૯. આધ્યાત્મિક સ્તરોની રૂપરેખા
(1) શ્રીજીમહારાજ:
અક્ષરધામમાં અનંત કોટી મુક્તે સેવ્યા એવા પુરુષોત્તમનારાયણ તે સદાય મૂર્તિમાન વિરાજમાન છે. શ્રીજીમહારાજ તે ધામના કારણ છે. શ્રી પુરુષોત્તમનારાયણ એક જ ભગવાન છે, તેમની જોડ નથી અને એના જેવો કોઈ થાય એમ નથી. આ તો અનંતકોટી મૂળઅક્ષરોરૂપી બ્રહ્માંડના ઉપરી મહારાજાધિરાજ છે. શ્રીકૃષ્ણ, નરનારાયણ, વાસુદેવબ્રહ્મ અને મૂળઅક્ષર તથા શ્રીજીમહારાજ એ સર્વેને ભજને કરીને ઊર્ધ્વરેતા થાય છે અને જન્મ-મરણથી રહિત પણ થાય છે, પણ સર્વોપરી એવું આત્યંતિક કલ્યાણ તે તો શ્રીજીમહારાજના ભજને કરીને જ થાય છે. શ્રીજીમહારાજ જીવકોટી, ઈશ્વરકોટી, બ્રહ્મકોટી તથા મૂળઅક્ષર કોટીથી પર છે, ને સદા સાકાર મૂર્તિ છે ને એ સર્વેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે, અને તે સર્વેમાં અંતર્યામીપણે રહ્યા થકા પણ અતિશે નિર્લેપ, અસંગી, સ્વરાટ, સ્વયંપ્રકાશ, સ્વતંત્ર, સર્વકર્તા, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વત્ર વ્યાપક, સનાતન ને નિર્વિકાર છે ને એ સર્વેને અગમ્ય છે ને મૂળઅક્ષરાદિક કોઈ પણ શ્રીજીમહારાજનો મહિમા જાણી શકતા નથી. ને મૂળઅક્ષરાદિક અનંત કોટીઓના સુખ મળીને શ્રીજીમહારાજના એક રોમના કોટિમાં ભાગના પાસંગમાં પણ આવતા નથી. ને મૂળઅક્ષરકોટીથી પર પોતાના ધામમાં પોતાના સાર્ધમ્યપણાને પરમએકાંતિક મુક્ત તથા પોતાની મૂર્તિમાં રહેલા અનાદિમુક્ત જે સદાય ભેળા રહ્યા છે તે પણ જેના મહિમાનો તથા સુખનો પાર પામી શકતા નથી. અને એ સર્વે મુક્ત તથા મૂળઅક્ષરાદિક સર્વે અવતાર તે સર્વે જેની આજ્ઞામાં વર્તે છે, એવા સર્વોપરી ઉપાસ્યમૂર્તિ શ્રીજીમહારાજ છે.
(2) મુક્તો:
કોટાનકોટી મૂર્તિમાન અક્ષરોથી પર શ્રી સ્વામિનારાયણ ભગવાનના તેજરૂપ અક્ષરધામમાં અનંત પરમ એકાંતિકમુક્તો શ્રીજીમહારાજ સન્મુખ રહ્યા છે, તથા શ્રીજીમહારાજની મૂર્તિમાં અનંત અનાદિમુક્તો રહ્યા છે. આ અનાદિમુક્તો તથા પરમ એકાંતિકમુક્તો સદા સાકાર મૂર્તિમાન છે. ચાલોચાલ ભક્તોમાં ભગવાન અંદર પડદે રહે છે. એકાંતિકમાં વ્યતિરેક સ્વરૂપે એટલે મૂર્તિમાન રહ્યા છે. જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભકિત કરતો હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. શ્રીજીના મુકતોને માથે કાંઈ ક્રિયા નથી; ફક્ત મોક્ષ કરવાની ક્રિયા છે, અને તેઓ શ્રીજીમહારાજ પાસે લઈ જાય છે. મુક્ત સેવામાં અખંડ રહ્યા છે અને મુકત શ્રીજીમહારાજના દાસ છે અને શ્રીજીમહારાજ તેમના સ્વામી છે. તે સેવક (મુક્ત)ના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો તો મહિમા કેમ કહેવાય!
(3) અક્ષરધામ:
શ્રીજીમહારાજના પ્રકાશરૂપ અક્ષરધામની કિરણ કિરણ પ્રત્યે કોટાનકોટી મૂળઅક્ષરોની કોટીઓ તથા બ્રહ્મકોટીઓ તથા મૂળપુરુષરૂપ ઈશ્વરોની કોટીઓ તથા સર્વે બ્રહ્માંડ રહ્યા છે. અક્ષરધામની કિરણોમાં મૂળઅક્ષરોની અનંત કોટીઓ રહી છે. અને અક્ષરધામ તો એ કોટીઓનું આધાર, અંતર્યામી, પ્રેરક અને નિયંતા છે. તે અક્ષરધામ તો અત્યંત મોટું છે અને તેની એક કિરણમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઊડતાં જ ફરે છે. અને તે અક્ષરધામ તે શ્રીજીમહારાજનું તેજ છે. એ તેજ મૂર્તિનું કાર્ય છે પણ મૂર્તિથી જુદી વસ્તુ નથી માટે સ્વામી સેવકભાવ નથી, પણ કાર્ય-કારણભાવ ને શરીર-શરીરીભાવ છે. તે અક્ષરના બે સ્વરૂપ છે: એક તો નિરાકાર એકરસ ચૈતન્ય તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમોહોલ કહીએ. તે તેજરૂપ અક્ષરધામ તે મૂર્તિમાન મૂળઅક્ષરનું શરીરી, વ્યાપક, દૃષ્ટા, આત્મા ને આધાર છે. તે મૂળઅક્ષરમાં અંતર્યામીપણે રહીને તે મૂળઅક્ષર દ્વારે સર્વેની ઉત્પત્યાદિક કરાવે છે. તે મૂર્તિમાન મૂળઅક્ષર તે આ તેજરૂપ અક્ષરધામનું બીજું રૂપ, અને સર્વેની ઉત્પત્તિ કરવી એ સેવા કહી છે. શ્રીજીમહારાજના તેજને આધારે મૂળઅક્ષરની કોટીઓ રહી છે તે શ્રીજીમહારાજના તેજનું સગુણપણું એટલે અપારપણું છે. અને એનું એ તેજ મૂળઅક્ષરની કોટીઓને વિશે અંતર્યામીપણે વ્યાપક છે તે શ્રીજીમહારાજના તેજનું નિર્ગુણપણું એટલે સૂક્ષ્મપણું છે. અને શ્રીજીમહારાજ તો એ પોતાના તેજથી પર છે. ને એ તેજના પણ આધાર છે ને સદા મૂર્તિમાન છે તેમને તો સગુણ-નિર્ગુણ કહેવાય જ નહિ. શ્રીજીમહારાજ મૂળઅક્ષરાદિક સર્વેમાં તેજદ્વારે અન્વયપણે રહીને પ્રેરણા કરે છે.
(4) મૂળઅક્ષર અને તેમના મુક્તો:
મૂળઅક્ષર કહો કે અક્ષર કહો તે એક જ છે ને એની કોટીઓ છે અને અક્ષરધામની કિરણોમાં એમની અનંતકોટીઓ છે. મૂળઅક્ષર સુધીના બધા અન્વય સ્વરૂપમાંથી થયા છે. મૂળઅક્ષર તથા તેમના મુક્તો સાકાર છે. શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે તે મૂર્તિમાન મૂળઅક્ષરનું શરીરી, વ્યાપક, દૃષ્ટા, આત્મા ને આધાર છે. અને ઉત્પત્યાદિક ક્રિયા કરવી તથા કર્મફળ આપવા તે શ્રીજીમહારાજે પોતાના તેજદ્વારે મૂળઅક્ષરોને પ્રેરણા કરી છે તે સર્વે ક્રિયા મૂળઅક્ષરોએ વાસુદેવબ્રહ્મને સોંપી છે. કોટાનકોટી વાસુદેવબ્રહ્મ તે એક મૂર્તિમાન અક્ષરના તાબામાં છે. અક્ષરના તેજને આધારે બ્રહ્મની કોટીઓ રહી છે તે અક્ષરના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ તે બ્રહ્મની કોટીઓને વિશે વ્યાપક છે તે અક્ષરના તેજનું નિર્ગુણપણું છે. માયા સુધી જંગમ એટલે ચળ વિશ્વ અને મૂળપુરુષથી લઈને બ્રહ્મકોટી તથા મૂળઅક્ષરના મુક્તો ત્યાં સુધી સ્થાવર એટલે અચળ વિશ્વ, એ બેય વિશ્વ મૂર્તિમાન મૂળઅક્ષર જે અનિરુદ્ધ (દિવ્ય) તેના તેજને વિશે સાવકાશે રહ્યા છે. મૂળઅક્ષરોના મુક્તોને માથે કાંઈ પણ ક્રિયા નથી; માત્ર મોક્ષ કરવાની ક્રિયા છે. ને એમને પોતાના શિષ્ય પણ નથી. એ તો અક્ષર જે પોતાના સ્વામી તેનું સુખ લે છે, અને એ મુક્ત નિષ્કામ છે તે જીવોને અક્ષર સમીપે લઈ જાય છે.
(5) વાસુદેવબ્રહ્મ તથા તેમના ધામો ને મુક્તોથી મૂળમાયા પર્યંત:
વાસુદેવની અનંત કોટીઓ અક્ષરના તેજને આધારે રહી છે. વાસુદેવના નિષ્કામ મુક્ત નરનારાયણ છે, અને વાસુદેવ તથા નરનારાયણ તે બેય જીવોનો મોક્ષ કરે છે. તેમાં વાસુદેવબ્રહ્મ પોતાના ધામમાં રહ્યા થકા શ્વેતદ્વીપમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાને સમીપે લઈ જાય છે. અને નરનારાયણ છે તે પણ બ્રહ્મપુરમાં રહ્યા થકા બદરિકાશ્રમમાં દર્શન આપીને ત્યાંના મુક્તોને બ્રહ્મપુરમાં પોતાના સ્વામી જે વાસુદેવબ્રહ્મ તેમની સમીપે લઈ જાય છે પણ પોતાના શિષ્ય કરતા નથી. અને મહાકાળ છે તેમને વાસુદેવબ્રહ્મે મહાપ્રલય કરવાનું કામ સોંપ્યું છે, તે વાસુદેવબ્રહ્મની સમીપે રહ્યા થકા તે કામ કરે છે; તેમને પણ પોતાના શિષ્ય જુદા નથી. અને મૂળપુરુષને સૃષ્ટિ કરવાનું કામ સોંપ્યું છે. તે સૃષ્ટિ સમયને વિશે મૂળમાયા સાથે જોડાય છે, ત્યારે ગોલોક ધામ રચે છે, ને ત્યાં રહે છે ને તે થકી અનંત પ્રધાનપુરુષ થાય છે. મૂળપુરુષને પોતાના પાર્ષદો જુદા છે. જ્યારે મહાપ્રલય થાય છે ત્યારે તે મૂળપુરુષો બ્રહ્મપુરમાં વાસુદેવબ્રહ્મના તેજમાં પોતાના પાર્ષદોએ સહિત રહે છે. તે પાર્ષદો પોતાના સ્વામી જે મૂળપુરુષ તેને દેખે પણ મહાકાળ, નરનારાયણ ને વાસુદેવ તેમને દેખે નહિ. એ જ વાસુદેવ પોતે બ્રહ્મપુરમાં રહ્યા થકા નિરન્નમુક્તોને શ્વેતદ્વીપમાં પાંચ વખત દર્શન આપે છે. વાસુદેવબ્રહ્મ છે તે માયામાંથી જીવોને કાઢીને પોતાનું બ્રહ્મપુર ધામ ત્યાં પોતાની સમીપે લઈ જઈને પોતાનું સુખ આપે છે માટે પ્રદ્યુમ્ન (દિવ્ય) કહેવાય છે. વાસુદેવબ્રહ્મના તેજને આધારે મૂળપુરુષ ઈશ્વરરૂપી કોટીઓ રહી છે તે બ્રહ્મના તેજનું સગુણપણું છે અને એનું એ તેજ અંતર્યામીપણે મૂળપુરુષરૂપી કોટીઓમાં વ્યાપક છે તે બ્રહ્મના તેજનું નિર્ગુણપણું છે.
મહાકાળ: મહાકાળ છે તે આત્યંતિક પ્રલયને સમયે મૂળપુરુષ જે ઈશ્વર અથવા કૃષ્ણ તેના કાર્યનો નાશ કરે છે માટે સંકર્ષણ (દિવ્ય) કહેવાય છે. તે ગુણસામ્ય અને નિર્વિશેષ એવી જે માયા તેનો ક્ષોભ કરે છે એટલે કે પુરુષ સાથે જોડાવાને અર્થે સચેતન કરે છે.
મૂળપુરુષ: મૂળપુરુષ પ્રકૃતિના નિયંતા ને પ્રકૃતિ થકી વિજાતિ,ને અખંડ ને અનાદિ, ને અનંત, સત્ય, સ્વયંજ્યોતિ, સર્વજ્ઞ, દિવ્યવિગ્રહ. સમગ્ર આકાર માત્રની પ્રવૃત્તિના કારણ અને ક્ષેત્રજ્ઞ છે. અષ્ટાવરણે વેષ્ટિત એવા જે બ્રહ્માંડ તે મૂળપુરુષના તેજના આધારે રહ્યા છે તે મૂળપુરુષનાતેજનું સગુણપણું છે ને એનું એ તેજ પ્રધાનપુરુષાદિક સર્વે જીવને વિશે અંતર્યામીપણે રહ્યું છે તે મૂળપુરુષના તેજનું નિર્ગુણપણું છે. પુરુષ-પ્રકૃતિની સંકોચ-વિકાસ અવસ્થાહોય છે.
મૂળમાયા: તે ત્રિગુણાત્મક, જડચિદાત્મક, નિત્ય, નિર્વિશેષ મહદાદિક સમગ્ર તત્ત્વ ને જીવમાત્ર તેનું ક્ષેત્ર છે, ભગવાનની શક્તિ છે ને ગુણસામ્ય છે.
(6) પ્રધાનપુરુષથી ચોવીશ તત્ત્વો પર્યંત:
પ્રધાનપુરુષ:તેને ભૂમાપુરુષ કે મહાવિષ્ણુ પણ કહે છે. આ પૃથ્વીના ગોળાની અંદર અડતાલીશ કરોડ યોજન અવકાશ છે. તે અવકાશમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર છે, તેના ફરતો લોકાલોક પર્વત છે. તે લોકાલોકને ફરતું અંધકાર છે. તે અંધકારના ફરતું આ પૃથ્વીના ગોળાનું દળ એક કરોડ યોજન જાડું છે. તે દળની ને અંધકારનીવચમાં ભૂમાપુરુષ પોતાના સાધનિક પાર્ષદો સહિત રહે છે, તે ધામને અવ્યાકૃત ધામ કહે છે. પૃથ્વીના દળના ફરતાં જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર ને મહતત્ત્વના આવરણ છે, તેનાથી પર પ્રધાનપુરુષનું આવરણ છે. ત્યાં પ્રધાનપુરુષનું ધામ છે. ત્યાં રહ્યા થકા અવ્યાકૃત ધામમાં દર્શન દે છે.
મહતત્ત્વ: ચિત્તને ને મહતત્ત્વને અભેદપણે જાણવું અને જે મહતત્ત્વને વિશે સૂક્ષ્મરૂપે કરીને સમગ્ર જગત રહ્યું છે, ને પોતે નિર્વિકાર છે, ને પ્રકાશમાન છે, ને સ્વચ્છ છે, શુદ્ધ સત્ત્વમય છે, ને શાંત છે.
અહંકાર: ત્રિગુણાત્મક છે અને ભૂત, માત્રા નેઇંદ્રિયો, અંત:કરણ ને દેવતા ને પ્રાણ એ સર્વેની ઉત્પત્તિનું કારણ છે, ને એને વિશે શાંતપણું છે, ને ઘોરપણું છે, ને વિમૂઢપણું છે.
મન: સ્ત્રીઆદિક પદાર્થની સમગ્ર કામના તેની ઉત્પત્તિનું ક્ષેત્ર છે ને સંકલ્પ-વિકલ્પરૂપ છે અને સમગ્ર ઇંદ્રિયોનુંનિયંતા છે.
બુદ્ધિ: બુદ્ધિને વિશે પદાર્થ માત્રનું જ્ઞાન રહ્યું છે અને સમગ્ર ઇંદ્રિયોને વિશે જે વિશેષ જ્ઞાન છે તે બુદ્ધિ વતેછે. અને તે બુદ્ધિને વિશે સંશય, નિશ્ચય, નિદ્રા ને સ્મૃતિ રહ્યા છે.
પંચપ્રાણ: ઉદાન, વ્યાન, સમાન, અપાન અને પ્રાણ. સર્વે પ્રાણો પ્રાણીઓના દેહોમાં નાભિની મધ્યમાં રહેલા છે અને તે નાભિસ્થાનથી જ તે પ્રાણો તિર્યક, ઉર્ધ્વ અને અધોગતિ કરે છે. નાભિથી ઉર્ધ્વ રહેલો પ્રાણ શરીરનું પાલન કરતો થકો મસ્તક અને મસ્તકમાં રહેલા અગ્નિમાં વ્યાપેલો છે. નાભિથી નીચે અપાન વાયુ છે તે જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. અપાન અને પ્રાણના મધ્યે જઠરાનલ છે. વ્યાન નામનો પ્રાણ શરીરને ચેષ્ટિત કરતો થકો સર્વ સંધિઓમાં મર્મ સ્થાનમાં રહે છે. બલ, કર્મ અને પ્રયત્નાત્મક ઉદાન વાયુ કંઠમાં રહેલો છે. યત્કિંચિત ખાધેલું અને પીધેલું તે સર્વે તે તે માર્ગને સારી રીતે પમાડનારો અને કોશોના અગ્નિને ઉદ્દીપન કરનારો સમાન નામક વાયુ નાભિમંડળમાં રહે છે.
દસ ઇંદ્રિયો: પોતપોતાના વિષયમાં પ્રવર્તવાનું લક્ષણ છે.
શબ્દ: અર્થમાત્રનો આશ્રય છે, વ્યવહાર માત્રનો કારણ છે; અને બોલનારાની જાતિ ને સ્વરૂપ તેનો જણાવનારો છે; ને આકાશને વિશે રહેવાપણું છે ને આકાશની માત્રા છે અને શ્રોત્ર ઇંદ્રિયે કરીને ગ્રહણ કર્યામાં આવે છે.
સ્પર્શ: વાયુની તન્માત્રા છે, અને કોમળપણું, કઠણપણું, શીતળપણું, ઉષ્ણપણું, ને ત્વચાએ કરીને ગ્રહણ કરવાપણું એ સ્પર્શનું સ્પર્શપણું છે.
રૂપ: પદાર્થમાત્રના આકારને જણાવી દેવાપણું, ને તે પદાર્થને વિશે ગૌણપણે રહેવાપણું, અને તે પદાર્થની રચનાએ કરીને પરિણામપણું, અને તેજ તત્ત્વનું તન્માત્રાપણું ને ચક્ષુ ઇંદ્રિયે કરીને ગ્રહણ કરવાપણંુ એ રૂપનું રૂપપણું છે.
રસ: મધુરપણું, તીખાપણું, કષાયલાપણું, કડવાપણું, ખાટાપણું, ખારાપણું ને જળનું તન્માત્રાપણું ને રસના ઇંદ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ રસનું રસપણું છે.
ગંધ: સુગંધપણું, દુર્ગંધપણું ને પૃથ્વીનું તન્માત્રાપણું ને ઘ્રાણ ઇંદ્રિયે કરીને ગ્રહણ કરવાપણું એ ગંધનું ગંધપણું છે.
પૃથ્વી: સર્વે જીવમાત્રને ધારવાપણું ને લોકરૂપે કરીને સ્થાનપણું, ને આકાશાદિક જે ચાર ભૂત તેનું વિભાગ કરવાપણું, ને સમગ્ર ભૂતપ્રાણીમાત્રના શરીરનું પ્રગટ કરવાપણું એ પૃથ્વીનું લક્ષણ છે.
જળ: પૃથ્વી આદિક દ્રવ્યનું પિંડીકરણ કરવાપણું, ને પદાર્થને કોમળ કરવાપણું ને ભીનું કરવાપણું, તૃપ્તિ કરવાપણું ને પ્રાણીમાત્રને જીવાડવાપણું ને તૃષાની નિવૃત્તિ પમાડવાપણું ને તાપ ટાળવાપણું ને બહુપણું એ જળનું લક્ષણ.
તેજ: પ્રકાશપણું ને અન્નાદિકને પચવી નાખવાપણું ને રસને ગ્રહણ કરવાપણું ને કાષ્ઠનું ને હુતદ્રવ્યાદિકનું ગ્રહણ, ને ટાઢ્યને હરવાપણું ને શોષણ કરવાપણું ને ક્ષુધા ને તૃષા એ તેજનું લક્ષણ છે.
વાયુ: વૃક્ષાદિકને કંપાવવાપણું, ને તૃણાદિકને ભેળા કરવાપણું ને શબ્દ , સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચવિષય તેને શ્રોત્રાદિક પંચઇંદ્રિયો પ્રત્યે પમાડવાપણું ને સર્વે ઇંદ્રિયોનું આત્માપણું એ વાયુનું લક્ષણ છે.
આકાશ: સમગ્ર જીવમાત્રને અવકાશ દેવાપણું ને ભૂત પ્રાણી માત્રનો જે દેહનો માંહીલો વ્યવહાર, ને દેહને બહારનો વ્યવહાર તેનું કારણપણું, ને પ્રાણ, ઇંદ્રિયો, અંત:કરણ ને જીવ એ સર્વેનું સ્થાનકપણું એ આકાશનું લક્ષણ છે.
(7). વૈરાજપુરુષથી જીવો પર્યંત:
વૈરાજપુરુષ: ક્ષીરસાગરને વિશે શેષશય્યા પર જળાર્ણવમાં વૈરાજપુરુષ સૂતેલા છે, તેમની નાભિમાંથી પદ્મ (કમળ) થયું તેમાં બ્રહ્મા ઉત્પન્ન થયા ને તે પદ્મમાં બ્રહ્માએ ચૌદ લોકની રચના કરી છે, જેને પાદ્મકલ્પ કહે છે ને બ્રહ્માએ અંગથકી સૃષ્ટિ કરી તે બ્રાહ્મકલ્પ કહેવાય છે. વૈરાજપુરુષની નાભિમાં થયું જે કમળ તેના નાળમાં બ્રહ્મા દેવતાનાં સો વર્ષ લગી ચાલ્યા પણ અંત ન આવ્યો. ને કમળનો અંત ન આવ્યો તો વૈરાજપુરુષનો પાર કેમ આવે? તે વૈરાજ અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણની ઉપાસના કરે છે. તેમના થકી તે ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરવાની સામર્થી પામીને બ્રહ્મા પાસે ઉત્પત્તિ, વિષ્ણુ પાસે સ્થિતિ અને શિવ પાસે પ્રલય કરાવે છે તે ક્રિયાના અભિમાને કરીને વૈરાજપુરુષને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ નામે કહેવાય છે. પણ જેમ જીવના પોતાના વિશ્વ. તૈજસ ને પ્રાજ્ઞ નામ કહેવાય છે તેમ વૈરાજના પોતાના એ નામ નથી. વૈરાજના ત્રણ દેહ છે. જેને વિરાટ, સૂત્રાત્મા ને અવ્યાકૃત કહે છે. અધ્યાત્મ જે વૈરાજપુરુષના ઇંદ્રિયો, ને અધિભૂત જે તેના પંચમહાભૂત અને અધિદૈવ જે વિરાટના ઇંદ્રિયોના દેવતા તે સર્વેવિરાટને વિશે આવે પણ જ્યાં સુધી શ્રીજીમહારાજની અન્વય શક્તિ પ્રકૃતિપુરુષરૂપે થઈને વૈરાજપુરુષમાં પ્રવેશ નથી કરતી, ત્યાં સુધી તે ઊભા થઈ શકતા નથી. તે ભગવાન વૈરાજપુરુષના જે અધ્યાત્મ, અધિભૂત, ને અધિદૈવ તેને વિશે તદાત્મકપણે કરીને વર્તે છે ને સ્વરૂપે તો વિરાટ થકી ન્યારા છે.
બ્રહ્મા તથા બીજા દેવો: પ્રજાપતિ, બ્રહ્મા, વિષ્ણુ, શિવ તથા વૈરાજપુરુષ તે સર્વે દેવતા છે તે પૃથ્વીના આવરણની અંદર રહ્યા છે. તેમના કરતાં પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ પાંચભૂત છે તે વૈરાજની પર છે ને તેમના લોકમાં તે સર્વે મૂર્તિમાન છે ને તેમના સુખ અધિક છે. મેરુ પર ઘણીક શોભાએેયુક્ત બ્રહ્માદિકનાં સ્થાનક છે તથા લોકાલોકાચળને વિશે ઘણાક સ્થાનક છે તથા ઇંદ્ર, વરુણ, કુબેર, શિવ, બ્રહ્મા આદિના સ્થાનક છે.
24 અવતારો: દસ મુખ્ય અવતારો છે મત્સ્ય, કૂર્મ (કચ્છ), વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ છે. બીજાં ચૌદ અવતારો છે. બ્રહ્મા,નારદ, કપિલ, નરનારાયણ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભ,પૃથુ, ધન્વંતરી, મોહિની, વેદવ્યાસ, બલરામ, હંસ અને હયગ્રીવ.
જીવાત્મા: જીવને ત્રણ દેહ છે. સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. જીવાત્મા જેને વિશે રહીને વિષય ભોગને ભોગવે છે. તેને અવસ્થા કહીએ, તે અવસ્થા જાગ્રત, સ્વપ્ન ને સુષુપ્તિ એ ત્રણ પ્રકારની છે. તેમાં જાગ્રત અવસ્થા તે પ્રદ્યુમ્નની સ્થિતિ અવસ્થાનું કાર્ય છે ને સત્ત્વગુણાત્મક છે ને નેત્ર સ્થાનકને વિશે રહી છે, એવી જે જાગ્રત અવસ્થા તેને વિશે વિશ્વાભિમાની નામે જે આ જીવાત્મા તે જે તે સ્થૂળ દેહના અભિમાને સહિત થકો દસ ઇંદ્રિયો ને ચાર અંત:કરણે કરીને વિવેકે સહિત યથાર્થપણે પોતાના પૂર્વ કર્મને અનુસારે બાહ્ય શબ્દાદિક પંચવિષયના ભોગ ભોગવે છે. અને જે સ્વપ્ન અવસ્થા છે તે અનિરુદ્ધની જે ઉત્પત્તિ અવસ્થા તેનું કાર્ય છે ને રજોગુણાત્મક છે ને કંઠ સ્થાનકને વિશે રહી છે, એવી જે સ્વપ્ન અવસ્થા તેને વિશે તેજસાભિમાની નામે જે જીવાત્મા તે સૂક્ષ્મ દેહના અભિમાને સહિત રહ્યો થકો ઇંદ્રિયો-અંત:કરણે કરીને પૂર્વ કર્મને અનુસારે સુખદુ:ખરૂપ વાસનામય ભોગને ભોગવે છે તેને રજોગુણ પ્રધાન સ્વપ્ન અવસ્થા કહીએ. અને સુષુપ્તિ અવસ્થા છે તે સંકર્ષણની જે પ્રલય અવસ્થા તેનું કાર્ય છે ને તમોગુણાત્મક છે ને હૃદય સ્થાનકને વિશે રહી છે, એવી સુષુપ્તિ અવસ્થા જ્યારે એ જીવને આવે છે ત્યારે ઇંદ્રિયો-અંત:કરણની જે વૃત્તિઓ તથા વિષયભોગની વાસના તથા જ્ઞાતાપણું ને કર્તાપણું એ સર્વે કારણદેહને વિશે લીન થઈ જાય છે અને તે કારણદેહનો અભિમાની જે પ્રાજ્ઞ નામે જીવાત્મા તેનું માયા સબળિતબ્રહ્મ (પ્રધાનપુરુષ)ના સુખ લેશને વિશે અતિશે લીનપણું થઈ જાય છે. તેને તમોગુણ પ્રધાન સુષુપ્તિ અવસ્થા કહીએ.
ભરતખંડ (ચિત્ર-7): ભરતખંડમાં તેર દેશ છે તે અનાર્ય કહેતા કઠોર છે- બંગાળ (1), નેપાળ (2), ભૂટ (3), કામાક્ષી (4), સિંઘ (5), કાબુલ (6), લાહોર (7), મુલતાન (8), ઈરાન (9), અસતંબોલ (10), અરબાન (11), સ્વાલ (12), અને પિલવિલામ (13) એ તેર દેશ મલિન છે. તેમાં જે મનુષ્ય દેહ પામે તેને મોક્ષના દાતા એવા જે સદગુરુ તેનો જોગ મેળવો ને મોક્ષના ધર્મને સમજવું તે ઘણું કઠણ છે. હવે બીજા સાડા બાર દેશ છે તે આર્ય કહેતાં ઉત્તમ છે. પૂર્વ (1), વ્રજ (2), માલવ (3), મારુ (4), પંજાબ (5), ગુજરાત (6), દક્ષિણ (7), મલબાર (8), તિલંગ (9), દ્રાવીડ (10), બારમલાર (11), સોરઠ (12), અને અર્ધો કચ્છ એ સાડાબાર દેશ ઉત્તમ છે તેમાં સદગુરુ ને બ્રહ્મવેત્તા સંત તેમનું પ્રગટપણું ઘણું રહે છે અને મોક્ષનો માર્ગ જણાય એમ છે.
પ્રલય
1. નિત્ય પ્રલય:
વ્યાખ્યા 1: સદ્ગંથોના અનુસારે લખ્યું છે જે આપણા વર્ષ 666 છસોને છાસઠ ને માસ 8 આઠ જાય છે ત્યારે વિરાટ (બ્રહ્મા)નો એક લવ થાય છે. એવા 60 સાઠ લવનું એક નિમિષ તે આપણા વર્ષ 40000 ચાળીસ હજાર જાય ત્યારે વિરાટ (બ્રહ્મા)નું એક નિમિષ થાય. એવા સાઠ 60 નિમિષનું એક પળ તે આપણા વર્ષ 2400000 ચોવીસ લાખ જાય ત્યારે વિરાટ (બ્રહ્મા)નું એક પળ થાય. એવા 60 સાઠ પળની એક ઘડી તે આપણા વર્ષ 144000000 ચૌદ કરોડ ને ચાલીસ લાખ જાય ત્યારે વિરાટ (બ્રહ્મા)ની 1 એક ઘડી થાય છે. એવી 30 ત્રીસ ઘડીનો એક દિવસ તે આપણા વર્ષ 4320000000 ચાર અબજ ને બત્રીસ કરોડ થાય ત્યારે વિરાટ (બ્રહ્મા)નો એક દિવસ પૂરો થાય છે. તે ચાર જુગની એક ચોકડી 1728000 સત્તર લાખને અઠ્ઠાવીસ હજાર સતયુગ. 1296000 બાર લાખ છન્નુ હજાર ત્રેતાયુગ. 864000 આઠ લાખ ને ચોસઠ હજાર દ્વાપર. 432000 ચાર લાખને બત્રીસ હજાર કળિના. 4320000 ત્રેતાળીશ લાખને વીસ હજાર વર્ષ થાય ત્યારે એક 1 ચોકડી થાય. એવી વિરાટ (બ્રહ્મા)ના 1 એક દિવસમાં 1 હજાર ચોકડી યુગની થાય છે. તે વિરાટ (બહ્મા)ના 1 એક દિવસમાં 14 ચૌદ ઇંદ્ર તે તુલ્ય રાજ કરીને નાશ પામે છે. 1 એક મનુ ને 1 એક ઇંદ્ર આપણા વર્ષ 308571428 ત્રીસ કોટી ને પંચાશી લાખ ને ઈકોતેર હજાર ને ચારસો, અઠ્ઠાવીશ ને તે ઉપરાંત માસ 6 છો ને દિવસ 25 પચીસ, લવ 42 બેંતાળીશ, પળ 51 એકાવન, નિમિષ 25 પચીશ, લવ 42 બેંતાળીશ, ને ઉપરાંત 12 લવનો ચૌદમો ભાગ એટલું એક એક રહી ચૌદ ઇંદ્ર થઈ જાય છે. તે વિરાટ (બ્રહ્મા)ના લવ-નિમિષાદિક સર્વ દિવસમાં ઉપજીને નાશ થાય છે. તેનું નામ પ્રથમ નિત્ય પ્રલય કહેવાય છે. આમ પાતાળથી આરંભીને સ્વર્ગલોક પર્યંત દસ લોકમાં ઝીણા જંતુ, મનુષ્યાદિ, દૈત્ય, દેવ અને ઇંદ્ર સુધીના દેહનો ક્ષણ-ક્ષણ પ્રત્યે નાશ થાય છે તે નિત્ય પ્રલય કહેવાય. (નોંધ: ખગોળ-ભૂગોળમાંથી લીધેલ આ વ્યાખ્યામાં 'બ્રહ્મા'ને બદલે 'વિરાટ' વાપર્યું છે. કારણ કે બીજે બધે વિરાટ પુરુષના એક દિવસમાં 10 લોકમાં થતો દેહના નાશને જ નિત્ય પ્રલય કહ્યો છે. ઉપરાંત 4, 32, 00, 00,000 વર્ષનો દિવસ પણ વિરાટનો જ કહ્યો છે. સંદર્ભ મહારાજે પોતે- ગ.પ્ર. 12, બાપાશ્રીએ- રહસ્યાર્થ ઉત્તર 3 અ.નું. બીજું વચનામૃત, ગોપાળાનંદ સ્વામીની વાતો વાર્તા-511.
વ્યાખ્યા 2: વીર્યમાંથી દેહ બંધાય છે ને પછી ગર્ભ વૃદ્ધિને પામે છે ને પછી જન્મે છે, પૌંગડાવસ્થાને પામે છે, જુવાન થાય છે, વૃદ્ધાવસ્થાને પામે છે ને પછી મરી જાય છે. તથા સવારે ખાધું હોય ને સાંજે ક્ષુધા લાગે છે ને સાંજે ખાઈને સવારે ભૂખ્યો થાય છે. તથા પશુ-પક્ષી સર્વે ઉપજે છે ને નાશ થાય છે તથા કોઈકનું બાળે છે ને કોઈકને લઈ જાય છે તથા કોઈક ભાઈને, દીકરાને તથા બાપને મારી નાખે છે એ સર્વે નિત્ય પ્રલયનું દુ:ખ કહીએ.
2. નિમિત્ત/નૈમિત્તિક પ્રલય:
જ્યારે ર્મત્યલોકના ચાર અબજ બત્રીસ કરોડ વર્ષ થાય છે એટલે કે જ્યારે ચૌદ મનુ એકોતેર-એકોતેર ચોકડીનું રાજ્ય કરીને મરી જાય છે (14 મન્વંતર) ત્યારે વૈરાજપુરુષની સાંજ પડે છે, ત્યારે વૈરાજપુરુષ (બ્રહ્મા) સૂએ છે, ત્યારે સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રિલોકીનો નાશ થાય છે. તે જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે ને આપણા વર્ષ 8640000000 આઠ અબજ ને ચોસઠ કરોડ થાય ત્યારે વિરાટની (બ્રહ્માની) અહોરાત્રિ થઈને એક દિવસ થાય છે ને દિવસ-દિવસ પ્રત્યે નાશ થાય છે ને દિવસાંતરે પાછું કરે છે, ને તે નાશ થાય છે. જ્યારે ચૌદમો મનુ થઈ રહે છે ત્યારે સો વર્ષ સુધી અનાવૃષ્ટિ થાય છે ત્યારે મનુષ્ય, પશુ, પક્ષી, વૃક્ષ એ સર્વેનો નાશ થઈ જાય છે તથા નદીયુંનાં જળ પણ સૂકાઈ જાય છે ત્યારે પૃથ્વી માત્ર કાળા ઠીકરા જેવી રહે છે ને ત્યાર પછી 100 વર્ષ સુધી તો બાર સૂર્ય છે તે સોળ-સોળ કળાનો પ્રકાશ લઈને ઉગે છે. ને પૃથ્વીને બાળીને છાણની રાખ જેવી કરે છે. ને તે પછી શેષનાગના મુખમાંથી અગ્નિ નીકળે છે તે અગ્નિ દસ લોકને બાળીને ભસ્મ કરે છે ત્યારે મહર્લોક નિવાસી તે જનલોકમાં જાય છે. ને પછી સો વર્ષ સુધી હસ્તીની સૂંઢ જેવી છે ધારા જેની એવા જે સાંવર્તક નામના પ્રલયકાળના તેર મેઘ તે વરસે છે. ને ધ્રુવના તારા સુધી જળ ભરાઈ જાય છે. ત્યારે દસ લોકમાં રહ્યા જે ઇંદ્ર, ચંદ્ર, વરુણ, યમ, પ્રજાપતિ એ સર્વેના દેહ નાશ થઈ જાય છે ને એમના જીવ બ્રહ્માને વિશે લીન થાય છે. ત્યારે વૈરાજ તથા બ્રહ્મા, વિષ્ણુ, શિવની રાત્રિ પડે છે. ત્યારે તે સૂઈ જાય છે તેના ભેળા તપ તથા જન એ લોકમાં રહેનારા તે પણ સર્વે સૂઈ જાય છે. (ગોપાળાનંદ સ્વામીની વાતો વાર્તા-511 બીજા સર્વે બ્રહ્માને વિશે લીન થાય છે અને બ્રહ્મા વૈરાજની નાભિમાં લીન થાય છે.) આ રીતે નૈમિત્તિક પ્રલય થાય છે.
3. પ્રાકૃત પ્રલય:
8640000000 વર્ષના એક દિવસ-રાત્રિ એવા ત્રીસ દિવસનો વિરાટનો મહિનો એવા બાર મહિનાનું 1 વર્ષ એવા પચાસ વર્ષનું એક પરાર્ધ કહેવાય- એવા દ્વિપરાર્ધનું વૈરાટનું આયુષ્ય છે. આમ જ્યારે 36000 નિમિત્ત પ્રલય થાય છે, ત્યારે વૈરાજની 100 વર્ષની આયુષ્ય પૂરી થાય છે, ત્યારે તેનો દેહ નાશ પામે છે ત્યારે પ્રધાનપુરુષની સાંજ પડે છે, ત્યારે અષ્ટાવરણ ને ચૌદ લોકનો નાશ થાય છે. ત્યારે તો પ્રથમ કહ્યું છે તેમ સો વર્ષ સુધી અનાવૃષ્ટિ થાય છે. પછી સો વર્ષ સુધી બાર સૂર્ય તપે છે ને તે પછી સંકર્ષણના મુખમાંથી મહાઅગ્નિ પ્રગટે છે. ને તે ચૌદેય લોકને બાળીને છાણાની રાખ જેવા કરે છે ને તે પછી પ્રલયકાળના જે મેઘ તે 100 વર્ષ સુધી વરસે છે ત્યારે ચૌદેય લોકમાં જળ ભરાઈ જાય છે. ને ત્યારે જે પૃથ્વી અડાયા છાણાની રાખ જેવી હતી તે ઓગળીને ગંધે સહિત જળને વિશે લીન થાય છે. ને તે પછી જળ રસને વિશે લીન થાય છે. અને રસ, તેજ, રૂપ, વાયુ, સ્પર્શ, આકાશ, શબ્દ, તામસાહંકાર- રાજસાહંકાર-સાત્ત્વિકાહંકાર, મહતત્ત્વ (અનંત), પ્રધાનપ્રકૃતિ, પ્રધાનપુરુષ અને મૂળપ્રકૃતિ તે ઉત્તરોત્તર લીન થાય છે. તેને પ્રાકૃત પ્રલય કહીએ.
4. આત્યંતિક/ મહાપ્રલય:
અને પ્રધાનપુરુષનો જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે ને પ્રધાનપુરુષની આયુષ્યમાં 36000 પ્રાકૃત પ્રલય થાય છે ત્યારે પ્રધાનપુરુષ મૂળમાયાને વિશે લય પામે છે. એવા અનંત પ્રધાનપુરુષો માયામાં લીન થાય છે અને મૂળમાયા મૂળપુરુષને વિશે લીન થાય છે તેને મહાપ્રલય અથવા આત્યંતિક પ્રલય કહે છે. ત્યારે મૂળપુરુષ વાસુદેવબ્રહ્મના બ્રહ્મપુર ધામમાં વાસુદેવને સમીપે જઈ નિવાસ કરે છે. આવી રીતે મહાપ્રલય થાય છે.
5. જ્ઞાન પ્રલય:
મૂળપ્રકૃતિ પર્યંત તો બધું મિથ્યા છે તેને તો મિથ્યા કરવું જ પણ શ્રીજીમહારાજના સર્વોપરી જ્ઞાન દ્વારા મૂળપુરુષથી મૂળઅક્ષર પર્યંત જે અચળ સૃષ્ટિ તેને પણ મિથ્યા કરવી. ઉપરાંત સત્ય એવા જે ધામ, મુક્ત અને મૂર્તિ, તેમાં પણ મૂર્તિને મુખ્ય રાખવી. આમ જ્ઞાને કરીને બધું ખોટું કરીને શ્રીજીમહારાજના સ્વરૂપનો ધ્યાન-મનન દ્વારા આત્માને વિશે સાક્ષાત્કાર કરીને નિર્વિકલ્પપણે- આત્યંતિકપણે એક મહારાજની મૂર્તિમાં જ રસબસભાવે જોડાઈ જવું તે જ્ઞાન પ્રલય છે.
નોંધ : પ્રલય કાળને વિશે જે લીન થવાપણું તે એક વિશે (અનુક્રમે) અનંત લીન થાય છે, પરંતુ સ્પષ્ટપણે સમજાવવા માટે માત્ર એકની જ વાત કરી છે તેની નોંધ લેવી.
સંદર્ભગ્રંથો
i ગોપાળાનંદ સ્વામીની વાતો:
(1) જ્ઞાનની વાતો- વાર્તા 511
(2) પરિશિષ્ટ - પૃ.નં. 286-287, 291
ii સત્સંગીજીવન:
(1) પ્રકરણ-4- અધ્યાય 103-105, પૃ.નં. 606-637
(2) પ્રકરણ-5 - અધ્યાય 60-65, પૃ.નં. 356-384
iii શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ-1:
(1) વાર્તા 23- પૃ.નં.50-51
(2) વાર્તા 35- પૃ.નં. 67-70
(3) વાર્તા 94-95- પૃ.નં. 170-172
(4) વાર્તા 99- પૃ.નં. 180-182
(5) વાર્તા 162 - પૃ.નં. 294
(6) વાર્તા 171 - પૃ.નં. 319
(7) વાર્તા 182 - પૃ.નં. 341-342
(8) વાર્તા 183 - પૃ.નં. 342-343
(9) વાર્તા 195 - પૃ.નં. 373
(10) વાર્તા 211 - પૃ.નં. 424
(11) વાર્તા 220 - પૃ.નં. 446
iv શ્રી અબજીબાપાશ્રીની વાતો ભાગ-2:
(1) વાર્તા 3- પૃ.નં.17
(2) વાર્તા 121- પૃ.નં. 376
v વચનામૃતમ્:
(1) ગ. પ્ર. 1. રહ. ઉ.5 - પૃ.નં. 40
(2) ગ. પ્ર. 11 - પૃ.નં. 64
(3) ગ. પ્ર. 12. (આખું) - પૃ.નં. 65
(4) ગ. પ્ર. 13 (આખું) - પૃ.નં. 73-75
(5) ગ. પ્ર. 15 રહ. ઉ. 1 - પૃ.નં. 81
(6) ગ. પ્ર. 21 બા.7 - પૃ.નં. 96
(7) ગ. પ્ર. 21 રહ. ઉ.4 +6 - પૃ.નં. 98
(8) ગ. પ્ર. 33 રહ. ઉ.3 - પૃ.નં. 132
(9) ગ. પ્ર. 41 - પૃ.નં. 152-153
(10) ગ. પ્ર. 41 રહ. ઉ.1 - પૃ.નં. 154
(11) ગ. પ્ર. 45 રહ. ઉ.2 - પૃ.નં. 165-166
(12) ગ. પ્ર. 45 રહ. ઉ.2 - પૃ.નં. 169
(13) ગ. પ્ર. 46 (આખું) - પૃ.નં. 173
(14) ગ. પ્ર. 51 - પૃ.નં. 186
(15) ગ. પ્ર. 63 - પૃ.નં. 226-227
(16) ગ. પ્ર. 63 રહ. ઉ.6 - પૃ.નં. 230
(17) ગ. પ્ર. 64 રહ. ઉ.4 - પૃ.નં. 236
(18) ગ. પ્ર. 64 રહ. ઉ.5 - પૃ.નં. 238
(19) ગ. પ્ર. 66 રહ. A.1+2 - પૃ.નં. 245
(20) ગ. પ્ર. 73 રહ. ઉ.4 - પૃ.નં. 275
(21) સા. 1 રહ. ઉ.1 - પૃ.નં. 303
(22) સા. 6 - પૃ.નં. 317-318
(23) સા. 6 રહ. ઉ.1 - પૃ.નં. 320
(24) સા. 17 - પૃ.નં. 347-350
(25) કા. 1 - પૃ.નં. 359
(26) પં.2 (આખું) - પૃ.નં. 501-508
(27) પં. 3 - પૃ.નં. 513
(28) ગ.મ. 8 - પૃ.નં. 553
(29) ગ.મ. 10 બા.1 - પૃ.નં. 562
(30) ગ.મ. 31 (આખું) - પૃ.નં. 629
(31) ગ.મ. 64 બા.3 - પૃ.નં. 721
(32) વ. 5 પ્રશ્ન-1 - પૃ.નં. 749
(33) અ. 2 રહ. ઉ.3 - પૃ.નં. 794
(34) ભૂગોળ-ખગોળ (આખું) - પૃ.નં. 963