24
સ્વામિનારાયણ ભગવાને આપણને ન્યાલ કર્યા છે. અનાદિમુક્ત બાપાશ્રીએ ભગવાનની કૃપાવર્ષા આપણા ઉપર કરી. એ દાસત્વ સ્વરૂપ છે. ખરું દાસત્વ કયું? નિર્માની થયા હોય છતાંય ઊંડે ઊંડે નિર્માનીપણાનું સહેજ માન રહે તો ય દાસત્વ પૂરું ન કહેવાય એવું અબજીબાપાશ્રીએ સમજાવ્યું. એનો અર્થ એ થયો કે ભગવાન અને ભક્તની વચ્ચેનું અંતર જ ન રહ્યું, અલગ અસ્તિત્વ ન રહ્યું. અલગ અસ્તિત્વ એટલે સ્વામી-સેવકભાવ ખરો, પણ ભગવાન ત્યાં અને આપણે અહીં એમ નહિ. નિષ્કુળાનંદ સ્વામીએ ‘નિષ્કુળાનંદ કાવ્ય’માં કહ્યું કે ભગવાનના સ્વરૂપમાં રહેલા મુક્તો જળ-તરંગવત્ એકતાની જેમ રહેલા છે, પણ સ્વામી-સેવકભાવ છે. હવે એ સુખમાં આપણને રાખ્યા એનું ફળ અંતસમે અથવા તો એ પહેલા પણ આપે એ એમના હાથમાં છે બરાબર? ધણીનો ધણી કોઈ? ચપટી વગાડતાં આપી દે ને વારે ય લગાડે તો કંઈ વાંધો નહિ.
કોઈકે એમ કહ્યું કે ભગવાન સ્વામિનારાયણે એમ કહ્યું કે ગધેડા ઉપર બેસાડે તો ય રાજી રહેવું અને હાથીએ બેસાડે તો ય રાજી રહેવું. તો કહે એનું શું કારણ? ત્યારે ભગવાનના સંતે શું જવાબ આપ્યો ખબર છે? કે ભાઈ! એ બેમાંથી પશુ કોણ નહિ? બેય પશુ. આ મોટું પશુ અને આ નાનું પશુ. એ તો તમારો મોહ છે કે આ હાથી. હાથી તો ઉલટો વળગણરૂપ છે, ગધેડો ઉપયોગી છે. એટલે એ દૃષ્ટાંત દ્વારા મહારાજ એમ કહે છે કે હું રાજી થાઉં એમ રહેવાનું, એમાં સંકલ્પ નહિ કરવાનો કે આમ કેમ કર્યું મહારાજે? એ question (પ્રશ્ન) જ રહેતો નથી. એવો વિશ્વાસ રાખવાનું આપણને કહે છે. એ અચળ વિશ્વાસ એવો દૃઢ કરી રાખવો કે માથું ઉડાડી દે તો ય ફિકર થાય નહિ.
આવા પરમાત્મા મળે એને રાંકપણું દર્શાવવાની જરૂર ખરી? ભલે, વિનમ્ર દેખાવું જ જોઈએ, દાસપણું રાખવું જોઈએ, પણ અંદરથી રાંક છીએ એવું ન લાગે. અરે! સંકલ્પ-વિકલ્પ થાય એ તો દેહનો ભાવ છે તો થાય જ. અનંત કાળ સુધી બાહ્યવૃત્તિ કરી છે તે સંકલ્પ ન થાય? એ તો આ મળ્યા ત્યારે આપણને પૂર્ણકામ કરી દીધા. કેટલાં જન્મનું ભેગું થયું હોય! બહિર્વૃત્તિ થઈ હોય પછી અંતર્વૃત્તિ થતાં વાર ન લાગે? પણ સહેલી કેટલી બનાવી! એક જ જન્મે પાર પાડી દીધો! નહિતર તો હજી અનંત જન્મો લઈને દમ નીકળી જાય. વિચાર કરો. (આપણે કેટલા ભાગ્યશાળી છીએ.) How fortunate we are! ખરું? બધા ખૂબ રાજી રહેજો એવી પ્રાર્થના સાથે હું વિરમું છું.
સારાંશ
નિર્માનીપણાનું સહેજે માન ન રહે ત્યારે પૂરું દાસત્વ વિકસે છે. અનાદિમુક્ત રાજી થાય તો મૂર્તિનું સુખ ચપટી વગાડતામાં આપી દે. આમ કેમ? એવો પ્રશ્ન જ્યારે ન થાય, ત્યારે પ્રભુનો રાજીપો થાય છે. ગમે તેવી પરિસ્થિતિ આવે તે પ્રભુએ સર્જેલી છે તેમ માની તે પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરવો. અનંત જન્મ સુધી બહિર્વૃત્તિ કરી હોવાથી અંતર્વૃત્તિ થતાં વાર લાગે. સંકલ્પ - વિકલ્પ થાય, પણ અનાદિમુક્ત મળ્યા એ સૌથી મોટા ભાગ્ય જીવે પોતાના માનવા. એ મળતા સર્વ કાંઈ પાર પડે છે.