૭. નિર્ગુણ ગૃહસ્થાશ્રમ

0:000:00

સમજણા થયા ત્યારથી બાપાશ્રી પાંચાભાઈને ખેતીના કામમાં થોડી થોડી મદદ કરતા. ભજન-સ્મરણમાંથી પરવારીને વાડીએ જઈ કોસ હાંકતા, ક્યારા વાળતા વગેરે કામ કરતા, પણ આ બધી ક્રિયામાં તેમની વૃત્તિ તો અખંડ શ્રીજીમહારાજની મૂર્તિમાં જ રહેતી. ખેતીમાં આવક ઓછી હોવાથી પાંચા પિતા તેમને પોતાની સાથે જરૂરી કમાઈ થાય એ દૃષ્ટિએ કરાંચી લઈ ગયેલા, પણ ધર્મપરાયણતા અને શુદ્ધ આચારના ચુસ્ત આગ્રહી એવા બાપાશ્રીને ત્યાંના ધર્મશિથિલ ને માંસાહારી લોકોના દેશમાં રહી, લાંબો સમય કામ કરવું રુચ્યું નહિ. તેથી પાછા વૃષપુર આવતા રહ્યા અને 'ભગવાન ભજવાના માર્ગમાં આડો આવે તેવો વ્યવહાર કરવો નથી' તેવા દૃઢ નિશ્ચય સાથે મહાસમર્થ મુક્ત પર્વતભાઈની જેમ ખેતીકામ કરતા રહ્યા. બાપાશ્રી શરીરે હૃષ્ટપુષ્ટ ને મહેનતુ અંગવાળા હતા; તેમાંય વળી મહારાજ અખંડ ભેળા ને ભેળા પછી પૂછવું જ શું? એટલે આશ્ચર્યજનક રીતે થોડા સમયમાં ઘણું બધું કામ કરી નાખતા. તેમની કામ કરવાની રીત પણ ચમત્કારિક હતી.

માતાપિતાની વૃદ્ધાવસ્થા થતાં બાપાશ્રીએ પ્રથમ પોતાનાં માતુશ્રી દેવબા ને પછી પિતાશ્રી પાંચાભાઈને અલૌકિક રીતે શ્રીજીમહારાજની મૂર્તિના સુખમાં મૂકી દીધા. પાંચાભાઈ ધામમાં ગયા પછી વ્યવહારકાર્યનો બધો ભાર બાપાશ્રીના માથે આવી પડ્યો, તોપણ કોઈ પણ જાતની ચિંતા ન કરતા બધું મહારાજ પર મૂક્યું અને પોતાનો ગૃહવ્યવહાર પૂર્વવત્ ચલાવતા રહ્યા.

બાપાશ્રીને બે પુત્રો- કાનજીભાઈ ને મનજીભાઈ તથા બે પુત્રીઓ- વાલબાઈ ને રાધાબાઈ હતાં. તે સર્વે પણ મુક્ત રત્નો હતાં. બાપાશ્રી જેવા અનાદિ મુક્ત પિતાની સેવા ક્યાંથી મળે? અહોભાગ્ય તે આવી સેવા મળી, એવા દિવ્યભાવથી એ બંને પુત્રો ને પુત્રીઓએ અનુવૃત્તિમાં રહી, ખડે પગે સેવા કરીને બાપાશ્રીની ખૂબ પ્રસન્નતા મેળવી હતી.

બાપાશ્રીએ પોતાની વાડીમાં બે સાથી રાખેલા. તે હરિભક્તો સારા હતા ને મહિમાવાળા હતા. તેથી બધું કામકાજ પોતાના ઘરનું જાણી કરતા, ઘરમાંથી દેવુબા તથા પુત્રી વાલબાઈ જેમ કહે તેમ એ કરે. પુત્ર કાનજીભાઈ તો પ્રથમથી જ સાદા અને ભોળા હોવાથી એ સૌ મળી ઘર તથા વાડીનું કામકાજ ચલાવતા. મુક્તશ્રીનું ખાતું વગેરે કુંવરજી પટેલને ત્યાં હતું, તે તો આ મુક્તરાજનો મહિમા બરાબર જાણતા. વળી સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામીએ તેમને કાનમાં એવા મંત્ર ભણાવેલા કે 'કુંવરજીભાઈ! દીકરા બે વધુ હોય તો ભાગ લે કે નહિ? આ તો અક્ષરધામમાં લઈ જાય તેવા છે. માટે માગે તે દેજો ને આપે તે લેજો. કાંઈ રહી જશે તો તેને બદલે અમે અક્ષરધામમાં તમને મોટું ઇનામ અપાવશું.' એવા મહિમાવચનથી તેમને તો એમ જ થઈ ગયું કે, આપણને આ મોટી સેવા મળી ગઈ. તેથી કરજની કોઈ વાતે ચિંતા ન રહી.

દુર્બળ ગૃહવ્યવહાર છતાં બાપાશ્રી તો જે હરિભક્ત ગામડેથી આવે તેને 'ચાલો ઠાકોર જમાડવા' એમ કહી ઘેર લઈ જાય ને રોટલા, ખીચડી, શાક, છાશ જે હોય તે જમાડી દે. જ્યારે મંદિરમાં સંતો આવે ત્યારે સીધુસામાન તૈયાર કરે. વ્યવહારમાં ઘણી દુર્બળતા હોવાથી ઘરમાં દેવુબા કે પુત્રી વાલબાઈ કોઈ વખત મૂંઝાય, કેમ કે ઘરમાં લોટ, ગોળ કે ઘી ન હોય ને સીધુ લેવા આવે ત્યારે ઘરમાં કાંઈ નથી ને શું આપશું? એમ જાણી કોઈ બોલે નહિ. ત્યાં તો પોતાની મેળાએ ઘી, ગોળ, લોટ, ખીચડી વાસણમાંથી ભરીને ચાલતા થાય. દેવુબા કે વાલબાઈ પાછળથી જુએ તો વાસણમાં કાંઈ ન મળે. તેથી વિચારે જે વાસણમાં કાંઈ ન હતું ને ક્યાંથી બધું લઈને ગયા. આવું અલૌકિક ચરિત્ર જોઈને ઘરમાં પણ સૌને દિવ્યભાવ વધતો ગયો.

બાપાશ્રીએ તો આબાલ-વૃદ્ધ બાઈ-ભાઈ સર્વેને શ્રીજીમહારાજની મૂર્તિના સુખે સુખિયા કરવા મહારાજના સંકલ્પથી ગૃહસ્થાશ્રમ કર્યો હતો, પણ પોતાને તો મૂર્તિ સિવાય કશી વાતની રુચિ ન હતી. આ તો શ્રીજીમહારાજની મૂર્તિમાં જ મસ્ત રહીને બધું કાર્ય કર્યે જતા. એક વખત મૂર્તિના સુખમાં નિમગ્ન થકા વાડીમાં કોસ હાંકતા હતા. ત્યારે રામપુરથી થોડા હરિભક્તો બાપાશ્રીના દર્શન-સમાગમ માટે આવ્યા. તે ઘણીવાર સુધી રાહ જોઈ ઊભા રહ્યા તોપણ પોતાને તેની ખબર પડી નહિ. પછી તે હરિભક્તોએ તેમનો સ્પર્શ કરી ઊંચે સાદે 'જય સ્વામિનારાયણ' કહ્યા ત્યારે ખબર પડી. પછી કોસ છોડી નાખીને સૌની સાથે બેઠા ને મહારાજના મહિમાની ઘણીક વાતો કરી. આમ સતત કાર્યરત રહેતા છતાં મહારાજની મૂર્તિમાં રસબસ લીન રહી કાર્ય કરવાની સરસ રીત સૌને બતાવતા.

સમય જતાં શ્રીજીમહારાજની ઇચ્છાથી આર્થિક વ્યવહાર સુધર્યો. છતાં બાપાશ્રીની સાદાઈ તો હતી તેવી ને તેવી જ! લગ્નમાં કે જ્ઞાતિમાં કોઈ પ્રસંગે જવું પડે કે દિવાળી જેવા મોટા ઉત્સવના દિવસ હોય તો ય લૂગડાં એના એ જ પહેરે. જમવામાં પણ એ જ રોટલા, શાક, ખીચડી ને છાશનું સાદું ભોજન. ગળ્યું-ચીકણું તો કોઈ દિવસ જમે જ નહિ. તેમાં પણ કોઈ કાંઈ પીરસવાનું ભૂલી જાય તો સામેથી માગે નહિ. ખારું-મોળું તો કોઈ દિવસ બોલે જ નહિ. રજોગુણ કે તમોગુણ તો કદી જોવા જ ન મળે. આમ પોતાના જીવનકાર્ય દ્વારા સત્સંગના ધોરણ મુજબના રહેણી-કરણી, ખાન-પાન વગેરેમાં ત્યાગ, તપ, વૈરાગ્યેયુક્ત સાદાઈના પાઠ સર્વેને શીખવતા. આ પ્રમાણે બાપાશ્રી ગૃહસ્થાશ્રમી હરિભક્તોએ કેવી રીતે વ્યવહાર ચલાવવો જોઈએ તેનો સક્રિય બોધ મળે તેવો વ્યવહાર ચલાવતા.

બાપાશ્રીમાં કુદરતી રીતે ગરીબ ને સૌમ્ય પ્રકૃતિ જણાતી હતી. તેથી કોઈ સાથે વાદવિવાદ કે વાંધો તો પડતો જ નહિ. કોઈને વઢવાની તો બિલકુલ ટેવ જ નહિ. કીડી જેવા જીવને પણ દુઃખવવો નહિ એ વાતનું પૂરેપૂરું અનુસંધાન રાખતા. પણ આજ્ઞાલોપ કે પંચ વર્તમાનમાં ફેર પડે તે બિલકુલ ચલાવતા નહિ. કડક રીતે પણ માઠું ન લાગે એ રીતે હિતનાં વચન કહી યોગ્ય પ્રાયશ્ચિત્ત કરાવી શુદ્ધ કરી સુખિયા કરતા. વળી સત્સંગના નિયમ પ્રમાણે ધર્માદો વગેરે પણ બરાબર કાઢતા-કઢાવતા. ગૃહસ્થને શ્રીહરિયાગ તેમજ પારાયણ-યજ્ઞ વગેરે કરવાની આજ્ઞા શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં કરી છે તે પ્રમાણે બાપાશ્રીએ પણ અનેક જીવોના ઉદ્ધાર અર્થે શ્રીહરિયાગ સહિત મહામોટા છ પારાયણ બ્રહ્મયજ્ઞો પણ કર્યા હતા. કથાવાર્તારૂપ બ્રહ્મયજ્ઞ તો નિરંતર અખંડ ચાલ્યા જ કરતો. અનાદિ મુક્તની જીવનચર્યા તો સર્વે મનુષ્યને શિક્ષાર્થે જ હોઈ સઘળી રીતે સમાસકારી ને પારમાર્થિક હોય એમાં શું કહેવું?