૨. શ્રીજીમહારાજના સંકલ્પથી 'અબજીબાપાશ્રી'નું પ્રાકટ્ય
પરમ કૃપાનિધિ શ્રીજીમહારાજે જીવોના આત્યંતિક કલ્યાણના માર્ગમાં વૃદ્ધિ કરી તેને વેગવંત બનાવે, અનેક મુમુક્ષુજનોને ધર્મ-નિયમમાં રાખી શ્રીહરિની મૂર્તિમાં જોડે, અધર્મનો ઉચ્છેદ કરે અને પોતાનું શુદ્ધ સર્વોપરી જ્ઞાન પ્રવર્તાવે એવા અનાદિ મહામુક્તને મોકલી, કચ્છ દેશની ભૂમિને પાવન કરી અહોભાગી બનાવી. શ્રીહરિના સંકલ્પથી, કચ્છપ્રદેશના બળદિયા (શ્રી વૃષપુર) ગામે કુડ, કપટ ને રાગદ્વેષે રહિત ને ધર્મ-નિયમે યુક્ત, શુદ્ધ ઉપાસનાવાળા પાંચાભાઈના કુળમાં 'બાપાશ્રી' પ્રગટ થયા.
પ્રથમ આ પવિત્ર કુળની વંશાવલી વિશે થોડું અવલોકન કરીએ.
વૃષપુરના નાથાભક્તને ગંગદાસ, રૂડાભાઈ અને તેજાભાઈ એમ ત્રણ પુત્રો હતા. ગંગદાસને દેવજી, કરસન, ભીમજી, અરજણ અને મૂળજી એમ પાંચ પુત્રો હતા. બીજા રૂડાભાઈને પ્રેમજીભાઈ અને પાંચાભાઈ એમ બે પુત્રો હતા. આ પાંચાભાઈ તે આપણા બાપાશ્રીના પિતાશ્રી. બાપાશ્રીને કાનજીભાઈ તથા મનજીભાઈ એમ બે પુત્રો હતા અને મોટા પુત્રી વાલબાઈ ને નાના પુત્રી રાધાબાઈ એમ બે પુત્રીઓ હતી. એ સર્વે પણ દિવ્ય ગુણે સંપન્ન મુક્ત સ્વરૂપો હતાં. બાપાશ્રીના દિવ્ય પરિવારમાં ઉત્તરોત્તર માવજીભાઈ, જાદવજીભાઈ, હરજીભાઈ અને રામજીભાઈ વગેરે પૌત્રો થયા.
અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીને પુત્રરૂપે લાલન-પાલન કરી, રમાડવા ભાગ્યશાળી થનાર પાંચાભાઈ તથા તેમનાં ધર્મપત્ની દેવબાઈને શ્રીજીમહારાજને વિશે અનન્ય સ્નેહ ને અડગ નિષ્ઠા હતા. આર્થિક સ્થિતિ દુર્બળ હોવા છતાં સદાય આનંદમાં રહી, ધર્મનિયમે યુક્ત જીવન વ્યતીત કરતા હતા. માતુશ્રી દેવબા નિત્યે બ્રાહ્મમુહૂર્તમાં ઊઠી મૂર્તિનું ધ્યાન કરીને અને મૂર્તિમાં વૃત્તિ રાખીને ગામની બહાર આવેલ શ્રીજીમહારાજની પ્રસાદીની કાળી તલાવડીએ જતાં અને તેમાં સ્નાન કરીને માનસીપૂજા કરતાં. એક દિને શ્રીજીમહારાજે તેમના અનન્ય પ્રેમ ને ભક્તિભાવને વશ થઈને તેમને તેજોમય દર્શન આપ્યા. દેવબા આનંદવિભોર થઈ, હાથ જોડી સ્તુતિ-પ્રાર્થના કરવા લાગ્યાં. તે સાંભળીને શ્રીજીમહારાજે પ્રસન્ન થઈને દેવબાને વર માગવા કહ્યું ત્યારે દેવબા ગદગદ થઈને બોલ્યાં: "હે કૃપાનાથ! તમે જો મને રાજી થઈને વર દેવા ઇચ્છતા હો તો તમારા જેવા પુત્ર મને આપો." ત્યારે શ્રીજીમહારાજ મંદમંદ હાસ્ય કરતા બોલ્યા જે, "બાઈ! અમારા જેવા તો અમે એક જ છીએ અને અમારા અનાદિ મુક્ત પણ અમારા જેવા કહેવાય. તે તમારે ત્યાં પ્રગટ થશે, અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરશે ને તમારા સઘળા મનોરથ પૂરા કરશે." એમ કહીને શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી દેવબા અતિ આનંદ પામી, ઘેર આવ્યાં ને શ્રીજીમહારાજે વર આપ્યાની બધી વાત પોતાના પતિ પાંચાભાઈને કહી. એ સાંભળી પાંચાભાઈના આનંદનો પાર ન રહ્યો.
ત્યાર પછી માતાજીની આકૃતિ ફરી ગઈ. કોઈ અનાદિ મુક્તે પ્રવેશ કર્યો હોય એવા દિવ્ય સ્વરૂપે દેખાવા લાગ્યાં. સૌ દેવબાને જોઈ આશ્ચર્ય પામવા લાગ્યાં. સમય જતાં સં.1901ના કાર્તિક સુદ પ્રબોધિની એકાદશીને સોમવારે રાત્રિના નવ વાગ્યા પછી અનાદિ મહામુક્તરાજ બાપાશ્રી બાળસ્વરૂપે પ્રગટ થયા. તે સમયે દેવબાને અતિ શ્વેત ને શીતળ તેજના સમૂહને વિશે મનોહર મૂર્તિ શ્રીજીમહારાજનાં દર્શન થયાં ને પોતે આપેલા વરની તેમને સ્મૃતિ કરાવી. આમ તેમને સુખના સમુદ્રમાં ડુબાડી શ્રીજીમહારાજ અદૃશ્ય થઈ ગયા.
ધન્ય ધન્ય માતાજી દેવબા, પિતાશ્રી પાંચાભાઈ તથા કચ્છની ધરતી કે જ્યાં શ્રીજીમહારાજના અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ પ્રગટ થઈ, શ્રીજીની મૂર્તિ પાછળ આખા કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત વગેરે- સમગ્ર સત્સંગને ઘેલો બનાવી દીધો. બસ મૂર્તિ, મૂર્તિ ને મૂર્તિ જ! સઘળું શ્રીજીમય!