૯. ભગવાનના આશ્રયનું રૂપ
ગ. મ. વ. 17 માં :- 'ભક્ત હોય તે તો એમ જાણે જે, ભગવાન તે ભગવાન, એને વિષે ભાગ - ત્યાગ કર્યાનો માર્ગ નથી; એ ભગવાન તો અનંત બ્રહ્માંડના આત્મા છે; અને જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ રીતનું ઉત્થાન નથી તેને નિર્વિકલ્પ સ્થિતિવાળો જાણવો. અને જેને એવી એક મતિ હોય તેને સ્થિતપ્રજ્ઞ જાણવો અને જે પુરુષને ભગવાનને વિષે એવી દૃઢ મતિ છે તેને ભગવાન સર્વ પાપ થકી મુકાવે છે.'
ગ. મ. વ. 21 માં : - 'અને જ્ઞાની હોય તે તો જે ઠેકાણે જેનું પ્રધાનપણું હોય તે ઠેકાણે તેનું જ પ્રધાનપણું લે અને પરમેશ્વર છે તે તો દેશ, કાળ, કર્મ, માયા એ સર્વેના પ્રેરક છે અને પોતાની ઈચ્છાએ કરીને દેશ-કાળાદિકનું પ્રધાનપણું રહેવા દે છે પણ સર્વે પરમેશ્વરને આધારે છે, જેમ પ્રજા સર્વે રાજાને આધારે છે. તેમ દેશ, કાળ, કર્મ, માયા તેનું પરમેશ્વર ચાલવા દે તેટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુમાત્ર પણ ન ચાલે, માટે સર્વ કર્તા તે પરમેશ્વર જ છે.'
વ. વ. 12નો ભાવાર્થ : - શ્રીજીમહારાજે કહ્યું છે જે, 'આજ તો અમારે સર્વેને નિશ્ચયની વાત કરવી છે : - મારી મૂર્તિનો પ્રકાશ છે તે અતિ સુખરૂપ છે, અવિચળ સર્વાધાર છે તેને અક્ષરધામ કહ્યું છે તેમાં હું સદાય રહ્યો છું. અને સદા દિવ્ય, દ્વિભુજ ને મૂર્તિમાન છું. તે ધામમાં મારી પાસે મારી સેવામાં અનંતકોટિ પરમએકાંતિક મુક્તના મંડળ રહ્યાં છે. અને મારા અનંતકોટિ અનાદિમુક્ત છે તેમને મારી મૂર્તિમાં રાખ્યા છે અને તે સર્વે મુક્તનો હું એક જ સ્વામી, સુખદાતા ને નિયંતા છું. અને તે મારા પ્રકાશરૂપ ધામનાં કિરણોએ કરીને અક્ષર, મહાપુરુષ, કાળ, માયા આદિને પ્રકાશમાન કરું છું અને તે મહાકાળ, મહાપુરુષ ને મહામાયારૂપે કરીને અનંતકોટિ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરાવું છું; આવો સર્વનો કર્તા, નિયંતા અને પ્રકાશક એવો હું એક જ સર્વોપરી ભગવાન છું. તે મારા ધામમાં મારા મુક્તે સહિત રહ્યો છું, તે જ ભગવાન જે હું તે અત્યારે અમે અમારા પ્રેમી ભકતને લાડ લડાવીને અનાદિમુક્ત કરવા અને ઐશ્વર્યાર્થીને મારું મહાત્મ્યજ્ઞાન ને ઉપાસના સમજાવીને તેમને મુક્ત કરવા, અને સાધારણ જીવોને પ્રેમી ભક્ત તથા ઐશ્વર્યાર્થી જેવા કરવા પૃથ્વીને વિષે મેં મનુષ્યાવતાર ધારણ કર્યો છે. તે મારા સ્વરૂપનો જેને સંતસમાગમે કરીને દૃઢ નિશ્ચય થાય છે, તેનો જીવાત્મા જેમ બીજનો ચંદ્ર વૃદ્ધિ પામીને પૂનમનો સંપૂર્ણ ચંદ્ર થાય છે, તેમ એ જીવાત્મામાં શ્રીજીમહારાજ જે અમે, તે અમારા ગુણ - ઐશ્વર્ય-પ્રકાશનો આવિર્ભાવ થવાથી તે જીવાત્મા વૃદ્ધિ પામીને મહાતેજ જે મારું તેજ છે તેવો થાય છે. અને આવો જેને મહિમાએ સહિત મારો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો છે, પણ જ્યાં સુધી તે ભક્તને દેહ અને આ લોકની સ્મૃતિ રહે ત્યાં સુધી ભય રહે છે માટે આજ્ઞામાં રહેવું ને કુસંગથી દૂર રહેવું, ને દેહાભિમાન અને વિષય વાસનાથી બીતા રહેવું. તથા અમારા ચરિત્રમાં સંદેહ થાય નહિ ને અમારા ભક્તનો અવગુણ આવે નહિ તેનો ભય રાખવો. પછી શ્રીજીમહારાજ જે અમે તે કૃપા કરીને પીંડ-બ્રહ્માંડની વિસ્મૃતિ કરાવીને અમારા અનાદિમુક્ત જેવો અનાદિમુક્ત કરી અમારા સ્વરૂપમાં રાખીએ છીએ, ત્યારે તેને મૂર્તિનું સુખ જ ભોગવાય છે, પણ મૂર્તિ વિના બીજું કાંઈ દેખાતું નથી.'
મૂળ વચનામૃત :- "અને જેને (અમારો) પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે, 'મુને આ ભગવાન (શ્રીજીમહારાજ) મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે, અને જે મારું દર્શન કરશે, કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે.' માટે એવી રીતે ભગવાનનો (અમારો) મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિષે કૃતાર્થપણું માનવું, એ વાત સર્વે ખબડદાર થઈને રાખજો." (વ. વ.-12)
લોયા વ. 3 માં : - 'શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામીએ તથા શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, ભગવાન તથા સંત તેનો જેને માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેનાં શા લક્ષણ છે?' પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, 'જેને ભગવાનનો અને સંતનો માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચય હોય તેથી ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય? એને અર્થે કુટુંબનો ત્યાગ કરે, લોક-લાજનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સુખનો ત્યાગ કરે, ધનનો ત્યાગ કરે, સ્ત્રીનો ત્યાગ કરે અને સ્ત્રી હોય તે પુરુષનો ત્યાગ કરે.' એમ કહીને પછી આ સર્વે હરિભક્તની વાર્તાઓ એકબીજા કેડે કરી... અને વળી એમ કહ્યું કે, 'જેને ભગવાનનો નિશ્ચય માહાત્મ્યજ્ઞાને સહિત હોય તે ભગવાનના વચનમાં ફેર પાડે નહિ ને જેમ કહે તેમ કરે.' તે ઉપર પોતાની વાત કરી જે, .... 'અમે (રામાનંદ) સ્વામીના દર્શન થયા મોર નવ મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા, એવે લક્ષણે કરીને જેને સંતનો ને ભગવાનનો એવો નિશ્ચય હોય તેને નિશ્ચય જાણીએ... અને આવી રીતનો જે હરિભક્ત હોય તેનો... અપમૃત્યુએ કરીને દેહ પડે તો પણ..... ભગવાનના ધામને જ પામે. અને ભગવાનથી વિમુખ હોય તેનો દેહ સુધી સારી પેઠે પડે.... તો પણ તે તો નિશ્ચે યમપુરીમાં જાય... (એમ સમજે તેને) નિશ્ચય છે એમ જાણવું. અને એવો નિશ્ચયવાળો જે હોય તે જરૂર બ્રહ્મમહોલમાં જ પૂગે. (અમારા ધામને જ પામે)' આવી રીતે ભગવાનના નિશ્ચય તથા આશ્રયનું રૂપ સમજવું.