૧૧. શ્રી નીલકંઠ! હરિકૃષ્ણ! હરે! દયાલો!

0:000:00

વડતાલના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સવારે લગભગ અગિયાર વાગ્યાના સુમારે ત્રણ બ્રાહ્મણ કુમારો લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને પગથિયાં ઉતરતાં કોઈક સત્સંગીને આતુરતાપૂર્વક પૂછે છે : 'ભાઈ, અમે સાંભળ્યું છે કે આ મંદિરમાં કોઈ યોગસિદ્ધ સ્વામીજી રહે છે, એ ક્યાં મળશે?' સત્સંગી સદગૃહસ્થે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું આસન બતાવતાં કહ્યુંઃ 'તમે જેમને મળવા માગો છો એ વિરલ વિભૂતિ અહીં બિરાજે છે.' બ્રહ્મકુમારો સહસા સ્વામીજી પાસે પહોંચી એમના ચરણોમાં ઝૂકી પડ્યા. નમ્ર, વિવેકી અને બ્રહ્મતેજથી ઝળકતા બ્રહ્મકુમારોને જોઈને સ્વામીશ્રી અત્યંત પ્રસન્ન થયા. એ ત્રણેયમાં અધિક તેજસ્વી દેખાતા નમણાં નયનવાળાં એક બ્રહ્મકુમારને સદગુરુશ્રીએ પૂછ્યું : 'ભૂદેવ, આપનું નામ શું છે? ક્યાંથી પધારો છો?'

'સ્વામીજી, મારું નામ ગંગારામ છે. ડાકોર પાસે આવેલા તૃણોલ ગામમાં ટોળકીયા ઋગ્વેદી બ્રાહ્મણ જ્ઞાતિમાં મારો જન્મ છે. મારા પિતાશ્રી દિનકર ભટ્ટ ઉચ્ચ કોટીના વિદ્વાન છે. તેઓ ડાકોર મંદિરમાં પુરાણોની કથા વાંચે છે. અમારું ગોત્ર કશ્યપ, શાખા આશ્વાલાયિની અને પ્રવર ત્રણ છે. મેં પંચકાવ્ય તથા શ્રીમદ્ ભાગવતનો અભ્યાસ કર્યો છે. વધુ અભ્યાસ માટે હું મારા મિત્રો સાથે કાશી જવા નીકળ્યો છું. રસ્તામાં વડતાલ આવતાં અહીં દર્શન કરવા રોકાયો ત્યારે જાણવા મળ્યું કે આપ અત્રે બિરાજમાન છો, તેથી આપને મળવા માટે મન વિવશ બની ગયું.'

ગંગારામની મધુર વાણી સાંભળી સ્વામીશ્રી અત્યંત પ્રસન્નપણે બોલ્યા : 'ગંગારામ, તમે માઘ તો ભણ્યા જ હશો ને? માઘ વિષે કહેવાય છે - मुरारि पदचिन्ता चेतदा माघे मतिंकुरु’' સ્વામીશ્રીના મુખે માઘની પ્રશસ્તિનો શ્લોક સાંભળી ગંગારામ તત્કાળ બોલી ઊઠ્યા : 'દયાળુ, આપની વાત સત્ય છે. માઘ માટે કવિ મલ્લીનાથ કહે છે – माघेमेघेगतंवयः| અર્થાત્ માઘ અને મેઘદૂત આ બંનેની ટીકા કરવામાં જ મારી આખી આવરદા ચાલી ગઈ.'

ગંગારામનો મધુર સ્વર, સુસ્પષ્ટ ઉચ્ચારો અને પ્રખર વિદ્વત્તા જોઈ સત્સંગના મોભી સમા સંત શિરોમણિ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને વિચાર આવ્યો : આ તો અણમોલ રત્ન છે. આજે શ્રીજીમહારાજ સદેહે આ લોકમાં વિદ્યમાન હોત તો આ સરસ્વતીપુત્રને મળીને કેટલા રાજી થાત! સત્સંગની વાટિકામાં આવા મૂર્ધન્ય મોરલા સાહિત્યના સર્જન અને સંવર્ધન દ્વારા એની સોળે કળાએ ખીલે તો આ આખોય સંપ્રદાય ઓર દીપી ઊઠે!

શ્રી ગોપાળાનંદ સ્વામીએ તત્કાળ નિત્યમુનિને બોલાવી ગંગારામનો પરિચય કરાવ્યો. ગંગારામના મુખમાંથી અસ્ખલિતપણે વહેતા વાક્પ્રવાહથી નિત્યાનંદ સ્વામી પણ અત્યંત પ્રસન્ન થયા. બંને મહામુનિવર્યોએ નક્કી કર્યું કે ગંગારામને આપણે જ અહીં રાખી ભણાવવા અને સંપ્રદાય માટે એક અમૂલ્ય સાહિત્યરત્ન તૈયાર કરવું. જમવાનો સમય થઈ ગયો હોવાથી એ ભૂદેવોને સ્વામીશ્રીએ મંદિરની ભોજનશાળામાં જમવા મોકલ્યા.

મંદિરનો મહાપ્રસાદ આરોગી સારી પેઠે તૃપ્ત થઈ એ બ્રહ્મકુમારો ફરી શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે આવીને ગોઠવાઈ ગયા. સ્વામીશ્રીએ રમૂજ કરતાં કહ્યું : 'ગંગારામ, તમે આજે માત્ર બે જ મોદક કેમ આરોગ્યા? હા... તમારા આ બંને મિત્રો તો આરામથી પાંચ પાંચ લાડુ જમી ગયા!' ગંગારામના આશ્ચર્યનો પાર ન રહ્યો. એમને થયું : સ્વામીજી તો એમના આસનેથી બહાર આવ્યા નથી, છતાં એમણે કેવી રીતે જાણ્યું કે અમે કેટલા લાડુ જમ્યા? ગંગારામના મનની મૂંઝવણ પામી જઈ એનો ખુલાસો કરતાં ગોપાળ મુનિ બોલ્યા : 'ભૂદેવો, એમાં તો એવું છે કે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી અખિલ બ્રહ્માંડમાં શું બને છે તે સઘળું હું હસ્તામલકવત્ જોઈ શકું છું. એટલું જ નહિ, અત્યારે તમારા મનમાં શું વિચારો ઘોળાય છે તે પણ વાંચી શકું છું. કહો તો તમારું આખું અત્યાર સુધીનું જીવન સ્થળ-કાળ સાથે કહી સંભળાવું. સાંભળો... ગંગારામ, તમારો જન્મ સં. 1879માં થયેલો છે. વળી બીજી એક વાત પણ તમે અમને નથી બતાવી કે તમે વિવાહિત છો. તમારા પત્ની સ્વભાવે અત્યંત કર્કશા હોવાથી તમારું મન સંસાર પ્રતિ ઉદાસિન થતાં તમે વધુ વિદ્યાભ્યાસના મિષે ઘર છોડીને ચાલી નીકળ્યા છો...'

આ સાંભળીને ગંગારામ તો સ્વામીશ્રીના ચરણોમાં લોટી પડ્યા. અનરાધાર આંસુઓના અભિષેકથી સદગુરુવર્યના પાદ પ્રક્ષાલી તેમણે ગદગદ્ કંઠે પ્રાર્થના કરતાં કહ્યું : 'દયાળુ, આજથી મારા સઘળાં તીર્થો અને આયખાભરનો અભ્યાસ આપના ચરણોમાં જ હું માનું છું. આ નાચીજનો આપના શિષ્ય તરીકે... આપના ચરણરજ સેવક તરીકે સ્વીકાર કરી... પ્રભુ, મારા યોગક્ષેમનું વહન કરો.' મર્માળુ સ્મિત કરતાં ગોપાળાનંદ સ્વામીએ ગંગારામના મસ્તક ઉપર પોતાનો વરદ્ હસ્ત મૂકી એમના અંતરંગ મિત્રો ભણી દૃષ્ટિ કરી. સ્વામીશ્રીની સૂચક દૃષ્ટિના જવાબ રૂપે ગંગારામના મિત્રો બોલ્યા : 'સ્વામી, ગંગારામને રહેવું હોય તો ભલે અહીં રહે, અમે તો વધુ વિદ્યાભ્યાસ માટે કાશી જરૂર જઈશું.' સ્વામીશ્રીએ એમને કાશી જવાની અનુજ્ઞા આપતાં તેઓ ચાલી નીકળ્યા.

ગંગારામે તો શ્રી ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં જ અઠે દ્વારિકા માની વડતાલમાં જ રોકાઈ જઈ સ્વામીશ્રી તથા શ્રી નિત્યાનંદ સ્વામી પાસેથી વિશેષ વિદ્યાભ્યાસ કરીને પોતાની અપ્રતિમ વિદ્વત્તાને અનોખો ઓપ આપ્યો. શ્રી ગોપાળાનંદ સ્વામીએ ગંગારામને પાર્ષદની દીક્ષા અપાવી પોતાની સેવામાં રાખ્યા. એ વાતની જાણ એમના કુટુંબીજનોને થતાં તેઓ ગંગારામને ઘરે પાછા લઈ જવા માટે વડતાલ આવ્યા. ગંગારામે સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું : 'ગુરુદેવ, મારે કોઈ પણ સંજોગોમાં ઘરે પાછા નથી જવું, માટે આપ મને જો થોડા સમય માટે અન્ય સલામત સ્થળે મોકલી આપો તો મારા માથેથી આ ઉપાધિ ટળે.' તે સમયે સમૈયા નિમિત્તે સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધારેલા, ગંગારામનો તીવ્ર વૈરાગ્ય જોઈને સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેમને શ્રી ગુણાતીતાનંદ સ્વામી સાથે જૂનાગઢ જવાની આજ્ઞા કરી. શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ ગંગારામને ધરપત દેતાં કહ્યું : 'ગંગારામ, અહીં વડતાલમાં તો તમે પુરાણોનો અભ્યાસ કરો છો... પરંતુ જૂનાગઢમાં હું તમને પુરાણની સાથે કુરાનનો પણ અભ્યાસ કરાવડાવીશ.' અને સાચ્ચે જ જૂનાગઢમાં શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ ગંગારામને એક વિદ્વાન મુસ્લિમ કાજી પાસે મુસ્લિમ ધર્મગ્રંથ કુરાનનો અભ્યાસ કરાવ્યો તેમ જ એક શાસ્ત્રજ્ઞ પંડિત રાખીને સંસ્કૃત વાઙમયનો વિશદ અભ્યાસ પણ કરાવ્યો.

સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સતત સહવાસ અને નિત્ય સમાગમથી ગંગારામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ પ્રત્યે અનન્ય નિષ્ઠા અને ઊંડો ભક્તિભાવ જાગૃત થયા. સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પણ અવારનવાર જૂનાગઢ પધારતા ત્યારે તેઓ શ્રીહરિના સર્વોપરી અવતારી સ્વરૂપની જે વાતો કરતા તે સાંભળી ગંગારામ તે જ્ઞાનને આત્મસાત્ કરી શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપમાં રસબસ થઈ મૂર્તિનું મહાસુખ માણતા. ધીરે ધીરે ગંગારામની અનન્ય ભક્તિનિષ્ઠા અને પ્રખર વિદ્વત્તાની સુવાસ સમસ્ત સંપ્રદાયમાં વ્યાપી ગઈ. ધ. ધુ. આચાર્યશ્રી રઘુવીરજી મહારાજ પણ ગંગારામની નમ્ર વિદ્વત્તાપૂર્ણ વાણીથી અત્યંત પ્રસન્ન થતા.

સં. 1908માં સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સ્વધામ પધાર્યા બાદ તરત જ વૈશાખ વદ 6ને સોમવારના શુભદિને આચાર્યશ્રી રઘુવીરજી મહારાજે ગંગારામને વડતાલમાં બ્રહ્મચારીની ભાગવતી દીક્ષા આપી તેમનું નામ 'અચિંત્યાનંદ બ્રહ્મચારી' પાડ્યું. જોકે આચાર્યશ્રી બહુધા તેમને વર્ણીરાજ કહીને બોલાવતા હતા.

દીક્ષા ગ્રહણ કર્યા પછી વર્ણીરાજે રઘુવીરજી મહારાજ સાથે ઉમરેઠ જઈ પોતાના જ્ઞાનગુરુ સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને શ્રદ્ધાંજલિ આપવાના મિષે શ્રી ગોપાળાનંદ સ્વામી કૃત ગીતાભાષ્ય ઉપર કથા કરી. શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીની આ કથાથી ઉમરેઠના વિદ્વાન બ્રાહ્મણોને પણ શ્રીમદ્ ભગવદ્ગીતાના ગૂઢ રહસ્યોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. એક વાર જૂનાગઢમાં સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી બ્રહ્મચારીજીએ એક જ વિષય ઉપર કલાકો સુધી જ્ઞાનવાર્તા કરીને ત્યાંના નાગરોના દિલ જીતી લીધા હતા. ભાવનગરના નાગરો તો અચિંત્યાનંદજીના વેદાંત ઉપરના પ્રવચનો સાંભળીને મંત્રમુગ્ધ બની ગયા હતા. વળી એક વાર શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સાનિધ્યમાં જૂનાગઢના નવાબને કુરાનેશરીફની આયાતો સંભળાવી, તેનું વિશદ અર્થઘટન ઉપનિષદની ઋચાઓના સંદર્ભ સાથે કરી રામ અને રહીમ - ઈશ્વર અને અલ્લાહ એનું સમ્યક્ સામ્ય સમજાવ્યું ત્યારે નવાબ સાહેબ બ્રહ્મચારીની વિદ્વત્તા ઉપર વારી ગયા હતા. બ્રહ્મચારીજીની એ ખાસીયત હતી કે તેઓ જે રીતે હિન્દુઓને આપણા ધર્મશાસ્ત્રોની વાતો કરી સત્સંગ કરાવતા એ જ રીતે તેઓ મુસ્લિમ બિરાદરોને પણ કુરાન તથા સૂફી સંતોની વાતો કહીને સન્માર્ગે વાળતા.

આચાર્યશ્રી રઘુવીરજી મહારાજની આજ્ઞાથી શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ સં. 1913માં શ્રીહરિલીલાકલ્પતરુ મહાકાવ્યની રચનાનો પ્રારંભ કરી બે વરસમાં એ ગ્રંથનું લેખનકાર્ય પૂર્ણ કર્યું. આ ગ્રંથના નિર્માણકાર્ય દરમ્યાન બ્રહ્મચારી દરરોજ બસ્સો શ્લોક રચતા, પરિણામે બે વર્ષના અંતે બાર સ્કંધ અને તેમાંના તેત્રીસ હજાર શ્લોક ધરાવતો મહાન ગ્રંથ તૈયાર થયો. આ ગ્રંથમાં કવિવર શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ શ્રીજીમહારાજના લીલાચરિત્રોની સાથે એમની સર્વોપરી ઉપાસનાનું ખૂબ જ સુંદર રીતે પ્રતિપાદન કર્યું છે. શ્રીહરિલીલાકલ્પતરુ મહાગ્રંથ એ ખરેખર તો મહાકવિ શ્રી અચિંત્યાનંદજીની સ્વામિનારાયણ સંપ્રદાયને મહામૂલી ભેટ છે! આચાર્યશ્રી ભગવત્પ્રસાદજી મહારાજે આ ગ્રંથની 'રસબોધિની' નામની સંસ્કૃતમાં ટીકા લખેલી છે. બ્રહ્મચારીજીએ આ ગ્રંથ ઉપરાંત બીજા અનેક ગ્રંથો અને સ્તોત્રોની રચના કરેલી છે.

સં. 1930માં બ્રહ્મચારી ધ. ધુ. આચાર્યશ્રી ભગવત્પ્રસાદજી મહારાજ સાથે ઉમરેઠ પધારેલા. એ અરસામાં ઉમરેઠમાં કૈલાસાનંદ નામનો એક શુષ્કવેદાંતી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય અવૈદિક છે એવો અપપ્રચાર કરીને ત્યાંના હરિભક્તોને રંજાડતો હતો. કવિવર શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીએ સતત પાંચ વરસ સુધી ઉમરેઠમાં રહીને કૈલાસાનંદ સાથે શાસ્ત્રાર્થ દ્વારા તેનો પરાજય કરી ઉમરેઠમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો વગાડી દીધો હતો.

વૃદ્ધાવસ્થામાં બ્રહ્મચારીને આંખે મોતિયો આવવાથી આંખોનું તેજ ક્ષીણ થઈ ગયું હતું. વડોદરાના એક મુસ્લિમ ડૉક્ટરે તેમની આંખનું ઓપરેશન કરીને તેમની અલભ્ય સેવાનો લાભ લીધો હતો. ઓપરેશન માટેની પોતાની ફી લેવાનો અસ્વીકાર કરીને ડૉક્ટરે બ્રહ્મચારી પાસે માત્ર દુવાની માગણી કરી. કોઈકે બ્રહ્મચારીને કહ્યું કે ડૉક્ટરને કાંઈ સંતાન નથી, માટે તેમને પુત્ર થાય એવા આશીર્વાદ આપો. કહેવાય છે કે શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારીના આશીર્વાદથી એ મુસ્લિમ ડૉક્ટરને એક પુત્રની પ્રાપ્તિ થઈ હતી.

છેલ્લી અવસ્થામાં બ્રહ્મચારી મહારાજને મધુપ્રમેહની તકલીફ થઈ હતી, પરિણામે તેઓ શરીરે અસ્વસ્થ રહેતા હતા. સં. 1940ના ફાગણ સુદ 4ના દિવસે અચિંત્યાનંદ બ્રહ્મચારી સ્વતંત્રથકા વડતાલમાં અક્ષરવાસી થયા. પ.પૂ. ધ.ધુ. આચાર્યશ્રી વિહારીલાલજી મહારાજે તેમને શ્રદ્ધાંજલિ અર્પતા 'શ્રીહરિલીલામૃતમ્'માં નોંધ્યું છે ઃ

'અચિંત્યાનંદાખ્ય પ્રવર વર્ણીના ગુણ કહુ,

ભલા યોગાભ્યાસી જગ થકી ઉદાસી દિલ બહુ.

કર્યા કાવ્યો કેવા સુખકર સુધાસાગર સમાં,

સદા રાખી વૃત્તિ પ્રગટ પ્રભુ કેરા ભજનમાં.

કહે વાર્તા જ્યારે અમૃતરસ ત્યારે મુખ ઝરે,

વિરાગી ને ત્યાગી સકળ શ્રુતિના અર્થ ઉચ્ચરે.

સદાચારી સારી મતિ સુહિતકારી સહુતણી,

મુખી વિદ્વાનોના સકળ મુનિઓના શિરોમણિ.'

કાવ્યકૃતિ :

શ્રી નીલકંઠ! હરિકૃષ્ણ! હરે! દયાલો!

સ્વામિન્! પરાત્પર વરાક્ષરધામવાસિન્,

હારિપ્રસાદ! પુરુષોત્તમ! ધર્મપુત્ર!

નારાયણં સુખનિધિં પ્રણમામ્યહમ્ ત્વામ્. ૧

યદ્વદ્રમન્તિ પરમાણુગણા ગવાક્ષે,

ભૂમન્નસંખ્યભુવનાનિ તથોદ્વજન્તિ;

ત્વદ્ધામરોમવિવરે નિખિલાર્તિહારિન્, નારાયણં. ૨

વિઘ્નાઘપૂગદલનસ્મરણં શરણ્યમ્,

યાષંડખંડનવિચક્ષણમાપ્તકામમ્;

શેષાગમશ્રુતિશિરોડક્ષરમુક્તગીતમ્, નારાયણં. ૩

સંસારનીરનિધિમજ્જદસંખ્યજીવાન્,

નિર્હેત્વદૃભ્રદયયાદ્રુતમુદ્ધરન્તમ્;

અપ્રાકૃતાન્યતુલનોજ્જિતપુણ્યકીર્તિમ્, નારાયણં. ૪

નિર્દોષભક્તજનમુષ્ટમનંતકોટી-

બ્રહ્માંડજન્મપરિપાલનભંગલીલમ્;

કલ્યાણકારિસકલાચરિતં સ્વતંત્રમ્, નારાયણં. ૫

દિવ્યાજ્યુતાડનવધિકાતિશયસ્વસિદ્ધ-

જ્ઞાનાદિસદગુણનિધાનમનન્યસાન્યમ્;

એકાંતધર્મમવનૌ પરિપોષયન્તમ્, નારાયણં. ૬

વાક્યામૃતાબ્ધિપરિતર્પિતભક્તમતમ્,

સ્વીયાન્તરારિદલનાડતુલનપ્રતાપમ્;

અજ્ઞાનસંજ્ઞતિમિરવ્રજહારિબોધમ્, નારાયણં. ૭

ઇન્દીવરાસિતમણીન્દ્રપયોદવર્ણ-

કોટીસ્મરસ્યવિભેદન દિવ્યરૂપમ્;

સંચિંતિતંપરમહંસગણૈરજસ્રમ્, નારાયણં. ૮

આસ્વાદ :

પ્રસ્તુત અષ્ટકના રચયિતા કવિવર શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય મહા પ્રાસાદિક મહાકવિ છે.

વસંતતિલકા છંદમાં રચાયેલા આ અષ્ટકમાં नारायणं सुखनिधिं प्रगमाम्यहं त्वाम् એ ધ્રુવપંડિત છે. અષ્ટકના સર્વે શબ્દો ભગવાન શ્રી સ્વામિનારાયણનો પ્રગલ્ભ મહિમા ગાવા માટે વિશેષણરૂપે પ્રયોજાયેલા છે.

અષ્ટકનો આરંભ કવિ 'શ્રી' શબ્દથી કરે છે. શ્રી એટલે યશ, સંપત્તિ, સત્તા, વિજય, વિદ્યા, સુખ અને શ્રેય આ સર્વે જેની પાસે છે તે મહાનુભાવ. લખવા ખાતર તો આપણે બધાના નામની આગળ શ્રી વિશેષણ લગાડીએ છીએ, પરંતુ શાસ્ત્રોક્ત દૃષ્ટિએ કેવળ પરમાત્મા જ શ્રી વિશેષણના અધિકારી છે.

કવિ કહે છે : જે શ્રી નીલકંઠ, હરિકૃષ્ણ, હરિ, દયાળુ, સ્વામી, પરાત્પર, વરવા યોગ્ય, અક્ષરધામમાં દિવ્ય સાકાર સ્વરૂપે નિવાસ કરનારા, હરિપ્રસાદ પાંડેના પુત્ર, પુરુષોત્તમ અર્થાત્ પ્રકૃતિપુરુષ પર્યંત સર્વ કોઈ માટે આરાધ્ય અને ઉપાસ્ય છે તથા ધર્મદેવના પુત્ર છે એવા સર્વસુખના નિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.

જેમના ધામનાં રોમેરોમે અનંત કોટી બ્રહ્માંડો જેમ જાળીના છિદ્રમાંથી આવતા પ્રકાશના કિરણમાં અસંખ્ય પરમાણુઓ ઊડતા દેખાય છે તેમ ઊડતા ફરે છે અને જે પોતાના ભક્તજનોના સર્વ પ્રકારના દુઃખો દૂર કરનારા છે એવા સર્વ સુખના નિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.

સ્વામિનારાયણ સંપ્રદાયની તવારીખ સાક્ષી પૂરે છે કે ભગવાન શ્રી સહજાનંદ સ્વામી કેટલા ભક્તવત્સલ અને દયાળુ હતા. પોતાના પટ્ટાભિષેક પ્રસંગે તેમણે ગુરુ રામાનંદ સ્વામી પાસે વર માગ્યો હતો કે મારા ભક્તોના ભાગ્યમાં રામપાત્ર હોય તો તે મને મળે પરંતુ મારા ભક્તોને ક્યારેય કોઈ દુઃખ ન પડે. શ્રીજીમહારાજના આશ્રય માત્રથી જ ભક્તોના સર્વ પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે.

અચિંત્યાનંદ વર્ણીરાજ પ્રાર્થે છે : જેમનું નામસ્મરણમાત્ર સર્વ પ્રકારના વિઘ્નો, તાપો અને પાપોનો નાશ કરે છે, જે અક્ષરબ્રહ્મ અને અક્ષરમુક્તો સહિત સર્વે માટે આશ્રય કરવા યોગ્ય છે. જેમનો સંકલ્પમાત્ર સર્વ પ્રકારનાં પાખંડોનો નાશ કરવા સમર્થ છે અને જેમનાં લીલાચરિત્રોના મહિમાનું ગાન શેષ, શારદા, શ્રુતિઓ અને અક્ષરમુક્તો નિત્ય કરે છે એવા સર્વ સુખના નિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.

જે સંસારરૂપી સાગરના જળમાં ડૂબી રહેલા અસંખ્ય જીવોનો તદ્દન નિઃસ્વાર્થભાવે કેવળ દયાથી પ્રેરાઈને જલદી ઉદ્ધાર કરનારા છે, જેની યશકીર્તિને અક્ષરબ્રહ્મ પર્યંત કોઈ પહોંચી શકે તેમ નથી, જે દિવ્યાતિદિવ્ય અને સર્વોત્તમ પાવનકારી છે એવા સર્વ સુખના નિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.

વર્ણીરાજ દ્વારા રચાયેલી આ પ્રાર્થના એક અદભુત પ્રશસ્તિ ગાન છે. એના શ્લોકે શ્લોકે શ્રીજીમહારાજનો પ્રગલ્ભ મહિમા અંતરના ઊંડા ભક્તિભાવ દ્વારા ગવાયો છે.

કવિવર કહે છે : અનેક નિર્દોષ ભક્તોને સદા આનંદ આપનારા, અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપી લીલામાત્ર કરનારા, જેમના સર્વ પ્રકારના ચરિત્રો હંમેશાં કલ્યાણકારી જ છે, જે સર્વતંત્ર સ્વતંત્ર છે એવા સર્વે સુખના નિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.

જે સદા દિવ્યાતિદિવ્ય છે, જે અદભુત છે, જે સ્વયંસિદ્ધ છે, જે જ્ઞાન ઈત્યાદિ ગુણોના ભંડાર છે, જેમના સમાન અન્ય કોઈ નથી અને જે આ લોકમાં એકાંતિક ધર્મનું પરિપોષણ કરનારા છે એવા સર્વે સુખના નિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.

પૃથ્વી ઉપર જેટલાં પણ સદગુણો છે, જેટલાં પણ ઐશ્વર્ય છે, જેટલી પણ દિવ્યતા છે એ સર્વ પરમાત્મા પ્રેરિત છે. ભગવાન જેવું અન્ય કોઈ નથી. પરમાત્માના આશ્રય માત્રથી જ એકાંતિક કલ્યાણ અનાયાસે સિદ્ધ થાય છે. સર્વોપરી ઉપાસના એ જ કલ્યાણનો પરમ હેતુ છે.

સ. ગુ. શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે : જે પોતાના ભક્તજનોને જ્ઞાનોપદેશરૂપી વચનામૃત દ્વારા સદા સંતોષ અને આનંદ આપનારા છે, જે પોતાના આશ્રિતોના અંતઃશત્રુઓનો નાશ કરવાની અતુલિત શક્તિ ધરાવે છે અને જેમની વાણી અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનારી છે એવા સર્વે સુખના નિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.

જેમના શરીરનો વર્ણ નવીન મેઘ સમાન શ્યામ છે, જેમનું રૂપ કોટી કામદેવોના ગર્વને હરી લે એવું દિવ્ય છે અને જેમના મહિમાનું ગામ એમના ભક્તો અખંડ કરી રહ્યા છે એવા સર્વે સુખના નિધિ ભગવાન શ્રી સ્વામિનારાયણને હું પ્રણામ કરું છું.

શબ્દમાધુર્ય, પદલાલિત્ય, અર્થગાંભીર્ય તથા ગેયતાની દૃષ્ટિએ આ અષ્ટક દૃષ્ટાંતરૂપ છે.