18
અક્ષરધામમાં નામો જેવી કોઈ સંજ્ઞા જ નથી. ત્યાં તો બધા મુક્તોને મુક્ત સંજ્ઞા જ છે. ત્યાં સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી, સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી, સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી એવા કોઈ નામો નથી, માત્ર મુક્ત સંજ્ઞા છે. અવરભાવમાં સમાસ માટે ભગવાને નામ આપ્યા કે જેથી એ નામને લીધે એમનો જોગ કરીને એ ભગવાન સ્વામિનારાયણને ઓળખે. ભગવાનનો મુખ્ય હેતુ એ જ છે. એમના મુક્તોનો પણ ભગવાનને લઈને એ જ હેતુ છે કે દરેકે દરેક જીવ ભગવાનના સુખમાં પહોંચી જાય. એને મન કોઈ મારું-તારું, વહાલું-દવલું એવું કોઈ છે જ નહિ. બધાય વહાલા છે.
દિવ્ય સુખને પમાડે તે ઉત્સવ કૃપા-અમૃતોત્સવ. એ ઉત્સવ ક્યારે દિવ્ય આનંદને પમાડે? કે જ્યારે એના ઉપર ભગવાન સ્વામિનારાયણની કૃપાવર્ષા થાય. ભગવાન એ કૃપાવર્ષા ક્યારે કરે? આવી દિવ્ય સભા એમના દિવ્ય સાન્નિધ્યમાં પોતાના સંકલ્પથી એકત્રિત કરે ત્યારે એ કૃપાવર્ષા થાય. કૃપાવર્ષા તો સમગ્ર વિશ્વ ઉપર વરસી રહી છે. ભગવાન સ્વામિનારાયણ એ કૃપાસાગર છે, એમાંથી તો કૃપા વરસ્યા જ કરે છે, પણ લોકોને એનો અનુભવ- એનો સ્પર્શ થતો નથી. શા માટે? એ પાત્ર નથી. ત્યારે આવી દિવ્ય સભામાં એ કૃપાવર્ષાનો આપણને અનુભવ થાય છે- સીધી રીતે કે આડકતરી રીતે. એ માટે ભગવાન સ્વામિનારાયણ કંઈ ને કંઈ નિમિત્ત ઊભું કરીને આવી દિવ્ય સભાઓ-બ્રહ્મયજ્ઞો સમગ્ર સત્સંગમાં યોજાવે છે. એ એટલા જ માટે યોજાવે છે કે ગમે તેમ કરીને આપણને પાત્ર બનાવીને પોતાના સુખમાં રાખી દેવા છે. આ એમનો ધ્યેય છે. ભગવાન ને ભગવાનના મુક્તને બીજો કોઈ આશય નથી. ભગવાનની મૂર્તિનું સુખ પરબાર્યું મળતું નથી. ભગવાનને પામેલા મુક્તો દ્વારા જ એ સુખ મળે છે, એ સિવાય કોટી સાધને પણ મળે નહિ. એવા આ સ્વયં શ્રીજીમહારાજના શબ્દો છે.
માટે આ સમગ્ર સભા જ અનાદિમુક્તોની છે. અનાદિમુક્તનું બીજું નામ છે કૈવલ્ય મુક્ત. તો આવડી મોટી દિવ્ય સભા -કૈવલ્ય મુક્તોની દિવ્ય સભા- શું ન કરી શકે? કદીયે વિચાર એવો ન કરવો કે આ નાનો છે ને આ મોટો છે. બધા જ મહારાજની મૂર્તિના સુખમાં હોય પછી કોણ નાનું ને કોણ મોટું? એક વિશિષ્ટતા એ છે કે અક્ષરધામમાં અનંત મુક્તો છે, અનંત મુક્તોના મંડળ ભગવાનની મૂર્તિ સામું જોઈ રહ્યાં છે, પણ કોઈને આગળ-પાછળ જેવું નથી! કોઈને back નથી! બધાયને ભગવાનનું સ્વરૂપ જેવું છે એવું દેખાય છે. આ કઈ જાતનું! એનું નામ જ દિવ્ય સ્વરૂપ. તો ભગવાન દિવ્ય છે. માયિક વસ્તુ હોય એમાં આગળ અને પાછળ એ બે ય હોય; પણ ત્યાં તો એવું છે જ નહિ. અક્ષરધામમાં નથી પહેલો, નથી છેલ્લો. અનંત મુક્તો હોય તો કેટલું બધું અંતર થાય? એ અંતર નથી એ જ ખૂબી છે. એ અનુભવજ્ઞાનથી જ સમજાય કે આ શું? બધાય નિકટ! સૌને એમ જ લાગે કે હું મહારાજ પાસે જ બેઠો છું! એમ આપણે એવું અંગ કેળવવું કે પરભાવમાં પહોંચી જવું. પાસે બેઠા હો, કે પાછળ બેઠા હો, એવું કંઈ છે જ નહિ. આપણે નીચે બેસીએ કે ગાદી ઉપર, આપણે ક્યાંય બેઠા જ નથી. આપણે તો મહારાજના દિવ્ય સ્વરૂપના અધોઊર્ધ્વ તેજમાં બિરાજમાન છીએ. અરે! એ ગાદી ઉપર આપણને બેસાડી દીધા!
કૃપાસાધ્ય કોને કહેવાય? અરે! કૃપાસાધ્ય એટલે કંઈ કરવાનું જ બાકી નથી રાખ્યું. એણે એમ જ કહ્યું હું બોલું અને તું હા પાડ. અને રાત હોય તો પણ એ ભગવાન એમ કહે કે આ તો ખરી બપોર છે, તો કહે કે હા મહારાજ બરાબર છે. એવી જાતનું જો બને ભગવાન સ્વામિનારાયણના વચનમાં તો શું કરવાનું રહે? અરે! આપોઆપ પંચવર્તમાન પળાય! 'કરવાનું જ ન રહે કાંઈ બાકી' એનો અર્થ એ કે આ બધું સીધું થયું. એની કૃપા જ એવી છે કે આપણું પરિવર્તન કરી નાંખે, જો એમના વચનમાં વિશ્વાસ હોય તો. તો એ વિશ્વાસ રાખવો. ઘડીક ઘડીકમાં ડગી જાય, સંકલ્પ થાય, પાછો શમાવે સંકલ્પ. આ ઘટમાળ જો આખી જિંદગી ચાલવાની હોય તો કેટલો બધો ત્રાસ કહેવાય? આના જેવો Mental terror ખરો કોઈ? અરે ભાઈ! શું કામ આવો ધંધો કરવો? એ તો આપણા હાથમાં. સંકલ્પ ન કરવો એ આપણા હાથમાં નથી? ગુસ્સો ન કરવો એ આપણા હાથમાં નથી? મહારાજની મૂર્તિના સુખમાં રાખવું એ આપણા હાથમાં નથી, એ એના હાથમાં છે. આપણને એ મૂર્તિના સુખમાં રાખવાના આશીર્વાદ આપી દીધા કે તું અમારો અનાદિમુક્ત, તને અમે અનાદિની પંકિતમાં ભેળવી દઈએ છીએ, હા પાડે છે?
આપણે બધા ભગવાન સ્વામિનારાયણમાં માનીએ છીએ, એ સર્વોપરી પરમાત્મા છે. બરાબર છે. આ તો બુદ્ધિથી તમે સમજી શકો, થોડી દિશ મળે એટલે ભગવાનના આ શબ્દો આપની સમક્ષ રાજીપા માટે મૂક્યા. પણ ખરેખર આ સત્ય ઘટના છે એવો બરાબર ખ્યાલ ક્યારે આવે? કે જ્યારે આ ચર્મચક્ષુ હટી જાય. આ જે અંતર પડદો છેને? માયિક પડદો જે ભગવાને રાખ્યો છે સમાસને માટે રાખ્યો છે. એ જ્યારે નીકળી જશે ત્યારે સમજાશે કે વાત બરાબર છે હો! ત્યાર પછી એમ સંકલ્પ નહિ થાય કે મહારાજના મુક્તને પડખે કેમ બેસાડ્યા? આપણને ન મૂકાય, કારણ કે હજી આપણને છતી દેહે એ સુખનો અનુભવ થયો નથી. કૃપાએ કરીને આકર્ષણ કરીને અંદર રાખી દીધા છે. હવે વિશ્વાસ રાખવો એટલે એવું જ સુખ મળે, એમાં કોઈ ફરક નહિ. જો આકાશ ચળે, પર્વત ચળે, તારા ચળે, ચંદ્ર ચળે; પણ ભગવાન સ્વામિનારાયણના વચન જે આપણને કહ્યું કે તમને મૂર્તિમાં રાખ્યા તે વચન નહિ ફરે. આપણા ઉપર કૃપા કરી અને કહ્યું કે વિશ્વાસ રાખજો, તો પછી વિશ્વાસ રાખવામાં ક્યાં તકલીફ? વિશ્વાસ રાખવામાં તકલીફ ખરી? વિશ્વાસ નહિ રાખવામાં તકલીફ છે. વિશ્વાસ ન રાખીએ તો મૂંઝાવાનું ખૂબ રહે. ભય લાગે ત્યારે સમજવું કે વિશ્વાસ ડગી ગયો. જુઓ, જ્યારે ભય ઉત્પન્ન થાય ત્યારે વિચાર થાય કે ભગવાને કેમ આવું કર્યું? એરોપ્લેનમાં બેઠા હોય ને તૂટી પડે તો? એ વખતે ભય પેસે. નીડર થવું જોઈએને? એણે કીધું કે મારા સ્વરૂપમાં રાખી દીધા, પછી why should we look at our body? અરે! body તો અમથોય બાળી નાખવાના છે. લાકડાં સળગાવીને બાળે છે! મહાપરાણે! તો પછી દેહની આટલી મમતા શું? અરે! મહારાજે તો એવું કર્યું કે આપણા માટે કૃપા વાપરી. આ તો કૃપાસાધ્ય પરમાત્મા છે. એમની સાક્ષીએ હું કહું છું કે એમણે કહ્યું એ સત્ય છે. એ સત્ય એવું રગેરગમાં પેસાડી દેવું કે ગમે તેવો ભય આવે તો ય કોઈ દિવસ સંકલ્પ થાય નહિ. ભગવાને આમ કેમ કર્યું એ question જ રહેતો નથી. કેમ કર્યું એમ કોના માટે? જે પૂર્ણ કામ થઈને મૂર્તિમાં રહ્યો નથી એના માટે. મૂર્તિમાં રહ્યા હોય એ તો હંમેશાં નીડર રહે. ભગવાનના સુખમાં પહોંચી જવા માટેનો આ બ્રહ્મયજ્ઞ છે.
સારાંશ
અક્ષરધામમાં નામ નથી. ત્યાં ફક્ત મુક્ત સંજ્ઞા છે. અક્ષરધામમાં અનંતમુક્તો મહારાજ સામું જોઈ રહ્યા હોવા છતાં કોઈને આગળ-પાછળ જેવું નથી. મહારાજ દરેકની સન્મુખ જ હોય છે. ભગવાનને બધાય વહાલા છે. પાત્ર થઈએ ત્યારે મહારાજની કૃપાવર્ષાનો ખ્યાલ આવે છે. પાત્ર બનાવવા માટે ભગવાન મુક્ત દ્વારા ઉત્સવ-સમૈયા-બ્રહ્મયજ્ઞનું આયોજન કરાવે છે. મહારાજના અનાદિમુક્ત દ્વારા જ મહારાજનું દિવ્ય સુખ પાપ્ત થાય છે. એ સિવાય કોટી સાધને પણ પ્રાપ્ત થતું નથી. કૃપાસાધ્ય એટલે પછી કાંઈ કરવાનું જ બાકી ન રહે તેને કૃપાસાધ્ય કહેવાય. જરૂર છે સંપૂર્ણ વિશ્વાસની. એ આશીર્વાદમાં વિશ્વાસ રાખી નીડર બની જવું. દેહભાવ કાઢી નાંખવો. અને મહારાજના આશીર્વાદમાં અતૂટ-દૃઢ વિશ્વાસ રાખવો.