21
છેવટનો અર્થ કાઢીએ તો એ એક જ થાય કે જોવા જેવું તો એક શ્રીહરિનું સ્વરૂપ છે. દરેકને માટે છેવટે તો એ એક જ રહેવાનું. છેવટે તો એક શ્રીહરિના દિવ્યસ્વરૂપનો અનુભવ કરી એ મૂર્તિમાંથી છૂટતી સુખની ધારાઓનો આહાર કરવો એ જ રહેવાનું છે.
ભગવાનનું એ સુખ મેળવવાને માટે, ભગવાનના સ્વરૂપમાં જોડાવાને માટે શક્ય એટલું ઓછું જમીએ. બધી ઇંદ્રિયોના આહાર શુદ્ધ કરીએ. એ ખરું તપ છે. એવું તપ ભગવાનને ખૂબ વહાલું છે. મહારાજે વનવિચરણ દરમ્યાન એટલું બધું આકરું તપ કરેલું કે શરીરમાંનું રૂધિર સૂકવી નાંખ્યું. આખા શરીરમાં પાણી સિવાય કાંઈ રહ્યું નહિ. રૂધિર વગર કોઈ જીવી શકે ખરો? ત્યારે એમણે કહ્યું કે, "અમે તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છીએ. અમારે દેહ જેવું નથી." દેહનું રૂધિર સૂકવી નાંખીને શરીરમાં એકલું પાણી રહે એ વાત બીજાથી શક્ય નથી. બીજાની શિક્ષાને અર્થે મહારાજે એવું તપ કરી બતાવ્યું. તપથી ભગવાન રાજી થાય છે અને ભગવાનના સ્વરૂપમાં પ્રતિલોમ વૃત્તિ સરળતાથી થાય છે.
મૌનવ્રત ગ્રહણ કરીને એકાંત સેવનનો અનુભવ જે કરી શકે અને ખરેખર એમ કરે તો એના જેવું એકે ય સારું નહિ. જેમ સમય મળે એમ થોડું થોડું એકાંતનું સેવન કરવું જોઈએ. મૌન એટલે ભગવાનના સ્વરૂપમાં મન સ્થિરતાથી જોડાય અને મનની અસ્થિરતા બિલકુલ મટી જાય એનું નામ મૌન. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિની સંપૂર્ણ સ્થિરતા એ આત્યંતિક મૌન છે. મૌનનો અનુભવ તો જ્યારે જ્યારે અનુકૂળતા હોય, ત્યારે અવશ્ય પ્રાપ્ત કરવો જોઈએ. મહિનામાં કોઈ એવો અનુકૂળ દિવસ હોય ત્યારે મૌન રાખવું. રવિવારે અનુકૂળતા હોય તો તે દિવસે પણ મૌન રાખી શકાય. એવા કોઈ દિવસે સંપૂર્ણપણે મહારાજની મૂર્તિમાં જોડાવા માટે મૌન રાખવું. મૌનના નિયમો પ્રમાણે મૌન રાખી મહારાજની મૂર્તિમાં જોડાઈએ તો મહારાજ ખૂબ રાજી થાય.
મહારાજરૂપ છીએ એવો ભાવ દૃઢ થઈ જાય તો આપણને એમ લાગે કે મહારાજ ને મુક્તો સદાય ભેળા છે. પછી એકલાપણું લાગે ખરું? એકાંતસેવનમાં જો મહારાજ અને મુક્તોનું ભેગાપણું ન લાગે તો દિવસ કાઢવો કઠણ થઈ જાય. પણ ભગવાનની સોબત હોય અને એમની સાથે ગોઠડી ચાલતી હોય તો એકલાપણું ન લાગે. અત્યારે આપણે બધા ભેગા થયા છીએ તો એકલાપણું લાગે છે? શું કામ એકલાપણું નથી લાગતું? કારણ કે એકબીજા સાથે ગોઠડી કરીએ છીએ. બધા ભેગા થઈને સાત્ત્વિક આનંદ કરીએ છીએ. એમ ભગવાનની સાથે સોબત હોય અને ગોઠડી ચાલતી હોય તો કોઈ દિવસ એકાંત જેવું લાગે જ નહિ. મઝા જ આવે. એમાં ક્યાં એકલાપણું રહે? એકલાપણું હોય તો મઝા ન આવે હોં! બેકલાપણું જોઈએ. મહારાજ અને મુક્તો. મહારાજ આવ્યા તો બધું આવ્યું. મહારાજે આપણને એવી રીતે ભેગા રાખ્યા છે. મહારાજ કહે છે કે ભાઈ, તમે કદી ય એકલા નથી. તમારી ભેળો હું અખંડ રહ્યો છું. એવો કેફ રાખો. એવી હૂંફ રાખો એમ મહારાજે અને બાપાએ કહ્યું છે. આપણે સૌ અહોભાગી છીએ! કોઈ નાના-મોટા નથી. કોઈને અધિક-ન્યૂન સુખ જેવું નથી. બધાયની એક સરખી સ્થિતિ કરાવી છે. અનાદિમુક્તની પંકિતમાં ભેળવી દીધા છે. એટલે એમાં કોઈ દિવસ શંકા લાવવી નહિ.
પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની વાતો ભલે એકની એક હોય તો ય નવીન લાગે છે. આ લોકની વાતો ભલે ગમે તેટલી સારી હોય, પણ ફરી કહે તો સારી ન લાગે. ભગવાનની વાતો, પ્રત્યક્ષ અનુભવની વાતો ભલે એકની એક હજાર વાર કરે તો પણ એટલો જ આનંદ આપે. કારણ કે તે પ્રત્યક્ષ પ્રભુના સંબંધવાળી વાતો હોય છે.
શ્રી હરિનારાયણદાસજી સ્વામી એ મહાન સદ્ગુરુ હતા. એકવાર મૂળીમાં મંદિર સંબંધી કંઈક બાંધકામનું કામ ચાલતું હતું. ત્યારે એક જણ પાલખ ઉપરથી નીચે પડી ગયો ને ધામમાં જતો રહ્યો હોય એવું થઈ ગયું. એ વખતે હરિનારાયણદાસજી સ્વામી ધ્રાંગધ્રા મંદિરમાં હતા. તેઓશ્રી જાણી ગયા હોય કે બહારથી સમાચાર મળ્યા હોય તેની મને ખબર નથી. પણ એમને તે સમાચાર પહોંચી ગયા. ખબર મળ્યા કે પેલો કારીગર હતો તેનો દેહ પડી ગયેલો. સ્વામીશ્રીએ મહારાજને પ્રાર્થના કરી. ધ્રાંગધ્રા મંદિરમાં એકચક્ષુવાળી સુંદર મૂર્તિ છે તેમની આગળ ઊભા રહી પ્રાર્થના કરી કે, "મહારાજ! તમારા મંદિરનું કામ થાય છે અને આ રીતે કોઈનો દેહ પડી જાય એ તો લાંછન લાગે. એ સારું ન કહેવાય. તમે કંઈક દયા કરો તો સારું, નહિતર આપણું ઝાંખુ દેખાશે."
ત્યારે મહારાજે એ વખતે પ્રતિમાભાવ છોડી દીધો. અને હરિનારાયણદાસજી સ્વામીને કહ્યું, "સ્વામી, તમારો સંકલ્પ છે તો અમે ઝાંખું નહિ દેખાવા દઈએ. એ કારીગર હરિભક્તને દેહ પડ્યા પછી એનો જીવ અમે અમારી પાસે ખેંચી લીધો છે, પણ તમારો સંકલ્પ છે એટલે તેના જીવને ફરીથી તેના દેહમાં મૂકી દઈએ છીએ." પછી પેલા દેહ મૂકી ગયેલા કારીગર ભક્ત બેઠા થઈ ગયા. એવા સમર્થ એ સદ્ગુરુ હતા. એવા મોટા સદ્ગુરુ પણ અબજીબાપાશ્રીનો જોગ-સમાગમ કરતા. એકવાર બાપાશ્રી મૂળી પધાર્યા હતા ત્યારે સ્વામીશ્રીને આંખે સારું ન હતું. ખૂબ તકલીફ હતી. તે સહન ન થઈ શકે એવી હતી. બાપાશ્રી સ્વામીના આસને ગયા ત્યારે હરિનારાયણદાસજી સ્વામીએ બેઠા થઈને બાપાને કહ્યું, "આવો, આવો." પછી પોતાની પાસે આસન ઉપર બેસાડ્યા. પછી બાપાશ્રીએ પૂછયું, "સ્વામી, તમને કેમ છે?" ત્યારે તેઓ કહે, "બાપા, બધાને એમ કહું છું કે મને સારું છે, પણ આ તકલીફ તો એટલી બધી છે કે મારા સિવાય કોઈ સહન ન કરી શકે. એટલી બધી તકલીફ છે. તમે રાજી થઈને આશીર્વાદ આપો તો કંઈક રાહત થાય." પછી બાપાશ્રી કહે, "તમે કાંઈક જમાડવાનું કરતા હો તો?" તો કહે, "બાપા, શું જમાડું?" બાપા કહે, "અંદર કાંઈ જમવાનું પડ્યું નથી?" તો કહે, "બાપા, અંદર શું પડ્યું હોય તે ખબર નથી." બાપા કહે, "સારું, એમ કરો થોડી રાબ પીઓ તો તમને દરદમાં રાહત થશે." સ્વામી કહે, "બાપા, અત્યારે કોઈ સેવક આંહીં નથી તો રાબ કોણ કરી આપે? એ બધું ક્યારે થાય? એના કરતાં રાજી થઈને હાથ ફેરવી દોને એટલે બધું મટી જાય." પછી બાપા કહે, "સારું ત્યારે હાથ ફેરવી દઈએ." પછી બાપાએ હાથ ફેરવી દીધો અને સ્વામીને સારું થઈ ગયું. તો એવા મોટા જબરજસ્ત સદ્ગુરુ હતા, છતાં બાપાશ્રીનો મહિમા સમજતા હતા. મોટા મોટાને ઓળખે. શ્રીજીમહારાજે મોકલેલા પોતાના સંકલ્પસ્વરૂપ અનાદિમુક્તની વાતો તો જુદી જ હોય ને? તો એવા મુક્તનો આજે પ્રાગટ્ય દિન આપણે ઉજવ્યો.
બાપાશ્રીએ સોમચંદબાપાને ઠાવકા કહેલા. ઠાવકા કોને કહેવાય? ઠાવકા એટલે પળેપળ સદાય સાવધાન. આજ્ઞામાં સાવધાન. બધાને રાજી કરવામાં સાવધાન. ભગવાનના મનુષ્ય ચરિત્રમાં સંકલ્પ ન થાય, એમાં ય સાવધાન? મહારાજ કેમ કરીને રાજી થાય, શું કરીએ તો રાજી થાય એવું એમને વિચારતાં પણ સરસ આવડે. કોઈ માર્ગ કાઢતાં પણ સરસ આવડે. સેવા કરતાં ય સરસ આવડે, એમ બધી વાતે સાવધાન હતા. એમ બધી વાતે સાવધાન હોઈ બાપાએ એમને ઠાવકા કહ્યા. તો આપણે પણ શા માટે ઠાવકા ન થઈ શકીએ? આપણે ઠાવકા થઈ શકીએ એ માટે ઠાવકાપણું એમણે બતાવ્યું. એ ઠાવકાપણું એમના પૂરતું ન હતું. એ તો આપણને શીખવવા માટે, આપણને ઠાવકા બનાવવા માટે હતું. એમને માટે ઠાવકા રહેવું કે સાવધાન રહેવું એવું ક્યાં હતું? એમને તો કાંઈ કરવાનું રહ્યું જ ન હતું. છતાં શિક્ષાર્થે એમણે ઠાવકાપણાનું દર્શન કરાવ્યું. અહીં બેઠેલા ઘણા બધા મુકતોએ એમનો સમાગમ કરેલો હશે એમ હું માનું છું. એમની વાતો તો ઘણી બધી છે. એમાંની સૌથી સરસ વાત એ છે કે એમના જેવા ઠાવકા થવું જોઈએ. જો એમના જેવું ઠાવકાપણું આવે તો એક ઘડી પણ દેહભાવ ન રહે અને સદાય મૂર્તિરૂપ વર્તાય.
મહાભારત અને રામાયણ ગ્રંથો વાંચીએ તો ખબર પડે કે કેટલા બધા સંગ્રામો ખેલાયા! મહાભારત શરૂ થાય અને એ પૂરું થાય ત્યાં સુધી એમાં આંતરિક અને બાહ્ય લડાઈ જોવા મળે છે. એવી જ રીતે રામાયણમાં પણ જોવા મળે છે. ભગવાન પ્રગટ થાય ત્યારે સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ ચાલે છે. એ લડાઈ ચાલુ જ રહે છે. હજુ પણ ચાલે છે અને એ ચાલુ રહેવાની. બાપાશ્રી કહે છે કે સત્ય અસત્ય સામે પ્રતિકાર કરે ત્યારે જ જીવો સત્યને ઓળખી શકે અને સત્યમાં જોડાઈ શકે, નહિતર સત્યમાં જોડાવાનો વિચાર સરખો પણ ન આવે. એટલે આ જે સંગ્રામ હોય છે એ પણ કેવળ જીવના કલ્યાણ માટે જ ભગવાન ચલાવતા હોય છે. આ સંગ્રામ અનંતકાળ સુધી ચાલવાનો. જો સંગ્રામ બંધ થઈ જાય તો સત્યને ઓળખી શકાય નહિ. અને સત્યસ્વરૂપ એવા ભગવાન પણ ઓળખાય નહિ. સત્યસ્વરૂપ ભગવાન ન ઓળખાય તો કલ્યાણ કેવી રીતે થાય? એટલે અસત્યની ઘટનાઓ પણ સત્યને ઓળખવામાં મદદ કરે છે. એમાં કેટલીકવાર કેટલાક પરિતાપ અને દુઃખો પણ વેઠવા પડે છે. કંઈ ના કંઈ ભયંકર પરિણામો જોવા પડે એવું બધું જ થાય. આ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયની એક લીલા છે. એ પણ એના (ભગવાનના) સ્વરૂપને ઓળખાવવા માટે છે, એ જો બરોબર સમજાય તો. ભગવાનનું ભયંકર સ્વરૂપ જો ભગવાન દેખાડે તો ધમાલ કરી મૂકે. અને કૃપા કરીને બીજી બાજુ દિવ્ય મનોહર સ્વરૂપ પણ દેખાડી દે. પરંતુ એ બંને સરખું છે. એ તો કેવળ જીવોના કલ્યાણ પૂરતું દૃશ્ય હોય છે. આ બધી વાત જો બરોબર ધ્યાનમાં હોય તો આપણને આપણું કર્તવ્ય શું છે એનો ખ્યાલ આવે.
એમ કહેવાય છે કે Duty is God.. અંગ્રેજીમાં કહ્યું છે. ડ્યુટી એટલે ફરજ- કર્તવ્ય, એ પરમાત્મા છે, એમ કહ્યું. એટલે કર્તવ્ય એ પરમાત્માનું સ્વરૂપ છે. એ કર્તવ્ય શું? તો આજ્ઞાનું પાલન. આજ્ઞાનું પાલન એ કર્તવ્ય. અને આજ્ઞા એ ભગવાનની દિવ્યવાણી અર્થાત્ ભગવાનનું સ્વરૂપ. તો કર્તવ્ય એ ભગવાનનું સ્વરૂપ થયું કે નહિ? કર્તવ્ય એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કરેલું કાર્ય. અર્થાત્ ભગવાનની આજ્ઞાનું પાલન. એ પાલન ઠાવકા રહીને એટલે સાવધાન રહીને કરવું જોઈએ.
ભગવાનને જે વખતે જેના દ્વારા જે કાર્ય કરાવવાનું હોય એ કરે છે. કેટલાક મુક્તોને ભગવાન પોતાના સ્વરૂપમાં લીન રાખીને સુખ જ આપ્યા કરે અને દેહના દર્શન કરાવ્યા કરે. એમને કોઈ લપછપ નહિ. તો કેટલાક મુક્તો પાસે ભગવાન એવું કાર્ય કરાવે જે જીવોના કલ્યાણ માટે કરવું જરૂરી હોય. પોતાનું સુખ આપે અને આ કામ ઠાવકા રાખીને કરાવે એ બંને સરખું છે. એમાં ભેદ નથી. કારણ કે એને બાધિતાનુવૃત્તિ રાખી ને કામ કરાવવું છે. અને પેલાને બાધિતાનુવૃત્તિ રાખીને કામ નથી કરાવવું. અને કરનારા તો એ પોતે થયા, માટે બંનેને સુખ મળે છે. બંનેને મહારાજની પ્રસન્નતા એક સરખી મળે છે. એટલે એ કર્તવ્ય પણ કરવું જોઈએ.
ધામમાંથી ભગવાને પોતાના સંકલ્પથી જે મુક્તને પ્રગટ કર્યા હોય એ મુકતનો આખો ય દેહ દિવ્ય હોય છે. હાથ-પગ, મસ્તક બધું જ દિવ્ય હોય છે. એમનાં હાડ-માંસ, મળ-મૂત્ર પણ દિવ્ય હોય છે. શ્રીકૃષ્ણ ભગવાને રથ ને ઘોડા વગેરે દિવ્ય બનાવ્યા હતા. તો મૂર્તિમાંથી મુક્ત પ્રગટ થયા હોય તે દિવ્ય હોય તેમાં શું કહેવું?
મહારાજની પ્રસન્નતાના સાધન હંમેશાં કરવા. આ જ ભગવાનની આજ્ઞા. ભગવાનના સ્વરૂપમાં રહેતા હોય એવા મુક્તોએ પણ ભગવાનની આજ્ઞા બીજાની શિક્ષાર્થે અણીશુદ્ધ પાળી છે. મહારાજની આજ્ઞા પાળીએ તો મહારાજ રાજી થાય. નિર્વિકલ્પ થઈ જવું. નિર્વિકલ્પથી સુખિયા ને સંકલ્પથી દુઃખિયા. તો નિર્વિકલ્પ જ ન થઈ જઈએ? શું કામ સવિકલ્પ થવું? સંકલ્પી થઈએ તો દુઃખિયા થવાયને? એટલે જીવમાંથી જ સંકલ્પી મટી જવું. સદાય નિર્વિકલ્પ રહેવું. મારી વાત અહીં પૂરી થઈ.
સારાંશ
સારનો સાર એ કે દરેકે મહારાજના દિવ્ય સ્વરૂપનો અનુભવ કરવાનો છે. એ માટે બધી ઇંદ્રિયોના આહાર શુદ્ધ કરવા જરૂરી છે. એવું તપ કરવાથી ભગવાન રાજી થાય છે. અને ભગવાનમાં પ્રતિલોમ વૃત્તિ સરળતાથી થાય છે. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિની સંપૂર્ણ સ્થિરતા એ આત્યંતિક મૌન છે. સમય અનુસાર દરેકે મૌન રહી મનની અસ્થિરતા ટાળવા પ્રયત્ન કરવા. એકાંતવાસમાં ભગવાન અને મુક્તોને સાથે રાખવા. તેમની સાથે ગોઠડી કરવી તો એકલાપણું ન લાગે. ભગવાનની આજ્ઞાઓ પાળવી. નિર્વિકલ્પ થવું, સંકલ્પી ન થવું.
મહારાજની એકની એક વાત અનુભવી પાસેથી વારંવાર સાંભળીએ છતાં નવીન લાગે, કારણ કે એ અનુભવની વાણી હોય છે.
મોટા-મોટા સંતો પણ બાપાશ્રીનો મહિમા જાણી તેમનો જોગ-સમાગમ કરતા. મોટાને મોટા ઓળખે.
આપણે બધાએ ઠાવકા થવું. ઠાવકા એટલે સાવધાન. બધી બાબતમાં સાવધાન રહેવું એવું મોટા આપણને શીખવી ગયા છે. તે આપણે સાવધાન થઈ શીખવું. જો એ શીખી જઈએ તો દેહભાવ ન રહે સદાય મૂર્તિરૂપ વર્તાય.
સત્ય અસત્ય સામે પ્રતિકાર કરે ત્યારે જ સત્યની ઓળખ થાય. ભગવાનનું ભયંકરરૂપ અને દિવ્ય મનોહરરૂપ બંને સરખું છે, એ સમજતા શીખવું તો આપણા કર્તવ્યની આપણને જાણ થાય. કર્તવ્ય એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર કરેલું કાર્ય.
ભગવાન કોઈક મુક્તને પોતાનું સુખ આપે છે અને કોઈક પાસે કામ કરાવે છે, પણ સુખ તો બંનેને આપે જ છે એટલે તે બંને વસ્તુ એક જ કહેવાય. બંનેને પ્રસન્નતા એક સરખી જ મળે છે.
ધામમાંથી આવેલા મુક્તનો દેહ દિવ્ય હોય છે.