• અનાદિ મહામુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીનાં દિવ્ય સંસ્મરણો (વિભાગ ૨)

0:000:00

વિભાગ ૨

આ બધાં તીર્થાટન દરમિયાન મુક્તરાજ અબજી-બાપાશ્રીનો એક જ ભાવ- કેવી રીતે વધુ ને વધુ જીવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપમાં જોડાય ! પોતે કહેતા : ‘‘એક જીવને ઉગારો તો એક બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય થાય, કારણ કે તેને ચોરાસીમાં અનંત વાર મરવું અને અવતરવું પડે તે મટી ગયું, એમ બ્રહ્માંડ ઉગાર્યા જેટલું પુણ્ય કહ્યું.’’ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજીની ઇચ્છાથી જાણે શ્રી સ્વામિનારાયણની કૃપા વરસાવવા નીકળ્યા ન હોય ! તેમ મુક્તરાજશ્રીની સર્વ ક્રિયામાં અલૌકિકતા જણાઈ આવતી. સભામાં અબજીબાપાશ્રી વાત કરતા : ‘‘અક્ષરધામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનની જે દિવ્ય મૂર્તિ છે તે મૂર્તિ તથા સંવત ૧૮૩૭માં શ્રી છપૈયાપુરમાં પ્રગટ થયા તે મનુષ્યરૂપ મૂર્તિ તથા અત્યારે પ્રતિમા સ્વરૂપે દર્શન દેતી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ તે એક જ છે અને સ્વયં પોતે છે. અત્યારે આ સભામાં દિવ્ય સ્વરૂપે શ્રીહરિજી પ્રત્યક્ષ બિરાજે છે, આપણાં અહોભાગ્ય છે કે જેમને દેહ મૂકીને પામવાના છે તે દેહ છતે જ મળ્યા છે.’’ -આમ વાત કરે, ને મુમુક્ષુઓનાં અંતર શ્રીહરિજીના દિવ્ય સ્વરૂપમાં ખેંચાઈ જતાં. ગામેગામ, ઘરેઘર- જ્યાં જ્યાં અબજીબાપાશ્રી વિચર્યા ત્યાં બાળ-યુવાન-વૃદ્ધ જે જે એમના સંસર્ગમાં આવ્યા તેમને દિવ્યતાની લહાણી કરી દીધી. ‘‘અમે તો શ્રી સ્વામિનારાયણની ઇચ્છાથી તેમની મૂર્તિને પમાડવા નીકળ્યા છીએ ! કોઈ લો ! કોઈ લો !’’ -એમ કહેતા !

એક વાર છપૈયા જતાં મથુરા સ્ટેશને ગાડી ઊભી હતી, ને સંતો-હરિભક્તોના સંઘથી વીંટાયા થકા અબજીબાપાશ્રી શ્રીહરિજીની દિવ્યતાની પ્રસાદીરૂપે સૌ કોઈને પતાસાં વહેંચતા હતા. એક અંગ્રેજ ભાઈ પ્લેટફોર્મ ઉપર ઊભા હતા, તેમણે તે જોયું. શું ખબર એમના મનમાં શું થયું, પણ તે ય અબજીબાપાશ્રી પાસે આવ્યા, ને હાથ લંબાવ્યો ! બાપાશ્રીએ તેમને ય પતાસાં આપી હાથ ભરી દીધો. પછી બાપાશ્રી કહેઃ ‘‘સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી આ જીવને પણ આ સંત-હરિભક્તોના જેવી પ્રાપ્તિ થઈ ગઈ !’’ પતાસાંના નિમિત્તે આત્યંતિક કલ્યાણ દઈ દીધું. આ રીતે કેવળ કૃપાથી અનેક જીવોને શ્રીજીમહારાજના સુખના અધિકારી બનાવી દીધા.

અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી કેટલાય હરિભક્તોને તેમના મનની વાત જાણી અંતર્યામીપણે કહી દેતા, તો કેટલાકને નિરાવરણ સ્થિતિ પમાડતા. લુણાવાડાના પ. ભ. હરિભક્ત રણછોડલાલ કે જે પ. ભ. કાશીરામભાઈ પ્રોફેસરના મોટાભાઈ હતા તે પોતે મોરબી રાજ્યના સરન્યાયાધીશ હતા, તેઓ વૃષપુર અબજીબાપાશ્રીનાં દર્શન-સમાગમે ગયા. તેમણે બાપાશ્રીને જમવા દાડમ આપ્યું. બાપાશ્રી તે જમ્યા, ને તે વખતે જે ચાકળા ઉપર બાપાશ્રી બેઠા હતા તેને ઊંચો કરી તેની નીચે પડેલો દાણો લઈ રણછોડલાલભાઈને બાપાશ્રીએ આપ્યો. પછી કહ્યું કે દહીંસરા ગામમાં કેસરાભાઈ મોટા મુક્ત છે તેમનાં દર્શને જાઓ. રણછોડલાલભાઈ તે મુજબ દહીંસરા ગયા ને કેસરાભાઈનાં દર્શન કર્યાં ને શ્રીહરિજીની વાતો કરવાની વિનંતી કરી. તે વખતે કેસરાભાઈ કહે : ‘‘બાપ ! હું શું જાણું ભાઈ ! તમે બાપાશ્રીને દાડમ જમાડ્યું અને એક દાણો તમને ચાકળા હેઠળથી આપ્યો !’’ રણછોડલાલભાઈ તો સાંભળી જ રહ્યા ! જે પ્રસંગે અબજીબાપાશ્રી ને રણછોડલાલભાઈ સિવાય અન્ય કોઈ હાજર જ ન હતું, ને જે પ્રસંગ વૃષપુરમાં ગામમાં બનેલો, તેની અક્ષરસઃ વાત કેસરાભાઈ દહીંસરામાં કરતા હતા. રણછોડલાલભાઈની નમ્રતાપૂર્વકની વિનંતી પછી કેસરાભાઈએ કહ્યું : ‘‘અબજીબાપાશ્રીએ મારા ઉપર કૃપા કરીને મને નિરાવરણ કર્યો છે ! અહીં રહ્યે રહ્યે જ બધે દેખાય-સંભળાય છે !’’

કેટલાક હરિભક્તોને દેહને અંતે શ્રીજીમહારાજ સાથે દર્શન દઈ અબજીબાપાશ્રી ધામમાં તેડી જતા, તો કેટલાકને આયુષ્ય ન હોય તો પણ રાખતા. ધ્રાંગધ્રાના પ. ભ. મોહનભાઈને અબજીબાપાશ્રીએ દર્શન દઈ કહ્યું કે તમને આવતી પૂનમનાં રોજ બાર વાગ્યે ધામમાં તેડી જઈશું. આ વાત મોહનભાઈએ પોતાના પિતાને કહી. તેથી તેમણે ધ્રાંગધ્રાથી વૃષપુર બાપાશ્રી ઉપર તાર કર્યો કે મોહનના બદલામાં મને લઈ જાઓ, પણ એને રાખો. તે તાર ભૂજની તાર-ઓફિસે ઉતાર્યો. તે તાર લઈને ભૂજના સોની મોતીભાઈ વૃષપુર અબજીબાપાશ્રી પાસે ગયા, તે વખતે વૃષપુરમાં વઢવાણના ડૉ. મણિલાલભાઈ હાજર હતા, તેમણે તે તાર વાંચી સંભળાવ્યો. બાપાશ્રી તેમને પૂછે છે : ‘‘શું કરવું ખપે ?’’ મણિલાલભાઈ તથા મોતીભાઈ કહે : ‘‘બાપા! ગૃહસ્થને તો પુત્રનો ખપ ઘણો !’’ બાપાશ્રી કહે : ‘‘ભલે, તેને તાર કરો કે તમારી પ્રાર્થના મંજૂર રાખી છે.’’ (‘Request Granted’ -એમ તાર કરાવ્યો હતો.) તે વખતે મોહનભાઈને ધ્રાંગધ્રા ફરી વાર દર્શન થયાં ને બાપાશ્રીએ કહ્યુંઃ ‘‘હવે તને હમણાં રાખશું.’’ મોહનભાઈ સાજા થઈ ગયા ને તેમના પિતાશ્રીને શ્રીજીમહારાજ તથા બાપાશ્રી દર્શન દઈ ધામમાં તેડી ગયા. આ આખી વિગત જાણી ભૂજ તારઓફિસના તાર માસ્તર મણિલાલભાઈ આશ્ચર્ય પામી ગયા ને મહિમા જાણી સત્સંગી થઈ ગયા !

અબજીબાપાશ્રી કહેતા : ‘‘ગાજવીજથી દાણા ન પાકે ને વરસાદથી દાણા પાકે, તેમ પરચા-ચમત્કાર જોવા-જાણવાથી શ્રીજીમહારાજનું સર્વોપરીપણું-કર્તાપણું-સાકારપણું- સુખદાતાપણું તે રૂપ સ્વરૂપનિષ્ઠા દૃઢ કરવાથી મહારાજ ને મુક્તોનો મહિમા સમજાય ને મૂર્તિનું સુખ મળે. એ મૂર્તિના સુખમાં પહોંચ્યા પછી ધામનું સુખ તે પણ શું ? અને મુક્તનું સુખ તે પણ શું ? એવું એ મૂર્તિનું અલૌકિક, અનુપમેય સુખ છે. માટે મૂર્તિમાં જ જોડાવું.’’ એ રીતે શ્રીજીમહારાજના સ્વરૂપની યથાર્થ સમજણ આપી કેટલાક હરિભક્તોના ઘાટ-સંકલ્પ ટાળી જ્ઞાન-ધ્યાન દૃઢ કરાવતા, તો કેટલાક સંત-હરિભક્તોને શ્રીજીમહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરાવતા. સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીના સાધુ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી એક વૃષપુર મંદિરમાં દૃષ્ટિ સ્થિર કરી શ્રીજીમહારાજની મૂર્તિ (પ્રતિમા)નાં દર્શન કરતા હતા. તે વખતે અબજીબાપાશ્રી ત્યાં દર્શને પધાર્યા. સ્વામી પુરુષોત્તમપ્રિયદાસજીને એકતાર વૃત્તિથી દર્શન કરતાં જોઈ બાપાશ્રી બહુ પ્રસન્ન થયા, તેમના માથે હાથ મૂકી કહ્યું : ‘‘આમ ને આમ મૂર્તિ સામું જોઈ રહેજો !’’ -ત્યાં તો તેમને શ્રીજીમહારાજની મૂર્તિમાંથી અપાર તેજ ને સુખ નીકળતું અનુભવ્યું ને તે મૂર્તિમાં અનંત મુક્તો સોંસરા દેખાવા લાગ્યા. જેમ બિલોરી કાચમાં અનંત રૂપ દેખાય તેમ અનંત મુક્તોને એકબીજામાં નિરાવરણ જોઈ નેત્ર સ્થિર થઈ ગયાં ! એમ ઘણી વાર સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા. પછી બાપાશ્રી કહે : ‘‘કેમ ! મૂર્તિનું સુખ કેવું !’’ ત્યારે તે કહે : ‘‘બાપા ! બહુ દયા કરી, મને કૃતાર્થ કર્યો.’’ એમ અબજીબાપાશ્રીએ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને મૂર્તિનો અલૌકિક ભાવ બતાવી સુખિયા કર્યા. આવી રીતે કેટલાય સંત-હરિભક્તો અબજીબાપાશ્રીની કૃપાથી શ્રીજીમહારાજની મૂર્તિના સુખે સુખિયા થયા હતા.

અનેક જીવોને શ્રીજીમહારાજમાં જોડવાના સંકલ્પના એક ભાગ રૂપે જ અબજીબાપાશ્રીએ અવારનવાર યજ્ઞ-પારાયણો કરાવ્યાં કે જુદાં જુદાં ગામોમાં સમૈયા-ઉત્સવ-પારાયણ-યજ્ઞ પ્રસંગે પધાર્યા. અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ વૃષપુરમાં છ મોટા યજ્ઞ-પારાયણો કર્યા હતા. સં. ૧૯૫૯માં ‘સત્સંગિજીવન’ અને ‘શિક્ષાપત્રીભાષ્ય’નું પારાયણ કરાવ્યું હતું. સં. ૧૯૭૧માં વૃષપુર ગામના પાદરમાં આવેલી, શ્રીજીમહારાજની પ્રસાદીભૂત કાળી તળાવડીને કાંઠે છત્રી કરાવીને ત્યાં ચરણારવિંદ પધરાવ્યાં હતાં, ને ‘સત્સંગિજીવન’નું પારાયણ કરાવ્યું હતું ને તે વખતે ‘‘આ છત્રીએ જે કોઈ દર્શને આવશે તેનો આત્યંતિક મોક્ષ થશે.’’ એવા આશીર્વાદ આપ્યા હતા. તે વખતે શ્રીજીમહારાજે ઘણાં ઐશ્વર્ય-પ્રતાપ બતાવ્યાં હતાં. શ્રીજીમહારાજ તથા બાપાશ્રીનાં દર્શન ઘણે ઠેકાણે એક જ વખતે દિવ્યરૂપે થયાં હતાં, ને ઘીના ડબ્બા ખાલી કરીને રાખ્યા હતા તે બાપાશ્રીએ ઘીના ભરેલા દેખાડ્યા ને તે ઘી યજ્ઞમાં વાપર્યું - એવા ચમત્કારો બતાવ્યા હતા. તે જ રીતે સં. ૧૯૭૪માં ‘પુરુષોત્તમ લીલામૃત સુખસાગર’નું પારાયણ, સં. ૧૯૭૮માં ‘સત્સંગિજીવન’નું પારાયણ તથા છત્રીએ ભીડભંજન હનુમાનની સ્થાપના, તથા સં. ૧૯૮૨માં ‘સત્સંગિજીવન’નું પારાયણ કરાવી હજારો સંત-હરિભક્તોને દર્શન સેવા-સમાગમનું અદભુત સુખ આપ્યું હતું. છેલ્લો કથાયજ્ઞ સં. ૧૯૮૪ના ચૈત્ર માસમાં ‘સત્સંગિજીવન’ ગ્રંથનું પારાયણ કરાવી કર્યો હતો. દરેક પ્રસંગે અમદાવાદ ને વડતાલ- એમ બંને દેશવિભાગના હજારો સંત-હરિભક્તોએ ઉપસ્થિત થઈ અલૌકિક લાભ લીધો હતો. તે સમયમાં હાલના જેવી વાહનવ્યવહાર વ્યવસ્થા હતી નહિ. કચ્છમાં જવા માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર-રાજકોટ રેલ્વે લાઇન ઉપર વાંકાનેર સ્ટેશનેથી છૂટી પડતી મોરબી-નવલખી રેલ્વે લાઇનમાં નવલખી જવાતું. ત્યાંથી સ્ટીમલોંચ કે વહાણમાં દરિયાની ખાડી ઓળંગી કંડલા જવાતું. ત્યાંથી ટ્રેન કે અન્ય રીતે ભૂજ જઈ ભૂજથી ગાડાં કે ઘોડાગાડી કે ચાલતાં વૃષપુર જવાતું. આટલી તકલીફની મુસાફરી હોવા છતાં હજારો સંત-હરિભક્તો વર્ષોવર્ષ અબજીબાપાશ્રીનાં દર્શન-સેવા-સમાગમ માટે કચ્છમાં વૃષપુર જતાં.

અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીના સમાગમથી હજારો સંત-હરિભક્તો સુખિયા થયાં. અનેકના સ્વભાવ સંપૂર્ણતઃ બદલાઈ ગયા. કુંભારિયાના મિસ્ત્રી હરજીભાઈ મોટા કોન્ટ્રાક્ટર હરિભક્ત હતા. તેઓ સં. ૧૯૫૦માં ભૂજમાં ‘સત્સંગિજીવન’નું પારાયણ હતું ત્યારે ભૂજ આવેલા ને તેમનો ઉતારો મુક્તરાજ અબજીબાપાશ્રીની જોડે હતો. હરજીભાઈને માટે સાધુઓ સારી રસોઈ કરીને મોકલતા- જમાડતા, નહાવા માટે ગરમ પાણી મોકલતા ને સૂવા માટે ઢોલિયો- વગેરે રખાવતા, તે વખતે હરજીભાઈએ અબજીબાપાશ્રીની પાસેથી શ્રીજીમહારાજ અને મુક્તોના મહિમાની વાતો જાણી, તે એવી અંતર સોંસરી નીકળી ગઈ કે પોતાને એમ થઈ ગયું કે શ્રી સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી, સર્વાવતારી, બ્રહ્મકોટિ-અક્ષરકોટિથી પર એવા મહામુક્ત છે તે મેં જાણ્યા નહિ, ને આવા મોટા મુક્ત આગળ હું ઢોલિયામાં સૂઈ રહું છું તે મારે અપરાધ થયો ! એમ જાણી ઢોલિયેથી ઊતરી અબજીબાપાશ્રીને દંડવત્‌ કર્યા, પ્રાર્થના કરીને અપરાધ માફ કરાવ્યો. પછી તદ્દન સાદો ખોરાક, તે પણ તાંસળામાં ભેગો કરીને તેમાં પાણી મેળવીને જમવા માંડ્યા. વસ્ત્ર પણ સાવ સાદાં પહેરવા માંડ્યા, ને અબજીબાપાશ્રીએ તેમને અતિ આગ્રહ કરી કુંભારિયા મોકલ્યા, ને ત્યાં અલૌકિક ચમત્કાર જણાવી ધામમાં તેડી ગયા.