૪. પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયમ્ શરણમ્ હરિં ત્વામ્
અઢારમી સદીમાં સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર જિલ્લો જેને 'ઝાલાવાડ' પણ કહે છે તે સૌવીર પ્રદેશ તરીકે ઓળખાતો હતો. સૌવીર સંતમહાત્માઓ તેમ જ શૂરવીર નરબંકાઓની માભોમકા કહેવાતી. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રગણ્ય સંતરત્નો જેવા કે અદભુતાનંદ, પરમચૈતન્યાનંદ, નિષ્કામાનંદ, નરનારાયણાનંદ, આધારાનંદ ઇત્યાદિ પણ આ પ્રદેશના પનોતા પુત્રો હતાં.
એકવાર સદગુરુ શ્રી રાઘવાનંદ સ્વામી સત્સંગના પ્રચાર ને પ્રસાર અર્થે ઝાલાવાડ પ્રદેશમાં ફરતા ફરતા લીંબડી તાલુકાના શિયાણી ગામ આવી પહોંચ્યા. એ વખતે ગામમાં કોઈ મઠ કે મંદિર નહોતા, પણ ગામને ચોરે નિત્ય હરિકથા થતી. સ્વામીએ બે દિવસ રોકાઈ ગામના ચોરા પાસે લોકોને ભેગા કરી ભગવદ્ વાર્તા દ્વારા કેટલાક દૈવી જીવોને શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા આપી આશ્રિત સત્સંગી કર્યા.
સત્સંગનો એ બાલ્યકાળ હતો. કોઈ ગામમાં બે ચાર સજ્જનો સત્સંગી થાય એટલે બાકીના બધા એનો બહિષ્કાર કરતા. સત્સંગીનું સદાચારી જીવન કુસંગીઓને કઠતું. પરિણામે સત્સંગીઓને નાત-જાત ને સમાજમાં અતિ અપમાનિત થવું પડતું. છતાં પણ એ ભડવીરોએ માથાસાટે સત્સંગને સાચવી જાણ્યો હતો. શિયાણી ગામમાં પણ સત્સંગનું પદાર્પણ થતાં આ જ પરિસ્થિતિ સર્જાઈ. વાત એટલે સુધી વધી ગઈ કે ગામના રાજા હરિસિંહ પાસે ફરિયાદ પહોંચી. રાજાએ સત્વરે રાજપુરોહિત શિવરામ ભટ્ટને બોલાવી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય પરત્વે સત્ય હકીકત મેળવી લાવવા ફરમાન કર્યું. શિવરામ ભટ્ટ આખાય ઝાલાવાડ પંથકમાં વિદ્વાન કર્મકાંડી રાજપુરોહિત તરીકે ખ્યાતનામ હતા. આ. સં. 1870ની ફાગણ સુદ એકાદશીના પરમ પાવન દિવસે ભટ્ટજી ગઢપુર પહોંચ્યા.
ગઢપુરમાં દાદાખાચરના દરબારના દરવાજે ઊભેલા દ્વારપાળે શિવરામ વિપ્રને વિનયપૂર્વક પૂછયુંઃ 'આપ ક્યાંથી પધારો છો? આપને કોનું કામ છે?'
'હું શિવરામ ભટ્ટ શિયાણીથી આવું છું, મારે સહજાનંદ સ્વામીને મળવું છે.' ભટ્ટજીએ જવાબ આપ્યો.
દ્વારપાળ કરીમભાઈ તત્કાળ ભટ્ટને શ્રીજીમહારાજ પાસે લઈ ગયા. વિપ્રને વ્હાલપૂર્વક પાસે બેસાડી શ્રીહરિએ એમનો પરિચય પૂછયો. પોતાનો પ્રારંભિક પરિચય આપ્યા બાદ શિવરામ ભટ્ટે મુદ્દાની વાત કાઢતાં કહ્યુંઃ 'મહારાજ! અમારા ગામમાં તમારા સંપ્રદાયના કેટલાક અનુયાયીઓ રહે છે. તેમનું જીવન જોઈને સૌને સહેજે તેમના પ્રત્યે આદર થાય છે. પરંતુ સ્વામીજી, આપના સંપ્રદાય માટે કેટલાક લોકો એવી વાતો કરે છે જે સાંભળીને સાંભળનારને આપના ધર્મ માટે અણગમો ઉપજે છે. આમ સારા નરસા બંને પ્રકારના વિરોધાભાસી અનુમાનોને કારણે મનમાં દ્વિધા પેદા થાય છે કે ખરેખર સત્ય શું છે? શાસ્ત્રમાં કહ્યું છે કે संशयात्मा विनश्यति । માટે સર્વ પ્રકારના સંશયો ટાળવા માટે અને આપના સંપ્રદાય સંબંધી સત્ય હકીકતો જાણવા માટે મારા યજમાન રાજા હરિસિંહએ મને આપની પાસે મોકલ્યો છે. આપ જો અનુમોદન આપો તો હું કેટલાક પ્રશ્નો આપને પૂછવા માંગું છું.'
શ્રીજીમહારાજે આ સાંભળીને કહ્યુંઃ 'આજે એકાદશીના જાગરણ નિમિત્તે સભા થવાની છે તે વખતે તમે તમારા પ્રશ્નો સભામાં જ રજૂ કરજો જેથી દરેકને તેનો લાભ મળે.' ભટ્ટજી આખો દિવસ દાદાખાચરના દરબારમાં સંત હરિભક્તો સાથે રહ્યા. એ દરમ્યાન તેમણે સંત હરિભક્તોની દિનચર્યા જોઈ, સંધ્યાકાળે ગવાતા ગોડી પદો સાંભળ્યાં તથા સંધ્યા આરતી, ધૂન, સ્તુતિ-પ્રાર્થના વગેરેને મન મૂકીને માણ્યાં. રાત્રિ સભામાં શ્રીજીમહારાજે શિવરામ વિપ્રને આદરપૂર્વક સભામાં આસન આપી એમના પ્રશ્નો રજૂ કરવાની અનુમતિ આપી. ભટ્ટજીએ સભામાં વિનયપૂર્વક અઢાર પ્રશ્નો શ્રીજીમહારાજને પૂછ્યા જેના શ્રીહરિએ ખૂબ જ નિખાલસ અને વિસ્તૃત ઉત્તર આપ્યા. સદગુરુ શ્રી શતાનંદ મુનિએ સત્સંગિજીવનના દ્વિતીય પ્રકરણના 37મા અધ્યાયમાં એ પ્રશ્નોત્તરોનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે.
પોતાના પ્રશ્નોના યથાર્થ ઉત્તર સંતોષપૂર્વક સાંપડતા શિવરામ ભટ્ટે પ્રાર્થનાપૂર્વક પ્રણામ કરીને શ્રીહરિને વિનંતી કરી : 'પ્રભો, આપના ઉત્તરોથી મને સંપૂર્ણ સંતોષ થયો છે અને અંતરમાં એવો દૃઢ વિશ્વાસ પેદા થયો છે કે આપનો આશ્રય કરવાથી મારો નિશ્ચિતપણે મોક્ષ થશે જ. તેથી કૃપા કરીને આપના સંપ્રદાયની દીક્ષા આપીને આપના આશ્રિત તરીકે મારો સ્વીકાર કરો.' ભટ્ટજીનો શુદ્ધ શરણાગત્ ભાવ પારખીને શ્રીહરિએ તેમને દીક્ષા આપી સંપ્રદાયના આશ્રિત સત્સંગી બનાવ્યા. ભટ્ટજી ફૂલદોલના ઉત્સવ સુધી ગઢપુરમાં જ રોકાયા. આ ઉત્સવ દરમ્યાન તેમને અલૌકિક સુખ સાંપડ્યું.
ફૂલદોલના ઉત્સવ દરમ્યાન શ્રીજીમહારાજની અલૌકિક લીલા નિહાળીને શિવરામ વિપ્રને સમાધિ સ્થિતિ પ્રાપ્ત થઈ. સમાધિમાં તેમણે બ્રહ્મધામમાં બિરાજમાન પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનારાયણના દિવ્ય દર્શન થયાં. સમાધિમાંથી જાગૃત થતાં જ ભટ્ટજીએ ભાવવિભોર થઈને "प्राप्तोऽस्मि भक्तितनयं शरणं हरिम् त्वाम् |' એ સ્તોત્ર દ્વારા શ્રીહરિને ગદગદ કંઠે પ્રેમપૂર્વક પ્રાર્થના કરી. શ્રીહરિએ એમના ભક્તિભાવથી પ્રસન્ન થઈ એમના ઉપર અપરંપાર કૃપા વરસાવી.
શિયાણી પરત આવી ભટ્ટજીએ રાજા હરિસિંહ તથા ગામના લોકોને શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા સમજાવ્યો. કર્મકાંડ તથા કથા પારાયણો પ્રસંગે ભટ્ટજી લીંબડી રાજ્યના ચોવીસ ગામોમાં ફરતા રહેતા, વળી રાજપુરોહિત તરીકેની તેમની પ્રસ્થાપિત પ્રતિષ્ઠાને પ્રતાપે લોકો એમની વાતોને શ્રદ્ધાથી સ્વીકારતા. પરિણામે લીંબડી રાજ્યમાં શિવરામ ભટ્ટને લીધે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર ઘણો સારો થયો.
સંપ્રદાયના આશ્રિત સત્સંગી બન્યા બાદ શિવરામ ભટ્ટ મોટા મોટા નંદસંતોના નિકટ પરિચયમાં આવ્યા, એ સંતો પાસે રહી તેઓએ સંપ્રદાયના શાસ્ત્રોનો ગહન અભ્યાસ કર્યો. પોતે વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ તો હતા જ, તેમાં વળી પ્રગટ પૂર્ણ પુરુષોત્તમનારાયણની ઉપાસના સાંપડી, પરિણામે ભટ્ટજીએ પુરુષોત્તમકવચ તથા આદિનારાયણની કથાની રચના કરી. તેઓ વારંવાર પોતાને ગામ શિયાણી શ્રીહરિ, સંતો અને બ્રહ્મચારીઓને આમંત્રી, મહિમાપૂર્વક સેવા સમાગમ કરતા હતા. ભટ્ટજીની સેવાપરાયણતાનું અત્યંત ઉજ્જવલ દૃષ્ટાંત સંપ્રદાયની ત્વારીખમાં નોંધાયેલું છે.
એકવાર સદગુરુ શ્રી વાસુદેવાનંદ બ્રહ્મચારીને ઓરી નીકળેલા. ઓરી જેવા ચેપી રોગમાં દર્દીની કાળજીપૂર્વક સેવા-શુશ્રૂષા કરનાર સેવાભાવી સેવક મળવા અત્યંત દુર્લભ, એમાં વળી બ્રહ્મચારીને બ્રાહ્મણ સિવાય કોઈની સેવા ખપે નહિ. આ સંજોગોમાં વાસુદેવાનંદ વર્ણી માટે મહારાજ ચિંતિત હતા, ત્યારે શિવરામ ભટ્ટે વિનંતીપૂર્વક કહ્યું : 'મહારાજ, આપની આજ્ઞા હોય તો હું બ્રહ્મચારીની સેવા કરું.' શ્રીજીમહારાજે તેમને પ્રસન્નતાપૂર્વક અનુમતિ આપી. ભટ્ટજીએ બ્રહ્મચારીની જાળવીને જતનપૂર્વક સેવા કરી. વાસુદેવાનંદ વર્ણીએ એમની પરમ સેવા ભક્તિથી પ્રસન્ન થઈ પોતાના 'સત્સંગિભૂષણ' ગ્રંથમાં કથાના શ્રોતા તરીકે શિવરામ વિપ્રના પાત્રને સ્થાન આપી શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં એમને અમર કરી દીધા.
શિવરામ ભટ્ટને શ્રીજીમહારાજનો અપરંપાર મહિમા હતો, તેથી તેઓ પ્રત્યેક સમૈયા પ્રસંગે લાખો માણસોની મેદની વચ્ચે મહારાજની ચરણપાદુકા સાચવવાની સેવા ખૂબ કાળજીપૂર્વક કરતા હતા. સદગુરુ શતાનંદ સ્વામીએ 'સત્સંગિજીવન'માં (પ્ર.3, અ-2) આ વાતનો ઉલ્લેખ કર્યો છે. સર્વમંગલસ્તોત્રમાં શ્રીજીમહારાજના એક નામ તરીકે शिवोपानीतपादुकः । એમ લખીને કવિએ શ્રીહરિના પતિતપાવન નામ સાથે તેમના એકાંતિક સેવક શિવરામ ભટ્ટનું નામ સાંકળી તેમને અપૂર્વ ગૌરવ પ્રદાન કર્યું છે.
શિયાણીમાં શ્રીજીમહારાજ તથા સંતો પધારે ત્યારે ઉતરવા તથા કથા-કીર્તન માટે મંદિર કે ધર્મશાળાની વ્યવસ્થા ન હોવાથી શિવરામ ભટ્ટે પોતાના ઘરનું મકાન મંદિર બાંધવા માટે કૃષ્ણાર્પણ કર્યું. મહારાજે ભોળાનંદ સ્વામીને શિયાણી મોકલી ત્યાં સરસ મઝાનું હરિમંદિર તૈયાર કરાવ્યું. જીવનની ઉત્તરાવસ્થામાં ભટ્ટજીને વિચાર આવ્યોઃ 'અત્યાર સુધી સંસારમાં રહીને પ્રભુ ભજન કર્યું, પરંતુ હવે પછીનું સમગ્ર જીવન પ્રગટ પરમાત્મા તથા તેમના સંતોના સેવા સમાગમ માટે અર્પણ કરી દેવું તેમાં જ જીવનની કૃતાર્થતા છે.' પરિવારના સૌની સંમતિ સાધી શિવરામ ભટ્ટે શ્રીજીમહારાજને આર્તસ્વરે પ્રાર્થના કરીઃ 'મહારાજ, મને હવે આપની અખંડ સેવામાં રાખો.' મહારાજે રાજી થઈ ભટ્ટજીને ત્યાગાશ્રમની મહાદીક્ષા આપી એમનું 'અખંડાનંદ બ્રહ્મચારી' એવું નામાભિધાન કર્યું.
ગઢપુરમાં શ્રીહરિના સાનિધ્યમાં રહી અખંડાનંદ બ્રહ્મચારીએ પોતાની પ્રાસાદિક શૈલીમાં 'શ્રીહરિચરિત્ર' નામનો એક અપૂર્વ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો. સદગુરુ કૃષ્ણાનંદ સ્વામીએ પોતાના ગ્રંથ 'હરિચરિતામૃત'માં (અધ્યાય-65, ચોપાઈ 25-27) અખંડાનંદ વર્ણી વિશે લખતા ગાયું છેઃ
'અખંડાનંદ વર્ણીની વાત,
રહેતા શિયાણીમાં દ્વિજજાત.
નામ શિવરામ ભટ્ટ કહેવાય,
રાજદ્વારમાં આવે ને જાય.
પહેલા શક્તિના પંથમાં હતા,
કર્તા કર્મ રાજદ્વાર છતા.
પછી જ્યારે થયો સત્સંગ,
ચડ્યો ચોગણો ચિત્તમાં રંગ.
મૂક્યો રાજ કાજ અધિકાર,
થયા ત્યાગી મૂકી ઘરબાર.
સાધુતા ગુણ લક્ષણ ભારી,
જાણી એવા કર્યા અધિકારી.'
કાવ્યકૃતિ : (પ્રાર્થના સ્તોત્ર)
હે નીલકંઠ! શરણાગતજીવપાલં,
સંસારસિંધુ પતિતોદ્ધરણૈકકૃત્યમ્;
સ્વાનાં સુખં વિતરિતું ધૃતનૈકરુપં,
પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયં શરણં હરિં ત્વામ્.
સ્વામિન્ સદાઽતિકરણાર્દ્રવિલોચનાબ્જં,
સ્વાતિ પ્રિયોદ્ધવમતાબ્જવિકાશનાર્કમ્;
પાખંડખંડનપટું સ્વજનાર્દ્રચિત્તં,
પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયં શરણં હરિં ત્વામ્.
મુક્તિપ્રદં ભવભયાર્તજનસ્ય બંધુમ્,
ધર્માઢ્ય ભક્તિપથપોષણતત્પરં ચ;
ભક્તિપ્રિયં સુરનરાધિપવંદ્યપાદં,
પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયં શરણં હરિં ત્વામ્.
નારાયણં ધૃતમનોહરવર્ણિવેષં,
ધર્મમ્ ચ નૈષ્ટિકમિહ પ્રથયતમાયમ્;
તાપત્રથાભિ ભવકારી ગુણાનુવાદં,
પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયં શરણં હરિં ત્વામ્.
શર્મપ્રદાતુભવનૌ સ્વસતામદભ્રં,
હંતું ચ તત્પ્રતિયદુષ્ટજનાન્સદીશમ્;
ભક્તૌ વૃષાદ્ધૃતશુભાંગમજં રમેશં,
પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયં શરણં હરિં ત્વામ્.
યસ્યેક્ષણં સ્મરણકીર્તિન વંદનાનિ,
પ્રીત્યાર્હણં શ્રવણમાશુહરંતિ પાપમ્;
મોક્ષં દિશન્તિ ભવપાશનિબંધનાત્તં,
પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયં શરણં હરિં ત્વામ્.
યસ્યાશ્રયાદવરજંતુરપિ સ્વપાપં,
હિત્વાડપ્ય દેવવરણીયમય સ્વરૂપમ્;
એત્યક્ષરે નિવસનં, તમતીત્ય વિઘ્નાન્,
પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયં શરણં હરિં ત્વામ્.
દીનાનુકંપિતમરં શરણાગતાધસ્તોમ્,
ગુણજ્ઞ ન ગણપ્ય ગુણં તદીયમ્;
અપ્યલ્પમીશ સુભગં બહુ મન્યમાનં,
પ્રાપ્તોઽસ્મિ ભક્તિતનયં શરણં હરિં ત્વામ્.
સંસારસિંધુપતિતસ્ય નિજાધતઃ,
સ્વપ્રારબ્ધકર્મ પરિભુક્તવતોડલ્પ બુદ્ધે;
વીક્ષ્ય સ્વયં સ્વબિરુદં કુરુ મે ભવાબ્ધે,
રુદ્ધારમાર્તિહરણં પ્રણમામ્યહં ત્વામ્.
આસ્વાદ :
અખંડાનંદ વર્ણી રચિત પ્રસ્તુત પ્રાર્થનાસ્તોત્ર વસંતતિલકા છંદમાં અનુબદ્ધ છે. સ્તોત્રનો પ્રારંભ કવિ હે નીલકંઠ! એવા સૂચિત સંબોધન સાથે કરે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણના અનેક કલ્યાણકારી નામો પૈકી વનવિચરણ દરમ્યાન એમનું નામ નીલકંઠ વર્ણી હતું. નીલકંઠ નામ તપ-ત્યાગ, સંયમ-સમર્પણ, બ્રહ્મચર્ય-અહિંસા, સેવા-સહિષ્ણુતા તથા ક્ષમા, જ્ઞાન અને ભક્તિનું સૂચક છે. નવલખા પર્વત ઉપર નવ લાખ યોગીઓને એકી સાથે દિવ્ય દર્શન દઈને મહાપ્રભુ શ્રી નીલકંઠ વર્ણીએ તેમનું આત્યંતિક કલ્યાણ કર્યું હતું. શ્રીહરિનું નીલકંઠ વર્ણી સ્વરૂપ તપ અને ત્યાગનો ઉચ્ચ આદર્શ દાખવતું હોવા ઉપરાંત અત્યંત કરુણાકર કૃપાસ્વરૂપ છે! કવિ એ કૃપાળુ પ્રભુને આર્તભાવે પ્રાર્થના કરે છે.
પ્રાર્થનાનો મહિમા અગાધ છે. પ્રાર્થના નિર્બળનું બળ, નિર્ધનનું ધન અને નિરક્ષરની વિદ્યા છે. પ્રાર્થનાની કોઈ વિધિ નથી, પ્રાર્થનામાં કોઈ નિષેધ નથી. પ્રાર્થના માટે જરૂર છે ફક્ત ભગવાનના પ્રગટ સ્વરૂપના અતિ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયયુક્ત હૃદયનો શુદ્ધ અને નિષ્કામ આર્તભાવ. આ આર્તભાવ એ જ પ્રાર્થનાનું ચાલક બળ છે. જેને નિગમ નેતિ નેતિ કહે છે તે પરાત્પર પરમાત્માને એક માત્ર પ્રાર્થના જ પ્રત્યક્ષ કરે છે.
કવિ ગદગદ કંઠે પ્રાર્થે છેઃ 'હે નીલકંઠ! શરણાગત જીવોના રક્ષણહાર! સંસારસાગરમાં ડૂબેલા જીવોના ઉદ્ધારક! પોતાના ભક્તજનોની રક્ષા અને સુખ માટે જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં જરૂર પડે, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં અનેક રૂપો ધારણ કરનાર ભક્તિદેવીના પુત્ર શ્રીહરિ હું આપને શરણે આવ્યો છું.' શરણાગતિ એ પ્રાર્થનાનો સ્થાયી ભાવ છે. ભગવાન જગતનું સર્જન કરે છે એ જીવોના હિત માટે કરે છે, તેમ જ તેનો પ્રલય કરે છે તે પણ જીવોના કલ્યાણ માટે જ કરે છે. એ સિદ્ધાંત આ સૂત્ર દ્વારા કવિ સમજાવવા માગે છે. ભગવાન શરણે આવેલા જીવો પાત્ર છે કે કુપાત્ર છે તેનો કોઈ વિચાર ન કરતાં શરણે આવેલા તમામ જીવોનું રક્ષણ કરે છે એ જ એમની મહત્તા સૂચવે છે.
દ્વિતીય શ્લોકનો આરંભ કવિ સ્વામિન્! સંબોધન દ્વારા કરે છે. જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી અને અક્ષરકોટી - એ સર્વેના સ્વામી ભગવાન શ્રી સ્વામિનારાયણ છે, પરંતુ એમનો સ્વામી કોઈ નથી એવો અર્થ અહીં કવિને અભિપ્રેત છે. સ્વામી શબ્દમાં સર્વવ્યાપકપણું, સર્વનિયામકપણું, સર્વસમર્થપણું અને સર્વોપરીપણું એ ચારે ગુણોનો સુચારુ સમાવેશ થાય છે. કવિ પ્રાર્થે છેઃ 'હે સ્વામિન્! જીવોના હિત માટે અલૌકિક અને અનુપમ ક્રિયાઓ (લીલાઓ) સતત કરવા છતાં જેમનાં નેત્ર નિત્ય પ્રેમ અને કરુણાથી પ્લાવિત છે, પોતાને અતિ પ્રિય ઉદ્ધવ દ્વારા પ્રવર્તાવેલા જ્ઞાનમતરૂપી કમળનો વિકાસ કરવામાં જે સૂર્ય સમાન છે, પાખંડ જ્ઞાનમત અને પાખંડધર્મનું ખંડન કરવામાં જે અતિ કુશળ છે તથા પોતાના ભક્તજનો માટે જેમનું હૃદય હંમેશાં પ્રેમાદ્ર વર્તે છે એવા ભક્તિદેવીના પુત્ર શ્રીહરિ! હું આપને શરણે આવ્યો છું.'
હિન્દુધર્મમાં પ્રર્વતતા અનેક જ્ઞાનમતો વચ્ચે વર્ષોથી વૈમનસ્ય ચાલતું આવ્યું છે. પરંતુ ભગવાન શ્રી સ્વામિનારાયણે પાખંડ ધર્મ કે જ્ઞાનમત સિવાય ક્યારેય કોઈ જ્ઞાનમતનું ખંડન કર્યું નથી. કુડાપંથી, શક્તિપંથી, શુષ્કવેદાંતી અને નાસ્તિક આ ચારેય પાખંડ મતોનું ખંડન કરવામાં શ્રીજીમહારાજે અત્યંત કુશળતા દાખવી હતી. આનું એક દૃષ્ટાંત ગ. મ. 18મા વચનામૃતમાં જોવા મળે છે. એમાં નાસ્તિક મતનું ખંડન કરતા મહારાજ કહે છેઃ 'નાસ્તિક તો એમ સમજે છે કે રામચંદ્રજી ને શ્રીકૃષ્ણ ભગવાન એ તો રાજા હતા ને શ્રીકૃષ્ણે દૈત્ય માર્યા તથા પરસ્ત્રીના સંગ કીધા માટે ત્રીજા નરકમાં પડ્યા છે, એવી રીતે અધમ-ઉદ્ધારણ ને પતિતપાવન એવા શ્રીકૃષ્ણ ભગવાન તેને વિષે પરમેશ્વરની બુદ્ધિ જ નથી અને કર્મે કરીને પોતાનું કલ્યાણ માન્યું છે જે જ્યારે કર્મ કરતાં કરતાં કેવળ જ્ઞાન પ્રગટે ત્યારે તે ભગવાન થાય, એવી રીતે અનંત ભગવાન માન્યા છે પણ અનાદિ પરમેશ્વર નાસ્તિકને મતે કોઈ નથી જેને ભજવે કરીને જીવ ભવના બંધન થકી છૂટે, માટે એ મત છે તે અતિ ભૂંડો છે....'
તૃતીય શ્લોકમાં અખંડાનંદ બ્રહ્મચારી પોતાની આગવી છટાથી શ્રીહરિની પંચમ સૂરે સ્તુતિ કરતા ગાય છેઃ 'જેમના ચરણકમળનો આશ્રય કરવાથી મુક્તિ મળે છે, જન્મમરણના ભયથી પીડા પામેલા જીવોના જે બંધુ (આપ્તજન) છે, જે ધર્મયુક્ત ભક્તિમાર્ગના પુષ્ટિકર્તા છે, જેમને ભક્તો પ્રિય છે તથા જેમના ચરણારવિંદને જીવો, જગતના રાજાઓ, દેવો તેમ જ દેવાધિદેવો હંમેશાં સેવી રહ્યા છે એવા ભક્તિદેવીના પુત્ર શ્રીહરિ! હું આપને શરણે આવ્યો છું.'
સર્વોપરી શ્રીહરિ ભગવાન શ્રી સ્વામિનારાયણની નિર્વિકલ્પ શરણાગતિ માત્રથી જ જીવો મોક્ષ પદને પામે છે. શ્રીજીમહારાજે શિક્ષાપત્રીના 39મા શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છેઃ 'શ્રીકૃષ્ણ ભગવાનની જે ભક્તિ તે ધર્મે રહિત એવી કોઈ પ્રકારે ન કરવી.' આ નાનકડાં સૂત્રમાં શ્રીહરિએ નકારાત્મક વિધાન કર્યું છે. ભગવાનની ભક્તિ ધર્મેયુક્ત જ કરવી એમ ન કહેતા, ધર્મે રહિત ભક્તિ ન કરવી એમ કહીને પ્રભુએ ભક્તિમાર્ગના ભયસ્થાનો ભણી લાલબત્તી બતાવી છે. કારણ કે, ધર્મ વગરની ભક્તિ, ભક્તિ ન રહેતાં નર્યો આડંબર બની જાય છે. એવી ભક્તિ જીવનો શતમુખ વિનાશ નોતરે છે. વળી આ શ્લોકમાં કવિ શ્રીહરિ માટે એક વિશિષ્ટ વિશેષણ પ્રયોજે છે - भक्तप्रियम् । પ્રભુને પોતાના ભક્તો પ્રાણપ્રિય છે. ભગવાન અને ભક્ત વચ્ચે प्रीतियोगम् परस्परम् એ ન્યાયે પ્રગાઢ પ્રેમનો અતૂટ નાતો છે. ભક્તનો આ પ્રીતિયોગ જ્યારે એની પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે એ ભક્ત ભગવાનના સ્વરૂપમાં રસલીન બને છે. સારંગપુરના 11મા વચનામૃતમાં શ્રીજીમહારાજે લક્ષ્મીજીના દૃષ્ટાંત દ્વારા આ વાત સમજાવી છે.
હવે કવિ શ્રીહરિના વિવિધ દિવ્ય વિગ્રહોનું પ્રગલ્ભપણે ગુણગાન કરતા પ્રાર્થે છેઃ 'જે નારાયણ છે, જેમણે અતિ મનોહર બટુક બ્રહ્મચારીનો વેશ ધારણ કરેલો છે, જે નૈષ્ઠિકવ્રતનું આગ્રહપૂર્વક પ્રતિપાદન કરે છે, જેમના ગુણોના સંકીર્તનથી આધિ, વ્યાધિ અને ઉપાધિ ઇત્યાદિ ત્રિવિધ તાપનો નાશ થાય છે એવા ભક્તિદેવીના પુત્ર શ્રીહરિ! હું આપને શરણે આવ્યો છું.'
શાસ્ત્રમાં જીવો, ઇશ્વરો, મુક્તો અને અક્ષરબ્રહ્મ એ બધાના સમૂહને 'નાર' કહે છે, એમનું જે આશ્રયસ્થાન અર્થાત્ આધાર છે તે નારાયણ! શ્રીહરિને નૈષ્ઠિકવ્રત અત્યંત પ્રિય હતું. તેથી જ શિક્ષાપત્રી, ધર્મામૃત અને સત્સંગિજીવનમાં એનું અત્યંત આગ્રહપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પોતાના દૃષ્ટાંતરૂપ આચરણ દ્વારા આશ્રિત સત્સંગીઓને શીખવાડવા માટે શ્રીજીમહારાજે આજીવન અણિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું અનુસરણ કર્યું હતું. વનવિચરણ દરમ્યાન નીલકંઠ વર્ણીરૂપે શ્રીહરિએ પુલહાશ્રમમાં એક પગે ઊભા રહી કઠોર તપશ્ચર્યા કરી હતી. જ્યારે સૂર્યનારાયણે સાક્ષાત્ પ્રગટ થઈ વર માગવાનું કહ્યું, ત્યારે વર્ણીએ અખંડ અણિશુદ્ધ બ્રહ્મચર્ય વ્રતનું વરદાન માગ્યું. શ્રીજીમહારાજની આવી પ્રત્યેક માનુષી લીલા ભક્તજનોની શિક્ષા અને દીક્ષા એ બંને પ્રયોજનની સિદ્ધિને અર્થે જ હોય છે. શ્રીજીમહારાજના અપાર ગુણોનું સંકીર્તન ત્રિવિધ તાપ તેમ જ જન્મમરણ, કર્મપાશ અને વિષયાસક્તિની વાસના એ સર્વે ઉપાધિઓમાંથી મુક્તિ અપાવે છે.
પંચમ શ્લોકમાં બ્રહ્મચારી પ્રભુને પ્રાર્થતા કહે છેઃ 'જે અજન્મા છે છતાં પોતાના ભક્તજનોને જીવનમાં અત્યંત સુખ આપવા માટે તથા પોતાના ભક્તજનોના વિરોધી એવા દુષ્ટજનોનો નાશ કરવા માટે જેમણે ધર્મ-ભક્તિને ત્યાં જન્મ ધર્યો છે, વળી જે રમેશમ્ અર્થાત્ લક્ષ્મીપતિ નારાયણ છે એવા ભક્તિદેવીના પુત્ર શ્રીહરિ! હું આપને શરણે આવ્યો છું.' શ્રીહરિના જન્મ અને કર્મ દિવ્ય અને અલૌકિક હોવાથી એ અજન્મા કહેવાય છે. પ્રભુ પરમાત્મા પોતાના ભક્તજનોને સુખ આપવા માટે - લાડ લડાવવા માટે તથા તેમની દુષ્ટોથી રક્ષા કરવા માટે જ જન્મ લે છે. ધર્મનું સ્થાપન તો ધામમાં રહ્યા થકા પણ પોતાના ઐશ્વર્ય પ્રતાપે પ્રભુ કરી શકે છે. આ લોકમાં મનુષ્યરૂપે અવતરવાનો મુખ્ય હેતુ પોતાના પ્રાણપ્રિય ભક્તોનું રક્ષણ અને સુખ એ જ માત્ર છે. લક્ષ્મીજી ભગવાનના સર્વોત્કૃષ્ટ કક્ષાના સર્વોત્તમ ભક્તનું પ્રતિક છે. લક્ષ્મીજીના વિશે કવિ અનાદિમુક્ત કે જે ભગવાનના પરમ સાર્ધમ્યપણાને પામીને પ્રભુના સ્વરૂપમાં રસબસ થઈને રહે છે તેમનો ઉલ્લેખ કરવા માગે છે. ભક્તવત્સલ ભગવાનના દિવ્ય વ્યતિરેક સ્વરૂપમાં એમના પ્રગાઢ પ્રેમી અનાદિમુક્તો રસલીન થઈને સ્વામી સેવકભાવે રહે છે. પ્રેમલક્ષણા ભક્તિની આ પરાકાષ્ઠા છે.
શ્રીહરિના અપરંપાર મહિમાનું યશોગાન કરતા કવિ પ્રાર્થે છેઃ 'જેમનું મહિમાપૂર્ણ દર્શન, સ્મરણ, કીર્તન, વંદન તથા પૂજન કરવાથી અને જેમની કથા સાંભળવાથી પાપનો તત્કાળ નાશ થાય છે, એટલું જ નહિ જન્મ-મરણના બંધનમાંથી પણ છુટાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે એવા ભક્તિદેવીના પુત્ર શ્રીહરિ! હું આપને શરણે આવ્યો છું.'
ભગવાન શ્રી સ્વામિનારાયણનું દર્શન, સ્મરણ, કીર્તન, વંદન તેમ જ પૂજન સર્વદા સર્વથા આત્યંતિક કલ્યાણકારી છે. શ્રીજીમહારાજ ઘણીવાર સભામાં એમ કહેતા કે આ સત્સંગ તો એટલો દિવ્ય છે કે પથ્થર જેવા જડ જીવ પણ સત્સંગમાં પડ્યા રહે તો તેનું પણ કલ્યાણ થઈ જાય!
બ્રહ્મચારી મહારાજ શ્રીહરિનો મહિમા સમજાવતા વળી કહે છેઃ 'અંતરના શુદ્ધ નિષ્કામભાવથી જેમનો આશ્રય કરવાથી, જીવ અધમ હોય યા હીન હોય તો પણ દેવો જે સ્વરૂપ અને સ્થિતિ પામવા ઇચ્છે તે પામે છે, અને સર્વ વિઘ્નોને પાર કરીને સદાય માટે અક્ષરધામમાં જઈને વસે છે, એવા ભક્તિદેવીના પુત્ર શ્રીહરિ! હું આપને શરણે આવ્યો છું.'
સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત 'આજ મારે ઓરડે રે....' કીર્તનના અંતિમ પદમાં શ્રીજીમહારાજ પોતાના આશ્રિત ભક્તોને કહે છે -
'વળી સૌ સાંભળો રે, મારી વાર્તા પરમ અનુપ;
પરમ સિદ્ધાંત છે રે, સહુને હિતકારી સુખરૂપ.
સહુ હરિભક્તને રે, જાવું હોયે મારે ધામ;
તો મને સેવજો રે, તમે શુદ્ધ ભાવે થઈ નિષ્કામ.'
સર્વ વિષયોમાંથી વાસના તોડી એક શ્રીહરિમાં જ વૃત્તિ નિષ્કામભાવે જોડવામાં આવે તો જ હજૂરની સેવામાં રહેવાય છે.
શ્રીહરિનો મહિમા ગાતાં વળી કવિ પ્રાર્થે છેઃ 'શરણાગત આશ્રિતના પાપના મોટા સમૂહને જે ગણતા નથી એવા એ ગુણજ્ઞ છે, એટલું જ નહિ પણ શરણે આવેલાઓનો નાનો સરખો ગુણ હોય તો તેને પણ બહુ મોટો માનનારા છે એવા પરમ ઉદાર છે તથા જે દીનદુઃખીજનો ઉપર તત્કાળ અનુકંપા કરનારા છે એવા ભક્તિદેવીના પુત્ર શ્રીહરિ! હું આપને શરણે આવ્યો છું.'
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ સાક્ષી પૂરે છે કે શ્રીજીમહારાજે એમના શરણે આવેલા પાપના પર્વત જેવા મોટા મોટા ચોર, ડાકુ, લૂંટારા તથા કુછંદે ચડેલા કાઠી દરબારોને એમના સઘળા ગુનાઓ માફ કરી પોતાના પુણ્યપ્રભાવથી પુનિત-પવિત્ર કરી પરમ ભાગવત ભક્તો બનાવ્યા હતા. દાદાખાચરના કાકા જીવાખાચરે અસંખ્યવાર દાદાખાચર તથા શ્રીજીમહારાજનો દ્રોહ કરેલો, પરંતુ એકવાર શ્રીજીમહારાજને આંગળીએ ચપ્પુ વાગી ગયું ત્યારે જીવાખાચરે પોતાની બહુમૂલ્ય જરકશી પાઘને ફાડી તેનો પાટો પ્રભુની આંગળીએ બાંધ્યો હતો. આટલી નાની અમથી સેવાને કારણે શ્રીજીમહારાજે એમના અસંખ્ય ગુનાઓ માફ કરી એમનું આત્યંતિક કલ્યાણ કર્યું હતું.
પ્રાર્થના-સ્તોત્રના અંતિમ શ્લોકમાં અખંડનાનંદ બ્રહ્મચારી બે હાથ જોડી યાચના કરતા કહે છેઃ 'હે ભગવન્! સંસાર સાગરમાં જે ડૂબેલા છે તે તો પોતાના પાપકર્મના કારણે પોતાના પ્રારબ્ધ કર્મોનું ફળ ભોગવે છે, વળી એ ટૂંકી બુદ્ધિવાળા હોવાથી પોતાનું હિત શેમાં છે તે સમજી શકતા નથી. પ્રભુ, હું પણ એવો જ છું. માટે કૃપા કરીને જીવોની કરણી સામે ન જોતાં એમના ઉપર કૃપાદૃષ્ટિ દાખવવાનું તમારું જે બિરુદ છે - વચન છે તેનો વિચાર કરીને મારો ભવસાગરમાંથી ઉદ્ધાર કરજો. તમે ભીડભંજન છો, મારી પાસે તમારે ચરણે ધરવા જેવું બીજું કંઈ જ નથી તેથી હું તમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરું છું.'
સદગુરુ અખંડાનંદ વર્ણી તો શ્રીહરિના પરમ કૃપાપાત્ર અનાદિમુક્ત હતા, પરંતુ શ્રીજીમહારાજના ચરણોમાં નિર્વિકલ્પ શરણાગતની યાચના કેવી હોવી જોઈએ તે આપણને સમજાવવા માટે આવા અભૂતપૂર્વ પ્રાર્થના - સ્તોત્રની રચના કરીને મુમુક્ષુઓને મનનીય પ્રેરણા પૂરી પાડે છે.