1
(કોઈક વડીલ સંતે વાત કર્યા પછી એના અનુસંધાને વાત કરે છે.)
ભક્તવત્સલ ભગવાન પોતાના સંત ઉપર એટલો બધો રાજીપો ને પ્રસન્નતા વરસાવે છે. એ રીતે આપણે તો અવરભાવનો વિનય નહિ ચૂકવો જોઈએ. ભગવાનને વહાલા એવા સંતને એમ કહીએ કે અમને સૌને આશીર્વાદ આપો તો મહારાજ રાજી થાય છે. પણ રહસ્યની વાત એમણે કહી એમ રાખવાની કે આશીર્વાદમાં બેઠા પછી આશીર્વાદ માંગવાની જરૂર હોતી નથી. એવું અનુસંધાન રહે કે આશીર્વાદમાં જ બેઠા છીએ તો કાંઈ કરવું રહેતું નથી. નિરંતર એ અનુસંધાન હોવું જોઈએ. આશીર્વાદ એ મૂર્તિનું સુખ. સુખ એ આશીર્વાદ. એ સુખમાં મહારાજના અનંત સંતો કિલ્લોલ કરે છે. એ સુખમાં શ્રીજીમહારાજે આપણને બધાને રાખી દીધા છે. આ આશીર્વાદ. પરમ કૃપાળુ અનાદિમુક્ત બાપાશ્રીને પોતાના સંકલ્પથી પૃથ્વી ઉપર મોકલીને આપણને શ્રીજીમહારાજનું જેવું છે તેવું સુખ ઓળખાવ્યું. પરમ કૃપાળુ શ્રીજીમહારાજે બાપાશ્રી દ્વારા આપણને સૌને મૂર્તિના સુખમાં રાખ્યાના આશીર્વાદ આપ્યા.
ભગવાન પોતાના 'સંત તે સ્વયંહરિ' એવા મહા અનાદિમુક્ત દ્વારા આવા શબ્દ બોલે છે. આશીર્વાદ આપે છે. મૂર્તિના સુખમાં રાખવાના આશીર્વાદ મહારાજ તેમના આવા અનાદિમુક્ત દ્વારા જ આપે છે. એ આશીર્વાદ ગમે ત્યાંથી નથી મળતા. આપણા બધાના પરમ ભાગ્ય છે કે મહારાજ એવા મહા અનાદિમુક્ત બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, પર્વતભાઈ આદિ મહામુક્તને પોતાની સાથે લાવ્યા. તેમના દ્વારા શ્રીજીમહારાજે પોતાની મૂર્તિના સુખમાં અનેકને જોડી દીધા.
મહારાજ એવા દયાળુ હતા અને એમના સંત ઉપર એવા રાજી હતા એનું એક દૃષ્ટાંત. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાના નાનકડા સંત મંડળ સહિત ફરતા-ફરતા એક કોષ હતો ત્યાં આવ્યા. ત્યાં કોઈ એક મુમુક્ષુ મનુષ્ય કોષ હાંકતા હતા. મુમુક્ષુ ખરાને, એટલે સ્વામીશ્રીને જોઈને કામ પડ્યું મૂકી એમણે સ્વામીશ્રીનું આતિથ્ય કર્યું. આતિથ્યમાં તો બધું આવી જાયને. સ્વામીશ્રીને બેસાડયા ને ખૂબ સુંદર આતિથ્ય કર્યું. એટલે સ્વામી રાજી થઈ ગયા. તો સ્વામીશ્રીના મુખારવિંદમાંથી તેજ છૂટ્યું. એ તેજમાં પેલા મુમુક્ષુ અંજાઈ ગયા અને એ એમ બોલી ઉઠ્યા કે, "ઓ હો હો! ભગવાન તમે મારે ઘરે આવ્યા!!" એટલીવારમાં એ તેજ સ્વામીમાં પાછું વિલીન થઈ ગયું. પછી સ્વામીશ્રી કહે, "કે હું ભગવાનને લઈને તમારી પાસે આવ્યો છું ખરો, પણ હું તો ભગવાનનો દાસ છું. ભગવાન નથી." કેટલીકવાર મુક્તમાં રહેલા પ્રત્યક્ષ મહારાજના જ્યારે ભક્તને દર્શન થાય ત્યારે એમની સાથે વૃત્તિ જોડાઈ જાય છે તો ભક્તે એમ કહ્યું, "કે તમે જ મારા ભગવાન છો." થોડીવાર રહીને સ્વામીએ એને મહારાજની મૂર્તિ આપી કે આ સ્વરૂપનું ધ્યાન કરી અને માળા ફેરવજો. પછી એ કહે, "સ્વામી, મારે આ મૂર્તિ નથી જોઈતી. મને તો તમારી મૂર્તિ આપો." એમ કહીને ગોપાળાનંદ-ગોપાળાનંદ એમ માળા ફેરવવા મંડ્યો. પછી સ્વામી કહે, "આ તો ઉન્મત્ત થઈ ગયા. મારું ભજન કરે છે. ખોટું કર્યું." એટલે સ્વામીએ ફરી કહ્યું, "આ મૂર્તિનું ભજન કરજો સ્વામિનારાયણ- સ્વામિનારાયણ" ત્યારે કહે, "એવું મોટું નામ મને ન આવડે. હું તો ગોપાળાનંદ-ગોપાળાનંદ કરીશ." પછી સ્વામી કહે, "સારું, આ ભજન કરજે. પછી તું ગઢડા આવજે." આ ગઢડા નજીકનું ગામ હતું. સ્વામી કહે, "તું આવીશ ત્યારે તને ભગવાનના દર્શન કરાવીશ."
પેલાએ તો મહારાજને જોયેલા નહિ. સ્વામીનું ભજન કરે. તેની વૃત્તિ ખેંચાઈ ગયેલી. એ તો સામાન્ય મુમુક્ષુ હતો, પણ જ્યારે ભગવાનના સંતમાંથી તેજ જોઈ એની વૃત્તિ સ્વામીમાં ખેંચાઈ ગઈ. જેમ ભગવાન તેજોમય છે, તેમ તેમના સંત પણ એવા તેજોમય છે. થોડા વખત પછી તેને એમ થયું કે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું છે તો લાવ ગઢડા દર્શન કરી આવું. પછી ગઢડા આવ્યા. દર્શન કર્યા. મહારાજ ઢોલિયા ઊપર બિરાજમાન હતા. બાજુમાં સંતો બેઠા હતા. ગોપાળાનંદ સ્વામી પણ બિરાજમાન હતા. દર્શન કરતા આ તો પાગલ થઈ ગયા. કહે છે ને કે ભગવાન અને ભગવાનના સંતોને જોઈને કોઈવાર પાગલપણું પણ આવી જાય. તો સભામાં આવીને બોલ્યા ગોપાળાનંદ - ગોપાળાનંદ - ગોપાળાનંદ બધા મહારાજને પૂછે આ કોણ છે? આ કોણ આવે છે? મહારાજ કહે, "અમારા ગોપાળાનંદ સ્વામી ફરતા-ફરતા પેલા કૂવા પાસે આવ્યા તો આમણે સ્વામીનું આતિથ્ય કર્યું. એમણે અમને તો જોયા નથી. અને એને અતિ ભાવ થઈ ગયો. તેથી અમે રાજી થઈ ગયા. તો અમે ગોપાળાનંદ સ્વામીના મુખારવિંદમાંથી તેજ છોડ્યું. એ એના ઉપર પડ્યું. એટલે એની વૃત્તિ ગોપાળાનંદ સ્વામીમય થઈ ગઈ. એટલે એવું કરે છે."
પછી ગોપાળાનંદ સ્વામી ઉઠીને મહારાજને કહે, "હવે એના ઉપર દયા કરો. મારું તે કંઈ ભજન કરાતું હશે? તમારું ભજન કરે તેવી પ્રાર્થના." પછી મહારાજે કહ્યું, "તમારા ગુરુનું વચન સાંભળ્યું?" તો કહે, "હા, મેં સાંભળ્યું, પરંતુ તમે તો ગોપાળાનંદ સ્વામીના ભગવાન છો પણ મારા ભગવાન તો ગોપાળાનંદ છે. તો હું તો એનું જ ભજન કરું ને? એ તમારું ભજન કરે અને હું એમનું ભજન કરું." પછી ગોપાળાનંદ સ્વામી ઊભા થઈને કહે, "અરે, હું તો એમના ચરણનો દાસ છું." તો કહે, "તમે એમના દાસ હો કે ગમે તે હો તમારા એ ભગવાન છે, પણ હું તો તમારું ભજન કરીશ. મારું જે થવાનું હોય તે થાય." પછી મહારાજ કહે, "ગોપાળાનંદ સ્વામી, તમે દુ:ખી ન થઈ જશો. એ ભલે તમારું ભજન કરે. અંતે હું એને મારા સુખમાં લઈ જઈશ." સ્વામી કહે, "મહારાજ! આ શું બોલ્યા? એ મારું ભજન કરશે તો બીજા બધા પણ મારું ભજન કરવા માંડશે. એ તો કેમ ચાલે?" પછી મહારાજ કહે. "આના સિવાય બીજો કોઈ તમારું ભજન નહિ કરે. તમે ચિંતા કરશો નહિ." ત્યારે બધા હરિભક્તો કહે, "તો-તો સારું મહારાજ." આમનો તો હવે ઉપાય જ નથી. એ તો હું જ્યારે અંતકાળે તેડવા જઈશને ત્યારે મારામય થઈ જશે. મહારાજના આમ કહ્યા પછી સ્વામી બેઠા.
બધા મહારાજ-મહારાજ કરે એટલે હરિભક્તને ખબર પડી ગઈ કે આ મહારાજ છે. એટલે કહે, "હા મહારાજ, હું તો એમનું જ ભજન કરીશ. તમે પછી લેવા આવજો." મહારાજ કહે, "સારું, બેસો ભક્તરાજ ભજન કરજો." એ ભક્તને અંતકાળે મહારાજ ગોપાળાનંદ સ્વામીને લઈને આવ્યા અને પોતાના મુક્તને ઓળખાવી દીધા અને પોતાના સુખમાં લીન કરી દીધા. આ દૃષ્ટાંત ભગવત્સ્વરૂપદાસજી સ્વામીએ મારી રૂબરૂમાં એક દરબારને આપેલું ત્યારે વાત થયેલી. ત્યારે મેં એમને પૂછયું, "સ્વામી, આમણે ગોપાળાનંદ સ્વામીનું ભજન કર્યું ત્યારે બીજા કોઈ ગોપાળાનંદ સ્વામીનું ભજન કરે તો કેમ થાય?" તો સ્વામીએ એમ કહ્યું કે, "નારાયણભાઈ, એવા તો કોઈ અપવાદ હોય. એને ભગવાનને વિશે એવું પાગલપણું થઈ જાય. પાગલ થાય તો જ પ્રેમભક્તિ થાયને! મહારાજ કહે, પાગલ નથી થવાતું એટલી ખોટ છે."
ભગવત્સ્વરૂપદાસજી સ્વામીએ એમ કહ્યું, "કે કદાચ ગોપાળાનંદ સ્વામીને એના જેવો જ અપવાદરૂપ કોઈ મળે અને એવું થઈ જાય. એના સિવાય કંઈ ભાસે જ નહિ તો વાત જુદી. તો એનું અકલ્યાણ ન થાય, પરંતુ પોતે જાણતો હોય કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે અને એમના સંતો એમના દિવ્ય તેજોમય સેવકો છે એ સમજાયા પછી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિના ચિંતવન સિવાય કંઈ રહેવું જોઈએ નહિ. બધા જ મુક્તો મહારાજની મૂર્તિમાં લીન થઈ જાય છે. અને છેવટે એક શ્રીજીમહારાજ રહે છે." બાપાશ્રી એમ કહે છે કે મહારાજ જેવું હેત મુક્તને વિશે પણ ન કરવું. બીજું કહેવાનું એ છે કે અનાદિમુક્તનું પણ ધ્યાન ન કરવું. એમ પોતે રહસ્યાર્થમાં કહ્યું છે. અનાદિમુક્ત પણ સેવક છે. સેવકનું ધ્યાન ન થાય. સ્વામીનું થાય. પરંતુ દિવ્ય સભાએ સહિત ધ્યાન કરવાની વાત છે એ એટલા માટે છે કે દિવ્ય સભાની સ્મૃતિ કરવાથી વિક્ષેપો દૂર થઈ જાય છે. ભગવાનની ઇચ્છાથી આવરણો દૂર થઈ જાય છે. થોડીવાર ભગવાનના મુક્તોની સ્મૃતિ કરી, દિવ્ય સભાની સ્મૃતિ કરી અને પછી બધું વિસારી જઈને એક મૂર્તિ ઉપર લક્ષ કરવું.
બે-ત્રણ મિનિટ સભાની સ્મૃતિ કરવાની હોય પછી સ્મૃતિ કરવાની સાથે ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પર્વતભાઈ જેવા મહા અનાદિમુક્તની સ્મૃતિ કરવાથી કેટલાક વિક્ષેપો હોય એ દૂર થઈ જતા હોય છે. એટલે મહારાજની મૂર્તિમાં વૃત્તિ જોડાઈ જાય છે. ત્યાર પછી સારી યે દિવ્ય સભા મહારાજના સ્વરૂપમાં લીન થઈ જાય છે. અને એક મૂર્તિ જ રહે છે. એમ બાપાશ્રી કહે છે. મુક્તો દેખાતા નથી. એક મહારાજની મૂર્તિ જ રહે છે. ત્યારે એવી રીતે ભગવાનમાં વૃત્તિ જોડી દેવી. જેમ અર્જુનને પેલા પક્ષીની આંખ વિંધવાની હતી તો એની આજુ-બાજુનું કાંઈ દેખાતું નહોતું. એમ સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિમાં પણ એવી એકાગ્રતા કરવી.
બાપાશ્રી એમ કહે છે કે સળંગ મૂર્તિ ન દેખાય, મુખારવિંદ દેખાય તો હાથ ન દેખાય, હસ્ત દેખાય તો મુખારવિંદ ન દેખાય. ત્યાં સુધી સાધન દશા છે. નખશિખાંત મહારાજની મૂર્તિ દેખાવી જોઈએ. એવું ધ્યાન કરવું કે સળંગ મૂર્તિ દેખાય. તો ધ્યાન કરવા માટે પહેલા તો ભલે પ્રતિલોમ ધ્યાન એકદમ ન થાય, તો સન્મુખ મહારાજની મૂર્તિના ચરણારવિંદને પહેલા નીરખવાં જોઈએ. એ કેવા છે એ ઝીણવટથી જોવું એના ઉપર ચિત્તને એકાગ્ર કરવું. અને એ ચરણાવિંદમાં મન એકાગ્ર કરવું કે આંગળીઓ કેવી છે? એમ દરેક આંગળીઓને ધ્યાનપૂર્વક જોવી જોઈએ. ઉપર-ઉપરથી નહિ. એવી રીતે ચરણારવિંદનો ભાગ એકદમ તાદૃશ્ય બનાવી દેવો કે આ આંખો મીંચતા એ ચરણારવિંદ જેવા છે તેવા દેખાય. જેવા ઉઘાડી આંખે દેખાય એવા જ ચૈતન્યમાં એ ચરણારવિંદ દેખાય.
પછી થોડા આગળ જવાનું. દરેક ભાગ જેટલો પહોળો, લાંબો કેવો છે એ બરાબર નીરખવાનું. ત્યાં સુધી સન્મુખ ધારવાનું. એમ થાય કે એટલી મૂર્તિ બરાબર દેખાય છે. જ્યારે સામે જુએ ત્યારે ખબર પડે કે આ મહારાજ એકદમ આવીને ઊભા રહે. એમ કરતાં-કરતાં મૂર્તિના એકે એક અંગનું ચિંતવન ને એનું ધ્યાન એકાગ્રતાપૂર્વક કરવાનું. હસ્ત કેવો છે? આંગળીઓ કેવી છે? મહારાજના એકે એક અંગ ઉપર સમય લેવાનો. એકે એક અંગ દૃઢ થઈ જવું જોઈએ. એમ કરતાં-કરતાં મસ્તક સુધી જવાનું. અને ધ્યાનમાં મહારાજના નેણ કેવા છે? નાસિકા કેવી છે? આમ જોઈએ તો નાસિકા બરાબર દેખાય. કાન ઊપર એકાગ્રતા કરવી કે ભગવાનના કર્ણ કેવા છે. એ મય થવાનું. ભગવાનનું ભાલ, ભ્રમર, ગાલ, હોઠ, દાઢી બધો ભાગ બરાબર નીરખવાનો ઉપર-ઉપરથી નીરખીને ધ્યાન નહિ કરવાનું. પછી મસ્તકથી નીચે ઊતરતા જવાનું ધીમે-ધીમે તે ઠેઠ ચરણારવિંદ સુધી. પછી પાછા નીરખતાં નીરખતાં ચરણારવિંદથી મસ્તક સુધી જવાનું. એમ ધ્યાનની ઉપાસના કરતાં-કરતાં ભગવાનની કૃપાથી એ મૂર્તિ સળંગ દેખાશે. ભક્તે શું કામ ધીરજ ખોવી? જેમ આપણને આ લાભુભાઈનું મુખારવિંદ ને બધું દેખાય છે એવી રીતે મહારાજની એ મૂર્તિ દૃઢ કરવી. ધ્યાન કરતાં કરતાં કહ્યા પ્રમાણે મૂર્તિ સામું જોઈ રહેવું. ખૂબ નીરખવું. નીરખતાં-નીરખતાં એવું થઈ જશે કે કામ કરતાં-કરતાં ય ચારે કોર મૂર્તિ દેખાશે. આમ જુઓ તો ય દેખાય અને આ બાજુ જુઓ તો પણ દેખાય. સામે તર્યા જ કરે.
એક જણ કહે, મેં એક બાવા સામે બે કલાક જોયું તો મારી આંખ સામે તર્યા જ કરે છે, તો હવે કાઢવો કેવી રીતે? ત્યારે સોમચંદભાઈએ એને કહ્યું, "તારે એના સામું નીરખીને જોવાની શું જરૂર હતી? પછી એ બાવો અંતરમાં પેસી જ જાયને?" પછી એને ભેટ્યા ત્યારે એને શાંતિ થઈ. એમ શ્રીજીમહારાજની મૂર્તિ જેમ છે તેમ ચારે કોર એક મૂર્તિ જ દેખાય એ તો પરમ કૃપા છે. આ રીતે મૂર્તિને દૃઢ કરવી. ભૂલી ન જવાય. ભૂલે તો ય ન ભૂલાય એવી દૃઢ કર્યા પછી એ જ મૂર્તિ રહે. પછી આપણો આકાર ભૂલવાની શરૂઆત કરવી. હું છું જ ક્યાં? દેહ તો પડી ગયો. મહારાજે જ્યારથી મૂર્તિમાં રાખ્યો, ત્યારથી દેહ પડી ગયો કે નહિ? પડી જાય ત્યારે જ દેહ પડ્યો કહેવાય એવું કોણે કહ્યું? દેહ ક્યારે પડ્યો કહેવાય? કે જ્યારે દેહ રહિત, દેહભાવ જતો રહે ત્યારે. મૂર્તિમાં રાખ્યા છે, આશીર્વાદમાં બેઠા છીએ, એવું તદાકાર થઈ જાય તો વાત પતી જાય. એમ દેહને ભૂલીને મૂર્તિરૂપ થઈ મૂર્તિ જોવી. જેમ દેહમાં જીવ છે તો અત્યારે આપણે કહીએ છીએ કે આપણો ચૈતન્ય અહીં છે ને દેહ ત્યાં છે? એવું તો નથીને? અંદર રહીને ચૈતન્ય દેહ મારફત બધી ક્રિયા કરે છે. તો આ દેહભાવ ભૂલીને શ્રીજીમહારાજની મૂર્તિમાં નખશિખાંત આપણો ચૈતન્ય ભગવાનની કૃપાથી ભાગવતીતનુ દેહ ધારણ કરીને અંદર સુખ ભોગવે છે પણ નખશિખાંત રહ્યો છે.
પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે કે, એવો ભક્ત એવો ઓત-પ્રોત થઈ જાય છે કે અમારા હાથમાં હાથ, પગમાં પગ, મસ્તકે-મસ્તક, આવી રીતે પુરુષોત્તમરૂપ થઈ તે મારું ધ્યાન કરે, ત્યારે મારો સાક્ષાત્કાર થાય. આવી રીતે દેહભાવ ભૂલી જાય પછી મહારાજ બેઠા છે એમ લાગે. કારણ કે મૂર્તિ તો પાકી થઈ ગઈ. મૂર્તિનું સ્વરૂપ તો બરોબર દૃઢ થઈ ગયું. પછી આમ કરીને બેસે તો મહારાજ આમ કરીને બેઠા લાગે. કારણ કે આંગળીઓ પાકી થઈ ગઈને. હવે આપણી આંગળીઓ ક્યાં દેખાય જ. સ્વરૂપને દૃઢ કરી લીધા પછી આ કંઈ દેખાતું નથી. પછી મહારાજ બેઠા છે, મહારાજ બધી જ ક્રિયા કરે છે. અને પોતે અંદર રહીને મૂર્તિનું દર્શન કરે છે. આ પ્રતિલોમ ધ્યાન. પહેલા મૂર્તિ દૃઢ કર્યા પછી પ્રતિલોમ ધ્યાન કર્યા વગર છૂટકો નહિ. સન્મુખ ને સન્મુખ દર્શન કરે તો અનાદિમુક્તની સ્થિતિની પ્રાપ્તિ ન થાય. પરમએકાંતિક મુક્તની સ્થિતિ થાય. અનાદિમુક્તની સ્થિતિને પામેલા પર્વતભાઈ જેવા જે સુખ ભોગવે છે. એની સામે પરમ એકાંતિકનું સુખ કાંઈ ગણતરીમાં નથી. એમ પ્રેમાનંદ સ્વામી કહે છે. ત્યારે એ અનાદિમુક્તનું સુખ એવું છે. પ્રતિલોમ ધ્યાનમાં એક જ મહારાજ અને પોતે સેવક. એ કોઈ દિવસ ભગવાન નથી થઈ જતા. ભગવાન થઈ જાય ખરા? ભગવાનના સેવક કોઈ દિવસ ભગવાન નથી થઈ જતા. કોઈ ધારે તો પણ ન થાય. એ તો ખોટા ભગવાનો થાય. જેને ખોટા ભગવાન થવું છે તેનો આ દુનિયામાં ક્યાં તોટો છે. મહારાષ્ટ્રમાં ત્રણસો જણા એમ કહેવડાવે છે કે હું શ્રીકૃષ્ણ છું. ત્રણસો શ્રીકૃષ્ણ! પેલા કિશોરલાલ મશરુવાળા સાથે કેદારનાથજી હતા એમણે કહ્યું કે, ભગવાન થવાના આવા ગાંડપણ લોકોને થાય છે.
ભગવાનના સાચા અનાદિમુક્ત નખશિખાંત ભગવાન સાથે ઓત પ્રોત થઈને મૂર્તિનું સુખ સુખભોક્તા થઈને ભોગવે છે. ભગવાન સુખદાતા. અનાદિમુક્તનું સ્વરૂપ અને પરમએકાંતિક મુક્તનું સ્વરૂપ મહારાજ જેવું જ છે, પણ બંનેના સુખમાં ફેર. અનાદિમુક્ત ખૂબ સુખ ભોગવે. તેમના સુખ આગળ પરમએકાંતિક મુક્તનું સુખ ઘણું જ ઓછું, છતાં પરમએકાંતિક મુક્તને એમ થાય છે કે આથી અધિક સુખ છે જ નહિ. માટે આગળ નથી જતા. પછી એ સુખમાં મસ્ત રહે છે. એ સુખ જેવું- તેવું નથી. કમ્પેરિઝન, સરખામણી કરતાં અનાદિમુક્તની સ્થિતિમાં જે સુખ છે એની પાસે પરમ એકાંતિકનું સુખ ગણતરીમાં નથી. પરમએકાંતિક મુક્તને જ્યારે એમ લાગે કે આથી અધિક કોઈ સુખ છે જ નહિ. તો અનાદિમુક્તના સુખમાં પહોંચે કેવી રીતે?
એ પરમ એકાંતિક મુક્તને અનાદિ થવા મહારાજ પૃથ્વી પર મોકલે છે પરંતુ તેઓ જબરજસ્ત પ્રભાવશાળી હોય હોં! ભાગવતીતનુ ધારેલ મુક્ત મૂર્તિના સુખભોક્તા થયા હોય એ કાંઈ જેવા-તેવા હોય? પૃથ્વી ઉપર જ્યારે પ્રગટ થાય, ત્યારે તેમનો મહાપ્રભાવ હોય. તેમની સાથે મહારાજ અનાદિમુક્તને પણ મોકલે છે. અનાદિમુક્તનો સમાગમ કરીને પોતે જે સુખમાં છે તે સુખથી અધિક સુખ પણ છે તેમ સમજી એ સુખમાં પહોંચી જાય છે. વાર નથી લાગતી. જ્યારે એ સમજાય કે આથી અધિક કંઈક છે તો જ એ મેળવવા માટે વૃત્તિ થાયને? તો જ ચૈતન્યની એ બાજુ ગતિ થાયને? નહિતર ગતિ કેવી રીતે થાય? માટે પરમએકાંતિક મુક્તનું પ્રગટપણું થાય છે. પ્રાગટ્ય થાય છે. ત્યારે અનાદિમુક્ત દ્વારા મહારાજની મૂર્તિની અનાદિમુક્તની સ્થિતિ સમજી એ સુખમાં લીન થાય ત્યારે એમ થાય. આ... હા... હા...! ત્યારે ખબર પડી જાય. ભગવાન થોડીવાર જાણપણું પણ કરાવે પછી બંધ. પછી સુખનું જ જાણપણું રહે.
આપણે સન્મુખ દૃઢ થયા પછી પ્રતિલોમ કરી નાખવાનું. પ્રતિલોમ ધ્યાન એ જ એવું ધ્યાન છે કે જેમાં મૂર્તિ ભૂલાય જ નહિ. બધું જ મહારાજ કરે. કામ-કાજ બધું કરતા દેખાય. અંદર રહીને દેખે. આ આંખની ક્યાં જરૂર છે? આ તો સાવ ખોટી આંખ છે. ધ્યાને કરીને જેને આ આંખ જતી રહી તેને દિવ્યચક્ષુ ખૂલે. ત્યાં સુધી ન ખૂલે. આ આંખે ય ભમરાળી જાત-જાતનું જુએ ને અંતરમાં ઘાલે. એ કેદી ભેળું થાય? ત્યારે મહારાજ કહે છે કે આ આખું ભૂલો. નખથી મસ્તક સુધીનો બધો આકાર ફેંકી દો એકવાર. બધું જ જ્ઞાન ભૂલી જાઓ. જો મારી મૂર્તિનું સુખ જોઈતું હોય તો બધું ભૂલી જાઓ. જે શાસ્ત્રો વાંચીને ભેળું કર્યું હોય એ બધું ભૂલી જાઓ. જો એ નહિ ભૂલો તો મારી મૂર્તિના સુખમાં તમે કેવી રીતે આવી શકો? એક કોરે (મનમાં સંઘર્યું હોય એનું) એનું મનન અને એક કોરથી મૂર્તિનું મનન કરે તો થાય? બધી કથા-વાર્તા બધું કરવું જોઈએ. બધું જરૂરી છે. શા માટે જરૂરી? એ મહાપ્રભુજીને પામવા માટે, પાત્ર થવા માટે. એ સુખમાં પહોંચ્યા પછી કથા-વાર્તા, પૂજા-પાઠ કશું જ રહેતું નથી, છતાં પણ ભગવાન સમાસને અર્થે એ કરે છે કે જેથી બીજાને સ્થિતિ કરાવી શકે.
આ સ્થિતિમાં પહોંચવા માટે આ બધું જરૂરી છે. કથા-વાર્તા બધા સાધનો છે. કાંટો કાઢવા માટે સોય લઈએ છીએ. કાંટો નીકળી ગયા પછી સોયને ચોવીસ કલાક ખિસ્સામાં પાસેને પાસે કાંઈ રાખીએ છીએ? એને ય મૂકી દઈએ છીએ. એમ કથા-વાર્તા, બીજા શાસ્ત્રોનું વાચન કર્યું હોય કંઈક માથાકૂટ કરી હોય એ બધું ભૂલવું પડેને. પંડિતો કેટલું બધું મગજમાં ઘાલે છે. એ ભૂલવા ધારે તો પણ ન ભૂલી શકે. પછી એ જ્ઞાન એને એવું પજવે કે પછી ભગવાનને કહે, મને અજ્ઞાની બનાવી દે. એમ કહે છે કે અજ્ઞાનના બે પ્રકાર. જે જ્ઞાન ખોટું ભર્યું હોય તેને ભૂલવું એ અજ્ઞાન. એવું અજ્ઞાન જોઈએ. બધું ભૂલે તો મૂર્તિનું સુખ આવે. બાકી થોથા કંઈ કામ ન આવે. ત્યાં પહોંચ્યા પછી એની કાંઈ જરૂર નથી. પણ મહારાજ કહે છે કે કથા-વાર્તા કર્યા વગર અમને તૃપ્તિ થતી નથી. એનો અર્થ સમજવા જેવો છે. કથા સાંભળવામાં અમને તૃપ્તિ થતી નથી. વાત બરાબર છે. કથામાં શું આવે છે? મહારાજની મૂર્તિના ચરિત્રો આવે. મહારાજ અહીં બેઠા છે. તો કથા મનન તો મહારાજનું જ કરાવે છે કે નહિ? એટલે તૃપ્તિ નથી થતી. મહારાજ જ્યારે પોતાની કૃપા વરસાવીને પોતાનામય બનાવી દે, ત્યાર પછી કથા-વાર્તા એ સાધનની જરૂર રહેવા દેતા નથી. ભગવાન કહે છે, કે સાધન પૂરા થઈ ગયા. હવે તું મોકળો, બોલો. પછી તો સુખ જ ભોગવવાનું. કોઈ મહેનત કે કાંઈ ન રહેવા દીધું?
મહારાજ કહે છે, જ્યાં સુધી અમને ન પમાય, ત્યાં સુધી સાધન કરવા જ પડે. પ્રસન્નતારૂપ સાધન કરવા પડે. ન કરે તો ઉપાસના કેવી રીતે થાય? કથા ન કરે તો મનન કેવી રીતે થાય? જગતના ઘાટ થવા માંડે. માટે મહારાજે બધાને કથામાં રસતરબોળ રહેવા માટે પોતાનું નિમિત્ત કર્યું, કે અમને કથા સાંભળવામાં તૃપ્તિ થતી નથી. આપણને પણ ન થવી જોઈએ. પછી પોતાને એમ લાગે છે કે કાંટો બરાબર નીકળી ગયો તો કથા-વાર્તા-પૂજા-પાઠ એ પ્રસન્નતાના સાધન એ બધા સોયને ઠેકાણે છે એ સોયથી કાંટો કાઢી નાખ્યો અને સુખિયા કર્યા પછી એ જ આપણને છોડી જાય છે. બધા સાધન આપણી રજા લે છે. એ સેવકરૂપ બને છે. સાધન બધા સેવક છે. આપણને પહોંચાડીને પછી આપણી રજા લે છે કે હે મહારાજ, હવે તમારી રજા લઈએ છીએ. હવે તમે મોટા થયા. હવે મહારાજની મૂર્તિમાં કિલ્લોલ કરો.
આ ધ્યાનની લટક બાપાશ્રીએ શીખવી છે. મહારાજે પણ શીખવી હતી, પણ એ વખતે આવું જ્ઞાન પચાવી શકે એવા થોડા હતા. એ વખતે પાત્રતાના અભાવે ભગવાનને સર્વોપરી સમજવામાં આનાકાની કરતા હતા. એકવાર તો મહારાજે મૂંઝવણ દેખાડી. પુરુષોત્તમનારાયણને તો શું મૂંઝવણ હોય? શું દેખાડે છે ખબર છે? કેટલાક સંતો જુદા- જુદા ધામમાંથી આવ્યા હોય એણે ભગવાનને વિશે જે ભાવ કર્યો હોય એ રૂપે દેખે. એથી આગળ ન વધે. ગોપાળાનંદ સ્વામી જેવાને ખૂણિયું જ્ઞાન કહેતા હતાને! મહાન સંતો જેમ છે એમ સમજાવે એટલે આડા ચાલે. પ્રતિબંધ કરાવે કે એવું નહિ બોલવાનું. મહારાજે એકવાર મૂંઝાઈને શું દેખાડ્યું? એક મરણ ખાટલી તૈયાર કરાવી. એ જૂનાગઢમાં પડી છે. મહારાજે મરણ ખાટલી રાખી. પછી જે - જે સંતો આડા આવતા હતા, મહારાજનું સર્વોપરીપણું જેમને નહોતું સમજાતું તો મહારાજ કહે આને હવે પરાણે મારા સુખમાં મૂકું ત્યારે પાર આવશે. ત્યાં સુધી પાર નહિ આવે. મહારાજ કહે, "આ ખાટલી તૈયાર કરી છે એ ખાટલીમાં સૂવે એ ભગવાનના ધામમાં જાય." પછી પેલા સંતો કહે, "મહારાજ, એવું થોડું હોય? આજે સાજો-સારો હોય ને ધામમાં કેવી રીતે જાય? તમે ય શું સાવ ગાંડા જેવી વાત કરો છો?" મહારાજ કહે, "કરો અખતરો ત્યારે. સૂઈ જુઓ. પોઢાડો." પુરુષોત્તમનું સ્વરૂપ સમજવામાં જે આડા આવતા હતા એ સંતો માટે આ પ્રકરણ હતું. સંતો કહે, "મહારાજ, પોતે કહે છે તો ચાલો જોઈએ કે શું કરે છે?"
એક જણ કહે, "મહારાજ, હું સુઉં છું" મહારાજ કહે, "બિરાજો." એટલે પોઢ્યા. પોઢ્યા એવા જ ધામમાં તો પેલો કહે આ તો ધામમાં ચાલ્યો ગયો! આમ-તેમ જુએ. મહારાજ કહે, "એ તો ગયા ધામમાં. અમારા સુખમાં આવી ગયા. હવે શું જો-જો કરો છો?" પછી એક જણ કહે, "મહારાજ! એને તો એવો રોગ હતો." મહારાજ કહે, "તમે અખતરો કરી જુઓ." તો એને પણ ધામમાં મોકલી દીધા. એમનો અગ્નિસંસ્કાર કરીને આવ્યા ત્યાં વળી બીજાને વિચાર આવ્યો કે મહારાજ મને ધામમાં મોકલો તો ખરા. સજાગ થઈને કીધું હોં! કે કેવો ધામમાં મોકલો છો જોઉં તો ખરો? મહારાજે એક મિનિટમાં મેલી દીધા. એય નીકળી ગયા ધામમાં. એમ એક પછી એક એકસઠ જણા હતા તે બધા ધામમાં ગયા. તેઓ દેહાભિમાન, અહંકાર છોડે નહિ, મમત્ત્વ છોડે નહિ એટલે એમ કરતાં - કરતાં એક જ વળીએ મહારાજે એકસઠ જેટલા સંતોને પોતાના ધામમાં મૂકી દીધા. બીજા ધામમાંથી આવેલાને પોતાના સુખમાં મૂકી દીધા. કારણ કે પુરુષોત્તમનારાયણ ખાટલી તૈયાર કરે પછી ક્યાં મૂકે? હવે કોઈ પુરુષોત્તમના સ્વરૂપની ઉપાસના ને જ્ઞાનમાં આડું આવે એવું રહ્યું નહિ. મહારાજને એવી મૂંઝવણ થઈ ગઈ એટલે આવું ચરિત્ર કર્યું. ત્યારે આપણા માટે ભગવાનને એવું ચરિત્ર કરવું ન પડે એવું કરવાનું.
સારાંશ
ભગવાન તેમના અનાદિમુક્ત દ્વારા આશીર્વાદ આપે છે. આપણે સદાય એ આશીર્વાદમાં બેઠા છીએ એવું અનુસંધાન રાખવું. અનાદિમુક્ત દ્વારા ભગવાન પોતાની સામર્થી જણાવે છે. અનાદિમુક્તને સંભારવાથી વિક્ષેપો હટી જાય છે. માટે ધ્યાન કરતા પહેલાં બે-ત્રણ મિનિટ તેમને સંભારવા ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન ન થાય; તેમના અનાદિમુક્તનું પણ નહિ.
સમગ્ર મૂર્તિ ન દેખાય ત્યાં સુધી સાધન દશા છે. ધ્યાનમાં પ્રથમ સન્મુખ ધ્યાન કરવું. તેની દૃઢતા થયા પછી દેહ ભૂલીને મૂર્તિરૂપ થઈ મૂર્તિને જોવી એમ ઓત-પ્રોત થઈ જવાય ત્યારે ભગવાનનો સાક્ષાત્કાર થાય. અનાદિમુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રતિલોમ ધ્યાન આવશ્યક છે. સન્મુખ ધ્યાન કરવાથી પરમ એકાંતિકની સ્થિતિ પ્રાપ્ત થાય છે. અનાદિમુક્તના સુખ આગળ પરમ એકાંતિકનું સુખ કાંઈ ગણતરીમાં નથી. સ્થિતિ પ્રાપ્ત કરવા કથા-વાર્તા-ભજન જેવા સાધનો કરવા પડે. અને સ્થિતિ થતાં સાધનોનો ત્યાગ કરવો.