૬. આદર્શ ગૃહિણી : દેવુબાઈ

0:000:00

અનાદિ મુક્તરાજ જ્યારે કિશોરાવસ્થામાં આવ્યા ત્યારે શ્રીજીમહારાજના પ્રબળ સંકલ્પથી તેમના પિતા પાંચાભાઈ તથા માતુશ્રી દેવબાને પોતાના પુત્રને પરણાવવાની ઇચ્છા થઈ. તે જ સમયે શ્રીજીમહારાજની ઇચ્છાથી માનકૂવા ગામના પરમ ભગવદીય ભક્તરાજ કણબી ગાંગજી ને તેમના પત્ની રામબા તેમને પણ પોતાની પુત્રીને પરણાવવાની ઇચ્છા થઈ; તે ગાંગજીનાં દીકરી કેવાં હતાં, તો સુશીલ સ્વભાવવાળાં, ધર્મને વિષે નિષ્ઠાવાળાં, પ્રત્યક્ષ શ્રીજીમહારાજને વિષે દૃઢ ભક્તિવાળાં, અવસ્થાએ દશ વર્ષનાં ને સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, શમદમાદિક ગુણે યુક્ત એવાં અને અતિ સ્વરૂપવાન ને જેમના શરીરની કાંતિ તેજસ્વી છે એવાં ગૌરાંગિની હતાં. સર્વે લોક પણ તેમને તેજોવતી કહેતાં અને તેમનું નામ પણ દેવુબા હતું. વૃષપુરના વેકરિયા પાંચાભાઈના પુત્ર અને રૂપ ને ગુણે કરીને કોઈની ઉપમા ન દેવાય તેવાં મુક્તસ્વરૂપ અબજીભાઈને પોતાની પુત્રી આપવા યોગ્ય જાણીને ગાંગજીભાઈએ અબજીભાઈ સાથે પોતાની પુત્રીનું સગપણ કર્યું. બાપાશ્રી તો એ જ દિવસે ઘરમાં સૂતા સૂતા કીર્તન બોલતા હતા જે, 'સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું'. આ જોઈ દેવબા તો મનમાં સમજી ગયાં કે મારા પુત્ર આ લોકના મનુષ્ય જેવા નથી, તો પણ આ લોકની રીતે સગપણ કર્યું છે. આને તો હરિવર જે શ્રીજીમહારાજ તેમની જ વાત છે. આમ પાંચાભાઈ અને દેવબાએ બાપાશ્રીને લોકરિવાજ પ્રમાણે પરણાવ્યા.

બાપાશ્રીનાં ધર્મપત્ની દેવુબાઈ પૂર્વના મુક્ત હોઈ બાપાશ્રીને સાક્ષાત્ ભગવાન તુલ્ય માની, તેમની અનુવૃત્તિમાં રહી દિવ્યભાવે તેમની અહોનિશ સેવા કરતાં. કોઈ દિવસ ઘરની સ્થિતિની બાપાશ્રી પાસે વાત કરતાં નહિ. શ્રીજીમહારાજની ઇચ્છાથી જે મળતું તેનાથી આનંદે પોતાનો વ્યવહાર ચલાવતાં અને બાપાશ્રીને પ્રસન્ન રાખતાં. આંગણે જે કોઈ અતિથિ-અભ્યાગત આવે તે સંતુષ્ટ થઈને જ જતા.

કચ્છના ચોવીસ ગામમાંથી કોઈ ને કોઈ હરિભક્તો તો રોજ દર્શને આવે જ. તે સૌને દેવુબાઈ બહુ ભાવથી જમાડતાં. શ્રીજીમહારાજની આજ્ઞા પ્રમાણે ગૃહસ્થ સત્સંગીએ જે રીતે અતિથિ ત્યાગી-ગૃહીની સેવા કરવી જોઈએ એવી રીત દેવુબાઈ હંમેશાં જાળવતાં. બાપાશ્રીની દરેક ક્રિયા દિવ્ય અને કલ્યાણકારી છે એમ સમજીને સાથે ને સાથે સુખડની જેમ ઘસાતા. જેને આવા અનાદિ મુક્તરાજ સાથે હથેવાળો થયો તેને વિષે વધુ શું કહેવાનું હોય! આવા મહામુક્તના દર્શનમાત્રે અનંત જન્મના તાપ-સંતાપ નાશ પામી જાય તો જે એમના જ થઈ રહ્યા તેને શું કરવાનું રહે!

આ રીતે દુર્બળ સ્થિતિમાં પણ દેવુબાની માફક ધીરજ રાખી, સંતોષ માની પ્રભુ ભજવા અને અન્યનું કલ્યાણ થાય એવો વ્યવહાર ચલાવવો એ જ પતિવ્રતા નારીની ખરી કેળવણી છે. સત્સંગના આવા ઉત્તમ સંસ્કારો જે સ્ત્રીને મળ્યા હોય તેનો જ ગૃહસંસાર ઉજ્જવળ બની રહે છે. આથી સર્વે સત્સંગીઓએ પોતાની બહેન-દીકરીઓ 'ભક્તિમાતા' અને 'દેવુબાઈ' જેવી આદર્શ સત્સંગી ગૃહિણી બને તેવા ઉત્તમ સંસ્કારોનું સિંચન કરવાની ચીવટ રાખવી જોઈએ. જો કન્યાની કેળવણી બરાબર હોય તો બાળકો ભાવિ તેજસ્વી સત્સંગી નાગરિકો બનેે. આપણે ઘેર જે પણ જીવ જન્મે તેને શ્રીજીમહારાજે સત્સંગની વૃદ્ધિ માટે મોકલ્યો છે એવા મહિમાનો ખ્યાલ રાખી તેનામાં બાળપણથી જ સત્સંગના સંસ્કાર રેડવા જોઈએ. એ જ ખરી સેવા છે. આ બધા સંસ્કાર નાનપણમાં તો માતૃસ્વરૂપ બહેનો જ આપી શકે. તેથી જ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે કે 'मातृ देवो भव'. આ દૃષ્ટિએ ઉચ્ચ કોટિના મુક્ત અને બાપાશ્રીનાં ધર્મપત્ની દેવુબાઈ સર્વે બહેનોને સદાકાળ આદર્શ ગૃહિણી તથા માતા તરીકે અનુકરણીય રહેશે. ધન્ય છે મુક્તસ્વરૂપ દેવુબા માત!