૧. માહાત્મ્યે સહિત એકાંતિક ભક્તિનું તથા એકાંતિક ધર્મનું સ્વરૂપ, તેમાં અખંડ વૃત્તિ તથા ધ્યાન
વચનામૃતમાં શ્રીજીમહારાજે પોતામાં મનની અખંડ વૃત્તિ રાખવી તથા પોતાની સ્મૃતિ રાખવી તથા પોતાની મૂર્તિનું અખંડ ચિંતવન કરવું તથા મૂર્તિનું અખંડ ધ્યાન કરવું અને મૂર્તિ સામું જોઈ રહેવું તથા મૂર્તિમાં નિમગ્ન રહીને કથા, વાર્તા, કીર્તન વગેરે કરવું - એમ કહ્યું છે. તેમાં શ્રીજીમહારાજનો અભિપ્રાય એવો જણાય છે જે, બીજામાંથી વૃત્તિ તોડીને પોતાની મૂર્તિમાં જોડવાં.
પ્રથમના પહેલા વચનામૃતમાં શ્રીજીમહારાજે પ્રશ્ન કર્યો જે, 'સર્વ સાધનમાં કિયું સાધન કઠણ છે?' તેનો ઉત્તર શ્રીજીમહારાજે કર્યો જે, 'ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી, કાં જે ભગવાનની મૂર્તિ છે, તે તો ચિંતામણિ તુલ્ય છે. જેમ ચિંતામણિ કોઈક પુરુષના હાથમાં હોય, તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે તે પ્રાપ્ત થાય છે તેમ ભગવાનની મૂર્તિને વિષે જેના મનની અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઇશ્વર, માયા ને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઇચ્છે તો તત્કાળ દેખે છે તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મમહોલ - એ આદિક જે જે ભગવાનનાં ધામ છે તેને પણ દેખે છે માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન પણ નથી ને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી.'
આ વચનામૃતમાં શ્રીજીમહારાજે માયાના બંધનથી છૂટીને પોતાના સ્વરૂપ સાથે એકાત્માપણે જોડાઈ રહીને મૂર્તિનું રોમરોમનું નવીન નવીન સુખ અખંડ ભોગવાય એવી સર્વોપરી અનાદિમુક્તની સ્થિતિ તે રૂપી આત્યંતિક મોક્ષની પ્રાપ્તિનું સાધન જે પોતાના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ જ છે, અને એને જ કઠણમાં કઠણ સાધન કહ્યું છે. તેનું કારણ એ છે કે, જેને અનંત જન્મના સુકૃતનો ઉદય થયો હોય અને છેલ્લી પ્રાપ્તિ થવાની હોય, તેને જ પ્રત્યક્ષ શ્રીજીમહારાજની પ્રાપ્તિ થાય છે અને માહાત્મ્ય જ્ઞાને સહિત નિર્વિકલ્પ નિશ્ચય થાય છે ને એની જ શ્રીજીમહારાજમાં અખંડ વૃત્તિ રહે છે, માટે ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી એ સાધનને સર્વ સાધનથી કઠણ કહ્યું છે.
અને બીજું કારણ એ છે : જેમ વડતાલ વ. 3 માં કહ્યું છે જે, 'અતિશય માહાત્મ્યે સહિત ભક્તિ ભગવાનને વિષે હોય તો એક ભક્તિને વિષે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણે ય આવી જાય.' તેમ અખંડ વૃત્તિ ભગવાનમાં રહે તેમાં સર્વે સાધન આવી જાય છે, તે કેવી રીતે તો માહાત્મ્યે સહિત ભક્તિ જેને પ્રાપ્ત થઈ હોય તેના જ મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, માટે તે માહાત્મ્યે સહિત ભક્તિ અખંડ વૃત્તિમાં આવી જાય છે. અને જેને ભગવાનમાં મનની અખંડ વૃત્તિ રહે છે તેને જ માહાત્મ્યે સહિત ભક્તિ પ્રાપ્ત થાય છે. તથા લોયા વ. 6 માં કહ્યું છે જે, 'સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? તો એ ભક્તમાં એકાંતિકપણું આવે એ અતિશય દુર્લભ છે, તે એકાંતિકપણું તે શું તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ ત્રણે સહિત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ.' આવી રીતનો એકાંતિક ભક્ત થાય તેના જ મનની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. આવી રીતે એકાંતિકપણું અખંડ વૃત્તિમાં આવે છે, માટે એ સાધન કઠણ કહ્યું છે.
અને જેમ અખંડ વૃત્તિ રાખવી એ સાધન કઠણ છે તેમ જ વાસના ટાળવી તે પણ સાધન મોટું છે તે ગ. પ્ર. વ. 60 માં શ્રીજીમહારાજે કહ્યું છે જે, 'સર્વ સાધન કરતાં વાસના ટાળવી એ સાધન મોટું છે' તથા લોયા વ. 16 માં કહ્યું છે જે, 'વાસના કુંઠિત તો હોય પણ તે મૂળમાંથી ટળી નથી જાતી, માટે મૂળમાંથી વાસના ટાળવી ને વાસના ટળે ત્યારે જ મૂર્તિમાં અખંડ વૃત્તિ રહે.' તે વાસના ટાળવાનો ઉપાય ગ. પ્ર. વ. 60 તથા 72 આદિમાં કહ્યો છે અને વાસનાએ રહિત વર્તવું તે એકાંતિકનો ધર્મ છે, માટે જેને વાસના ન હોય તે જ એકાંતિક ભક્ત છે. તે ગ. પ્ર. વ.11 માં કહ્યું છે કે:-
'જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય ને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય.'
અને એકાંતિક ભક્તની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે તેથી નિર્વાસનિકપણું પણ અખંડ વૃત્તિમાં આવે છે, માટે મોટા સત્પુરુષનો સમાગમ કરીને અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી ને ગુણાતીતાનંદ સ્વામી તથા અનાદિમુક્ત બાપાશ્રી તેમણે જેવી રીતે શ્રીજીમહારાજની સર્વોપરી ઉપાસના સમજાવી છે તેવી સમજે અને શ્રીજીમહારાજે શિક્ષાપત્રી, ધર્મામૃત આદિમાં આજ્ઞા પાળવાની કહી છે તેવી રીતે આજ્ઞામાં વર્તે અને શ્રીજીમહારાજની માહાત્મ્યે સહિત ભક્તિ કરે ત્યારે નિર્વાસનિક ને એકાંતિક ભક્ત થાય ત્યારે જ તેના મનની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે. પછી જ્યારે મધ્યના 30 તથા 50 ના વચનામૃત પ્રમાણે બ્રહ્મસ્વરૂપ થવાનું જ્ઞાન થાય છે ત્યારે મનની વૃત્તિ વિના બ્રહ્મ સાથે આત્માની એકાત્મતા કરીને તેજોમય એવું બ્રહ્મસ્વરૂપ જે શ્રીહરિનો પ્રકાશ તેમાં શ્રીજીમહારાજની મૂર્તિ ધારીને ધ્યાન કરવાની સ્થિતિ થાય છે. અને જ્યારે પ્રથમના 51 તથા સારંગપુરના 11 ના વચનામૃત પ્રમાણે પુરુષોત્તમરૂપ થવાનું જ્ઞાન થાય છે ત્યારે શ્રીજીમહારાજની મૂર્તિ સાથે આત્માની એકાત્મતા કરીને અર્થાત્ મૂર્તિમાં રહીને મૂર્તિનું ધ્યાન કરવાની લટક હાથ આવે છે, ત્યારે મૂર્તિમાં રહીને મૂર્તિનું અખંડ ધ્યાન થાય છે ને મન તથા વૃત્તિનો ભાવ રહેતો નથી.