૭. બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન

(i) ભગવાનનું સ્વરૂપ: પરબ્રહ્મ પરમાત્મા ભગવાન એક જ છે, તે પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. સર્વ સુખ ને સાર્મથ્ય એમનામાં રહેલું છે. અન્ય જે કોઈ અને જ્યાં કોઈ સ્વરૂપો છે તેમાં રહેલું સુખ ને સાર્મથ્ય શ્રી સ્વામિનારાયણ ભગવાનના આપેલાં છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વામી છે. નિયંતા છે, સર્વેને સુખના દાતા છે, સ્વતંત્ર છે, સર્વના ધારક છે. અનંત કલ્યાણકારી ગુણો છે તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના આધારે છે.

એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન સદા સાકાર છે. પરમ અદભુત, મનોહર ને મધુર આકર્ષક સ્વરૂપવાળા શ્રીહરિ શ્રી સ્વામિનારાયણ ભગવાન અતિ અદભુત આકારેયુક્ત છે.

હવે જ્યારે સાકાર એટલે આકાર સહિતના સ્વરૂપની સામાન્ય રીતે વાત થાય ત્યારે જેણે એ સ્વરૂપ અનુભવ્યું નથી તેને જગતમાં જે આકાર જોઈ રહ્યા છે તેવો ભગવાનનો આકાર મનાય છે. એમ લાગે કે ભગવાનના મંદિરોમાં જે કાષ્ઠ કે પાષાણ કે ધાતુની મૂર્તિ સ્વરૂપો રહ્યાં છે તેવા આકારવાળું ભગવાનનું મૂળ સ્વરૂપ છે. મંદિરોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપો પધરાવ્યા છે તે શ્રી સ્વામિનારાયણ ભગવાન જ છે; તે સ્વરૂપો ને ભગવાનનું મૂળ સ્વરૂપ તેમાં રુંવાડાનો પણ ફેર નથી, એટલે કે જે મૂળ સ્વરૂપ છે તે જ મંદિરમાં પધરાવેલા સ્વરૂપમાં બિરાજી દર્શન દે છે. તે જ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી છપૈયાપુરમાં સંવત ૧૮૩૭માં ચૈત્ર સુદ નવમીને દિવસે શ્રી ધર્મભક્તિના પુત્ર રૂપે પ્રગટ થયા ને આ જગતમાં પરમકૃપા કરી અનંત જીવોના આત્યંતિક કલ્યાણ માટે વિચર્યા તે મનુષ્યસ્વરૂપ અને અક્ષરધામમાં રહેલું ભગવાનનું મૂળ સ્વરૂપ તેમાં પણ રોમ (એટલે રુંવાડા)નો પણ ફેર નથી, એટલે કે જે મૂળ સ્વરૂપ છે, જે શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વતંત્રપણે ને સદા સાકાર સ્વરૂપે પોતાના અક્ષરધામમાં બિરાજી દર્શન દે છે તે જ સ્વરૂપ સ્વયં પોતે આ પૃથ્વી ઉપર પધારી સૌને દૃષ્ટિગોચર વિચર્યું હતું. પરંતુ આ જગતમાં સૌને દૃષ્ટિગોચર થઈ શકે તે માટે તે મૂળ સ્વરૂપે આ લોકના મનુષ્ય જેવું સ્વરૂપ ધારણ કર્યું હતું, તેથી મનુષ્યની જેમ બાળકરૂપે જન્મ્યા. બાળલીલા કરી, ધીરે-ધીરે મોટા થયા, વનવિચરણ કર્યું અને સત્સંગમાં પધારી સૌને સુખિયા કરી મનુષ્ય સ્વરૂપને અદૃશ્ય કર્યું. મનુષ્યસ્વરૂપને ધારણ કર્યા અગાઉ જે મૂળ સ્વરૂપે પોતે બિરાજતા, તે જ સ્વરૂપે મનુષ્યસ્વરૂપ ધારણ કર્યું હતું ને તે જ મૂળસ્વરૂપ મનુષ્યસ્વરૂપ અદૃશ્ય કર્યા પછી પણ તેવું ને તેવું જ બિરાજે છે.

એ જે મૂળ સ્વરૂપ છે તે સાકાર છે. તે સાકારસ્વરૂપ દિવ્ય છે. આપણે જગતમાં જે આકારમાત્ર જોઈએ છીએ તે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશરૂપી પાંચ તત્ત્વોના બનેલાં છે. તે પંચ તત્વો (પંચ ભૂત) તો ચોવીસ તત્વોના ભાગરૂપે છે, ને ચોવીસતત્વો માયામાંથી ઉત્પન્ન થયા છે. ભગવાનનું મૂળ સ્વરૂપ છે તે તો માયાથી પર (beyond) છે તેથી તે સ્વરૂપ સાકાર હોવા છતાં આપણે જે જાણીએ છીએ-જોઈએ છીએ- તે પંચતત્વોથી જુદા પ્રકારનું એટલે દિવ્ય અલૌકિક સ્વરૂપ છે.

આવું જે દિવ્ય સાકાર સ્વરૂપ છે તે સ્વરૂપમાં જુદાં જુદાં અંગો છે, તે બધાં અંગો દિવ્ય છે. વળી તે દિવ્ય સાકાર સ્વરૂપમાં સ્વરૂપ- સ્વરૂપીભાવ નથી. આપણે જે મનુષ્યદેહ જોઈએ છીએ- તે મનુષ્યદેહ સાકાર છે, તેને જુદાં જુદાં અંગો- ઇંદ્રિયો- છે, તે છતાં તે ચોવીસ તત્વના દેહની અંદર દેહથી જુદો જીવાત્મા હોય ત્યારે જ તે મનુષ્યદેહ જીવંત કહેવાય છે. જે ક્ષણે તે દેહમાંથી જીવાત્મા જુદો થઈ જાય તે જ ક્ષણે તે દેહ મૃત થઈ જાય છે. તેથી દેહથી જુદા ને દેહને જીવન આપનારા જીવાત્માને દેહનો દેહી કહે છે, એટલે મનુષ્યના દેહમાં દેહ-દેહીભાવ છે. તે દેહ દેહીભાવને શરીર-શરીરીભાવ પણ કહે છે. હવે ભગવાનનું મૂળ સ્વરૂપ સાકાર છે. તેના જુદાં જુદાં અંગો-અવયવો છે, પણ તે સમગ્ર સ્વરૂપની અંદર, જેમ મનુષ્યદેહમાં મનુષ્યનો જીવાત્મા રહે છે. તેમ, ભગવાન જુદા રહેલા નથી, ભગવાન સમગ્રપણે સાકાર જ છે. આને દૃષ્ટાંતથી એ રીતે સમજાવે છે કે સાકર-ખાંડની ચાસણી ઘટ્ટ બનાવી તેમાંથી મનુષ્યના આકારનું બીબું કે મૂર્તિ બનાવવામાં આવે તો તે મૂર્તિ કે સ્વરૂપ આખે આખું સાકરનું બનેલું હોય છે. તે સ્વરૂપમાં માથું, હાથ, પગ આદિ જુદાં જુદાં અંગો છે પણ તે બધાં જ અંગો પણ સાકરનાં જ બનેલાં છે, તેથી સાકરની મૂર્તિ છે. તેવી જ રીતે ભગવાન સમગ્રપણે દિવ્ય છે, સાકાર છે, પણ તેમાં ત્યાગ-ભાગ નથી, સ્વરૂપ-સ્વરૂપી, શરીર-શરીરી એવો ભેદ નથી.

એવા જે દિવ્ય સાકાર ભગવાનના સ્વરૂપમાંથી અતિ અતિ પ્રકાશ નીકળી રહ્યો છે. આ પ્રકાશ ચૈતન્ય છે, દિવ્ય છે. જ્યારે ‘પ્રકાશ’ કહીએ છીએ ત્યારે આપણને આપણે આ જગતમાં જે પ્રકાશ કે તેજ જોઈએ છીએ તે તેજ જણાય છે, પણ આપણે જે તેજ કે પ્રકાશ જોઈએ છીએ તે તેજ તો પાંચ તત્વો (કે ચોવીસ તત્વો)માંનું એક ‘તેજ’ રૂપી તત્વનું તેજ છે, જ્યારે ભગવાન તો ચોવીસ તત્વોથી પર (beyond) છે, તેમના સ્વરૂપનું તેજ તે તો દિવ્ય તેજ છે, દિવ્ય પ્રકાશ છે. કોટિ કોટિ સૂર્ય જેવો પ્રકાશ કે સ્વરૂપના રુંવાડે રુંવાડેથી સતત નીકળતો જ રહેતો હોવા છતાં એ સ્વરૂપ શીતળ છે.

અતિ તેજોમય રે, રવિ શશી કોટિક વારણે જાય;

શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય.

એવો જે દિવ્ય પ્રકાશ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાંથી નીકળી રહેલ છે તે દિવ્ય પ્રકાશને બ્રહ્મ કહે છે, અક્ષરબ્રહ્મ કહે છે, ‘દૃષ્ટા જે અક્ષર’ કહે છે. એ દિવ્ય પ્રકાશરૂપી ભગવાનનું ધામ છે જેને અક્ષરધામ કહે છે. અક્ષરધામમાં કોઈ માયિક વસ્તુ નથી.

ક્યારેક શાસ્ત્રોમાં એવું વર્ણન કર્યું હોય છે કે ભગવાનના ધામમાં હીરા-મોતી-માણેક- બાગબગીચા વગેરે છે, તે તો ભગવાન મનુષ્યરૂપે આ લોકમાં જ્યાં જ્યાં વિચર્યા હોય ને ત્યાં હીરા-મોતી-માણેક અંગીકાર કર્યા હોય, બાગ-બગીચામાં વિચર્યા હોય, સિંહાસનમાં બિરાજ્યા હોય તે વર્ણન છે. જ્યાં ભગવાન છે ત્યાં જ ભગવાનના અક્ષરધામનું મધ્ય છે, એ ન્યાયે ભગવાન મનુષ્યસ્વરૂપે વિચરે તો પણ સ્વયં પોતે જ વિચરી રહ્યા છે, તેથી આ જગતની જે માયિક વસ્તુ પોતે અંગીકાર કરે છે તે બધી ભગવાનના સંબંધવાળી થવાથી દિવ્ય થાય છે પણ મૂળભૂત રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામમાં કોઈ માયિક વસ્તુ નથી.

તદુપરાંત, શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના સ્વરૂપમાંથી નીકળતા દિવ્યપ્રકાશ રૂપી અક્ષરધામમાં દર્શન દઈ રહ્યા છે, તે ભગવાનનું સ્વરૂપ અને તેમાંથી સતત નીકળતા દિવ્યપ્રકાશ વચ્ચે કાર્યકારણ સંબંધ છે. ભગવાન છે તે પોતાના સ્વરૂપમાંથી નીકળતા પ્રકાશના કારણ છે અને એ દિવ્યપ્રકાશ એ ભગવાનનું કાર્ય છે. એ જે દિવ્યપ્રકાશરૂપ અક્ષરધામ કે દિવ્ય સિંહાસન છે એ ભગવાનને ધારી રહ્યું નથી. “ધારી રહેલું છે” એમ કહેવાથી ભગવાનને અક્ષરધામ કે દિવ્ય સિંહાસનનો આધાર લેવો પડતો હોય તેવો ભાવ આવે છે. ખરેખર તો ભગવાનને આધારે ભગવાનના સ્વરૂપમાંથી નીકળતો દિવ્યપ્રકાશ છે, ભગવાન તો સ્વતંત્ર જ છે, તેમને કોઈનો ય આધાર અપ્રસ્તુત છે. ભગવાનના સિદ્ધમુક્તો ભગવાનને “ધારી રહ્યા છે” એમ જે કહેવાય છે તે તો સિદ્ધમુક્તોની ભગવાન સાથેની સંલગ્નતા સૂચવે છે, પણ એ સિદ્ધમુક્તો (કે કોઈ પણ સ્ત્રી-પુરુષ)ને આધારે ભગવાન રહ્યા નથી. આ જગતમાં આપણને બેસવા માટે આસન કે સિંહાસનનો આધાર લેવો પડે છે કે પૃથ્વીને આ જગતને ધારી રાખવું પડે છે, પણ દિવ્ય ચૈતન્ય સ્થાનમાં એ રીતનો આધાર લેવો પડતો નથી. શ્રી સ્વામિનારાયણ ભગવાન સ્વત: બિરાજે છે. તેઓ સર્વના આધાર છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સાકાર સ્વરૂપમાંથી નીકળતો દિવ્ય પ્રકાશ એ ચૈતન્ય પ્રકાશ છે. એ દ્વારે ભગવાન પ્રેરણા કરે છે (communicates) - સર્વને સુખિયા કરે છે, ને સર્વને ઐશ્વર્ય વહેંચે છે. ભગવાન પોતાના પ્રકાશ દ્વારા સર્વે અન્ય ચૈતન્ય ભૂમિકાઓ સાથે સંબંધ રાખે છે.

(ii) મુક્તો: શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્તો છે તે સૌ પણ દિવ્ય સાકાર છે અને એ સૌના આકાર-આકૃતિ-શ્રી સ્વામિનારાયણ ભગવાનના જેવી જ છે. એ બધા મુક્તોના સ્વરૂપો પણ દિવ્ય છે ને દેહ-દેહી ભાવ વિનાના એટલે ત્યાગ-ભાગ વિનાના છે. મુક્તો ભગવાનના સાર્ધમ્યપણાને પામેલા છે. સાર્ધમ્યપણું એટલે ભગવાનના જેવા જ ગુણધર્મો properties. ભગવાનના જેવા જ દિવ્ય સાકાર. આ લોકના ચોવીસ તત્ત્વો ત્યાં નથી, તે ચોવીસ તત્ત્વો (ને તેથી માયા)થી પર છે. ચૈતન્યની જ મૂર્તિઓ છે. અનંત મુક્તો હોવા છતાં દરેકે દરેક મુક્તને ભગવાન પોતાના આગવા-મારા પોતાના- અંગત જણાય છે. જેટલું જાણપણું ભગવાનનું છે તેટલું જાણપણું એ મુક્તોનું છે. ભગવાનની આગળ એ મુક્તો પરતંત્ર છે, પણ એ સિવાય ભગવાનના જેવું સાર્મથ્ય ધરાવે છે, ધારે તે કરી શકે છે, પણ ભગવાનના દાસ હોવાથી ભગવાનની મરજીમાં જ મુક્તોની મરજી સમાઈ ગયેલી છે. ભગવાન સ્વામી, નિયંતા ને સુખદાતા છે, મુક્તો ભગવાનના દાસ, સેવક ને સુખભોક્તા છે.

આવા મુક્તોના બે ભેદ છે, જે મુક્તો અતિશય સ્નેહે કરીને ભગવાનના સ્વરૂપમાં રસબસપણે લીન થઈને રહેછે તેવા મુક્તોના સમૂહને કૈવલ્યમુક્ત, નિત્યમુક્ત કે અનાદિમુક્ત કહેવાય છે. એવા મુક્તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના જેવા જ દિવ્ય આકારવાળા છે અને અંગેઅંગ, રુંવાડે રુંવાડે તેવા મુક્તોને ભગવાનના સ્વરૂપમાં સંલગ્નતા થઈ ગયેલ છે.

ઘણાં લોકોને ભગવાનના સ્વરૂપમાં મુક્તો લીન થઈને રહે છે તે વાતની ગેડ બેસતી નથી, એનું મુખ્ય કારણ એ છે કે આવા લોકો મુક્તના સ્વરૂપને (ને તે જ રીતે ભગવાનના સ્વરૂપને) આ લોકના ચોવીસ તત્વો (જે જડ છે)ના બનેલા મનુષ્ય દેહ જેવું સમજે છે, એથી એમને એમ થાય છે કે એક સાકાર દેહમાં બીજો સાકાર દેહ કેવી રીતે સમાઈ શકે? પણ એ એમની અણસમજણ છે. ભગવાનના સ્વરૂપમાં માયિકભાવ જ નથી, તે જ રીતે મુક્તોના સ્વરૂપમાં પણ માયિકભાવ નથી, એ તો દિવ્ય સ્વરૂપો છે. દિવ્ય સ્વરૂપો લીન થઈને રહી શકે છે. દિવ્ય સ્વરૂપો એ અનુભવવાનું સ્વરૂપ છે, કેવળ બુદ્ધિની કલ્પનાનું સ્વરૂપ નથી. તેથી દિવ્ય સાકાર એવા ભગવાનના સ્વરૂપમાં રુંવાડે રુંવાડે એકતા થઈ જાય તેવી રીતે દિવ્ય સાકાર અનાદિમુક્તો લીન થઈને સુખમાં ગરકાવ રહે છે, તે હકીકત છે.

તદુપરાંત ઘણી વખત શાસ્ત્રમાં એમ જણાવેલું હોય કે મુક્તો અતિશય સ્નેહે ભગવાનના ચરણારવિંદમાં લીન થઈ જાય છે, તો એ મુક્તોના દાસપણાનું વર્ણન છે. અનાદિમુક્તો ભગવાનના સમગ્ર સ્વરૂપને વિષે, અંગેઅંગની એકતાથી રસબસપણે લીન થઈને સુખમાં થીજી જાય છે. એવા મુક્તોનું ભગવાનનું સુખ ગ્રહણ કરવાનું સાર્મથ્ય સૌથી વિશેષ છે. જે જેટલું વિશેષ સુખ લઈ શકે તેને તેટલું વધુ માહાત્મ્ય અનુભવાય અને તેટલું વિશેષ દાસપણું દૃઢ થાય. અનાદિમુક્તોના જેવો ભગવાનના સુખનો અનુભવ બીજા કોઈને નથી, અને તેથી જ, જેવું ભગવાનનું માહાત્મ્ય ને ભગવાનને વિશે દાસપણું અનાદિમુક્તોને છે તેવું અન્ય કોઈને નથી. અનાદિમુક્તો ચરણારવિંદમાં લીન થઈને રહ્યા છે તેમ કહેવાથી ચરણારવિંદ એ દાસપણાના સૂચક હોવાથી કહેવાનું તાત્પર્ય એમ છે કે અનાદિમુક્તોને અતિશય દાસપણા સાથે ભગવાનના સમગ્ર સ્વરૂપમાં લીનતા છે.

અનાદિમુક્તો ભગવાનના સ્વરૂપમાં થીજીને રહ્યા છે, તેમને બીજો કોઈ સંકલ્પ વિકલ્પ થતો જ નથી. ભગવાનના સ્વરૂપને વિશે અનન્યભાવે જોડાયેલ રહે છે. ભગવાનના સ્વરૂપમાંથી સતત નવું ને નવું સુખ આવ્યા જ કરે છે, ને મુક્તો એ સુખમાં જ લુબ્ધ થઈ રહ્યા છે. જેમ જેમ સુખ ભોગવતા જાય છે, તેમ તેમ તે મુક્તો વિશેષ ને વિશેષ સુખ ભોગવવાના પાત્ર થતા જાય છે ને તે રીતે તેમને વિશેષ ને વિશેષ સુખ મળ્યા જ કરે છે, ને તેથી તેમને ભગવાનને વિશે માહાત્મ્ય ને દાસપણું વિશેષ ને વિશેષ વધતું જ રહે છે.

ભગવાનના સ્વરૂપમાં અનંત અનાદિમુક્તો રસબસપણે લીન રહ્યા હોવા છતાં એ દિવ્યતત્ત્વવાળા હોવાથી (ચૈતન્ય સાકાર હોવાથી) એકબીજાને અવરોધરૂપ બનતા નથી. જેમ રેડિયોના તરંગો (મોજા) એક જ સમયે ને એક જ સ્થાને જુદા જુદા પ્રોગ્રામો (આકાશવાણી, બીબીસી, વોઈસ ઓફ અમેરિકા, વગેરેના પ્રોગ્રામો) સાથે હાજર હોય છે, તે એકબીજાને અવરોધતા નથી, તેમ મુક્તો એકબીજાની સુખ ભોગવવાની ગતિમાં અવરોધક નથી.

અનાદિમુક્તો શબ્દોમાં જે 'અનાદિ' શબ્દ છે તેને વિશેષણ માની અનાદિકાળથી થયેલા મુક્તો જે શ્રીજીમહારાજની સાથે આ પૃથ્વી ઉપર દર્શન દેવા પધાર્યા હતા- તેમ ઘણાં માને છે. અનાદિમુક્ત એટલે એવા મુક્તોનો વર્ગ (કે ગ્રુપ) કે જે રસબસપણે ભગવાનની મૂર્તિમાં રહી સુખ ભોગવે છે, તેમાંથી અમુક અનાદિમુક્તો 'અનાદિ' કાળથી સુખ ભોગવતા હોય, શ્રીજીમહારાજની જોડે પધાર્યા હોય તે સાચું, પણ આજ પણ જે ભક્ત ભગવદ્કૃપાથી ભગવાનના સાર્ધમ્યપણાને પામી ભગવાનના સ્વરૂપમાં અતિશય સ્નેહે જોડાઈ રબસબપણે સુખ ભોગવતા થાય તેમને પણ અનાદિમુક્ત જ કહેવાય છે. ભવિષ્યમાં પણ જે એવી સ્થિતિને પામશે તે સૌને અનાદિમુક્ત જ કહેવાશે. અનંત અનાદિમુક્ત હતા, છે, થાય છે ને થશે. આમ, 'અનાદિ' એટલે આદિકાળથી એવો અર્થ નથી. જો કે અનાદિમુક્ત થયા પછી તે મુક્તને આદિભાવ ટળી જાય છે, તેમને તો એમ જ થાય છે કે હું તો સદાય આ સ્વરૂપમાં આમ જ સુખ ભોગવું છું.

મુક્તોના બીજા ભેદ તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપની સન્મુખ રહીને સુખ ભોગવતા મુક્તોનો સમૂહ, જેમને વિદેહમુક્ત, મહામુક્ત કે પરમએકાંતિક મુક્ત કહેવાય છે. પરમએકાંતિક મુક્તોના સ્વરૂપ પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જેવા જ છે, પણ તે મુક્તો ભગવાનની સમીપમાં સન્મુખ રહીને સુખ ભોગવે છે. ભગવાનના સ્વરૂપની ચારે તરફ મુક્તો છે, તે દરેક મુક્તને ભગવાન સન્મુખ અનુભવાય છે. દરેકે દરેક પરમએકાંતિક મુક્ત એક નજરે ભગવાનના સ્વરૂપને નીરખી રહેલ છે, તે દરેકને રુંવાડે રુંવાડે જોવાપણું, અનુભવવાપણું છે, અલૌકિક રીતે સુખ લઈ રહ્યા છે.

સમુદ્રની સન્મુખ બેસીને તેના મોજાની ગતિ માણીએ, તેના ઉપરથી આવતા આહ્લાદક માદક પવનની મોજ માણીએ તે રીતે પરમએકાંતિક મુક્તો ભગવાનની સમીપ છે; જ્યારે સમુદ્રની અંદર ડૂબકી મારી શીતળ જળથી રુંવાડે રુંવાડે શીતળતા અનુભવીએ, તેવી રીતે અનાદિમુક્તો અતિશય સ્નેહે કરીને ભગવાનના સ્વરૂપમાં લીન થઈ, ગરકાવ થઈ સુખમાં થીજી રહે છે. આ રીતે અનાદિમુક્તોની સુખ અનુભવવાની ગતિ-પાત્રતા સવિશેષ છે. પરમઅકાંતિક મુક્તો પણ ભગવાન સિવાય બીજું કાંઈ જોતા-અનુભવતા નથી, તે મુક્તો પણ ભગવાનના સાર્ધમ્યપણાવાળા જ છે, પણ સુખ લેવાની ઉત્તમ પાત્રતા રસબસપણે લીન રહીને અનાદિમુક્તો સુખ લે છે તે છે.

સંપ્રદાયમાં 'અક્ષર મુક્તો' એવો શબ્દ પણ પ્રચલિત છે. અક્ષર મુક્તો એટલે અક્ષરધામના મુક્તો. ઘણી વાર શ્રીજી મહરાજની સાથે આવેલા મુક્તો માટે પણ અક્ષર મુક્ત શબ્દ વપરાય છે. અક્ષર મુક્તોમાં ઉપર જણાવ્યા મુજબ બે ભેદ છે. નવા થયેલા મુક્તોનો આદિભાવ ટળી જાય છે- અક્ષરધામમાં નવા-જૂનાના ભેદ રહેતા નથી. માત્ર સુખ લેવાની પાત્રતા વધતી-ઓછી હોય.

મુક્તો અનંત હતા, છે, થાય છે ને થશે- પણ ભગવાન તો એક ને એકમાત્ર. સર્વેકારણના કારણ ને સૌને સુખ-ઐશ્વર્ય દેનારા એક જ- ને તે શ્રી સ્વામિનારાયણ ભગવાન જ.

પરમએકાંતિક મુક્તો ને અનાદિમુક્તો એ બંને પ્રકારના મુક્તોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપને વિશે સ્વામી-સેવક ભાવ અતિ દૃઢ છે, એટલે ભગવાન સ્વામી છે, સુખના દેનારા છે ને મુક્તો સેવક છે ને સુખ ભોગવનારા છે, પરંતુ અનાદિમુક્તોની સુખ લેવાની ગતિ પરમએકાંતિક મુક્તોથી સવિશેષ હોવાથી તેમનો સેવકભાવ પણ પરમએકાંતિક મુક્તોથી સવિશેષ છે. જ્યારે પરમએકાંતિક મુક્તોથી વીંટાયેલા ભગવાન બિરાજ્યા હોય, ત્યારે ભગવાન અને ભગવાનના સ્વરૂપ જેવી જ આકૃતિવાળા પણ સુખ ભોગવનારાને દાસપણે વર્તનારા પરમએકાંતિક મુક્તોની સભા નજરે પડે છે, પણ જ્યારે ભગવાન અનાદિમુક્તો સાથે બિરાજ્યા હોય, ત્યારે તો અતિશય સ્નેહથી અનાદિમુક્તો ભગવાનના સ્વરૂપમાં લીન હોવાથી કેવળ ભગવાન એકલા જ દૃષ્ટિગોચર થાય છે.

ખરેખર તો મુક્તો કદાપિ એકલા રહેતા જ નથી, અને એ જ રીતે ભગવાન પણ કદાપિ એકલા હોતા જ નથી! મુક્તોથી વીંટાયેલા, મુક્તોથી સેવાયેલા ને મુક્તો લીનપણે સુખમાં ઝીલતા હોય તેવા જ ભગવાન હરહંમેશ છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સાકાર તેજોમય સ્વરૂપને ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ કહે છે. સમગ્ર ચૈતન્યભૂમિકાઓ ને અનંત સૃષ્ટિના કાર્યથી જુદા ને સદા સુખમય ને પરમ ઐશ્વર્યમય સ્વરૂપ તે ભગવાનનું વ્યતિરેક સ્વરૂપ. આ વ્યતિરેક સ્વરૂપનો યોગ કેવળ ભગવાનના મુક્તોને જ છે. પરમએકાંતિક અને અનાદિમુક્તો જ એ સ્વરૂપને માણી રહ્યા છે. મુક્તો છે તે શ્રી સ્વામિનારાયણ ભગવાનની હજૂર સેવામાં (તહેનાતમાં) છે, હજૂરિમુક્તો છે. મુક્તો સિવાય અન્ય સૌને ભગવાનની સાથે સીધો (direct) સંબંધ નથી. બીજા બધાને ભગવાન પોતાના ચૈતન્યપ્રકાશ દ્વારા પ્રેરણા કરે છે. (indirect).

સ્વત: આનંદ સ્વરૂપ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાના મુક્તોને આનંદ ઊપજાવતા થકા પોતાના અક્ષરધામમાં બિરાજ્યા છે ને કિલ્લોલ કરે-કરાવે છે.

(iii) અક્ષર: શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે સૃષ્ટિ રચવા ઇચ્છે-ધારે ત્યારે પોતાના સ્વરૂપમાંથી નીકળતું તેજ જે અક્ષરબ્રહ્મ કે અક્ષર કે બ્રહ્મ કહેવાય છે તે વડે પ્રેરણા કરે છે. તેનાથી સૃષ્ટિના મૂળકર્તા એવા સાકાર અક્ષરને પ્રેરણા થાય છે. સાકાર કે મૂર્તિમાન અક્ષરને પ્રેરણા નિરાકાર અક્ષર કે અક્ષર કે "દૃષ્ટા એવું જે અક્ષર" તે વડે થાય છે. ભગવાનના સ્વરૂપમાંથી નીકળતો ચૈતન્ય દિવ્ય પ્રકાશ નિરાકાર છે. તે મૂર્તિમાન અક્ષરને પ્રેરણા કરે છે. એથી પ્રેરણા કરનાર નિરાકાર અક્ષર તે દૃષ્ટા એવું અક્ષર કહેવાય, ને જેને પ્રેરણા કરે છે તે મૂર્તિમાન અક્ષરને "દૃશ્ય એવું અક્ષર" કહેવાય.

આમ અક્ષરના બે ભેદ છે: નિરાકાર અક્ષર ને મૂર્તિમાન અક્ષર. નિરાકાર અક્ષરની કક્ષા ઊંચી છે, તે ભગવાનના સ્વરૂપમાંથી નીકળતો પ્રકાશ છે ને તેના થકી ભગવાન મૂર્તિમાન અક્ષરને પ્રેરણા કરે છે. આમ ભગવાનનું મૂર્તિમાન વ્યતિરેક સ્વરૂપ એ નિરાકાર અક્ષર ને મૂર્તિમાન અક્ષર એ બંનેનું આત્મા કે શરીરી છે, અને એ બંનેથી વિલક્ષણ છે.

મૂર્તિમાન અક્ષરને અક્ષર પણ કહે છે, તે સૃષ્ટિનું મૂળકારણ હોવાથી તેને મૂળઅક્ષર પણ કહે છે. આવા મૂર્તિમાન મૂળઅક્ષરો અનંત છે. જે ભક્ત શ્રી સ્વામિનારાયણ ભગવાનને ખૂબ ભજે છે, પણ ઐશ્વર્ય પામવાની અતિ તીવ્ર ઇચ્છાવાળા છે તેવા સકામભક્તને ભગવાન રાજી થઈને અતિ ઐશ્વર્યવાળું સ્થાન જે અક્ષરનું સ્થાન તે આપે છે. આમ તે ભક્ત મૂળઅક્ષર બનીને ભગવાનની સેવામાં રહે છે.

મૂર્તિમાન અક્ષરને શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રત્યક્ષ દર્શન નથી. તેમને શ્રી સ્વામિનારાયણ ભગવાનની વ્યતિરેક મૂર્તિ-વ્યતિરેક સ્વરૂપનો યોગ નથી. એમને તો નિરાકાર અક્ષર જે ભગવાનનો દિવ્ય ચૈતન્યપ્રકાશ તે દ્વારા પ્રેરણા છે, તે દ્વારા સુખ ને સાર્મથ્ય છે, જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુક્તો છે- પરમએકાંતિક અને અનાદિમુક્તો તે તો ભગવાનના વ્યતિરેક સ્વરૂપને વિશે જોડાયેલા છે, તે વ્યતિરેક સ્વરૂપનો સીધો યોગ છે. તેથી મુક્તો છે તે સૃષ્ટિકર્તા એવા મૂર્તિમાન અક્ષર (કે મૂળઅક્ષર) કરતાં વિશેષ છે.

શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે મનુષ્યસ્વરૂપે આ પૃથ્વી ઉપર વિચરણ કર્યું ત્યારે પોતાના સેવકોના ઉપર ઘણીવાર રાજી થઈ તેમને જુદી જુદી ઉપમા આપીને બોલાવતા. કોઈને નારદ-સનકાદિક જેવા, કોઈને ઉદ્ધવ જેવા, કે કોઈને શુકજી-વિદૂર જેવા તો કોઈને અક્ષર જેવા કે મૂળઅક્ષર જેવા કહેતા. આ જગતમાં નારદ-સનકાદિક, ઉદ્ધવ, શુકજી, વિદૂર, અક્ષર, મૂળઅક્ષર એવા ભક્તો-સેવકોની પ્રતીતિ બેસી ગયેલી ને તેવો દૃઢાવ થઈ ગયેલો, તેથી તેવાને પોતાના સેવકોની સ્થિતિનો ભાર પડે તે માટે એવી-એવી ઉપમા આપી સમજાવતા, પણ વાસ્તવમાં તો શ્રી સ્વામિનારાયણ ભગવાનના સેવકો- હજૂરી મુક્તો- તો સર્વેથી પર છે ને તેમને એકલાને જ શ્રી સ્વામિનારાયણ ભગવાનના વ્યતિરેક સ્વરૂપનો યોગ છે, બીજા બધાને તો પરોક્ષપણે (indirect) જ યોગ છે.

સંપ્રદાયમાં ઘણાં સ.ગુ. ગોપાળાનંદ સ્વામીશ્રીને કે સ.ગુ. ગુણાતીતાનંદ સ્વામીશ્રીને 'મૂળઅક્ષર' કહે છે, તે તો તેઓ "બહુ મોટા" હતા એ સંદર્ભથી કહે છે. વાસ્તવમાં તો તેઓ બંને અનાદિ મહામુક્તો છે, ને સૃષ્ટિકર્તા મૂર્તિમાન અક્ષરથી ઘણાં વિશેષ છે.

(ખરેખર તો શાસ્ત્રમાં અક્ષર, મૂળાઅક્ષર, બ્રહ્મ, શ્રીકૃષ્ણ વગેરે જુદા જુદા સંદર્ભથી વપરાયા છે. સંદર્ભ સમજ્યા વિના તે શબ્દોના અર્થ કરવા જાય તો ભૂલ થવા સંભવ છે- તેથી યોગ્ય સંદર્ભ સમજવો જરૂરી છે.)

મૂર્તિમાન અક્ષર જે મૂળઅક્ષર છે તે ચૈતન્યની મૂર્તિ છે, તેમને પણ દેહ-દેહી ભાવ નથી, ત્યાગ-ભાગ નથી, પોતાની ચૈતન્ય ભૂમિકામાં રહ્યા થકા પોતાના મુક્તોને આનંદ આપે છે. અક્ષરના મુક્તો પણ બે પ્રકારના છે. સન્મુખ રહ્યા થકા મૂર્તિમાન અક્ષરનું સુખ ભોગવે છે તે પરમ અકાંતિક મુક્તો તથા રસબસપણે લીન રહીને એ સ્વરૂપનું સુખ ભોગવે છે તેવા અનાદિમુક્તો. મુખ્ય ફરક એ જ છે કે મૂર્તિમાન અક્ષરનું પોતાનું સુખ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જે સુખ છે તેના પ્રમાણમાં નહિવત્ છે (જેને શાસ્ત્રીય રીતે કહીએ તો કોટિમાં પાસંગમાં આવતું નથી.) મૂળઅક્ષરનું સ્થાન ચૈતન્યનું સ્થાન છે, જન્મમરણથી રહિત છે ને શાશ્વત છે.

એવાં અનંત મૂળઅક્ષરોમાંથી દરેકે દરેક મૂળઅક્ષર પોતપોતાની સૃષ્ટિ રચે છે. તેમાંથી એક મૂળઅક્ષરની સૃષ્ટિની વાત જાણીએ.

(iv) વાસુદેવબ્રહ્મ: મૂર્તિમાન ને સૃષ્ટિકર્તા એવા જે અક્ષર (મૂળઅક્ષર) તે પોતાના તેજ દ્વારા (જે તેજ નિરાકાર છે) પોતાનાથી નીચા એવા વાસુદેવબ્રહ્મને સૃષ્ટિ કરવાની પ્રેરણા કરે છે. વાસુદેવબ્રહ્મને બ્રહ્મ કહે છે, વાસુદેવ કહે છે, બ્રહ્મપુરધામના અધિપતિ, શ્વેતદ્વીપપતિ કહે છે. એક મૂળઅક્ષર અનેક વાસુદેવબ્રહ્મના અધિષ્ઠાતા છે. એવા વાસુદેવબ્રહ્મ પણ સદા સાકાર, ચૈતન્યસ્વરૂપ છે, દેહદેહીભાવથી રહિત છે, શાશ્વત છે, ને પોતાના પરમએકાંતિક ને અનાદિમુક્તોને પોતાના સ્વરૂપનું સુખ દેનારા છે. વાસુદેવબ્રહ્મનું સુખ છે તે સૃષ્ટિકર્તા અક્ષરનું આપેલું છે, ને તેથી તે સૃષ્ટિકર્તા મૂળઅક્ષરના સુખ પાસે વાસુદેવબ્રહ્મનું સુખ અતિ ગૌણ છે. મૂળઅક્ષરના જે ભક્તો હોય છે તેમાંથી જે ઐશ્વર્ય પામવાની અતિ દૃઢ ગ્રંથીવાળા છે તેવા સકામ ભક્તને મૂળઅક્ષર વાસુદેવબ્રહ્મની પદવી આપે છે, મૂળભૂત રીતે તો તેઓ મૂળઅક્ષરના મુક્ત જ છે પણ સકામ મુક્ત છે.

(v) મૂળપુરુષ: સૃષ્ટિની પ્રેરણા વાસુદેવબ્રહ્મમાંથી વાસુદેવબ્રહ્મના સેવક પુરુષ કે મહાપુરુષ કે મૂળપુરુષને મળે છે. એક વાસુદેવબ્રહ્મ અનેક પુરુષોના અધિષ્ઠાતા છે. આ જે પુરુષ કે મૂળપુરુષ પણ સદા સાકાર, ચૈતન્યસ્વરૂપછે, દેહદેહીભાવથી રહિત છે, શાશ્વત છે ને પોતાના પરમએકાંતિક ને અનાદિમુક્તોને પોતાના સ્વરૂપનુંસુખ આપે છે. મૂળપુરુષનું સુખ છે તે તેમના ઉપરી વાસુદેવબ્રહ્મનું આપેલું છે ને તેના પ્રમાણમાં અતિ અલ્પછે. વાસુદેવબ્રહ્મના સકામ મુક્તો જે ઐશ્વર્ય પામવાનીઇચ્છા ધરાવે છે તે મૂળપુરુષ બને છે. મૂળપુરુષને વાસુદેવબ્રહ્મ પોતાના નિરાકાર તેજ દ્વારા પ્રેરણાકરે છે.

૧. અનંત વાસુદેવબ્રહ્મમાંનાં એક વાસુદેવબ્રહ્મ.

૨. વાસુદેવબ્રહ્મનું નિરાકાર તેજ જે મૂળપુરુષને પ્રેરણા કરે છે.

૩. મૂર્તિમાન મૂળપુરુષો જે અનેક છે અને જે વાસુદેવબ્રહ્મના સકામ મુક્તો છે.

(vi) ઉત્પત્તિ: શ્રી સ્વામિનારાયણ ભગવાન સૃષ્ટિ રચવાનો સંકલ્પ કરે છે, ત્યારે તે પોતાના નિરાકાર તેજરૂપ અક્ષરને પ્રેરણા કરે છે. નિરાકાર અક્ષર સાકાર-મૂર્તિમાન અક્ષરને પ્રેરે છે. મૂર્તિમાન મૂળઅક્ષર પોતાના નિરાકાર તેજ દ્વારા મૂર્તિમાન વાસુદેવબ્રહ્મને પ્રેરે છે. વાસુદેવબ્રહ્મ પોતાના નિરાકાર તેજ વડે મૂર્તિમાન મૂળપુરુષને પ્રેરણા કરે છે. મૂર્તિમાન મૂળપુરુષ પોતાના નિરાકાર તેજ વડે મૂળમાયાને સંક્ષોભિત કરે છે. આ રીતે મૂળપુરુષ મૂળમાયા સાથે જોડાઈને પ્રધાનપુરુષ અને પ્રધાન પ્રકૃતિ ઉત્પન્ન કરે છે. પ્રધાનપુરુષ પ્રકૃતિ (કે પ્રધાનપ્રકૃતિ) સાથે જોડાય છે. ને તેમાંથી મહતત્ત્વ ઉત્પન્ન થાય છે. મહતત્ત્વમાંથી અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારના સત્ત્વગુણ, રજોગુણ ને તમોગુણરૂપી ત્રણ ગુણના યોગે કરીને ત્રણ ભેદ પડે છે. સાત્ત્વિક અહંકારમાંથી મન અને દસેય ઇંદ્રિયોના દેવતા ઉત્પન્ન થાય છે. રાજસ અહંકારમાંથી પાંચ જ્ઞાન ઇંદ્રિયો ને પાંચ કર્મ ઇંદ્રિયો તથા બુદ્ધિ અને પાંચ પ્રાણ ઉત્પન્ન થાય છે. તામસ અહંકારમાંથી પાંચ વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ અને પાંચ ભૂત જે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ ઉત્પન્ન થાય છે. આ રીતે ચોવીસ તત્ત્વ ઉત્પન્ન થાય છે. તે ચોવીસ તત્ત્વનું બનેલું વિરાટ પુરુષનું સ્થૂળ શરીર છે. વિરાટ પુરુષ (કે વિરાટ નારાયણ)માંથી બ્રહ્મા, વિષ્ણુ, શિવની ત્રિપુટી થાય છે. બ્રહ્મા સૃષ્ટિની રચના કરવામાં જોડાય છે. જીવ અનાદિ છે, તે જીવ મૂળમાયામાં લય પામીને રહ્યા હતા તે સૃષ્ટિ થવાના સમયે ફરી દેહધારી સૃષ્ટિને વિશે આવે છે.

ભગવાન જીવના કર્મફળપ્રદાતા છે. જેવું જેવું કર્મ જીવ કરે છે તેને તેવું ફળ ભગવાન આપે છે. શુભ કર્મનું ફળ શુભ છે. પુણ્યકર્મો કર્યા હોય પણ ભગવાનની ઉપાસના ન હોય તે ઊર્ધ્વગામી બને છે, એટલે તેને સ્વર્ગ-દેવલોકમાં- સ્થાન મળે છે. મૃત્યુલોક કરતાં સ્વર્ગલોકમાં વધુ આનંદપ્રમોદ છે તે ભોગવીને જે શુભકર્મોનું ફળ હોય તે ચૂકતે થતાં ફરી તે સ્વર્ગલોકમાંથી પાછો મૃત્યુલોકમાં આવે છે. જે અશુભ કે પાપ કર્મો કરે છે તે અધોગામી થાય છે. ખરાબ કર્મના દંડ ભોગવે છે. તે દંડ ભોગવવા જીવને યમલોકમાં લઈ જાય છે. દંડ ભોગવી લીધા પછી પાછા મૃત્યુલોકમાં આવે છે.

જીવ જે કર્મ કરે છે તે કર્મ કરવામાં તેને છૂટો દોર છે, સ્વતંત્રતા છે, પણ કર્મ કર્યા પછી તેનું ફળ ભોગવવામાં સ્વતંત્રતા નથી. કરેલા કર્મનું ફળ ક્યારે ને કેવી રીતે આપવું તે કર્મફળપ્રદાતા ભગવાનની ઇચ્છાને આધીન છે. કર્મો ત્રણ પ્રકારના છે. ક્રિયમાણ, સંચિત ને પ્રારબ્ધ. રોજેરોજના કામો કરતાં કર્મ થાય તે ક્રિયામાણ. તે બધાં કર્મોનું ફળ તાત્કાલિક મળે તેમ ન હોય, તેથી તે કર્મો એકઠાં થતાં રહે. તે ભેગાં થયેલાં કર્મો તે સંચિત કર્મ. સંચિત કર્મો ઘણાં હોય તેમાંથી અમુક કર્મોનું ફળ ભોગવવાનો સમય આવી ગયો હોય ત્યારે ભગવાનની ઇચ્છાથી તે અમુક કર્મો કે જેનું ફળ ભોગવવાનું છે તે લઈને જીવ નવો દેહ ધારે છે. આવા સંચિત કર્મના ભાગરૂપે છે તેવા 'અમુક' કર્મોને પ્રારબ્ધ કર્મ કહે છે. જીવ જે દેહ ધારે છે તેની સાથે તે દેહથી ભોગવવાના કર્મો નક્કી કરી આપેલાં હોય છે તે પ્રારબ્ધ કર્મો છે. ભગવાન કર્મફળપ્રદાતા હોવાથી પોતાની ઇચ્છા-દયાએ કરીને જીવના સંચિત-પ્રારબ્ધ કર્મો બાળી નાંખી શકે છે. મોટા મુકતો પણ ભગવાનની મરજી જાણીને કર્મો બાળી શકે છે. ભગવાન કે મોટા સત્પુરુષના યોગમાં નથી આવ્યા તે સર્વે જીવો કર્મ કરવામાં ને કર્મનું ફળ ભોગવવાના ચક્રાવામાં ફર્યા કરે છે.

આ રીતે માયામાં રહેલા જીવો જન્મમરણની ઘટમાળ-ચક્રાવામાં ફર્યા કરે છે. જીવને ચોરાસી લાખ જાતના દેહ મળે છે. તે દેહના ચાર પેટા વિભાગ છે: ઉદભિજ, અંડજ, સ્વેદજ ને જરાયુજ. ઉદભિજ તે વનસ્પતિ, અંડજ તે ઈંડામાંથી ઉત્પન્ન થનારા દેહ. સ્વેદજ જે પરસેવા જેવા ગંદવાડમાં ઉત્પન્ન થતાં ઝીણાં દેહધારીઓ. જરાયુજ તે માતાના ગર્ભમાંથી જન્મેલા. પોતાના કર્મના સંબંધ પ્રમાણે આ ચોરાસી લાખ જાતના જુદા જુદા દેહ આવ્યા કરે છે. જીવ પોતે અમર છે, અજર છે (જીવ વૃદ્ધ થતો નથી), અવિનાશી છે, પણ પોતાના કર્મો પ્રમાણે જુદા જુદા દેહને પામે છે. જે દેહમાં હોય તે 'દેહ તે હું છું' એવો દેહાધ્યાસ તેને રહે છે. દેહાધ્યાસમાં કરેલાં કર્મો તે જીવને બંધનકર્તા બને છે, ને જન્મમરણની સંસૃતિ (ફેરા)માં ભટક્યા કરે છે. દેહની આવરદા પૂરી થાય ત્યારે તે દેહ છોડીને કર્માનુસાર અન્ય દેહને પામે છે. નિત્ય નિત્ય પ્રત્યે દેહધારીઓનું મૃત્યુ તે નિત્યપ્રલય કહેવાય છે. જ્યારે આપણાં ચાર અબજ ને બત્રીસ કરોડ વર્ષ થાય છે ત્યારે બ્રહ્માની સાંજ પડે છે, ને બ્રહ્મા સૂવે છે, તે સાથે સાત પાતાળ, મૃત્યુલોક, ભુવર્લોક ને સ્વર્ગલોક મળીને દસ લોકનો નાશ થઈ જાય છે. તેને નિમિત્તપ્રલય કહે છે. બ્રહ્માની રાત્રિ પૂરી થતાં (એટલે કે બીજા ચાર અબજને બત્રીસ કરોડ વર્ષ પછી) બ્રહ્મા જાગે છે ને દસે લોકને ફરી સર્જે છે. આવી રીતે બ્રહ્માના ૩૦ દિવસનો એક માસ, ૧૨ માસનું એક વર્ષ, તેવાં સો વર્ષની બ્રહ્માની આવરદા છે. તેથી (૩૦ × ૧૦ × ૧૦૦ = ૩૬૦૦૦) છત્રીસ હજાર નિમિત્તપ્રલય થયા પછી બ્રહ્માની આવરદા પૂરી થાય છે. ત્યારે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને વિરાટનારાયણ એ સર્વેનો નાશ થાય છે. આ સમયે પ્રધાનપુરુષની સાંજ પડે છે. તે સમયે ચૌદલોક ને અષ્ટાવરણ એ સર્વેનો નાશ થઈ જાય છે, તે પ્રાકૃતપ્રલય કહેવાય છે. (૩.૧૧૦૪ × ૧૦૪ એટલે ૩.૧૧૦૪ જલધિ વર્ષ). પ્રધાનપુરુષનો જેવડો દિવસ છે તેવડી રાત્રિ છે. તે પ્રધાનપુરુષની આયુષ્યમાં ૩૬૦૦૦ પ્રાકૃતપ્રલય થાય છે. ૩.૧૧૦૪ ×૨×૧૦૧૪ × ×૩૬૦૦૦× W ૨૨૪ x ૧૦૧૭ વર્ષ = ૨૨૪ પરાર્ધ વર્ષ પૂરા થતાં પ્રધાનપુરુષની આવરદા પૂરી થાય છે ને તે મૂળમાયામાં લીન પામે છે. ને એવાં અનંત પ્રધાનપુરુષો માયામાં લીન થાય છે. અને મૂળમાયા મૂળપુરુષને વિશે લીન થાય છે તેને મહાપ્રલય અથવા આત્યંતિક પ્રલય કહે છે, ત્યારે મૂળપુરુષ કે જે મૂળભૂત રીતે વાસુદેવબ્રહ્મના સકામ ભક્ત હતા તે વાસુદેવબહ્મના ધામ (બ્રહ્મપુરધામ)માં વાસુદેવની સમીપે જઈને નિવાસ કરે છે. આવી રીતે આત્યંતિક પ્રલય થાય છે.

માયાને ત્રિગુણાત્મિકા કહે છે, એટલે કે માયાને સત્ત્વગુણ, રજોગુણ ને તમોગુણ હોવાથી તે ત્રણગુણ યુક્ત કહેવાય છે. માયાની અંદર રહેલા સર્વે સ્થાનો ને દેહધારીઓ સગુણ કહેવાય, માયાબદ્ધ કહેવાય. પ્રધાનપુરુષ માયાની અંદર રહેલા છે તેથી તે સગુણ છે. પ્રધાનપુરુષથી ઉત્પન્ન થયેલા પણ વિરાટપુરુષના ઉપરી એવા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ છે. વિરાટપુરુષ (કે વૈરાજપુરુષ) અનિરુદ્ધ પાસેથી ઉત્પત્તિ કરવાની સામર્થી પામીને બ્રહ્મા પાસે ઉત્પત્તિ કરાવે છે, પ્રદ્યુમ્ન પાસેથી સામર્થી મેળવીને વિષ્ણુ પાસે સ્થિતિ કરાવે છે, ને સંકર્ષણ પાસેથી સામર્થી પ્રાપ્ત કરીને શિવ દ્વારા પ્રલય કરાવે છે. આમ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્નને સંકર્ષણ એ પણ સગુણ છે.

હવે મૂળપુરુષ જે મૂળમાયા સાથે જોડાઈને જે સૃષ્ટિ રચના કરે છે તેની આવરદા આવી રહે છે ને આંત્યતિક પ્રલય થાય છે ત્યારે મૂળપુરુષનું કાર્ય તેને ચૈતન્યસ્વરૂપ એવી મહાકાળની ભૂમિકા નાશ કરે છે. આ રીતે મહાકાળ એ મૂળપુરુષનું કાર્ય નાશ કરતા હોઈ ચૈતન્યસ્વરૂપ મૂળપુરુષ કરતાં ચૈતન્યસ્વરૂપ મહાકાળનું ઐશ્વર્ય વિશેષ છે. તે જ રીતે બદરિકાશ્રમરૂપી ચૈતન્ય ભૂમિકામાં બિરાજતા નરનારાયણ તે પણ ચૈતન્યમૂર્તિ છે. નરનારાયણ વાસુદેવબ્રહ્મના નિષ્કામ મુક્ત છે ને વાસુદેવબ્રહ્મનું સુખ ભોગવે છે. આમ મૂળપુરુષથી માંડીને મૂર્તિમાન અક્ષર (જે સૃષ્ટિ રચનાનું આદિકારણ છે તેથી મૂળઅક્ષર કહેવાય છે) સુધીની સર્વે ભૂમિકાઓ દિવ્ય ચૈતન્ય છે, તેવી અનંત ભૂમિકાઓ છે. તે દરેકમાં રહેનારા દેહદેહીભાવથી રહિત, સદા સાકારમૂર્તિ ને શાશ્વત છે, પણ એ દરેકનું ઐશ્વર્ય તથા સુખ, નિરાકાર જે અક્ષર (જે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું તેજ છે) તેના દ્વારા અપાયેલું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ઐશ્વર્ય તથા સુખ છે, ને તેથી તે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વયંના સુખ ને ઐશ્વર્યના પ્રમાણમાં અતિ અતિઅલ્પ કે ગૌણ છે. વળી આ બધી ભૂમિકાઓ માયાથી પરની છે, તેથી માયાતીત (માયા + અતીત) કહેવાય છે, વળી માયા નથી ત્યાં માયાના જે ત્રણગુણ તે પણ નથી તેથી તે બધી ભૂમિકાઓ ગુણાતીત પણ કહેવાય છે. અતીત એટલે પર (beyond) માયાથી પર તે માયાતીત, ગુણથી પર તે ગુણાતીત. માયાની અંદરના બધાં સ્થાનોને દેહધારીઓ માયાબદ્ધ ને ત્રણ ગુણયુક્ત તેથી સગુણ, જ્યારે માયાની બહારના ચૈતન્યભૂમિકાના સ્થાન નિર્ગુણ.

શાસ્ત્રમાં એક ને એક શબ્દને જુદા જુદા અર્થમાં પ્રયોજવામાં આવતા હોવાથી ઘણીવાર સમજવામાં ગૂંચ ઉત્પન્ન થતી હોય છે. દા.ત. અક્ષર શબ્દ છે તે નિરાકાર એવું જે તેજ જે શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાંથી નીકળી રહ્યું છે તે સાચેસાચ અક્ષર છે, પણ તે અક્ષર જેને પ્રેરણા કરે છે તે મૂર્તિમાન- સૃષ્ટિકર્તા તે પણ અક્ષર (મૂર્તિમાન) કહેવાય, વળી તેમનામાંથી નીકળતું તેજ તે પણ અક્ષર કહેવાય કે મૂળપુરુષ જે મૂર્તિમાન છે તેમના સ્વરૂપમાંથી નીકળતું તેજ તેને પણ અક્ષર કહેવાય. વળી જેનો ક્ષય નથી થતો, જે ક્ષીણ થતું નથી તે અર્થમાં તેવી દરેક ભૂમિકાને 'અક્ષર' કહેવાય છે. તેવી જ રીતે, બહ્મ શબ્દ, વાસુદેવ શબ્દ, શ્રીકૃષ્ણ શબ્દ વગેરે જુદા જુદા સંદર્ભમાં જુદા જુદા અર્થ સાથે પ્રયોજવામાં આવેલ છે, તેથી યોગ્ય સંદર્ભ મેળવીને તેનો અર્થ રહસ્યાર્થ પ્રદીપિકા ટીકામાં સમજાવેલ છે. દા.ત. અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણ તે ખરેખર તો માયાની અંદર રહેલા ને સગુણ એવા પ્રધાનપુરુષમાંથી ઉત્પન્ન થયેલા ત્રણ પ્રકારના અહંકારેયુક્ત સ્વરૂપો છે, તે જ શબ્દથી નિર્ગુણ સ્વરૂપોને પણ વર્ણવ્યા છે. (પંચાળા પ્ર.ર), તે સૃષ્ટિકર્તા મૂર્તિમાન અક્ષરને અનિરુદ્ધ તરીકે, વાસુદેવબ્રહ્મને પ્રદ્યુમ્ન તરીકે અને મહાકાળને સંકર્ષણ નામે વર્ણવેલ છે. તે નિર્ગુણ એટલે ગુણાતીત ચૈતન્ય સ્વરૂપોનું વર્ણન છે.