3
ગઈ કાલે હું અહીંથી પસાર થતો હતો ત્યાં એક સ્વયંસેવકભાઈ ઊભા હતા. એમને મેં પૂછ્યું કે તમે આટલા બધા આનંદમાં કેમ છો? તો કહે આ મહોત્સવનો આનંદ આવે છે. મેં કહ્યું કેમ તમને આવો આનંદ આવે છે? એનું શું કારણ? એ કહે શી ખબર કેમ આ મહોત્સવમાં દિવ્યતા ભરી ન હોય! અને એ દિવ્યતા એવી છે કે મને મહારાજની મૂર્તિ સાંભર્યા કરે છે! વિચારીએ! કે જો એ ભાઈએ જેવું હતું તેવું એણે કહ્યું. તો જેના મહોત્સવથી આટલું બધું થતું હોય, તો એ પ્રત્યક્ષ બિરાજતા હશે ત્યારે કેટલી ભવ્ય દિવ્યતા મનુષ્યો અનુભવતા હશે! વિચાર કરીએ! પછી બીજા હરિભક્ત એક હતા. પ્રતિષ્ઠિત. એ મળ્યા. કેમ છો? મજામાં છો? તો કહે હા, મજામાં છું. આ મહોત્સવ તમને કેવો લાગ્યો? તો કહે મને તો ખૂબ ગમ્યો. કેમ ગમ્યો? શું કારણ? આ બધી વસ્તુઓ નવીન-નવીન દેખાય છે એટલા માટે ગમ્યો? તો કહે, ના રે ના. આવી વસ્તુઓથી હું અંજાયો નથી, પણ આ મહોત્સવમાં આવ્યા પછી મારા ઘાટ-સંકલ્પો બંધ થઈ ગયા! અને હું ઘાટ-સંકલ્પ કરું છું તો ય થતા નથી ને બધી શીતળતા જ લાગે છે, ઠંડક જ લાગે છે! મેં કહ્યું આનું શું કારણ તમને લાગે છે? તો કહે અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીનો આ પ્રાગટ્ય મહોત્સવ છે.
ત્યારે જુઓ કે કોઈ વ્યક્તિ આપણને ક્યારે ગમે? કે તે વ્યક્તિમાં દિવ્યતા ભરેલી હોય તો. કારણ તો હોયને? કોઈ વસ્તુ ગમે ન ગમે એનું કારણ હોય જ. બીજો એક યુવક હતો એને મેં પૂછ્યું કે તમને મહોત્સવ કેવો લાગ્યો? તો કહે અરે! આ મહોત્સવ તો શ્રીહરિની મૂર્તિમાં જોડી દે તેવો લાગ્યો. ત્યારે વિચાર કર્યો કે શાબાશ દોસ્ત! જે શ્રીહરિની મૂર્તિમાં જોડે તે જ ભાગવત સંત, તે જ મહારાજના અનાદિમુક્ત અને તે જ સૌને ગમે. કારણ કે મનુષ્યનું ઉચ્ચત્તમ ધ્યેય ભગવાનની પ્રાપ્તિ -પરમપદની પ્રાપ્તિ છે. માટે અબજીબાપા આપણને ગમે છે એનું કારણ - સર્વોપરી ભગવાને તેમને જે માટે મોકલ્યા હતા તે કામ તેમણે કર્યું. તેમણે શા માટે બાપાશ્રીને મોકલ્યા? શ્રીહરિની મૂર્તિમાં જોડવા. મહારાજની મૂર્તિમાં જોડવું હોય તો ભગવાન કેવા છે એનું માહાત્મ્ય કહેવું જોઈએ. એમણે એ માહાત્મ્ય કહ્યું. એમને એમ લાગ્યું કે જો મારે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં જોડવું હોય, તો ભગવાન સ્વામિનારાયણ કેવા છે એ કહેવું પડે. જો સર્વોપરી હોય તો કેમ સર્વોપરી છે - સર્વોપરી તો છે જ છતાં પણ -એ એને સમજાવવું પડે. મનુષ્યને સ્પષ્ટતા કરવા માટે. કારણ કે બધાની કક્ષા એક હોતી નથી.
ભગવાન સ્વામિનારાયણમાં જોડવું એ માત્ર એને અભિમુખ કરવું એ ય જોડવું કહેવાય અને એ મૂર્તિમાં રસબસ કરી સળંગ મૂર્તિમાં સુખ આવે એવું જોડવું એને પણ યોગ કહેવાય. તો બાપાશ્રીએ મૂર્તિમાં રસબસ જોડાવાની વાત શીખવી. તે છે અનાદિમુક્તની સ્થિતિ. અનાદિમુક્તની સ્થિતિ એટલે શું? બધા બાળકો સમજી શકે એવી રીતે બાપાએ વાત કરી છે. એ કહું કે પૂર્વજન્મની આપણને સ્મૃતિ છે ખરી? કશી જ નથી. આંહીં કોઈ એવા છે કે જેમને પૂર્વજન્મની સ્મૃતિ હોય? ત્યારે અનાદિમુક્ત કોને કહેવાય? અનાદિમુક્તની સ્થિતિ કોને કહેવાય? કે હું આમને આમ અખંડ છું; આવો હતો અને ભગવાનનું ભજન કરતાં કરતાં આવો થયો એમ નહિ; હું અખંડ પુરુષોત્તમરૂપ છું અને ભગવાનની મૂર્તિમાં -પ્રભુના સ્વરૂપમાં રસબસ રહેલો મુક્ત છું એવું અનુભવાય એનું નામ અનાદિમુક્તની સ્થિતિ.
આ અનાદિમુક્તની સ્થિતિ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીએ કહેવા માંડી હતી ત્યારે એનો વિરોધ બહુ જ ઊઠ્યો હતો. કારણ કે મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર દૃષ્ટિગોચર થયા તે પહેલાં રામ-કૃષ્ણાદિક મહાન અવતારો પણ થયા. આ મહાન અવતારોનું પ્રધાનપણું લોકોમાં વિશેષ હતું. રામ-કૃષ્ણાદિક અવતારોથી પર કોઈ વસ્તુ છે એ સમજાવવું હોય તો એની વિચારસરણી બદલવી પડે. એ વિચારસરણી બદલવાને માટે શું કરવું જોઈએ? એમણે પોતાનો દિવ્ય પ્રભાવ તો વાપર્યો. ઉપરાંત સમાધિ-પ્રકરણ વગેરે અનેક પ્રકરણો પણ પોતે અપનાવ્યા છતાં પણ એમણે એમ કહ્યું કે પરચા-ચમત્કારથી જો કોઈ અંજાઈ જાય તો એ સાચો ભક્ત ન બને, પણ એના હૈયામાં જો ભગવાનની મૂર્તિ કોઈ સંત કે ભગવાન- પ્રગટ ભગવાન પધરાવે તો જ સમજાય. એમણે પોતાનું સર્વોપરી સ્વરૂપ સમજાવવાને માટે પોતે પોતાની અગાધ કૃપા વાપરી. એ કૃપાને લીધે લોકો અંજાઈ ગયા. જોબન પગી જેવા મોટા મોટા લૂંટારાઓએ પણ પોતાનો લૂંટફાટનો ધંધો તથા હિંસામાર્ગ છોડીને હાથમાં અહિંસાની માળા પકડી લીધી! એ ભગવાન સ્વામિનારાયણ! એ કંઈ ઓછો દિવ્ય પ્રભાવ? અનાદિમુક્તની સ્થિતિમાં તો દરેકે પહોંચવાનું છે. ત્યાં સુધી અધૂરું છે. માનવજીવનનું ધ્યેય ત્યાં પહોંચે જ છૂટકો છે, ભલે એક કરતાં વધુ જન્મ લેવા પડે. આ મહોત્સવમાં એ અનાદિમુક્તની સ્થિતિના મને દર્શન થાય છે. શા માટે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના અનાદિમુક્ત દ્વારા સૌને મૂર્તિમાં રાખવાનો કૉલ આપ્યો.
મૂર્તિમાં કોણ રાખી શકે? એક ભગવાન સ્વામિનારાયણ. હવે એ પાત્રતા ન હોય ને મૂર્તિમાં રાખવું એ કંઈ સહેલી વાત છે? આખો જન્મ સુધારી દે એનું નામ કૃપાસાધ્ય ભગવાન અને એના કૃપાસાધ્ય અનાદિમુક્તો. ભગવાન આ ઉચ્ચત્તમ કલ્યાણકારી કાર્ય કરવા માટે પોતાના ઉચ્ચત્તમ સ્થિતિને પામેલા અનાદિમુક્તો દ્વારા કામ કરવાનું પસંદ કરે છે. અહીં કહેવામાં આવ્યું હતું કે ભગવાન કોને ત્યાં જન્મ ધરે છે? કયા માતા-પિતા પસંદ કરે? કે જે માતા-પિતા દરેક રીતે નિર્મળ બન્યા હોય; પ્રભુભક્તિમાં પરાયણ હોય; યમ-નિયમ-ધર્મનું કડક રીતે પાલન કરતા હોય; જેનું અંતઃકરણ અને મન તદ્દન શુદ્ધ હોય અને જેના હૃદયમાં કોઈ કપટ ના હોય, એવા માતા-પિતા ભગવાન પસંદ કરે છે. અનાદિ મુક્તરાજ અબજીબાપાએ તો કૃપા જ વાપરી. ને કૃપાસાધ્ય કોને કહેવાય? કે કાંઈ કરવું પડે નહિ. પૂર્વે શાસ્ત્રોમાં લખાણ છે કે સેંકડો-હજારો વર્ષ સુધી તપ કરીને રાફડા થઈ ગયા તો ય ભગવાનના દર્શન થયા નહિ. એ શું બતાવે છે? કે સાધનમાત્ર કાંઈ કામ આવે નહિ. મૂર્તિ વગર -ભગવાનના સ્વરૂપ વિના- સાધન બધા વ્યર્થ છે. સાધન તો કરવા પડે, પણ મૂર્તિ વિના કરેલાં સાધન બધા નિષ્ફળ નીવડે છે. મહારાજે એમ કહ્યું કે જો મારા પરમપદની સ્થિતિ- અનાદિમુક્તની સ્થિતિને પામવું હોય, તો એટલું બધું કઠણ છે કે એના જેવી કોઈ કઠિન વસ્તુ નથી. ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખવી એનાથી કોઈ કઠિન સાધન નથી. જો કઠિનમાં કઠિન સાધન એ હોય, તો એ કામ થઈ શકે થોડાથી. તો ભગવાનને કોણ પામે? માટે ભગવાને જોયું કે હું જો કૃપા નહિ વાપરું તો આ જીવો મને નહિ પામે. ત્યારે એમણે કૃપારૂપી સાધનનો ઉપયોગ કર્યો અને કહી દીધું કે જાવ તમને અમારી મૂર્તિમાં રાખ્યા!
ભગવાનને સન્મુખ અંર્તદૃષ્ટિએ જોવું એ પણ મૂર્તિમાં પ્રવેશ છે, સ્વામિનારાયણ ભગવાનનું સતત સ્મરણ કરી અને ચિંતન કરવું અને મૂર્તિ યાદ કરવી એ પણ મૂર્તિમાં પ્રવેશ છે. ભગવાન સ્વામિનારાયણના સન્મુખ રહી અને એમનું પરમએકાંતિક મુક્ત તરીકે સુખ લેવું એ પણ મૂર્તિમાં પ્રવેશ છે. પરંતુ છેવટનો સર્વોત્તમ પ્રવેશ તો છે અનાદિમુક્ત થવું તે. ભગવાનના સ્વરૂપમાં સળંગ રસબસ મૂર્તિમાં રસબસ થઈ રહેવું તે. તેમાં બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે... (ભગવાનની મૂર્તિમાં અતિશય ખેંચાઈ જવાને કારણે પૂ. શ્રી નારાયણભાઈને કડી યાદ આવતી ન હોવાથી શ્રી જીતુભાઈ યાદ અપાવે છે 'રસબસ હોઈ રહી') 'રસબસ હોઈ રહી રસિયા સંગ જ્યું મિસરી પય માહીં ભળી.' ભગવાનની મૂર્તિ તરફ જ્યારે ખેંચાણ થઈ જાય અને બાહ્યવૃત્તિ તૂટી જાય ત્યારે link પણ તૂટી જતી હોય છે; એમ મારે link તૂટી જાય છે. ત્યારે 'જ્યું મીસરી પય માહીં ભળી' એટલે દૂધમાં સાકર ભળે તો એ સાકર દૂધથી જુદી પડે ખરી? નહિ પડે. તો મહારાજ એમ કહે છે આ જ અનાદિમુક્તની સ્થિતિ. રસબસ. ત્યાં કોઈ સેવા કરવાની નથી, ત્યાં કોઈ પૂજાપાઠ નથી, ત્યાં કોઈ ધ્યાન કરવાનું નથી છેલ્લી સ્થિતિમાં. ત્યારે ત્યાં કરવાનું શું? અરે! મહારાજની મૂર્તિનું સુખ ભોગવવાની મહાન પ્રવૃત્તિ કરવાની.
પ્રવૃત્તિ તો ચાલ્યા જ કરે છે. અનંતકાળથી આપણે કરતા આવ્યા છીએ ને ખૂટતી નથી અને ત્યાર પછી જેવી નિવૃત્તિ રહે ત્યારે ઘરમાં બેસી રહેવું ના ગમે. કારણ કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવાની નાનપણથી ટેવ પડી નથી કે અભ્યાસ થયો નથી. જો એ અભ્યાસ થયો હોત તો નિવૃત્ત થાય ત્યારે ભગવાનના સ્વરૂપમાં પડ્યા રહેવારૂપ પ્રવૃત્તિ સિવાય કંઈ ગમે ખરું? ત્યારે બાપાશ્રીએ એમ કહ્યું કે જો તમારે અનાદિમુક્તની સ્થિતિ -એ ભગવાનના દિવ્ય સુખને પામવાની સ્થિતિ- કરવી હોય, તો તમારે બાળ-અવસ્થામાંથી વૃદ્ધાવસ્થામાં જવું પડશે. અને બાળ-અવસ્થામાંથી ઠેક દઈને વૃદ્ધાવસ્થામાં ક્યારે પહોંચાય? એ ભગવાનને પામેલા મુક્ત હોય એનો જોગ મળ્યો હોય, એનો સમાગમ મળ્યો હોય અને એના થકી આ ભગવાનનું જ્ઞાન સમજાયું હોય ત્યારે એ સ્થિતિને પમાય.
ત્યારે જુઓ તો ખરા! એક એકાંતિક ભક્ત થવું કેટલું અઘરું છે! તે વચનામૃતમાં કહ્યું છે કે ભગવાન સિવાય ક્યાંય વાસના ન રહે અને બ્રહ્મરૂપે કરીને ભગવાનના સ્વરૂપનું ભજન કરતો હોય તેનામાં એકાંતિકપણું આવે. ત્યારે આપણને અહીં બેઠા બેઠા પણ અનેક જાતની વાસનાઓ રહી જતી હોય છેઃ જોવાની, કરવાની, મૂર્તિ સિવાય જોવાની, આ મહોત્સવ જોવાની, બધા મહોત્સવ માણે છે એ જોવાની. અહીંયા કેટલી બધી સરસ-સાત્ત્વિક ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરાવે એવી વસ્તુ જોવાની છે! તે જોવાની, પણ મૂર્તિ રાખીને. મહારાજ કહે આ મહોત્સવની ફળશ્રુતિ તે અમારી મૂર્તિનું અનુસંધાન. એનું નામ મહોત્સવ માણ્યો કહેવાય. આંહીં આવી અને બાપાશ્રી એમ કહે છે કે આ મહોત્સવની દિવ્યતા જે શ્રીહરિમાં જોડે છે એ હૈયામાં ઊતારીને જશો તો આ મહોત્સવની ફળશ્રુતિ છે. ત્યારે એકાંતિક ભક્ત થવું, વાસના ટાળવી સહેલી છે? કેટલા પ્રકારની ઇચ્છાઓ! એક પ્રકારની ઇચ્છા છોડવા માટે પણ નવ નેજા પાણી ઊતરે છે. ભગવાન સ્વામિનારાયણે અનંત જન્મના કર્મ બાળી નાંખ્યા તેવો પ્રતાપ બતાવ્યો. અરે! બાપાશ્રી પાસે બેસતા એના પણ ઘાટ-સંકલ્પ બંધ થઈ જતા! અત્યારની વર્તમાન સ્થિતિની વાત કરું કે થોડા વખત પહેલાં ખંભાતના બે શેઠ મુક્તરાજ શંકરભાઈ અને મુક્તરાજ બાલુભાઈ એ સત્સંગમાં ખૂબ સુવિખ્યાત છે. તેઓને બાપાશ્રીની ઓળખાણ જ્યારે થઈ, જ્યારે એમણે પુસ્તકો વાંચ્યા, ત્યારે એમ થયું કે અત્યારે ખરો સત્સંગ થયો અને સત્સંગ ઓળખાયો. સત્સંગ કોનું નામ? સત્ કહેતા ભગવાન અને તેમના અનાદિમુક્તો એનો વાસ્તવિક સંગ થઈ જાય તેનું નામ સત્સંગ. મૂર્તિ સાથે સીધું જોડાણ થાય એટલે ભગવાન અને ભક્ત વચ્ચે તદ્દન ઢૂંકડું થઈ જાય, જરા પણ અંતર રહે નહિ. ત્યારે અંતર કોને ન રહે? અનાદિમુક્તને અંતર રહેતું નથી. પરમ એકાંતિક મુક્તને અંતર રહે છે. એ વડવાનળ અગ્નિ જેવા છે. એકાંતિક ભક્ત એ વિજળીના અગ્નિ જેવા છે કે જેમને માયારૂપી ગમે એટલો વરસાદ પડે, ગમે એવા ઉત્તમ માયારૂપી રજોગુણથી ભરેલા પદાર્થો એમની પાસે પડે તો પણ એ નિર્લેપ રહે; કારણ કે એને ભગવાન સિવાય બીજી વાસના જ નથી રહી. ત્યારે આમ ચપટી વગાડે એટલી વારમાં મૂર્તિના સુખમાં મૂકી દે એવા અનાદિમુક્તનો જોગ કરવો.
આજકાલ આધ્યાત્મિક વાતો, ઉચ્ચ વાતો કરનારનો તોટો નથી. દુનિયાનો one third થી વધારે ભાગ આવો છે કે જે કેવળ વાતો જ કરતા હોય. ત્યારે ભગવાન ને ભગવાનના અનાદિમુક્તો બોલે છે થોડું ને કામ ઝાઝું કરે છે. એનું નામ ભાગવત સંત. બોલે નહિ, કામ કરે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં યમ-નિયમ, ત્યાગ-વૈરાગ્ય અને ભગવાનની સ્મૃતિ અખંડ રાખનારા બિલકુલ ભણેલા નહિ એવા સંત હતા. એનું મંડળ બનાવ્યું અને મહારાજે કહ્યું કે જાવ અમને ઓળખાવો. અરે! મહારાજ! અમને કંઈ બોલતા આવડતું નથી. અમને કંઈ ખબર પડતી નથી તો આ બધાને અમે જઈને વાતો કઈ રીતે કરશું? મહારાજ કહે કે તમે આ યમ-નિયમ-ધર્મ શીખ્યા એ તો ખબર છેને? અમારી સ્મૃતિ રાખો છો એ તો ખબર છેને? અને તમે આવા સંત કેવી રીતે બન્યા એ તમને ખબર છે? સંતો કહે કે મહારાજ! તમે બનાવ્યા. મહારાજ કહે કે તો એમ કહેજો. પછી તમારે બોલવું નહિ પડે. તમારું વર્તન વાતો કરશે. તમે જઈને ઊભા રહેજો. કાંઈ બોલશો નહિ. જુઓ કે વર્તનનો ચમત્કાર કેવો છે! પછી બધા સંતો જાય. તેમને જોઈ બધા પ્રભાવિત થાય કે અહાહા! આવા સંત! બોલે નહિ! લોકો કહે કે સ્વામી, તમારે કંઈ જોઈએ? કંઈ રસોઈ જોઈએ? સંતો કહે કે અરે! અમારે તો ભગવાન સિવાય કાંઈ જોતું નથી. અમને ભગવાન પ્રગટ મળ્યા છે, અમે એનું ભજન કરીએ છીએ અને તમને પણ એ જ કહેવા આવ્યા છીએ કે એમને ઓળખો. લોકો કહે કે તે ભગવાન કોણ કે તમને આવા સંત બનાવી દીધા? સંતો કહે કે અરે! ભગવાન સ્વામિનારાયણ. તેઓ કહે કે લોકો આવી વાતો કરતા હતા પણ અમે માનતા નહોતા પણ અમે પ્રત્યક્ષ જોઈએ છીએ કે જેના આવા સંત છે અને જેણે આવા સંત તમને બનાવ્યા, એ ખરેખર જ પ્રભુ હોવા જોઈએ. ત્યારે જુઓ, વર્તન વાતો વધુ કરે. વાણી એટલી વાતો નથી કરતી.
હવે આ એકાંતિક કરતાં પરમ એકાંતિક વિશેષ છે. પરમ એકાંતિકની સ્થિતિ શું? કે સમુદ્રના કિનારે આપણે બેઠા હોઈએ, મન-વિચારો શાંત થઈ ગયા હોય, ખુશનુમા વાતાવરણ હોય અને સમુદ્ર ઉપરથી ઠંડી લહેર આપણા ઉપર પડે, આજુબાજુ બાગ-બગીચાની સુંદર હવા આવતી હોય તો કેવી મજા પડે? આનંદ પડેને? લોકો બાગ-બગીચામાં ફરવા જતા હોય છે અને સમુદ્ર જો નજીક હોય તો અહોહો! તો પરમ એકાંતિકની સ્થિતિ ભગવાન સ્વામિનારાયણની સન્મુખ રહીને સુખ ભોગવવાની છે. ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાંથી સુખની ધારાઓ નીકળે છે અને એ પરમ એકાંતિક મુક્તો ઉપર પડે છે. એ મુક્તોને પછી એ જ આહાર. જો અત્યારે આપણને આહાર કર્યા વગર ચાલતું હોય તો કોઈ કડાકૂટ કરે ખરું? ભૂખ જ નો લાગે તો સૌથી વધારે સારું, એના જેવું એકે ય નહિ. તો ત્યાં ભૂખ જ નથી લાગતી. ત્યાં માયિકભાવ નથી. ત્યાં તો નર્યો દિવ્ય ભાવ છે. અને પરમાત્માનું દિવ્ય સુખ ભોગવે છે. એ દિવ્ય વસ્તુ છે, એ કંઈ માયિક વસ્તુ નથી.
એક કોઠીમાં પાંચ મણ ઘઉં સમાતા હોય અને પછી બીજા પાંચ મણ સમાવવા હોય તો એ કોઠી સમાવી શકે ખરી? કેમ? એ પોલી ય ખરી. એમ પોલી હોય તો પણ વધુ ન સમાવી શકે. એમ માયિક વસ્તુઓ પોલી છે એના ગુણધર્મો જુદા છે. જ્યારે દિવ્ય વસ્તુના ગુણધર્મો માયિક વસ્તુથી તદ્દન જુદા છે. થોડુંક સમજણ માટે કહી શકાય કે વિદ્યુતશક્તિ, ઉષ્માશક્તિ, લોહચુંબકત્વશક્તિ, વીજશક્તિ, પ્રકાશશક્તિ આ બધી શક્તિઓ એકમેકમાં રહે છે. પરંતુ એક ટેબલ હોય અને એની અંદર બીજું એક ટેબલ રહી શકે? બાજુમાં જ મૂકવું પડે. દિવ્ય વસ્તુમાં એવું નથી. આ કાર્યશક્તિઓ એકમેકમાં રહે છે છતાં એમ કહી શકીએ કે આટલી વીજળી છે, આટલી ઉષ્મા છે, આટલી ચુંબકત્વશક્તિ છે? એવું બને? નહિ. એ શક્તિ એકમેક. એ તો થોડી દિશ બતાવવાનું છે. દિવ્ય વસ્તુનું વર્ણન કરવું શક્ય નથી. એ તો સ્વાનુભવનો વિષય છે. દિવ્ય વસ્તુને માનવી હોય તો એનો અનુભવ કર્યે જ છૂટકો છે. અને જે પુસ્તકમાંથી મેળવ્યું હોય તે ભૂલવું પડશે. જો એ નહિ ભૂલીએ તો ભગવાનની મૂર્તિ નહિ સાંભરે. પરોક્ષમાં પણ રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને કહ્યું કે તને બત્રીસ encyclopedia માંથી અગિયાર encyclopedia મોઢે છે. આટલું બધું તે અજ્ઞાન ભર્યું છે. હવે તને હું કેવી રીતે ભગવાનના દર્શન કરાવું? ત્યારે કહે કે તમે ભગવાન જોયા છે? મેં જોયા હોય તો જ તને કહું ને? તારે જોવા હોય તો હું કહું એમ કરવું પડશે. તેમ મહારાજ અને મહારાજના અનાદિમુક્તો કહે તેમ કરીએ તો ભગવાનનું સુખ મળે. પણ આપણી વાત પકડી રાખીએ, આપણો ઠરાવ મૂકીએ નહિ તો કોઈ દિવસ વાત બને ખરી? એ જ વિવેકાનંદને કહ્યું કે તું બધું ભૂલી જા. એને ભૂલતાંય એક વરસથી વધુ સમય લાગ્યો! ત્યારે માંડ માંડ બધું ભૂલી રહ્યા. ખબર ન રહી કે શું encyclopedia કે શું. ત્યારે એને એક આત્મસાક્ષાત્કારની ઝાંખી માત્ર કરાવી.
તો ભગવાન સ્વામિનારાયણે તો પાત્ર-અપાત્ર જોયા વગર કહી દીધું કે જાવ મૂર્તિમાં રાખ્યા છે! અમે હાથ પકડ્યો એ પણ મૂર્તિમાં પ્રવેશશે. ત્યારે આ મહોત્સવમાં છેલ્લા જન્મના આશીર્વાદ કોણ આપે છે? ભગવાન સ્વામિનારાયણ આપે છે. એમ એ આશીર્વાદ આપીને એમના અનાદિમુક્ત અબજીબાપાશ્રીનો મહોત્સવ આપણી પાસે આપણા સર્વ દ્વારા ઉજવાવે છે. જે કોઈ આવ્યા હોય, આ હવા ઊડીને આગળ જઈને જેના ઉપર પડશે તે બધાનો સર્વોત્તમ ઉદ્ધાર થશે એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે. ભગવાનથી શું અશક્ય? કોઈ શેઠને કરોડ રૂપિયા કોઈ ગરીબને આપી દેવામાં વાર લાગે? જરીયે ન લાગે. આ નાગજીભાઈ શેઠ બેઠા છે, નવીનભાઈ બેઠા છે, બીજા ધનાઢ્ય બેઠા છે. એમાંથી કોઈને ના પાડી શકે? ત્યારે ભગવાનની શક્તિ એવી છે.
મહારાજે આપણને સરળ આજ્ઞા આપી અને કહ્યું કે ભાઈ! પુરુષાર્થ કરવો પડેને એ તો જીવનનો એક ક્રમ છે. ફળ માત્ર બિલકુલ મહેનત કર્યા વગર મેળવી લેવું અને ખાવું એ તમને બરાબર લાગે છે? અરે! થોડુંક તો કરીએ. એ આપણે કરી ગયા. હવે આટલું કરવાથી જ મહારાજ તેડવા આવવાના આ હકીકત છે. અને એ વખતે તેડવા આવે પણ પાત્ર ન હોય પણ વરદાન આપી દીધું હોય પોતે જ ધણીએ કે હું તને મારા દિવ્ય સુખમાં રાખીશ, તો રાખવા પડેને? પોતાના દિવ્ય પ્રભાવથી એ સ્થૂળ દેહમાંથી છૂટા પડેલા ચૈતન્યના આવરણો એક દૃષ્ટિમાત્રે હટાવી દે છે. અને એ હટાવી અને એ નિરાકાર ચૈતન્યને સાકાર બનાવી પોતાની મૂર્તિમાં મૂકી દે છે. આ કોણ કરી શકે? એક સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ.
સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી એવું મને સ્વાનુભવથી લાગ્યું છે ને તમને પણ લાગ્યું હશે. જો એમ ના લાગ્યું હોય તો અહીં એકત્ર જ ન થયા હોય. અરે! અત્યારના આત્મદર્શનવાળા અરવિંદ ઘોષ અને રમણ મહર્ષિ જેવા કે જેને આત્મદર્શન થયું છે એ એના શિષ્યોને કહે છે કે તમને રામ અને કૃષ્ણના જો દિવ્ય દર્શન થાય તો ત્યાં અટકતા નહિ. Go forward- આગળ વધો. ભગવાન બુદ્ધને પણ નિર્વાણસ્થિતિ થઈ ત્યારે એણે દૃષ્ટિ કરીને જોયું કે હજી કંઈક આગળ છે તો એ મહાનિર્વાણને પામ્યા. મહાનિર્વાણમાં ગયા પછી પણ એને જણાયું. અને એમનો દેહ અદૃશ્ય થયો. હવે એ મહાનિર્વાણમાં રહીને આગળ વધે છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે રામ-કૃષ્ણાદિક અવતારો કરતાં બીજી ચાર ભૂમિકાઓ પર છે. ત્યારે એ કોણે બતાવ્યું? શ્રીજીમહારાજે બતાવ્યું. સર્વોપરી ઉપાસના કોને કહેવાય? ખરી ઉપાસના કોણ કરી શકે? જે ભગવાનને જેવા છે એવા જાણે તે. જેટલો મહિમા જાણે એટલી સામર્થી મળે એ તો હકીકત છે. આપણે જેટલી બુદ્ધિશક્તિથી કામ કરીએ એટલું વળતર મળે. બરાબર? તો ભગવાન સ્વામિનારાયણે પોતાની સાંસા-ગોટીલા કરવા જેવી આ સરળ આજ્ઞાઓ દીધી. યમ-નિયમ-ધર્મ તો કરવા જોઈએ નહિતર કેવી રીતે થઈ જાય? અને કહ્યું કે ઘાટ-સંકલ્પ કરીશ નહિ અને મારી મૂર્તિનું ધ્યાન ધરજે.
તો હવે આ મારો વિષય ધ્યાનની લટકનો છે તે હવે આવે છે. મને ભગવાનને પામેલા અનાદિમુક્તે એ ધ્યાનની લટક બરાબર શીખવી છે. મહારાજે કહ્યું કે જગતને વિષેની વાસના ટાળવી એ અતિ કઠણ સાધન છે અને મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એ તો કઠિનમાં કઠિન. સૌથી કઠિન છે. સંસારના બંધન થકી મુક્ત થઈને આ બધી વાસનાઓ દૂર કરીને ભગવાનને પામવું હોય તો એનો સર્વોત્તમ ઉપાય સ્વામિનારાયણ ભગવાને બતાવ્યો. કે જો ખરી શાંતિ, ખરું સુખ અને છતી દેહે તમારે એ સુખ ભોગવવું હોય- અંતે તો હું પૂરું કરી દેવાનો છું એ બિરૂદ છે મારું, પણ કોઈને એવી તાલાવેલી લાગે કે હું છતી દેહે જ ભગવાનના દર્શન કરી લઉં. ઇચ્છા ન રાખે અને પોતે કામ કરે. કારણ કે ઇચ્છા રાખે તો ભગવાન તો જાણે છેને કે ક્યારે એને દિવ્ય દર્શન આપવા- તો વાસના તોડવાનો એક જ માર્ગ મહારાજે બતાવ્યો. સર્વોત્તમ માર્ગ તે ધ્યાન. મહારાજે કહ્યું કે જે મારી મૂર્તિનું ધ્યાન કરે એના ઉપર હું કૃપા વરસાવું છું. પોતાને ઓળખે તો જ કૃપા વરસેને એના ઉપર? તો મહારાજે ધ્યાન કરવાનું કહ્યું.
સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ! મારા અંતરમાં શાંતિ નથી મળતી. શું કારણ? કારણ તો તમે સમજી શકો. મહારાજ કહે કે તમારા હૈયામાં મારી મૂર્તિ દેખાય છે? સ્વામી કહે કે ના પ્રભુ. મહારાજ કહે કે તો પછી શાંતિ કેવી રીતે થાય? સ્વામી કહે કે શાંતિનો ઉપાય બતાવો. મહારાજ કહે કે શાંતિનો ઉપાય ધ્યાન. ત્યારે મહારાજ પહેલાં શું કહે છે ખબર છે? પોતાના અનાદિમુક્ત જ્યાં રહેતા હોય તે નિવાસસ્થાન અને આજુબાજુની વસ્તુ પણ દિવ્ય થાય. તો એવું સચ્ચિદાનંદ સ્વામીના મિષે સમજાવી દીધું. સ્વામી કહે કે મહારાજ! તો તમારું ધ્યાન કરું તમે કહો એ રીતનું. મહારાજ કહે કે ના, મારું ધ્યાન કરવાની હમણાં જરૂર નથી. હું કહું ત્યારે કરજો મારું ધ્યાન. સ્વામી કહે કે તો અત્યારે હું શું કરું? હું શેનું ધ્યાન કરું? મહારાજ કહે કે તમે અગતરાઈ જાવ. ત્યાં અમારા મુક્ત પર્વતભાઈ છે. ત્યાં જઈ અને તેમના ઘરના નળિયાનું ધ્યાન કરજો. પહેલાં નળિયાને નીરખજો એમના નિવાસસ્થાનના અને એ નીરખી અને હૈયામાં એનું ધ્યાન કરજો એટલે શાંતિ થઈ જશે. સચ્ચિદાનંદ સ્વામીએ આપણા લોકો કેવું દોઢ-ડહાપણ કરે છે એ બતાવવા માટે પોતે કહે છે. તેમણે પોતે દોઢ-ડહાપણ કર્યું. એ પોતે દોઢડાહ્યા નહોતા એ તો મહારાજના અનાદિમુક્ત હતા, પણ પોતાને મિષે સમજાવી રહ્યા છે. અને ભગવાન એમનો દાખલો આપી અને જીવોને સમજાવે છે. તો સચ્ચિદાનંદ સ્વામીએ મહારાજને એમ કહ્યું કે મહારાજ! તમારી મૂર્તિ સિવાય તમારા અનાદિમુક્તનું ધ્યાન કરવાનું કહ્યું હોત તો ય ઠીક હતું. નળિયાનું ધ્યાન એ તો જડ વસ્તુ. તમે કંઈ બીજું ધ્યાન બતાવો. મહારાજ કહે કે ભલે અમારી મૂર્તિનું ધ્યાન કરો. પછી સ્વામીએ કેટલાય કલાક મૂર્તિનું ધ્યાન કર્યું, પણ અંતરમાં મૂર્તિ દેખાય નહિ. વળી મહારાજને એમ પૂછ્યું કે મહારાજ! શાંતિ થતી નથી. તમારું સ્વરૂપ જોયામાં આવતું નથી. મહારાજ કહે કે મેં તમને કહ્યું હતું કે ત્યાં જઈ નળિયાનું ધ્યાન કરો તો શાંતિ થાય ને અમારું સ્વરૂપ દેખાશે. તમે એ કર્યું નહિ તો એ કેવી રીતે થાય? મારું સ્વરૂપ જોવા માટે અંતરને નિર્મળ બનાવવું પડેને સ્વામી? તો એ અંતર નિર્મળ કોણ કરે? નિર્મળ વસ્તુ હોય તે કરે. પર્વતભાઈના નળિયા દિવ્ય અને નિર્મળ છે; ત્યાં જઈને ધ્યાન કરો. એ નળિયા અંતરના અશાંતિરૂપ આવરણને હટાવી મૂકશે. સ્વામી કહે કે અહોહો મહારાજ! ત્યારે તો હું એનો પ્રયોગ કરું.
અને સ્વામી તો એ જ વખતે ઉપડ્યા અગતરાઈ. ત્યારે પર્વતભાઈ સામા ચાલી આવે. તો પર્વતભાઈને જ પૂછ્યું કે આ ગામમાં પર્વતભાઈ ક્યાં રહે છે? પર્વતભાઈ કહે કે અરે! હું જ પર્વતભાઈ. કયા પર્વતભાઈ જોઈએ છે? સ્વામિનારાયણનાને? એક બીજા ય પર્વતભાઈ છે. સ્વામી કહે કે મારે તો સ્વામિનારાયણ ભગવાનના પર્વતભાઈ જોઈએ છે. પર્વતભાઈ કહે અરે! એ હું. સ્વામી કહે અરે! તમે? તો સ્વામી દંડવત્ કરવા માંડ્યા. પર્વતભાઈ કહે કે અરે! તમે તો ગુરુ છો, મને અપરાધમાં નાંખશો એમ કરી અને પર્વતભાઈએ દંડવત્ કર્યા સ્વામીને. અને હજી પણ સ્વામી ધ્યાન કરતા નથી હો! પછી પર્વતભાઈએ કહ્યું કે સ્વામી! ઘરે પધારો. ઘરે બેસાડ્યા. પર્વતભાઈ કહે કે મારા અહોભાગ્ય. આવા ગામડા ગામમાં આવા સંત ક્યાંથી પધારે? આપ મને મહારાજની વાતો કરો તો મને ખૂબ આનંદ આવશે, સ્વામી! આપનું આવવું - આપનું અહીં આગમન એ મારા માટે આશીર્વાદરૂપ નીવડશે અને તમને આનંદ થશે. સ્વામીને મહારાજની વાતો કરવાનું ખૂબ સારું અંગ તે મહારાજની ખૂબ જ વાતો કરી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અને નળિયાની વાત તો ભૂલી ગયા. વળી પાછા આવ્યા. મહારાજે પૂછ્યું કે સચ્ચિદાનંદ સ્વામી! હવે અમારી મૂર્તિ દેખાય છે? મહારાજ! હું તો નળિયાની વાત જ ભૂલી ગયો. મહારાજ કહે કે અરે! હીરો ઘોઘે જઈ આવ્યો! જાવ ફરીથી.
ફરીથી ઉપડ્યા અને જઈ પહેલાં પૃચ્છા કરી. પર્વતભાઈ એ વખતે લોટો લઈને બહાર જતા હતા એટલે ખ્યાલમાં નહિ આવ્યું. કોઈને કહ્યું કે પર્વતભાઈ ક્યાં? તો કહે આ જાય એ છે. લોટો લઈને એ. સ્વામીને એમ થયું કે શૌચ માટે એ જઈ રહ્યા છે તો હું અહીં જ બેસું. તો એ ભાગોળે બેઠા. પાછા આવે ત્યાં સુધી. આવ્યા. તો પર્વતભાઈ એકદમ દંડવત્ કરવા લાગ્યા અને બોલ્યા, અહોહો! મહારાજે ફરીથી મોકલ્યા? વાહ! વાહ! વાહ! એમ કરીને આંખમાં આંસુ આવવા લાગ્યા. સ્વામી કહે કે પર્વતભાઈ! તમે કહો છો એ બરાબર છે, પણ મારે મહારાજની આજ્ઞા પાળવી કે નહિ? પર્વતભાઈએ કહ્યું કે મહારાજે શું આજ્ઞા કરી? સ્વામી કહે કે મને અંતરમાં શાંતિ થતી નથી અને મહારાજનું સ્વરૂપ દેખાતું નથી તો મહારાજે કહ્યું કે અગતરાઈ જઈ અને પર્વતભાઈના નિવાસસ્થાનના નળિયાનું ધ્યાન કરશો એટલે શાંતિ થઈ જશે. તો હવે મારે તમને ઉપદેશ આપવો નથી, ભગવાનની વાતો કરવી નથી. મને તમારું નિવાસસ્થાન બતાવો. ત્યાં જઈ મને એ નળિયા બરાબર દેખાય, હું નળિયા નીરખી શકું એવી રીતે ઊભો રાખો. પર્વતભાઈ કહે પણ આવું ન કરાય. મહારાજે તમને મારી કસોટી કરવા આવું કહ્યું હશે. સ્વામીએ કહ્યું તમે ગમે તેમ કહો. જો મારું વચન માનવાના હો, મને રાજી કરવો હોય તો મને એવી જગ્યાએ ઊભો રાખો કે હું આ નળિયા જોઈ શકું. તો ઊંચો એક ઓટલો હતો એના ઉપર ઊભા રહીને સ્વામીએ જોયું. તો જેમ જેમ નળિયા નીરખતા જાય એમ અંતરમાં શાંતિ થતી જાય! એમ બધા નળિયા એક પછી એક નીરખવા લાગ્યા. તો અંતરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ અને મહારાજની મૂર્તિનું દર્શન થવા લાગ્યું. વાહ! પર્વતભાઈ વાહ! ધન્ય છે તમને ને ધન્ય છે તમારા આ નળિયાને! મેં ભગવાન સ્વામિનારાયણનું વચન ન માન્યું તો આટલો હેરાન થયો. જો પહેલેથી જ માન્યું હોત તો આ તરખટ ન રહેત. એમ આપણે ભગવાનના વચનો બરાબર માનવા.
(એક હરિભક્તને મહારાજ ધ્યાન કરતાં શીખવે છે.)
મહારાજ કહે છે કે મારી મૂર્તિનું ધ્યાન કરવું. મહારાજ ધ્યાન કરવાનું શીખવે છે કે જો ભાઈ! આ હું સામે બેઠો છું અને તું મને નીરખે છે. નખશિખા બરાબર નીરખી લે. અને પછી આંખો મીંચીને જો, હું બરાબર દેખાઉં છું કે નહિ? એકીટશે એણે લગભગ પાંચ-દશ મિનિટ જોઈને મહારાજની મૂર્તિનું નિરીક્ષણ કર્યું, ખૂબ નિહાળી. અને નિહાળ્યા પછી આંખો મીંચી તો અંદર કાંઈ દેખાય જ નહિ. મૂર્તિ જ ન દેખાય. તો મહારાજ કહે અમારી મૂર્તિ દેખાણી? તે કહે કે ના, મહારાજ નથી દેખાણી. મહારાજ કહે કે સારું. એમણે એમ કહ્યું કે જો ભાઈ, અનેક જન્મો થયા ત્યાં સુધી તમે બાહ્યવૃત્તિ કરી છે. ખાવું-પીવું, મજા કરવી અને દેહ પડે એટલે બીજો જન્મ ધરવો; એમ ભટકવાનું જ કામ કર્યું છે. તો એટલી બધી બાહ્યવૃત્તિ કાઢીને અમારી મૂર્તિનું સ્વરૂપ જોવું એ સહેલું નથી. ત્યારે એણે એમ કહ્યું કે મહારાજ! તમે તો શક્તિમાન છોને? હું તમારા શરણે આવ્યો અને તમે કહો એમ કરવું જોઈએ. મહારાજ કહે કે તો બરાબર. હું કહું એમ તો કરીશને? તે કહે કે હા. પછી મહારાજે પોતાની મૂર્તિનું સ્વરૂપ એને આપ્યું. હવે તું આ સ્વરૂપ રાખ. સવારે એ મૂર્તિ રાખી અને સામે નીરખ્યા કરવું. વળી આંખો મીંચી જોઈ લેવું. ન દેખાય તો મૂંઝાઈશ નહિ. કારણ કે તું ભગવાનનું સ્વરૂપ આંખો ઉઘાડીને તો ધ્યાન કરે છેને? આમ ધ્યાન કરવું એ ધ્યાન નથી? ધ્યાન જ છે. પણ સર્વોત્તમ સ્થિતિને પામવું હોય તો અંતર તરફ પ્રતિલોમ તો થવું પડેને?
નેપોલિયને આખું વિશ્વ જીતવાની તૈયારી ઘણી ખરી કરી નાખી. પણ મરતી વખતે એણે શું કહ્યું? કે મારું જીવન નિષ્ફળ ગયું. મેં બાહ્ય દુનિયા જીતી એ તો મામૂલી વસ્તુ છે. કોઈ પણ પ્રયત્ન કરે તો એ મેળવી શકે, પણ અંદરનું તો મેં કાંઈ ન મેળવ્યું. એમ કહી અને એણે દેહ છોડ્યો. જુઓ, ત્યારે એને અંદરની મહત્તા સમજાણી.
ભગવાને એને કહ્યું અને એણે લગભગ છ મહિના સુધી એમ કર્યું ત્યારે એને શાંતિ થઈ, પણ મહારાજની મૂર્તિ ન દેખાય. ત્યારે મહારાજને કહ્યું કે મહારાજ! મને મૂર્તિ નથી દેખાતી હજી, શું કરવું? મહારાજ કહે કે તું મને કેવો સમજે છે? તે કહે કે ભગવાન! હું તો આપને સર્વોપરી ભગવાન સમજું છું. મહારાજે કહ્યું કે તો મારું સ્વરૂપ તને દેખાય એ મને ખબર પડે કે નહિ? મેં કહ્યું એમ તું કર્યા કર. હું અંતર્યામી ખરો કે નહિ? મહારાજ! તો કેમ પૂછે છે? કંટાળ્યા વગર તું ધ્યાન કર્યા કર. તો એણે સન્મુખ મૂર્તિનું ધ્યાન કર્યા કર્યું. તો આંખો મીંચી તો ભગવાન સ્વામિનારાયણ સન્મુખ દેખાણા! હા હો! જે બિલકુલ નહોતા દેખાતા. આંખ મીંચેને અંધકાર જ લાગે. અને હવે મહારાજની મૂર્તિ દેખાણી! વળી પાછી એ ઝાંખી થઈ જાય. એકદમ બંધ થઈ જાય દેખાતું. વળી આંખ ઉઘાડે અને મહારાજની મૂર્તિ નખશિખા દેખે. તો એક અંગ સરખું દેખાય, એક અંગ સરખું ન દેખાય આવું બધું થાય. તો એણે બ્રહ્માનંદ સ્વામી જેવા અનાદિમુક્તને પકડ્યા. સ્વામીને કહે કે મારે ધ્યાનમાં આવું થાય છે. શું કરવું? એક અંગ સરખું દેખાય, એક અંગ સરખું ન દેખાય, મહારાજની મૂર્તિ ઘડીકમાં સરખી દેખાય, ઘડીકમાં સરખી ન દેખાય, ઘડીકમાં કંઈ જુદું સ્વરૂપ દેખાઈ જાય. આ બધું શું થાય છે? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે તને ધ્યાન કરતાં બરાબર નથી આવડતું. તે કહે કે સ્વામી! ત્યારે ધ્યાન કરતાં શીખવોને?
ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે જુઓ, તમે મૂર્તિને નિહાળો છો, પણ મહારાજનું ભાલ કેવું છે એ ખબર છે બરાબર? મને બોલી બતાવો. તે કહે કે ના સ્વામી! એ તો ન આવડે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે તમે કેવી રીતે મહારાજનું સ્વરૂપ નીરખ્યું? ભાલ નીરખો, નેણ નીરખો, નાસિકા કેવી સરસ છે એ નીરખો; એમ દરેકે દરેક અંગ નીરખી અને અંતરમાં ઊતારીને જુઓ. ભલે સન્મુખ દેખાય તો સન્મુખ જુઓ, પણ જેવા તમે આંખ ઉઘાડીને મહારાજને દેખો છો એવું જ દેખાય ત્યારે જંપ ખાઓ. તે કહે કે સારું. પછી એણે પહેલાં મુખારવિંદ જોયું. એ મુખારવિંદને દૃઢ કરતાં છ માસ ઉપર વીતી ગયા. તો મુખારવિંદ સરસ દેખાવા લાગ્યું. તો બ્રહ્માનંદ સ્વામી કહે કે હવે સ્વરૂપ આ જ રીતે દૃઢ કર્યા કર. તો એમણે એ સ્વરૂપ દૃઢ કરી લીધું ધીરે ધીરે. બે વર્ષ કે ત્રણ વર્ષ જેટલો સમય વીતી ગયો તો ય એ ભગવાનના ભક્ત કંટાળ્યા નહિ. વચનામૃતમાં પણ કહ્યું છે કે ધ્યાન કરતાં જો મારી મૂર્તિ ન દેખાય અને એ પડી ન મૂકે એ ભક્તને હું વશ થઈ જાઉં છું. લખ્યું છેને? તો કંટાળવું તો ન જોઈએને? અંતે તો પૂરું જ કરી દેશે, પણ છતી દેહે મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર કરવા માટેનું જ આ ધ્યાન છે હો! બાકી યમ-નિયમ-ધર્મ પાળશો અને પાંચ વાર માનસીપૂજા - પાંચવાર તો બધા નહિ જ કરી શકતા હો અને એકાદ-બે એકવાર તો કરતા હશો, કદાચ સવારે કે સાંજે. પણ પાંચવાર માનસીપૂજા કરવી જોઈએ એવો મહારાજનો આદેશ છે. તો એણે મૂર્તિ દૃઢ તો કરી. આંખ મીંચે અને મૂર્તિ એવી સરસ દેખાય. ત્યારે હવે કહ્યું કે ભગવાનનું સ્વરૂપ તો દેખાય છે, પણ ભગવાનના સ્વરૂપનું સુખ તો આવતું નથી; અને બીજી વસ્તુ જમું છું તો એનો સ્વાદ આવે છે, સારી વસ્તુ જુએ તો આંખ ડોલી ઊઠે છે. તો આ ભગવાનનું સ્વરૂપ જોઈને મને સુખ કેમ નથી આવતું? એ સારી વસ્તુ જમું છું તો મજા પડે છે. મૂર્તિ દેખાય તો છે, પણ સુખ નથી આવતું.
ત્યારે બ્રહ્માનંદ સ્વામી એને આગળ કહે છે કે ભાઈ! એ ભગવાનનું સ્વરૂપ જે સામે છે એ સ્વરૂપ ને તારી વચ્ચે એકતા ક્યાં છે? અંતર છે. ભગવાન અને ભક્ત કોઈ દિવસ એકબીજાથી જુદા નથી રહેતા. તો તું તો જુદો થયો. તું અહીં ને ભગવાન અહીં. તે કહે કે તો શું કરવું? બ્રહ્માનંદ સ્વામી કહે કે એમ કરવાનું કે એના ઢૂકડું થવાય એવું કરવું જોઈએ. ઢૂકડું જવું જોઈએ. તો એમણે પંચ વર્તમાનની એટલી બધી વાતો કરી ખૂબ. અત્યારે હું નહિ કરું. પણ પંચ વર્તમાન સ્થૂળ અને સૂક્ષ્મ સ્વરૂપમાં સમજીને પાળે તો મહારાજની મૂર્તિ આબેહૂબ દેખાય. ભગવાનને બોલાવવા પડે નહિ. આપોઆપ આગળ આવીને ઊભા રહે. પણ આ જે પંચ વર્તમાન છે એનું સ્થૂળ સ્વરૂપ જ આપણે પાળીએ છીએ. સૂક્ષ્મ સ્વરૂપનું અર્થઘટન સત્પુરુષ થકી સમજવું પડે. પંચ વર્તમાનમાં કંઈ જ કહેવાનું મહારાજે બાકી રાખ્યું નથી. એ સન્મુખનું ધ્યાન એને અનુલોમનું ધ્યાન કહે છે. એ ઢૂકડું નથી. એ ધ્યાનમાં ભગવાન અને ભક્ત વચ્ચે અંતર રહે છે. એ અંતર ઢૂંકડું કરવું છે. બ્રહ્માનંદ સ્વામી કહે કે તું એ મૂર્તિને ઢૂંકડી કરને? તે કહે કે ભગવાનને હું નજીક ધારું? બ્રહ્માનંદ સ્વામી કહે કે હા, હા. તો ધારતા ધારતા એને અડી ગઈ. તો તે કહે કે હવે ધ્યાન જ કેવી રીતે કરું? મને કોઈ વસ્તુ અડી જ જાય તો હું ધ્યાન કેવી રીતે કરું? ભગવાન દૂર હોય તો ધ્યાન થાયને? ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે કે હું તને ઢૂંકડું થવાય, જરાય અંતર ન રહે એવું ધ્યાન શીખવું છું.
તો બ્રહ્માનંદ સ્વામી જેવા અનાદિમુક્ત એને પ્રતિલોમ ધ્યાન શીખવે છે. એ શું શીખવે છે? એ એને કહે છે કે તારો હાથ બતાવ જોઈએ. તો કહે કે આ રહ્યો સ્વામી. સ્વામી કહે કે તારું મુખ બતાવ જોઈએ. તો કહે કે આ રહ્યું. સ્વામી કહે કે અરે! તને તો બધી ખબર પડે છે દેહની. તો દેહની જ્યાં સુધી સ્મૃતિ રહે, ત્યાં સુધી મહારાજની સ્મૃતિ કેવી રીતે થાય? એની સાથે એકતા કેવી રીતે થાય? તું આંખો મીંચી જા. હવે તારો દેહ તને દેખાય છે? ના. તો પછી આંખો મીંચેલી જ રાખને. દેહ દેખાય જ નહિ. તે કહે કે જો હું આંખો મીંચેલી જ રાખું તો દેહ દેખાય જ નહિ. તો ધ્યાન થઈ શકે ખરું? બ્રહ્માનંદ સ્વામી કહે કે આંખો મીંચી જા પછી તું પલાંઠી વાળીને બેઠો છો એવોને એવો સામે જોવે એવી ધારણા આવડે ખરી? હા, સ્વામી. કર જોઈએ. તારો દેહ -આ તું કેમ બેઠો છે એ- દેખાયો? હા, સરસ દેખાયું. તું આટલો બધો દેહ સાથે જોડાયેલો છે, માટે તને દેહ તરત દેખાયો. ત્યારે મહારાજની મૂર્તિનું ધ્યાન કરવાનો તું હજી આરંભ જ કરે છે, જ્યારે દેહનું ધ્યાન તો તેં અનેક જન્મો સુધી કર્યું. એ સમજી લે. એ ભૂલવો છે. તો હવે એમ કર જોઈએ તારા દેહની જગ્યાએ- તારો દેહ તેં જોયોને એ જોઈ શકેને? હવે કંઈ દેખાય? કે' કાંઈ નો દેખાય. તો જે મૂર્તિ છે એ માયિક દેહ ભૂલીને એ દેહની જગ્યાએ મૂર્તિને જોતો થઈ જા તો. વળી પાછા સ્વામી મૂર્તિ પોતાના ખોળામાં લઈને કહે છે કે આવી રીતે પ્રતિલોમપણે ધ્યાન કરી તો જો. પ્રતિલોમપણે એ જોવા માટે એને ખૂબ તકલીફ પડતી કે હું કઈ રીતે જોઉં? તો પ્રશ્ન ઊઠ્યો કે ભગવાનની મૂર્તિ અહીં આંખ પાસે આવી ગઈ, પણ એને જોવી કેવી રીતે? બ્રહ્માનંદ સ્વામી કહે કે એ આ આંખથી નથી જોવાની. ત્યારે કઈ આંખથી જોવાની? તો દિવ્ય ચક્ષુથી જોવાની છે.
તો સ્વામી કહે છે કે તને દિવ્ય ચક્ષુ હું આપીશ. ઉતાવળ ન કરીશ. હું તને રસ્તો બતાવું કે આ દેહમાં તું રહ્યો છે, તો દેહમાં રહીને તું બધું જુએ છેને? તારી આંખ નથી જોતી, પણ તારો ચૈતન્ય આ બધી વસ્તુ જુએ છે. સાંભળે છે ચૈતન્ય, જમે છે ચૈતન્ય. ચૈતન્ય નીકળી જાય તો શબ જમે ખરું? માટે દેહનું અસ્તિત્વ જ્યારે ભૂલી જવાય ત્યારે જ ભગવાનની ખરી સ્મૃતિ રહે. અને આપણે જમીએ ત્યારે ભગવાનને જમાડવું એમ કહીએ છીએને? ઠાકોર જમાડવા. તો ખરેખર ઠાકોર જમાડીએ છીએ? મહારાજ જો અહીં હોય તો આમ આમ જમવું? કઈ રીતે જમવું? અરે ભાઈ! એમ નહિ જમવાનું. મહારાજ જમે ને તું દર્શન કરે એવો થઈ જા. આ દેહ, પગ આમ હાલે એ તું જોવે છે શેમાં રહીને? દેહમાં રહીને. તો મહારાજની મૂર્તિના સ્વરૂપમાં તું ઊંડો ઊતરી જા એવી ધારણા કરને. અને એવી રીતે જો. તો કહે કે હા સ્વામી. હું પ્રયત્ન કરી જોઉં. તો એમને પ્રયત્ન કરતાં કરતાં લટક હાથ આપોઆપ આવી ગઈ. તે અંદર રહી અને એ ચૈતન્યસત્તાએ ભગવાનનું સ્વરૂપ આમ જોયા કરે. હવે જમે ત્યારે મુશ્કેલી ઊભી થાય. તો જમે તો મહારાજ જમેને? તો એને દેહની સ્મૃતિ થઈ આવે કે આ તો હું જમું છું.
ત્યારે ભગવાનના અનાદિમુક્ત બ્રહ્માનંદ સ્વામી જેવા કહે છે કે જો દેહને ભૂલવો એ કેટલી અઘરી વાત છે! થોડી ધીરજ રાખો. એમ કરતાં કરતાં મારી મૂર્તિમાં રહીને જેટલું ઘડી-બે ઘડી, સવાર-સાંજ એવો અભ્યાસ કરો. તમને પ્રવૃત્તિ હોય તો થોડું થોડું કરો. સવારે ધ્યાન કરો થોડું આ રીતે. સાંજે કરો. પણ એમ પ્રતિલોમ ધ્યાનનો અભ્યાસ કરતાં કરતાં તે સહજ થઈ જાય છે. જુઓ સાઈકલ ચલાવવી હોય તો પહેલાં બેલેન્સ ગોઠવવામાં કેટલી મહેનત કરવી પડે? તરવું હોય તો એકબીજા હાથ આમ આમ હલાવે અને જ્યારે તરવાની રીત આવડી જાય પછી સહેલું થઈ જાય છેને? એમ ભગવાનના સ્વરૂપમાં રહીને ભગવાનના સ્વરૂપના દર્શન કરીએ ત્યારે એ સ્થિતિ સહજ થઈ જાય ભગવાનની કૃપાથી. પુરુષ-પ્રયત્ન પચાસ ટકા. મહારાજ ત્રણ વસ્તુ ગણાવે છેઃ પ્રારબ્ધ, પુરુષાર્થ અને કૃપા. હે મહારાજ! પુરુષાર્થનું અને પ્રારબ્ધનું શું કામ? અરે ભાઈ! પ્રારબ્ધ એટલા માટે કહું છું કે તું ભગવાનનું ભજન કરતો કરતો જો આવ્યો હો તો તારા એવા પ્રારબ્ધથી જલદી તને મહારાજના સ્વરૂપનું દર્શન થાય. તું જ્યાંથી અટક્યો હતો ત્યાંથી આગળ આવવાનું. પણ તેં બાહ્યવૃત્તિ કરી અને અંતરવૃત્તિ કરી જ નથી અને આવ્યો છો માટે ટાઈમ લાગે. આ તો એકને એક બે જેવી વાત. અને અનંત જન્મો સુધી થાક્યા નહિ અને હવે એક જન્મ સુધી પ્રવૃત્તિ કરતાં કરતાં ભગવાનની મૂર્તિ ધારવામાં કંટાળો આવે? એ કઈ રીત? બધું કરો પણ ભગવાનની સ્મૃતિ સહિત કરો. ત્યારે એ મૂર્તિમાં પ્રવેશ કે સંબંધ કહેવાય. પણ એ હજી અનુસંધાન છે માટે એ પ્રવેશ હજી સાધનદશામાં છે. એ સહજ થઈ જવો જોઈએ. એ ક્યારે થાય? અભ્યાસથી બધી વસ્તુ સહજ થાય. તરવાની વસ્તુ જો સહજ થઈ જતી હોય તો આવડી મોટી સહજ વસ્તુ કરવા માટે થોડો અભ્યાસ તો કરવો પડેને?
એક ગ્રેજ્યુએટ થતાં અઢાર વર્ષ સુધી હેરાન થઈ જાય. નિશાળમાં, ઘરે, ગૃહકાર્ય કરે, પરીક્ષાઓ આપે, ત્રાસ થઈ જાય. તો ય એ ગધ્ધાવૈતરું કર્યા જ કરે. પણ ભગવાનના સ્વરૂપને પામવાનો સંકલ્પ થાય નહિ એનું કારણ શું? એને એવા સંત કે એવા ભાગવત સંત, એવા અનાદિમુક્ત મળ્યા નથી. તો ભગવાનના અનાદિમુક્તની શોધમાં નીકળવું જોઈએ. અને એ અનાદિમુક્તનો જોગ બાહ્ય રીતે અને આંતરિક રીતે કરીને એના થકી જ્ઞાન સમજવું પડે. એ સમજ્યા પછી એ સમજણ પ્રમાણે એ કહે એમ કરવું પડે અને અંતરવૃત્તિએ એ કહે એમ કરીએ એ અંતરવૃત્તિએ સમાગમ કહેવાય. એ કહે એમ કરીએ એ બાહ્ય સમાગમ કહેવાય. તો બાહ્ય સમાગમમાંથી અંતરસમાગમમાં જતા રહેવું જોઈએ. મહારાજની મૂર્તિમાં રહ્યા છીએ એવું અનુસંધાન રહે એ પ્રતિલોમ ધ્યાન.
એ વખતે એ યાદ રાખીએ કે ચૈતન્ય તો નિરાકાર અને તેજોમય છે. પણ એના પર આવરણ હોય છે. તો એ નિરાકાર ચૈતન્ય જ્યારે ધ્યાનમાંથી ભગવાનની મૂર્તિમાં પ્રવેશ કરે, ત્યારે એ નિરાકાર તેજોમય ચૈતન્ય સાકાર બની જાય છે. પણ એના ઉપર આવરણ છે. એ આવરણને લીધે એનું જે તેજ-ચૈતન્યતેજ છેને? એ ચૈતન્ય-પ્રકૃતિ એ ચૈતન્યનું તેજ અને શ્રીજીમહારાજની ચૈતન્ય-પ્રકૃતિ. એ વિલક્ષણ પ્રકૃતિ. ચૈતન્ય-પ્રકૃતિ એટલે તેજ. એ તેજ તેજમાં ભેદ છે. ટ્યુબલાઈટ હોય અને એક ઘાસલેટનો દીવો મૂકો તો એ ઘાસલેટના દીવાનો પ્રકાશ એમાં વિલીન થઈ જાય છે. કંઈ જતો નથી રહ્યો. ટ્યુબલાઈટ બંધ કરો એટલે તરત જ એનો પ્રકાશ જોવામાં આવે. એમ આપણો ચૈતન્ય- આત્મા જ્યારે આવરણથી રહિત થાય, ત્યારે એ તેજોમય બને છે. એને આ ભગવાનના અક્ષરધામરૂપ તેજની સાથે આપોઆપ જ એકતા થાય. ત્યારે પ્રતિલોમ ધ્યાનમાં ચૈતન્ય નિરાકાર સ્વરૂપે -જેમ દેહમાં નિરાકાર સ્વરૂપે રહ્યો છે એમ- એ ચૈતન્ય પ્રકૃતિથી એમાં રહી અને મહારાજનું સ્વરૂપ જોવે છે. એ જોતાં જોતાં મહારાજની કૃપાથી એ ચૈતન્ય ઉપરના આવરણ હટતા જાય છે. એ જેવા હટી જાય તે જ ક્ષણે મહારાજની ચૈતન્ય-પ્રકૃતિ એની ચૈતન્ય-પ્રકૃતિને દિવ્ય સાકાર બનાવી દે છે. અને દિવ્ય સાકાર બનતાની સાથે જ એ મૂર્તિની અંદર મહારાજની મૂર્તિને તો દિવ્ય સાકાર જુએ છે; અને પોતાને પણ જાણે છે કે દિવ્ય સાકાર મહારાજે મને બનાવી દીધો.
આવા અનંત દિવ્ય સાકાર સ્વરૂપો એટલે કે અનાદિમુક્તો એ મૂર્તિમાં રસબસ રહી અને સુખ લીધા કરે છે. એ સુખ લેવાની કળા અલૌકિક છે. કોઈને એમ કહીએ કે આ સાકર કેવી? તો કહે ખાધા જેવી. એનું વર્ણન થઈ શકે? ખાવી જ પડે. ત્યારે અનુભવથી ખબર પડે કે મૂર્તિની અંદર રહીને એ સુખ ભોગવવાની કળા કેવી અલૌકિક છે! કોઈકે કહ્યું કે માછલાં રમે એમ કિલ્લોલ કરે છે મહારાજના મુક્તો. તો માછલાંની જેમ કરે છે? ભાઈ! માછલું કેવું ત્યાં. માછલાંનું દૃષ્ટાંત તો અપૂર્ણ છે, માયિક છે. આ તો દિશ બતાવવા માટે આપ્યું છે. તો એ કિલ્લોલ શું? તો મહારાજની મૂર્તિની અંદરથી નવીન નવીન સુખ પ્રગટ થતું રહે છે. એની પાસે માછલી તો શું પણ કોઈ પણ પ્રાણી કરતાં પણ એને વધારે ને વધારે સુખનો આનંદ રહે છે. મુક્તોને તો આ સુખ એ જ આહાર. અનંત કાળ સુધી તૃપ્ત થતા નથી. હવે ત્યાં કઈ પ્રવૃત્તિ હોય કહો? ત્યાં કોઈ સેવા નહિ, ત્યાં કોઈ થાળ કરીને ધરાવવાનો નહિ.
ત્યારે અહીંયા આ બધું શું કામ કરવાનું? કે મહારાજ સાથે સંબંધ કરવા માટે બધું જરૂરી છે. કારણ કે ભગવાનને થાળ જમાડો તો ભગવાનની સ્મૃતિ રહે, ભગવાનની પૂજા કરીએ તો ભગવાનની સ્મૃતિ રહે, ભગવાનના પંચવર્તમાન આંખ સામે રહે તો સરસ જીવન જીવતાં આવડે. એમ ભગવાનના સ્વરૂપને સંભારવાને માટે પણ આ બધું જ કરવું પડે. આવા મહોત્સવોમાં આવવું પડે. એમાં પધારતા આવા સંત કે મહાન મુક્તોનો જોગ પણ કરવો પડે. એમાં આપણે જે કાંઈ પ્રશ્નો ઊઠતા હોય એ કહેવા જોઈએ. પણ એ કહેવા ન આવે, તમે પૂછો તો જવાબ આપે. તો એ સમજણ દૃઢ કરવી જોઈએ.
તો ધ્યાન કરવાની રીતની અંદર પણ બીજા સાંગ, ઉપાંગ એવા બધા ધ્યાન છે એ અનુલોમ અને પ્રતિલોમની વચ્ચે છે. એને ઠેક દઈને પ્રતિલોમમાં જ ન જઈએ, એ સાંગ-ઉપાંગની માથાકૂટમાં પડીએ. સીધા અનુલોમમાંથી પ્રતિલોમમાં ઠેક દઈને જવાનું. જેમ એરોપ્લેન ઊડે તો ઊડ્યું એવું ભેગું વચમાં ક્યાંય અટકે જ નહિ ને સીધું જઈને મુકામ ભેગું થઈ જાય. એમ અનુલોમવૃત્તિમાંથી સીધા જ ઠેક દઈને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં ન જઈએ? દેહમાં શું કામ પડ્યા રહીએ નિરાકારરૂપે? દેહમાં નિરાકારરૂપે પડ્યા રહેવું એ કરતાં ભગવાનના સ્વરૂપમાં પડ્યા રહીએ તો? આપણો આ દેહ જ નથી, એને ભૂલી જઈએ તો? બરાબર? ત્યારે આ ટૂંકમાં કહ્યું. હજી ઘણું કહેવું હોય તો ય કહી શકાય. કારણ કે ધ્યાનના પ્રકાર પણ ઘણા. પણ નાના બાળકોને પણ ખબર પડી જાય એટલી સરળ આ વાતથી હું અટકું છું. આટલું કહી અને આપ સૌનો રાજીપો માગીને.
પણ એક વાત કહું કે અનાદિ મુક્તરાજ અબજીબાપાશ્રીએ મને આ વાત એમના મુક્તો દ્વારા સમજાવી. અને એ સંતો પણ જેમ અવતાર હોયને એ અવતારથી પણ ચડી જાય એટલી સામર્થીવાળા હતા એવું મને ખબર પડી. ભગવાન સ્વામિનારાયણના મુક્તાવતાર છે એ વાત બાપાશ્રીએ સમજાવી. અવતારો પ્રગટ થાય છે મૂર્તિમાંથી અને મૂર્તિમાં લીન થાય છે. કયા અવતાર? અરે! ગુણાતીતાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી કહે છે કે અન્ય અવતારોને તો મહારાજના દર્શન પણ નથી! કેવી રીતે થઈ શકે? ભગવાનના દર્શન કરવા હોય એ તો બગાસું ખાતા સાકરનો ગાંગડો મહારાજે આપણા મોઢામાં મૂકી દીધો એટલે આપણે ફાવી ગયા છીએ. એ અવતારોની ગણતરી આ મુક્તાવતાર પાસે શું છે? તે મુક્તાવતારના દર્શન કરવા -આ પર્વતભાઈના દર્શન કરવા- માટે અવતારો ને દેવો ફરે છે. ત્યારે યાદ રાખીએ કે ઉપાસના એનું નામ કે ત્યાં પછી હનુમાન-ચાલીસાનો પાઠ ન કરવો પડે. હનુમાનજી મોટા કે ભગવાન સ્વામિનારાયણ મોટા? (સભાઃ ભગવાન સ્વામિનારાયણ.) જો ભગવાન સ્વામિનારાયણ મોટા હોય તો બીજાના જપ કરવાની જરૂર ક્યાં? બીજાના જપ કરીએ તો ઉપાસનાનું ઠેકાણું કહેવાય? ન કહેવાય. ભલે બધા દેવોનો આદર કરીએ, અવતારોનો આદર કરીએ, પણ મહારાજ સિવાય કોઈમાં સારપ્ય મનાઈ જાય તો એ ભગવાનનું સ્વરૂપ હાથ આવે નહિ. થોડું ભગવાન લંબાવી દે પાછું. તો ભગવાનને લંબાવવા દેવા માટેની ફરજ આપણે ન પાડીએ એવી સરસ ઉપાસના કેળવીએ. અને એવી સરસ ઉપાસના અનાદિ મહામુક્તરાજ અબજીબાપાશ્રીએ પોતાના જીવનથી બતાવી. અણીશુદ્ધ વર્તન! ત્યાગીને પણ શરમાવું પડે! અને વર્તન અને વાણી બે ય એક એમનું. એમને જોઈને લોકો દંડવત કરવા મંડી પડતા! એવા એ દિવ્ય પ્રભાવશાળી હતા. અને એમનો એ દિવ્ય પ્રભાવ, ચમત્કાર એ બધું ય અહીં વર્ણવું તો બીજો કલાક જોઈએ. એમ નથી કરતો, પણ બાપાશ્રીથી આટલું બધું પ્રભાવિત થયો એનાથી તેમાં મેં રસ લીધો છે અને એ રસ તદ્દન વૈજ્ઞાનિક રીતે લીધો છે એ સત્ય કહું છું. પાંચસો સાધુ અને પાંચસો પરમહંસની સાક્ષીએ કહું છું કે અબજીબાપાશ્રી મહારાજની મૂર્તિના સુખમાં હતા અને એ સુખમાં રહીને એમણે મોટી મોટી સંતમૂર્તિઓ ઊભી કરી દીધી. એમને જોઈને હૃદયમાં ટાઢક થઈ જતી. એમણે અનેકને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતાં કરી દીધા.
તો સ્વામિનારાયણ ભગવાને આ ઉત્સવ કેટલો સરસ રીતે ઉજવ્યો! This festival is going on very smoothly! સરળતાથી ચાલ્યો જાય છેને? બધાને આનંદ પડે છે કે નહિ? હૈયામાં પૂછી જુઓ. જો ન પડતો હોત તો આટલી મેદની હોત ખરી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ પોતાના અનાદિમુક્ત ઉપર કેટલા રાજી હોય? 'સંત તે મારી મૂરતિ રે તેમાં ફેર નહિ એક રતી રે.' કેવું કહી દીધું? કે મારી સંતમૂર્તિને વિષે જો આત્મબુદ્ધિ કરશો તો ય મારા દિવ્ય સુખને પામશો. એ ભગવાનના પ્રગટ મુક્ત અથવા તો જે થઈ ગયેલા બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી જેવા મુક્તોને મનોમન યાદ કરીને, સ્મૃતિ કરીને પ્રાર્થના કરીએ તો આપણને આપોઆપ અંતરજ્ઞાન થાય. પણ ભગવાન કે ભગવાનના મુક્તોનો અંતરવૃત્તિએ કે બીજી રીતે જોગ કર્યા વગર પાર આવશે નહિ. આપ સૌ અહીં પધાર્યા. આ બાપા તમને લાવ્યા. એ દિવ્ય આકર્ષણ એવું થયું કે તમને એમ થયું કે લાવો જઈ આવીએ. જાવું તો ખરું. કોઈને સગવડતા કરી દીધી, કોઈને કંઈ કરી દીધું. અને સૌને કહી દીધું કે આ મહોત્સવમાં આવશે એનો છેલ્લો જન્મ હું કરીશ એમ ભગવાન સ્વામિનારાયણ બોલે છે. એની સાક્ષી જ છેને? કે આટલી બધી મેદની અહીંયા આવી અને આ મહોત્સવ માણે છે. તો એ કોનો દિવ્ય પ્રભાવ? અનાદિ મુક્તરાજ અબજીબાપાનો. એ પ્રભાવમાં કોનો પ્રભાવ? ભગવાન સ્વામિનારાયણનો. અનંત અનાદિમુક્તો સેવકભાવે જે મૂર્તિના સુખમાં રહે છે એ સુખમાં ભગવાન સ્વામિનારાયણે આપણને રાખ્યા. અને મહારાજ ખરા ટાણે આવીને ઊભા રહેશે અને બધા આવરણો દૂર કરી અને અનાદિમુક્તની પંક્તિમાં રાખીને આપણને એ દિવ્ય સુખનો અનુભવ કરાવશે. આટલું કહી આ દિવ્ય સભાનો રાજીપો ઇચ્છી, આવા બ્રહ્મનિષ્ઠ સંતોનો પણ રાજીપો-આશીર્વાદ ઇચ્છી અને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. અને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરું છું કે આવી દિવ્ય સભા ચારે કોર નજરે પડે. આવા ભગવાનના આવા સંતો બ્રહ્માંડમાં હોય? ના હોય. એવી દૃષ્ટિએ એટલે કે પુરુષોત્તમની દૃષ્ટિએ જોઈએ તો જ આવો દિવ્ય ભાવ આવે. આ વાત કરી અને હું વિરમું છું. તમારો સમય વધારે લીધો, ક્ષમા કરજો. પણ તમારી આજ્ઞાથી લીધો છે હો! એટલે ગુનેગાર નથી. સહજાનંદ સ્વામી મહારાજની જય! બાપાશ્રીની જય!
સારાંશ
મહારાજના સંકલ્પથી પધારેલા બાપાશ્રીએ ખરા અર્થમાં મહારાજ ઓળખાવ્યા. જીવને અનાદિમુક્તની સ્થિતિ સમજાવી એ સુખ પામવાના પાત્ર કર્યા. મહારાજે સોંપેલું કાર્ય એમણે સંપૂર્ણ કરી બતાવ્યું. એવા જબરજસ્ત અનાદિમુક્ત હોવાથી આપણને સૌને એમના મહોત્સવમાં ઘાટ-સંકલ્પ ટળી જ જાય એ સ્વાભાવિક વાત છે.
અનાદિમુક્ત એટલે અત્યારે સુખ ભોગવું છું પહેલા નહોતું એમ નહિ. અખંડ સુખ અનુભવું છું તેવો અનુભવ થવો તે અનાદિમુક્તની સ્થિતિ છે. પરચા-ચમત્કારથી ભગવાન કે મોટા અનાદિમુક્તનું માહાત્મ્ય જાણવાની ઇચ્છા ન કરવી. એવી રીતે આવેલી સમજણથી સાચા ભક્ત ન બનાય. ચિત્તમાં મૂર્તિ ચોંટી જાય ત્યારે ખરું માહાત્મ્ય સમજાય અને સાચા ભક્ત બનાય. અનાદિમુક્તની સ્થિતિ થવી એ જ માનવજીવનનું ધ્યેય છે. ત્યાં પહોંચ્યા પછી જ છૂટકો. ત્યાં સુધી ભટક્યા કરવાનું છે. ભગવાનના સંકલ્પથી પધારેલા અનાદિમુક્ત પાત્ર-કુપાત્ર જોયા વગર જન્મ સુધારી દઈ મૂર્તિમાં રાખે છે તેનું નામ કૃપાસાધ્ય. તેઓ કૃપાસાધ્ય બને ત્યારે કાંઈ કરવું ન પડે. આશીર્વાદ માત્રથી પાત્ર થઈ જવાય. અનાદિમુક્તની વાણીમાં ભલે લીંક ન દેખાય, પરંતુ એ અનુભવની વાણી હોવાથી જીવોના જીવન પરિવર્તન કરી દેનારી હોય છે. અનાદિમુક્તની સ્થિતિ અનાદિમુક્તનો જોગ થયો હોય તો જ બાળપણમાંથી સીધું વૃદ્ધાવસ્થામાં જઈ શકાય. મહોત્સવની ફળશ્રુતિ એ કે હૈયામાં મહારાજની મૂર્તિ પધરાવી દેવાય.
એકાંતિક ભક્ત થઈએ પછી જ ભગવાન પાસે જઈ શકાય છે. ચપટી વગાડતા મૂર્તિના સુખમાં મૂકી દે એવા અનાદિમુક્તનો જોગ કરવો. અનાદિમુક્ત બોલે થોડું ને કામ વધુ કરે. તેઓ કહીને કરતાં કરીને બતાવે છે. વાણી કરતાં વર્તન વધુ વાતો કરે છે. એકાંતિક કરતાં પરમ એકાંતિકની સ્થિતિ અધિક છે. અને એ કરતાં અનાદિમુક્તની સ્થિતિ અતિ અધિક છે. માયિક વસ્તુના ગુણધર્મો દિવ્ય વસ્તુના ગુણધર્મોથી તદ્દન જુદા છે. દિવ્ય વસ્તુનું વર્ણન ન થઈ શકે એ સ્વાનુભવનો વિષય છે. મહારાજ અને મહારાજના અનાદિમુક્ત કહે તેમ કરીએ તો ભગવાનનું સુખ મળે.
મહોત્સવમાં અનાદિમુક્ત દ્વારા છેલ્લા જન્મના આશીર્વાદ મહારાજ જ આપે છે. બિલકુલ મહેનત વગર આશીર્વાદથી પાત્રતા આવે ખરી, પરંતુ થોડો પુરુષાર્થ આપણે કરીએ તો મહારાજ વધુ રાજી થાય. ભગવાનને જેવા છે તેવા જાણનારા જ ભગવાન કેવા છે તે કહી શકે છે. જેને છતી દેહે મહારાજના દિવ્ય દર્શન કરવા છે તેના માટે સરળ માર્ગ છે ધ્યાન કરવું. અનાદિમુક્ત રહેતા હોય તે નિવાસસ્થાન, આજુ બાજુની જગ્યા બધું જ દિવ્ય હોય છે તે પણ મનમાં શાંતિ લાવે છે. અંતર નિર્મળ બને છે. ધ્યાન કરતાં પહેલાં અંતરને નિર્મળ બનાવવું પડે. અનંત જન્મો સુધી બાહ્યવૃત્તિ કરી હોવાથી અંતર્વૃત્તિ આસાનીથી થતી નથી. ખુલ્લી આંખે જેવી મૂર્તિ સ્પષ્ટ દેખાય તેવી અંતરમાં દેખાવી જોઈએ. કંટાળ્યા વગર ધીરજ રાખી પ્રયત્ન કર્યા જ કરવાના. સફળતા મેળવવા અનુભવી સંતનું માર્ગદર્શન, તેમના આશીર્વાદ, તેમની કૃપા અતિ આવશ્યક છે. ધ્યાનમાં શરૂઆતમાં મૂર્તિ સન્મુખ દેખાય, દૂર દેખાય તેણે પંચવર્તમાન સ્થૂળ-સૂક્ષ્મ અર્થમાં સમજી તેને પાળી મૂર્તિ વધુ નજીક લાવવી. ત્યાર બાદ મૂર્તિનું પ્રતિલોમ ધ્યાન કરવું. અને તેના માટે દેહ ભૂલવો પડે, દેહભાવ કાઢવો પડે. દેહમાં રહેલો ચૈતન્ય જ સર્વ ક્રિયા કરે છે. એ ચૈતન્યમાં મહારાજ પધરાવી દેવા અને પછી આપણે જોવું કે મહારાજ સર્વે ક્રિયા કરે છે. પ્રતિલોમ ધ્યાનનો અભ્યાસ કરતા તે સહજ બને છે. સહજ બનાવવા અનાદિમુક્તનો જોગ બાહ્યવૃત્તિએ તેમજ આંતરિક વૃત્તિએ કરવો જોઈએ.
નિરાકાર એવો આપણો ચૈતન્ય આવરણે રહિત થાય ત્યારે પ્રકાશે છે. અને આપોઆપ મહારાજના તેજ સાથે તેની એકતા થાય છે. અને મહારાજની કૃપાથી એ ચૈતન્ય સાકાર બને છે. અને મહારાજે તેને દિવ્ય સાકાર બનાવ્યો છે તેની જાણ પોતાને થાય છે. આ અનાદિમુક્તની સ્થિતિ છે. મૂર્તિમાં રહી મૂર્તિનું સુખ ભોગવવાની કળા અલૌકિક છે. એ અનુભવે જ ખબર પડે. મહારાજનું દિવ્ય સુખ હરપળે નવીન-નવીન હોય છે. અનંત કાળ સુધી મુક્તો એ સુખ લેતા તૃપ્ત થતા નથી. ત્યાં કોઈ સેવા નથી. કોઈ સાધન નથી. ભગવાનને થાળ જમાડવો-પૂજા કરવી તે બધા સાધનો ભગવાનની સ્મૃતિ રહે તે માટે અહીં કરવા જરૂરી છે.
ધ્યાન કરવાની રીતના ઘણા પ્રકાર છે, પણ એ બધાને ઠેક દઈ સીધા પ્રતિલોમ ધ્યાનની લટક હાથ ધરવી. મહારાજના અનાદિમુક્ત અવતારોથી ચડી જાય તેવા સાર્મથ્ય ધરાવનારા હોય છે. દેવો તેમના દર્શન કરવા આવે છે. આપણે ઉપાસના દૃઢ રાખવી. સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજે ક્યાંય શ્રદ્ધા ન રાખવી. મહારાજે આશીર્વાદ આપ્યા છે તેથી તેમના અનાદિમુક્તમાં પણ હેત થશે તો પણ મહારાજને જ પામીશું. કારણ, અનાદિમુક્ત મહારાજમાં જોડે છે. પોતાનામાં નહિ.
મહોત્સવમાં અનાદિમુક્ત મામા દ્વારા મહારાજ-બાપાએ સૌને છેલ્લા જન્મના આશીર્વાદ આપ્યા.