7

0:000:00

આવી દિવ્ય સભામાં સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષપણાનો અનુભવ આપણને સૌને થાય છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના મુક્ત વક્તાઓમાં રહીને ભારે-ભારે સરસ વાતો કરી. મૂળભૂત પાયાની વાતો થઈ. સમન્વય કરે એવી વાતો થઈ. બધાયની રજૂઆત, અભિગમ અલગ અલગ, છતાંય રજૂઆતમાં નાવીન્ય. આશીર્વાદમાં પણ નાવીન્ય. કીર્તનોમાં પણ નાવીન્ય. ભગવાન કહે છે, અમારી મૂર્તિમાંથી નવીન-નવીન સુખ નીકળે છે. એમ વાતો પણ નવીન-નવીન થઈ. મને ખૂબ આનંદ થયો.

(થોડી બીજી વાતો કર્યા પછી સંકલ્પ ન કરવા વિશે વાત કરે છે.)

સંકલ્પ શમાવે તે સંત અને ન થાય તે ભગવંત. એ ભગવંત કોને કહેવાય? મહારાજના અનાદિમુક્તને ભગવંત કહેવાય. એમને સંકલ્પ થવાનો કોઈ સંભવ જ નથી. સંત તો સ્વયંહરિ છે, પણ સંકલ્પ શમાવે એ સંત એમ કહ્યું. તેમાં ઓછીવત્તી પાત્રતા હોય. તો ભગવાનને શરણે ગયા હોય એ બધાયને સંત કહેવાય. એમને સંત તો કહેવા જ પડે, પણ એ સંતતાની પરાકાષ્ઠા એ ભગવંત સ્થિતિ છે. અનાદિમુક્તની સ્થિતિ છે. ભગવાન મનુષ્યરૂપે હતા ત્યારે બધું જાણવા છતાં ચિંતામાં મૂકી દેતા, કે હવે શું કરશું? બધું જાણતા હોય તો પણ. ભગવાન તો બધું જાણે ને? ભગવાન શું ન જાણે? ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મુક્તોથી શું અજાણ્યું હોય? પણ જો એ અજાણપણું ન રાખે તો બધાની મતિ ભમી જાય. જેવું સુખ આવે એવું ન આવે. માટે ભગવાન અને ભગવાનના મુક્તો પોતાની અજાણપણાની સ્થિતિ રાખે છે. એ આશીર્વાદ છે. એના જેવી કોઈ વાત સારી નથી. એ વાત સારી છે, માટે રાખી છે. રાખવી જ પડે. અને એવી સ્થિતિ રાખીને આપણને આગળ વધારે છે. નહિતર કોઈ શંકા કરે કે અજાણપણે સંકલ્પ પણ કરે. મુક્ત આપણને જ્ઞાન સમજવા માટેની બુદ્ધિ પ્રેરે છે. નહિતર જ્ઞાન કેવી રીતે થાય? પાત્ર કરવાને માટે એવું અજાણપણું રાખે છે જે આશીર્વાદ સમાન છે એટલે રાખે છે. બાકી તો બધી મૂળભૂત મહારાજની વાતો થઈ. એથી વિશેષ બીજી શી વાત કરવી? અમુક વાતની સ્પષ્ટતા કરાય જેથી સભામાં સમાસ થાય એમ બને. એ ખૂબ જરૂરી પણ છે. બીજી ઘણી બધી વાતો પણ થઈ.

સ્વામિનારાયણ ડિવાઈન મિશન તરફથી આ દિવ્યસભાનો આભાર માનું છું ને પ્રાર્થના કરું છું કે ચૈતન્યમાં નિરંતર આવો સુખમય બ્રહ્મયજ્ઞ-સત્સંગ ચાલ્યા જ કરે ને મહારાજની મૂર્તિમાં રહીને બધી ક્રિયા થાય એવા રૂડા આશીર્વાદની યાચના સાથે વિરમું છું.

એક પંડિતે સ. ગુ. ગોપાળાનંદ સ્વામીને પૂછયું કે ભગવાન સાકાર છે કે નિરાકાર? તો સ્વામીએ જવાબ આપ્યો કે ભગવાન નિરાકાર પણ છે ને સાકાર પણ છે. પછી પેલા પંડિત કહે હું કાંઈ સમજ્યો નહિ. સ્વામી કહે તમે આટલા બધા શાસ્ત્રો ભણ્યા તો ય મારી વાણી પણ તમે સમજતા કેમ નથી? શું કારણ? મેં તમને એક જ વાક્યમાં જવાબ આપ્યો કે ભગવાન સાકાર છે અને નિરાકાર પણ છે. તો તે કહે અરે! બે ય કેવી રીતે બને? સ્વામી કહે એ બંને વાતની ત્યારે જ ખબર પડે કે જ્યારે ભગવાનના સ્વરૂપનો અનુભવ થાય. તમારી ઉંમર કેવડી મોટી થઈ! તમે હજુ દરરોજ, કાયમ શાસ્ત્રોનું મનન કરો છો. મારી વાત સાચી છે કે ખોટી તે કહો? તેમ છતાં ય તમને આ વસ્તુ સમજાઈ નથી. ત્યારે એ વાતો શું કામ આવશે? તમે કહો એ વાતો તમારી સાથે આવશે ખરી? તો કહે હવે શું કરવું? સ્વામી કહે હવે જાગ્યા ત્યાંથી સવાર. સાચી સમજણ કેળવો, કે ભગવાન દિવ્ય સ્વરૂપે સાકાર છે અને પોતાનામાંથી નીકળતી અન્વય દિવ્ય શક્તિ જે પ્રકાશરૂપ છે, જે અનંત બ્રહ્માંડોમાં વ્યાપક છે, બધા પ્રકાશથી જુદો પ્રકાશ છે. જેને કોઈ આવરણ નથી. ઘટ ઘટમાં સર્વત્ર વ્યાપક છે. એ મહારાજની અન્વય શક્તિ નિરાકાર છે. ભગવાન એ અન્વયશક્તિ દ્વારા નિરાકારરૂપે વર્તે છે. અને જીવના ચૈતન્યને એક મહાન, વરિષ્ઠ દિવ્ય સુખ આપવા માટે પોતે સાકાર સ્વરૂપે બિરાજે છે. એ તો જ્યારે અનુભવ થાય ત્યારે જ ખબર પડે ને? સાકર અને ગોળ બંનેના સ્વાદમાં ખૂબ ભેદ છે ને? ખરેખર બંને ગળ્યા છે, પણ બંનેનું ગળપણ અલગ-અલગ છે. તો ખબર ત્યારે જ પડે કે મોઢામાં સાકર લે અને પછી ગોળ લે એટલે ખબર પડે. ત્યાં સુધી ન જ પડેને? આ અન્વય અને વ્યતિરેક સ્વરૂપની ત્યારે જ ખબર પડે કે જ્યારે ભગવાનના સુખનો અનુભવ થાય. દિશ બતાવાય, પણ જ્યાં સુધી એ સુખનો અનુભવ ન થાય, ત્યાં સુધી શંકા રહ્યા કરે. તો એ શંકાને ટાળવાને માટે અનુભવ કરવો પડે. એ ભગવાન વડે ભગવાન મળે. તો એ ભગવાનને વળગી રહેવાનું. એ પ્રયોગ શરૂ કરી દેવાનો.

એ ભગવાનના સ્વરૂપ સાથે લગની લગાડીએ. જેવી મીરાંબાઈએ શ્રીકૃષ્ણ ભગવાનને વિશે લગાડી હતી એવી. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી મહાપ્રભુજી એક અને અદ્વિતીય છે, તેવો મારો પોતાનો અનુભવ છે. એટલે તે આધારે કહું કે એમ માનવામાં કાંઈ જ ખોટું નથી. એ સત્ય છે. પ્રયોગ કરવાથી ખબર પડી જાય. પણ એ પ્રયોગ તો કરવો પડેને? એક વિદ્યાર્થી અઢાર વર્ષ સુધી મહેનત કરે, રોજ છ કલાક શાળામાં જાય, છ-સાત જેટલા શિક્ષકો એને ટ્યૂશન આપે, ઘરે ગૃહકાર્ય કરે. અઢાર વર્ષ આ સાધના કરે ત્યારે શું પ્રાપ્ત થાય? પોતાનો નિર્વાહ થાય એવું કોઈ પણ સાધન મળી આવે. પછી પાછા સાવ બધું ભૂલી જાય. એક દાખલો પૂછે તો કહે ભાઈ, એ તો હું ભૂલી ગયો. ત્યારે કશું જ રહેતું નથી. તો આટલો બધો દાખડો કર્યો છતાં પ્રાપ્તિ કેટલી? થોડીક અને આ પ્રાપ્તિ કરવાને માટે થોડોક દાખડો તો કરવો પડેને? થોડા દાખડાથી પણ ભગવાન પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન કહે છે, હું આટલો બધો સમય નહિ જવા દઉં. તું મારી સાથે પ્રેમથી વળગી રહે. જે બધી થોડી-ઘણી અણસમજણ હોયને એ દોષો મોટા પુરુષ થકી ટાળવા જોઈએ. સમજણથી દોષો ટળી જાય. અને એ ભગવાન તરફ લગની લાગી જાય. એ થઈ જાય તો કરવાનું બધું થઈ ગયું. અને એ થઈ જાય પછી તો આપો-આપ બધા જ કામ થઈ જશે. કોઈ કામ બાકી નહિ રહે. જ્યારે આ સુખનો અનુભવ થાય ત્યારે બધું પૂરું. તો પાત્રતા કેળવવી. એ કેળવાતાં ભગવાન પોતાની કૃપા જરૂર વરસાવે છે. કૃપા વરસાવ્યા વગર રહે જ નહિ. નહિતર એ ભગવાન ન કહેવાય. ભગવાન તો કૃપાસાધ્ય છે. એનું કામ જ કૃપા વરસાવવાનું. એ શોધે છે કે કોઈ મારા તરફ આવે છે? પોતે શોધવા જાય એવા પ્રભુ કૃપાળુ, કેટલા કરૂણા સાગર કહેવાય? તેઓ આપણને શોધે છે. શોધી, સુધારી, સારા બનાવી અને પોતાનું સુખ ભોગવે એવા બનાવી દે છે. આમ કૃપા વરસાવવી એ પોતાના મુક્તનું અંગ છે. જો એમ ન હોય તો જીવને ભગવાન મેળવવાનું કામ કેવી રીતે ચાલે? સુખ કેવી રીતે મળે? એ મહાન કેવી રીતે બને? તો એમનું બ્રહ્મજ્ઞાન એ અન્વયશક્તિ. પેલું બ્રહ્મજ્ઞાન જુદું. બ્રહ્મજ્ઞાનમાં જે સમજણ છે એ અલગ-અલગ છે. બ્રહ્મ કહેતાં ભગવાનની દિવ્ય શક્તિ જે ઘટ-ઘટમાં વ્યાપેલી છે, જે અંતર્યામિ શક્તિ છે, જે પ્રારબ્ધ અને બધાનાં કર્મોની આપોઆપ નોંધ કરી નાંખે છે. એ પ્રભુની અન્વય શક્તિ કામ કરે છે. જીવ-જીવ પ્રત્યે જે જે કર્મો કરે એ કર્મ એના કારણ દેહ સાથે આપોઆપ જોડી દે છે. જેને વિધાતા શબ્દ વાપરીએ છીએ. તો આ કર્મો આપોઆપ વળગી જાય છે. એમાં જરાય મિથ્યા થતું નથી. અનેક જન્મોના કર્મો આપણે અહીં આવ્યા ત્યારે આપણી સાથે જોડાયેલા છે. જ્યારે પ્રભુ મળે ત્યારે જેમ અગ્નિ તૃણને બાળી નાંખે છે, તેમ પ્રભુ જ્યારે કૃપાદૃષ્ટિ કરે ત્યારે કર્મો નાશ થઈ જાય. નહિ તો કર્મો કદી નાશ ન થાય. કર્મો તો પ્રભુની કૃપાથી જ નાશ થાય. ત્યારે કર્મબંધનો અને પ્રારબ્ધ નાશકર્તા એક સર્વોપરી મહાપ્રભુજી જ છે. જરૂર પ્રારબ્ધ દૂર થઈ જાય. ભલે શાસ્ત્રોમાં લખ્યું છે કે પ્રારબ્ધ તો ભોગવવા જ પડે. ન પણ ભોગવવા પડે. ભગવાન કહે છે કે મારી કૃપાને કોઈ શરત નથી. બહુધા એ વાત સાચી છે કે પ્રારબ્ધ ભોગવવા જ પડે, પણ જો ભગવાન ઓળખાઈ જાય તો પ્રારબ્ધનો અંત આવે. આવા સરળ ભગવાન ઓળખાણા તો એ ભગવાનને લાગી પડવાનું. એને અંતરમાં રાખીને બધું જ કામ કરવાનું. કામ સરસ કરવાનું. તેમ છતાં કામ સારું કર્યું એનું અનુસંધાન રાખી કામ કરવા છતાં જો પ્રભુ આપણી બધી વૃત્તિઓ ખેંચીને કામ ન કરવા દે તો સમજવું કે આપણા ભાગે જે કર્તવ્ય છે એ પૂરું થઈ ગયું. જ્યારે પ્રભુમાં જોડાઈ જાય, ત્યારે કશું જ કરવાની શક્તિ રહેતી નથી. કરવાનું પૂરું થઈ ગયું. એમ થાય ત્યારે વાત જુદી છે. ત્યાં સુધી ભગવાન સાથે જીવ જોડી અને પોતાનું કર્તવ્ય નિરાસક્ત રહીને કર્યા જ કરવું.

સહજાનંદ સ્વામી મહારાજની જય.


સારાંશ

મહારાજ અને મહારાજના મુક્ત અજાણપણાની સ્થિતિ રાખે છે જો ન રાખે તો મતિ ભમી જાય. સંકલ્પ શમાવે તે સંત અને સંકલ્પ ન થાય તે ભગવંત કહેતાં અનાદિમુક્ત.

ફક્ત શાસ્ત્રો વાંચવાથી ભગવાન ઓળખાતા નથી. ચૈતન્યમાં મૂર્તિ પધરાવવાથી સુખ આવે છે. ભગવાનને પામવા પુરુષાર્થ કરવો પડે, પાત્રતા કેળવવી પડે. પાત્રતા કેળવાતા ભગવાન કૃપાવર્ષા કરે છે, કૃપાસાધ્ય બને છે. ભગવાન આપણને શોધી, સુધારી અને એમનું સુખ ભોગવીએ એવા પાત્ર બનાવે છે. એવી એમની કૃપા છે. પ્રભુ કૃપાદૃષ્ટિ કરે ત્યારે કર્મો નાશ થઈ જાય છે. ભગવાનની કૃપાને કોઈ શરત નથી. ભગવાન ઓળખાઈ જાય તો પ્રારબ્ધનો અંત આવે. જ્યાં સુધી વૃત્તિઓ ખેંચાઈને ભગવાનમાં જોડાઈ ન જાય, ત્યાં સુધી નિરાસક્ત રહી પોતાનું કર્તવ્ય કર્યા કરવું. શંકા-અણસમજણ અનુભવી સંત થકી સમજીને દૂર કરવી. અનુભવ થયે બધું જ્ઞાન થઈ જાય છે.