબારોને કહ્યુંઃ 'આપણે જેમને માટે અહીં આવ્યા છીએ એ જ આ શુકજીસ્વરૂપ બટુક વિપ્ર છે. એમનું નામ જગન્નાથ છે. ડભાણમાં આપણાં સંતોનો સત્સંગ થતાં અમારા દર્શનની આતુરતા એમને અહીં ખેંચી લાવી છે!'

ત્યાર બાદ જગન્નાથ વિપ્રને લઈને શ્રીજીમહારાજ ગઢપુર આવ્યા અને સંસ્કૃતના વધુ વિદ્યાભ્યાસ માટે તેમને શરૂઆતમાં બ્રહ્મચારી આશ્રમમાં રાખ્યા. પરંતુ જગન્નાથના અક્ષરો અત્યંત સુંદર હોવાથી મહારાજે તેમને ગ્રંથોના ખરડા તથા પત્ર લેખન માટે પછી પોતાની પાસે પોતાના અંગત સચિવ બનાવીને રાખ્યા. થોડા સમય બાદ જગન્નાથે મહારાજને પ્રાર્થના કરીઃ 'મહારાજ, મારે સાધુ થવું છે માટે કૃપા કરીને મને દીક્ષા આપો.' સં. 1872ના મહા મહિનામાં મહારાજે તેમને દીક્ષા આપી નામકરણ માટે શ્રી મુક્તાનંદ સ્વામી પાસે મોકલ્યા. મુક્તમુનિએ તેમનું નામ શુકાનંદસ્વામી પાડ્યું. મહારાજે જ્યારે તે જાણ્યું ત્યારે ટકોર કરતાં કહ્યુંઃ 'મુક્તાનંદ સ્વામી પણ જાણતા લાગે છે કે આ તો શુકદેવજીનો જ અવતાર છે તેથી બિલકુલ બરાબર નામ પાડ્યું!'

શ્રી શુકાનંદ સ્વામીનો જન્મ સં. 1856માં મૂળ નડિયાદના પરંતુ પાછળથી ડભાણ જઈને વસેલા સદાબા નામના સેવાભાવી ઉદીચ્ય બ્રાહ્મણ વિધવાને ત્યાં થયો હતો. તેઓ બાળપણથી જ વિચક્ષણ બુદ્ધિપ્રતિભા ધરાવતા હતા. ડભાણમાં જે શાસ્ત્રી પાસે તેઓ ભણતા હતા ત્યાં શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ પણ અભ્યાસ અર્થે આવતા હતા. જગન્નાથને અનાયાસે એ સંતોનો સત્સંગ થતાં એ પરમહંસો પ્રત્યે તેમના અંતરમાં અનુરાગ જન્મ્યો. પોતાનાથી બનતી બધી જ સેવા તેઓ એ સાધુઓની કરતા. સંતોએ પરમ મુમુક્ષુ સમજી જગન્નાથને જણાવ્યુંઃ 'પોતાના એકાંતિક ભક્તોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે સાંપ્રત સમયમાં પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા સ્વયં ભગવાન શ્રી સ્વામિનારાયણ નામે પૃથ્વી પર પ્રગટ થયા છે અને હાલમાં કાઠિયાવાડમાં આવેલા ગઢપુર ગામમાં વિરાજે છે.' પૂર્વના પુણ્યશાળી એ સોળ વર્ષના તરુણના અંતરમાં આ સાંભળીને પ્રગટ પરમાત્માના દર્શનની ઉત્કટ પ્યાસ જાગી અને એક દિવસ કોઈનેય કીધા વિના એ ઘરબાર છોડીને ગઢપુર જવા માટે ચાલી નીકળ્યો.

દીક્ષા લીધા બાદ શુકમુનિ ગઢપુરમાં નિત્યાનંદ સ્વામી તથા મુક્તાનંદ સ્વામી પાસે સંસ્કૃતનો વિશદ્ અભ્યાસ કરીને પ્રકાંડ પંડિત બન્યા. પછી તો સંપ્રદાયમાં કોઈ પણ નવો ગ્રંથ રચાય ત્યારે તેનું સંશોધન શુકાનંદ સ્વામી જ કરતા. શ્રીજીમહારાજનો મોટાભાગનો પત્ર વ્યવહાર એમના હસ્તક થયેલો છે. તેથી જ મહારાજ ઘણીવાર કહેતા કે 'શુકમુનિ તો અમારા જમણા હાથ સમાન છે.' શ્રીજીમહારાજે કારિયાણીના ત્રીજા વચનામૃતમાં તેમના વખાણ કરતાં કહ્યું છેઃ 'આ શુકમુનિ બહુ મોટા સાધુ છે. તે જે દિવસથી અમારી પાસે આવ્યા છે તે દિવસથી તેમનો ચડતો ને ચડતો રંગ છે પણ ક્યારેય ગૌણ પડ્યો નથી ને એ મુક્તાનંદ સ્વામી જેવા છે.'

મહારાજની અક્ષર ઓરડીની સામેની ઓરડીમાં શુકમુનિનું આસન હતું. ત્યાં રહીને એમની લેખન પ્રવૃત્તિ ચાલતી. સભામાં મહારાજ જે વચનો બોલે તેનો સાર તે નોંધી રાખતા, સાથે સાથે મહારાજના લીલા-ચરિત્રનો કોઈ પ્રસંગ બને તો તેની ય સત્તાવાર નોંધ રાખતા. એકવાર એવું બન્યું કે શુકમુનિએ કેટલીય રાતોના ઉજાગરા કરીને અથાગ મહેનતે સંસ્કૃતમાં કેટલાક પ્રબંધો રચ્યા. એવામાં મહારાજ એમના આસને આવીને લખાણના કાગળો જોવા લાગ્યા. શુકમુનિને એમ કે મહારાજ એ વાંચીને રાજી થશે માટે મહારાજનો અભિપ્રાય જાણવા માટે આતુરતાથી એ મહારાજ સામે જોઈ રહ્યા. ત્યાં તો કાંઈ કહેવાને બદલે મહારાજે એ કાગળોનો ગોટો વાળીને પાસે પડેલા પાણી ભરેલા ગોળામાં ડુબાડી દીધો અને પછી ત્યાંથી ચાલ્યા ગયા. છતાં પણ શુક સ્વામીને ન તો ક્ષોભ થયો ન કાંઈ ગ્લાનિ થઈ. એમણે મનોમન વિચાર્યુંઃ 'મહારાજની લીલા અકળ છે, એ જે કરતા હશે એની પાછળ જરૂર કોઈ હેતુ હશે!

એ જ દિવસે સંધ્યા આરતી થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ, શ્રી નિત્યાનંદ સ્વામી અને શ્રી શુકાનંદ સ્વામી લાડુબાના ઓરડાની પાછળના ખંડમાં બેસીને સત્સંગિજીવનના કેટલાક પ્રકરણો સંબંધિત ગહન ચિંતન તેમ જ લેખન કરી રહ્યા હતા. શુકાનંદ સ્વામી મહારાજ કહે તે પ્રમાણે લખી પછી વાંચી સંભળાવતા, પરંતુ તૈયાર થતું એકે લખાણ મહારાજને પસંદ નહોતું પડ્યું. તેથી અકળાઈને નિત્યાનંદ સ્વામીએ કહ્યુંઃ 'મહારાજ, આપને શું જોઈએ છે તે અમને કેમ ખબર પડે? માટે આપ શાંતિથી વિગતવાર સમજાવો તો એ પ્રમાણે લખાણ તૈયાર થાય.' એ સાંભળી મહારાજ નિત્યાનંદ સ્વામીને કહે, 'સ્વામી, રાતના બાર વાગી ગયા છે તમે સૂઈ જાઓ.' નિત્યાનંદ સ્વામી ગયા પછી મહારાજે શુકમુનિને કહ્યું, 'હવે અમે જેમ કહીએ તે બરાબર સમજીને તેનું લખાણ કરો.' ત્યાં તો દીવામાં દીવેલ ખૂટી જવાથી શુકમુનિ દીવેલ લેવા જવા માટે ઊભા થયા. મહારાજ કહે, 'સ્વામી, અચાનક ક્યાં ચાલ્યા?' 'મહારાજ, દીવામાં દીવેલ ખૂટી ગયું છે ને દીવો બુઝાવાની તૈયારીમાં છે, માટે દીવેલ લઈને આવું.'

'સ્વામી, તમારે દીવાનું કામ છે કે અજવાળાનું? બેસો... બેસો' એમ કહીને મહારાજે પગની પલાંઠી છોડી જમણા પગને લાંબો કર્યો ત્યાં તો જમણા પગના અંગૂઠામાંથી ઝળહળાટ તેજનો ઓઘ ઉતરવા માંડ્યો. શીતળ શાંત શ્વેત પ્રકાશથી આખોય ઓરડો ભરાઈ ગયો. શુકમુનિની આંખો એકદમ અંજાઈ ગઈ, એમને ન તો કાગળ દેખાય ન કલમ! થોડીવારમાં તો એ દિવ્ય તેજ ઓરડાના પ્રત્યેક પદાર્થોમાં વ્યાપીને એવું ઘૂંટાઈ ગયું કે જાણે દરેક ચીજ દેદિપ્યમાન હોય તેમ સ્પષ્ટપણે દેખાવા લાગી. એ અલૌકિક તેજના અજવાળે શુકમુનિએ સવાર સુધી લખ્યા કર્યું. પ્રાતઃસ્નાનનો સમય થતાં મહારાજ નહાવા પધાર્યા. સ્નાનાદિ પતાવી શ્રીહરિ લાડુબાના ઓરડામાં સવારનું શિરામણ કરવા બેઠા. શુકાનંદ સ્વામી રાતે કરેલા લખાણના કાગળોનો વીંટો લઈને ત્યાંથી નીકળ્યા એટલે મહારાજે તેમને પાસે બોલાવી પોતાના થાળમાંથી પ્રસાદી આપી, સ્વામીને પ્રાતઃ સ્નાન-સંધ્યા(દાતણપાણી) બાકી હતાં છતાં પણ મહારાજની પ્રસાદીના માહાત્મ્યે નિઃસંશય થઈને તેઓ જમી ગયા. આ જોઈ મહારાજ અત્યંત પ્રસન્ન થઈને બોલ્યાઃ 'તમારી ઉપર આજે હું બહુ રાજી થયો છું, માટે આજે તમને એવી અલભ્ય પ્રસાદી આપવી છે જે સદીઓ સુધી સંભારણું બની રહે!' પછી મહારાજે કાતર મંગાવી પોતાની ચોટી કાપીને શુકમુનિને આપતા કહ્યુંઃ 'લ્યો સ્વામી, અમારું આ સંભારણું સદાય તમારી સાથે રહેશે. અમારી આ શિખાની શાખે સદાય મુમુક્ષુઓને મોક્ષના વરદાન દેજો.' શુકમુનિએ પરમ કૃતાર્થભાવે પરમ પ્રસાદીભૂત શ્રીહરિની શિખાનો સ્વીકાર કરી એને જતનપૂર્વક જાળવીને રાખી.

એકવાર શુકાનંદ સ્વામીને શરીરે ખૂબ તાવ ચડેલો તેથી બેસવા-ઉઠવાની પણ સૂધબુધ નહોતી. રાબેતા મુજબ મહારાજે ભગુજીને સ્વામીની ઓરડીએ એમને બોલાવવા મોકલ્યા. ભગુજીએ આવીને કહ્યુંઃ 'શુકમુનિ, ચાલો મહારાજ બોલાવે છે, એમને લખાવવું છે.' સ્વામી ઊભા થવા ગયા પરંતુ માંદગીને કારણે લથડિયું આવી ગયું. ભગુજી એમને બાવડેથી પકડી સંભાળપૂર્વક અક્ષર ઓરડીમાં મહારાજ પાસે લઈ ગયા. સ્વામીની આવી હાલત જોઈને મહારાજ ચમક્યા.

'અરે.... શુકમુનિને શું થયું?'

'મહારાજ...... તાવ આવ્યો છે' મુનિએ જણાવ્યું.

'અરે... સ્વામી, એક આવશ્યક પત્ર લખવાનો છે. તમારાથી તો બેસાતું પણ નથી. એક કામ કરો, મારી સામે જુઓ...... લ્યો આ તમારો તાવ હંમેશને માટે ગયો!' મહારાજે કહ્યું.

અને સૌના આશ્ચર્ય વચ્ચે શુકમુનિનો તાવ સદાયને માટે ગયો. આ પછી ક્યારેય એમને શરીરે તાવ-તરિયો આવ્યા જ નહિ, શરીર પહેલાં કરતા પણ વધુ તંદુરસ્ત ને તેજસ્વી બન્યું.

શ્રીજીમહારાજ સ્વધામ પધાર્યા પછી મહારાજના વિયોગે સ્વામી બહુધા ઉદાસ રહેતા. વિરહની અકથ્ય વેદના એમના અંતરને કોરી ખાતી ત્યારે શરીરની સ્વસ્થતા એમને કઠવા લાગી. એમણે મનોમન મહારાજને પ્રાર્થના કરીઃ हे हरे! मम भवान् दृशिगोचरोऽस्तु । શ્રીહરિએ તત્કાળ દર્શન આપીને પૂછ્યુંઃ 'બોલો મને કેમ બોલાવ્યો?' શુકમુનિએ પ્રાર્થનાપૂર્વક કહ્યુંઃ 'મહારાજ જ્યારથી આપે મને આશીર્વાદ આપેલા ત્યારથી શરીરે તાવ આવતો જ નથી. પરંતુ આપના વિયોગે આ શરીરની સ્વસ્થતા મને કાળરાત્રિ સમ કઠે છે. માટે પ્રભુ, મને મારો તાવ પાછો આપો, જેથી આ દેહમાં કિંચિત્ આસક્તિ જેવું પણ કાંઈ ન રહે!'

મહારાજે હસીને કહ્યુંઃ 'સ્વામી, તમે તો પરમ એકાંતિક મુક્ત છો, તમારા દર્શન કરનારની પણ દેહાસક્તિ ટળી જાય તો તમારામાં તો રહે જ શાની? પરંતુ બીજાના સમાસ માટે તમે આવું માગો છો તો ભલે તમારી ઇચ્છા હશે તેમ થશે.' એ પછી સ્વામીને દેહપર્યંત જિર્ણતાવ રહ્યો.

શુકમુનિએ સંસ્કૃતમાં સાત અને ગુજરાતીમાં નવ ગ્રંથો લખ્યા છે. તેમણે સત્સંગિજીવન ઉપર હેતુ નામની સુંદર ટીકા રચી છે. વચનામૃતના શોધનમાં પ્રમુખ પાંચ સંતોમાં તેઓ પણ હતા. સં. 1925માં માગશર મહિનાની અમાવાસ્યાએ વડતાલમાં તેઓ સ્વધામ સીધાવ્યા. જેમ શ્રીમદ્ ભાગવતનો ગ્રંથ શુકદેવજીના મુખમાં મુકાયો છે તેમ હરિલીલાકલ્પતરુમાં સદગુરુ અચિંત્યાનંદ વર્ણીએ શુકમુનિના મુખે કથાપાન કરાવ્યું છે.

કાવ્યકૃતિઃ મહિમા સ્તોત્રમ્

સ્વામિન્પરાત્પર વિભો પુરુષોત્તમાદ્ય,

નારાયણાક્ષરનિવાસ કૃપાનિધાન ।

શ્રીકૃષ્ણનિર્ગુણ સદીશ્વર દિવ્યમૂર્તે,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥1॥

દેવાધિદેવ પરમેશ્વર વાસુદેવ,

યોગેશ્વરાક્ષરનિયામક શાસ્ત્રયૌને ।

ભૂમંસ્તપઃપ્રિય મહાપુરુષાક્ષરાત્મન્,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥2॥

એકાંતધર્મધર સેશ્વરસાંખ્યયોગ-

માર્ગપ્રવર્તક ઋષીશ્વરવૃંદજુષ્ટ ।

ભક્તેપ્સિતપ્રદવરાભયપાણિપદ્ય,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥3॥

સર્વેશ્વરેશ હૃષિકેશપતે પરમાત્મન્,

સત્સંગલભ્યપથયોગદસુપ્રવૃત્તે ।

એકાંતિકપ્રિય ભવાંબુધિપારદાયિન્,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥4॥

શ્રીમન્નવીનજલદાસિતસુંદરાસ્ય,

સત્પુંડરીકનયનપ્રથિતપ્રતાપ

નૈકાવતારપરિરક્ષિત સાધુવૃંદ,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥5॥

નૈકાંઽનાયકનિષેવિતપાદપદ્ય,

કલ્યાણકારી, ગુણવૃંદવિભૂષણાઢ્ય ।

સૂક્ષ્મોજ્જવલાંબરવિધારણશોભિતાંગ,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥6॥

ધર્માન્વવાયનિહિતસ્વકદેશિકત્વ,

નિષ્કામભક્તપરમપ્રિય નૈષ્ઠિકેન્દ્ર ।

બ્રહ્મણ્યદેવ સકલાશ્રિતસૌખ્યકારિન્,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥7॥

અજ્ઞાનસંતમસનાશનબોધભાવ,

કામાદિશત્રુગણભીતિદનામધેય ।

પાખંડખંડદલન પ્રણતાત્મબોધ,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥8॥

હે ભક્તિ, ધર્મસુત હે હરિકૃષ્ણનાથ,

હે નીલકંઠ કલિતારણ પૂર્ણકામ ।

સૌમ્યસ્વભાવ શરણાગતવત્સલાત્મન્,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥9॥

સ્વીયેતિતેજસિપરેઽક્ષરસંજ્ઞકે ચ,

ધામ્ન્યક્ષરાત્મનિલયે નિજપાર્ષદાઅ્ગયૈઃ ।

પ્રેમ્ણા નિષેવ્યચરણાબ્જશુકેન ચાત્ર,

હે શ્રીહરે! મમ ભવાન્ દૃશિગોચરોઽસ્તુ ॥10॥

આસ્વાદઃ

શ્રીજીમહારાજના અંગત સચિવ સમા સદગુરુ શુકાનંદ સ્વામી રચિત પ્રસ્તુત મહિમાસ્તોત્ર એના અર્થગાંભીર્ય, માધુર્ય, પ્રાસાદિકતા, લાલિત્ય ને ગેયતાને કારણે અત્યંત આસ્વાદ્ય બન્યું છે. કવિએ આ સ્તોત્રને ચૌદમાત્રાના વસંતતિલકા છંદમાં ગૂંથેલું છે.

પરમાત્માના ચિરકાલિન વિયોગથી વ્યાકુળ બનીને કવિ હૃદયની તીવ્ર આરઝુથી એમના પ્રત્યક્ષ દર્શન ઝંખે છે. જેમ - જેમ દર્શનની આ પ્યાસ ઉત્કટ બનતી જાય છે, તેમ - તેમ કવિના અંતરમાં પ્રભુનો પ્રગલ્ભ મહિમા એની ચરમસીમાએ પ્રગટતો જાય છે. અહીં કવિએ શ્રીજીમહારાજ માટે અનેક મહિમાપૂર્ણ વિશેષણો પ્રયોજ્યા છે.

શુકમુનિ શ્રીહરિને પ્રાર્થતા ગાય છેઃ 'જે સ્વામી છે, પરાત્પર છે, વિભુ છે, આદ્ય પુરુષોત્તમ છે, નારાયણ છે, અક્ષરનિવાસી છે, કૃપાનિધાન છે, શ્રીકૃષ્ણ છે, નિર્ગુણ છે, સત્સ્વરૂપ ઈશ્વર છે, દિવ્યમૂર્તિ છે એવા હે હરિ! આપ કૃપા કરીને મને દર્શન આપો.'

'સ્વામિનારાયણ' એ નામમાં જે સ્વામી શબ્દ છે તે એમનું સર્વોપરી પ્રભુત્ત્વ દર્શાવે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ ક્ષર-અક્ષર સર્વના સ્વામી (અધિપતિ) છે, પરંતુ એમના અધિપતિ કોઈ નથી. સર્વથી પર એવા અક્ષરબ્રહ્મથી પણ પર અને વિશિષ્ટ હોવાથી તેઓ પરાત્પર કહેવાય છે. જીવ, ઈશ્વર તેમ જ માયાથી માંડીને અક્ષરબ્રહ્મ પર્યંત સર્વમાં પોતાની અન્વય શક્તિ દ્વારા વ્યાપીને રહેલા હોવાથી તેમને વિભુ પણ કહે છે. તેઓ નિત્યોમાં નિત્ય, ચેતનોમાં ચેતન અને કારણોનું કારણ એવા આદિ પુરુષોત્તમ છે. મુક્તોના સમૂહોમાં નિત્ય રહેતા હોવાથી તેમને નારાયણ કહે છે. તેઓ અક્ષર નામે પોતાના દિવ્યધામમાં નિત્ય નિવાસ કરતા હોવાથી અક્ષરનિવાસી તરીકે પણ ઓળખાય છે. પ્રભુ કૃપાનિધાન - કૃપાસાગર છે. જીવો, ઈશ્વરો, માયા અને અક્ષરબ્રહ્મને આકર્ષીને ધારણ કરી રહેલા હોવાથી તેમનું એક નામ શ્રીકૃષ્ણ છે. તેમનામાં કોઈ માયિક ગુણ ન હોવાથી તેઓ નિર્ગુણ કહેવાય છે. અક્ષર પર્યંત સર્વ કોઈના તેઓ નિયામક છે તેથી તેમને ઈશ્વર પણ કહે છે. તેમનું સ્વરૂપ દ્વિભુજ દિવ્ય સદા સાકાર છે.

શ્રીહરિની દિવ્ય પ્રશસ્તિ કરતા કવિ કહે છેઃ 'જે દેવાધિદેવ છે, પરમેશ્વર છે, વાસુદેવ છે, યોગેશ્વર છે, અક્ષરનિયામક છે, સકલ શાસ્ત્રોનું સત્ત્વ છે, તપઃપ્રિય છે, મહાપુરુષ છે તથા અક્ષરના આત્મા છે એવા હે હરિ! આપ કૃપા કરીને મને દર્શન આપો.'

ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વ દેવોના દેવેશ્વર છે, સર્વ ઈશ્વરોના ઈશ્વર છે. પદાર્થમાત્રમાં સર્વાંતર્યામી શક્તિરૂપે વ્યાપ્ત હોવાથી તેઓ વાસુદેવ કહેવાય છે. તેઓ યોગી માત્ર માટે ધ્યેયમૂર્તિ ઈશ્વર છે તેથી તેમને યોગેશ્વર કહે છે. સર્વના નિયામક એવા અક્ષરબ્રહ્મના પણ તેઓ નિયામક છે. સકલ શાસ્ત્રોના તેઓ સારરૂપ છે. પૃથ્વી ઉપર મનુષ્યરૂપે અવતરીને સર્વજનોમાં તેમણે પોતાને પ્રિય એવા તપનો આદર્શ દાખવ્યો છે. શ્રીહરિ મહાપુરુષ યા ને પુરુષોત્તમ છે, અક્ષરના પણ તેઓ આત્મા યા ને શરીરી છે.

તૃતીય શ્લોકમાં વળી કવિ આર્તસ્વરે પ્રાર્થે છેઃ 'જે એકાંતિકધર્મધર છે, જે સેશ્વરસાંખ્યયોગ માર્ગના પ્રવર્તક છે, જે ઋષીશ્વરવૃંદ દ્વારા પૂજાયેલા છે, જે પોતાના ભક્તજનોના મનોરથો પૂર્ણ કરનારા છે, જે જીવો, ઈશ્વરો, માયા ને અક્ષરબ્રહ્મ પુરુષોને વરણ કરવા યોગ્ય છે તથા જે પોતાના શરણાગતને હંમેશાં અભયવર પ્રદાન કરે છે એવા હે હરિ! આપ કૃપા કરીને મને દર્શન આપો.'

ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચારેય સાધનોનો જેમાં સુંદર સમન્વય કરવામાં આવ્યો હોય તેને એકાંતિક ધર્મ કહે છે. શ્રીજીમહારાજે આવા સર્વાંગી સંપૂર્ણ એકાંતિક ધર્મનું પ્રવર્તન કર્યું હતું. તેથી જ કવિ તેમને એકાંતિકધર્મધર કહે છે. શ્રીહરિએ સેશ્વરસાંખ્યયોગ માર્ગ, પ્રર્વતાવીને સાંખ્ય અને યોગ માર્ગની મહા મોટી ક્ષતિઓ દૂર કરી હતી. કેટલાક વિદ્વાનો સાંખ્ય અને યોગશાસ્ત્રને નિરીશ્વર માને છે, તેનું ખંડન કરી શ્રીજીમહારાજે (પંચાળાના બીજા) વચનામૃતમાં સમજાવ્યું છે કે પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ જીવો, ઈશ્વરો, માયા અને અક્ષરબ્રહ્મથી જુદા અને વિલક્ષણ છે, તેઓ નિત્ય છે અને અક્ષર પર્યંત સર્વ માટે ધ્યેય અને ઉપાસ્ય છે.

વળી કવિ શુકાનંદ સ્વામી પ્રભુને પ્રાર્થતા કહે છેઃ 'જે સર્વેશ્વર છે, જે ઈશ યાને સર્વ નિયામકોના પણ નિયામક છે, જે અક્ષરપર્યંત સર્વના અંતરમાં રહીને નિયમન કરતા હોવાથી ઋષિકેશ છે, જે અક્ષરપર્યંત સર્વના પતિ છે, જે પરમાત્મા છે, જે સત્સંગલભ્ય છે, જે જન્મમરણરૂપી સંસૃતિમાં ભટકી રહેલા જીવોને આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવવાની સત્પ્રવૃત્તિ કરે છે, જેમને એકાંતિક ભક્તો અત્યંત પ્રિય છે તથા જે ભવસાગરમાં ડૂબી રહેલા મનુષ્યોને સુખરૂપ પાર ઉતારનારા છે એવા હે હરિ! આપ કૃપા કરીને મને દર્શન આપો.'

કવિના શબ્દે શબ્દે શ્રીજીમહારાજનો અપરંપાર મહિમા પ્રગટે છે. શુકમુનિ શ્રીહરિને સત્સંગલભ્ય કહે છે. કારણ કે, સત્પુરુષો, સત્શાસ્ત્રો તથા સદ્ધર્મના સત્-પ્રસંગ દ્વારા જ પ્રભુને ઓળખી -પારખી અંતે પામી શકાય છે. એકવાર સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પૂછેલુંઃ 'મહારાજ! હું ધ્યાન કરું કે વાતો?' ત્યારે મહારાજે મર્માળુ હસતાં કહેલુંઃ 'સ્વામી, તમારા માટે તો ધ્યાન કરતાં વાતો જ શ્રેષ્ઠ છે, તમારી વાતો અસંખ્ય જીવોનું કલ્યાણ કરશે.' સ્વામી કહેતા, 'એ દિવસથી માંડીને અખંડ વાતોનો અખાડો ચાલ્યો છે ને વચમાં ક્યારેય સોપો પડવા દીધો નથી.' સત્સંગની ધારા ગંગા સમાન પતિતપાવની, અધમઉદ્ધારક અને પરમ કલ્યાણદાયિની છે.

વળી શુકમુનિ શ્રીહરિના દર્શનની વાંછના સાથે પ્રાર્થે છેઃ 'જેમનું મુખ-કમળ નવીન જળયુક્ત નૂતન મેઘ સમાન શ્યામ સુંદર છે, સદૈવ નવપલ્લવિત રહેતા કમળ સમાન જેમના નયનોનો પ્રતાપ સર્વત્ર વિસ્તરેલો છે તથા જે જ્યારે જરૂર પડે ત્યારે અવતારો ધારણ કરીને પોતાના આશ્રિતોનું રક્ષણ કરે છે એવા હે હરિ! આપ કૃપા કરીને મને દર્શન આપો.'

પરમાત્માનું રૂપમાધુર્ય પ્રેમી-ભક્ત કવિને વધુ ને વધુ દર્શનાભિલાષી બનાવે છે. નવીન મેઘ સમાન સુશોભિત ઘનશ્યામ મૂર્તિ કવિના વિરહાતુર મનને વધુ વિવશ કરે છે. પુંડરિકાક્ષ પ્રભુના પ્રતાપી નયનોની પળમાત્રની ઝાંખી માટે કવિ કાલાવાલા કરતાં પ્રભુને વારંવાર પ્રાર્થે છે : 'અનેક બ્રહ્માંડોના અધિપતિઓ જેમના ચરણારવિંદનું નિત્ય સેવન કરી રહ્યા છે, જે સદા સર્વદા અનેક કલ્યાણકારી ગુણોના સમૂહથી અલંકૃત છે તથા જેમના દેહ ઉપર ઝીણાં શ્વેતવસ્ત્રો શોભી રહ્યાં છે એવા હે હરિ! આપ મને દર્શન દેવાની કૃપા કરો.'

ભગવાન શ્રી સ્વામિનારાયણનો સર્વોપરી મહિમા અહીં કવિ પ્રગલ્ભપણે ગાય છે. અમદાવાદના સાતમા વચનામૃતમાં શ્રીજીમહારાજ શ્રીમુખે જ પોતાનો યથાર્થ મહિમા સમજાવતા કહે છેઃ 'પછી અમે અંર્તદૃષ્ટિ કરી ત્યારે પ્રણવનાદને જોયો, તે જોતાં જોતાં નંદિશ્વર પોઠિયો આવ્યો તે ઉપર બેસીને કૈલાસમાં ગયા ને ત્યાંથી ગરુડ ઉપર બેસીને વૈકુંઠ તથા બ્રહ્મમહોલને વિશે જાતા હતા, ત્યાંથી આગળ ગરુડ પણ ઊડી શક્યો નહિ એટલે અમે એકલા જ ઊડ્યા. તે સર્વ થકી પર એવું જે શ્રી પુરુષોત્તમનું ધામ તેમાં ગયા. ત્યાં પણ હું જ પુરુષોત્તમ છું, પણ મારા વિના બીજો મોટો કોઈ દેખ્યો નહિ. એટલે ઠેકાણે ફર્યા ને પછી અમે દેહને વિશે આવ્યા ને ફેર અંતરમાં જોયું ત્યારે એમ જણાણું જે સર્વ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેનો કર્તા પણ હું જ છું અને મારે તેજે કરીને અનંત બ્રહ્માંડના અસંખ્ય શિવ, અસંખ્ય બ્રહ્મા, અસંખ્ય કૈલાસ, અસંખ્ય વૈકુંઠ અને ગોલોક, બ્રહ્મપુર અને અસંખ્ય કરોડ બીજી ભૂમિકાઓ એ સર્વે તેજાયમાન છે ને વળી હું કેવો છું તો મારા પગને અંગૂઠે કરીને પૃથ્વીને ડગાવું તો અસંખ્ય બ્રહ્માંડની પૃથ્વી ડગવા લાગે, ને મારે તેજે કરીને સૂર્ય, ચંદ્રમા, તારા આદિક સર્વે તેજાયમાન છે. એવો જે હું તે મારે વિશે એમ સમજીને નિશ્ચય કરે તો ભગવાન એવો જે હું તે મારે વિશે મન કોઈ કાળે વ્યભિચારને પામે નહિ.'

હવે સપ્તમ શ્લોકમાં કવિ પ્રાર્થનાપૂર્વક પ્રભુને કહે છેઃ 'ધર્મના રક્ષણ અને પોષણ માટે જ જેમણે પોતાનું જગદ્ગુરુપદ અનર્હિત કરી રાખેલું છે. જેમને નિષ્કામભક્તો અતિ પ્રિય છે, જે નૈષ્ઠિક વ્રતધારીઓમાં સર્વશ્રેષ્ઠ છે, જે બ્રાહ્મણોમાં સર્વશ્રેષ્ઠ દેવ છે તથા જે પોતાના સર્વ આશ્રિતોને સદા સુખ આપનારા છે એવા હે હરિ! આપ કૃપા કરીને મને દર્શન આપો.'

ભગવાન શ્રી સ્વામિનારાયણનું આ લોકમાં પ્રાગટ્ય ધર્મના રક્ષણ અને સંસ્થાપન અર્થે જગદ્ગુરુરૂપે થયું છે. તેથી જ સદગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીએ એમની આરતી ઉતારતા ગાયું - 'જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુનામી.'

પંડિત દીનાનાથ ભટ્ટે પણ એમના ગુરુસ્તવન સ્તોત્રમાં લખ્યું છેઃ

भवसंभवभीतिभेदनं, सुखसंपत्करुणानिकेतनम् ।

व्रतदानतपःक्रियाफलं, सहजानंदगुरुं भजे सदा ॥

પરાત્પર પરબ્રહ્મ પરમાત્માએ પહેલી જ વાર આ બ્રહ્માંડમાં ભગવાન શ્રી સ્વામિનારાયણરૂપે સાધુવેશે પ્રગટી સમગ્ર જગતને આત્યંતિક કલ્યાણનો રાજમાર્ગ બતાવી પોતાનું જગદ્ગુરુપદ સાર્થક કર્યું છે.

શુકમુનિ વળી આર્તસ્વરે પ્રભુને પ્રાર્થે છેઃ 'જેમના સ્વરૂપનું જ્ઞાન અંધકારરૂપી ગાઢ અજ્ઞાનનો નાશ કરનારું છે, જેમના નામનું સંકિર્તન અને સ્મરણ કરવાથી કામાદિક અંતઃશત્રુઓ નાશ પામે છે, જે પાખંડ ધર્મનું ખંડન કરનારા છે, જે પોતાના આશ્રિતોને સ્વસ્વરૂપનું અને એ સ્વરૂપમાં અંતર્યામી શક્તિરૂપે રહેલા પરમાત્મા સ્વરૂપના જ્ઞાનનો બોધ આપનારા છે એવા હે શ્રીહરિ! આપ કૃપા કરીને મને દર્શન આપો.'

ભગવાન શ્રી સ્વામિનારાયણના સ્વરૂપનું જ્ઞાન અને તેનો દૃઢ નિશ્ચય એ જ ઉપાસનાનું તાત્ત્વિક સ્વરૂપ છે. ભગવાનના નામનું સંકીર્તન ભક્તની ત્રિવિધ તાપ થકી અચૂક રક્ષા કરે છે. વચનામૃતમાં શ્રીજીમહારાજે પોતાના સ્વસ્વરૂપનું અગમ્ય જ્ઞાન ખૂબ જ સરળતાપૂર્વક સમજાવી પોતાના આશ્રિત ભક્તો ઉપર અપાર કરુણા કરી છે.

હરિદર્શનની ઉત્કટ પ્યાસથી વ્યાકુળ હૈયે કવિ પ્રભુને પ્રાર્થના કરે છેઃ 'હે ભક્તિધર્મના પુત્ર! હે હરિકૃષ્ણ! હે નાથ! હે નીલકંઠ! કળિયુગના દોષોથી જે પોતાના ભક્તજનોનું રક્ષણ કરે છે, જેને ભજનારા પૂર્ણકામ બને છે, જે સહજ સ્વભાવે શાંત અને સૌમ્ય છે અને જેમને શરણાગત ભક્તો પ્રિય છે એવા હે હરિ! આપ કૃપા કરીને મને દર્શન આપો.'

ભગવાન શ્રી સ્વામિનારાયણના વિવિધ મહિમાપૂર્ણ નામો પોકારીને કવિ પ્રભુને દર્શનના દાન માટે આર્તસ્વરે આજીજી કરે છે. ભગવાન તો ગુણોના સાગર છે, એમના ગુણોનું મહિમાગાન અનંત કાળ પર્યંત કર્યા કરવામાં આવે તો પણ એનો અંત આવે તેમ નથી. તેથી જ વેદોએ नेति नेति કહીને મૌન સેવી લીધું છે.

અંતે કવિનું પ્રશસ્તિગાન એની પરાકાષ્ટાએ પહોંચે છે. પરમાત્માના નિત્ય દર્શનની અભિપ્સા સાથે કવિ પ્રભુને પ્રાર્થે છેઃ 'સર્વથી પર અધોઉર્ધ્વ ચારેકોર પ્રમાણેરહિત તેજના મહારાશિ એવા અક્ષર નામે પોતાના ધામમાં બિરાજેલા સર્વેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણકમળની સેવા અને ભક્તિ-ઉપાસના અગ્રગણ્ય સેવક ભક્તો અતિ પ્રેમપૂર્વક કરી રહ્યા છે. તે જ પ્રમાણે આ લોકમાં જેમના ચરણકમળની સેવા ઉપાસના હું શુકમુનિ કરી રહ્યો છું એવા હે હરિ! આપ મને કૃપા કરીને નિત્ય દર્શન આપો.'

જે રીતે અક્ષરધામમાં પરમ એકાંતિક મુક્તો ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય વ્યતિરેક સ્વરૂપ સમક્ષ હજુરની સેવામાં અખંડ રહ્યા છે તે જ રીતે કવિ કહે છે કે હું આ લોકમાં પણ શ્રીહરિની નિત્ય સેવામાં રહ્યો છું. અહીં કવિનું પૂર્ણકામપણું અનાયાસે અભિવ્યક્ત થાય છે, અને છતાં પણ પ્રભુના નિત્ય દર્શનની ઝંખના તો કવિની સનાતન પ્રાર્થના જ બની રહે છે!