નિવેદન

0:000:00

'શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન' સંસ્થાના સંસ્થાપક, પ્રેરક, પોષક, સંવર્ધક અને આજીવન પ્રમુખ અ. મુ. પ. પૂ. શ્રી નારાયણભાઈની આત્મા-પરમાત્માના અખંડ સાક્ષાત્કારની અને પરમાત્માના દિવ્ય સુખભોક્તાની સર્વોત્કૃષ્ટ સ્થિતિ સત્સંગને સુવિદિત છે.

જેમ પરમાત્માની વાણી એ પરમાત્માનું જ સ્વરૂપ ગણાય છે, તેમ પરમાત્માનું પરમ સાધર્મ્ય પ્રાપ્ત કરેલા અનાદિમુક્તની વાણી પણ પરમાત્માના સાક્ષાત્ સંબંધવાળી હોવાથી પ્રેરણાપીયૂષ પ્રદાન કરનારી, પરમ આદર્શરૂપ અને અનુકરણીય બની જાય છે. કારણ કે અનાદિમુક્ત દ્વારા સ્વયં શ્રીહરિનું કર્તાપણું હોવાથી તેમના મુખે બોલનારા પ્રભુ જ છે.

મનુષ્યરૂપે પ્રત્યક્ષ સત્પુરુષનો જોગ-સમાગમ-સેવા તો પરમ કલ્યાણકારી છે જ, પરંતુ તેવો પ્રત્યક્ષ જોગ ન હોય ત્યારે તેમની અનુભવસિદ્ધ દિવ્યવાણી પણ અનેક મુમુક્ષુ સાધક માટે પ્રભુપ્રાપ્તિરૂપ અંતિમ મુકામ તરફ દોરી જવા માટે પથદર્શક ગુરુરૂપ બની રહે છે.

આવા મહાન સદ્‌ગુરુવર્ય અનાદિમુક્ત પૂજ્ય શ્રી નારાયણભાઈ અનેક વખત સત્સંગસભામાં પોતાની અલૌકિક વાણીનો લાભ આપતા. પહેલા તો તેઓ પોતાની વાણીનું ઑડિયો રેકોર્ડિંગ-ધ્વનિમુદ્રણ થાય તેમાં બિલકુલ સંમત ન થતા. તેઓશ્રી જણાવતા કે શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા સદ્‌ગુરુઓની વાણીમાં બધાની વાણીનો આપોઆપ સમાવેશ થઈ જ જાય છે. માટે બીજી વાણીનું રેકોર્ડિંગ શા માટે કરવું? પછી સર્વ હરિભક્તોના અતિ પ્રેમ ને આગ્રહને વશ થઈ પ્રવચનોનું રેકોર્ડિંગ થતું હોય તો તેમાં વાંધો લેતા નહિ.

સભાને અંતે સમાપન વક્તવ્ય પૂજ્યશ્રી નારાયણભાઈનું રહેતું. તેમાં તેઓશ્રી સ્વામિનારાયણીય તત્ત્વજ્ઞાન, સર્વોપરી ઉપાસના, અનાદિમુક્તની દિવ્ય સ્થિતિ, ધર્મ-ભક્તિ, જ્ઞાન-ધ્યાન, કાર્ય-કારણ સત્સંગ વગેરે અનેક ગહન વિષયો ઉપર સભામાં બેઠેલા સંત-હરિભક્તોને સરળતાથી સમજાય એવી પ્રભાવક ને પ્રાસાદિકી શૈલીમાં પ્રવચનો આપતા. તે પ્રવચનોના ધ્વનિમુદ્રણના આધારે આ ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો છે. બોલવાની ઢબ અને લેખનની ઢબ જુદી પડે તે સ્વાભાવિક છે. એટલે કેટલીક વાક્યરચનાઓ વ્યાકરણ મુજબ સુધારવામાં આવી છે, જે વાંચકવૃંદની સરળતા માટે અનિવાર્ય બાબત છે. સભાને અનુરૂપ અમુક ઔપચારિક અને વ્યાવહારિક વાતો પણ પ્રવચનોમાં કરવી પડતી હોય છે. એટલે તેવી વાતો ન લેતાં તેમાંથી જીવનઉપયોગી સાર અંશોરૂપે લઈ લેવામાં આવ્યો છે. રહસ્ય જ્ઞાનને લગતી વાતોનો યથાવત્ સમાવેશ કરવામાં આવ્યો છે.

આવી અદ્‌ભુત વાણીને 'અમૃત સરિતા' શીર્ષક હેઠળ અક્ષરદેહ આપી આ સંસ્થાના રજત જયંતી પર્વના ઉપલક્ષે પ્રકાશિત કરવામાં આવેલ. જેને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડતાં ઉત્તરોત્તર તેની તૃતીય આવૃત્તિ રજુ કરતાં ગૌરવ અને હર્ષ અનુભવાય છે. વાચકવૃંદ તેનો મહદ્ લાભ ઉઠાવી પોતાના જીવનને પ્રભુપ્રાપ્તિરૂપ સર્વોત્કૃષ્ટ ધ્યેયરૂપે કંડારવા પ્રયત્નશીલ રહી પ્રભુ પ્રસન્નતાના અધિકારી બની રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા તથા સદ્‌ગુરુવર્યને અંતરની પ્રાર્થના!

સં. 2069, મહા સુદ છઠ

ઇ. સ. 2013, 16 ફેબ્રુઆરી


પ્રકાશન સમિતિ

શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન અમદાવાદ