૧. નિવેદન
કોઈએ ક્યારેય ન અનુભવ્યું હોય કે ક્યારેય કલ્પના પણ ન કરી હોય તેવું - અકલ્પ્ય ને અદભુત સુખ શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રસબસપણે થીજી જઈ એ સુખને અખંડ અનુભવી રહ્યા છે. જગતના જીવો શ્રી સ્વામિનારાયણ ભગવાનના કે તેમના અનાદિમુક્તના યોગે કરીને એ અદભુત સ્વરૂપના સુખની પ્રાપ્તિ કરી શકે.
અનેક જીવોને શ્રી સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપમાં જોડવા માટે જ વિચરણ હતું જેમનું એવા અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રી સં. ૧૯૦૧માં કચ્છ જિલ્લામાં પ્રગટ થયા, ૮૪ વર્ષ સુધી દર્શન દીધાં ને અનેકને સુખિયા કર્યા.
અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીનાં દિવ્ય સંસ્મરણો ટૂંકમાં આ સાથે આપ્યા છે. એમનું વિસ્તૃત જીવનચરિત્ર સ. ગુ. મુનિ સ્વામિ કેશવપ્રિયદાસજી સ્વામીશ્રીએ ‘અબજીબાપાશ્રીનું જીવનવૃત્તાંત’ તરીકે લખી પ્રકાશિત કરાવ્યું છે, જેમાં મુનિસ્વામીશ્રીએ પોતાના જ્ઞાનગુરુ અબજીબાપાશ્રીના જીવનના દિવ્ય પ્રસંગો યથાવત્ પ્રેમથી ગૂંથ્યા છે. તેમ જ મુક્તરાજ સોમચંદભાઈ જીવરાજભાઈ મહેતાએ અતિશય જહેમત લઈ ઘેર ઘેર ફરી અબજીબાપાશ્રીના જીવન અંગેની માહિતી એકત્રિત કરી હજારથી વધુ પાનાંમાં વિશદ જીવનચરિત્ર લખ્યું છે, જે સં. ૧૯૯૮માં શેઠ હીરજીભાઈ ચાવડાએ સ. ગુ. ઈશ્વરચરણદાસજી સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં છપાવી પ્રસિદ્ધ કર્યું હતું.
‘અબજીબાપાશ્રીના જીવનચરિત્ર’માં સભાપ્રસંગે સંત-હરિભક્તો આગળ અબજીબાપાશ્રી શ્રીજીમહારાજ તથા અનાદિમુક્તોના મહાત્મ્યની વાતો કરતા તેનાં ઘણાં વચનો પણ ગૂંથાયેલાં છે. ‘અબજીબાપાશ્રીના જીવનચરિત્ર’ના સંપાદક સંકલનકાર અ. મુ. પ. પૂ. સોમચંદભાઈએ બાપાશ્રીનાં એ દિવ્ય બોધવચનો એકત્રિત કરીને આ ‘દિવ્ય જ્ઞાનામૃત’ નામની પુસ્તિકારૂપે અલગ છપાવેલાં. પ્રથમ એ ‘અધ્યાત્મજ્ઞાન’ નામના પુસ્તકમાં તેના એક ભાગરૂપે સં. ૨૦૧૪માં પ્રકાશિત કર્યાં હતાં, ત્યાર બાદ સં. ૨૦૧૭માં ‘દિવ્ય જ્ઞાનામૃત’ નામથી તેની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ હતી. સમયાંતરે આ પુસ્તકની પ્રત ખૂટી પડતાં અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈએ આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત કરી હતી. અને આ પુસ્તકની ચોથી આવૃત્તિ પણ પૂજ્યશ્રી નારાયણભાઈના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન દ્વારા પ્રકાશિત કરવામાં આવી રહી છે, એ આ પુસ્તકની ઉપયોગીતા સાબિત કરે છે.
શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિમાં રસબસ રહેલા અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીનાં કૃપામય વચનો જે ‘દિવ્ય જ્ઞાનામૃત’ રૂપે આ પુસ્તિકામાં પ્રસિદ્ધ કરેલાં છે તેનું સૌ કોઈ અમૃતની પેઠે પાન કરે અને તેનો અલભ્ય લાભ લઈ અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના સુખભોક્તા થાય એ જ અભ્યર્થના.
સં. ૨૦૫૬, મહા સુદ એકાદશી
ઇ. સ. ૨૦૦૦, ૧૬ ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન
અમદાવાદ