૪. ઘનશ્યામલીલામૃતસાગર
અનાદિમુક્ત સ. ગુ. ભૂમાનંદ સ્વામીકૃત ‘શ્રી ઘનશ્યામલીલામૃતસાગર’ ઉત્તરાર્ધ તરંગ ૬૧માં, પર્વતભાઈ અને શ્રીહરિજીના સંવાદમાં આ જ વાત પ્રધાન છે. તેમાં પ્રથમ તો પર્વતભાઈ શ્રીહરિને કહે છે -
મુને નથી બીજું કાંઈ ભાન, નિત્ય ધરું છું તમારું ધ્યાન. ।। ૧૮ ।।
મૂર્તિમાં રહું છું દિનરાત, કૃપાનાથ કહું સાચી વાત;
એમ શ્રીહરિ સહજાનંદ, સ્વામિનારાયણ સુખકંદ. ।। ૧૯ ।।
પોતાના જે છે અનાદિમુક્ત, તેની સ્થિતિ જાણવાની જુક્ત;
પર્વતભાઈને કહે વચન, શાંત કરાવ્યાં સર્વનાં મન. ।। ૨૦ ।।
પછી બોલ્યા શ્રીજીમહારાજ, અમારા અનાદિમુક્તરાજ આજ;
અનંતકોટિ અંડનાં પ્રાણી, સર્વેનાં કરવા કલ્યાણ જાણી. ।। ૨૧ ।।
અહીં આવીને પ્રકટ થાય; આપે છે અપવર્ગ સદાય. ।। ૨૨ ।।
વળી એક વખત શ્રીજીમહારાજ જેતલપુરના મહોલ ઉપર વિરાજમાન હતા. પછી શ્રીજીની કૃપા દૃષ્ટિથી સભાજનોને આ પ્રમાણે દિવ્ય દર્શન થયાં - જેનું વર્ણન તરંગ ૬૧માં કરેલું છે :
કોટિ કોટિ મુક્તના સમાજ, વિંટાઈ બેઠા છે સુખસાજ;
પ્રભુ સામું જોઈ રહ્યા સર્વ, એક ચિત્તે પ્રીતેથી અપૂર્વ. ।। ૪૭ ।।
મહાપ્રભુની મૂર્તિ મોઝાર, બીજા મુક્ત જોયા છે અપાર. ।। ૪૮ ।।
વળી કણભાના ઝવેરભાઈને દિવ્ય દર્શન આપીને, શ્રીજી આ જ વાત સમજાવે છે - જેનો ઉલ્લેખ તરંગ ૮૪માં કરેલો છે :
નિજ ધામમાં પોતાનું રૂપ બતાવ્યું છે પ્રત્યક્ષ અનુપ;
તે મૂર્તિમાં કોટિ કોટિ મુક્ત, અનંત ઐશ્વર્ય શક્તિયુક્ત. ।। ૨૨ ।।