૧૦. વરતાલ-વચનામૃત 18નો ભાવાર્થ : તેમાં ઉપાસના, પ્રગટપણું ને સર્વદેશી સમજણ
શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે 'સત્સંગી હોય તેને અવશ્યપણે શી શી વાર્તા જાણી જોઈએ?' એમ પ્રશ્ન કરીને શ્રીજીમહારાજ બોલ્યા જે, 'એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણવી જોઈએ' એટલે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અમે છીએ, તે અમે પોતે જ અમારી મહાત્મ્યે સહિત એકાંતિક ભક્તિ કરવાનો તથા અમારી સર્વોપરી આજ્ઞા-ઉપાસના સમજવાનો સદ્ઉપદેશ આપીને આત્યંતિક મોક્ષનો માર્ગ ચલાવ્યો છે, એનું જ નામ ઉદ્ધવ સંપ્રદાય કહેવાય છે. પણ એને જ સ્વામિનારાયણ સંપ્રદાય જાણવો. અને એની રીત જાણવી, એટલે પ્રત્યક્ષ મારા સ્વરૂપની જ સર્વોપરી ઉપાસના સમજીને અને પોતાને અક્ષરધામરૂપ અથવા અનાદિમુક્તરૂપ માનીને અમારી એકાંતિક ભક્તિ કરવી. એ જ 'રીત' એટલો મારો સિદ્ધાંત છે. (1)
'બીજું ગુરુપરંપરા જાણવી જોઈએ.' તે કેવી રીતે તો અમારા ગુરુ રામાનંદ સ્વામી હતા અને એમના ગુરુ રામાનુજાચાર્ય હતા, એટલે મુમુક્ષુને મોક્ષને અર્થે ગુરુ કરવા તે શુદ્ધ પરંપરા જોઈને કરવા. તે કઈ રીતે તો સર્વે સત્સંગીના આચાર્યપદને વિષે અમે સ્થાપન કર્યા જે શ્રી અયોધ્યાપ્રસાદજી ને શ્રી રઘુવીરજી તથા અમારા આશ્રિત જે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી તથા બ્રહ્મચારી વાસુદેવાનંદ સ્વામી આદિ સર્વે, તેમના ગુરુ તથા ઇષ્ટદેવ અમે જ છીએ અને તે સર્વે અમારા શિષ્ય તથા સેવક છે અને તેમના શિષ્ય થાય તેમના ગુરુ તે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી તથા મુક્તાનંદ સ્વામી આદિ છે. આવી રીતે અમારા આશ્રિતના આશ્રિતની જે ગુરુપરંપરા તેને જાણીને દીક્ષાગુરુ ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રીને કરવા ને તેમની પાસેથી દીક્ષા તથા ગુરુમંત્ર લેવો. અને જે પોતાને જ્ઞાન સમજાવે તેને જ્ઞાનપ્રદાતા ગુરુ માનવા. આવી રીતે અમારા સંપ્રદાયના આચાર્યને ગુરુ કરીને જે મુમુક્ષુ અમારી એકાંતિક ભક્તિ કરશે તેનો મોક્ષ હું કરીશ, આવી રીતે ગુરુ કરવાની રીત જાણવી.
'અને અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી' - એટલે અમે જ શ્રી નરનારાયણ દેવની અને શ્રી લક્ષ્મીનારાયણ દેવની બે ગાદીઓની સ્થાપના કરી છે તે ગાદી ઉપર ધર્મદેવના કુળમાંથી શ્રી અયોધ્યાપ્રસાદજી ને શ્રી રઘુવીરજી એ બંનેને આચાર્યપદ આપ્યું છે. તેમની ગાદીએ તેમના પુત્રમાંથી જેમનો વંશપરંપરાએ અભિષેક થાય તેમને જ સર્વે સંત તથા હરિભક્તોએ પૂજ્યમાન્ય ધર્મધુરંધર આચાર્ય મહારાજશ્રી તરીકે માનવા અને તેમના વચનમાં રહેવું અને તેમની અન્ન-ધનથી સેવા કરવી અને તે આચાર્ય મહારાજશ્રી તેમણે શ્રીજીમહારાજની એકાંતિક ભક્તિ કરવી-કરાવવી અને દેવની સેવા કરવી-કરાવવી. (2)
'અને ત્રીજું અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ શાસ્ત્ર છે તેને જાણવાં' - એટલે શિક્ષાપત્રીમાં આઠ શાસ્ત્ર માનવાનાં કહ્યાં છે તે શાસ્ત્રથી સત્સંગિજીવન ગ્રંથ શ્રીજીમહારાજે શતાનંદ સ્વામી પાસે કરાવ્યો છે. તેમાં શિક્ષાપત્રી, ધર્મામૃત, જ્ઞાનામૃત, નિષ્કામશુદ્ધિ, હરિગીતા, નારાયણગીતા આદિ અવાંતર વિભાગ છે તથા સત્સંગિભૂષણ, હરિલીલા-કલ્પતરુ આદિ ગ્રંથ કરાવ્યા છે તથા મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આદિ સંતોએ ભક્તિચિંતામણિ ધર્માખ્યાન, સુમતિપ્રકાશ આદિ ભાષાના ઘણા ગ્રંથ કર્યા છે. તે ગ્રંથોને શિક્ષાપત્રીમાં પરોક્ષ આઠ શાસ્ત્ર કહ્યાં છે, તેથી વિશેષ માનવાં. કેમ જે શ્રીજીમહારાજના સંતોએ કરેલા ગ્રંથોમાંથી શ્રીજીમહારાજને પ્રગટ થવાના હેતુ તથા શ્રીજીમહારાજના જન્મથી અંતર્ધાનપર્યંત ચરિત્રનું વર્ણન તથા શ્રીજીમહારાજનું પ્રગટપણું, દિવ્યપણું, અને સર્વોપરીપણું આદિ માહાત્મ્યજ્ઞાનનું વિશેષ વર્ણન છે. તેથી મુમુક્ષુને આત્યંતિક મોક્ષને અર્થે વિશેષ ઉપયોગી થાય છે. તથા શ્રીજીમહારાજના આશ્રિત ત્યાગી-ગૃહી, બાઈઓ-ભાઈઓ એમને શ્રીજીમહારાજની આજ્ઞા જેવી રીતે પાળવાની છે તે સર્વે શ્રીજીમહારાજે કરાવેલા શાસ્ત્રમાંથી જ સમજાય છે પણ શિક્ષાપત્રીમાં જે પરોક્ષ શાસ્ત્ર માનવાનું કહ્યું છે તેમાંથી યથાર્થ સમજાય નહિ, તે સારું જ શ્રીજીમહારાજના મુક્તોએ શાસ્ત્ર કર્યાં છે. અને શ્રીજીમહારાજના શાસ્ત્રથી પણ શ્રીજીમહારાજનાં વચનામૃત અતિશય જ અધિક જાણવાં; કેમ જે શ્રીજીમહારાજના મુખનાં વચન છે અને શ્રીજીમહારાજે પોતે જ પોતાનું રહસ્ય વચનામૃતમાં સમજાવ્યું છે માટે વિશેષ જાણવાં. આવી રીતે શાસ્ત્રનું અધિક-ન્યૂનપણું જાણવું. (3)
'ચોથું શ્રીજીમહારાજના આશ્રિત સર્વે ત્યાગી-ગૃહી તેમના જે જે નિયમ છે તેને જાણવા' - એટલે ત્યાગી-ગૃહીને શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. (4)
'અને પાંચમાં આપણા ઇષ્ટદેવ જે શ્રીકૃષ્ણ ભગવાન તેને જાણવા' - એટલે આ વચન શ્રીજીમહારાજનું છે, તે પ્રમાણે તો શ્રીજીમહારાજના ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાન થયા પણ એમ તો છે જ નહિ; કેમ કે શ્રીજીમહારાજે એમ પણ કહ્યું છે કે, હું જ સર્વકર્તા ભગવાન છું; મારા થકી પર બીજો કોઈ ભગવાન નથી; હું એક જ ભગવાન છું. એમ શ્રીજીમહારાજે 'હરિવાક્ય-સુધાસિંધુ'ના તરંગ 227 માં કહ્યું છે :-
अहमेवाखिलांडानां जन्मादेर्हेतुरस्मि वै ।
मत्तः परतरः कश्चिन्नास्त्येव भगवान क्वचित् ॥
સર્વે બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયનો કર્તા હું જ છું; મારા થકી બીજો કોઈ ભગવાન ક્યારેય પણ નથી, અર્થાત્ હું સ્વામિનારાયણ એક જ સર્વનો ઉપરી ભગવાન છું.
મ. વ. 13 માં 'જે તેજને વિષે મૂર્તિ છે તે મહારાજ પંડે છે એમ જાણજો'. માટે આ વચનામૃતમાં શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે શ્રીજીમહારાજે પોતાને જ કહ્યા છે. તે જુઓ સ.ભૂ. અં. 2, અ. 58 માં :-
कृष्णोडहं भगवानस्मि सर्व कारणकारणम् ।
प्रकाशकानां सर्वेषां स चैवास्मि प्रकाशकः ॥
સર્વકારણના કારણ એટલે સૃષ્ટિકાર્યના કારણ અક્ષર, પુરુષ, પ્રકૃતિ, કાળ આદિ છે અને મોક્ષ કાર્યના કારણ જે મુક્ત તથા નિત્યમુક્ત છે, તેમનો પણ કારણ હું સ્વામિનારાયણ ભગવાન છું અને પ્રકાશ કરનારા જે સર્વે અક્ષર, મૂળપુરુષાદિક તેમનો પ્રકાશક પણ હું જ છું.
અને શ્રીકૃષ્ણ, નરનારાયણ, વાસુદેવ, અક્ષર, બ્રહ્મ, પરબ્રહ્મ, પુરુષોત્તમ એ આદિ સર્વે નામ શ્રીજીમહારાજ જે અમે તે અમારાં છે, પરંતુ બીજા અવતારોને એ નામની ઉપમા શાસ્ત્રમાં આપી છે. (5)
'અને વળી છઠ્ઠામાં સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને તે શ્રીકૃષ્ણ ભગવાનની (અમારી) મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું.' તે કેવી રીતે તો છપૈયા સ્થાન જાણવું. અને ત્યાં ધર્મપિતા ને ભક્તિમાતા આદિ સેવક જાણવાં. અને માતાપિતા આદિને સુખ દેવા બાળચરિત્ર કર્યાં તથા અનેક જીવોના મોક્ષને અર્થે કાળિદત્ત આદિ અસુરોનો સંહાર કર્યો તે કાર્ય જાણવાં. અને બાળસ્વરૂપ ઘનશ્યામ મહારાજ અને ભક્તિધર્માત્મજ એ આદિ નામ-રૂપ જાણવાં.
તેવી જ રીતે વન તથા તીર્થમાં વિચરણ કર્યું તે સ્થાન જાણવું. અને તે સમયે જેણે સેવા કરી તે સેવક જાણવા. અને મોક્ષાર્થી મુમુક્ષુના ઉપદેશને અર્થે તપશ્ચર્યા કરી ને પોતાના દર્શન-સ્પર્શે કરીને અનંત જીવોનો મોક્ષ કર્યો તે કાર્ય જાણવું અને નૈષ્ઠિકેન્દ્ર, વર્ણીવેશ, અને તપની મૂર્તિ એ આદિ નામ-રૂપ જાણવાં.
પછી શ્રીજીમહારાજ રામાનંદ સ્વામી પાસે આવ્યા ને રામાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને મહાદીક્ષા આપી, અને 'સહજાનંદ સ્વામી' ને 'નારાયણમુનિ' એ બે નામ પાડ્યાં. પછી શ્રી સહજાનંદ સ્વામી શ્રીપુર, ગઢપુર આદિ સ્થાનમાં રહ્યા ને ગામેગામ વિચર્યા તે સ્થાન જાણવાં. અને ત્યાં રહેલા ભક્તો સેવા કરતા તે સેવક જાણવા. અને તે ભક્તને લાડ લડાવ્યાં અને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું તે કાર્ય જાણવું. અને તે સ્થાનક, સેવક ને કાર્યને યોગે કરીને શ્રીજીમહારાજની મૂર્તિનું 'બહુપણું' છે, તે કેવી રીતે તો શ્રીજીમહારાજ કોઈક સમયે મોટી સભામાં વિરાજમાન થઈને વાતો કરતા અને કોઈક સમયે માણકીઘોડીએ અસવાર થઈને ઘોડી ફેરવતા ને કોઈ સમયે સંતની પંક્તિમાં પકવાન પીરસતા, કોઈ સમયે સંત સાથે રાસ રમતા તથા રંગે રમતા, એવા કાર્યની સાથે શ્રીજીમહાજનનાં દર્શન થાય છે તેમ જ શ્રીમહારાજની મૂર્તિ સાથે ભક્તિ-ધર્મ હોય છે અથવા શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, કે શ્રી રઘુવીરજી મહારાજ, કે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામી હોય છે, એવા મોટા મુક્ત શ્રીહરિની સાથે હોય છે. અને શ્રીજીમહારાજ એવા મોટા સેવકને સાથે રાખીને પોતાનાં દર્શન દે છે, એ સ્થાનક, સેવક ને કાર્યને લઈને મૂર્તિઓનું બહુપણું જાણવું (6).
પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ જાણવાનાં કહ્યાં તેમાં પરોક્ષરૂપનું વિવેચન (વ2. 18)
આ વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, 'શ્રીકૃષ્ણ ભગવાનનાં જે પરોક્ષરૂપ ને પ્રત્યક્ષરૂપ તેને જાણવાં. તેમાં પરોક્ષરૂપ તે કઈ રીતે તો માયાના તમ થકી પર એવો જે ગોલોક તેને મધ્યે જે અક્ષરધામ તેને વિષે શ્રીકૃષ્ણ ભગવાન રહ્યાં છે.' એમ કહ્યું તે શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણ ભગવાન પોતાને કહ્યા છે. તે સ. ભૂ.અં. 2, અ. 58માં કહ્યું છે જે :-
अहं दिव्ये ब्रह्मपुरे वसामि मूर्तिमान् सदा ।
दिव्यदेहोडमितैश्वर्य कोटीमुक्तगणै -- र्वृत: ॥
અર્થ: - 'હું સ્વામિનારાયણ ભગવાન મારું દિવ્ય એવું બ્રહ્મપુરધામ તેને વિષે સદા રહ્યો છું અને મૂર્તિમાન છું અને દિવ્યમૂર્તિ અનંત ઐશ્વર્યે સહિત અને અનંતકોટિ મુક્તે સહિત છું.'
વળી આ વચનામૃતમાં પરોક્ષ ભક્તના નામે કરીને પોતાના ભક્તને કહ્યા છે અને પરોક્ષ ધામના નામે કરીને પોતાનું ધામ કહ્યું છે, તે કેવી રીતે તો 'માયાના તમ થકી પર' એટલે માયાના ભોગ-સુખમાં રાગ તે થકી પર એવો ગોલોક એટલે 'ગો' જે શ્રીજીમહારાજના પ્રકાશનાં કિરણો જેમાં વ્યાપ્યાં છે એવા જે લોક તે ગોલોક જાણવું, કહેતાં શ્રીજીમહારાજના તેજઃપુંજરૂપ ધામનાં કિરણોરૂપી ચિદાકાશમાં અનંત અવતારનાં અસંખ્ય ધામ રહ્યાં છે તેને જ આંહીં 'ગોલોક' કહેલું છે. અને તેને મધ્યે 'અક્ષરધામ' કહ્યું તે શ્રીજીમહારાજના તેજના સમૂહરૂપ અક્ષરને કહ્યું છે. અને શ્રીજીમહારાજે કહ્યું છે કે, હું મારા તેજરૂપ અક્ષરધામમાં સદા વિરાજમાન છું અને ધામમાં રહેલા મુક્તમંડળ તે થકી અતિશય જ પ્રકાશમાન છું ને અતિશય આનંદરૂપ છું. અને પરમએકાંતિક મુક્ત તથા અનાદિમુક્ત તેમણે સહિત છું. અને મુકુંદવર્ણી તથા ઉત્તમ નૃપતિ, સોમ, સુર ને ભગુજી આદિ પાર્ષદ તેમણે સેવ્યો એવો હું છું. અને મારા પ્રકાશનાં કિરણોએ કરીને અક્ષરકોટિ ને બ્રહ્મકોટિરૂપી અનંત બ્રહ્માંડોને ધરી રહ્યો છું અને મહારાજાધિરાજપણે વિરાજમાન છું. એવો હું સ્વામિનારાયણ ભગવાન છું તે મારા તેજનાં કિરણોએ કરીને અક્ષરકોટિમાં પ્રવેશ કરીને અક્ષરકોટિરૂપે થાઉં છું અને અક્ષરકોટિના તેજનાં કિરણોએ કરીને બ્રહ્મકોટિમાં વ્યાપક છું અને બ્રહ્મકોટિના તેજે કરીને મહાકાળ, મહાપુરુષ અને મહામાયા તેમને પ્રકાશમાન કરું છું.
અને અવતાર સ્વરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાન છે તે પોતાના ગોલોક ધામને વિષે રહે છે અને રાધિકાજી ને લક્ષ્મીજીએ સહિત છે ને નંદ, સુનંદ ને સુદામાદિક પાર્ષદ તેમણે સેવ્યા છે. અને પ્રધાનપુરુષ દ્વારે કરીને અનંતકોટિ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કર્તા છે અને તે શ્રીકૃષ્ણ ભગવાન પોતાનાં પ્રકાશનાં કિરણો તે રૂપી જે અન્વય સ્વરૂપ તેણે કરીને સર્વે બ્રહ્માંડના જીવ-ઈશ્વરમાં વ્યાપક છે. અને સર્વના કર્મફળના પ્રદાતા છે અને તે ગોલોકવાસી શ્રી કૃષ્ણ ભગવાન દ્વિભુજરૂપ છે તો પણ લક્ષ્મીજીએ સહિત છે, માટે કોઈ ઠેકાણે ચતુર્ભુજ પણ કહેવાય છે અને પોતે પણ ચતુર્ભુજરૂપને ધારે છે, અષ્ટભુજરૂપને ધારે છે, સહસ્ત્રભુજરૂપને પણ ધારે છે અને વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ ને પદ્યુમ્ન એ ચતુર્વ્યૂહ અને કેશવાદિક જે ચોવીસ વ્યૂહ એ સર્વે રૂપને ધારે છે તથા વરાહ, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિ અનેક અવતાર તેને પણ પોતાના અન્વય સ્વરૂપે ધારણ કરે છે, અને પોતે વ્યતિરેકરૂપે નોખા છે; અને એ શ્રીકૃષ્ણ ભગવાન સર્વે અવતારોને સુખ, સાર્મથ્ય ને ઐશ્વર્યના પ્રકાશક છે અને ઉપનિષદ, તથા સાંખ્યશાસ્ત્ર, યોગશાસ્ત્ર ને પંચરાત્ર આદિ શાસ્ત્રને વિષે તે શ્રીકૃષ્ણ ભગવાન અને તેમના અવતાર તેમનું અભેદપણે કરીને વર્ણન કર્યું છે. એવી રીતે પરોક્ષરૂપ કહેતાં પરોક્ષપણે કરીને ભગવાનનું સ્વરૂપ કહ્યું. હવે પ્રત્યક્ષપણે કરીને ભગવાનનું સ્વરૂપ જાણવાની રીત કહીએ છીએ.
પ્રત્યક્ષરૂપનું વિવેચન (વર. 18)
'અને સર્વે જે આચાર્ય થયા છે તેમાં વ્યાસજી મોટા આચાર્ય છે ને તે વ્યાસજી જેવા તો શંકરાચાર્ય ને રામાનુજાચાર્ય તથા વલ્લભાચાર્ય આદિમાં કોઈને ન કહેવાય. અને તે વ્યાસજી તેમણે વેદનો વિભાગ કર્યો, સત્તર પુરાણ કર્યાં અને મહાભારત કર્યું તોપણ વ્યાસજીને એમ થયું જે, આત્યંતિક મોક્ષને અર્થે જીવને ઉપાસ્ય મૂર્તિ એવા ભગવાન તેમના સ્વરૂપનું જેમ છે તેમ વર્ણન થયું નહીં અને તેણે કરીને વ્યાસજીને શાન્તિ પણ થઈ નહીં. પછી વ્યાસજીએ સર્વેનો સાર એવું શ્રીમદ્ભાગવત પુરાણ કર્યું. એ ભાગવતમાં ચોવીસ અવતાર પુરુષમાંથી થયા છે અને શ્રીકૃષ્ણ ભગવાન સ્વયં પોતે પુરુષરૂપ ભગવાન છે અને સર્વ અવતારના અવતારી છે.' એમ કહ્યું છે.
અને દશમ સ્કંધ - અ. 60માં રુક્મિણીજીએ શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું છે કે, હું મહામાયા છું ને તમે મારા પતિ મહાપુરુષ છો. તે જુઓ :-
क्व स्वे महिम्न्यभिरतो भगवांस्त्र्यधिशः ।
क्वाहं गुणप्रकृतिरज्ञगृहीतपादा ॥ 34 ॥
यर्ह्यस्य वृद्धय उपात्तरजोडतिमात्रो ।
मामीक्षसे तदु ह नः परमाडनुकम्पा ॥ 46 ॥
રુક્મિણીજી કૃષ્ણ ભગવાનને કહે છે : હે સ્વામિન્! ત્રણ ગુણના અધિષ્ઠાતા અને આત્મારામ એવા ભગવાન તમે ક્યાં? અને જેની સેવા અજ્ઞજનો કરે છે ને ગુણમય એવી મહામાયા તે હું ક્યાં? અને તમે નિર્ગુણ છો તો પણ આ વિશ્વની ઉત્પત્તિને અર્થે રજોગુણની માત્રાને ગ્રહણ કરીને મારા સામું જુઓ છો, અર્થાત્ મારી સાથે રમણ કરો છો, તે અહો! આશ્ચર્ય છે ને મારા ઉપર તમારી મોટી કૃપા છે. (34-46)
અને ભાગવત-સ્કંધ 4, અ. 1માં કહ્યું છે કે, નરનારાયણ ભગવાન વાસુદેવના (અંશ) અવતાર છે અને તે નરનારાયણ પોતે શ્રીકૃષ્ણ ને અર્જુનરૂપે યદુકુળમાં અને કુરુકુળમાં પ્રગટ થયા છે. ત્યાં શ્લોક :-
ताविमौ वै भगवतो हरेरंशाविहागतौ ।
भारव्ययाय च भुवः कृष्णौ यदुकुरुद्वहौ ॥ 59 ॥
‘भगवतः हरेः’ કહેતાં શ્વેતદ્વીપવાસી વાસુદેવ ભગવાનના ‘अंशौ’ એટલે અવતાર જે ‘नरनारायणौ, तौ इहागतो’ કહેતાં નર ને નારાયણ તે બંને બદરિકાશ્રમમાં આવ્યા છે ‘तौ इमौ’ તે આ નરનારાયણ પૃથ્વીનો ભાર હરવા યદુકુળમાં અને કુરુકુળમાં શ્રીકૃષ્ણ ને અર્જુનરૂપે પ્રગટ થયા છે. (59) એમ વ્યાસજીએ કહ્યું છે, ને પુરુષથી ઓરા સર્વે અવતારના ધરતલ શ્રીકૃષ્ણ ભગવાન છે એમ વ્યાસજીનો સિદ્ધાંત છે.
આમાં શ્રીજીમહારાજને કહેવાનું એ છે જે, તે સર્વે અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અમે પોતે પ્રગટ થયા છીએ, અને અમારા ભેગા અમારા મુક્તને પણ લાવ્યા છીએ અને અક્ષરના મુક્ત, શ્વેતદ્વીપના મુક્ત ને ગોલોકના મુક્ત તે પણ અમારી ઇચ્છાથી આવ્યા છે તે સર્વે મુક્તથી અમારા મુક્ત અધિક મોટા છે અને તેમાં પણ અમારા નિત્યમુક્ત એવા જે ધર્મદેવ, રામપ્રતાપભાઈ, આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજ, આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી આદિ અનાદિમુક્ત છે તેમણે કાવ્યકીર્તનમાં તથા સત્સંગિજીવન આદિ ગ્રંથોમાં નવા આદરવાળા જીવોના સમાસને અર્થે સર્વોપરી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે, તે અમને અને અમારા શ્રીકૃષ્ણાદિક અવતાર તેમને અભેદપણે કરીને વર્ણન કર્યા છે, પણ તે મુક્તનો સિદ્ધાંત એ છે જે, શ્રીજીમહારાજને જેવા સર્વોપરી છે તેવા સમજ્યા વિના શ્રીજીમહારાજની પ્રાપ્તિ થાતી નથી. તેથી વાસ્તવિક તો તે મુક્તોએ 'સત્સંગિજીવન, સત્સંગિભૂષણ, ભક્તચિંતામણિ' આદિ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના ગ્રંથો ને કાવ્ય-કીર્તન એ સર્વેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમારું જ વર્ણન કર્યુ છે અને અમને જ સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ અને સર્વ મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા કહ્યા છે અને સર્વે અવતારોને તેજ-ઐશ્વર્યના આપનારા અને સર્વે મુક્ત ને નિત્યમુક્ત તેમના પણ સ્વામી; સુખદાતા ને નિયંતા જે છે, તે જ સ્વયં સ્વામિનારાયણ ભગવાન છે, એમ વર્ણન કરેલું છે. તે જુઓ :-
(ભક્તચિંતામણિ - પ્ર. 77)
વિધિ પર તે વિરાટ કહીએ, તે પર પ્રધાનપુરુષ લઈએ,
તે પર મૂળપ્રકૃતિ પુરુષ, તેથી પર અક્ષર સુજશ;
અક્ષર પર પુરુષોત્તમ જેહ, તેણે ધર્યું મનુષ્યનું દેહ.
(પ્ર. 79)
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ;
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત.
ભક્ત જક્તમાંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા;
જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજ ધામ પહોંચાવે;
પણ સર્વેપાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ.
(ચોસઠપદી)
એવા મળ્યા છે મહારાજ, જે કોય સર્વના શ્યામ છે રે.
વળી રાજ એ અધિરાજ, એને આધારે સહુ ધામ છે રે.
ધામ-ધામના જે રહેનાર, તે હજૂર રહે છે જોડી હાથને રે.
કરી આરત્યશું ઉચ્ચાર, શીશ નમાવે છે નાથને રે.
અને અમે પણ અમારા સંતને કહ્યું છે કે, તમારે અમારું જ ધ્યાન કરવું પણ પૂર્વે અવતાર થઈ ગયા તેમનું ધ્યાન કરવું નહીં અને અમારાં ચરિત્ર કહેવાં - સાંભળવાં ને અમારા ચરિત્રના ગ્રંથ કરવા. વળી હું જ સર્વકર્તા ને નિયંતા સ્વામિનારાયણ ભગવાન છું; દિવ્ય નિર્ગુણ છું. અને વળી શ્રીજીમહારાજ જે અમે, તે અમોએ સ.જી.પ્ર. 3, અ. 29માં - મુક્તાનંદ સ્વામીને કહ્યું છે કે, જેવો હું અક્ષરધામમાં દિવ્ય સાકાર મૂર્તિમાન છું, તેવો જ મનુષ્યરૂપે છું તો પણ દિવ્યરૂપ છું અને દિવ્ય સ્વરૂપ ને મનુષ્ય સ્વરૂપ એક જ છે. અને હું કર્તા, અકર્તા ને અન્યથાકર્તા છું. અતિ તેજસ્વી, અતિ સુખ સ્વરૂપ ને અતિ રૂપવાન છું, અતિ સમર્થ છું ને સર્વ કારણનો કારણ છું. અને વળી ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી આદિ અમારા મુક્તોએ એમ સિદ્ધાંત કર્યો છે કે : અક્ષર, વાસુદેવ, નરનારાયણ, રાધાકૃષ્ણ આદિ સર્વે અવતારના ધરતલ જે પરમેશ્વર છે તે જ સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન છે.
અને શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમે પોતે જ પોતાને શ્રીકૃષ્ણ, નરનારાયણ આદિ નામે કરીને કહ્યા છે તે પણ અમને જ કહ્યા છે. પણ ગોલોકવાસી શ્રીકૃષ્ણ ભગવાન તથા બદરિકાશ્રમવાસી જે નરનારાયણ તેમને કહ્યા નથી; કેમ જે તે સર્વે અવતારના અમે અવતારી છીએ. અને તે સર્વે અમારા અવતાર છે.
नरनारायणादिनि रूपाणि हि निजेच्छया ।
धरामि निर्गुणान्येव जीवकल्याण - हेतवे ॥ 1 ॥
હું સહજાનંદ સ્વામી જીવના મોક્ષ કરવા સારુ નરનારાયણ આદિક નિર્ગુણ એવા અવતારોને મારી ઇચ્છાથી ધારણ કરું છું. તે મારાં (શ્રીજીમહારાજનાં) ચરિત્રને જુએ તેને મારું સર્વોપરીપણું સમજાય છે. (1) અને વળી અમે મોટાં મંદિર કરાવીને તેમાં નરનારાયણ, ગોપીનાથ આદિ જે સ્વરૂપ પધરાવ્યાં છે તે રૂપે અમે જ દર્શન આપીએ છીએ. અને તેમાં અમે સાક્ષાત્ રહ્યા છીએ અને એ અમારાં જ સ્વરૂપ છે; કેમ કે અમે જ અમારા સંકલ્પથી તેવા રૂપે થઈને દર્શન આપીએ છીએ. આવી રીતે પ્રત્યક્ષરૂપ જાણવાં.
પરોક્ષના મિષે પ્રત્યક્ષનો મહિમા (વર. 18)
'અને શ્રીકૃષ્ણ ભગવાને પોતાના જન્મ સમયમાં વસુદેવ -દેવકીને પરમેશ્વરપણાની પ્રતીતિને અર્થે જે ચતુર્ભુજરૂપ દેખાડ્યું તથા બ્રહ્માને જે અનેક ચતુર્ભુજરૂપ દેખાડ્યાં તથા અક્રૂરને જે શેષશાયીરૂપ દેખાડ્યું તથા અર્જુનને વિશ્વરૂપ દેખાડ્યું ઇત્યાદિક રૂપને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની ઉપાસનાના ભેદ કહેવા તે તો યોગ્ય છે, પણ એ શ્રીકૃષ્ણ ભગવાન વ્રજને વિષે બાલમુકુંદ કહેવાયા, મોરલીમનોહર કહેવાયા, રાધાકૃષ્ણ કહેવાયા તથા વાછડા ચાર્યાં, ગાયો ચારી, ગોવર્ધન પર્વત ધાર્યો, ગોપીઓ સાથે રાસક્રીડા કરી તથા મથુરાપુરીમાં આવીને કંસને માર્યો ને યાદવને સુખિયા કર્યા તથા સાંદિપનિ બ્રાહ્મણને ઘેર વિદ્યા ભણ્યા તથા કુબ્જા સંગાથે વિહાર કર્યો તથા દ્વારિકાપુરીમાં વસ્યા ને રુક્મિણી આદિક અષ્ટ પટરાણીઓને પરણ્યા તથા સોળ હજાર સ્ત્રીઓને પરણ્યા તથા હસ્તિનાપુરમાં રહ્યા ને પાંડવની સર્વ કષ્ટ થકી રક્ષા કરી, ને દ્રૌપદીની લાજ રાખી ને અર્જુનના સારથિ થયા ઇત્યાદિક સ્થાનકને ભેદે કરીને જે શ્રીકૃષ્ણ ભગવાનની અનેક લીલા છે તેણે કરીને એ શ્રીકૃષ્ણ ભગવાનના દ્વિભુજ સ્વરૂપને વિષે ઉપાસનાના ભેદ ન કરવા.'
આમાં શ્રીજીમહારાજે પોતાની વાત સમજાવવા સારુ પરોક્ષપણે વાત કહી છે. તેમાં મહારાજને સમજાવવાનું એ છે જે, અમે છપૈયાપુરને વિષે ભક્તિ-ધર્મથકી પ્રગટ થયા તે અમારાં માતાપિતા જે ભક્તિ-ધર્મ તેમને અમે પ્રથમ અક્ષરધામમાં અનંત મુક્તોએ સહિત દિવ્યરૂપે દર્શન દીધાં. વળી ગોલોકધામમાં રાધા-લક્ષ્મી સહિત શ્રીકૃષ્ણરૂપે દર્શન દીધાં. પછી બાળસ્વરૂપે દેખાયા અને ભક્તિધર્મના પુત્ર કહેવાયા. ઘનશ્યામ મહારાજ નામે કહેવાયા અને બાળચરિત્ર કરીને માતપિતાને અતિશય લાડ લડાવ્યાં ને છપૈયાપુરની સ્ત્રીઓ તેમના ચિત્તની વૃત્તિઓ પોતાની મૂર્તિમાં આકર્ષણ કરી લીધી તેથી કૃષ્ણ નામે કહેવાયા. અને ગૌઘાટે ગાયોને ચારી ને તે ગાયોનો મોક્ષ કર્યો; અને ભૂતિયા કૂવામાં સ્નાન કર્યું ને તે ભૂતોનો મોક્ષ કર્યો; તથા નારાયણસરમાં સ્નાન કરીને સરને (તળાવને) તીર્થરૂપ કર્યું, ને વળી અયોધ્યાપુરીમાં આવીને રહ્યાં. અને ઉપવીત-સંસ્કારને પામ્યા ને પિતા પાસેથી વિદ્યા ભણ્યા. વળી સરયૂ નદીમાં સ્નાન કરતા ને રામચંદ્રજીના મંદિર પ્રત્યે નિત્ય દર્શન કરવા જતા તથા રામપ્રતાપભાઈને પ્રત્યેક મંદિરમાં એકીસાથે દર્શન દીધાં. અને પાછા અયોધ્યાથી છપૈયાપુરમાં આવીને વસ્યા. વળી માતાને તથા પિતાને અમારા સ્વરૂપનું જ્ઞાન આપીને દેહત્યાગ કરાવી મુક્ત કરીને અમારા સ્વરૂપમાં રાખ્યા.
પછી ઘરનો તથા સ્વજનનો ત્યાગ કરીને વનમાં ગયા અને પુલહાશ્રમમાં એક પગે ઊભા રહીને અતિ તપ કર્યું. પછી નરનારાયણ ભગવાન તથા સૂર્યાદિક દેવ અમારાં દર્શન કરવા આવ્યા, તેઓ દર્શન કરીને પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે તેમની પ્રાર્થના સાંભળીને અમે તપની સમાપ્તિ કરી. પછી વનમાં વિચર્યા અને ગોપાળયોગી પાસેથી અષ્ટાંગયોગ સિદ્ધ કર્યો ને તેમનો મોક્ષ કર્યો. તથા નવલખે ગયા, ત્યાં નવલાખ યોગીઓને નવલાખરૂપે થઈને મળ્યા ને નવલાખ યોગીનો મોક્ષ કર્યો. વળી સર્વ તીર્થમાં ફર્યા અને અધર્મનો ઉચ્છેદ કર્યો, ધર્મનું સ્થાપન કર્યું. વળી અમારા દર્શન - સ્પર્શ - સેવાથી અનંત જીવોનો મોક્ષ કર્યો. એવા નીલકંઠ બ્રહ્મચારી જે અમે તે શીતઋતુમાં કંઠપર્યંત જળમાં બેસતા ને ગ્રીષ્મઋતુમાં પંચાગ્નિ તાપતા, વર્ષાઋતુમાં મેઘની ધારાઓનું સહન કરતા. અયાચિત વૃત્તિએ જે અન્ન મળે તેને જમતા અને કોઈક દિવસ ભીક્ષા માગીને જમતા. વળી કોઈક દિવસ જળમાત્રનું પાન કરીને રહેતા, કોઈક દિવસ વાયુભક્ષણ કરીને રહેતા, એવા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે તે અમોએ તપ કરીને શરીરમાંથી લોહીમાંસને સૂકવી નાખ્યું, ત્યારે અમારા શરીરમાં કેવળ અસ્થિ ને સ્નાયુ જ દેખાતા હતા. અને સ્ત્રીનો ગંધમાત્ર પણ સહન કરી શકતા નહિ. એવા નીલકંઠ બ્રહ્મચારી નામે જે અમે તે લોજપુરમાં આવીને મુક્તાનંદ સ્વામી આદિ સંત ભેળા રહ્યા અને તે સંતના કામાદિક શત્રુનો સંહાર કર્યો. પછી પિપલાણામાં રામાનંદ સ્વામીને મળ્યા અને સ્વામી પાસેથી અમે મહાદીક્ષા લીધી ને સ્વામીને ગુરુ કર્યા. પછી રામાનંદ સ્વામીએ અમારાં 'સહજાનંદ સ્વામી' ને 'નારાયણમુનિ' નામ કર્યાં. પછી જેતપુરમાં રામાનંદ સ્વામીએ અમને પોતાની ગાદી ઉપર અભિષેક કર્યો અને પોતે અંતર્ધાન થયા. પછી અમે સર્વે સંતહરિભક્તોને વાર્તાઓ કરીને રામાનંદ સ્વામીનો શોક નિવારણ કર્યો ને હરિ નામ સાર્થક કર્યું.
પછી અમે અમારું અનંત અપાર ઐશ્વર્ય દેખાડી અમારું સર્વોપરીપણું તથા પુરુષોત્તમપણું પ્રગટ કર્યું. તેમ જ હજારો જીવોને સમાધિઓ કરાવી અને તે સમાધિમાં કેટલાકને બદરિકાશ્રમને વિષે ઋષિઓએ સહિત નરનારાયણરૂપે અમારાં દર્શન દીધાં. કેટલાકને શ્વેતદ્વીપને વિષે નિરન્નમુકતે સહિત વાસુદેવરૂપે અમે દર્શન દીધાં. કેટલાકને ગોલોકમાં રાધિકાલક્ષ્મીએ સહિત શ્રીકૃષ્ણરૂપે અમે અમારાં દર્શન દીધાં અને કેટલાકને સર્વથી પર અમારા અક્ષરધામને વિષે અનંત મુક્તોએ સહિત અમારાં દર્શન દીધાં, તેણે કરીને તે સમાધિવાળા ભક્તને અમારું સર્વોપરીપણું તથા પુરુષોત્તમપણું સમજાવ્યું. આવી રીતે બીજા સર્વે અવતારના અવતારી અમે છીએ એમ રૂપને ભેદે કરીને ઉપાસનાના ભેદ કરવા, એ અમારો સિદ્ધાંત છે. એમ લોયા વ. 14માં પણ અમે કહ્યું છે.
પછી અમે મોટા મોટા યજ્ઞ કર્યા, તેમાં હજારો-લાખો બ્રાહ્મણ, સાધુ તથા હરિભક્ત વગેરેને જમાડતા તથા જે કોઈ અન્નાર્થી આવે તે સર્વેને જમાડતા. તે નિત્યે 22000 (બાવીશ હજાર) બ્રાહ્મણ અને બીજા સર્વે જમતા તેમાં ઘી, ગોળ, ખાંડ, સાકર, લોટ, દાળ આદિ સીધું - સામાન પણ અખૂટ કરી દીધાં તેથી બ્રાહ્મણો જમે, ગમે તેમ વાપરે, ઢોળી નાખે, બગાડી દે પણ ખૂટે જ નહિ. અને તેમાં બ્રાહ્મણોને દક્ષિણાઓ દીધી તે તો જેમ વરસાદ વરસે એમ આપી. આવા મોટા યજ્ઞ જોઈને સર્વે જનો તથા મોટા મોટા રાજાઓ તે પણ આશ્ચર્ય પામીને કહેવા લાગ્યા જે, 'સ્વામિનારાયણ આવા મોટા યજ્ઞ કરે છે, માટે નિશ્ચે જ પોતે ભગવાન પ્રગટ થયા છે, પણ ભગવાન વિના બીજા કોઈથી આવા યજ્ઞ થાય જ નહિ!'
વળી અમે અમારા ભક્તજનના મનોરથ પૂર્ણ કરવા સારુ ભક્તજને અમને અર્પણ કરેલાં ભારે અમૂલ્ય વસ્ત્ર - આભૂષણ તેને અંગીકાર કર્યાં. તથા ભારે ભોજન જમ્યા અને અમે ભારે અમૂલ્ય અશ્વ ઉપર અસવાર થઈને ઘણાક હથિયારબંધ અને ઘોડેસવાર એવા સોમ-સૂરાદિક પાર્ષદો તથા મોટા મોટા સંતોના મંડળ સહિત સોરઠ, કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત આદિ દેશમાં ગામેગામ વિચરીને સર્વેને દર્શનદાન દીધાં. અને તેમની સેવા અંગીકાર કરીને તથા દર્શન-સમાગમનું સુખ દઈને તે સર્વેને પૂર્ણકામ, આત્મારામ અને કૃતાર્થ કર્યા. વળી દુર્ગપુરમાં વસ્યા ને ઉત્તમરાજા તથા રમા, જયા, લલિતા આદિ ભક્તોને લાડ લડાવ્યાં. અને નિર્લોભી, નિષ્કામી, નિઃસ્વાદી, નિઃસ્નેહી ને નિર્માની એ પંચવર્તમાને યુક્ત ને બ્રહ્મનિષ્ઠ એવા, ને પ્રગટ પુરુષોત્તમ ભગવાન જે હું તે મારા સ્વરૂપને વિષે અનન્ય નિષ્ઠાવાળા સ્ત્રી-ધનના ત્યાગી એવા પાંચ હજાર સાધુ, બ્રહ્મચારી ને પાર્ષદ કર્યા. અને મહા તપસ્વી ને ઉત્તમ બ્રહ્મચર્યવ્રતની પરાકાષ્ઠાને પામેલાં અને પરબ્રહ્મના સ્વરૂપમાં નિષ્ઠાવાળાં એવાં સેંકડો સાંખ્યયોગી બાઈઓ - તે મારા આશ્રિત થયાં. અને અમે હજારો ત્યાગી સાધુનાં મંડળો તથા હજારો ગૃહસ્થાશ્રમી હરિભક્તોના સમૂહો તેમણે યુક્ત મહાસભામાં ગાદીતકિયે યુક્ત ભારે શોભાયમાન સિંહાસન ઉપર વિરાજમાન થયા. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને માહાત્મ્યે યુક્ત એવી એકાંતિક ભક્તિ સંબંધી તથા અમારા પ્રગટ સ્વરૂપની સર્વોપરી ઉપાસના અને આજ્ઞા તથા સ્વરૂપનિષ્ઠા સંબંધી વાર્તાઓ કરી તેનાં મોટા સંતે વચનામૃત લખ્યાં. તથા અમે જે હેતુઓ માટે પૃથ્વીમાં પ્રગટ થયા ને પ્રગટ થઈને જે જે ચરિત્ર કર્યાં ને આચરણ કર્યાં તેના 'સત્સંગિજીવન' આદિ મોટા ગ્રંથ તથા કાવ્ય-કીર્તનો કર્યાં અને મોટા મોટા સમૈયા-ઉત્સવ કર્યા ને તેમાં દેશદેશાંતરથી આવેલા હજારેહજાર સંત-હરિભક્તો તેમને અમારી મૂર્તિનાં દર્શન-સેવાનું સુખ આપ્યું.
અને અમે શ્રીપુર, વૃતપુર, ભૂજનગર, ર્જીણગઢ, દુર્ગપુર, મૂળી આદિ ગામોમાં મોટાં મંદિર કરાવીને અમારી મૂર્તિઓ પધરાવી અને આચાર્ય સ્થાપન કરીને બે દેશનો વિભાગ કર્યો અને મોટા સદગુરુ કર્યા. વળી અમે સંતો સાથે રંગ રમ્યા, તથા રાસ રમ્યા અને સંતોને ભારે પકવાન, પૂરી, શાક આદિ ભોજન કરાવીને વારંવાર જમાડતા અને અમે સંતોના પત્તરમાંથી પ્રસાદી લઈને જમ્યા. વળી મારા ભક્ત બાઈઓ-ભાઈઓ સર્વેના મનોરથ પૂરા કર્યા. અને તે સર્વે ભક્તની સર્વ કષ્ટ થકી રક્ષા કરી અને રમા, જયા, લલિતા આદિ બાઈઓને પુરુષનો સ્પર્શ થવા દીધો નહિ; બાળબ્રહ્મચારી રાખ્યાં. ઇત્યાદિક ભક્તના સુખને અર્થે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જે અમે, તે અમારાં દિવ્ય ચરિત્ર ને મનુષ્ય ચરિત્રરૂપી અનેક લીલા છે તેણે કરીને સદા સાકાર, સર્વોપરી, દિવ્ય, દ્વિભુજ મૂર્તિ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન જે અમે, તે અમારા સ્વરૂપને વિષે ઉપાસનાના ભેદ ન કરવા - એટલે મનુષ્યભાવ તથા અમે સર્વોપરી અવતારી છીએ તેમાં શ્રીકૃષ્ણ, નરનારાયણ આદિ અવતારનો ભાવ ન કરવો, અને અમને સર્વોપરી સદા દિવ્ય મૂર્તિ સમજીને અમારું જ ધ્યાન-ઉપાસના-ભક્તિ કરવાં. અને હું સ્વામિનારાયણ ભગવાન છું; હું જ તમારા સર્વેનો ઇષ્ટદેવ છું, અને ગુરુ તથા આચાર્ય પણ હું જ છું તે મારાં આચરણ જે, બાઈઓ-ભાઈઓ તેમણે ભારે અમૂલ્ય વસ્ત્ર-આભૂષણે કરીને અમારી પૂજા કરી તથા હજારો રૂપામહોરો તથા સોનામહોરોની ભેટો મેલી તેને અંગીકાર કરી અને અમે ભારે વસ્ત્ર-અલંકાર ધારણ કર્યાં. અને બાઈઓને જ્ઞાનવાર્તાઓ કરી, ઇત્યાદિક જે મારાં લીલા-આચરણ છે તે પ્રમાણે મારા આશ્રિત ત્યાગી-ગૃહી એવા તમે મારા સેવક છો તે તમારે ન કરવું. અને અમારા સંપ્રદાયને વિષે શિક્ષાપત્રી, ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ આદિ ગ્રંથમાં જેમ જેના ધર્મ કહ્યા છે, તે જે અમારાં વચન તે પ્રમાણે તમારે સર્વેને રહેવું, પણ અમારાં આચરણ પ્રમાણે ન રહેવું, ને આ જે અમે વાર્તા કરી છે તેને સર્વે પરમહંસ તથા સર્વે સત્સંગી શીખી લેજો ને એ પ્રમાણે સમજીને એમ જ વર્તજો ને બીજા આગળ પણ એમ જ વાર્તા કરજો, એમ કહીને શ્રીજીમહારાજ ભોજન કરવા પધાર્યા. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ ને સત્સંગી તે એમ સમજતા હવા જે, 'એ પરોક્ષ જે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ-ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે, પણ એ થકી પર કોઈ નથી; અને એ જ આપણા ઇષ્ટદેવ છે ને ગુરુ પણ એ જ છે.' ઇતિ વચનામૃતમ્ વર. 18.
આ વચનામૃતમાં 'પરોક્ષ જે શ્રીકૃષ્ણ ભગવાન કહ્યા તે જ ભક્તિ-ધર્મના પુત્ર શ્રીજીમહારાજ છે.' એમ જે કહ્યું તેમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી આદિ મોટા સદગુરુ આપણને એમ સમજાવે છે કે 'પરોક્ષ' એટલે પ્રથમ કહ્યું તેવી રીતે અનંત અવતાર અને અવતારના ધામ, તે જે ધામના કિરણોમાં રહ્યાં છે એવું સર્વાધાર, સ્વપ્રકાશરૂપ શ્રીજીનું અક્ષરધામ તેમાં જે (અનાદિ) 'શ્રીકૃષ્ણ ભગવાન' એટલે શ્રીજીમહારાજ રહ્યા છે તે સ્વરૂપ કોઈને દૃષ્ટિગોચર નથી, માટે પરોક્ષ જાણવા અને એ જ ભક્તિ-ધર્મના પુત્ર છે, કારણ કે શ્રીજીમહારાજે શ્રીકૃષ્ણ નામે પોતાને જ કહ્યા છે ને પોતાના મુક્તને પણ શ્રીકૃષ્ણ ભગવાનના પાર્ષદ નામે કરીને કહ્યા છે, પણ ગોલોકવાસી કૃષ્ણને કહ્યા નથી; તે રાધાકૃષ્ણ તો શ્રીજીમહારાજના અવતાર છે ને શ્રીજીમહારાજ તો સર્વોપરી અવતારી ભગવાન છે ને આપણા ઇષ્ટદેવ છે અને તે જ ગુરુ છે એમ શ્રીહરિજી પોતાના નિર્દેશે કરીને પોતાના ભક્તને સમજાવે છે. એ પ્રકારે વરતાલના 18મા વચનામૃતનો ભાવાર્થ સંપૂર્ણમ્.