નિવેદન

જીવાત્માની આધ્યાત્મિક ઉત્ક્રાંતિની ચરમસીમા સર્વાવતારી પરમાત્માના દિવ્યસ્વરૂપમાં અનાદિમુક્તની-કૈવલ્યમુક્તની આત્યંતિક સ્થિતિ છે. એ સ્થિતિ પ્રાપ્ત કરાવવાના કેવળ કરુણાસભર ઉદ્દેશ્યથી સર્વોપરી પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાને પ્રગટ થઈ મુમુક્ષુઓની વિવિધ કક્ષાઓને લક્ષ્યમાં રાખી ઉપદેશામૃતની વર્ષા કરી. એ ઉપદેશામૃતને સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામી, સ. ગુ. શ્રી મુક્તાનંદ સ્વામી, સ. ગુ. શ્રી નિત્યાનંદ સ્વામી, સ. ગુ. શ્રી બ્રહ્માનંદ સ્વામી, સ. ગુ. શ્રી શુકાનંદ સ્વામી જેવા મહાન સદગુરુઓએ ગ્રંથસ્થ કરી 'વચનામૃત' ગ્રંથ તૈયાર કરી સમગ્ર માનવકુળને ઉપકૃત કર્યું છે. એમાં રહેલા ગહન આધ્યાત્મિક રહસ્યોને સમજાવવા માટે શ્રીહરિના સંકલ્પથી પ્રગટ થયેલા અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીએ 'રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા' રચી પ્રભુના કાર્યમાં અદ્વિતીય ફાળો આપી અભિવૃદ્ધિ કરીને સારા ય સત્સંગને બદલો ન વાળી શકાય એવો ઋણી બનાવી દીધો છે.

શ્રીમુખ વાણી વચનામૃત તથા તેની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકાના નિત્યપઠન અને અભ્યાસ વખતે ઉદભવતા કેટલાક પ્રશ્નો જેમ કે કેટલાક શબ્દોના અર્થ, શાસ્ત્રોક્ત રીતે વર્ણવેલ બ્રહ્માંડની રચના, આધ્યાત્મિક સ્તરો, કેટલાક આધ્યાત્મિક રહસ્યો-વગેરે અનેક મુદ્દાઓ સરળતાથી સમજી શકાય એવા મહત્ત્વના હેતુને ધ્યાનમાં રાખી અ. મુ. પૂજ્ય શ્રી નારાયણભાઈએ સેવકો પાસે પોતાના માર્ગદર્શન હેઠળ એક માર્ગદર્શિકા તૈયાર કરાવેલી. તેના આધારે 'વચનામૃત માર્ગદર્શિકા' શીર્ષક હેઠળ આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. એનો ઉદ્દેશ્ય કેવળ અભ્યાસુની સરળતા માટે છે. આ ગ્રંથને વાચકની સગવડતા ખાતર ત્રણ વિભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.

આ પ્રથમ વિભાગમાં સર્વોપરી ભગવાનના પ્રગટ થવાના હેતુ, અસાધારણ લક્ષણ, જગતનું વર્ણન, બ્રહ્માંડની રચના, આધ્યાત્મિક સ્તરોની રૂપરેખા, શાસ્ત્રોના પ્રમાણ વચનો, આધ્યાત્મિક રહસ્યો વગેરે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાના રજત જયંતિ પ્રસંગના ઉપલક્ષે પ્રકાશિત થયેલ આ માર્ગદર્શિકા વચનામૃતનો તલસ્પર્શી અભ્યાસ કરવાની જિજ્ઞાસાવાળા મુમુક્ષુઓને ચોક્કસપણે આવશ્યક ભાથું પૂરું પાડશે એવી અમારી શ્રદ્ધા અસ્થાને નહિ ગણાય.

અંતમાં પરમાત્મા શ્રી સ્વામિનારાયણ ભગવાન, પરમકૃપાળુ બાપાશ્રી, મહાન સદગુરુશ્રીઓ તથા સંસ્થાના પ્રેરણામૂર્તિ વાત્સલ્યમૂર્તિ સદગુરુવર્ય અ. મુ. પૂજ્ય શ્રી નારાયણભાઈની સદાય વરસતી કૃપાવર્ષા આપણ સૌને નવપલ્લવિત કરતી રહે એવી હાર્દિક પ્રાર્થના!

સં. ૨૦૬૩, મહા વદ ચૌદસ

ઈ. સ. ૨૦૦૭, ૧૬ ફેબ્રુઆરી

પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન