૧૨. સેવા-સુધારણાનો નિરાળો અભિગમ

0:000:00

એક વાર કોઈકે બાપાશ્રીને કહ્યું જે, તમે ધર્માદો તથા બીજી સેવા સત્સંગમાં જ કરવાનું કહો છો તે સત્સંગ તો સમુદ્ર જેવો, એમાં તો ઘણાય રૂપિયા હોય તે સમુદ્રમાં તો વરસાદ થાય તો ય શું ને ન થાય તો ય શું? ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, સમુદ્રમાં વરસાદ થાય તે વરસાદનાં ટીપાં છીપ અદ્ધરથી ઝીલે અને તેમાંથી અતિ કિંમતી સાચાં મોતી થાય. તેમ સત્સંગમાં વાપરવાથી આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. તેથી પોતાનું ધન તે સત્સંગમાં વાપરવું પણ પ્રતિષ્ઠા કે બીજા લાભના લોભે બીજે જ્યાં ત્યાં વાપરવું નહિ. સત્સંગ એટલે સત્યસ્વરૂપ મહારાજ ને સત્યસ્વરૂપ મુક્તોના સંબંધ (સંગ)વાળો, પંચવર્તમાને યુક્ત ત્યાગી-ગૃહી સમુદાય. જીવોને સર્વોપરી મહાપ્રભુ ઓળખાવી, એમનું અવરભાવ-પરભાવની દૃષ્ટિએ રૂડું થાય એવી શુભ સર્વવ્યાપી પ્રવૃત્તિ કરવી-કરાવવી એ પણ સત્સંગ સેવા. આમ સત્સંગમાં સેવા કરવાનો મહિમા સમજાવી પોતે પણ સેવા કરતા અને પોતાના ઉદાહરણે બીજાને પણ સેવા કરવા પ્રેરતા. ધ. ધૂ. આચાર્યશ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના યજ્ઞોપવિત સંસ્કાર વખતે તથા તેમને ગાદીએ બેસાડ્યા તે વખતે, છપૈયામાં શ્રી ઘનશ્યામ મહારાજ પધરાવ્યા તે સમયે ઇત્યાદિ અનેક પ્રસંગોએ બાપાશ્રીએ ગણનાપાત્ર સેવા કરી છે અને એ રીતે બીજા હરિભક્તોને પ્રેરણા કરી ઘણી મોટી સેવાઓ કરાવી છે.

સેવાની સાથે સાથે સત્સંગ તેમજ જ્ઞાતિમાં આંતર-બાહ્ય શુદ્ધતાનું ધોરણ કેમ સુધરે તેની બાપાશ્રી સતત ચિવટ રાખતા. ત્યાગી-ગૃહી સૌને ધર્મ-નિયમમાં વર્તાવવાનું તેમને અજબ તાન હતું. કોઈ ધર્મભંગની વાત કરે એ તેમનાથી જરા પણ સહી શકાતું નહિ. બાપાશ્રીનો સહજ સ્વભાવ અતિ દયાળુ અને ઉદાર હતો, પણ કોઈ ધર્મભંગ કરી તેને ઢાંકવાનો આડંબર કરે તે બાપાશ્રી કેવી રીતે ચલાવે? જ્ઞાતિ અને સત્સંગરૂપ ગંગામાં ધર્મ, નીતિ અને ભક્તિનો નિર્મળ પ્રવાહ નિરંતર વહ્યા કરે એવો ખટકો બાપાશ્રીને અખંડ રહ્યા કરતો. કોઈ ધર્મલોપ કરે કે સહેજપણ આડું અવળું વર્તન કરે તો કોઈની ય મહોબત કે શેહશરમ રાખ્યા વગર તેને તેના જીવના હિત ખાતર પ્રાયશ્ચિત્ત કરવાનું કહેતા ને કરાવતા. કાણાને મીઠી ભાષામાં પણ તેના કાણાપણાનું ભાન કરાવતા. બાપાશ્રીની આવી વૃત્તિને લીધે ભગવદીય, ધર્મપરાયણ જનોને બાપાશ્રી કરુણામૂર્તિ જણાતા, પરંતુ અધર્માચરણી અને સુધરવા ન ઇચ્છતા મનુષ્યોને તો બાપાશ્રી કાળ જેવા લાગતા. વળી આવા મનુષ્યો પર પણ દયાદૃષ્ટિ રાખી, તેમને તેમની ખોટ ટાળી શુદ્ધ કરવાના ઉપાય યોજતા. સત્સંગમાં સ્ત્રી-ધનના ત્યાગમાં જે ત્રુટિઓ હતી તે પણ બાપાશ્રીના ખ્યાલ બહાર ન હતી. આથી તેમણે એ વાતની કાળજી રાખી પ્રથમ તો જે પોતાના હેતવાળો સંત-સમુદાય હતો તેમાં જ જડ-ચૈતન્ય માયાનો અંશમાત્ર રહેવા દીધો નહોતો, અને એક આદર્શ ઉદાહરણરૂપ સંતમંડળ તૈયાર કર્યું, જેમણે ધર્મ નિયમે યુક્ત ભગવદ્ પરાયણ સત્સંગ સમાજનું સર્જન કર્યું. બીજી બાજુ ધ. ધૂ. આચાર્ય શ્રી વાસુદેવપ્રસાદજી મહારાજના વખતમાં જ્યારે દેવ દ્રવ્યનો દુર્વ્યય થવા લાગ્યો ને દેવ દ્રવ્ય પોતાનું કરવાનું મહારાજશ્રીનું વર્તન આગેવાન સંત-હરિભક્તોને રુચ્યું નહિ ત્યારે દેવ દ્રવ્યની રક્ષા કાજે સત્સંગ મહાસભાની સ્થાપના કરવામાં બાપાશ્રીએ અમૂલ્ય ફાળો ને આધ્યાત્મિક બળ પ્રેર્યા હતા. આ બાબતે ન છૂટકે જ્યારે કોર્ટમાં કેસ મુકાયો ત્યારે પણ બાપાશ્રીએ આર્થિક સહાય અપાવી મહાસભાને બળવત્તર બનાવી હતી. આમ જુઓ તો બાપાશ્રી સત્સંગ સુધારણા અર્થે રચાયેલ મહાસભાના આત્મારૂપ હતા. તેથી જ તો આ મહાસભા દ્વારા દેવ દ્રવ્યની રક્ષા થઈ શકી હતી. આચાર્ય, સંત, હરિજનો સૌ દેવને દિવ્ય જાણી, તેમની સેવા ભાવે સહિત કરે, ઉજ્જવળ સત્સંગને ડાઘ લાગે તેવું કાંઈ પણ આચરણ કોઈ ન કરે, દેવ-સત્સંગનું મમત્વ રાખી સૌ હળીમળી તેનો સેવા-વ્યવહાર ચલાવે અને કોઈ પણ ધ. ધૂ. આચાર્યશ્રી, સંત કે હરિજન દેવ-સત્સંગને જરા પણ ઘસારો આવે એવી ક્રિયા ન કરે- એવો બાપાશ્રીનો હંમેશનો ઉપદેશ અને અંતરની ભાવના રહેતા.

બાપાશ્રી જે કાંઈ ઉપદેશતા તે પોતાના આચરણ દ્વારા પણ શીખવતા. પોતે સાવ સાદું ને સાધુ જેવું જીવન વ્યતીત કરતા. જમવામાં પણ સાવ સાદાઈ અને રહેણી-કરણીમાં પણ સાદાઈ; સાદાઈના પર્યાય જેવા જીવન દ્વારા સંત-હરિભક્તોને પ્રેરણા આપતા. પોતે શ્રીજીમહારાજની આજ્ઞામાં વર્તતા અને બીજાને તે પ્રમાણે વર્તાવતા. પોતે સ્વયં આચરણમાં મૂકી, બીજાને તે પ્રમાણે કરવા પ્રેરણા ને ઉપદેશ આપવા એ જ બાપાશ્રીનો સેવા-સુધારણાનો નિરાળો અભિગમ હતો.