૧૨. કેટલીક વિરોધાભાસી બાબતોની સ્પષ્ટતા

(1) 'તેમ બ્રહ્મા, શિવ ને ઇંદ્રાદિક દેવ છે તે તો એ ભગવાનની આગળ જેવા સડતાળાના રાંક હોય ને પીપરની ટેટી બાફીને ખાતા હોય તે જેવા ગરીબ છે.' (વચ. પં.1)

ઉપર્યુક્ત વાક્યોમાં શ્રીજીમહારાજે બ્રહ્માદિક દેવોના સુખને પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના અતિઅધિક દિવ્ય સુખ પાસે ગૌણ ગણ્યું છે અને તે વાસ્તવિક પણ છે. બ્રહ્માદિક દેવો મૂળમાયાના આવરણની અંદર રહેલા દેવો છે. તેથી તેમને પુરુષોત્તમ નારાયણના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો સંબંધ નથી, પરંતુ પોતાની પાત્રતાની તારતમ્યતા પ્રમાણે ભગવાનના સર્વવ્યાપી, નિરાકાર તેજરૂપ અન્વય સ્વરૂપ સંબંધી ઐશ્વર્ય, સુખ, સાર્મથ્ય ભોગવે છે. તે સુખ ભગવાનના મૂર્તિમાન વ્યતિરેક સ્વરૂપના દિવ્ય સુખની તુલનામાં અત્યંત ગૌણ હોવાથી શ્રીજીમહારાજે તે દેવોના સુખની ન્યૂનતા અને ભગવાનના સુખની સર્વોત્કૃષ્ટતા દર્શાવવા સં. 1847ની સાલના ભયંકર દુકાળમાં જેમ ગરીબ લોકો પીપરની ટેટી બાફીને જીવન નિર્વાહ કરતા હતા તે અત્યંત ગરીબ સ્થિતિ ગણાય, એવી દુર્બળ સ્થિતિવાળા ગરીબો કરતાં જેમ શાહુકાર હોય તે અતિ સુખી ગણાય, તેવી જ રીતે ભગવાનના અલૌકિક દિવ્ય સુખ પાસે બ્રહ્માદિક દેવોના સુખ અત્યંત અલ્પ ને ન્યૂન છે. એ સુખની તુલનાત્મક સ્થિતિ દર્શાવવા શ્રીજીમહારાજે ઉપર્યુક્ત શબ્દો દૃષ્ટાંતરૂપે પ્રયોજ્યા છે, પરંતુ દેવોની નિંદાનો કોઈ જ આશય તેમાં નથી, તે બુદ્ધિમાન ને સુજ્ઞ વાચક સહેજે જ સમજી શકશે.

(2) 'જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું-ધોવું ને પવિત્રપણે રહેવું, તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીએ જ નહિ.' (વચ. ગઢડા પ્ર.25)

વર્ણ અને જ્ઞાતિ-જાતિના ભેદનો અર્થ વિશદ્ અર્થમાં સમજવો ઘટે. શ્રીજીમહારાજે કરેલા પંચવર્તમાનના નિયમોનું (દારુ, માટી, ચોરી, અવેરી, વટલવું નહિ ને વટલાવવું નહિ.) સૂક્ષ્મ રીતે પાલન કરે અને ધર્મ-નિયમે યુક્ત ને ભગવાનની આજ્ઞા પ્રમાણે શુદ્ધ આચરણ જેનું હોય તે ઉંચા વર્ણનો ગણાય અને તે નિયમોથી વિરુદ્ધ અશુદ્ધપણે જે આચરણ કરે તે નીચા વર્ણનો અર્થાત્ શુદ્ર છે. જન્મે શુદ્ર હોય ને આચરણ શ્રેષ્ઠ હોય તો તે જ સાચો બ્રાહ્મણ છે, ને જન્મે બ્રાહ્મણ હોય પણ આચાર તથા વિચાર અશુદ્ધ- અપવિત્ર હાય તે શુદ્ર જ છે. માટે પંચવર્તમાનના નિયમોના પાલનમાં શિથિલ અને અપવિત્ર-અશુદ્ધ આચરણવાળાના ઘરનું પાણી ન પીવું એમ શ્રીહરિના કહેવાનું તાત્પર્ય છે, કારણ કે અપવિત્ર આચરણવાળાના હાથનું પાણી કે અન્ય વસ્તુ ગ્રહણ કરવાથી અંત:કરણ મલિન થાય છે. અપવિત્ર આચાર-વિચારવાળાના સૂક્ષ્મ આંદોલનોની સૂક્ષ્મ અસર અંત:કરણ ઉપર થતી હોય છે એ કારણથી જ તેવા પ્રકારના મનુષ્ય પાસેથી કાંઈ પણ ગ્રહણ કરવાનો શાસ્ત્રોમાં નિષેધ કરવામાં આવ્યો છે.

નોંધ: વધુ સ્પષ્ટતા માટે, સ્વા. ડિ. મિશન દ્વારા પ્રકાશિત 'પંચવર્તમાન' પુસ્તક વાંચવું.

(3) 'અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને ॥ अहं ब्रह्मास्मि ॥ થઈ બેસે છે ને કહે છે જે, રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહેરી છે એવા જે બ્રહ્મકુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહા પાપી છે અને મરીને નરકમાં પડે છે તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી. (વચ. લો.7)

'વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે... વિધિનિષેધને ખોટા કરે છે તે તો નારકી થાય છે.' (વચ. ગ. પ્ર. 42)

'એક તો નાસ્તિકનો ને બીજો (શુષ્ક) વેદાંતીનો એ બે અતિ કુસંગ છે.' ને સત્પુરુષનો જે સંગ તેથી કોઈ મોટું પુણ્ય નથી તેમ ચાંડાળ એવા શુષ્ક વેદાંતી તેના સંગથી કોઈ મોટું પાપ નથી.' (વચ. ગ. મ. 18)

'અમે વેદાંત શાસ્ત્રનો મત જાણવા સારું વેદાંત શાસ્ત્રનું શ્રવણ કર્યું.... તે વેદાંતીના વચનને જે સાંભળે તેની બુદ્ધિ અતિશે ભ્રષ્ટ થઈ જાય છે...' (વચ. ગ. મ. 19)

'ભગવાનમાંથી બે પ્રકારે જીવ પડે છે. એક તો (શુષ્ક) વેદાંતના ગ્રંથને સાંભળીને બીજા આકારને ખોટા કરે તેમ શ્રીકૃષ્ણાદિક જે ભગવાનના આકાર તેને પણ ખોટા કરે એ વેદાંતીને અતિ પાપી જાણવા. (વચ. ગ. છે. 28)

'અને એ સાધનને વિશે મોટું વિઘ્ન એ છે કે શુષ્ક વેદાંતીનો સંગ કરવો... ને ભગવાનની ભક્તિમાર્ગમાં એવું મોટું કોઈ વિઘ્ન નથી. (વચ. ગ. છે. 36)

ઉપર્યુક્ત વચનામૃતોમાં શ્રીજીમહારાજે શુષ્ક વેદાંત શાસ્ત્ર તથા શુષ્ક વેદાંતી ઉપર સખત આકરા પ્રહારો કર્યા છે, કારણ કે તેને લઈને વ્યક્તિમાં શુષ્કતા અને તામસ-પ્રકૃતિ વધવાથી નિરસતા અને જડતા આવી જાય છે. જ્ઞાનની અવળી સમજણને લઈને પ્રભુ પ્રત્યેના પરાપ્રેમ-પરાભક્તિમાં શુષ્કતા આવી જાય છે. તામસ- અહંકારની વૃદ્ધિ થાય છે, તેથી ભગવાનની દૃઢ ઉપાસના ને ભક્તિ વગર આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી. તેથી આત્યંતિક કલ્યાણ પણ થતું નથી. શ્રીજીમહારાજે એવા વેદાંતીઓ ઉપર પ્રહારો કર્યા છે કે જેઓ, પોતાની બ્રહ્મરૂપ સ્થિતિ થઈ ન હોય તેમ છતાં, બધું બ્રહ્મ જ છે અને આપણે કંઈ પણ સારું- ખરાબ યોગ્ય-અયોગ્ય કરીએ તેમાં કોઈ બાધ જ નથી. વિધિનિષેધો જે શાસ્ત્રોમાં કહેલાં છે તે મિથ્યા છે. આત્મા એ જ પરમાત્મા છે. પરમાત્મા આત્માથી ભિન્ન કોઈ નોંખું તત્ત્વ છે જ નહિ. માટે આપણે કોઈની ઉપાસના કે ભક્તિની આવશ્યકતા જ નથી. આવા પ્રકારની વિચારધારા ધરાવનારા સાચા અર્થમાં વેદાંતી નથી. તેઓ શુષ્ક વિચારધારાવાળા શુષ્ક વેદાંતીઓ છે.

શ્રીજીમહારાજે પૂર્ણ જ્ઞાની થવા માટે અનિવાર્યપણે જરૂરી એવા ચાર શાસ્ત્રો- સાંખ્ય, યોગ, વેદાંત ને પંચરાત્રનો નિર્દેશ વચ. ગ. પ્ર. 52માં કર્યો છે. તેમાં એ ચારેય શાસ્ત્રોને યથાર્થ અર્થમાં, સંક્ષિપ્તમાં સુંદર રીતે સમજાવ્યા છે. તેમાંથી કોઈ પણ એક શાસ્ત્રને પૂર્ણ ગણી લેવાની વિદ્વાનો ભૂલ ન કરી બેસે એટલા માટે તેમાં રહેલી ક્ષતિઓને પણ નિ:સંકોચપણે જણાવી તેમનું યથાર્થ અર્થઘટન કર્યું છે. એ ચારેય શાસ્ત્રોને જે શ્રદ્ધા ને મહિમા સાથે યથાર્થ સમજી અનુસરે તેને જ પૂર્ણ જ્ઞાન થાય છે, એમ સ્પષ્ટપણે જણાવી દીધું છે. તે શાસ્ત્રોમાંના એક શાસ્ત્રની ખોટ બીજાશાસ્ત્રને જાણવે કરીને પૂરાય છે. તે ચારેય શાસ્ત્રો એકબીજાના પૂરક છે.

વેદાંત શાસ્ત્ર વિશે શ્રીજીમહારાજ આ પ્રમાણે જણાવે છે- 'વેદાંત શાસ્ત્ર છે તે ભગવાનને સર્વ-કારણ, સવત્ર વ્યાપક, સર્વાધાર, નિર્ગુણ, અદ્વૈત, નિરંજન ને કર્તા થકા અકર્તા ને પ્રાકૃત વિશેષણે રહિત ને દિવ્ય વિશેષણ સહિત, એમ કહે છે.' ત્યાર બાદ વેદાંત શાસ્ત્રને સમજવામાં રહેલ દોષ પણ દર્શાવે છે.

'જો એક વેદાંત શાસ્ત્રે કરીએ જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે જે, જે ભગવાનને સર્વકારણ ને સર્વવ્યાપક ને નિર્ગુણ કહ્યા છે તેને નિરાકાર સમજે, પણ પ્રાકૃત કર-ચરણાદિ રહિત ને દિવ્ય અવયવે સહિત એવો સનાતન જે ભગવાનનો આકાર છે તેને ન સમજે.' ત્યાર બાદ પોતાની કલ્પનાએ કરીને શાસ્ત્રને સમજે, પણ યથાર્થ ન સમજી શકનાર શુષ્ક વેદાંતી ઉપર પ્રહાર પણ કર્યો છે, કારણ કે પોતે યથાર્થ સમજી નહિ શકવાથી બીજા અનેકને ગેરમાર્ગે દોરવાની તેઓ ગંભીર ભૂલ કરે છે. તેથી તેઓ દોષને પાત્ર છે.

'એ ચારે (શાસ્ત્ર)ને મૂકીને જે પોતાના મનની કલ્પનાએ કરીને ગમે તેવી રીતે શાસ્ત્રને સમજીને વર્તે છે ને તે જો વેદાંતી છે અથવા ઉપાસનાવાળો છે તે બેય ભૂલા પડ્યા છે, પણ કલ્યાણનો માર્ગ એ બેમાંથી કોઈને જડ્યો નથી. માટે એ વેદાંતી તે દંભી જ્ઞાની છે ને એ ઉપાસનાવાળો તે દંભી ભક્ત છે,' વળી આગળ વચ. લો.15માં વેદાંત શાસ્ત્રનો ઉલ્લેખ કરતાં શ્રીજીમહારાજ જણાવે છે કે- 'વેદાંત જે ઉપનિષદ્ તેનો મત એ છે જે, સર્વના અતિશે મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દૃષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્ત્વને દેખે નહિ, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહિ. એવી રીતે વેદાંતનો મત છે.

તથા વચ. ગ. પ્ર. 39માં એક વેદાંતી બ્રાહ્મણના પ્રશ્નમાં વેદાંત શાસ્ત્રમાં કરેલ બ્રહ્મપ્રતિપાદન વિશે સુંદર રીતે સ્પષ્ટતા કરી છે.

'તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો... તેમાં તમને આશંકા હોય તો બોલો.'

વેદાંત શાસ્ત્રમાંથી સર્વોપરી, સર્વકારણ એક પ્રભુના જ દિવ્ય સાકાર સ્વરૂપને યથાર્થપણે સમજી તેની ઉપાસના કરે ને તે સ્વરૂપને ધ્યાને કરીને સિદ્ધ કરે તો આત્મા-પરમાત્માનો સાક્ષાત્કાર થાય અને તે સ્વરૂપ સાથે તાદાત્મ્ય સાધી સિદ્ધ અનાદિમુક્તની દિવ્ય અલૌકિક સ્થિતિ પામી આત્યંતિક કલ્યાણ પામી શકે. અને એ જ શાસ્ત્રમાંથી અવળું સમજે અર્થાત્ ભગવાનના સ્વરૂપને નિરાકાર બ્રહ્મ સમજી એક બ્રહ્મનું તત્ત્વ જ ગ્રહણ કરી શાસ્ત્રમાં કહેલ વિધિ-નિષેધોની અવગણના કરી, પોતાને આત્મા સો પરમાત્મા માની ગમે તેવું અધર્મ, કર્મ કરતાં પણ અચકાય નહિ તેવી ઉદ્ધતાઈ આવે ને અનેક જીવોને ગેરમાર્ગે દોરી પતન તરફ ઘસડી જાય. અનેકને પ્રભુની ઉપાસના અને પ્રેમલક્ષણા ભક્તિમાંથી ચલિત કરી અવળે માર્ગે ચડાવી દે. તેથી એવા શુષ્ક શાસ્ત્રો ને શુષ્ક વેદાંતી ઉપર શ્રીજીમહારાજે પ્રહારો કર્યા છે. જેથી અનેક ભક્તોના ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય-ને ભક્તિરૂપી અંગોની રક્ષા થાય. તે કલ્યાણકારી અંગોનું પોષણ થાય અને પ્રભુની પ્રસન્નતા થઈ આત્યંતિક મોક્ષ થાય.

શ્રીજીમહારાજે વેદાંતશાસ્ત્રમાંથી અવળી સમજણ ગ્રહણ કરવા ઉપર ટીકા કરી છે. તે શાસ્ત્રમાંથી કઈ રીતે યથાર્થ સમજણ ગ્રહણ કરવી તે પણ જણાવ્યું છે, પરંતુ વેદાંતશાસ્ત્રની ટીકા નથી કરી. તે વાંચકે સમજવું ઘટે. સાચો વેદાંતી એટલે જેણે સમગ્ર શ્રુતિઓના સમૂહરૂપ વેદોનો અંત જે પ્રભુનું સર્વોપરી, સર્વકારણ, સર્વવ્યાપક, સદા સાકાર દિવ્ય સ્વરૂપ તેનો પોતાના ચૈતન્યમાં સાક્ષાત્કાર કરી મુક્તદશા પ્રાપ્ત કરી હોય તે સાચા અર્થમાં વેદાંતી છે. અને પ્રભુના સાક્ષાત્કારના દિવ્ય અનુભવ શૂન્ય શુષ્ક વેદાંતી તે દેહાભિમાની છે, દંભી છે, તેના સંગનો જ શ્રીજીમહારાજે નિષેધ કર્યો છે.

(4) 'કબીર ને અખાનાં કાવ્ય-કીર્તન હોય તથા એ જેવાં જેનાં જેનાં કાવ્ય-કીર્તન હોય તેને ગાવવાં નહિ ને સાંભળવા પણ નહિ.' (વચ. ગ. મ. 35)

શ્રીજીમહારાજે ઉપર પ્રમાણે જે કવિઓની રચનાઓને ગાવવાં-સાંભળવાનો નિષેધ કર્યો છે. આ બાબતનું સ્પષ્ટીકરણ એ જ વચનામૃતના રહસ્યાર્થના પ્રશ્ન-4ના ઉત્તરમાં અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીએ કર્યું છે- 'જગત કારણ એવું બ્રહ્મ... આત્યંતિક મોક્ષ થાય નહિ તેથી એ મતનાં શાસ્ત્રનો નિષેધ કર્યો છે.'

આ વાસ્તવિક ઉત્તરમાંથી વાચકને સત્ય જાણવા મળશે. સમગ્ર દુનિયાને જેની જાણ છે એવા મહાન કવિ સંત શ્રી કબીર સાહેબ પણ એક સત્ય શોધક હતા તે નિ:શંક છે, પરંતુ એ સંત આધ્યાત્મિક ભૂમિકાના સર્વોચ્ચ સ્તરે પહોંચી જ ગયા હતા અને તેમણે આત્યંતિક સ્થિતિ પ્રાપ્ત કરી જ હતી તેમ ન કહી શકાય. જગતની બુદ્ધ-મહાવીર જેવી અનેક મહાન વિભૂતિઓએ પોતાને થયેલ પ્રાપ્તિની આગળ પણ કંઈક પ્રાપ્ત કરવાનું બાકી છે તેમ કબૂલ્યું હતું. આધુનિક યુગના મહાન સંત શ્રી રમણમહર્ષિએ પણ રામ-કૃષ્ણ વગેરેથી પરની ભૂમિકાઓ છે, તેમ નિર્દેશ કર્યો છે. એમ જગતની અનેક વિભૂતિઓને પોતાના અનુભવોથી પર એવી અનેક ભૂમિકાઓ છે અને પોતાને થયેલ પ્રાપ્તિ એ છેલ્લી પ્રાપ્તિ નથી, તેનાથી આગળ ઘણું પ્રાપ્ત કરવાનું બાકી છે એમ સ્વીકાર્યું છે.

શ્રુતિઓ જેને 'એકમ એવ અદ્વિતીયં બ્રહ્મ' કહે છે એવા સર્વોપરી, સર્વકારણ, સર્વવ્યાપક, સર્વશક્તિમાન, પરાત્પર, પરમાત્માના સંપૂર્ણ આવિર્ભાવ ભગવાન શ્રી સ્વામિનારાયણ પોતાના આશ્રિત ભકતોની એકેશ્વર સર્વોપરી ઉપાસના ને પ્રભુ પ્રત્યેની પરાભક્તિની રક્ષા ને તેનું પોષણ કરવા, એકાંતિક-ભાગવત્ ધર્મનું સ્થાપન કરવા ને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપવા કેવળ કૃપા કરીને મનુષ્યરૂપે પ્રગટ થયા હોય ત્યારે સત્ય પ્રગટ ન કરે તો મુમુક્ષુઓ આત્યંતિક મોક્ષરૂપ પૂર્ણતા કેવી રીતે પ્રાપ્ત કરી શકે? સર્વોપરી પ્રભુએ સત્યનો નિર્દેશ કરવો જ પડે, જેથી સાચો સત્ય શોધક મુમુક્ષુ જ્યાં ત્યાં અથડાયા સિવાય સાચો માર્ગ મેળવી પૂર્ણતા તરફ પ્રયાણ કરી શકે. વિદ્વાન પણ સાચો વિદ્વાન ત્યારે જ કહેવાય કે જ્યારે તે પોતાની બુદ્ધિની સંકુચિતતા છોડી, પોતાની મર્યાદિત સમજણ ને અનુભવથી પર રહેલાં સત્યોને ગ્રહણ કરવા તૈયાર થાય અને પૂરી શ્રદ્ધા ને મહિમા સાથે સત્યને સમજી તેનો સ્વીકાર કરે.

શ્રીજીમહારાજે આ વચનામૃતમાં સંત કબીરજી તથા શ્રી અખાજીની નિંદા-ટીકા કરી છે તેમ સમજવાની ભૂલ સાચો સત્ય શોધક કદી નહિ કરે. કેવળ વાચ્યાર્થ વાદ-વિવાદ કરવાવાળા વિતંડાવાદીઓ જ એવી ભૂલ કરે છે. અહીં શ્રીજીમહારાજે સંતશ્રી કબીરજીની તથા શ્રી અખાજીની પ્રભુના યથાર્થ દિવ્ય સાકાર સ્વરૂપને નિરાકાર સમજવાની ક્ષતિ ને અપૂર્ણતાનો નિર્દેશ કર્યો છે; જેથી મુમુક્ષુઓ તેથી આગળના સત્યો સમજવા પ્રયત્ન કરે અને તે સંતોની સમજણ પૂરતા જ અટકી ન પડે. એ મર્યાદિત કુંડાળામાંથી બહાર આવી શકે.

(5) વચનામૃત ગ. પ્ર. 18ના રહસ્યાર્થના પ્રશ્ન-5નાં ઉત્તરમાં - 'સ્વસિદ્ધ અનાદિ તો જેને કોઈનો ઉપદેશ ન હોય અને કોઈની ભક્તિ ન હોય ને જે કોઈને આધીન ન હોય તેને જ કહેવાય, માટે આવા અનાદિ તો શ્રીજીમહારાજ એક જ છે.' એમ અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીએ જણાવ્યું છે. અને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેલા મુક્તને પણ શ્રીજીમહારાજને લઈને અનાદિ કહેવાય તેમ એ ઉત્તરમાં જ આગળ જણાવ્યું છે- 'અને જે શ્રીજીમહારાજની મૂર્તિને વિશે રહ્યા હોય તેને પણ અનાદિ કહેવાય... ખરા પણ ભગવાન તો એક શ્રીજીમહારાજ જ છે, અને બીજા એમને લઈને કહેવાય છે.'

શ્રીજીમહારાજના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થપણે સમજાવી, સર્વોપરી ઉપાસના ને અનાદિમુક્તની આત્યંતિક સ્થિતિ સમજાવી અનેકને એવી સ્થિતિ કરાવનાર શ્રીજીના સ્વતંત્ર સિદ્ધ મુક્ત શ્રી અબજીબાપાને તેમની 'વાતો'ના ગ્રંથની પ્રસ્તાવનામાં સ્વસિદ્ધ અનાદિમુક્ત કહ્યા છે, તેથી એ શબ્દનો અર્થ નહિ સમજનારા સ્વસિદ્ધ અનાદિમુક્ત શબ્દનો વિરોધ કરે છે, પરંતુ જો તેનો યથાર્થ અર્થ સમજી શકે તો વિરોધને કોઈ અવકાશ રહે જ નહિ.

શ્રીજીમહારાજની મૂર્તિમાં અનાદિકાળથી નિત્યસિદ્ધ- સ્વતંત્ર મુક્તો રહેલા છે ને તેઓ શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનું દિવ્ય સુખ એકકાળાવચ્છિન્ન અખંડ ભોગવે છે. એ મુક્તો પહેલાં કદી પણ સાધન કાળમાં હતા જ નહિ. સદાય સિદ્ધ દશામાં જ છે. શ્રીજીમહારાજની જેમ સ્વતંત્ર છે, પરંતુ શ્રીજીમહારાજ સાથે તેમને સ્વામી-સેવક, સુખદાતા-સુખભોક્તા, નિયામક-નિયામ્યનો સંબંધ સદાય રહે છે. શ્રીજીમહારાજે કહ્યું છે કે- 'અમારે લઈને તો આ મુક્તાનંદ સ્વામીને પણ ભગવાન કહેવાય.' જેમ શ્રીજીમહારાજ અનાદિ નિત્યસિદ્ધ છે, તેમ તેમના અનાદિમુક્તો (જે સાધને કરીને સિદ્ધ નથી થયા તે) પણ નિત્યસિદ્ધ છે. શ્રીજીમહારાજ સ્વસિદ્ધ (સ્વત:સિદ્ધ) પુરુષોત્તમ છે અને તેમના અનાદિમુક્તો જે નિત્યસિદ્ધ છે ને જેઓ પુરુષોત્તમના દાસભાવે સદાય વર્તે છે, તેઓ સ્વસિદ્ધ અનાદિમુક્તો છે. સ્વસિદ્ધ અનાદિમુક્તો સાધને કરીને સિદ્ધ થયેલા નથી, તેઓ સદા મુક્તદશામાં જ છે. સ્વસિદ્ધ પુરુષોત્તમ સર્વના સ્વામી, નિયંતા, સુખદાતા છે ને સ્વસિદ્ધ અનાદિમુક્તો શ્રી પુરુષોત્તમના દાસ છે.

આ સ્પષ્ટતા શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના સુખભોક્તા અનુભવ સિદ્ધ મુક્ત પૂજ્ય શ્રી નારાયણભાઈ પાસેથી જાણવા મળી છે. જે વાસ્તવિક છે ને સર્વ સ્વીકાર્ય છે.

(6) 'હું તો એમ જાણું છું જે ભગવાનની મૂર્તિની જે ઉપાસના ને ધ્યાન તે વિના જે આત્માને દેખવો ને બ્રહ્મને દેખવું તે તો થાય જ નહિ. અને ઉપાસનાએ કરીને જ આત્મા દેખાય, બ્રહ્મ દેખાય, પણ તે વિના તો દેખાય જ નહિ ને ઉપાસના વિના આત્મા- બહ્મને દેખવાને ઇચ્છવું તે કેમ છે તો જેમ આકાશને જીભે કરીને સો વર્ષ સુધી, ચાટીએ તો પણ ક્યારેય ખાટો, ખારો સ્વાદ આવે જ નહિ, તેમ ભગવાનની મૂર્તિની ઉપાસના વિના આત્મા-બ્રહ્મ દેખાય જ નહિ. તે ગમે એટલું યત્ન કરે તો પણ ન દેખાય અને નિર્બીજ એવા સાંખ્ય ને યોગ તેણે કરીને જે આત્માનું દર્શન શાસ્ત્રમાં કહ્યું છે તે ભલે કહ્યું છે, પણ અમે એવો કોઈ દીઠો નથી ને અનુભવમાં પણ એ વાર્તા મળતી આવતી નથી, માટે એ વાર્તા ખોટી છે.' - વચ. ગ. છે. 36

અહીં કોઈને આશંકા થાય કે નિર્બીજ સાંખ્યશાસ્ત્ર ને યોગ શાસ્ત્રમાં આત્માનું દર્શન થાય છે, તેમ જણાવ્યું છે, તો શ્રીજીમહારાજની મૂર્તિનું ધ્યાન અને ઉપાસના સિવાય આત્મા ન દેખાય તેમ કહ્યું તે કેમ સમજવું?

અમુક ગ્રંથોમાં એવો ઉલ્લેખ છે કે નિર્બીજ સાંખ્યશાસ્ત્ર અને અષ્ટાંગ યોગ દ્વારા નિર્વિકલ્પ સમાધિમાં આત્માનું દર્શન થાય છે, પરંતુ અહીં શ્રીજીમહારાજે પોતાના તેજરૂપ આત્મા-બ્રહ્મનો નિર્દેશ કર્યો છે. સર્વોપરી ને સર્વાધાર ને સર્વત્ર વ્યાપક એવા શ્રીજીમહારાજના નિરાકાર તેજરૂપ બહ્મ, જે શ્રીજીમહારાજની અન્વય શક્તિ છે. જેને અક્ષરધામ, બ્રહ્મપુર, અક્ષરબ્રહ્મ, ચિદાકાશ, આત્મા-બ્રહ્મ વગેરે અનેક પર્યાયોથી વર્ણવ્યું છે. જે અણુથી લઈને અનંત બ્રહ્માંડો, અનંત દેવો-અવતારો- વિભૂતિઓ વગેરેનું નિયમન કરે છે. દરેકને પ્રકાશ, જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ પ્રદાન કરે છે. એવા તેજરૂપ આત્મા-બ્રહ્મનો સાક્ષાત્કાર એ સર્વોપરી ભગવાનની મૂર્તિનું ધ્યાન અને ઉપાસના ન હોય અને કેવળ નિર્બીજ સાંખ્યજ્ઞાન અને નિર્બીજ યોગ હોય તો ન જ થાય, એ સત્ય વાત છે. ઉચ્ચ ભૂમિકામાં રહેલા ઐશ્વર્ય-અવતારોમાં શ્રીજીમહારાજની અન્વય શક્તિરૂપ પ્રકાશ તેઓની પાત્રતાની તારતમ્યતા પ્રમાણે આવે છે. અને તેઓના પ્રકાશને પણ આત્મા-બ્રહ્માની સંજ્ઞા આપવામાં આવેલી છે. જે ભક્તોને તે અવતારોની તથા તે દેવોની ઉપાસના ભક્તિ હોય અને તે સ્વરૂપોનું ધ્યાન કરતા હોય તો તે સ્વરૂપોના પ્રકાશ સાથે તેમના ચૈતન્યના પ્રકાશની એકતા થવાથી તે સ્વરૂપની પ્રાપ્તિ થાય. જેમ સૂર્યનું તેજ આંખમાં રહેલા પડદા (રેટિના) ઉપર પ્રતિબિંબિત થાય તો જ સૂર્ય દેખાય. એવી રીતે ચંદ્રના તેજથી જ ચંદ્ર દેખાય. તેને સૂર્યવતે સૂર્યનું અને ચંદ્ર વતે ચંદ્રનું દર્શન કહેવાય. તેમ જે ભક્તને જે સ્વરૂપની ઉપાસના ને ધ્યાન હોય તે સ્વરૂપનો તથા તેના પ્રકાશનો સાક્ષાત્કાર થાય અને તેટલી જ પ્રાપ્તિ થાય. સર્વોપરી બ્રહ્મ-આત્માના દર્શન (સાક્ષાત્કાર) માટે સર્વોપરી ઉપાસ્ય મૂર્તિ શ્રીજીમહારાજનું ધ્યાન ને ઉપાસના એ અનિવાર્ય અંગો છે. એ વાત અહિ સુસ્પષ્ટ થાય છે.

ભગવાન શ્રી સ્વામિનારાયણના તત્ત્વજ્ઞાન સિવાયના જગતના બીજા મતોમાં રહેલ તત્ત્વજ્ઞાનમાં જ્યાં ક્યાંય જેને જેને આત્માનુભૂતિ થઈ હોય છે, તેમને તેમના ઇષ્ટદેવની ઉપાસના દ્વારા અથવા આત્મા-બ્રહ્મનો સાક્ષાત્કાર પામેલા સમર્થ ગુરુ દ્વારા જ થઈ છે. ગુરુ દ્વારા કૃપા પણ પ્રભુ જ કરે છે, ગુરુને ફક્ત માધ્યમ બનાવે છે.

મુમુક્ષુને આત્માનુભૂતિ થાય તે પણ પોતાની પાત્રતા પ્રમાણે જેને જેટલી ઉપાસના હોય તે પ્રમાણે જ થાય છે. કેટલાકને પોતાના ચૈતન્યનો અનુભવ જે ઇંદ્રિયોમાં લક્ષ થયો હોય અથવા અંત:કરણમાં થયો હોય તે અલ્પ ને ક્ષણિક હોય છે, પરંતુ તેને તેઓ આત્માની પૂર્ણ અનુભૂતિ માનવાની ભૂલ કરે છે. જેમ અમુક વ્યક્તિઓએ ગાયના જુદા જુદા અંગો-મોઢું, શીંગડાં, પગ, આંચળ વગેરે જોયાં હોય તો તેમણે ગાય જોઈ છે તેમ કહી શકાય, પણ પૂર્ણ રીતે જોઈ છે તેમ ન કહી શકાય. તેમ આત્માની ઇંદ્રિયો-અંત:કરણ દ્વારા થતી આંશિક અનુભૂતિ એ પૂર્ણ અનુભૂતિ નથી.

જ્યારે મુમુક્ષુને સર્વોપરી પ્રભુની ઉપાસના તેમના સિદ્ધ મુક્તપુરુષ પાસેથી સમજાય અને તે સ્વરૂપનું ધ્યાન કરે તો મુક્તની કૃપાથી તેના ચૈતન્યનું પ્રભુના દિવ્ય તેજ સાથે ઐક્ય થવાથી તે તેજનું બ્રહ્મરૂપે સાક્ષાત્કાર દર્શન થાય અને તેમાં પ્રભુના વ્યતિરેક દિવ્ય સ્વરૂપનો પણ સાક્ષાત્કાર થાય, ત્યારે જ પૂર્ણ આત્મા-બ્રહ્મની અનુભૂતિ થઈ ગણાય. આ વાત દીવા જેવી સ્પષ્ટ છે.

(7) 'આજ પાછલી ચાર ઘડી રાત હતી તે સમે સ્વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધાં... ને અમારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાણું તો પણ અમારે તો શિવ ઉપર હેત ન જણાણું, કેમ જે અમે એમ જાણીએ છીએ જે, શિવ તો તમોગુણના દેવતા છે અને આપણ તો શાંત મૂર્તિ એવા જે શ્રી નરનારાયણ તેના ઉપાસક છીએ તે માટે રજોગુણી, તજોગુણી દેવ એવા જે બ્રહ્મા, શિવ ને ઇંદ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહિ અને તેમાં પણ ક્રોધ ઉપર તો અમારે ઘણું વૈર છે ને ક્રોધી જે માણસ અથવા દેવતા તે મુને ગમે જ નહિ.' -વચનામૃત લોયા. 1

ઉપર્યુક્ત વચનામૃતના વચનોમાં શ્રીજીમહારાજે શિવજી ઉપર અમારે હેત ન જણાણું એમ કહીને રજોગુણ ને તમોગુણવાળા દેવતાઓના તેવા સ્વભાવ ઉપર થોડી નારાજગી પ્રદર્શિત કરી છે. એનું કારણ એ છે કે, એ દેવો ભલે ભગવાનના ભક્તો છે ને તપ-ધ્યાન વગેરે સાધનોથી તેમણે દૈવત્ત્વ પ્રાપ્ત કર્યું છે, પરંતુ તેઓ ઐશ્વર્યોના રાગેયુક્ત હોવાથી માયાના ત્રણ ગુણ જે સત્ત્વ-રજ ને તમ તેથી સંપૂર્ણપણે પર થઈ નિર્ગુણ- ગુણાતીત સ્થિતિને પ્રાપ્ત નથી થયા, તથા પ્રભુના સર્વોપરી સ્વરૂપના જ્ઞાન, ભક્તિ ને ઉપાસનાના અભાવે પ્રભુના સ્વરૂપમાં સિદ્ધ અનાદિમુક્ત રૂપ આત્યંતિક પૂર્ણસ્થિતિને નથી પામ્યા. તેથી તેઓમાં અપૂર્ણતા છે એ વાત ચોક્કસ છે, તે શ્રીજીમહારાજે ગ. પ્ર. 23માં વચનામૃતમાં શાસ્ત્રો-પુરાણોને આધારે કહી દીધું છે.

'પછી ત્રણ અવસ્થાથી ને ત્રણ શરીરથી પર જે પોતાનું સ્વરૂપ તેને અતિશે પ્રકાશમાન ભાળે ને તે પ્રકાશને વિશે ભગવાનની મૂર્તિ જેવી પ્રગટ પ્રમાણ છે તેવી અતિશે પ્રકાશે યુક્ત ભાસે એવી રીતની સ્થિતિવાળો હોય; અને એવી રીતની સ્થિતિ જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે, તો પણ તેને માથે વિઘ્ન છે. અને જો એવી સ્થિતિમાં શિવજી નહોતા વર્તતા તો મોહિની સ્વરૂપમાં મોહ પામ્યા. અને એવી સ્થિતિમાં બ્રહ્મા નહોતા વર્તતા તો સરસ્વતીને દેખીને મોહ પામ્યા. અને એવી સ્થિતિમાં નારદજી નહોતા વર્તતા તો પરણ્યાનું મન થયું અને ઇંદ્ર તથા ચંદ્રાદિક તેમને જો એવી સ્થિતિ નહોતી તો કલંક લાગ્યાં. અને ભગવાનનો ભક્ત હોય પણ જો એવી સ્થિતિને ન પામ્યો હોય તો ભગવાનને વિશે પણ પ્રાકૃત ભાવ પરઠાઈ જવાય છે.'

આ બધા પાછળ શ્રીજીમહારાજના કહેવાનો શુભ આશય એ છે કે, સાચો મુમુક્ષુ-સાધક હજી માયિક ગુણોથી પર થઈ ગુણાતીત, દિવ્ય સ્થિતિ નહિ પામેલા દેવતાઓમાં કે અપૂર્ણ સ્થિતિવાળા મનુષ્યોમાં તેમની ઉપાસના-ભક્તિ કરીને અટવાઈ ન પડે. અને જો એમ થાય તો સર્વોપરી પ્રભુની શુદ્ધ ઉપાસના ને પતિવ્રતા ભક્તિ ક્યારે થાય? અને ક્યારે આત્યંતિક મોક્ષને પ્રાપ્ત કરે?

જ્યારે સર્વોપરી પ્રભુ પોતે જ મનુષ્યરૂપે પ્રગટ હોય, ત્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન અને સર્વોપરી ઉપાસના દૃઢ કરાવવા માટે મુમુક્ષુઓને તટસ્થપણે સાચું માર્ગદર્શન આપવા માટે શા માટે સત્ય પ્રગટ ન કરે? શા માટે સત્ય પ્રગટ કરવામાં સંકોચ અનુભવે? જો સત્ય પ્રગટ ન કરે તો આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં ઓટ આવે અને કોઈ સાચી ઉપાસના ને જ્ઞાન ન સમજી શકે. શ્રીજીમહારાજે આગળ ઉપર એ જ વચનામૃતમાં (વચ. લો. 1) કહ્યું છે-

'તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે, તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવજીને માનીએ છીએ.' તથા શિક્ષાપત્રી વગેરે ગ્રંથોમાં પણ શિવજી આદિ દેવોને પૂજ્યપણે માનવાનું કહ્યું છે. તથા નારાયણ અને શિવજીનું બ્રહ્મરૂપે એકાત્મપણું કહ્યું છે, તથા શિવાલય આદિક દેવ મંદિરોમાં દર્શન કરવાનું પણ કહ્યું છે. આ રીતે જે મુમુક્ષુ સાધક પ્રાથમિક સ્થિતિમાં હોય તેને શુભ દેવતાઓ પ્રત્યે શ્રદ્ધા, આસ્થા ને આસ્તિકતા જન્મે ને પછી ક્રમે ક્રમે તે સર્વોપરી પ્રભુમાં દૃઢ ઉપાસના-ભક્તિવાળો થઈ આત્યંતિક મોક્ષ તરફ પ્રયાણ કરી શકે એ હેતુ છે.

જે ભક્તને સર્વોપરી પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની દૃઢ ઉપાસના અને પરાભક્તિ પ્રાપ્ત થઈ છે તેને એક જ સર્વોપરિ પ્રભુ જે પોતાના ઇષ્ટદેવ તેને વિશે પતિવ્રતાપણાની ભક્તિ આવે છે, તેને એ સ્વરૂપ સિવાય અન્ય કોઈ અવતારો કે દેવતાઓના સ્વરૂપને વિષે કદીએ નિષ્ઠા કે ભાવ આવતાં નથી કે તેમની પ્રતિતી સ્વપ્નમાં પણ થતી નથી. આવી દૃઢ નિષ્ઠા અને ઉપાસનાવાળા ભક્તો માટે બીજા દેવોની ઉપાસના કે નિષ્ઠા બિલકુલ આવશ્યક નથી; ઊલટાના અન્ય દેવો તથા મોટા મોટા અવતારો પણ એવા દૃઢ સ્વરૂપ-નિષ્ઠાવાન ભક્તના-મુક્તના દર્શન ઇચ્છે છે, ને તેમની વિનમ્રભાવે સ્તુતિ-પ્રાર્થના પણ કરે છે. એવા વિશાળ હૃદયવાળા ભક્તો કદીયે કોઈ દેવની નિંદા નથી કરતા, પણ તેમની ઉપાસના-ભક્તિ પણ ક્યારેય નથી કરતા.

આ વચનામૃતમાં શ્રીજીમહારાજે શિવાદિક દેવોની નિંદા કરી છે કે તેમને હલકા ગણ્યા છે એમ સમજવાની રખે કોઈ વાચક ભૂલ કરી બેસે. એવું ન થાય એવા હેતુથી અહીં એ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી છે.