૧. ધન્ય ઘડી : પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા શ્રી સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ

0:000:00

ધન્ય ભાગ્ય ભારત ભૂમિના કે જ્યાં પરાત્પર પરબ્રહ્મ પરમાત્મા શ્રી સ્વામિનારાયણે સં. 1837ના ચૈત્ર સુદ 9 નવમીની મંગળ રાત્રિએ કોશળ દેશને વિષે અયોધ્યા પાસે છપૈયા ગામે પ્રગટ થઈ, જીવપ્રાણીમાત્રને દર્શન આપી ન્યાલ કર્યા. પ્રારંભથી જ તેમણે જે અપૂર્વ, અદભુત ચરિત્રો ને કલ્યાણકારી કાર્યો વિસ્તાર્યાં તે પરથી સહેજે આકર્ષાઈ, જેમણે તેમનું શરણ સ્વીકાર્યું તે સર્વે લોકો તેમને પ્રગટ પુરુષોત્તમ તરીકે નવાજવા લાગ્યા. તેઓ શાસ્ત્રના પ્રમાણ શોધવા ય ન રહ્યા કે ન કોઈને પૂછવાં કરવાં રહ્યાં. તેમને તો તેમની પ્રત્યેક ક્રિયામાં ને તેમના રોમેરોમમાં પરમેશ્વરપણાંની જ અનુભૂતિ થતી હતી. તેમની નજરે તો તે નરદેહધારી સાક્ષાત્ સર્વોપરી મહાપ્રભુ હતા. શાસ્ત્રના આધારે કે કોઈ મોટા પુરુષના કહેવાથી નહિ, પણ પોતાના જ સ્વાનુભવથી 'સ્વામિનારાયણ'ને પરબ્રહ્મ પરમાત્મા તરીકે ઓળખ્યા ને ઉપાસ્યા.

એવા એ સર્વ ભક્તજનોને તથા પોતાના આશ્રિત શિષ્યોને રામાનંદ સ્વામી જેવા સમર્થ સંતવિભૂતિએ શાસ્ત્ર પ્રમાણ આપી, સહજાનંદ સ્વામીનું પુરુષોત્તમપણું પ્રતિપાદન કરી જણાવ્યું કે, "બદ્રિકાશ્રમવાસી નરનારાયણનું નિમિત્ત કરી સાક્ષાત્ પુરુષોત્તમ નારાયણ પોતાના મુક્તોને સાથે લઈ, આ ભરતખંડમાં પધાર્યા છે અને હું તો માત્ર ડુગડુગી વગાડવાવાળો છું." પછી તો સૌને સમૂળી શંકા ટળી જ જાય ને! છેવટે જ્યારે રામાનંદ સ્વામીએ પોતાની ધર્મધુરા પણ તેમને સોંપી દીધી ત્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાનો દિવ્ય પ્રભાવ સર્વત્ર જણાવી, આત્યંતિક મોક્ષમાર્ગની સ્થાપના કરી. આ માર્ગની રચના જ એવી સર્વગ્રાહી છે કે તે તેમને સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ માનવાને પૂરતી છે. જેવા ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વોપરી છે, તેવો જ તેમણે સ્થાપેલ વિશ્વવ્યાપી ધર્મ અને તેના પ્રવર્તક મુક્તો પણ સર્વોપરી છે. આ દૃષ્ટિએ જોઈએ તો હજીસુધી કોઈને આવી પ્રાપ્તિ થઈ નહોતી ને થશે પણ નહિ.

જેમના દિવ્ય જીવનની ઝાંખી કરાવતું આ પ્રકાશન છે તે બાપાશ્રી પણ કહેતા જે, "સં. 1837થી આત્યંતિક કલ્યાણની શરદ ઋતુ બેઠી છે ત્યારથી જીવના આત્યંતિક કલ્યાણનો માર્ગ ખૂલ્યો." કેમ જે જેમ જેમ જીવો પુરુષોત્તમ નારાયણ શ્રી સહજાનંદ સ્વામીના કોઈ પણ પ્રકારે સમાગમમાં આવવા લાગ્યા, તેમ તેમ તેમનાં બીજબળ બંધાતાં ગયાં અને તે વૃદ્ધિ પામતાં તેમને 'ભગવાન' ઓળખાયા અને બ્રહ્મરૂપ થઈ ભગવાનની મૂર્તિમાં જોડાતાં ગયાં. આ બ્રહ્માંડમાં પરાત્પર પરમાત્માના આગમનથી જે જે જીવો ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યાદિ સાધનોથી નિર્વાસનિક થયા, તે સર્વે કૃતાર્થ થયા, તેમનાં શુદ્ધ ચિત્તમાં તરત જ 'ભગવાનપણા'નો નિશ્ચય થઈ ગયો અને પોતાની સર્વ ક્રિયામાં મહાપ્રભુની મૂર્તિનો આનંદ અનુભવવા લાગ્યા. તે જ પ્રમાણે બ્રહ્માંડ નાયક ઈશ્વરો તથા મહાપુરુષો તેમજ વિભૂતિ અવતારોનું પણ અવતારી પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો તથા તેમની અલૌકિક લીલાઓનો આનંદ અનુભવવા પૃથ્વી પર અવતરણ થયું. સર્વોપરી મહાપ્રભુ પણ પોતાની સાથે પોતાના પ્રતાપી મુક્તોને લાવ્યા હતા. આ મુક્તોના પ્રભાવથી અનેક મુમુક્ષુ જીવાત્માઓ શ્રીહરિને વરી ચૂક્યા હતા અને એમના યોગ-સમાગમથી તેઓએ તેમનો અલૌકિક મહિમા જાણ્યો એટલું જ નહિ પણ તેમને સર્વસ્વ અર્પણ કરી તેમની દિવ્ય મૂર્તિમાં સંલગ્ન થઈ ગયા. આ પ્રમાણે "હથેવાળો હરિ સંગાથે" થવાથી સર્વે જનો ગાવા લાગ્યા જે, "આજ સખી આનંદની હેલી, હરિવર જોઈને હું થઈ છું રે ઘેલી."

મુક્તોને પણ આટલેથી કંઈ સંતોષ થાય તેમ નહોતો. તેમણે તો દરરોજ અમુક જીવોને 'વર્તમાન' ધરાવ્યા પછી જ ઠાકોરજી જમાડવા એવા નિયમ ધાર્યાં હતાં, તેથી તેઓ દેશાંતરમાં ફરતાં ફરતાં ટહેલ નાંખવા લાગ્યા જે "જેને જોઈએ તે આવો મોક્ષ માંગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર, મારી બેની; પ્રગટ હરિ મુજને મળ્યા રે લોલ." આ પ્રમાણે મુક્તોએ અનેક સ્થળે ફરીને આ સર્વોત્કૃષ્ટ મોક્ષમાર્ગનો દિગ્વિજય કર્યો.

આમ ટૂંકા ગાળામાં અસંખ્ય મુમુક્ષુઓ શ્રીજીમહારાજનો આશ્રય ગ્રહણ કરી મુક્ત સ્થિતિને પામ્યા. એ પ્રમાણે પોતાને જે અલૌકિક આનંદ મળ્યો તે એ મુક્તોએ છૂટે હાથે બીજાને આપવા માંડ્યો. આમ ઉત્તરોત્તર અનેક મુમુક્ષુઓ શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપના સુખનો અનુભવ કરવા સદ્ભાગી બન્યા અને મુક્ત સંજ્ઞાને પામ્યા.

શ્રીજીમહારાજના કથનાનુસાર આ સંત તથા નિયમો અક્ષરધામના હોઈ હરકોઈ જનને સાચી શાંતિ પમાડતા. સત્સંગરૂપી આ રમણીય ઉદ્યાનમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આદિ સદગુણોરૂપી પુષ્પો એવાં તો ખીલી ઊઠ્યાં કે અનંત મુમુક્ષુરૂપી ભ્રમરો ત્યાં આકર્ષાઈ આવ્યાં. મુક્તોએ શ્રીજીમહારાજની શુદ્ધ સર્વોપરી ઉપાસના પ્રવર્તાવી. ભક્તજનો દેવ દેવી વગેરેનો ભાર ન રાખતાં પતિવ્રતાની ભક્તિ કરવા લાગ્યાં. બાઈ-ભાઈ સૌ પોતપોતાના ધર્મમાં વર્તતાં હતાં. વચનામૃત દ્વારા આત્મા-પરમાત્માના જ્ઞાનામૃતનું સૌ કોઈ યથેચ્છ પાન કરતાં હતાં. શિષ્ટ પુરુષો તેમ જ જાડા ગણાતા લોકો પણ આત્મા-અનાત્માનો વિવેક કરી, બ્રહ્મરૂપે પરબ્રહ્મમાં જોડાઈ ગયા. આ પ્રમાણે જ્યારે પોતે સ્થાપિત મોક્ષમાર્ગની સર્વવ્યાપી ઉન્નતિ જોઈ અને પોતાના મુક્તોએ મુમુક્ષુઓના આત્યંતિક કલ્યાણની સર્વ ચિંતા ઉપાડી લીધી છે એમ જ્યારે પોતાને પ્રતીતિ થઈ ત્યારે શ્રીજીમહારાજે ઓગણપચાસ વર્ષની વયે સંવત 1886ની સાલમાં પોતાની મનુષ્યલીલા સંકેલી લીધી અને દિવ્ય સ્વરૂપે રહી પોતાના મુક્તો દ્વારા સત્સંગનું પોષણ-પ્રવર્તન કરવા ધાર્યું.

મુક્તોએ પણ સર્વજીવહિતાવહ જે સેવા કરી તેનું વર્ણન થાય તેમ નથી. ટાઢ, તડકો, સુખ-દુઃખ કે માન-અપમાન કશું પણ ગણકાર્યા વિના જીવોને સન્માર્ગે વાળી, ભગવાન સન્મુખ કર્યા.

શ્રીજીમહારાજના આ સમર્થ મુક્તોને એવી લગન હતી કે જીવોના આત્યંતિક મોક્ષ માટે શુદ્ધ ઉપાસના ને સર્વોપરી નિશ્ચય સર્વત્ર પ્રસ્થાપિત કરવા. ભગવાન શ્રી સ્વામિનારાયણની જે મૂર્તિ પોતાને મળી છે તે જ સર્વ અવતારાદિકનું કારણ, સર્વકર્તા, સુખદાતા ને નિયંતા છે એવી સમજણ દૃઢ કરાવવા અથાગ્ પરિશ્રમ સેવ્યો હતો.

જીવોના આત્યંતિક કલ્યાણનું સદાવ્રત યથાવત્ ચાલુ રાખવા ને શ્રીહરિના સર્વોપરી પુરુષોત્તમ સ્વરૂપને જેમ છે તેમ સર્વેને ઓળખાવવા શ્રીજીમહારાજના સંકલ્પાનુસાર પ્રગટ થયેલા એક વિરલ મુક્તવિભૂતિની દિવ્ય જીવનગાથા હવે જોઈશું.