15
જેમ આરસીમાં આપણું પ્રતિબિંબ દેખાય એમ ભગવાનના અનાદિમુકતોને દરેકે દરેકનું અંતર જો જાણવાને ઇચ્છે તો એવું ને એવું દેખાય. આપણે આ ઘડીએ જે વિચારવાના છીએ અને બીજી ઘડીએ જે વિચારવાના છીએ એય એના જાણ્યામાં ભગવાનના પ્રતાપે આવે છે.
પરંતુ ભગવાનના મુકતો કોઈ દિવસ અંતર્યામીપણું ઇચ્છતા જ નથી. મુકતો તો મહારાજને એમ કહે છે કે હે મહાપ્રભુ! આપ તો કૃપાસાગર, દયાસાગર છો. દયા કરીને તમારું અંતર્યામીપણું ન આપશો. અંતર્યામીપણું મહારાજની મૂર્તિના સુખમાં વિક્ષેપ કરે છે. જો મહારાજ નિરાવરણ દૃષ્ટિ આપી દે તો બધું જોયા જ કરે મૂર્તિ સિવાય. બધા લોક દેખાવા માંડે. એ તો ધાંધલ ધમાલ થઈ એને. જુદા જુદા ધામો અને ન જોવાનું હોય એય દેખાય. નિરાવરણ કોને કહે? કોઈનું અંતર સરખું ન હોય એવુંય દેખાય. તો આવું બધું જ જો દેખાય તો શી દશા થાય? એટલે મહારાજ પાસે કોઈ દિવસ અંતર્યામીપણું માગવું નહિ.
મૂર્તિમાં રહીને માનસી પૂજા કેમ થાય? મહારાજને નવડાવવા, ધોવડાવવા, થાળ જમાડવો આ બધું મૂર્તિમાં રહીને કેવી રીતે થઈ શકે? એનો ઉત્તર એમ છે કે આપણો ચૈતન્ય બહાર રહીને ક્રિયા કરે છે? ના. એ તો આપણા દેહમાં રહીને ક્રિયા કરે છે. તો આપણે જ્યારે મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ, ત્યારે દેહમાં નથી એ ભાવ ખૂબ દૃઢ કરવો પહેલાં. એકદમ ધ્યાન કરવા નહિ લાગી જવાનું. એવો ભાવ દૃઢ કરવો કે આપણી જાતને થોડીવાર ભૂલી જઈએ. કે હું પુરુષોત્તમરૂપ છું, મારું સ્વરૂપ સ્વામિનારાયણ ભગવાન જેવું જ છે, પણ હું સેવક છું. એ સ્વરૂપની ભાવના કરીને જેમ દેહમાં જીવ રહે છે, તેમ આપણે મૂર્તિની અંદર રહીને મહારાજને બધી ક્રિયા કરાવી શકીએ. ક્રિયા જરૂરી ખરી? હા, જરૂરી ખરી. શરૂઆતમાં મૂર્તિને દૃઢ કરવાને માટે, દેહથી અલગ પડવા માટે માનસીપૂજા સિવાય બીજો કોઈ સારો વિકલ્પ નથી. પાંચવારની માનસીપૂજા કરવી જ. એ માનસીપૂજા કરતાં કરતાં મહારાજની મૂર્તિમાં વૃત્તિ ખેંચાતી જાય છે. જેમ તરવાની કળા શીખીએ, સાયકલ શીખીએ ત્યારે શરૂઆતમાં કેવું થાય છે? પણ એકવાર સાયકલ આવડી જાય કે મોટર-સાયકલ આવડી જાય પછી કંઈ ધ્યાન રાખવું પડતું નથી. એમ માનસીપૂજા કરતાં કરતાં એ મૂર્તિમાં સળંગ સ્થિરતા આવી જાય ત્યાર પછી એ મૂર્તિ દેખાવા લાગે અને પછી જે ક્રિયારૂપ માનસીપૂજા છે એ બંધ થતી જાય. પછી ભગવાનના અનાદિમુક્તો આમ બેસીને ધ્યાન કરે એ બીજાને શીખવવા માટે. મૂર્તિમાં સળંગ સ્થિરતા આવી જાય પછી કોઈ ક્રિયા કરવાની રહેતી નથી. પૂજા, પાઠ, ભગવાનને જમાડવા એવી બધી ક્રિયા સમાપ્ત થઈ જાય છે.
પણ એ કેવી રીતે થાય? તો માનસીપૂજા કરતાં કરતાં. એ માનસીપૂજા મહારાજની મૂર્તિમાં રહીને કરવાની. બહાર કરીએ તો મહારાજે ય દેખાય ને કોઈકવાર બીજો વિચાર પણ આવે. પણ જો આ પ્રયોગ કરીએ ત્યારે પહેલાં દેહથી ભૂલવાનું. હું દેહથી અલગ છું હું દેહમાં નથી ને આ દેહ મારો નથી. મને તો મહારાજની મૂર્તિમાં મુક્ત કરીને રાખ્યો છે. આમાં બે અર્થ રહેલા છેઃ એક શ્રીજીમહારાજનું વ્યક્તિત્વ અને બીજું ચૈતન્ય કેવો બનાવ્યો એ વ્યક્તિત્વ. મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો એનું આપણને મનન થાય. મહારાજે એવા આશીર્વાદ આપ્યા છે કે મારો ચૈતન્ય મુક્ત થઈ ગયો અને મૂર્તિમાં છે. તે ભાવના કરવી. તે ભાવના કરતાં કરતાં થોડીવાર દૃઢ થાય એટલે માનસીપૂજા શરૂ કરવી. પછી મહારાજને નવડાવો, ધોવડાવો, જે કરવું હોય એ અંદર રહીને કરો. આ ક્રિયાઓ આપણે અંદર રહીને કરીએ છીએ એવો ય ભાવ થાય. અને બીજો ભાવ એ થાય કે મહારાજ બધી ક્રિયા કરે છે ને આપણે નિહાળીએ છીએ, દર્શન કરીએ છીએ. એમ બે વસ્તુ ચાલે. એમ કરતાં કરતાં સળંગ મૂર્તિ દૃઢ થઈ જાય. પછી આખો ચૈતન્ય છે એ નેત્ર તરીકે કામ કરે. રોમે રોમ નેત્ર, રોમે રોમ કર્ણ, રોમે રોમ નાસિકા. આનું નામ અલૌકિકતા. જે અનુભવ્યે જ ખબર પડે. તે આમ વિચારથી થોડોક ખ્યાલ આવે, પણ કઈ રીતે એ દેહભાવ જુદો થઈ અને મહારાજ સાથે જોડાઈને કિલ્લોલ કરે છે એ તો અનુભવ્યે જ ખબર પડે.
બાપા એમ કહે છે કે જેમ ઘડામાં ઘી થીજી જાય એમ મુક્તો મૂર્તિના સુખમાં થીજી જાય. બીજીવાર એમ કહે છે કે માછલા જેમ રમે અને કિલ્લોલ કરે એમ મૂર્તિમાં મુક્ત કિલ્લોલ કરે છે. મૂર્તિમાંથી નવા નવા સુખની ધારા છૂટે છે અને અનંત મુકતો ભેળા રહી એ સુખ ભોગવે છે અને કોણ કેટલું સુખ ભોગવે છે એ પણ કેટલીકવાર એમની ઇચ્છાથી ખબર પડે છે. પણ ત્યાં કોઈ ઈર્ષ્યા-દ્વેષ થતાં નથી. બધાને સરખું સુખ. અનુભવ સરખો અને સુખ ભોગવવાની ગતિ અલગ અલગ. અને એનો અંત ન આવે. જો અંત આવી જાય તો એ અપાર ક્યાંથી? માટે એ તો અનાદિકાળ સુધી આપણે સુખ ભોગવ્યા જ કરીએ એવું લાગે. હવે એ સુખમાં આપણને રાખી દીધા.
સારાંશ
અનાદિમુક્ત ધારે તો બધું જોવા સમર્થ છે. ભૂત-વર્તમાન-ભવિષ્ય બધું જ. સાધનદશાવાળાએ મહારાજ પાસે અંતર્યામીપણું ન માંગવું. મૂર્તિ દૃઢ કરવા, દેહથી અલગ પડવા માનસીપૂજાની આવશ્યકતા છે. માનસીપૂજા કરતા પહેલા દેહભાવરહિત થવું પછી પૂજા કરવી. મૂર્તિમાં સળંગવૃત્તિ રહે પછી ક્રિયારૂપ સાધનોની આવશ્યકતા રહેતી નથી.
અનાદિમુક્ત અનંતકાળ સુધી મહારાજનું સુખ ભોગવે છે તેનો પાર પામતા નથી. મહારાજની ઇચ્છાથી કોણ કેટલું સુખ ભોગવે છે તે પણ તેમને ખ્યાલ આવે છે.