12

0:000:00

સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ, પરમ કૃપાળુ બાપાશ્રી, સંત મૂર્તિઓ તથા વહાલા સત્સંગી બંધુઓ.

આજના પ્રસંગનું કાંઈ વર્ણન થઈ શકે એવું નથી. પ. પૂ. દિવ્યમૂર્તિ જાદવજીબાપાએ આ યજ્ઞ યોજીને આપણને ખરેખર ન્યાલ કરી દીધા! આપણને તેડાવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા. પ.પૂ. દિવ્યમૂર્તિ વાલબા તથા પ.પૂ. દિવ્ય મૂર્તિ રાધાબા એ શ્રીજીમહારાજના સમકાલિન લાડુબા ને જીવુબા સમા મહા અનાદિમુક્ત હતાં. બાપાશ્રી તેમને બાઈઓનો સત્સંગ ખૂબ વિકસાવવા માટે સાથે લાવ્યા. બાઈઓમાં અનાદિમુક્તની સ્થિતિ સમજાવવા માટે આ બંને બાઈઓએ જબરજસ્ત ફાળો આપ્યો છે. આજે એક ૮૦ વર્ષના વયોવૃદ્ધ હરિભક્ત પ.પૂ. લાલજીભાઈ મને હાથ ઝાલીને ઊભો રાખીને કહે, મેં બાપાશ્રીની લીલાઓ જોઈ છે. મને ૮૦ વર્ષ થયા. એ વખતે હું ૨૦ વર્ષનો હતો. એમણે એમ કહ્યું કે કચ્છના ૨૪ ગામના બાઈઓ અને હરિભક્તો વાલબા તથા રાધાબા બંનેના દર્શન કરવા આવતા. એમના દર્શન કરીને ધન્યતા અનુભવતા. વાલબા અને રાધાબાના પરચાઓ મેં નજરે જોયા છે. એમના જેવા કચ્છમાં કોઈ થયા નથી. એવા એ મહા અનાદિમુક્ત હતાં. એમણે બાપાશ્રીની પણ ખૂબ વાતો કરી. મને ખૂબ આનંદ થયો. આ છત્રીનું ઉદ્‌ઘાટન લાડુબા અને જીવુબાની લક્ષ્મીબાગમાં જેમ છત્રી છે એની સ્મૃતિ કરાવે છે. અવરભાવની દૃષ્ટિએ મર્યાદા હોય અને એ મર્યાદા ભગવાનના સુખ તરફ લઈ જવા માટે જરૂરી છે. બાકી તો એ ક્યાં સ્ત્રી હતાં? એ તો ચૈતન્યમૂર્તિ મહારાજના અનાદિમુક્ત હતા. સ્ત્રી સ્વરૂપે બાપા લાવ્યા જીવોને સમાસ કરવાને માટે. એ છત્રીમાં આપણે ભાઈઓએ દૂરથી દર્શન કરવા અને ધન્યતા અનુભવવી.

આ પ્રસંગે જે - જે મુક્તો આવ્યા, આપણે સૌએ એનો લાભ લીધો, એ કેવળ બાપાની મહાકૃપા. સાથે સાથે બાઈઓના મંદિરમાં શ્રીજીમહારાજ અને બાપાશ્રી બિરાજ્યા. સિંહાસન ખૂબ સુંદર થયું છે. એ જાણે અક્ષરધામરૂપ સિંહાસન ન હોય! એવો ભાવ અંદરથી નીકળે છે. શ્રીજીમહારાજ અને બાપા સદાકાળ માટે સૌને આશીર્વાદ આપશે. કૃપાને કોઈ શરત નથી. પાત્રતા હોય કે ન હોય, પણ જો એ પ્રભુની કૃપાદૃષ્ટિ પડી જાય અને એમ કહે કે તમને અમે અમારી મૂર્તિમાં રાખ્યા છે એનો વિશ્વાસ રાખજો. સમય આવ્યે એ સુખ ભોગવાવશે. તો આ કૃપાનું કામ છે. એકવાર કૃપાથી જો અલગ રીતે જુઓ તો શ્રીજીમહારાજના સુખમાં સંપૂર્ણ પાત્રતા વગર રહી શકાતું નથી. ગમે તેટલા ઉત્સવ સમૈયા કરે, ગમે તેટલી ભક્તિ કરે, ખૂબ જપ-તપ બધું જ કરે, છતાં પણ એ સુખમાં રહેવાની પાત્રતા કેળવી શકાતી નથી. અનેક જન્મ સુધી કરે ત્યાર પછી ભગવાનના અનાદિમુક્ત એને પ્રાપ્ત થાય છે. અને એ અનાદિમુક્ત દ્વારા ભગવાન એના ઉપર કૃપા વરસાવી આશીર્વાદ આપે ત્યારે જ એ સુખમાં રહેતા આવડે. બાપાએ ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો, છતાં આપણને સૌને એમ લાગે કે આ દેહભાવ કેમ જણાય છે? તો એ દેહભાવ ખોટો સમજવો. કેવળ વધુ સુખ આપવાને માટે, આ અવરભાવના કામ કરાવવાને માટે શ્રીજીમહારાજ અને બાપાશ્રીને ઓળખાવવાને માટે બાધિતાનુવૃત્તિ રાખી છે. બાકી આપણે બધાય એ દિવ્ય સુખમાં ભેળા છીએ. એ સુખનું મનન કરી, ચિંતવન કરતાં કરતાં સુખિયા રહેવું, અને મુક્ત દ્વારા જે આશીર્વાદ આપ્યા એ મહારાજે આપ્યા એ આપણે અદ્ધરથી ઝીલી લીધા છે. વારંવાર એ આશીર્વાદની વર્ષા વર્ષે છે. એ પ્રતીતિ કરાવે છે કે આપણા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. એ છેક સુધી દર્શન આપીને, પરચા આપીને એ પરચા સામાન્ય નહિ. એ સુખના પરચા. બીજા પરચા-ચમત્કાર તો સાવ નકામા છે. પરચા-ચમત્કાર ઇચ્છે તે પામર, એવા પરચા નથી. આ તો દિવ્યસુખના પરચાઓ. એ સાંભળીને અંતરમાં, ચૈતન્યમાં સુખની ધારા છૂટે છે, એવા એ પરચા છે. એને સંભારીએ તો પણ અવરભાવની રીતનું પણ ખૂબ સુખ આવે.

આ દિવ્યસભા ખૂબ ખૂબ વિકસે એમાં કોઈ દહાડો એકતા તૂટવાની નથી. ક્યારેક એવો ભાસ થાય એ અવરભાવની રીત હોવાથી થાય. આવી અનાદિમુક્તની સ્થિતિ બાપાશ્રીએ સમજાવી અને આ આશીર્વાદ જેને જેને મળ્યા છે, એના વચ્ચે કોઈ દહાડો એકતા તૂટવાનો સંભવ જ નથી, છતાં પણ એ અનુસંધાન રાખીને ખૂબ શાંત, સૌમ્ય, અંગ-સ્વભાવ કેળવવો કે જેથી બધાયને આનંદ આવે. બાપાશ્રી એમ કહેતા કે કોઈને તુંકારો કરીને બોલાવવો નહિ અને સૌ નાના-મોટા દરેક હરિભક્તોને દિવ્યસ્વરૂપે નિહાળવા. દેહ સામું નજર નહિ કરવાની. ચૈતન્ય સામે નજર કરવાની કે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. એ કૃપાનું અનુસંધાન જો રહે, તો એક ક્ષણ પણ એવી ન જાય કે જ્યારે ઉદ્‌વેગ કે કાંઈ દુઃખ થાય. આનંદ જ વર્તે. એ અનુસંધાન ભૂલાય એટલીવાર આનંદમાં ખામી આવે. બાકી આનંદમાં કોઈ ખોટ કે ઓટ આવવાનો સંભવ જ નથી. વિશ્વાસીને શીશ એમ બાપાએ કહ્યું. એ વિશ્વાસ તો જોઈએ જ. એ વિશ્વાસ એ આશીર્વાદ અદ્ધરથી ઝીલ્યા એનું પ્રતિક છે. વિશ્વાસ જો એકવાર આવી ગયો, તો જાણે અજાણે કાંઈ આજ્ઞા લોપાઈ જાયને! તો પણ મહારાજ એ માફ કરી દે છે. એમ દાસપણું એવું આવે કે કોઈકવાર નાની સરખી એવી આજ્ઞા ભૂલથી લોપાય તો દિલમાં એની દાઝ રહી જાય કે બાપા! આવું કેમ થઈ ગયું? દયા કરીને આવું કદીયે ન થાય, તમારી આજ્ઞા લોપાય નહિ, એ મર્યાદા લોપાય નહિ, એવી દયા કરજો એવી પ્રાર્થના કરવી. આ પ્રાર્થના એ નિષ્કામ વસ્તુ છે. જે પ્રાર્થના સ્વાર્થ કે આ લોકના હિત પૂરતી હોય, કે બાપા, આ રોગ મટાડી દેજો, આમ કરતા થોડી તકલીફ થાય છે તો માફ કરી દૂર કરજો, એવી બધી જે પ્રાર્થના એ સકામ છે, છતાં પણ બાપા તો જાણેને! એ દૂર કરી દે છે. નિષ્કામ પ્રાર્થના એ કોઈ ઇચ્છા કે સકામ વસ્તુ નથી. પ્રાર્થના એ તો મહારાજની મૂર્તિમાં જોડવા માટેનું એક અમોઘ સાધન છે. એવી પ્રાર્થનાની વાત કરું છું અને એ પ્રાર્થનામાં દાસત્વભાવ મહારાજ અને બાપાનું સતત અનુસંધાન કરતાં કરતાં કરવો.

અહીંયા એક રામાનંદી સંત કોઈ પૂર્વના યોગે કરીને આવ્યા. આ સ્થાન તરફ ખેંચાયા. એ અહીંયા છે. એ મને કહે કે મહારાજની મૂર્તિનું સુખ બરોબર આવતું નથી અને મનમાં ઘાટ - સંકલ્પના વિક્ષેપ ખૂબ નડે છે, તો એનું કેમ કરવું? મેં કહ્યું, અનેક જન્મ સુધી ભગવાનનું ચિંતન - મનન કરતાં કરતાં પાત્ર થાય ત્યારે એને મહારાજના અનાદિમુક્ત મળે છે અને એ આશીર્વાદ આપે છે અને એ આશીર્વાદ સુખમાં પહોંચાડે. તો તમે તો હજી થોડાક મહિના પણ પૂરા નથી થયા અને આપ આવ્યા છો, તો ઘાટ-સંકલ્પ અને વિક્ષેપથી શું મૂંઝાઓ છો? બાપા ને મહારાજનું ચિંતન - મનન કરતાં કરતાં ઘાટ-સંકલ્પ જતા રહેશે, ત્યારે એક વાત યાદ રાખવી કે જો ઘાટ - સંકલ્પને ટાળવા હોય તો બધાયને દિવ્યસ્વરૂપે જોવા. એટલે કે કોઈનું અંગ આવું છે, આમ છે, એવું જોવામાં આવે તો એના વિચાર ચાલે. એનો અપરાધ થાય છે. એ નહિ કરવાનું. એનો અર્થ એ નથી કે મહારાજની મર્યાદાઓ જે મહારાજે બાંધેલી છે એનાથી જરાપણ બહાર જવું. અને ગયા હોય તો ધ્યાન દોરવાનું, પણ સંકલ્પ નહિ કરવાનો કે આ બરોબર નથી. આજ્ઞાલોપ જો અટકાવીએ નહિ, તો એ દ્રોહ છે. દ્રોહ એટલે જીવનું ખરાબ થવું, કોઈનું ખરાબ કરવું કે ઇચ્છવું એ દ્રોહ છે. જો સત્સંગમાં આજ્ઞાલોપ ચાલતો હોય અને જો આપણે મૌન રહીએ અને એનો જો પ્રતિકાર કે અટકાવવા માટે દિવ્યભાવ સાથે જો પ્રયત્ન ન કરીએ, તો એ દ્રોહ કર્યો કહેવાય. કારણ કે આજ્ઞાલોપથી જીવનું બગડે. તો એ આજ્ઞાલોપથી અનેક જીવનું બગડતું હોય એ જો આપણે મૌન રાખીને નજરે જોયા કરીએ તો એ દ્રોહ નહિ તો બીજું શું છે? અને જો ખૂબ સદ્‌ભાવથી, ખૂબ દિવ્યભાવથી, એને જો અટકાવીએ અને સમજાવીએ તો એ અદ્રોહ છે. મહારાજની એમાં ખૂબ પ્રસન્નતા છે. એટલી વાત યાદ રાખવી કે તેનું ભૂંડું કે ખરાબ ઇચ્છવું નહિ, પણ એવી રીતે પ્રયત્ન કરવો કે આજ્ઞાલોપનો પ્રતિકાર પણ થાય અને એ બંધ થઈ જાય. જો આપણે દિવ્યભાવ વગર એ કરીએ તો બરોબર નહિ. એથી જ તો બાપાએ એમ કહ્યું કે સારાયે સત્સંગને વિષે દિવ્યભાવ રાખવો.

સદ્‌ગુરુ વૃંદાવન સ્વામી ધ્રાંગધ્રા પધારેલા હતા ત્યારે મને પૂછ્યું કે આજે સભા તો બહુ મોટી છે. એ સભામાં જે આવ્યા હતા, જે આખી સભા થઈ એ અનાદિમુક્તની સભા હતી? મેં કહ્યું આપ બિરાજો છો એમાં સાક્ષાત્‌મહારાજ બિરાજે છે. અને એ વખતે એ આખી સભા અનાદિમુક્તની સભા સાથે જોડાઈ ગઈ હતી, એટલે એ વખત તો એ આખી સભા અનાદિમુક્તની થઈ, પણ જે જે આવેલા એ બધા જ કંઈ અનાદિમુક્ત હતા એમ નથી. એમાં ચાલોચાલે ય હતા. ગુણભાવવાળા ય હતા. આશીર્વાદ જીરવે અને ઝીલે એવા પણ હતા. આ મારી સમજણ છે. એમાં ખામી હોય તો એ તમે સુધારો. તો મને કહે, જીરવે અને જેને અદ્ધરથી ઝીલાય એટલાને અનાદિમુક્તની સ્થિતિ થઈ જાય, બાકી ધીરે-ધીરે આવશે. એમાં ચાલોચાલ હોય એને વારે ય લાગે થોડોક સમય જાય, પણ એ દૃષ્ટિમાં આવ્યા એટલે કાળે કરીને કાં તો આ જન્મે ભગવાનની ઇચ્છા મુજબ જો એ વિશ્વાસ ધારણ કરે તો પહોંચી પણ જાય. અવિશ્વાસ હોય તો થોડો વિલંબ પણ થાય એમ. પણ દિવ્યભાવનો અર્થ એ નહિ કે હું આજ્ઞાલોપ કરું ને એ તમે નિહાળ્યા કરો. મને તમારે કહેવું જ જોઈએ. બરાબર! હાથ જોડીને, એકલા બોલાવીને. અને જો સમૂહમાં આજ્ઞાલોપ થતો હોય તો એનો પ્રતિકાર સદ્‌ભાવથી કરવો જ જોઈએ. આજ્ઞાલોપ કેમ ચલાવાય? આજ્ઞાલોપ તો કદીયે ન ચલાવાય. નિષ્કામધર્મ એ આ સત્સંગનો પાયો છે, મજબૂત પાયો, નિષ્કામધર્મ વગર મૂર્તિનું સુખ આવે જ નહિ. કોઈ દિવસ ન આવે. ભૂલેચૂકે ય નિષ્કામધર્મ લોપ થાય એવી રીતે વર્તવું નહિ. એનો સંગ પણ ન કરવો. એવું સિનેમા ચિત્ર પણ નિહાળવું નહિ જોઈએ. એ પણ નિષ્કામધર્મનો લોપ છે. નિષ્કામધર્મ એટલે શું? સ્વામિનારાયણ ભગવાનની જે દિવ્યમૂર્તિ છે ને? એ નિષ્કામધર્મનું સંપૂર્ણ સ્વરૂપ છે. નિષ્કામધર્મનું સંપૂર્ણ સ્વરૂપ ધારણ કર્યા વગર એ સ્વરૂપ સાથે એકતા કેવી રીતે થાય? માટે મહારાજે એમ કહ્યું છે કે નિષ્કામધર્મની જેનામાં ખામી હોય એના હાથનો થાળ હું જમતો નથી. મહારાજના આ શબ્દો પણ સાથે સાથે ઝીલવાના એ આશીર્વાદની અંદર આવી જાય છે. એ કહેવાની જરૂર ન હોય કે આશીર્વાદની અંદર આજ્ઞા ને ઉપાસના એ બંનેનો સમાવેશ થઈ જાય છે. એવા રૂડા આશીર્વાદ આપ્યા છે કે નૃત્ય કરવા માંડવું જોઈએ. અરે! દેહ પડી જાય તો ય શું? મહારાજની આજ્ઞા અને નિષ્કામધર્મનો લોપ કેમ ચાલે? બરાબર!

લાડુબાએ અને જીવુબાએ કેવું બતાવ્યું? આ વાલબા અને રાધાબા કેવાં હતાં? જેમને અગ્નિ સ્પર્શ ન કરે. એ વખતે એ વાત પણ યાદ રાખવી કે લાડુબા ને જીવુબા જેવા મહામુક્તોને અગ્નિ સ્પર્શ નથી કરી શકતો, બરોબર! શ્રીજીમહારાજનું તેજ અગ્નિરૂપે છે. એ અગ્નિ એ (ભૌતિક) અગ્નિ નથી. શ્રીજીમહારાજનું તેજ અગ્નિરૂપે દેખાય છે અને એનો સ્પર્શ થાય છે. એટલે અગ્નિ સંસ્કાર જે શબ્દ વાપરીએ છીએ એ તેના માટે. (વાપરીએ છીએ) એ તો અક્ષરધામમાં પહોંચી જવાની દિવ્યયાત્રાનું એક સ્વરૂપ છે. ત્યારે જુઓ તો ખરા, અગ્નિ જેને સ્પર્શ ન કરે કેવડી મોટી વાત! કેવો નિષ્કામધર્મ પાળ્યો હશે? કેવા મહારાજને ઓળખ્યા હશે? કેવા રાખ્યા હશે? વિચારો, એવા ને એવા આપણને પણ બાપાએ પકડીને કર્યા તમે પણ એવા જ. અમારા જેવું જ તમને સુખ આપીશું. એમના દ્વારા ભગવાન કહે છે કે અમારા જેવું જ તમને સુખ આપશું એ થોડી વાત! જબરજસ્ત વાત!

બાપાએ કહ્યું કોઈને તુંકારો કરીને બોલાવવો નહિ. બધાએ એક થઈને રહેવાનું. નાની મોટી વસ્તુ બહુ નહિ જોવાની. બરોબર! અને બધાએ સાથે મળીને કામ કરવાનું. શબ્દો અને વાણી તો એવી વાપરવી કે અંદર જીવમાં ઊતરી જાય અને બાપા વિશે એમને સદ્‌ભાવ પણ થઈ જાય. તો આવી એકતા રાખી બાપાનો કારણસત્સંગ ખૂબ વધારવો. કાર્યસત્સંગ તો ખૂબ વધ્યો છે, કારણસત્સંગ વધતા વાર લાગે છે. પીએચ.ડી. થતાં તો વાર લાગેને! બાળપોથી, એકડીયા, પ્રાથમિક શિક્ષણ એ બધું વધારે પ્રમાણમાં હોય એ સ્વાભાવિક છે, પણ આ કારણસત્સંગ. કારણ એટલે મૂર્તિ. મૂર્તિનો આ સંબંધ ઓળખાવવો સહેલો છે? મને કાર્ય સત્સંગવાળા કહે, આ બાપાએ મૂર્તિમાં રહેવાની વાત કરી એ તો અમને ધતિંગ જ લાગે છે. મેં કહ્યું ત્યારે મને એવું લાગે છે કે તમે બધા પોતે ધતિંગ છો, માટે તમને એવું લાગે છે. તમે સૌ ધતિંગ છો. હવે એ ધતિંગ નીકળી જશે, એટલે આ વાત તમને સરસ લાગશે કે આ વાત વૈજ્ઞાનિક રીતે છે. નિષ્કુળાનંદ સ્વામીએ કહ્યું છે કે અનાદિ મહામુક્તની સેવકોરૂપે જળ-તરંગવત્‌એકતા થાય છે. જળ-તરંગ, જળ અને તરંગ જુદી વસ્તુ નથી, પણ એકતા એવી. જરાય ભિન્નતા નહિ. દૂધ-સાકરનું દૃષ્ટાંત તો એક સેવક અને સ્વામીભાવ બતાવવા પૂરતું છે. એ વૈજ્ઞાનિક રીતે સત્ય નથી. જળ-તરંગવત્‌એકતા ભગવાનની મૂર્તિ સાથે નખશિખાન્ત સુખમાં, એ વ્યાખ્યા, એ અનાદિમુક્તની સ્થિતિ છે. મેં કહ્યું અરે ગાંડા! એક નાની કોઠી હોય તેમાં દાણા ભરે તો ભરાઈ જાય. શા માટે? એ પોલી છે. અને પોલી હોવાથી એ ભૌતિક છે એટલે વધુ ભરે તો નીકળી જાય. ત્યારે આ મૂર્તિ પોલી નથી. એટલે મહારાજે જે લખ્યું છે એ તમને ખબર છે કે તેમાં ત્યાગ-ભાગ નથી? અરે સળંગ દિવ્યમૂર્તિ છે. એ સળંગ દિવ્યમૂર્તિ સાથે અનંત દિવ્યવસ્તુ જો એના જેવી થાય તો એની સાથે રહી શકે. એમ અનંત મુક્તો અંદર રહીને સુખ ભોગવે છે. એ તો ત્યાં (એ સ્થિતિમાં) પહોંચીએ ત્યારે ખબર પડેને? તો એ મૂર્તિ પોલી હોત તો એકાદ જ સમાત. મેં કહ્યું મૂર્ખ હજી તને પોલાનો વિચાર આવે છે? અરે! તું આટલો બધો ગ્રેજ્યુએટ થયો, તો પણ બુદ્ધિ વગરનો! મને તો એમ લાગે છે કે હજી તો તું એકડા ભણવાને પણ લાયક નથી. પછી મેં કહ્યું મારી સાથે ચર્ચા કર અને તું ચર્ચા કરી અર્ધો કલાક કે કલાક કરીને પછી મને સાચું કહે કે બાપાનું જ્ઞાન બરાબર છે કે નહિ? ચર્ચા કર્યા પછી મેં કહ્યું તું ધતિંગ હતોને અત્યાર સુધી? તો કહે હા, ખરેખર હું ધતિંગ હતો. આ વાતો વૈજ્ઞાનિક સત્ય છે.

જેને વિજ્ઞાન સમજતાં નથી આવડતું. વિજ્ઞાન ભણ્યો છે, પણ સમજતાં ન આવડે એ આધ્યાત્મિક વિજ્ઞાન કેવી રીતે સમજી શકે? આ તો આધ્યાત્મિક વિજ્ઞાન. એ તો સત્પુરુષ અને મુક્તપુરુષ થકી જ સમજી શકાય. સદ્‌. ગુણાતીતાનંદ સ્વામી અને શુકાનંદ સ્વામીએ એકવાર કહ્યું, અમે વચનામૃત લખ્યા, શોધ્યા, સાંભળ્યા બધું જ કર્યું, પરંતુ ગોપાળાનંદ સ્વામીના સમાગમ થકી જ્યારે સમજ્યા, ત્યારે મનમાં શાંતિ અને સુખ વર્તે છે. એના ઉપર શ્રીજીમહારાજે પણ કહ્યું કે આવી ભગવદ્‌વાર્તા શાસ્ત્રમાં તો હોય, પણ શાસ્ત્રથી સમજાતી નથી. એ તો ભગવાનની મૂર્તિમાંથી આવેલા સત્પુરુષ ભગવાનની ઇચ્છાથી પ્રગટ થાય, ત્યારે એના થકી સમજે ત્યારે જ સમજાય. ત્યારે અનાદિમુક્તની સ્થિતિ કાંઈ એમને એમ સમજાઈ જાય? આપણે આ રીતે વૈજ્ઞાનિક રીતે ગળે ઉતારવી. કારણસત્સંગ વધતા થોડી વાર લાગે છે, પણ એની મર્યાદા નહિ રહે, વધતો જ જશે, ઘટતો નહિ રહે. કારણ કે ભગવાને કૃપા વરસાવવા (રહસ્યાર્થ વચનામૃત) બનાવ્યું છે, તો કૃપા તો કોઈ દહાડો ઘટે ખરી? ધીમે - ધીમે - ધીમે બહુ જ મક્કમતાથી (કારણ સત્સંગ) વધતો જશે. બળ રાખવું. કોઈ દિવસ કોઈની શેહમાં દબાવું નહિ. અનાદિમુક્તની સ્થિતિ સામે કોઈ ટકી શકતા જ નથી. કારણ કે એ સત્ય છે. સત્યને અસત્ય કહેવાય?

આ (વચનામૃત રહસ્યાર્થ પરનો) પ્રતિબંધ ૫૫ વર્ષથી છે, તો બાપાશ્રી દ્વારા આ પ્રશ્નોત્તર કોણે કર્યા? શ્રીજીમહારાજે કર્યા. અનાદિમુક્ત તો સુખમાં રમે છે. અને મહારાજે પોતે એ ટીકા કરી. પોતાના વચનામૃત પોતે જ અનાદિમુક્તમાં રહીને સમજાવ્યા. (પ્રતિબંધ મૂકનાર) ભગવાનના ભક્ત ખરા, પણ પૂર્વગ્રહને લીધે અને ઈર્ષા એ ખરાબમાં ખરાબ સ્વરૂપ ગણાય છે. એના લીધે એ વાણી ઉપર પ્રતિબંધ મૂક્યો. કેટલું અજ્ઞાન કહેવાય? પપ વર્ષ થયા એ શીલા, પ્રતિબંધરૂપી શીલા મુકાણી એના લીધે હજારો લોકો એ માનતા નથી, કારણ કે અંધશ્રદ્ધાળુ છે. કે આ ગાદી સ્થાનેથી પ્રતિબંધ આવ્યો એટલે એને વંચાય નહિ. મેં કહ્યું ભાઈ! અયોધ્યા- પ્રસાદજી કે રઘુવીરજી મહારાજ જેવા આચાર્યશ્રીએ આ પ્રતિબંધ નથી મૂક્યો. એ આચાર્યશ્રીઓને તો ખેદ થાય છે, કે આ અમારા મુક્તોએ ભગવાનની વાણી પર પ્રતિબંધ મૂકી દીધો? આપણે એક વસ્તુ એમને સમજાવવી કે આ પ્રતિબંધ વહેલો ઉઠાવવો એ અમારા ને તમારા જ હિતમાં છે.

અત્યારે તો જો એક વસ્તુ આપણે મગજમાં લઈએ કે ૧૯૩૩ ને ૩૪ની સાલ લગભગ હતી, ત્યારે દેવની મિલકતનું રક્ષણ કરવા માટે અને આજ્ઞાનું રક્ષણ કરવા માટે લડત ચાલતી હતી. એ લડત અહિંસક અને દિવ્ય લડત હતી. કલ્યાણકારી પ્રયત્નો હતા. એવામાં આ પ્રતિબંધ મુકાઈ ગયો. એ પણ શ્રીહરિની એક ઇચ્છા. એટલે સામા પક્ષે અવરભાવમાં ઈર્ષાનું સ્વરૂપ. હવે એ શું કામ કર્યું? ભગવાનની ઇચ્છા વગર તો થાય નહિ. હવે અજ્ઞાનીઓ હતાને! એને કારણભૂત બનાવી દીધા. એ કેવી અદ્‌ભૂત વાત! કારણભૂત બનાવ્યા કારણ કે અજ્ઞાની હતા. એના લીધે બધાયને એમ થયું કે જોઈએ આમાં શું છે? ખોટું શું છે? એટલે બધાય વાંચવા લાગ્યા. ઊંડો અભ્યાસ કરે છે કે આમાં ખોટું શું છે? તો કેટલાકને એમ લાગ્યું કે વચનામૃત અમથા ક્યાં સમજાય છે? એ આ (રહસ્યાર્થ) વાંચતાં જ સમજાય છે. કેટલાય લોકો અત્યારે રહસ્યાર્થ વચનામૃત વાંચે છે. અરે! જે સાધુ-સંતો વિરોધ કરે છે એ પણ એમના કબાટમાં રાખે છે અને બીતા હોય એની માફક ઓરડી બંધ કરીને વાંચે છે. પછી જ્યારે જ્ઞાનવાર્તા કરેને! ત્યારે એમાંથી જ હોય. ત્યારે કોઈ કહે કે સ્વામી, તમારું આ જ્ઞાન તો રહસ્યાર્થ વચનામૃતનું છે. ત્યારે રહસ્યાર્થ વગર કાંઈ વચનામૃત સમજાય ખરું? આ એક ઝલાણુંને! પછી ટંગડી ઊંચી ને ઊંચી રહે. એમ ટંગડી ઊંચી રાખવાની વાત છે.

એ પ્રતિબંધ ૧૯૩૩-૩૪માં મુકાયો. પછી ૪૭ની સાલમાં ભારત આઝાદ થયું. એનું બંધારણ ઘડાયું. એ બંધારણની કલમ છે. constitutionમાં Freedom of speech- વાણી સ્વાતંત્ર્ય, તો એ વાણી સ્વાતંત્ર્ય ઉપર આ પ્રતિબંધ હવે ટકી શકતો નથી. આપણે અહિંસક રીતે વાત કરવી કે આ પ્રતિબંધ દયા કરીને ઉઠાવો. હવે આ ભગવાનની વાણી ઉપરનો પ્રતિબંધ કેમ છે? એના સામે પ્રતિકાર તો કરવો જ પડે. માટે આપણે બરાબર સંગઠન કરો. સત્યાગ્રહ કોને કહેવાય? સત્યનો આગ્રહ. સાચી વસ્તુ ઉપર પ્રતિબંધ? મને તો કલ્પના આવતી નથી. અરે, આચાર્ય મહારાજ દ્વારા મહાન વિદ્વાન સંતો અને હરિભક્તો, એમની કમિટીના બધા મોટા મોટા આગેવાનોની વચ્ચે બોલાવીને લાંબી ચર્ચા તો કરેલી. અચાનક અમને બોલાવેલા. રહસ્યાર્થની વાત કરી તો કહે, પહેલા સમાધાન કરો. આપણે કહ્યું સમાધાન જ છે ને! મહારાજ, પધારોને છત્રીએ. અમારી સુવિધા રહે અને તમારી ય સુવિધા રહે. તો કહે ના એમ નહિ આપણે કેટલાક પ્રશ્નો પતાવીએ.

કહેવાનું એટલું જ કે એ ચર્ચા કરતા પહેલા એમ કહ્યું કે ભાઈ, ચર્ચા ફોગટ કરવા માટે આપણે ભેગા નથી થયા. તમે અચાનક બોલાવ્યા છે. તો એક વાતની પ્રતિજ્ઞા કરો કે જો ચર્ચા કરતા તમારા ગળે વાત ઊતરે તો તમારે સ્વીકારવી અને અમારા ગળે વાત ઊતરે તો અમે સ્વીકારીશું અને તમે જવાબ ન આપી શકો, તો એનો અર્થ એ થયો કે એ વસ્તુ સત્ય છે. ચર્ચા કરી રહસ્યાર્થ ઉપર. તો એ વખતે તો પાંચ બાબતોની ફોર્મ્યુલા ઘડી કાઢી, વચનામૃત ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લેવો. બાપાશ્રીની મૂર્તિ સિંહાસનમાં રાખવી, પણ બીજા કોઈની નહિ. મહારાજ સાથે બાપાશ્રીની મૂર્તિ સિંહાસનમાં ભલે રહી. પછી લખાણ કર્યું ને મહારાજશ્રીએ રાજી થઈને સંમતિ આપી. (પછી દસ દિવસની ચર્ચા-વિચારણા બાદ અમુક સંતોના વિરોધને કારણે એ વાત બંધ રહી. એ વાત કરીને પછી કહે છે.)

હું તો કહું છું જરા ય મૂંઝાવું નહિ હો! કોઈ દિવસ. બંને દેશોની ગાદીનો કાર્યસત્સંગ છે, એ આપણો જ છે. શ્રીજીમહારાજનો છે. એને આપણે કારણસત્સંગમાં ફેરવવો છે. કારણસત્સંગ એટલે આ છેવટની દિવ્ય સ્થિતિ. એ બધા જ ઓળખે એવું આપણે ઇચ્છીએ છીએ. તો આ પ્રતિબંધ ઉઠાવવા પાછળ આપણું એ જ મૂખ્ય કારણ છે, જો એ ઊઠે તો અંધશ્રદ્ધાથી ઘેરાયેલા હોય એ પણ કહે કે, પ્રતિબંધ ઊઠી ગયો એટલે આ વચનામૃત વાંચવામાં વાંધો નહિ. તો આ કારણસત્સંગની વૃદ્ધિ ઝડપથી થવા માંડે. માટે એ પ્રયત્ન કરવો. આ દિવ્યસભાને પ્રાર્થના કે એ પ્રયત્નમાં મહારાજ અને બાપાની કૃપા ભળે અને એ પ્રતિબંધ, હવે એના માટે શું શબ્દ વાપરું? કે પ્રતિબંધ ફૂગ્ગાની માફક ફૂટીને ઊડી જાય. એ ભગવાન સ્વામિનારાયણ એમની વાણી છે. આ તો બધાને થોડો ખ્યાલ આપ્યો કે જેથી ખ્યાલ આવે. એટલા માટે થોડો સમય લીધો. આપ સૌને રાજી કરવાને માટે, બાપાશ્રીને રાજી કરવા માટે આપ સૌની આજ્ઞાથી થોડીક વાત કરી. આવો પ્રસંગ હોય ત્યારે કેટલીક વાતોથી પરિચિત થવું પડે. જો પરિચિત ન થઈએ તો આપણે કોઈની સાથે વાત કરીએ ત્યારે મૂંઝવણમાં પડી જઈએ. એમ ન થાય એટલા માટે.

સાચો માર્ગ છે આપણો. એ હકીકત કહું છું. શ્રીજીમહારાજ, પાંચસો સાધુ અને પાંચસો પરમહંસની સાક્ષીએ કહું છું કે આ માર્ગ જે બાપાએ બતાવ્યો ને આપણે અપનાવ્યો એ સંપૂર્ણ સત્ય છે. આખા સત્સંગમાં જો કોઈ ઊભો થઈને એમ કહે કે આ વાત સત્ય નથી, તો હું એને કહું કે શ્રીજીમહારાજના ચરણે હાથ મૂકી, પાંચસો સાધુ અને પાંચસો પરમહંસના સમ ખાઈને તું કહે કે આ સત્ય નથી. તે જોયું છે? જાણ્યું છે? એમ કહેવાનું. અને આપણે તો તરત કહીએ કે અમે પાંચસો સંતો ને પાંચસો પરમહંસોની સાક્ષીએ કહીએ છીએ કે આ મૂખ્ય માર્ગ છે. આ માર્ગ શ્રીજીમહારાજે બતાવ્યો છે, બાપાએ એ બરાબર સ્પષ્ટ કર્યો અને કૃપા વરસાવીને આપણને સૌને તેનું ભાન કરાવી દીધું. એટલે આ વાત સંપૂર્ણ સત્ય છે. એમ હંમેશાં દિલમાં રાખવું. કોઈ પણ ગમે એવી ચર્ચા કરે ને ન સમજાય તો નૃહસિંહાનંદ સ્વામી જેવું કરવું.

નૃહસિંહાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાનના સંત છો, તો કહો ભગવાનનું સ્વરૂપ કેવું? સ્વરૂપ શું એ સમજાવો? તો કહે ભગવાનની વાણી, ભગવાનનું વચન એ ભગવાનનું સ્વરૂપ. આમ સ્વામી ખિજાઈ ગયા. ને કહ્યું તને ન સમજણ પડે. ભગવાનના વચન એ ભગવાનનું સ્વરૂપ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને જે આજ્ઞાઓ, વચનો કહ્યા છે. એ સ્વરૂપ. તો કહે શાસ્ત્રોમાં એમ ક્યાં છે? તો શાસ્ત્ર કોના માટે છે હું તો શાસ્ત્રથી પર થઈ ગયો, હવે મારે એને શું કરવાના? એ તો તમારા માટે છે. એમ ન સમજાય તો બળ આવું રાખવું, ડરવું નહિ. અને કોઈવાર આવી મોટી સભા થાયને! ત્યારે અતિ જ્ઞાનચર્ચા થાય. અને જો બુદ્ધિશાળી વર્ગને વૈજ્ઞાનિક રીતે સમજાવી શકીએ, તો એક જણ અનેકને સમજાવે કે નહિ? બુદ્ધિશાળી તો બધે ય ફરી વળે. એટલે સમજાવે. ત્યારે આવો પ્રસંગ થાય, ત્યારે રહસ્યાર્થની ગુથ્થિઓ હોય એ મોટા પાસે સમજી લેવી. એ આપણા માટે જાત પ્રમાણ છે.

આ વાતો પરથી એક વસ્તુ ઉપર આવીએ કે બાપાએ આપણને શ્રીજીમહારાજની દિવ્યમૂર્તિમાં કૃપા કરીને રાખ્યા છે. એવા અનુસંધાન સાથે આપણે બધાય ભેળા છીએ, એવું સદાય જીવમાં રહે અને બાપાના આશીર્વાદ ઝીલીએ બસ એ જ અભ્યર્થના. અને સૌના રાજીપાની ઇચ્છા સાથે વિરમું છું. થોડો સમય લીધો માફ કરજો.


સારાંશ

સ્ત્રીભક્તોને લાભ મળે તે માટે મહારાજ તેમના અનાદિમુક્તને સ્ત્રીરૂપે પણ પૃથ્વી ઉપર મોકલે છે. અનાદિમુક્ત મૂર્તિ પધરાવે પછી તે મૂર્તિમાં રહી ભગવાન સદાકાળ આશીર્વાદ વરસાવે છે. ભગવાનની કૃપાને કોઈ શરત હોતી નથી. એમની કૃપા વગર ગમે તેટલા જપ-તપ, ભક્તિ, ઉત્સવ, સમૈયા કરે પાત્રતા આવતી નથી. અનાદિમુક્ત વારંવાર આશીર્વાદ આપી આપણને પ્રતીતિ કરાવે છે કે આપણા ચૈતન્યને મુક્ત કરી મૂર્તિમાં રાખ્યો છે. અનાદિમુક્તના આશીર્વાદ જેને મળ્યા તે બધામાં એકતા તૂટવાનો સંભવ નથી. સેવકોએ ભગવાનનું અનુસંધાન રાખી ખૂબ શાંત-સૌમ્ય, અંગ-સ્વભાવ કેળવવો જોઈએ. નાના-મોટા દરેક હરિભક્તોને દિવ્યસ્વરૂપે નિહાળવા. દેહ સામે નજર ન રાખતાં ચૈતન્ય સામે નજર રાખવી.

શ્રીજીમહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે તેનું અનુસંધાન હંમેશાં રહેવાથી હંમેશાં આનંદ રહે. અનાદિમુક્તના આશીર્વાદમાં પૂરો વિશ્વાસ રાખવો. આજ્ઞા કદીયે ન લોપાય એવી પ્રાર્થના નિષ્કામ હોવાથી એ કરવી. નિષ્કામ પ્રાર્થના મહારાજની મૂર્તિમાં જોડાવાનું અમોઘ સાધન છે. ઘાટ-સંકલ્પ ટાળવા હોય તો બધાને દિવ્યરૂપે જોવા. આજ્ઞાલોપ કરનારને દિવ્યભાવથી તેનું ભૂંડુ કે ખરાબ ઇચ્છ્‌યા સિવાય સમજાવવું. તેના જીવનું ભલું થાય તેવા પ્રયત્નો કરવા એ અદ્રોહ છે અને તેમાં મહારાજની પ્રસન્નતા છે. અનાદિમુક્ત જે સભામાં બિરાજતા હોય તે સભામાં મહારાજ બિરાજતા હોય. એ સભામાં ચાલોચાલ, ગુણભાવવાળા, આશીર્વાદ જીરવે અને ઝીલે એવા જુદા જુદા પ્રકારના ભક્તો હોવા છતાં એ વખતે અનાદિમુક્તને લીધે આખી સભા અનાદિમુક્તની સભા સાથે જોડાઈ જવાથી તે આખી સભાને અનાદિમુક્તની સભા કહી શકાય.

અનાદિમુક્તના આશીર્વાદ જે જીરવે અને અદ્ધરથી ઝીલે તે અનાદિમુક્તની સ્થિતિને પામે. સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો નિષ્કામધર્મ છે. સ્ત્રી અનાદિમુક્તને તેમના સતીત્વને લીધે શ્રીજીમહારાજનું તેજ અગ્નિરૂપે થઈ તેમના દેહને અગ્નિસંસ્કાર કરે છે. સંસ્થાના સભ્યોએ સંપ અને સદ્‌ભાવ રાખી કારણસત્સંગ વધારવાની સેવા બજાવવી. મૂર્તિમાં રહેવાની વાત વૈજ્ઞાનિક સત્ય છે. અને એ અનાદિમુક્તની સ્થિતિ છે. અને એ સ્થિતિને પામેલા અનંત મુક્તો એ મૂર્તિમાં રહે છે, રહી શકે છે. શ્રીજીમહારાજને પામેલા અનાદિમુક્ત થકી જ એ સમજી શકાય છે. હંમેશાં કાર્યસત્સંગ કરતાં કારણસત્સંગ વધતા વાર લાગે. સત્ય વસ્તુ પર પ્રતિબંધ લાદવાથી અનેક જીવો ઊર્ધ્વગતિને પામતા અટકી જાય છે. માટે ધીરજપૂર્વક સત્ય વસ્તુને ઉજાગર કરી પ્રતિબંધ દૂર કરવાની સેવા બજાવવી.

અનાદિમુક્ત બાપાશ્રીને માધ્યમ બનાવી શ્રીજીમહારાજે બનાવેલ રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સંપૂર્ણ સત્ય, સચોટ અને પૂર્ણ છે. બધા સત્સંગીઓ આપણા જ કહેવાય. તેઓ જે કાર્યસત્સંગ કરે છે તે પણ આપણો જ છે. તે કાર્યસત્સંગને આપણે કારણસત્સંગમાં ફેરવવાના બનતા બધા જ પ્રયત્ન કરી છૂટવા. કારણસત્સંગ એટલે છેવટની અનાદિની સ્થિતિ. મૂર્તિમાં રહી સુખ ભોગવવાની વાત એ વાત પહેલાં પોતે બરાબર સમજવી અને બીજાને ‘વચનામૃત રહસ્યાર્થ’ના આધારે સમજાવવા પ્રયત્ન કરવો. સાચી વાત કહેવામાં ક્યારેય ગભરાવું નહિ, નીડર બનવું. શ્રીજીમહારાજ અને બાપા સદાય આપણી સાથે જ છે તે વાત કદીયે વિસારવી નહિ.