૮. શ્રી પુરુષોત્તમ કવચ

રાજોવાચ - સારંગપુરના અધિપતિ જીવવર્મા (જીવાખાચર)ના પુત્ર વ્યાઘ્રજીત (વાઘાખાચર) નામે રાજા અખંડાનંદ બ્રહ્મચારીના પ્રત્યે પૂછે છે :- બ્રહ્મચારીમાં શ્રેષ્ઠ એવા હે અખંડાનંદ બ્રહ્મચારી! કૃષ્ણ જે શ્રીજીમહારાજ તેમના ભક્તને કાંઈક ભય જે કષ્ટ આવે ત્યારે સર્વ પ્રકારે તે ભયને નાશ કરવા માટે તે શ્રીહરિના આશ્રિત તેમણે શું કરવું તે મને કહો. 1

શ્રી નિષ્કુળાનંદ ઉવાચ - શ્રી નિષ્કુળાનંદમુનિ ભોજેન્દ્ર રાજા પ્રત્યે કહે છે : હે નૃપ! આ પ્રકારે વિનયે સહિત વ્યાઘ્રજીત રાજાએ પૂછ્યા એવા બ્રહ્મચારીમાં શ્રેષ્ઠ જે શ્રી અખંડાનંદ બ્રહ્મચારી તે જે તે શ્રીહરિને સંભારતા થકા તે રાજા પ્રત્યે બોલતા હતા. 2

શ્રી અખંડાનંદ ઉવાચ - હે રાજન્! શ્રીહરિના ભક્ત એવા તમોએ બહુ જ સારું પૂછ્યું. ભગવાનના ભક્તને કાંઈક ભય જે કષ્ટ તે પ્રાપ્ત થયે સતે જે કરવા યોગ્ય છે તે તમોને હું સંક્ષેપથી કહું છું તેને તમે સાંભળો. 3

સર્વોત્તમ કહેતાં બીજા દેવનાં સમગ્ર સ્તોત્ર થકી શ્રેષ્ઠ એવું, શ્રી પુરુષોત્તમ નારાયણ છે સ્વરૂપ જેનું એવું, ને વર્મ કહેતાં 'શ્રી પુરુષોત્તમ કવચ' તે ભય માત્રને નાશ કરનારું છે. તે પ્રત્યક્ષ શ્રીહરિના ભક્ત તેમણે ધારણ કરવું. 4

અધ્યાત્મ, અધિભૂત ને અધિદૈવ એ આદિક સમગ્ર દુઃખને છેદી નાખનારું અને ભવ જે જન્મ-મરણ તેને નાશ કરનારું અને ભગવાન સંબંધી મહા સુખને આપનારું એવું જે 'શ્રી પુરુષોત્તમ કવચ' તેને હું જે તે તમને કહું છું તેને તમે સાંભળો. 5

'શ્રી' જે લક્ષ્મી તેમનું મંદિર કહેતાં જેમના વક્ષ:- સ્થલને વિષે લક્ષ્મીજી રહ્યાં છે અને 'શ્રીકૃષ્ણ, શ્રીહરિ, શ્રી સ્વામિનારાયણ, શ્રીહરિકૃષ્ણ' એ આદિક છે નામ જેમનાં અને સર્વના સ્વામી અને પુરાણ પુરુષ એવા જે શ્રી પુરુષોત્તમ ભગવાન તેમને હું સાષ્ટાંગ નમસ્કાર કરું છું. 6

જન જે ચાર વર્ણનો મનુષ્ય તે જે તે ભય જે દુઃખ ને આવ્યે સતે શુદ્ધ જળે કરીને ધોયા છે ચરણ ને હસ્ત જેણે અને અંતઃકરણને વિષે શુદ્ધ એવો સતો ઉત્તરાદે મુખે બેસીને આચમન કરીને ૐ નમોડવતારિણે સ્વામિનારાયણાય એ મંત્રે કરીને અંગના ન્યાસ તેને કરીને શ્રી પુરુષોત્તમ છે સ્વરૂપ જેનું એવું આ કવચ તેને ધારણ કરે. 7

હવે તે મંત્રના સમગ્ર વર્ણે કરીને સર્વ અંગનો ન્યાસ તેને ત્રણ શ્લોકે કરીને કહે છે :-

1. ૐ નકારં પદયો:

2. ૐ મોકારં ગુલ્ફયો:

3. ૐ વકારં જંઘયો:

4. ૐ તાકારં જાન્વો:

5. ૐ રિકારં ઉર્વો:

6. ૐ ણેકારં કટ્યામ્

7. ૐ સ્વાકારં નાભૌ

8. ૐ મિકારં હૃદયે

9. ૐ નાકારં ઉરસિ

10. ૐ રાકારં બાહ્વો:

11. ૐ યકારં કંઠે

12. ૐ ણાકારં મુખે

13. ૐ યકારં મૂર્ધ્નિ

આવી રીતે બોલીને ન્યાસ કરે અને એ જ મંત્રના અક્ષરની આવૃત્તિએ કરીને આંગળીઓએ સહિત બે હસ્તના ન્યાસને કરે અથવા નમ: શ્રી પુરુષોત્તમાય એ મંત્રના અક્ષરે કરીને બે હાથના ન્યાસને કરે તે કહે છે :-

1. ૐ નકારં અંગુષ્ઠયો:

2. ૐ મ: તર્જન્યો:

3. ૐ શ્રીકારં મધ્યમયો:

4. ૐ પુકારં અનામિક્યો:

5. ૐ રુકારં કનિષ્ઠિકયો:

6. ૐ ષોકારં કરાગ્રયો:

7. ૐ ત્તકારં કરતલયો:

8. ૐ માકારં કરપૃષ્ઠયો:

9. ૐ યકારં કરમૂલયો:

1. ૐ કારં...... હૃદયે

2. ૐ શ્રીકારં મૂર્ધનિ

3. ૐ હકારં ભ્રુવોર્મધ્યે

4. ૐ રકારં શિખાયામ્

5. ૐ યેકારં નેત્રયો:

6. ૐ નકારં સર્વસંધિષુ

7. ૐ મ: અસ્ત્રાય ફટ્

આવી રીતે શ્રીહરિનું ધ્યાન કરવાપૂર્વક મંત્રે કરીને ન્યાસ કરી જન જે ભક્તજન તે જે તે મંત્રરૂપ છે મૂર્તિ જેની એવો થાય. 13

આવી રીતે ૐ શ્રીહરયે નમ: એ મંત્રને વિસર્ગે સહિત 'ફટ્' છે અંતે જેમાં એ પ્રકારે સર્વ દિશાઓને વિષે નિર્દેશ કરે. પછી સ્થિર મને કરીને હૃદયકમલમાં પુરુષોત્તમ એવા શ્રીહરિનું ધ્યાન તેને કરે. 14

હવે તે ધ્યાનને કહે છે : મુક્તાવતાર જે ત્યાગી ને ગૃહસ્થ એવા ભક્ત તેમની મોટી સભાના મધ્યમાં નિરંતર વિરાજમાન અને મેઘના સરખી છે શ્યામ સુંદર મૂર્તિ જેમની અને મંદહાસ્યે યુક્ત છે મુખારવિંદ જેમનું અને સોનેરી વસ્ત્ર ને સોનાનાં ઘરેણાં જેમણે ધારણ કર્યાં છે એવા શ્રી પુરુષોત્તમ ભગવાન તેમનું હું હૃદયકમળને વિષે ધ્યાન કરું છું. 15

માણિક્ય જે લાલ મણિ તેના સરખો છે વર્ણ જેનો એવી માણકી ઘોડી ઉપર વિરાજમાન અને અતિશય ઉજ્જવળ કહેતાં સૂર્યના કિરણે કરીને ચળક ચળક થતા એવા ભાલા જેમના હાથમાં છે એવા અસવાર જે સોમવર્મા, ઉત્તમરાજા એ આદિક તેમણે વીંટેલા પુરુષોત્તમ એવા શ્રીહરિ તે જે તે સર્વ કષ્ટ થકી મારી રક્ષા કરો કહેતાં મારું પાલન કરો. 16

આવી રીતે સંક્ષેપે કરીને પ્રાર્થના કરી તેણે કરીને સંતોષ ન થાય એ હેતુ માટે એ જ શ્રી પુરુષોત્તમ તેમનાથી સ્વામિનારાયણાદિક નામે કરીને તેમની જ પ્રાર્થનાને કહે છે: ધર્મદેવના અવતાર શ્રીહરિપ્રસાદજી, તેમના પુત્ર શ્રી સ્વામિનારાયણ જે તે લોભ-કામાદિક સમગ્ર અંતઃકરણના શત્રુ થકી મારી રક્ષા કરો. અને શ્રીકૃષ્ણ જે તે દેવના શત્રુ કહેતાં બાહેરલા શત્રુ તે થકી રક્ષા કરો અને સર્વના સ્વામી એવા શ્રીહરિકૃષ્ણ ભગવાન જે તે સમગ્ર અધર્મનો સર્ગ જે પરિવાર તે થકી મારી રક્ષા કરો. 17

ભક્તિના અવતાર જે શ્રી પ્રેમવતી માતા તેમના પુત્ર શ્રીહરિ તે જ પોતાની ભક્તિમાં વિઘ્ન કરનારા જન થકી મારી રક્ષા કરો અને શ્રી નીલકંઠ ભગવાન જે તે દિવસ ને રાત્રીમાં મારી રક્ષા કરો અને નારાયણમુનિ જે તે નિશ્ચય પ્રાત:સંધ્યા અને સાયંસંધ્યા તેને વિષે મારી રક્ષા કરો 18.

અને સ્વાભાવિક આનંદ જેમને વિષે રહ્યો છે. એવા શ્રી સહજાનંદ સ્વામી જે તે પોતાનો દાસ જે હું તે મારી સમગ્ર દુઃખ થકી કહેતાં કષ્ટ માત્ર થકી રક્ષા કરો. અને ભક્તિ-ધર્મના પુત્ર એવા શ્રી વાસુદેવ ભગવાન જે તે નાશવંત અને દુઃખે મિશ્રિત એવાં માયિક સુખ થકી મારી રક્ષા કરો. 19

અને શ્રેષ્ઠ છે દર્શન જેમનું એવા પોતે ઘનશ્યામ ભગવાન જે તે મદે કરીને ઉદ્ધત એવો મારા મનરૂપી હાથી તે થકી મારી રક્ષા કરો અને સર્વ અવતારના કારણ એવા શ્રીહરિ જે તે પોતાના એકાંતિક ધર્મ તેના આચરણને વિષે પ્રમાદ જે આળસ તે થકી મારી રક્ષા કરો. 20

અને નરનારાયણ ભગવાન જે તે વનને વિષે હિંસક પ્રાણીના સમૂહ થકી મારી રક્ષા કરો, અને શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન જે તે દરિદ્રીપણું તથા ગ્રામ્યજન જે સ્ત્રૈણ પુરુષ તે થકી પોતાનો કિંકર જે હું તે મારી રક્ષા કરો. 21

અને સાધુ પુરુષના સ્વામી એવા શ્રી ગોપીનાથ ભગવાન જે તે જળને વિષે ગ્રાહાદિક જળજંતુ થકી તથા વરુણના પાશલા તે થકી મારી રક્ષા કરો, અને શ્રી રાધારમણ ભગવાન જે તે, સ્થળ વિષે મારી રક્ષા કરો, ને શ્રી રાધાકૃષ્ણ ભગવાન જે તે આકાશને વિષે મારી રક્ષા કરો. 22

અને મદનમોહન ભગવાન જે તે દુર્ગ જે દુર્ગમ સ્થાન અથવા નાના પ્રકારના કિલ્લા તથા અટવી જે ઘોર વન અથવા પર્વતની તળેટીઓ તેમને વિષે મારી રક્ષા કરો. અને રણસંગ્રામને વિષે તો બળદેવ-કૃષ્ણ જે તે મારી રક્ષા કરો. ઋણચ્છોડજી નામે શ્રીહરિ જે તે દેવ, પિતૃ અને ઋષિ તેમના ઋણ થકી મારી રક્ષા કરો અને વરાહાદિક સમગ્ર શ્રી પુરુષોત્તમ ભગવાનના અવતાર જે તે, માર્ગને વિષે કહેતાં જ્યાં જ્યાં હું જાઉં ત્યાં સર્વ માર્ગમાં મારી રક્ષા કરો. અથવા ઉદ્ધવ સંપ્રદાય વિનાના જે બીજા સંપ્રદાય તેમને વિષે પ્રીતિ ન થાય એમ મારી રક્ષા કરો. 23

હવે એ શ્રી પુરુષોત્તમ ભગવાનના એકાંતિક ભક્તની પ્રાર્થનાને કહે છે : હનુમાનજી જે તે સૂર્યાદિક નવગ્રહ થકી અથવા બ્રહ્મરાક્ષસાદિક સમગ્ર પ્રેત થકી તથા ભૈરવાદિક થકી મારી રક્ષા કરો અને વિઘ્નના રાજા જે ગણપતિ તે જે તે મારે શ્રી પુરુષોત્તમના ચરણારવિંદને પામવું તેમાં જે જે વિઘ્ન આવે તે સમગ્ર વિઘ્ન થકી મારી રક્ષા કરો અને શ્રી રામપ્રતાપજી મહારાજ જે તે વૈતરણી નદી, રૌરવ, મહારૌરવ, કુંભીપાક એ આદિક નરક થકી અથવા નીચ યોનીમાં જન્મરૂપી નરક થકી મારી રક્ષા કરો. અને શ્રી ઇચ્છારામજી મહારાજ જે તે મારી ઉપર દયા કરીને ઉગ્ર ધર્મ થકી કહેતાં જેણે કરીને દેહાદિકને ઘણો કલેશ થાય એવા કઠોર ધર્મ થકી મારી રક્ષા કરો. 24

અને શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ નામે ગુરુ જે તે અસદ્ મતિ જે દુર્બુદ્ધિ તથા કલિ જે કળિયુગના દોષ તે થકી મારી રક્ષા કરો. અને શ્રી રઘુવીરજી મહારાજ નામે ગુરુ જે તે દેહાદિકને વિષે સંગ તેમાં આસક્તિ તથા વિષયી જનનો પ્રસંગ તે થકી મારી રક્ષા કરો. 25

મુકુંદાનંદ બ્રહ્મચારી જે તે કામરૂપ સિંહના આક્રોશ થકી કહેતાં માયિક પંચવિષયને ભોગવવાની ઇચ્છા થકી મારી રક્ષા કરો અને જયાનંદ બ્રહ્મચારી જે તે દ્રવ્યાદિકના લોભ થકી મારી રક્ષા કરો અને શતાનંદમુનિ જે તે કોપ જે ક્રોધ તે થકી મારી રક્ષા કરો. અને મુક્તાનંદમુનિ જે તે દુર્જન પુરુષના સમાગમ થકી મારી રક્ષા કરો કહેતાં મુને તેનો પ્રસંગ ન થવા દો. 26

અને ગોપાળાનંદમુનિ જે તે દેહાભિમાન થકી મારી રક્ષા કરો. અને બ્રહ્માનંદમુનિ જે તે સમગ્ર કુસંગ થકી મારી રક્ષા કરો. અને નિત્યાનંદમુનિ જે તે પોતાનો દેહ ને દેહના સંબંધીને વિષે જે સ્નેહ તે થકી મારી રક્ષા કરો. અને ચૈતન્યાનંદમુનિ જે તે પ્રમાદ થકી કહેતાં ન કરવાનું થાય અને કરવાનું ન થાય એ દોષ થકી મારી રક્ષા કરો. 27

અને આનંદાનંદમુનિ જે તે રસાસ્વાદ થકી મારી રક્ષા કરો. અને સ્વરૂપાનંદમુનિ જે તે વિદ્યાદિક ગુણનો તથા ધનાદિકનો જે મદ તે થકી મારી રક્ષા કરો. અને પ્રેમાનંદમુનિ જે તે વિષાદ જે ખેદ તે થકી મારી રક્ષા કરો. અને વ્યાપકાનંદમુનિ જે તે મોહ જે વિપરીત જ્ઞાન કહેતાં અવળી સમજણ તે થકી મારી રક્ષા કરો. અને કૃપાનંદમુનિ જે તે મોહ જે મૂઢપણું તે થકી મારી રક્ષા કરો. 28

અને શુકાનંદમુનિ જે તે દંભ થકી મારી રક્ષા કરો. અને નૃસિંહાનંદમુનિ જે તે દેવના અપરાધ થકી મારી રક્ષા કરો. અને સચ્ચિદાનંદમુનિ જે તે શ્રીહરિના વિયોગ થકી મારી રક્ષા કરો. અને ગુણાતીતાનંદમુનિ જે તે કૃતાન્ત જે કાળ તે થકી મારી રક્ષા કરો. 29

અને નિષ્કુળાનંદમુનિ જે તે નાના પ્રકારના માયિક વિષયભોગ થકી મારી રક્ષા કરો. અને સ્વયંપ્રકાશાનંદમુનિ જે તે માયિક પંચવિષયને વિષે રાગ જે આસક્તિ તે થકી મારી રક્ષા કરો. અને મહાનુભાવાનંદમુનિ જે તે નાના પ્રકારની નીચ ગતિઓ થકી મારી રક્ષા કરો. અને શિવાનંદમુનિ જે તે નિશ્ચે અજ્ઞાન થકી મારી રક્ષા કરો. 30

અને વાસુદેવાનંદ બ્રહ્મચારી જે તે અસત્ સ્વભાવ જે સારા સાધુ પુરુષને ન ગમે એવી જે દુષ્ટ પ્રકૃતિ તે થકી મારી રક્ષા કરો. અને નારાયણાનંદ બ્રહ્મચારી જે તે શ્રીહરિની ભક્તિને વિષે આડાં આવે જે વિઘ્ન તે થકી મારી રક્ષા કરો. આનંદાનંદ બ્રહ્મચારી જે તે ભૂત-પ્રેતાદિક થકી મારી રક્ષા કરો. અને વૈકુંઠાનંદ બ્રહ્મચારી જે તે કુત્સિત બુદ્ધિવાળો કહેતાં ભગવાન થકી વિમુખ છે. બુદ્ધિ જેની એવો જન તે થકી મારી રક્ષા કરો. 31

અને આત્માનંદમુનિ જે તે શ્રીહરિના વચનનું જે ઉલ્લંઘન તે થકી મારી રક્ષા કરો કહેતાં શ્રીહરિની આજ્ઞા વિરુદ્ધ આચરણ ન થાય એવી મારી ઉપર દયા કરો. અને અદભુતાનંદમુનિ જે તે સંસાર સમુદ્ર થકી મુને તારો. અને પરમાનંદમુનિ જે તે પાપી પુરુષના પ્રસંગ થકી મારી રક્ષા કરો. અને યોગાનંદમુનિ જે તે દુરાગ્રહ થકી મારી રક્ષા કરો. 32

અને અક્ષરાનંદમુનિ જે તે ભગવાનના ભક્તના અપરાધ થકી મારી રક્ષા કરો. અને ગોવિંદાનંદમુનિ જે તે શાક્ત જે મલિનવિદ્યાવાળા શક્તિ પંથી જન તે થકી મારી રક્ષા કરો. અને જ્ઞાનાનંદમુનિ જે તે શુષ્કજ્ઞાની એવા જે જન તે થકી મારી રક્ષા કરો. અને સર્વજ્ઞાનાનંદમુનિ જે તે નાસ્તિક તથા કૂડાપંથી તેમના પ્રસંગ થકી મારી રક્ષા કરો. 33

અને ભજનાનંદમુનિ જે તે કુત્સિત વૈદ્ય થકી મારી રક્ષા કરો. અને દેવાનંદમુનિ જે તે દુરાલાપ જે અસદ્ ભાષણ તેને વિષે રતિ જે પ્રીતિ તે થકી મારી રક્ષા કરો. ભગવદાનંદમુનિ જે તે કુત્સિક વિવાદને કરનારા જે પંડિત પુરુષ તે થકી મારી રક્ષા કરો. અને ભૂધરાનંદમુનિ જે તે પ્રવાદ જે અતિશય વિવાદ તે થકી મારી રક્ષા કરો. 34

અને સર્વે મુનિ કહેતાં રામદાસમુનિ, સિદ્ધાનંદમુનિ, તદ્રુપાનંદમુનિ, શૂન્યાતીતાનંદમુનિ, ઉત્તમાનંદમુનિ, મંજુ-કેશાનંદમુનિ, વિરક્તાનંદમુનિ, અમોઘાનંદમુનિ, પ્રજ્ઞાનંદમુનિ, વિજયાત્માનંદમુનિ, અખંડાનંદમુનિ, સનાતનાનંદમુનિ, પવિત્રા- નંદમુનિ, હરિહર્યાનંદમુનિ, ચતુર્વ્યુહાનંદમુનિ, બાલમુકુંદાનંદ- મુનિ, વિજ્ઞાનાનંદમુનિ એ આદિક સમગ્ર પરમહંસ તથા વર્ણી જે ગોપાળાનંદ બ્રહ્મચારી, રાઘવાનંદ બ્રહ્મચારી, માધવાનંદ બ્રહ્મચારી, - એ આદિક સમગ્ર બ્રહ્મચારી જે તે મૂર્છારૂપી દોષ તથા છળ-કપટ તથા વ્યાધિ જે નાના પ્રકારના રોગ તથા જરા જે વૃદ્ધાવસ્થાનું દુ:ખ તથા આધિ જે મનની પીડા તથા મત્સર જે કોઈની મોટપ દેખી ખમાય નહિ તે રૂપ દોષ તથા નિદ્રા તથા અવગર્હા જે નિંદા તથા વિપરીત ભાવના જે શ્રીહરિના ચરિત્રને વિષે મનુષ્ય-બુદ્ધિરૂપ દોષ તથા ભગવદીનો દ્રોહ તથા અભ્યસૂયા જે ગુણને વિષે દોષ પરઠવા તે રૂપી દોષ તથા અનૃત ભાષણ જે અસત્ય વચન બોલવું એ આદિક દોષ થકી મારી રક્ષા કરો. 35

અને હેમંતસિંહ, સોમવર્મા, ઉત્તમરાજા, સુરવર્મા, જીવવર્મા, ખટ્વાંગ, કાકાભાઈ, પૂંજાભાઈ, નાજ ભક્ત, ગોવર્ધનભાઈ, પર્વતભાઈ, ભીમભાઈ, કાશીદાસ, આંબો શેઠ, ભોજેન્દ્ર રાજા, કુબેરભાઈ, નાથભક્ત, વાસ્તુવર્મા, નંદુભાઈ, શિવ યાજ્ઞિક, નથ્થુભાઈ, વેણીદાસ, વિષ્ણુદાસ, પ્રતાપસિંહ, અભયરાજા, યોવનાશ્વ અને મયારામ ભટ્ટ - એ આદિક સમગ્ર શ્રીહરિના એકાંતિક ભક્ત જે તે શ્રી સ્વામિનારાયણ વિના બીજા પદાર્થની જે વાસના તે થકી મારી રક્ષો કરો. કહેતાં ભગવાન વિનાની બીજી વાસના મારા હૃદયમાં ન રહેવા દો. 37

અને ભૃગુજીત, રત્નજિત, વીરો ભક્ત, કુબેરસિંહ, અલૈયો ભક્ત, ભીમ ભક્ત, કેશવ ભક્ત, લખો ભક્ત, અર્જુન ભક્ત, કેશરિસિંહ, ગાલવ-એ આદિક સમગ્ર શ્રીહરિના પાર્ષદ જે તે સર્વ દિશા થકી મારી રક્ષા કરો કહેતાં સર્વ લોકમાંથી મારા મનને ઉખાડીને એક શ્રીહરિના ચરણારવિંદને વિષે આસક્ત કરીને રાખો. 38

આ પ્રકારનું શ્રી પુરુષોત્તમ જે શ્રી સહજાનંદ સ્વામી તે છે સ્વરૂપ જેનું એવું આ સર્વોત્તમ કવચ તે જે તે સમગ્ર પાપ માત્રને નાશ કરે એવું છે તથા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણ અંગે સહિત શ્રી પુરુષોત્તમ ભગવાનને વિષે ભકિત જે માહાત્મ્ય સહિત ઘણો સ્નેહ તેને આપનારું છે. 39

અને સર્વ ઉપદ્રવને નાશ કરનારું અને શ્રીહરિનું પદ જે ધામ તેને પમાડનારું છે અને ભક્તિ ને મુક્તિ તેનું આપનારું છે અને આ લોકમાં પણ મનુષ્યને ઇચ્છિત સિદ્ધિને આપનારું છે. 40

અને આધિ જે મનનું દુ:ખ અને વ્યાધિ જે દેહનું દુ:ખ તેને નાશ કરનારું છે અને શુભ અર્થને વિષે તત્કાળ વિજયને દેનારું છે અને ધનને દેનારું, કીર્તિને આપનારું, આવરદાને આપનારું અને કાળ થકી જે ત્રાસ તેને નાશ કરનારું છે. 41

એ હેતુ માટે જે ભક્તજન આ 'શ્રી પુરુષોત્તમ કવચ' ને હેતે કરીને ધારણ કરે કહેતાં અંતઃકરણમાં મનન કરે અથવા આદર થકી સાંભળે, પાઠ કરે તેને મનુષ્ય તથા દેવ જે તે નમસ્કાર કરે છે અને તે જન જે તે સમગ્ર ભય થકી મુકાઈ જાય છે. 42

એ હેતુ માટે સમગ્ર સુખ માત્રનું કારણ અને સમગ્ર ભક્તજનની પીડા માત્રને નાશ કરનારું અને શુભ કહેતાં મંગલને કરનારું એવું સર્વોત્તમ જે આ 'શ્રી પુરુષોત્તમ કવચ' તે ત્યાગી તથા ગૃહસ્થ એવા સમગ્ર ભકતજન તેમણે આ લોકને વિષે ભય જે તે આવે સતે કહેતાં દેહ સંબંધી તથા લોક સંબંધી જે કાંઈક કષ્ટ પ્રાપ્ત થયે સતે અથવા જન્મમરણનો ત્રાસ થયે સતે પણ આદર જે મહા ઉત્સાહ તે થકી બુદ્ધિએ કરીને કહેતાં અર્થ સમજવાપૂર્વક શ્રવણ-કીર્તન મનનાદિકે કરીને ધારણ કરવું. 43

શ્રી નિષ્કુળાનંદમુનિ ભોજેન્દ્ર રાજા પ્રત્યે કહે છેઃ હે મનુષ્યના પાળનારા ભોજેન્દ્ર! આ પ્રકારે બ્રહ્મચારીમાં શ્રેષ્ઠ એવા અખંડાનંદ બ્રહ્મચારી તેમણે વ્યાઘ્રજિત રાજાને કહ્યું ને શ્રી પુરુષોત્તમ છે નામ જેનું એવું આ કવચ તે પ્રત્યક્ષ શ્રીહરિના ભક્તને ભગવાન સંબંધી અતિ મોટા સુખને આપનારું છે. અને તે શ્રીહરિના ભક્ત તેમણે હેતે કરીને નિત્યે શ્રવણ કરવા યોગ્ય, પાઠ કરવા યોગ્ય, મનન કરવા યોગ્ય છે એ હેતુ માટે આ 'શ્રી પુરુષોત્તમ કવચ' જે તે પ્રત્યક્ષ ભગવાનના ભક્તને કહેવું પણ ભગવાનના તથા ભગવાનના ભક્તના જે દ્વેષી હોય તેમને ક્યારેય ન કહેવું. 44

આ પ્રકારે શ્રી સહજાનંદ સ્વામીના ચરણારવિંદને વિષે ભ્રમરની પેઠે આસક્ત કર્યું છે મન જેમણે એવા અખંડાનંદ બ્રહ્મચારી તેમણે રચ્યું અને શ્રી નિષ્કુળાનંદમુનિ ને ભોજેન્દ્ર રાજાનો સંવાદ જેને વિષે છે એવું શ્રીહરિચરિત્ર નામે જે ભક્તિશાત્ર તેમાં પૂર્વાર્ધને વિષે જે પ્રથમ પરિચ્છેદ તેને વિષે નિરૂપણ કર્યું એ નામે 42 મો અધ્યાય થયો.