૫. બ્રહ્મરૂપ અથવા પુરુષોત્તમરૂપ થઈને ધ્યાન કરવાની આજ્ઞા

ગ. મ. વ. 19 માં :- 'તે ભગવાનનું જ ધ્યાન કરવું અને એ વિના કોઈ દેવનું ધ્યાન ન કરવું. બીજું જે સાધુ સિદ્ધગતિને પામ્યા હોય ને સમાધિનિષ્ઠ હોય તેનું પણ ધ્યાન ન કરવું.'

ભાવાર્થ :- ધ્યાન કેવી રીતે કરવું તો, દેહાત્મબુદ્ધિ સોતો શ્રીજીમહારાજને સન્મુખ ધારીને ધ્યાન કરે તે અવરભાવનું ધ્યાન છે અને સદા દિવ્યાકાર મૂર્તિમાન સર્વોપરી પુરુષોત્તમ એવા જે શ્રી સ્વામિનારાયણ તેમના તેજ:પુંજરૂપ બ્રહ્મ તે રૂપ થઈને એ તેજ:પુંજરૂપ અક્ષરબ્રહ્મ - તેમાં મૂર્તિ ધારવી તે પરભાવનું ધ્યાન છે અને મૂર્તિના તદાકારભાવને પામીને ધ્યાન કરવું એ પરભાવમાં અતિ ઉત્તમ ધ્યાન છે.

લો. વ. 11 માં : - 'અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું અને પોતાને ભગવાનની (અમારી) જે મૂર્તિ મળી હોય તેને વિષે જ પતિવ્રતાની પેઠે ટેકે રાખવી.'

ભાવાર્થ : 'આ તમને મળી જે મૂર્તિ તેનું ધ્યાન કરવું' એમ શ્રીજીમહારાજે કહ્યું તે મનુષ્યરૂપ મૂર્તિ તો આજ દૃષ્ટિગોચર નથી માટે આજ કઈ મૂર્તિ જાણવી? તો જે મૂર્તિ મનુષ્યરૂપે હતી, તે જ મૂર્તિ આજ પ્રતિમા રૂપે છે માટે પ્રતિમાનું ધ્યાન કરવું. હવે ધ્યાન કેવી રીતે કરવું તો, શ્રીજીમહારાજનું તેજ જે અક્ષરધામ તે રૂપ પોતાને માનીને તેજમાં મૂર્તિ ધારવી તે પરમ એકાંતિક મુક્તની સ્થિતિ પામવાનું ધ્યાન છે અને શ્રીજીમહારાજની મૂર્તિમાં રહીને શ્રીજીમહારાજની મૂર્તિ ધારવી તે અનાદિમુક્તની સ્થિતિ પામવાનું ધ્યાન છે.

ગ. મ. વ. 8 માં : - 'અને અંર્તદૃષ્ટિએ કરીને જે ભગવાનના ભક્તને વર્તવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય છે. હવે કોઈ એમ પૂછે જે, અંર્તદૃષ્ટિ તે શું? તો તેનો ઉત્તર એ છે જે, બહાર અથવા માંહેલી કોરે ભગવાનની મૂર્તિ સામી જે વૃત્તિ કરવી એ જ અંર્તદૃષ્ટિ છે અને તે વિના તો અંર્તદૃષ્ટિ કરીને બેઠો છે પણ બાહ્યદૃષ્ટિ જ છે.'

ભાવાર્થ : - બહાર એટલે સન્મુખ અક્ષરભુવનમાં અથવા લીંબતરૂ તળે ઢોલિયામાં સંત-હરિભક્તની સભામાં વિરાજમાન છે ને વસ્ત્ર-આભૂષણ, ચંદન-પુષ્પ વગેરે ધારણ કર્યાં છે. એવી રીતે શ્રીજીમહારાજને ધારીને ધ્યાન કરવું તે અવરભાવની અંર્તદૃષ્ટિનું ધ્યાન છે. અને પોતાના આત્માને અક્ષરધામરૂપ માનીને તેજના સમૂહમાં તેજોમય દિવ્ય મૂર્તિ દિવ્ય શોભાએ યુક્ત એવા શ્રીહરિને ધારીને ધ્યાન કરવું અથવા મૂર્તિરૂપ થઈને એટલે મૂર્તિમાં રહીને સળંગ મૂર્તિ ધારવી એવી રીતે ધ્યાન કરવું તે પરભાવની અંર્તદૃષ્ટિનું ધ્યાન છે.

સા. વ. 10 માં : - શ્રીજીમહારાજ બોલ્યા જે, 'ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર - એ સર્વે જે ભગવાનનાં ધામ તેને બાહ્યદૃષ્ટિએ કરીને જોઈએ તો ઘણાં છેટે છે અને આત્મદૃષ્ટિએ કરીને જોઈએ તો એક અણુ જેટલું પણ છેટું નથી. માટે બાહ્યદૃષ્ટિવાળાની સમજણ છે તે મિથ્યા છે આત્મદૃષ્ટિવાળાની સમજણ છે તે સત્ય છે. અને જે સાધુ એમ સમજતો હોય જે, મારા ચૈતન્યને વિષે આ ભગવાન સદાય વિરાજમાન છે તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે, ને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ એ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી, અને એવી રીતનો જે સંત હોય તે તો જેવા શ્વેતદ્વીપમાં મુક્ત છે તે સરખો છે અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે મુને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું ને એવી સમજણવાળો જે સંત તે તો કૃતાર્થ છે.'

ભાવાર્થ : - બહારદૃષ્ટિવાળો આવરણ ઉલ્લંઘીને ધામમાં જવાશે એમ સમજે તેથી તેને ભગવાનનું સમીપપણું રહેતું નથી એ દોષ છે, માટે એની સમજણ મિથ્યા કહી છે અને આત્મદૃષ્ટિવાળો પોતાના જીવાત્માને શ્રીહરિજીના તેજરૂપ જે બ્રહ્મ તે રૂપ માને છે ને તેમાં શ્રીજીમહારાજ રહ્યા છે એમ સમજે છે તેથી એને શ્રીજીમહારાજનું સમીપપણું રહે છે પણ આવરણ રહેતું નથી, માટે એની સમજણ સત્ય છે. અને અહીં અક્ષરધામને શ્વેતદ્વીપ નામે કહ્યું છે અને સંતને અક્ષરધામના મુક્ત કહ્યા છે તેનું દર્શન શ્રીજીમહારાજે પોતા જેવું કહ્યું છે.

વ. વ. 9 માં શ્રીજીમહારાજે કહ્યું છે જે, 'ચિદાકાશને મધ્યે (મારા તેજના સમૂહમાં) સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે, (હું પોતે વિરાજમાન છું) તે મૂર્તિને વિષે (મારે વિષે) જ્યારે સમાધિ થાય છે ત્યારે એક ક્ષણ માત્ર ભગવાનના સ્વરૂપમાં (મારા સ્વરૂપમાં) સ્થિતિ થઈ હોય, તે ભજનના કરનારાને એમ જણાય છે જે, હજારો વર્ષ પર્યંત મે સમાધિને વિષે સુખ ભોગવ્યું એવી રીતે ભગવાનના (મારા) સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે, માટે ભગવાનના (મારા) સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ-અવિનાશી છે ને માયિક સુખ છે તે નાશવંત છે.' આવી રીતે મહિમા સમજી પોતાને બ્રહ્મરૂપ અથવા પુરુષોત્તમરૂપ માનીને ધ્યાન કરવું.