૧. આજ્ઞા
અનાદિ મુક્તરાજ બાપાશ્રીનો જન્મ કચ્છ દેશમાં ભુજ પાસે વૃષપુર ગામમાં સં. 1901માં થયો હતો. તેઓ સમાધિનિષ્ઠ હતા અને તેમનો સમાગમ કરવા મોટા મોટા સંતો વરતાલ અને અમદાવાદ બંને દેશમાંથી આવતા તેમણે જે જે વાતો કરી હતી તે 'શ્રી અબજીબાપાશ્રીની વાતો' એ નામે એ ભાગમાં છપાઈને પ્રસિદ્ધ થઈ છે, તેમાંથી કિંચિત્ વાતો (ફકરાઓ) લખીએ છીએ.
જે વાર્તા પહેલા કે બીજા ભાગની છે એમ ન લખ્યું હોય તે વાત પહેલા ભાગની જ જાણવી.
વાર્તા1 86 : અનાદિ મુક્તરાજ બાપાશ્રીએ કહ્યું છે કે, 'આજ્ઞામાં ફેર પાડે તે તો સ્વામિનારાયણનો કહેવાય જ નહિ, માટે સાધુનો વેષ લીધે સાધુ ન કહેવાય અને સત્સંગીનો વેષ લીધે સત્સંગી ન કહેવાય.' 1
વાર્તા 87 : બાપાશ્રી બોલ્યા જે, 'સાધુ થયા હોય ને ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ, શિક્ષાપત્રી-તેનું અનુસંધાન રાખે નહિ તો તે સાધુ ન કહેવાય. જો મહારાજનું અને મોટાનું અંતર્યામીપણું જાણીને તેમની આજ્ઞામાં યથાર્થ વર્તે તો સાધુ કહેવાય.' 2
વાર્તા 108 : બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, 'ગૃહસ્થ હોય તેમણે તો શ્રીજીમહારાજ સુખેથી સાંભરે ને કથા, વાર્તા, ધ્યાન, ભજન, માળા, માનસીપૂજા વગેરે નિયમ બરાબર સચવાય, અને પોતાના જીવાત્માનું પરલોક સંબંધી સુખ થવાનું સાધન સુખે થાય એવી રીતે દેહ-નિર્વાહ જેટલો જ વ્યવહાર કરવો, પણ વ્યવહારરૂપ થઈ જવાય એવો વેગે સહિત વ્યવહાર ન કરવો; શ્રીજીમહારાજની ને મોટાની આજ્ઞા પ્રમાણે કરવો. બીજું, પોતાના મોક્ષના લાભ માટે ગમે તેવી પ્રકૃતિ હોય તેને મોટાના જોગમાં રહીને ટાળવી. મહારાજની અને મોટાની આજ્ઞામાં લેશ માત્ર ફેર પડવા દેવો નહિ. એમ જાણવું જે હું જે જે ક્રિયાઓ તથા સંકલ્પ કરીશ તેને મહારાજ ને મોટા દેખે છે તેથી મહારાજની ને મોટાની મરજી તથા આજ્ઞા વિરુદ્ધ વર્તીશ તો તે કુરાજી થશે ને મારું બગડી જશે. નિરંતર એવો તપાસ રાખીને મહારાજ ને મોટા જેમ પ્રસન્ન થાય તેમ વર્તવાનો આગ્રહ રાખવો અને મોટાના આપેલા નિયમ ખબરદાર થઈને પાળવાં, જો તેમાં ફેર પડે તો મોટાનું વચન પાછું જાય ને મોક્ષનો ઝાંપો વસાઈ જાય, માટે આજ્ઞા પૂરી પાળવી અને તેમાં ભૂલ પડે તો મોટાને સંભારીને તેનું પ્રાયશ્ચિત્ત કરી નાખવું. સારા-નરસા ઘાટ થાય તેને મહારાજ ને મોટા દેખે છે એમ જાણીને પ્રાયશ્ચિત્ત કરશે તેનું પરમ કલ્યાણ થાશે.' 3
વાર્તા 135 : બાપાશ્રી બોલ્યા જે, 'સર્વે ક્રિયા શ્રીજીમહારાજને સાથે રાખીને એમની ને મોટા મુક્તની પ્રસન્નતાને અર્થે કરવી; પણ વખાણ માટે કે માન માટે ન કરવી. કચરો ને કંચન સમ જાણવાં ત્યારે સાધુ કહેવાય. સાકર ને મીઠું સમ થઈ ગયાં હોય તેણે પણ નિષ્કામશુદ્ધિ ને ધર્મામૃતમાં ફેર પાડવો નહિ, તો જ મૂર્તિનું સુખ આવે ને તે જ પૂરો સાધુ કહેવાય... આપણા મોટેરા ગોળા જમતા ને ક્યારેક અન્ન મળતું નહિ ત્યારે ઉપવાસ કરતા અને અતિ ક્ષુધા લાગી હોય ત્યારે તળાવમાંથી મૃતિકાની કપોટીઓ ખાતા. તમારે પણ તેમના ભેળા બેસવું છે. માટે કોઈ ચાળે ચડી જાવું નહિ. ત્યાગી થવા નીકળ્યા તો દેહના સુખને ઇચ્છવું નહિ ને સ્વભાવમાં ને સિદ્ધિઓમાં બંધાવું નહીં. સ્વભાવ, સિદ્ધિઓ, જડમાયા, ચૈતન્યમાયા, માન, ક્રોધ એ આદિકમાં બંધાઈ રહે તો મૂર્તિ સુધી પહોંચી શકાય નહિ.' 4
વાર્તા 168 : બાપાશ્રી બોલ્યા જે, 'અમારો સિદ્ધાંત શો છે તે જાણીને તે પ્રમાણે વર્તવું. મોટા મોટા વનમાં રહેતા તે કૂતરું ભસે તે પણ સંભળાય નહિ એટલા તો છેટે રહેતા અને વૃક્ષને છાંયે પણ બેસતા નહિ અને માંખ-મચ્છર કરડે તે પણ સંભાળતા નહિ. અને ભિક્ષા માગવા જાય તે ક્યારેક અન્ન મળે ને ક્યારેક ન મળે, ને વસ્ત્ર પણ મળે નહિ એવી રીતે રહેતા, તેવો ખટકો રાખવો. આ વચનામૃત છે તે ચિંતામણિ ને કલ્પતરુ જેવાં છે, તે જે વાતનો પ્રસંગ નીકળે છે, તે જ વાત તેમાં આવે છે. આપણે પંચવિષયના અભાવની વાત કરતા હતા - તે જ વાત આવી છે. શ્રીજીમહારાજનો રાજીપો જે પંચવિષયનો અભાવ કરે ને પુરુષ-પ્રયત્ન કરે તે ઉપર જ થાય છે, અને પછી કૃપા કરે છે. માટે પંચવિષયનો અભાવ કર્યા વિના છૂટકો નથી, તે સો જન્મે કે હજાર જન્મે કે લાખ જન્મે પણ એનો અભાવ કર્યા વિના છૂટકો નથી. જો નહિ ટાળો તો ઓચિંતાની કેદ આવી પડશે ને નવ મહિના સુધી પાચ, પરુ, વિષ્ટા, મળ, મૂત્રમાં ઊંધે માથે રહેવું પડશે, ને બારી કે વાયરો કાંઈ મળે નહિ એવું દુ:ખ આવી પડશે.' 5
આવી રીતે શ્રીજીમહારાજની નાની મોટી આજ્ઞા યથાર્થ પાળવી એ બાપાશ્રીનો મુખ્ય સિદ્ધાંત છે.