• દિવ્ય જ્ઞાનામૃત (વિભાગ ૪)

0:000:00

આ સમે જીવને લેવા અક્ષરધામમાંથી શ્રીજીમહારાજના સંકલ્પથી તેમના મુક્ત પધાર્યા છે, તેથી ‘‘દુર્બળનાં દુઃખ કાપિયાં, ન જોઈ જાત કુજાત’’ એવું થયું છે, એમની દૃષ્ટિમાં કે જોગમાં જે આવે તેને ન્યાલ કરે છે. શ્રીજીમહારાજની મૂર્તિમાંથી તેજની છટા છૂટે છે, ત્યાં આ સભા બેઠી છે. આવા મુક્ત મૂર્તિના સુખરૂપ અમૃતનો આહાર કરનારા ક્યાંથી મળે ? શ્રીજીમહારાજે આ સમે સત્સંગમાં ચીંથરામાં રત્ન વીંટીને રાખી મૂક્યાં છે. ઝવેરી વિના હીરા પરખાય નહિ. આવી બ્રહ્મસભામાં જે બેઠા છે, તે તો ઠેઠ અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે બેઠા છે, એમ મહિમા જાણવો. આવા દિવ્ય મુક્તને દર્શને અનંત જન્મનાં કર્મ અને દોષમાત્ર નાશ પામી જાય, પણ મહિમા વિના કાંઈ નહિ. આપણે તો એક શ્રીજીમહારાજની મૂર્તિનું જ તાન રાખવું. રત્નચિંતામણિ કે પારસમણિના દૃષ્ટાંતથી એમનો મહિમા કહેવાય છે, પણ એકે ય દૃષ્ટાંત કે એકે ય ઉપમા તેમને ન અપાય, પણ આ લોકમાં બીજું શું કહેવું ? વર્તમાનકાળે આવા મોટાને જોગે લાખો કરોડો જીવ મૂર્તિના સુખમાં ચાલ્યા જાય છે. જેને અનંત કાળના સુકૃત ઉદય થયાં હોય અને આત્યંતિક મોક્ષ થવાનો હોય તેને આવા મોટા ઓળખાય છે. આવા મુક્તનો જોગ કરીને મૂર્તિમાં જોડાઈ જવું. મૂર્તિ વિના બીજે સુખ નથી અને એટલું તો નક્કી રાખવું કે, મહારાજ ને મોટા કૃપાસાધ્ય છે, તેમણે આપણો હાથ ઝાલ્યો છે. માટે આનંદમાં રહી તેમને ઘડી યે વિસારવા નહિ, ને તેમના વચનમાં વર્તી પોતાનું પૂરું કરી લેવું. જે જાણી જોઈને શ્રીજીમહારાજનાં વચન લોપે છે તેને તો મહારાજે અધર્મી અને વિમુખ કહ્યો છે, તે સૌએ સંભારવું.

શ્રીજીમહારાજના મહિમાનો તથા સુખ-સામર્થ્યનો કોઈ પાર પામી શકે નહિ એવી અલૌકિક દિવ્ય મૂર્તિ આપણને મળી છે, પણ જીવને એવો મહિમા સમજાતો નથી; તેથી દુખિયા રહે છે. માટે મોટા મુક્તનો જોગ કરી મહિમા સમજવો. આવો વખત અને આવો દાવ ભૂલ્યા તો કોઈ રીતે ખામી ભાંગશે નહિ. જપ, તપ, ત્યાગ, વ્રત, સેવા કે ભક્તિ અથવા કોટિ સાધને કરીને પણ શ્રીજીમહારાજ મળે નહિ, એવા મોંઘા છે, પણ આજ દયાએ કરીને સોંઘા થયા છે, એમ જાણી ખબરદાર થઈ ધ્યાન-ભજન કરવું. આજ્ઞા પાળવી ને પૂર્ણકામ માની ‘‘હરિ મેરે હારલકી લકડી’’ની પેઠે મૂર્તિને બાઝી રહેવું. આજ તો નકરો સ્વાંત વરસે છે તે શું ? તો શ્રીજીમહારાજનાં વચન મુક્ત દ્વારે સત્સંગમાં પ્રવર્તે છે. તેમાં જે અધ્ધરથી ઝીલે છે, તે તત્કાળ મુક્ત થાય છે. આમ સમજી મહારાજના હજૂરી ને લાડીલા મુક્તનો જોગ-સમાગમ કરવો.

શ્રીજીમહારાજ આ સમે પોતાના જનને અભયદાન આપી ન્યાલ કરે છે; લાડ લડાવે છે અને અનહદ સુખમાં લઈ જાય છે. દિવ્ય દૃષ્ટિ થાય એટલે ‘અહો ! અહો !’ થઈ જાય. જરાય છેટાપણું ન રહે; અખંડ દેખાય.

આ સભા અને આ મળવું અક્ષરધામનું છે, એમ જે જાણે તે ઠેઠ મૂર્તિના સુખમાં પહોંચે, પણ જીવને અનંતકાળના માયાના પાશ લાગ્યા છે; તેથી આવી વાત જીવમાં ઊતરતી નથી. નહિ તો શ્રીજીમહારાજ તથા મોટાના સંબંધે તત્કાળ મોક્ષ થઈ જાય; વાર ન લાગે.

શ્રીજીમહારાજ અને તેમના મુક્ત કલ્યાણકારી છે, પણ મનુષ્યભાવને લઈને જીવને મહિમાની ખબર ન પડે. તેથી અંતરાય રહે અને અસદ્‌ભાવ પરઠે, એટલે રહી જાય. આ વાત બહુ અટપટી છે, તેથી કેટલાક ઘણાં વર્ષ થયા સત્સંગમાં રહ્યા હોય છે, પણ ટાણું આવે ત્યારે મહિમા ન જાણી શકે.

એક વખત શ્રીજીમહારાજે સભામાં અનાદિ મુક્તરાજ પર્વતભાઈ પાસે વાતો કરાવી ત્યારે સભામાંથી એક સાધુને સંશય થયો જે શ્રીજીમહારાજ આવા મોટા સંત જે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માંનંદ સ્વામી જેવા પાસે વાતો કરાવવી મૂકીને આવા પાસે વાતો કરાવે છે, તે આવી મોટી સભામાં તે શું વાતો કરે ? આટલા જ સંકલ્પમાં કેવડું બધું નુકસાન થઈ ગયું, તેની એમને એ ટાણે ક્યાંથી ખબર પડે ? કેમ કે સભામાં પોતે વાતો કરી જાણતા હતા તેનું માન હતું, તેથી મોટા મુક્તનો મહિમા હાથ આવેલ નહિ. પછી જ્યારે એ સાધુને દેહ મૂકવાનો સમય થયો ત્યારે શ્રીજીમહારાજ દર્શન આપે પણ તેડી જાય નહિ, તેમ મંદવાડ લાંબો ચાલ્યો, તેથી સેવા કરનાર સાધુ થાક્યા, દુઃખ પણ વધુ થવા લાગ્યું. પછી તો બહુ પ્રાર્થના કરે જે, ‘હે શ્રીજીમહારાજ ! મને કેમ તેડી જતા નથી ? મારો શું વાંક છે ?’ ત્યારે શ્રીજીમહારાજે કહ્યું કે, ‘‘તમારો બીજો વાંક તો નથી, પણતમે અમારા મોટા મુક્ત જે પર્વતભાઈ તેની વાતોમાં સંશય કર્યો હતો, તેથી એ કહે તો અમે તેડી જઈએ, તમે હવે એમની પ્રાર્થના કરો.’’ - આમ વાત કરી ત્યારે એ ભૂલ ઓળખાઈ, પછી તો પશ્ચાત્તાપ કરી પર્વતભાઈની સ્તુતિ કરવા લાગ્યા, એટલે તુરત પર્વતભાઈનાં દર્શન થયાં ને તે જ વખતે પર્વતભાઈએ શ્રીજીમહારાજને હાથ જોડીને કહ્યું કે, ‘‘શ્રીજીમહારાજ ! આ સંતને કૃપા કરી સુખેથી તેડી જાઓ !’’ એટલે શ્રીજીમહારાજ તેમને રાજી થઈ તેડી ગયા. આવી વાતો સત્સંગમાં થાય છે અને કેટલાક કહી દેખાડે છે, પણ ટાણું આવે ત્યારે પાછું એમનું એમ કરે, તેથી જીવને જન્મ-મરણ મટતું નથી. નહિ તો શ્રીજીમહારાજ અથવા મોટા મુક્તને હેતે સહિત એક જ વાર હાથ જોડે એટલામાં કલ્યાણ થઈ જાય.

શ્રીજીમહારાજની દયાનો પાર નથી. એ તો જીવોને ન્યાલ કરવા આવ્યા છે. આ સમે સત્સંગમાં જે આવ્યા છે, તેનાં બહુ મોટાં ભાગ્ય છે.

આપણે તો એક શ્રીજીમહારાજ સામી નજર રાખવી. ઐશ્વર્ય, ચમત્કાર, પરચા કે સમાધિ- એ કાંઈ અખંડ ન કહેવાય; એમાં કાંઈ નહિ. કોઈને સમાસ કરવા શ્રીજીમહારાજ દેખાડે તે ભલે, પણ સુખ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં જ છે. એ મૂર્તિ દિવ્ય તેજોમય છે. માંહિ અનંત કોટિ મુક્ત છે, એ મૂર્તિના એક એક રોમમાં અનંત બ્રહ્માંડ ઊડતાં ફરે છે. એવી મોટપ આપણાં શાસ્ત્રોમાં લખી છે. આવા મહાપ્રભુ અને તેમના લાડીલા મુક્ત મળ્યા પછી બીજો કાંઈ સંકલ્પ જ ન રાખવો ને કાંઈ ઐશ્વર્ય, પરચા, ચમત્કાર જોવા-પામવા ઇચ્છવું નહિ.

આજ તો કલ્યાણ થવું સાવ સુગમ છે. લાખો-કરોડો જન્મે આવો જોગ ન મળે, તે આ ટાણે સહેજમાં મળ્યો છે. આ બધી શ્રીજીમહારાજની દયા છે. શ્રીજીમહારાજ તથા મોટા મુક્તનો તો એક જ ઠરાવ છે કે જીવને માયામાંથી બહાર કાઢી ચૈતન્યમાં મૂર્તિ પધરાવવી, દિવ્ય કરી, સુખિયા કરી દેવા. આવી વાત મોટાના જોગ વિના સમજાતી નથી. જો ખબરદાર થઈને મોટાનો વિશ્વાસ લાવી એ જેમ કહે તેમ કરવા માંડે, તો એક મિનિટમાં મોટા તેનું પૂરું કરી દે, પણ પ્રત્યક્ષ હોય ત્યારે ઓળખવા કઠણ.

શ્રીજીમહારાજની મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત તો સદાય દિવ્ય હોય. તેને આ લોક, ભોગ કાંઈ નજરમાં જ હોય નહિ.

અક્ષર પર આનંદઘન જે પોતાનું તેજ, તેમાં શ્રીજીમહારાજ અનંત મુક્તોએ સહિત અખંડ દર્શન દે છે; ત્યાં તેજના બંબ છૂટે છે ને એ મૂર્તિમાંથી તરેહ તરેહની ખુશબો આવે છે. એથી એ દિવ્ય મુક્તો આનંદમાં ગરકાવ ને પૂર્ણકામ રહે છે. ત્યાં આપણે રહેવું. શ્રીજીમહારાજ જરાય છેટા નથી, દિવ્ય દૃષ્ટિ ન હોય એટલે શાસ્ત્રમાં ખોળે, કાં જપ, તપ, વ્રત આદિ સાધન કરે, પણ તે બધું ય બહિર્દૃષ્ટિએ - તેથી આ વસ્તુ હાથ ન આવે. મોટાનો તો એક જ સિદ્ધાંત છે કે એક મટકું ભરીએ એટલી વાર પણ મૂર્તિથી જુદા ન પડવું. મૂર્તિ વિના બીજી ઇચ્છા રહે તે દુષ્ટ વાસના કહેવાય. એવી વાસનાવાળાને સુખ ન આવે. માટે કરી કરીને કરવાનું એ જ છે કે શ્રીજીમહારાજ વિના બીજું કાંઈ વહાલું રાખવું નહિ.

શ્રીજીમહારાજનો રસ આવે, તે જ ખરો સુખિયો છે. એ ન આવે ત્યાં સુધી કાંઈ નહિ; માટે લૂખા ન રહેવું. અને આવી દિવ્ય સભામાં શ્રીજીમહારાજના હજૂરી મુક્ત હોય તેને ઓળખીને જોગ-સમાગમ કરી લેવો. એ જ્યાં બેઠા હોય ત્યાં કાળ, કર્મ, માયાનું કાંઈ ચાલી શકે નહિ, એવું એમનું સામર્થ્ય છે. એમને તો મૂર્તિ વિના બીજો રસ જ નથી. આવાં દિવ્ય શાસ્ત્ર પણ એવા અનાદિમુક્તના સમાગમથી જ સમજાય, જો પોતાની મેળે સમજવા જાય તો ખરી વસ્તુ રહી જાય. માટે એવા મોટાને ઓળખીને ખરેખરો મહિમા સમજવો અને તેમને પોતાનું જીવનપણું માનવું તે વિના બળ ન આવે. જેમ શ્રીજીમહારાજ દિવ્ય છે, તેમ મોટા અનાદિ દિવ્ય છે. તેમ જ તેમના જોગ-સમાગમવાળા પણ સર્વે દિવ્ય જાણવા.

શ્રીજીમહારાજ તથા તેમના અનાદિમુક્ત બહુ મોંઘા છે, પણ વર્તમાનકાળે સોંઘા થઈ દર્શન દે છે, એ લાભ બહુ જબરો મળ્યો છે, એમ જાણી મૂર્તિ વિના બીજે ક્યાંય પ્રીતિ રાખવી નહિ; ને આવી અલૌકિક દિવ્ય સભામાં ભાગ રાખવો. અક્ષરધામમાં તેજોમય દિવ્ય મૂર્તિ અને અહીં મનુષ્યરૂપ શ્રીજીમહારાજ એ બેમાં રોમનો ફેર નથી, તેમ આ સભા અને ધામની સભામાં અણું જેટલું ય છેટું નથી. આવી શ્રીજીમહારાજની અલૌકિક દિવ્ય મૂર્તિ અને દિવ્ય સભા મળ્યા પછી બીજે ઠેકાણે વાસના રહે તે મોટી ખોટ કહેવાય, એમ જાણી એક મૂર્તિ જ રાખવી ને બીજે બધેયથી વૃત્તિ ઉખાડી લેવી. એક મૂર્તિ રહી તો જાણવું જે બધું ય રહ્યું; અને એમના વચનમાં ક્યારે ય ફેર પાડવો નહિ, તો રાજી થાય. કેટલાક મનનું કહ્યું માનીને ભગવાનનાં વચન લોપી નાખે છે, તેને શ્રીજીમહારાજે વચનામૃતમાં ચંડાળ અને મહાપાપી કહ્યા છે.

મંદ મંદ શીતળ ને શાંત એવું ધામનું સુખ છે. તે કરતાં મૂર્તિમાં અનંતગણું સુખ છે, તે જેને મૂર્તિનો સાક્ષાત્કાર થાય તેને ખબર પડે.

આજ તો રોકડું કલ્યાણ છે, ઉધારાની વાત નથી, કેમ કે બ્રહ્માંડની અર્ધી આવરદાએ ભગવાન એક વાર આવે છે, એમ લખ્યું છે, તે મૂર્તિ આપણને મળી છે. માટે આ છેલ્લી વારની લીલા છે. એમ સમજાય તો ટુકટુક થઈ જવાય. શ્રીજીમહારાજ અને મુક્ત સર્વે દિવ્ય તેજોમય છે. આ તો બધું ય સાકરનું નાળિયેર છે. માટે એ મૂર્તિને પામવા ખરેખરા પાત્ર થઈ જવું, તો શ્રીજીમહારાજ ને મોટાનો રાજીપો થતાં વાર ન લાગે. જેને પાત્ર થવું હોય તેને ધ્યાન કરવું, માળા ફેરવવી, સત્સંગમાં દિવ્યભાવ લાવવો અને શ્રીજીમહારાજની મૂર્તિમાં અખંડ એકતાર વૃત્તિ જોડી રાખવી. આ બધું પાત્ર થવાનું કારણ છે. એમ કરવા માંડે એટલે એની મેળાએ કૃપા થાય, જરાય વાર ન લાગે.

પ્રેમી, જ્ઞાની, અનુભવી અને અનાદિ એમ ચાર પ્રકારના મુક્તના ભેદ છે. આ ચાર પ્રકારના મુક્તનાં સુખભોક્તાપણામાં ફેર એટલે ફેર. પ્રેમી એક ઠેકાણે મૂર્તિમાં ડૂબી રહે અને સુખ ભોગવે, પણ ક્યા અંગમાંથી સુખ આવે છે તે જાણે નહિ અને જ્ઞાની જાણે જે આ અંગમાંથી આ સુખ આવે છે. અનુભવી તો મૂર્તિનાં અંગોઅંગમાં જેટલા દેખાય એટલાં સુખ ભોગવે, પણ નવાં નવાં ઇચ્છે નહિ અને અનાદિ તો મૂર્તિમાં સળંગ રહ્યા થકા સુખ ભોગવે છે; અને નવાં નવાં ઇચ્છે છે તેમ તેમ શ્રીજીમહારાજ પણ તેમને નવાં નવાં સુખ આપતા જ જાય છે. એ અનાદિ સુખ લેવામાં પૂર્ણ થતા નથી અને મહારાજ તેને સુખ આપવામાં પૂર્ણ થતા નથી. એવી તેમની અલૌકિક રીત છે.

શ્રીજીમહારાજની વ્યતિરેક મૂર્તિનું સુખ આપણને મળ્યું છે. આ વાત જીવમાં ઊતરે તો ગાંડુ થઈ જવાય, એટલે જગતમાં કોઈ તેને ગણે નહિ અને એ પણ શ્રીજીમહારાજ વિના બીજા કોઈને ગણે નહિ, માટે સમજણ ખરેખરી કરી દેવી. શ્રીજીમહારાજ તથા મોટા મુક્ત પ્રત્યક્ષ મળ્યા છે, એ વાતનો કેફ રાખવો ને તેમની સાથે રસબસર થઈને જોડાઈ જવું ને એમ જાણવું જે મારું કલ્યાણ તો થઈ જ રહ્યું છે. જો ખરેખરો પાત્ર થઈ જાય, તો સળંગ સુખની ધારાઓ છૂટે, વાર ન લાગે.

શ્રીજીમહારાજ અને મોટા મુક્ત વિચરે ત્યાં પૃથ્વી, વસ્ત્ર, વાહન આદિ સર્વ દિવ્ય થઈ જાય, એવું એ મૂર્તિમાં નિર્ગુણપણું છે; માટે મનુષ્યભાવ ટાળી સદાય દિવ્યભાવ રાખવો. જ્યાં સુધી એમને વિષે મનુષ્યભાવ રહે છે; ત્યાં સુધી સુખ મળતું નથી. જેથી જ્યાં ત્યાં ભમે છે, પણ જો શ્રીજીમહારાજ તથા મોટાનો ખરેખરો વિશ્વાસ આવે ને એ કહે તેમ કરે તો એ તત્કાળ પૂરું કરી આપે.

આપણે તો દિવ્ય શ્રીજીમહારાજ, દિવ્ય મુક્ત, દિવ્ય સેવા- એ સર્વે આ ટાણે વગર દાખડે મળી ગયું છે, તેથી પૂર્ણકામ માનવું. મહારાજની મૂર્તિ વિના અક્ષરનો અધિકાર મળ્યો હોય તો ય શું ? આ તો અનાદિમુક્તનો દરજ્જો એ છેલ્લી સ્થિતિ છે. એ પંક્તિમાં મહારાજે દયા કરીને આપણને ભેળવ્યા છે. માટે કોઈ વાતનું અપૂર્ણપણું માનવું નહિ. તેમ દેહરૂપ થઈને શ્રીજીમહારાજની નાની મોટી કોઈ આજ્ઞા લોપવી નહિ. જો દેહને વશ થઈને શ્રીજીમહારાજની આજ્ઞામાં ફેર પાડે તો બધોય દાખડો ધૂળમાં મળી જાય. માટે એ જાળવવું.

શ્રીજીમહારાજ દિવ્યરૂપ અમૃતદૃષ્ટિ કરી રહ્યા છે. તેમના હજૂરી મુક્ત પણ સાથે જ છે માટે સૌ આમ ને આમ દિવ્યભાવ રાખજો. આવી બ્રહ્મસભામાં જે દોષ પરઠે તેને બહુ મોટી ખોટ આવે. આ તો અલૌકિક વાત છે.

આપણે શ્રીજીમહારાજના દીકરા છીએ, તેથી સદાય આનંદમાં ને આનંદમાં રહેવું, કેમ કે શ્રીજીમહારાજની પ્રાપ્તિ થવી જીવને બહુ દુર્લભ ! સાધને કરીને કે જપે, તપે કરીને ન થાય. આપણને તો બગાસું ખાતાં મોઢામાં સાકરનો ગાંગડો આવી ગયા જેવું થયું છે. શ્રીજીમહારાજ જેવા સર્વોપરી ભગવાન અને તે મૂર્તિમાં રહેનારા અનાદિમુક્ત આ લોકમાં ક્યાંથી હોય ? આ તો શ્રીજીમહારાજ જીવો ઉપર દયા કરી દૃષ્ટિગોચર થયા, તેથી સુગમ થયું છે. માટે મૂર્તિ વિના બીજો ઘાટ ન કરવો. શ્રીજીમહારાજનો પ્રતાપ બહુ જબરો છે. એ દિવ્ય મૂર્તિનાં દર્શને અનંત કોટિ બ્રહ્માંડનાં આવરણ ભેદી જવાય, વાર ન લાગે.

જીવ બીજાં ગમે તેટલાં સાધન કરે, પણ જ્યારે મૂર્તિમાં વૃત્તિ રહેવા માંડે, ત્યારે મોટા ગુણ આવે ને ‘અહો ! અહો !’ થાય. માટે મૂર્તિ વિના તો વર વિનાની જાન જેવું કહેવાય. આ સમે જોગ બહુ સારો આવ્યો છે, તેથી કેટલાક મોટાનાં વચનમાં વિશ્વાસ લાવીને શ્રીજીમહારાજને જેમ છે તેમ જાણી પોતાનું કામ કરીને ચાલ્યા જાય છે અને કેટલાક જૂનાપણાના માનવાળા તથા વિશ્વાસ વિનાનાં ગોથાં ખાય છે. તેને મોટી ખોટ આવે છે. આ વખત ખરેખરો છે. કહેનારા પણ તેવા જ છે. આવો જોગ ફરીફરીને ન આવે.