નિવેદન
તત્ત્વજ્ઞાનના ઉન્નત શિખરેથી વેદ, શ્રુતિ, સ્મૃતિ, પુરાણરૂપી જ્ઞાનધોધમાં અનેક અર્થવાળા શબ્દ-પ્રયોગોને કારણે જ્યાં સુધી તે ઉપરનાં ભાષ્યો દ્વારા નિર્ભેળ જ્ઞાનજળ નિતારી ન શકાય ત્યાં સુધી મનુષ્યની જ્ઞાનતૃષાને તે શાંત કરી શકતું નથી. પરંતુ સંતપુરુષોનાં જીવનચરિત્ર અને સદુપદેશરૂપી નિર્મળ ઝરણામાંથી વિના પ્રયાસે જ શીતળ અને નિર્ભેળ જ્ઞાનજળ પિપાસુઓને શાંતિ પમાડવા ત્વરિત કાર્યસાધક નીવડે છે.
ભગવાનનો અનુભવ કરેલા સંતના સમાગમથી જ ભગવાન મળે. બુદ્ધિ ને સમજણની શુદ્ધિ પણ તેમના થકી જ થાય છે. તેમનાં દર્શન સાથે જ હૈયામાં ટાઢું થાય છે. જે સ્વતઃસિદ્ધ મુક્તપુરુષનું આ જીવનચરિત્ર છે તે પ. પૂ. શ્રી અબજીબાપા પાસે આવનાર હરકોઈને આવો દિવ્યાનુભવ થતો.
શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરાવાણી 'વચનામૃતો'માં સાદી ભાષા તળે રહેલા જ્ઞાન-ગાંભીર્યને બહાર લાવી સ્પષ્ટ રીતે સમજાવવાનું કાર્ય બાપાશ્રી અબજીબાપાશ્રીએ કર્યું છે. તેઓશ્રી રચિત રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા શ્રી 'વચનામૃત' ગ્રંથ ઉપર એક ભાષ્યરૂપ છે. શ્રીજીમહારાજે વચનામૃતોમાં જે જે ગૂઢ રહસ્ય સાદી ભાષામાં કહ્યું છે તેનું સ્પષ્ટીકરણ મૂળ સાથે સુસંગત રાખી સ્પષ્ટપણે આ ભાષ્યરૂપ પ્રદીપિકા ટીકામાં બતાવ્યું છે. આ ટીકાઓમાં જે ઉત્તમ કોટીનું જ્ઞાન ભરેલું દેખાય છે તે ઉપરથી બાપાશ્રીનું આધ્યાત્મિક બાબતમાં સ્થાન ક્યાં હોવું જોઈએ તે તુરત જ સમજી શકાય છે.
આ સિવાય બાપાશ્રીએ સભામાં તેમજ અન્ય પ્રસંગોએ કરેલી વાર્તાઓનો સંગ્રહ બે ભાગમાં પ્રસિદ્ધ થયેલ છે, જેમાં અનુભવજ્ઞાન અને શ્રીહરિની મૂર્તિના સુખનો દિવ્ય રસ શબ્દેશબ્દે ને વાક્યેવાક્યે ટપકતો વાચકને માલૂમ પડશે. સમયના વહેણ સાથે ધીમે ધીમે ચીંથરે વીંટ્યા રત્ન - મહાન મુક્તવિભૂતિ - કારણ સત્સંગના પ્રણેતા પ. પૂ. શ્રી અબજીબાપાને સત્સંગ અને વિશ્વ વિશેષ ને વિશેષ ગૌરવભરી રીતે નિહાળશે ને અનુસરશે.
આવા મહાન સંતમૂર્તિનું જીવન-કવન યથાર્થ રીતે આલેખવું ઘણું અઘરું છે. અને તે પણ એટલું સંક્ષિપ્તમાં કે સૌ કોઈ તેનો લાભ લઈ શકે. આ માટે સમગ્ર સત્સંગ તેમજ માનવ સમાજ અ. મુ. પૂ. શ્રી નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કરનો સદાય ઋણી રહેશે.
સંતોનું જીવન અને કવન એ ભારતદેશની મોટી પૂંજી છે. એ રીતે આ કલ્યાણકારી લઘુ સંતકથા દરેક વાચકને પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ શ્રીહરિજીના દિવ્ય સુખની ખુશબો વેરતા ગજરાસમ નીવડશે એવી આશા અને મહાપ્રભુને પ્રાર્થના.
સં. 2054, મહા વદ પાંચમ
ઇ. સ. 1998, 16 ફેબ્રુઆરી
પ્રકાશન સમિતિ
શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન