૨. ધ્યાન કરવાની તથા અખંડ વૃત્તિ રાખવાની આજ્ઞા
શ્રીજીમહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો અભ્યાસ કરવો એ જ ધ્યાન છે તથા તેજમાં મૂર્તિ ધારવી અથવા મૂર્તિમાં રહીને મૂર્તિ ધારવી એ પણ ઉત્તમ ધ્યાન છે.
ગ. પ્ર. વ. 5 માં શ્રીજીમહારાજે કહ્યું છે કે, 'રાધિકાએ સહિત એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેનું (એટલે મુક્તે સહિત એવા શ્રીજીમહારાજ જે અમે તે અમારું) ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ધ્યાન કરવું પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહિ. એવી રીતના જે આગ્રહવાળા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે ને એની ભક્તિએ કરીને ભગવાન એને વશ થઈ જાય છે.'
ગ. પ્ર. વ. 15 માં કહ્યું છે જે, 'અને વળી ભગવાનની મૂર્તિને હૈયામાં ધારવી એવું શૂરવીરપણું રહે ને મૂર્તિ ધારતાં ધારતાં જો ન ધરાય તો પણ કાયર ન થાય ને નિત્ય નવી શ્રદ્ધા રાખે ને મૂર્તિ ધારતાં જ્યારે ભૂંડા ઘાટ-સંકલ્પ થાય ને તે હઠાવ્યા હઠે નહિ તો ભગવાનનો મોટો મહિમા સમજીને પોતાને પૂર્ણકામ માનીને તે સંકલ્પને ખોટા કરતો રહે અને ભગવાનના સ્વરૂપને હૈયામાં ધારતો રહે તે ધારતાં ધારતાં દશ વર્ષ થાય અથવા વીશ વર્ષ થાય અથવા પચીશ વર્ષ થાય અથવા સો વર્ષ થાય તો પણ કાયર થઈને ભગવાનના સ્વરૂપને ધારવું તે મૂકી દે નહિ એવું જેને વર્તવું હોય તેને એકાંતિક ભક્ત કહીએ.'
ગ. પ્ર. વ. 20 માં : - 'અને જે ભગવાનના (અમારા) પ્રતાપને વિચારીને અંર્તદૃષ્ટિ કરે છે, તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે ને તે પ્રકાશને મધ્યે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ-સનકાદિક જેવો (એટલે અમારા અનાદિમુક્ત મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવો) સુખિયો પણ થાય છે માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાની આળસે કરીને રહે છે.'
ગ. પ્ર. વ. 21 માં : - 'અને જે ભગવાનનો ભક્ત હોય તેને ખાતાં-પીતાં, નહાતાં-ધોતાં, ચાલતાં-બેસતાં સર્વે ક્રિયા ને વિષે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું અને જ્યારે અંતરમાં કાંઈ વિક્ષેપ ન હોય ત્યારે તો ભગવાનનું ચિંતવન કરવું ને ભગવાનની મૂર્તિ સામું જોઈ રહેવું અને જો અંતરમાં સંકલ્પ વિકલ્પનો વિક્ષેપ થાય તો દેહ, ઇંદ્રિયો, અંત:કરણ, દેવતા-એ સર્વેથી પોતાનું સ્વરૂપ જુદું સમજવું, ને જ્યારે સંકલ્પનો વિરામ થાય ત્યારે ભગવાનની મૂર્તિનું ચિંતવન કરવું.'
ગ. પ્ર. વ. 22 માં :- 'અને જેને ભગવાનમાં વૃત્તિ રહેવા લાગે તેને તો કામ કાજ કરતે પણ રહે, અને જેને ગાફલાઈ હોય તેને તો ભજનમાં બેસે ત્યારે પણ ભગવાનમાં વૃત્તિ ન રહે, તે માટે સાવધાન થઈને ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાનો અભ્યાસ ભગવાનના ભક્તને કરવો.'
ગ. પ્ર. વ. 25 માં :- 'ચિત્તને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ચિત્તનો નિરોધ ક્યારે થાય છે તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિષે વૃત્તિ જોડાય, અને તે ભગવાનને વિષે વૃત્તિ ક્યારે જોડાય, તો જ્યારે સર્વે ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની હઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી હઠે નહિ; અખંડ મૂર્તિમાં જ રહે.'
ગ. પ્ર. વ. 26 માં : - 'જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતવન રહે છે ત્યારે ચિંતવન કરતાં કરતાં શૂન્યભાવને પામી જાય છે ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડબ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શુન્યને વિષે ભગવાનની મૂર્તિને જોતાં જોતાં પ્રકાશ થઈ આવે છે ને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે, માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય તે પતિવ્રતાની ભક્તિ છે.' આવી રીતે ધ્યાન કરવાની તથા મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવાની મહારાજની આજ્ઞા છે.