14
(સેવકના પિતાશ્રી ધામમાં પધાર્યા તે નિમિત્તે તેના પરિવારને આશ્વાસન આપવા પધાર્યા હતા ત્યારે કરેલી વાત અતિ આદર્શરૂપ હોવાથી અહીં પ્રસ્તુત કરી છે.)
જય સ્વામિનારાયણ! આ દેહ અદૃશ્ય થાય, ત્યારે ચૈતન્ય તો મહારાજની મૂર્તિમાં ભગવાન જેવો જ દેહ ધારણ કરીને શ્રીજીમહારાજના સુખમાં રહે છે. ચૈતન્ય નિરાકાર છે. જ્યારે ચૈતન્ય દેહમાંથી છૂટો પડે, ત્યારે ભગવાન એને ખેંચી જાય છે અને તરત જ પોતાની કૃપાથી એ ચૈતન્યને સાકાર દેહ આપે છે. શ્રીજીમહારાજના જેવો જ દિવ્યરૂપ બને છે, એટલે મહારાજ તેને પોતાના સુખમાં રસબસ રાખે છે. ચૈતન્યને એકદમ દિવ્યસુખનો અનુભવ થવા માંડે છે, જ્યારે દેહમાંથી વિદાય લે છે ત્યારે. જેના ઉપર મહારાજની કૃપા થઈ હોય એને જ આમ થાય છે, બધાને એવું થતું નથી. મહારાજની જેની ઉપર કૃપા થઈ હોય એને અંતે મહારાજના દર્શન થાય માટે બધું ભુલાઈ જાય. અને ભગવાનના સુખમાં તરત અંદર ખેંચાઈ જાય. એ તો સુખમાં કિલ્લોલ જ કરે છે. આપણને બધાયને મૂર્તિમાં રાખ્યા છે એ પોતે દેખે છે. આપણે ન દેખીએ કારણ કે આપણી બાધિતાનુવૃત્તિ ભગવાને રાખી છે. એ ખબર પડવા દેતા નથી. એ છૂટા તો પડતા જ નથી. દેહે કરીને છૂટા પડવાનું તો બધાયને છે.
મહારાજે કાર્ય પૂરું કર્યું અને ૪૯ વર્ષે જતા રહ્યા. વહેલી ઉંમરે જતા રહ્યાને? પોતે બોલ્યા કે મારું કામ પૂરું થઈ ગયું હવે અમે જઈએ છીએ. પછી મંદવાડ ગ્રહણ કર્યો અને અંતર્ધાન થઈ ગયા. પછી પાંચસો પરમહંસો અને સાધુઓ બધા ધીમે-ધીમે-ધીમે એક પછી એક કાર્ય કરી બધાય અદૃશ્ય થઈને મૂર્તિના સુખમાં જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. એટલે આપણે બધાય હવે એ સુખમાં છીએ, જવા - આવવાનું નથી. પણ દેહ છોડીએ ત્યારે દેહ છૂટી જાય એટલે ખબર પડે કે સુખમાં છીએ. ચૈતન્ય નીકળી જાય એટલે સુખમાં રહ્યાની ખબર પડે છે અને મહારાજના સુખમાં રહીએ ત્યારે અનંત પ્રકારના વિધ-વિધ, વૈવિધ્ય ભર્યાં સુખો આવે છે. જેમ માછલું કિલ્લોલ કરેને! એવો જ આપણને અનુભવ થાય છે. એ સુખનો એવો આનંદ આવે છે એમાં ધરાતા જ નથી. ચૈતન્યનો આહાર એ છે. એવા દિવ્ય સુખ સિવાય ત્યાં કોઈ આહાર નથી. અહીંની કોઈ ક્રિયા ત્યાં નથી. બરોબર છે?
ભગવાન જણાવે ત્યારે મહારાજ દેખે એટલું આપણે દેખીએ. બ્રહ્માંડમાં રજેરજમાં આપણે છીએ એવો અનુભવ થાય મહારાજ સાથે. બધી વસ્તુમાં આપણું વ્યાપકપણું શ્રીજીમહારાજ સાથે લાગે છે. જ્યારે મહારાજ જણાવે ત્યારે. કારણ કે મહારાજ અન્વયપણે બધે જ છે એવું આપણને પણ લાગે, એવું ધ્યાન થાય. અને બધા સમૈયાઓ આ લોકમાં થાય છેને! એ ત્યાં દિવ્યભાવમાં દેખાય છે. એ અલૌકિક વાત છે. આ બધા સમૈયાઓ જ્યારે દેખાડે ત્યારે, નહિતર તો સુખમાં ગરકાવ કરી દે પછી સુખ સિવાય તો ક્યાં કંઈ રહે છે? બસ પતી ગયું ત્યારે. બરાબર છે? પછી આહીંની કથા કરવી ને થાળ ધરાવવા ને માળા કરવી એવું કાંઈ ત્યાં (પરભાવમાં) હોતું નથી. બરોબર છે? એ કશું જ ત્યાં નથી. કારણ કે ત્યાં તો સુખનો જ અનુભવ છે. એ સુખનો અનુભવ થઈ ગયો પતી ગયું. એ સુખ જ એવું છે કે બસ એમાં બીજી કાંઈ ખબર જ નથી પડતી. આનંદ જ લાગે. અને અહીંયા ય શું કરે બધા? દોડા-દોડ કરીને આનંદ જ લે છે બધા. અહીં દોડા-દોડ કરીને આનંદ લે છે. એમ મહાપ્રભુજી જ્યારે જણાવે, ત્યારે અલૌકિક વાત થઈ જાય છે બધા બ્રહ્માંડોની. આ એવી વાત છે. એથી વિશેષ તો બધું અનુભવથી ખબર પડે છે. ત્યારે હવે સુખમાં રહ્યા.
જુઓને પેલા ભક્ત હતા તે મહારાજ પાસે ગયા. મહારાજ કહે, શેના માટે આવ્યા? તો કહે મારે રસોઈ આપવાની છે. તમે અમારા બે કામ પૂરા કરી દીધાં. બે જણને ધામમાં લઈ ગયા ને સુખમાં તમે મૂકી દીધા. હવે એક જણ રહ્યા અને એક અમે ય રહ્યા છીએ. સુખમાં લઈ જાવ એટલે પતી જાય પછી. તમે અમારા પર બહુ દયા કરી. પછી બ્રહ્માનંદ સ્વામી ને બીજા સાધુઓ બેઠા હતા તેમને મહારાજ કહે કે તમારી સમજણ આના જેવી છે? તમારે તો એક શિષ્ય હોય છે ને તે શિષ્યમાં ય જીવ રહે છે. એમાં ય તમને આસક્તિ. નહિ લેવા નહિ દેવા તો ય. બરોબર છે? અને આ તો બધા સંસારમાં રહ્યા થકા માત-પિતા બધા સંબંધથી જોડાયેલા તો ય પણ કેવી સમજણ છે જુઓ? એમ સમજે છે કે ભગવાને સુખમાં રાખ્યા છે. એટલે આનંદ જ થાયને? આ લોકમાં ઘણા વર્ષ ભેગા રહ્યા. દુઃખ શેનું લાગે? તો ભેગા હોય તો ભજન કરાવે બરાબર! કથા-વાર્તા કરાવે, મહારાજની વાતો કરે, દિવ્ય સ્મૃતિ કરાવે, આ લોકનું સુખ આવે. ત્યારે સત્સંગની જરૂરને! સત્સંગ થાય. તમે ને ભાઈઓ ને બા ને બહેન ને બધા ભેગા હો તો કથા - વાર્તા કરો તો સત્સંગ કહેવાય અને એ બધો વ્યવહાર ચલાવતા હતા. હવે મહારાજે ખેંચી લીધા એટલે આ લોકમાં થોડું દુઃખ લાગે. આ લોકમાં ખોટે ય પડે. મહારાજ કહે કોનું એવું હૃદય કઠણ હોય કે ભગવાનના મુક્તો ધામમાં જાય તો દુઃખ ન થાય? મને ય ખૂબ શોક લાગ્યો.
જુઓને! બ્રહ્માનંદ સ્વામી મહારાજ ભેગા રહ્યા તો રહી ન શકે. બાળકની જેમ રડવા મંડ્યા મહારાજ ધામમાં ગયા ત્યારે. કારણ કે હંમેશ ભેગા જ રહેતા બરોબરને! ગોપાળાનંદ સ્વામી ધીર-ગંભીર હતા. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું એટલે મહારાજે દર્શન આપ્યા ત્યારે એમને શાંતિ થઈ. મહારાજ એમને કહે કે આવી શું સમજણ છે? હું તો આ રહ્યો. બીજા જેવો મનુષ્ય છું? આવી સમજણ ધરાવવી. કારણ કે જો અમે અદૃશ્ય ન થઈએ તો નવું કામ ન થાય, એટલે અમારે જે કામ કરવું હતું તે હવે થશે. માટે હવે અમે અદૃશ્ય થઈએ છીએ બરાબર છે! એ કારણસર વહેલા અદૃશ્ય થયા નહિ તો ૧૨૫ વર્ષનો વાયદો હતો, અક્ષરધામમાંથી. બાપાને પ્રગટ કરી મહારાજે એ પોતાનું કાર્ય પૂરું કર્યું અને સુખમાં રાખવાના બધાયને આશીર્વાદ આપ્યા. શરૂઆત મૂર્તિમાં રાખવાના આશીર્વાદથી કરી. ખૂબ કૃપાસાધ્ય બન્યા. મહારાજે કૃપાસાધ્ય બનવાનું બાકી રાખ્યું હતું. કૃપાસાધ્ય બન્યા ખરા, પણ આટલા બધા નહોતા બન્યા બરાબર છે? મહારાજને એ કામ હવે કરવાનું હતું. બધા ઉપર કૃપા વરસાવવાનું કે જાવ ગમે તેવા કાળ-કર્મ-સ્વભાવ હોય છતાં પણ અમે તમને મૂર્તિમાં રાખ્યા. હવે તમને અમારા સુખનો અનુભવ કરાવશું. એવા સુખમાં આપણને રાખ્યા છે. એટલે હવે જ્યાં સુધી બાધિતાનુવૃત્તિની કોટડી છે ને એનું બંધન છે, ત્યાં સુધી ઘાટ - સંકલ્પ એ બધું થાય, દુઃખ થાય, બધું સાંભરે પણ ખરું. બધાને થાય, પણ દેહથી રહિત થઈએ ત્યાર પછી ન થાય. જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી દેહનું બંધન રહે છે. તો આપણે સુખિયા રહેવું. એ જતા રહ્યા નથી. બીજા જીવ જતા રહે છે બરાબરને! એ તો ક્યાંના ક્યાં અવતરે બરોબર! એ ક્યાં જન્મ ધરે, કઈ જગ્યાએ કે કઈ સૃષ્ટિમાં એ શું ખબર પડે? બરોબર છે! નહિ તો વિયોગ થાય. એને તો વિયોગ મહારાજે મટાડી દીધો. એની ભેળા જ રહેવાનું, જુદા પડવાનું નથી. એ કેટલું સરસ કહેવાય! એ મોટી વાત ન થઈ ગઈ? વિયોગ મટાડી દીધો મહારાજે. ત્યારે એવી સમજણથી આનંદમાં રહેવું મહારાજને સંભારીને બરોબર! ધીમે ધીમે એમની સ્મૃતિ મહારાજમાં દેખાય. મહારાજ એવું દેખાડે. મૂર્તિના સુખમાં જોડાઈ ગયા છે, પણ આપણે દેખતા નથી. મહારાજે બાધિતાનુવૃત્તિ સૌમાં રાખી છે એટલે કેમ રહ્યા છે ને કેમ કિલ્લોલ કરે છે એ જોઈ શકાતું નથી. એટલે દુઃખ થાય.
સદ્ગુરુઓએ એકવાર બાપાને પૂછ્યું કે બાપા! તમે ભગવાનરૂપ મહામુક્ત છો તો ય તમને દુઃખ થાય છે? બાપા કહે અમને શું દુઃખ હોય! પણ બીજાને સહાનુભૂતિ દેખાડવા માટે એવી લીલા કરવી પડે. અવરભાવની દૃષ્ટિએ લીલા કરવી પડે. ગોપાળાનંદ સ્વામી ધીર-ગંભીર રહેતા હતા, તો ય ગંભીર થઈ ગયા પણ આંસુ નહોતું પડ્યું. કારણ કે એ સુખમાં જ હતાને! અને પોતે જાણતા હતા કે જો મારી આંખમાં આંસુ પડશે તો આખો સત્સંગ રડશે અને ઉપાધિનો પાર નહિ રહે. અને મારી આંખમાં આંસુ નહિ પડે ને તો બધા રડતા બંધ થઈ જશે. એટલે સ્વામીએ આંસુ પડવા ન દીધું તો બધા શાંત થઈ ગયા. સ્વામી કહે, મહારાજ ગયા જ નથી. તમે ગયા એમ માનો છો, જુદા પડ્યા એમ માનો છો માટે રડો છો. અને મને ગયા છે એવું લાગતું નથી, માટે મને રડવું આવતું નથી. ત્યારે જતા રહ્યા જ નથી પછી ક્યાં રહ્યું?
દાદાખાચરને દર્શન દીધાં ત્યારે મહારાજે પણ એવું કહ્યું બરોબરને! એવું થાય છે, પણ ભગવાને સુખમાં રાખ્યા છે એમ માની આનંદ જ માનવો, પણ મૂંઝાવું નહિ કોઈ દી’. એ ગયા છે, ગયા છે એવું સંભારવું જ નહિ. મહારાજની મૂર્તિમાં જ રહ્યા છે બરોબર! આ બધું કામ કરીએ એ મહારાજનું કાર્ય છે એમ માની કરીએ. સેવા કરીએ છીએ એમ માનવાનું. ભગવાનના ઘરમાં રહીએ છીએ. થાળ કરીએ, વાળીએ એમાં એમ માનવાનું કે એ બધી ભગવાનના નિવાસસ્થાનની સેવા થાય છે. બધું કાર્ય ભગવાનનું, પાણી ભરવાનું, થાળ કરવાનું વગેરે. થાળ કરીએ ત્યારે કોઈ પૂછે કે શું કરો છો? તો ભગવાન માટે થાળ કરું છું એમ બોલવાનું. જમતા હોઈએ ત્યારે શું કરો છો? ભગવાનને જમાડું છું, તો એવો ભાવ બધા કાર્યમાં રાખવો. પાણી પીએ તો મહારાજને જળ ધરાવું છું. અખંડ એનું અનુસંધાન આમ રહ્યા કરે. બધી ક્રિયા ભક્તિરૂપ થઈ જાય. હવે એ અદૃશ્ય થઈ ગયા એ તો થઈ ગયા.
મહારાજ અદૃશ્ય થઈ ગયા તો ક્યાંથી એવા દર્શન થાય? મહારાજને ધામમાંથી ફરી મનુષ્યદેહ ધારણ કરવો પડે. ધરી લીધો એકવાર. પછી વારે વારે દેહ ધરે કાંઈ? પછી દિવ્યરૂપે જ જોવા પડે. દિવ્યરૂપે જોવા મળે પછી. કોઈવાર દર્શન દઈ દે છે, પણ એ કેવું હોય? થોડી ક્ષણવાર. મનુષ્યરૂપ ધારણ કરીને દર્શન પણ આપી દે. કોઈ ભક્ત બહુ ભાવથી સંભારે તો, પણ થોડીવારમાં અદૃશ્ય થઈ જાય. પણ એ એવો મનુષ્યદેહ ધારણ કરે. એવો સૂક્ષ્મદેહ, દેખાય એવો ધારણ કરે છે. દિવ્યદેહ કહેવાય બીજી રીતે કહીએ તો. એવો દેહ ધારણ કરી નાંખે. આ આંખે દેખાય એવો દેહ ધારણ કરે તો જ દેખી શકાય, નહિ તો ક્યાંથી દેખાય આ આંખે? બધાને એવા જ દર્શન દે. દેવબાને એવા જ દર્શન દીધાને! મનુષ્યરૂપે થયા. એવો દેહ ધારણ કરીને પછી કહે માગો. પછી માંગ્યું કે તરત એક મિનિટમાં અદૃશ્ય થઈ ગયા. દેવબા, બાપાશ્રીના માતૃશ્રીને દર્શન દીધાને! એક મિનિટ વાત-ચિત કરી ને તરત જ અદૃશ્ય થઈ ગયા. ભગવાન પછી ઝાઝો વખત રહેતા નથી. થોડીવાર દર્શન આપે. મનુષ્યરૂપે વિચરતા હોય ત્યારે વધારે કામ કરે. કામ કરવા તો પધાર્યા હતા તો બધું જ કામ કરવું પડેને! એમનો સંકલ્પ હોય એટલું કરે, પણ જબરજસ્ત કાર્ય થાયને! કામ કર્યા પછી વિલીન થઈ જાય. પછી દિવ્યરૂપે કામ કરે. કારણ કે એ સર્વોપરીતત્વ છે પરમાત્મા, મહારાજ સદાય પ્રગટ જ રહે છે. બીજા બારણા બંધ કરી દીધા. બધાને બીજબળ કરી દીધા. પછી અંતે ત્યાં જ જવાનું, મહારાજ પાસે.
આશીર્વાદથી બધાએ સુખિયા રહેવું. તમારા બા જેવી સમજણ કોઈની નથી. છતાં ય દાસ એ દાસ. નમ્રતા એટલી બધી. અને ભગવાન આગળ ખૂલ્લા થવા માટે બહુ ઓછા લોકો ખૂલ્લા થાય છે. ભગવાન પાસે મનને, હૃદયને ખૂલ્લું કરવું બધાય માટે સહેલું નથી. એમના માટે સહેલું છે. બાપુજી તો મહારાજના સુખમાં પહોંચી ગયા. (પછી બા ધામમાં લઈ જવાનું માગે છે ત્યારે કહે છે.) તમે તો ધામમાં જ બેઠા છો. ધામમાં આપણે ક્યાં જવાનું છે? તમે તો ધામમાં બેઠા જ છો. આપણે બધાય બેઠા છીએ. બધાયની ચિંતા કાઢી. એટલે કોઈ દી’ નહિ સમજવાનું કે હું સુખમાં બેઠો નથી. એવી અચળ નિષ્ઠા રાખવી બરોબર છે? મહારાજના કોઈ મુક્તને બાપાએ આશીર્વાદ આપ્યા. પછી તેમને એક ભક્ત કહે, ‘તમે તો વિદેહીમુક્ત છો.’ વિદેહીમુક્ત પણ મોટા જ કહેવાય, પણ એથી આગળ અનાદિમુક્ત છે. એટલે તેઓ કહે, ‘હું તો મૂર્તિમાં રસબસ રહેલો અનાદિમુક્ત છું. હું ક્યાં વિદેહી હતો? તું હો તો ભલે!’ બોલો કેટલું બળ! બાપા કહે, ‘આની કેવી સમજણ છે જુઓ. એ તો કહે છે કે હું તો ગોપાળાનંદ સ્વામી જેવો થઈ ગયો’ સમજણ એવી હોવી જોઈએ, કે હું તો મહારાજની મૂર્તિમાં રસબસ રહેલો અનાદિમુક્ત છું. એને એટલો વિશ્વાસ થઈ ગયોને!
ભગવાન કૃપાસાધ્ય બન્યા છે, નહિ તો ગમે તેટલાં સાધન કરે તો પણ ક્યાં પાર આવે? મૂર્તિમાં રહેવાની વાત સમજવી કાંઈ સહેલી છે? ભગવાનના સુખનો અનુભવ કરવો એ ખૂબ જ અઘરું છે. ભગવાન ઓળખાયા પછી નિષ્કામવ્રતનું પાલન કરે ને પછી એ ભગવાન કૃપા કરે તો સુખનો અનુભવ થાય, નહિ તો ન થાય, પછી ક્યાં વાત જ રહી? બીજાને તો આ સુખમાં રહેવાની ગતિ જ નથી સમજાતી. એ તો દેખે ત્યારે ખબર પડે. એમ પૂછે કે ત્યાં આમ ને આમ પડ્યા જ રહેવાનું છે? કાંઈ કરવાનું જ નથી? એટલો દેહમય થઈ ગયો છે કે એને ખબર પડતી જ નથી કે કેમ મૂર્તિમાં રહેવાય. પછી ક્યારે એને એવું જ્ઞાન થવાનું હતું? એ તો સમજીએ ત્યારે પાર આવેને કે કેમ થાય છે? અને બીજા એમ સમજાવે છે કે અક્ષરધામમાં આનું સુખ લેવાનું છે ને આનું સુખ લેવાનું છે એમ વાતો કરે. ત્યાં હીંડોળા છે ને ખાટ છે, મહોલ ઝરૂખા છે, એમ સમજે છે. એ તો ભક્તને એવી ભાવના હોય એટલે સમાધિ અવસ્થામાં ભગવાન એવું કોઈવાર દેખાડી દે. પેલા નારાયણજીભાઈને એમ દેખાડ્યું એટલે એને એમ થયું કે આવું જ અક્ષરધામ છે, પણ એવું અક્ષરધામ છે જ નહિ. કેટલાયને અક્ષરધામની હજી ખબર જ નથી અને મોટા થઈ જાય. અને અબજીબાપાએ જેવું છે એવું ઓળખાવી દીધું.
પછી સેવકે વડતાલમાં કોઈ ભક્તે હું ગોપાળાનંદ સ્વામીની છત્રીએ ફલાણી તારીખે દેહ મૂકીશ જેને આવવું હોય તે આવજો એવી જાહેરાત કરી હતી, તેની વાત કરી. તે ઉપર પૂ.મામા કહે છે.)
ભગવાન કહી ગયા હોય તો દેહ મૂકશે. મહારાજ કહી ગયા હોય તો તેમ થાય. કાશીરામભાઈની જેમ કોઈ ભક્તને બહુ હેત હોય તો મહારાજ તેડવા આવે તો લઈ જાય, પણ જો અંદર રાગ રહી ગયો હોયને તો તેડવા આવીને પાછા જ્યાં ઠીક લાગે ત્યાં ફરીથી મૂકે. તેડવા આવે પણ પાછા બીજે મૂકે, પણ અનાદિમુક્તના જેને આશીર્વાદ મળ્યા એનું પૂરું થઈ જાય, એટલો ફરક છે. મહારાજ કહે છે કે અમારી ગાદી સ્થાન પર ધર્મગુરુઓ સ્થાપ્યા છે. પણ એ જો ધર્મ-નિયમમાં ન વર્તે તો એને અમે બદ્રિકાશ્રમમાં મૂકીને તપ કરાવીને, શુદ્ધ કરીને પછી ધામમાં લઈ જઈએ. અનાદિમુક્ત ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે ગાદી ઉપર અયોધ્યાપ્રસાદજી મહારાજ હતા. એમના કરતાં ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ અધિક હતી. એમનો મહિમા એ જાણતા હતા.
જ્યારે ચૈતન્ય મૂર્તિમાં સ્થિર થાય, ત્યારે આનંદ આવવા માંડે. સિનેમા જોવા જાઓ છો ત્યારે ગમતું ચિત્ર હોય તો બહુ હલન-ચલને ય ન કરે. એટલો અંદર સ્થિર થઈ જાય. એમ મહારાજની મૂર્તિમાં અંદર સ્થિર થાય ત્યારે હલન-ચલન ને દોડા-દોડ કરવાનું ક્યાં રહ્યું? બરાબર છે? એ એને ખબર નથી. જ્યારે સુખનો અનુભવ થાય, ત્યારે પાર આવે! બસ, અનુભવ કરવાનો. પછી ભગવાન પોતાની લીલાઓ બતાવે. બતાવવા ધારે તો બતાવે નહિ તો સુખમાં જ રહેવાનું કે બીજું કાંઈ? End of this pain, દુઃખનો અંત, પછી બધું પતી ગયું. ખીચડી ચડ્યા પછી તડ-તડ-તડ માથાકૂટ થાય છે? અવાજ થાય છે? પછી સ્થિર થઈ જાય. ઘડો છલકાય ક્યારે? અધૂરો હોય ત્યારે, પછી ન છલકાય. એ સુખમાં રહેવાય ત્યારે પૂરું થયું કહેવાય. એવો કેફ રાખવો કે હું મહારાજના સુખમાં જ રમણ કરું છું. એ સુખમાં રહ્યા થકા બધી જ ક્રિયા ભગવાનની ઇચ્છાથી થાય છે. ભણાવનારા ભગવાન, અભ્યાસ કરનારા ભગવાન, વિચારનારા ય ભગવાન, બીજું બધું ય કરનારા ય એ જ. બધું જ એ કરે. અને બધાય ભગવાનના મુક્ત સ્વરૂપો છે. બધાય મૂર્તિમાં રહ્યા છે. મૂર્તિમાં રહેવાની વાત અલૌકિક છે. બરોબર! માટે મૂર્તિ સંભારવાની. મૂર્તિમાં રહે ત્યારે ખબર પડે કે નખશિખાંત છું.
આપણું કેમ થશે? એમ સંકલ્પ થાય, ત્યાં સુધી શ્રદ્ધામાં ફેર છે. ત્યાં સુધી સુખનો અનુભવ ન થાય. હું મહારાજના સુખમાં જ છું એમાં વિચાર સરખો ન કરવો અને નાસ્તિકપણાનો ભાવ લાવ્યા સિવાય આગળ વધવાનું. પછી એ ભગવાનની દયાથી અનુભવ થાય. જ્યાં સુધી ડગમગાટ હોય, ત્યાં સુધી દૃઢ કર્યા જ કરવું પડે. દૃઢતા ન થાય ત્યાં સુધી કેમ છે, કેમ નહિ એમ થાય. આ લોકના ભાવ જણાય. વળી પાછી વૃત્તિ ખેંચાઈને મૂર્તિમાંથી બહાર જતી રહે. સંકલ્પ - વિકલ્પ થાય. બીજું થાય, ત્રીજું થાય અને એમ થાય કે મૂર્તિમાં આપણે હશું કે કેમ? ત્યારે કૃપાસાધ્ય એનું નામ કે આ બધું છે છતાં તમે અમારા જોગમાં આવ્યા એટલે તમને અમે મૂર્તિમાં રાખી દીધા છે. બધું છે તમારામાં. દોષો હોય, કેટલાય જનમ થાય એવું છે. એ બધાય જનમ ટાળ્યા છે. અને તમને અમે સુખમાં રાખ્યા છે. એણે રાખ્યા છે માટે રહ્યા છીએ. રાખ્યા તો આપણને મનાવું જોઈએને! ન મનાય તો એટલું કાચું. કોઈક પૂછે તમે ક્યાં છો? તો મહારાજની કૃપાથી હું મહારાજની મૂર્તિમાં છું એવું બોલવું જોઈએ બરોબર છે? એમણે રાખ્યા છે એવી શ્રદ્ધા ડગવી ન જોઈએ. રાખનારાએ રાખ્યા છે. પછી ગમે ત્યારે ગમે ત્યાં જાવ તો ય એમ લાગે કે હું મહારાજની મૂર્તિમાં જ છું. મહારાજની મૂર્તિમાં હોઈએ તો પૂરું રક્ષણ મળેને! ચિંતા માત્રનો અંત આવી જાય. પૂરા નિર્ભય થઈ ગયાને! ભગવાનની મૂર્તિમાં રહ્યા પછી કોઈ ભય ડરાવતો નથી. સહી સલામત થઈ ગયા. આ વાતનું મનન કરતાં કરતાં એ પાકું થઈ જાય ને સાક્ષાત્કાર થાય.
બીજા લોકો દોષો ટાળવા માટે દેહદમનની માથાકૂટ કર્યા જ કરે છે બરોબર છે! ઠીક છે, પણ ભગવાનની મૂર્તિનું સુખ પ્રાપ્ત કરવા માટે પહેલા તો આ અભ્યાસ પાકો કરવો પડે. પછી ભગવાનના સુખમાં રહી શકાય. પછી અંદર રહ્યા થકા મૂર્તિના દર્શન થાય. નખથી માંડીને શિખા પર્યંત દર્શન થાય. સળંગ દર્શન થાય. અંદર રહીને થાય. અંદર રહ્યા છીએ એવું જ લાગે. સરસ દર્શન થાય. બેઠા હોઈએ તો આમ જ બેઠા છીએ. મહારાજ જ આમ બેઠા છે એવો ભાવ થાય. ત્યારે આ દિવ્યભાવમાં જ રાચવું. પછી અહીંના ભાવ જેવું ત્યાં (પરભાવમાં) રહેતું નથી. આમ બેઠા કે આમ બેઠા એવું રહેતું નથી. મુક્તોને મૂર્તિમાં કિલ્લોલ કરવાની રીત એવી છે કે જેવું માછલું કિલ્લોલ કરે છે ને એની પદ્ધતિ જુદી છે, બાકી જે Comparision (તુલના) આપીને! સુખ લેવાની, એમાં જેમ આનંદ આવે છે એવી રીતે કિલ્લોલ કરવાની એ રીત. એવો જ આનંદ આવે છે. વૈવિધ્યસભર. એ સવાચોસઠ તસુની મૂર્તિ, પણ મહાસાગરોના મહાસાગરો સમાઈ જાય એવડી મોટી છે. સુખમાં રમતાં એવું લાગે. અને છતાંય અંદર ભગવાને સુખમાં રસબસ રાખ્યા છે, એમ અનુભવાય. એ વાત બહુ અલૌકિક છે. એ તો માણે એ જાણેને? એ કરવું પડે.
પહેલા તો આપણે વિશ્વાસ કેળવવો પડે. વિશ્વાસ આવ્યા પછી સંકલ્પ બંધ થાય ને? ત્યાં સુધી વિચાર જ કરે કે આમ હશે કે આમ હશે? એવી માથાકૂટ કર્યા કરે. પહેલા તો નાસ્તિકપણું ભગવાનને વિષે ટાળો. આ લોકની વસ્તુ યાદ આવે એવા ઘાટ છેને! એ તો હિસાબમાં જ નથી. એ કાંઈ બહુ પરાભવ નથી કરતા. જે અવિશ્વાસ રહે છે ને! જે શ્રદ્ધા નથી આવતીને! એ સૌથી ખરાબ છે. એના લીધે બધા દુઃખી થાય છે. ઘડીકમાં બેસી જાય. થોડું દુઃખ આવે તો ય ગભરાઈ જાય. શરણાગતિ કોને કહેવાય ખબર છે? શ્રીજીમહારાજે સર્જેલી કોઈ પણ જાતની પરિસ્થિતિ એનો સહર્ષ સ્વીકાર કરીને આનંદ આવે ત્યારે માનવું કે હવે બરોબર છે. તરત જ વિચાર કરે આવું કેમ મહારાજે કર્યું? વિચાર આવે આવું કેમ કર્યું એટલે પતી ગયું. એવું નહિ વિચારવાનું કેમ કર્યું? કેમ નહિ? એ બધી એની મરજી. તો પછી આપણે એની ગતિ પાર પામી ગયા કહેવાયને? કેમ કર્યું એ જાણીએ તો - તો ભગવાનનો પાર પામી ગયા કહેવાઈએ. એટલે એમ નહિ થવું જોઈએ કે આમ કેમ કર્યું હશે? શું મારું હશે? શું કોઈકનું કંઈક કર્યું હશે? બાપુજીએ અંત વખતે મહારાજના દર્શન કર્યા એ ભાગ્યને? એટલા દર્શન થયા એ ભાગ્ય. મહારાજના દર્શન કર્યા પછી કોના દર્શન બાકી રહે? બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ક્યા મુક્ત બાકી રહ્યા? એવા દર્શન થયા મહારાજના.
આ લોકની બાધિતાનુવૃત્તિ એવી છે ખરી કે દુઃખ થાય, મૂંઝવણ થાય બધું જ થાય, પણ સમજણ બદલાવી જોઈએ નહિ. એક સેકંડ પણ ન બદલાવી જોઈએ. આમ કેમ કર્યું એમ ન થવું જોઈએ. આ Pain (દુઃખ) ભલે ભોગવે. that is another thing દુઃખ પડે. ખૂબ મૂંઝવણ થાય. આમ થાય, તેમ થાય એ બધું સહન કરવું. કરવું પડે ભલે, પણ એ વખતે વિચાર ન આવવો જોઈએ કે મહારાજે આમ કેમ કર્યું? બરોબર! તો એ પાકી નિષ્ઠા ન ગણાય. ત્યાં સુધી કાચપ. ત્યારે એવું પાકું કરવું બરોબર! મોરબીમાં પેલું પૂર આવ્યું ત્યારે બધા મૂંઝાઈ ગયા. એ વખતે સચ્ચિદાનંદ સ્વામી હતાને એના જેવું કરવું. એમની સામે વાઘ આવ્યો. પોતે જાણતા હતા કે વાઘનું કાર્ય એવું છે કે ખાઈ જાય. હિંસક પ્રાણી. પોતે એમ સમજતા હતા કે ખાય એનુંય કલ્યાણ થઈ જશે. પોતે મૂર્તિમાં ઊંડા ઉતરી ગયા વાઘ જોયો એટલે. સંકલ્પ કર્યો કે આ દેહને એ જમી જશે તો એનું કલ્યાણ થઈ જશે. એ પોતે ઊભા રહ્યા, ઊભા ઊભા મૂર્તિમાં ઊંડા ઉતરી ગયા. પછી લગભગ અર્ધા કલાકે મહારાજે એમને જાગૃત કર્યા. તો વાઘ ઊભો રહ્યો હતો. પછી માથું નમાવીને જતો રહ્યો. એ વખતે ત્યાં સુધી ઊભો રહ્યો. સ્વામી જ્યારે દેહમાં આવ્યા ત્યાર પછી દર્શન કરીને જતો રહ્યો. ભગવાનને રાખવા હતા તો રાખ્યા. કોઈવાર એવું ન પણ કરે તો એ વખતે વિચાર કરે કે ભગવાને આમ કેમ કર્યું? બહુ મોટા ભક્ત હતા ને આમ કેમ થયું? આવા મોટા હતા ને મોટર નીચે આવીને કેમ કચડાઈ ગયા? જેની ઉપર કૃપા નથી કરી એના માટે સંકલ્પ થાય બરોબર! પણ જેને અનાદિમહામુક્ત મળ્યા ને કહ્યું, જાવ મૂર્તિમાં રાખ્યા એનું ભૂંડું ન થાય. પછી દેહ ભલે ગમે તે રીતે પડે, પણ સુખમાં ફેર ન પડે. ચૈતન્ય સુખમાં રહે.
એક સમજણ એવી દૃઢ રાખવાની કે કૃપા - જો આશીર્વાદ ઝીલ્યા હોય, એ ઝીલવામાં ફરક પડે તો બરોબર આનંદ ન આવે તો એટલો વધુ વખત કાઢવો પડે. એના કરતાં વહેલું ન કરીએ? જેમ બને તેમ જલદી પાર ઉતરવું. નહિ તો એટલું મોડું થાય. ભગવાન કહે છે કે મૂર્તિમાં રાખ્યા જાવ. પરમાત્મા કહેતા હોય કે મૂર્તિમાં રાખ્યા ને જો બીજો વિચાર કરે તો ઘેલો કહેવાયને? તો પછી. હવે બાપુજી ભલે ધામમાં જતા રહ્યા. થોડો વખત તકલીફ રહે, પણ મહારાજ પાછા બધું સરખું ગોઠવી દે. એ સુખમાં આપણે બધા રહ્યા છીએ કંઈ કમી રાખી છે? મહારાજે કંઈ કમી નથી રાખી. એવી દૃઢતા રાખી સદાય આનંદમાં રહેવું.
જય સ્વામિનારાયણ!
સારાંશ
જે જીવ ઉપર મહારાજની કૃપા થઈ હોય તે જીવ જ્યારે દેહનો ત્યાગ કરે છે, ત્યારે તેને દિવ્ય સાકાર દેહ પ્રાપ્ત થાય છે અને ત્યારબાદ મહારાજના વૈવિધ્યભર્યા સુખનો ચૈતન્યને અનુભવ થવા લાગે છે. એ સુખ એ જ ચૈતન્યનો આહાર છે. મહારાજ અન્વયપણે સર્વત્ર વ્યાપક છે. એ અનુભવ જીવને જ્યારે કરાવે, ત્યારે જીવ પણ ભગવાનની સાથે સર્વત્ર વ્યાપકપણાનો અનુભવ કરે છે. સગા-સંબંધી ધામમાં પધારે ત્યારે આ લોકમાં ભજન - ભક્તિ કરવામાં સાથ આપતા તે બંધ થયું તેવા ભાવનું દુઃખ થવું જોઈએ. આસક્તિ સાથેનું દુઃખ ન થવું જોઈએ. બાપાએ પૃથ્વી પર પધારી મહારાજની મૂર્તિના સુખમાં રહેવાના આશીર્વાદ આપી કૃપા વરસાવી અને સુખમાં રાખી દીધા. બાધિતાનુવૃત્તિ દૂર થતાં એ સુખનો અનુભવ થાય છે.
જે જીવ ધામમાં ગયો તે પણ મહારાજના સુખમાં અને આપણે પણ એ સુખમાં જ છીએ. માટે વિયોગ કે જુદાપણાનો ભાવ રહેતો જ નથી. એવી સમજણ રાખી સદાય આનંદમાં રહેવું. અનાદિમુક્તને તો દુઃખ જેવું હોતું જ નથી. બીજાને સહાનુભૂતિ બતાવવા દુઃખ થયું એવી લીલા કરતા હોય છે. હંમેશાં ભગવાનના ઘરમાં રહ્યા છીએ અને ઘરની બધી ક્રિયાઓ એ ભગવાનની સેવા માટે જ કરું છું એવી ભાવના રાખવાથી તે ક્રિયાઓ ભક્તિરૂપ બને છે. ધામમાં જ બેઠા છીએ અને મૂર્તિનું સુખ લઈએ છીએ, સદાય એવી દૃઢ નિષ્ઠા રાખવી. ભગવાન પૃથ્વી પરથી અદૃશ્ય થયા પછી ભક્તના ભાવને જાણી થોડી ક્ષણો માટે જ ભક્તને દિવ્યરૂપે દર્શન આપે છે. અનાદિમુક્ત જ્યારે મહારાજની મૂર્તિમાં રહી સુખ લેવાની વાતનું જ્ઞાન સમજાવે, ત્યારે જ પાત્ર મુમુક્ષુ જીવને તે જ્ઞાન સમજાય છે.
મહારાજ જીવને તેડવા આવે છે, પણ પછી તે જીવને ક્યાં મૂકે છે તે કોઈ જાણતું નથી, પરંતુ જેને અનાદિમુક્ત મળ્યા, જેને તેમના આશીર્વાદ મળ્યા તેનું આધ્યાત્મિક સ્તર ઊચું થઈ જાય છે. ચૈતન્ય જ્યારે મૂર્તિમાં સ્થિર થાય, ત્યારે આનંદ આવે. પછી બધા જ દુઃખોનો અંત આવે છે. દરેક ક્રિયા મહારાજ કરે છે એવું અનુસંધાન સદાય રાખવું. જીવમાં અનેક દોષો હોવા છતાં મહારાજે મૂર્તિમાં રાખ્યો છે તેવો દૃઢ વિશ્વાસ જ જીવને મહારાજના સુખમાં પહોંચાડે છે. આ લોકના ઘાટ - સંકલ્પ કરતાં મહારાજ અને અનાદિમુક્તના આશીર્વચનમાં અવિશ્વાસ જ જીવને વધુ દુઃખદાયી બને છે.
શ્રીજીમહારાજે સર્જેલી ગમે તે પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર કરી આનંદ માનવો તેનું નામ સંપૂર્ણ શરણાગતિ. મહારાજના દર્શનમાં બધાના દર્શન આવી જાય. શ્રદ્ધામાં કેમ, શા માટે જેવા પ્રશ્નો ઊઠે તે અશ્રદ્ધા છે. અનાદિમુક્તના આશીર્વાદ જે જીવને મળ્યા તેનું પૂરું થયું સમજવું. પછી ભલે તે જીવનો દેહ ગમે તે રીતે પડે તેનું પૂરું થઈ જાય.