૧૬. બાપાશ્રીના દિવ્ય જીવનની તવારીખ
1. સં.1900, પોષ સુદ 3, ગુરુવાર: બળદિયા ગામે પ્રસાદીસ્થાન કાળી તલાવડીએ શ્રીજીમહારાજે બ્રાહ્મમુહૂર્તમાં દેવબાને દર્શન આપી, પોતાના અનાદિ મુક્ત તેમના થકી પ્રગટ થશે એવો વર આપ્યો.
2. સં. 1901, કાર્તિક સુદ 11, સોમવાર તા. 20.11.1844 રાત્રે ક. 9:10 મિ.: અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીનું બળદિયા (વૃષપુર) મુકામે પ્રાકટ્ય.
3. સં. 1901, પોષ વદ 7: ભૂજના સમર્થ સ. ગુ. શ્રી અચ્યુતદાસજી સ્વામીએ બાપાશ્રી ત્રણ માસ ને અગિયાર દિવસના થયા ત્યારે વર્તમાન ધરાવી, 'અબજીભાઈ' એવું અર્થગંભીર નામ પાડ્યું.
4. સં. 1905 થી સં. 1910: બાપાશ્રીએ નિશાળે જવું શરૂ કર્યું. ગુજરાતી પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો. આર્થિક પરિસ્થિતિ દુર્બળ હોવાથી અભ્યાસ છોડી દીધો. પછી આપમેળે જ સત્શાસ્ત્રોનો અભ્યાસ કરી તે સર્વેનો સારાંશ જાણી લીધો.
5. સં. 1912: બાપાશ્રીના લગ્ન માનકૂવાના ગાંગજીભાઈ ને રામબાનાં પૂર્વના મુક્તસ્વરૂપ પુત્રી 'દેવુબા' સાથે થયાં. ગૃહવ્યવહાર ને સત્સંગ સેવા કરતા કરતા સર્વેને મૂર્તિમાં જોડવા સમાધિ સ્થિતિ જણાવતા રહ્યા.
6. સં. 1912 થી સં. 1917 સુધીની ત્વારીખ: આર્થિક સ્થિતિ સુધારવા પિતાશ્રી પાંચાભાઈ મુક્તરાજ બાપાશ્રીને લઈ કરાંચી ગયા, પણ ત્યાંનું ધર્મશિથિલ વાતાવરણ જોઈ વૃષપુર પાછા આવતા રહ્યા.
7. માઘ સુદ 11, સં. 1912 થી સં. 1917 સુધીની ત્વારીખ: સ. ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીના સમર્થ શિષ્ય સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી તથા માંડવીના મહામુક્ત લક્ષ્મીરામભાઈએ ભૂજ મંદિરમાં બાપાશ્રીને જનોઈ પહેરાવી યજ્ઞોપવિત આપ્યું.
8. સંવત 1917: આચાર્ય મહારાજશ્રી અયોધ્યાપ્રસાદજી બીમાર હતા ને સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામી તેમને જોવા અમદાવાદ પધાર્યા હતા ત્યારે બાપાશ્રી પણ ત્યાં પધારેલા. તે સમયે આચાર્ય મહારાજશ્રીએ સ્વામીશ્રીને 'આ કચ્છના સમાધિવાળા અબજીભાઈ' એમ કહી બાપાશ્રીની ઓળખ આપી હતી. ત્યારે સ્વામીશ્રી રાજી થઈ બાપાશ્રીને બાથમાં લઈ મળ્યા હતા.
9. સંવત 1922: બાપાશ્રી અન્ય હરિભક્તો સાથે અમદાવાદ પધાર્યા હતા ત્યારે પણ આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજનો મેળાપ સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી સાથે થયો હતો.
10. સં. 1922 થી સં. 1930: સ. ગુ. શ્રી લોકનાથાનંદ સ્વામી મંડળે સહિત બળદિયા ગામે પધાર્યા. બાપાશ્રીએ આદર સત્કાર કરી, પોતાને ત્યાં જમાડી સદગુરુશ્રીને અત્યંત રાજી કર્યા.
11. સં. 1922 થી સં. 1930: બાપાશ્રીને શ્રીજી-સમકાલીન મહામુક્ત સૂરજબાનો ભૂજમાં મેળાપ. સૂરજબા બાપાશ્રીને મહાસમર્થ મુક્તરાજ તરીકે ઓળખતા હતા.
12. સં. 1930, ફાગણ માસ: ભૂજના મહંત સ. ગુ. શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી તથા બાપાશ્રીએ સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને આગળ રાખી ભૂજ મંદિરનો સભામંડપ બંધાવ્યો હતો.
13. સં. 1930 થી સં. 1942 દરમિયાન: વૃદ્ધાવસ્થા થતાં માતુશ્રી દેવબાને પ્રથમ ને પછી પિતાશ્રી પાંચાભાઈને બાપાશ્રીએ શ્રીજી મહારાજની સાથે તેજોમય દર્શન આપી શ્રીજીમહારાજની મૂર્તિના સુખભોક્તા કરી દીધા.
14. સં. 1942, ફાગણ માસ: બાપાશ્રી છસો માણસનો સંઘ લઈ અનેક મુમુક્ષુજનોને મૂર્તિનો સંબંધ કરાવવા મૂળી, જેતલપુર, અમદાવાદ, વડતાલ, ધોલેરા, ગઢપુર આદિ પ્રસાદીભૂત સ્થાનોના તીર્થાટને નીકળ્યા.
15. સં. 1942 થી સં. 1944 દરમિયાન: ભૂજ મંદિરના મહંત સ. ગુ. શ્રી અક્ષરજીવનદાસજી સ્વામી અને બાપાશ્રીએ બળદિયા ગામમાં મંદિર બંધાવ્યું. તે મંદિર માટે લાકડું લેવા ગયેલા બાપાશ્રીને માંડવીમાં સમાધિ થઈ હતી.
16. સં. 1944: સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામી મૂળીમાં ચાતુર્માસ કરવા પધાર્યા ત્યારે બાપાશ્રી પધારતા તે બન્ને સમર્થ મુક્તોના દિવ્ય પ્રભાવથી સર્વત્ર આનંદ આનંદ પ્રસરી રહ્યો.
17. સં. 1948, જયેષ્ઠ માસ: બાપાશ્રી તથા સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો ત્યારે બાપાશ્રી 27 દિવસ સુધી સમાધિમાં રહ્યા હતા. છેવટે તે બંનેમાંથી બાપાશ્રીને રાખવા ને સદગુરુશ્રીને અંતર્ધાન કરવા એવી શ્રીજીમહારાજે મરજી જણાવી.
18. સં. 1948: સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી સ્વામીના અંતિમ મંદવાડ સમયે બાપાશ્રી અમદાવાદ પધાર્યા ત્યારે સ્વામીશ્રીએ સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજીનો હાથ બાપાશ્રીને સોંપ્યો અને તેમને સુખિયા કરવા ભલામણ કરી.
19. સં. 1948, આસો વદ 1, રાત્રે 1:00 વાગે: સ. ગુ. શ્રી નિર્ગુણદાસજી રાત્રે સ્વામીએ અમદાવાદ મંદિરમાં સ્વતંત્રપણે દેહત્યાગ કર્યો. તે જ વખતે બાપાશ્રીએ આ વાત બળદિયામાં સ. ગુ. શ્રી અક્ષરજીવનદાસજી સ્વામીને કરી અંતર્યામીપણું જણાવ્યું.
20. સં. 1951: ધોળકામાં મહંત સ્વામી શ્રી વૃંદાવનદાસજી પર બાપાશ્રીએ કૃપાવર્ષા કરી અનાદિ મુક્તની સ્થિતિનો સાક્ષાત્કાર કરાવ્યો.
21. સં. 1951 થી સં. 1956 દરમિયાન: ધ. ધુ. આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રસાદજી મહારાજ બળદિયા પધાર્યા ત્યારે બાપાશ્રીને એકાંતે લઈ જઈ કહ્યું, "તમે મારા જીવનો મોક્ષ કરશો." ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, "મહારાજ! તમે તો સત્સંગના ધણી છો, છતાં તમારા વતી શ્રીજીમહારાજને કહેશું."
22. સં. 1956, અષાડ માસ: બાપાશ્રી સંઘે સહિત છપૈયા જન્મસ્થાનના દર્શન કરવા ગયા. તે સમયે ઘનશ્યામ મહારાજ અને બાપાશ્રીના દર્શન કરવા મોટા મોટા દેવો તેજના ગોળા સ્વરૂપે આવ્યા છે એવા કેટલાકને દર્શન થયા હતા.
23 સં. 1957: અમદાવાદમાં ધ. ધુ. આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજને નાની વયે ગાદીએ બેસાડ્યા ત્યારે કેટલાકે કુંજવિહારીપ્રસાદજીને ગાદીએબેસાડવાનું કર્યું તે સમયે બાપાશ્રીએ આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજીનો પક્ષ રાખી તેમને જ આચાર્ય તરીકે માનવા સંત-હરિભક્તોને કહ્યું હતું.
24. સં. 1957: બાપાશ્રીનો જોગ-સમાગમ કરી, બળદિયાથી પાછા ફરતા હળવદ મુકામે બાપાશ્રીની કૃપાથી મુનિસ્વામી શ્રી કેશવપ્રિયદાસજીને શ્રીજીમહારાજના તેજોમય દિવ્ય દર્શન.
25. સં. 1959, વૈશાખ સુદ 1 થી પૂનમ: બળદિયા સ્થાને બાપાશ્રીએ 'સત્સંગિજીવન' અનેું 'શિક્ષાપત્રીભાષ્ય'નું પારાયણ બેસારી, સંત-હરિભક્તોને તેડાવી, પંદર દિવસનો મોટો કલ્યાણકારી બ્રહ્મયજ્ઞ યોજ્યો હતો. તે યજ્ઞમાં ઘણા સંત-હરિભક્તોને તેજઃપુંજમાં શ્રીજીમહારાજ સાથે બાપાશ્રીના દર્શન થયા હતા.
26. સં. 1962, દેવદિવાળી: ધ. ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના યજ્ઞોપવિત પ્રસંગે અમદાવાદ પધારી બાપાશ્રીએ ઘણી સેવા કરી-કરાવી હતી.
27. સં. 1962, ચૈત્ર વદ 2 થી વૈશાખ સુદ 1: ધનબાએ રામપુરમાં મોટો પારાયણ બ્રહ્મયજ્ઞ કર્યો. તે સમયે બાપાશ્રીએ સર્વેને જોગ-સમાગમનો ખૂબ લાભ આપ્યો હતો.
28. સં. 1962, વૈશાખ સુદ 6: બાપાશ્રી તથા સંત-હરિભક્તોએ થઈને ભૂજ મંદિર પર ધામધૂમથી કળશ ચઢાવ્યા.
29. સં. 1962, વૈશાખ સુદ પૂનમ: બાપાશ્રીએ સ. ગુ. શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીને પોતે કરેલી વાતો લખવાની આજ્ઞા કરી.
30. સં. 1962, વૈશાખ વદ 1: સ્વામીશ્રીએ બાપાશ્રીના મુખકમળથી મુખકમળથી નીકળેલી અમૃતરસરૂપ વાતો લખવી શરૂ કરી.
31. સં. 1963: પ્રાણશંકરભાઈએ બેસાડેલ પારાયણ નિમિત્તે બાપાશ્રી અમદાવાદ પધાર્યા હતા. ત્યાં મૂળીના મહંત સ્વામી હરિનારાયણદાસજીને આંખે મોતિયો ઉતરાવ્યાથી ગરમીની પીડા થતી હતી. બાપાશ્રીએ સ્વામીશ્રીના શરીરે હાથ ફેરવી પીડા મટાડી દીધી હતી.
32. સં. 1965, ફાગણ સુદ 2: ભૂજમાં છત્રીએ ચરણારવિંદ પધરાવ્યા તે સમયે સ. ગુ. શ્રી અક્ષરજીવનદાસજીએ દેહ મૂક્યો ત્યારે બાપાશ્રીએ સૌને ધીરજ પ્રેરી હતી.
33. સં. 1967, ચૈત્ર વદ 7: ધ. ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ અને બાપાશ્રીએ શ્રી ઘનશ્યામ મહારાજ ને રાધાકૃષ્ણની મૂર્તિઓ ભૂજ મંદિરના સિંહાસનમાં પધરાવી.
34. સં. 1968, વૈશાખ સુદ 9 થી પૂનમ: ધનબાએ રામપુરમાં 'વચનામૃત' ગ્રંથની કથા કરાવી ત્યારે બાપાશ્રીએ સૌને વચનામૃતનાં રહસ્યો સમજાવ્યાં.
35. સં. 1968, વૈશાખ વદ 10: બાપાશ્રીએ કેરા ગામના ભાઈઓના મંદિરમાં શ્રીજીમહારાજની મૂર્તિને સિંહાસનમાં પધરાવી પ્રતિષ્ઠાવિધિ કરી.
36. સં.1969, ચૈત્ર સુદ 2 થી 8: અસલાલીના કંકુબાએ અમદાવાદમાં બેસાડેલ 'સત્સંગિજીવન'ના પારાયણ નિમિત્તે, બાપાશ્રીના પધારવાથી સૌએ અનુભવેલો અદભુત અલૌકિક સંતોષ.
37. સં. 1969, ચૈત્ર વદ 4: દેવપરામાં ધ. ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ અને બાપાશ્રીએ શ્રીજીમહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
38. સં. 1970, ફાગણ વદ 8: ભારાસરના બાઈઓના મંદિરમાં બાપાશ્રી તથા સંતમંડળે મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી ત્યારે શ્રીજીમહારાજની પ્રસન્નતાનો અનેરો અનુભવ સર્વને થયો.
39. સં. 1970, ચૈત્ર માસ: બળદિયાના પાદરે આવેલ કાળી તલાવડીના પ્રસાદીસ્થાને બાપાશ્રીએ છત્રી કરાવવાનું શરૂ કર્યું તે સમયે ત્યાં વૃક્ષ પર રહેતાં અસંખ્ય ભૂતોને બાપાશ્રીએ ગોળ-સાકરની પ્રસાદી જમાડી મોક્ષ કર્યો.
40. સં. 1971, ચૈત્ર સુદ 3: બાપાશ્રીએ કાળી તલાવડીએ છત્રીએ ચરણારવિંદ પધરાવ્યા ત્યારે અનહદ કૃપા વાપરી વર આપ્યો કે "આ સ્થાનના જે કોઈ ભાવથી દર્શન કરશે કે ઉપર થઈને પક્ષી ઊડીને જશે તે સર્વેનો મહારાજ આત્યંતિક મોક્ષ કરશે."
41. સં. 1972, ફાગણ વદ 13: બાપાશ્રીએ પાટડી મંદિરના સિંહાસનમાં શ્રીજીમહારાજની મૂર્તિનો પ્રતિષ્ઠાવિધિ કર્યો તે સમયે મૂર્તિમાંથી અપરંપાર તેજ છૂટ્યું હતું.
42. સં. 1972, ચૈત્ર સુદ: જેતલપુરમાં દેવસરોવર પર છત્રીએ ચરણારવિંદ પધરાવ્યા ત્યારે બાપાશ્રીએ ત્યાં મૂર્તિના સુખની વાતો કરી અનેકને સુખિયા કર્યા હતા.
43. સં. 1972, ચૈત્ર વદ 9: ધ. ધુ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજ ને બાપાશ્રીના હસ્તે છપૈયામાં જન્મસ્થાનમાં બાળસ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ.
44. સં. 1973, વૈશાખ માસ: કુંભારિયામાં તળાવની પાળે છત્રીમાં શ્રીજીમહારાજના ચરણારવિંદ ને નીચે હનુમાનજીની પ્રતિષ્ઠાવિધિ બાપાશ્રીના વરદ હસ્તે કરવામાં આવી.
45. સં. 1974, અષાડ માસ: બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કરી અંતર્ધાન થવાનું કર્યું ત્યારે હેતવાળા સંત-હરિભક્તોની ગદગદ પ્રાર્થનાથી વધુ દશ વર્ષ રહેવાનું વચન આપ્યું. તે નિમિત્તે છત્રી સ્થાને 'પુરુષોત્તમ લીલામૃત સુખસાગર'ની પારાયણ કરાવી, મોટો બ્રહ્મયજ્ઞ કર્યો. તે યજ્ઞમાં શ્રીજીમહારાજ ને બાપાશ્રીના દર્શન ઘણે ઠેકાણે એકીસાથે થતા હતા.
46. સં. 1976: સત્સંગનો વ્યવહાર સુધારવા માટે મૂળીમાં બાપાશ્રીની નિશ્રામાં સત્સંગ મહાસભાની સ્થાપના થઈ. તે સમયે નદીમાં પાણી નહોતું પણ સૌએ બાપાશ્રીને પ્રાર્થના કરી તેથી નદીમાં પાણી આવ્યું હતું.
47. સં. 1978, વૈશાખ સુદ 2: બાપાશ્રીએ છત્રીસ્થાને હનુમાનજીને પધરાવી, 'અહીં જે દર્શને આવશે તેનાં દુઃખ દૂર થશે' એવો વર આપ્યો. તે સમયે એકત્ર થયેલ હજારો હરિભક્તો બાપાશ્રીના ચોમેર અનંતરૂપે દર્શન કરી સાશ્ચર્ય ભાવવિભોર થઈ ગયેલા.
48. સં. 1979, મહા સુદ 3: મૂળીનો શતવાર્ષિક પાટોત્સવ, અનેક વિઘ્નો છતાં બાપાશ્રીના પ્રતાપે ધામધૂમથી ઉજવાયો.
49. સં. 1979, મહા માસ: પૌત્ર જાદવજીભાઈની આંખની સારવાર અર્થે બાપાશ્રીએ અમદાવાદમાં શેઠ બળદેવભાઈની અસારવા મિલમાં નિવાસ કર્યો હતો.
50. સં. 1979, મહા માસ: પૌત્ર જાદવજીભાઈની સારવાર ચાલતી હતી તે દરમિયાન બાપાશ્રીએે દશ દિવસ કરાંચી પધારી ત્યાંના હરિભક્તોપર અઢળક ઢળી, ખૂબ સુખિયા કર્યા.
51. સં. 1981, કાર્તિક સુદ 6: રામપુરનાં મહામુક્ત ધનબા બાપાશ્રીએ કહ્યા મુજબ બે દિવસમાં દેહ મેલી, શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના સુખભોક્તા થયાં.
52. સં. 1981, ચૈત્ર માસ: ભૂજ મંદિરમાં સુખશય્યામાં શ્રીજીમહારાજની ચાંદીના ઉપાડની મૂર્તિની પ્રતિષ્ઠા બાપાશ્રીના વરદ હસ્તે થઈ.
53. સં. 1981, શ્રાવણ સુદ 10: મુનિસ્વામી શ્રી કેશવપ્રિયસાજીએ બાપાશ્રીના દિવ્ય જીવન પર લખેલું પુસ્તક 'અનાદિ મુક્તરાજ શ્રી અબજીબાપાશ્રીનું જીવનવૃત્તાંત' બાપાશ્રીને અર્પણ કર્યું.
54. સં. 1982: બાપાશ્રીએ પોતાનાં ધર્મપત્ની દેવુબાને દેહ મુકાવી શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં મૂકી દીધાં.
55. સં. 1982, ભાદ્ર માસ: બાપાશ્રીએ મંદવાડ ગ્રહણ કર્યો હતો. સંત-હરિભક્તોની પ્રાર્થનાથી બાપાશ્રીએ મંદવાડને રજા આપી અને ભૂજમાં વચનામૃતનું પારાયણ કરાવ્યું હતું.
56. સં. 1982, પ્રથમ ચૈત્ર સુદ 14 થી વદ 8: 'સત્સંગિજીવન'નો મોટો પારાયણ -બ્રહ્મયજ્ઞ યોજી બાપાશ્રીએ પ્રતાપ જણાવી, આવેલા સૌને આત્યંતિક સુખના આશીર્વાદ આપી ન્યાલ કર્યા. ઘણા સંત-હરિભક્તોને તે સમયે શ્રીજીમહારાજ સાથે બાપાશ્રીના દર્શન થયેલા.
57. સં. 1983, ફાગણ માસ: કરાંચીના હરિભક્તોના હેતને વશ થઈ બાપાશ્રી છેલ્લીવાર કરાંચી પધાર્યા હતા ને ખૂબ ધામધૂમથી ફૂલદોલનો ઉત્સવ કરાંચીમાં કર્યો હતો.
58. સં. 1984, ચૈત્ર સુદ 13 થી વદ 7: 'સત્સંગિજીવન'નું પારાયણ બેસાડી બાપાશ્રીએ છેલ્લો મહાકલ્યાણકારી યજ્ઞ કરી, અનહદ કૃપા વર્ષાવી.
59. સં. 1984, વૈશાખ સુદ 13: બાપાશ્રી સદગુરુઓને ભૂજથી પાછા બોલાવી છેલ્લીવાર મળ્યા.
60. સં. 1984, અષાડ સુદ 4, શુક્રવાર, તા. 22.6.1928 રાત્રે 1.00 વાગે: ત્યાંશી વર્ષ, સાત માસ ને ચોવીશ દિવસ દર્શન આપી, અનંત જીવનો ઉદ્ધાર કરી તથા અનેક સંત-હરિભક્તોને શ્રીહરિજીની મૂર્તિના સુખભોક્તા કરી, બાપાશ્રી અંતર્ધાન થયા.