13

0:000:00

શ્રીજીમહારાજ, બાપાશ્રી તથા અનાદિમુક્તની આ દિવ્યસભાને વંદન કરું છું.

મનુષ્યજન્મ દુર્લભ કેમ કહ્યો? તો મનુષ્યજન્મમાં ભગવાને બુદ્ધિ આપી છે. વિચારશક્તિ આપી છે. બીજી યોનીમાં પશુ વગેરે યોનીમાં બુદ્ધિશક્તિ નથી. વિચાર કરવાની શક્તિ નથી. પ્રભુને ઓળખવાની શક્તિ નથી. જ્યારે મનુષ્યજન્મમાં પ્રભુને ઓળખી શકાય. માટે મનુષ્યજન્મ વેડફાઈ ન જાય તે માટે કાળજી રાખવી જોઈએ. મનુષ્યજન્મમાં દિવસના ચોવીસ કલાક પૂરા થાય ત્યારે એમ તો થવું જોઈએને કે આજની સ્થિતિ શું? આજે આપણે કેટલી પ્રગતિ કરી? કેટલું આગળ વધ્યા કે પાછળ પડ્યા? એ બેયનો સરવાળો કરવો જોઈએ, વિચાર કરવો જોઈએ. પ્રભુની આજ્ઞા પ્રમાણે વર્તવું. પ્રભુને ન ગમે એવું વર્તન એનું નામ પાપ અને પ્રભુને ગમે એવું કાર્ય કરીએ તે પુણ્ય. કોઈનો તિરસ્કાર કરીએ તો પ્રભુને ન ગમે. કારણ કે, દરેકની અંદર ભગવાન રહેલા છે. કોઈનું અપમાન કરીએ તો પ્રભુને ન ગમે. કોઈની વસ્તુ ચોરી લઈએ તો ભગવાનને ન ગમે. છાનુંમાનું કોઈનું લઈ લઈએ તો પણ ભગવાનને ન ગમે. સરકારી ચોરી કરવી એ પણ પાપ છે. એ પણ પ્રભુને ન ગમે. કાયદાનું પાલન ન કરવું એ પણ પ્રભુને ન ગમે. કાયદા-કાનૂન એ પ્રભુએ રચેલા કાનૂનો છે. એ પ્રમાણે બધાએ વર્તવું જોઈએ. પ્રભુપરાયણ જીવન જીવવું એનો અર્થ એ છે કે જે જે કાર્યો કરીએ તેમાં સૌ હા પાડે કે આ બરોબર છે. આપણે કોઈ કાર્ય એવું કરીએ કે જે કોઈને ન ગમે તો સમજવું કે એ બરાબર નથી.

કેટલીકવાર એવું બને કે સમજનારની સમજણ ખોટી હોય એના લીધે સંતપુરુષનું વચન એને ન ગમે. એ વિચારવાની બાબત છે. પાપ અને પુણ્ય. પુણ્યનો અભાવ એનું નામ પાપ અને પાપનો અભાવ એનું નામ પુણ્ય. પ્રભુનો સંબંધ રાખીએ તો કોઈ ખોટી વસ્તુ આપણા મન, કર્મ, વચને ન થાય. પ્રભુને રાખવાનો અર્થ એ છે કે પ્રભુથી કોઈ ખોટું કામ થતું નથી. સંપૂર્ણ સત્ય એટલે પરમાત્મા. પરમાત્માનું સ્વરૂપ એ સંપૂર્ણ સત્ય અને પ્રેમ સ્વરૂપ છે. માટે જે પ્રભુને સાથે રાખે એ હંમેશાં સારી રીતે વર્તી શકે. પ્રભુ અંતર્યામી છે. મનની અંદર પણ ખોટો સંકલ્પ કરીએ, ખોટો વિચાર કરીએ, કોઈનું ખોટું થાય એવો પણ સંકલ્પ કરીએ, પોતાના સ્વાર્થને ખાતર બીજાનું જરાકે ય બગાડીએ એ પણ પ્રભુ તો જાણે છે. આડંબર કરીએ તે પણ પ્રભુ જાણે છે. તો આ બધી જ વાત ભગવાન જાણે છે. પોતાના અંતરાત્મામાં બિરાજેલા ભગવાન આ બધું જાણે છે. એમ જો બરોબર મનુષ્ય વિચાર કરે તો એ ખોટું નહિ કરે.

આ બધાયની વચ્ચે આપણે ચોરી કરીશું ખરા? ચોર ચોરી કરે બધા હોય ત્યારે? નહિ કરે. બધા અંધારામાં હોય ત્યારે એ ચોરી કરીને ચાલ્યો જાય. ત્યારે ભગવાન હાજર છે, સદાય નિરંતર હાજર છે, એની હાજરી અખંડ છે. જો એવું સમજાય તો કોઈ પણ ખોટું કાર્ય ન થાય. ચોરીનું કર્મ પણ ન થાય. અપ્રમાણિકતા પણ ન થાય. કોઈના વિશે ખોટો સંકલ્પ પણ ન થાય. કોઈના વિશે અદેખાઈ પણ ન થાય. કોઈની ઈર્ષા પણ ન આવવી જોઈએ. ત્યારે પ્રભુનો સંબંધ આનું નામ કહેવાય. પ્રભુનું રૂપ ધાર્યા કરીએ અને ગુણ એકે ય ન આવે તો એ તો યાંત્રિક વસ્તુ થઈ. ભક્તિ કરીએ અને પ્રભુના એકે ય ગુણ આવે નહિ તો એ ભક્તિની ફળશ્રુતિ શું? આત્માનું કલ્યાણ તો ત્યારે જ થાય કે પરમેશ્વરનું ભજન કરતાં કરતાં પરમેશ્વરના કલ્યાણકારી ગુણો આપણા જીવનમાં ઉતરે તો પ્રભુની ભક્તિ સાચી. પ્રભુની ભક્તિ નિષ્કામ ભક્તિ હોવી જોઈએ, કોઈ પણ ઇચ્છા વગરની.

ભગવાન ભક્તોના સંકલ્પ પૂરા કરે છે એમ કહેવાય છે. એ સત્ય છે, પણ ભગવાનના ભક્તને એમાં પૂર્ણ શ્રદ્ધા નથી એટલે એ માગ્યા કરે છે. એને એમ કે હું માંગુ તો જ ભગવાન સાંભળશે, નહિ તો ભગવાન નહિ સાંભળે. ભગવાન જાણે બહેરા ન હોય! ભગવાનને પ્રાર્થના કરવી, પણ શ્રદ્ધા સંપૂર્ણ હોવી જોઈએ. શ્રદ્ધા વગરની ભક્તિ કોઈ દિવસ ફળ આપતી નથી. એનાથી કોઈ સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. વિજ્ઞાન પણ કહે છે કે જો વિજ્ઞાનના પ્રયોગોમાં શ્રદ્ધા ન હોય તો કોઈ દિવસ વૈજ્ઞાનિક સત્યો શોધી શકાતા નથી. શ્રદ્ધા દરેકમાં હોવી જોઈએ. તમે કોઈ કાર્ય કરો કે કોઈ ધંધો કરો એમાં જો તમને આત્મશ્રદ્ધા ન હોય તો એ ધંધો તમને કદીયે ફળ આપશે નહિ. એ ધંધામાં તમે સફળતા નહિ મેળવી શકો. કોઈપણ મનુષ્યને વિષે તમને શ્રદ્ધા નહિ હોય તો તમે તેની સાથે આત્મીયતા નહિ કરી શકો. માટે શ્રદ્ધા એ તમામ વસ્તુઓની સિદ્ધિઓ માટેનું અમોઘ શસ્ત્ર છે. અમોઘ સાધન છે. શ્રદ્ધાવાળો હંમેશાં પોતાનું ધારેલું કામ પાર પાડે છે.

દરેક મનુષ્યને કંઈક કંઈક મહત્વાકાંક્ષા હોય છે. ત્યારે મહત્વાકાંક્ષા કોને કહેવાય? આકાંક્ષા તો બધી હોય, પણ સાચી મહત્વાકાંક્ષા તો સત્પુરુષો એને કહે છે કે પ્રભુને પ્રાપ્ત કરવાની આકાંક્ષા રહે એનું નામ મહત્વાકાંક્ષા. ગાંધીજીએ એકવાર કહેલું કે શાસ્ત્રમાં કે ભારતમાં જે જે સંતપુરુષોએ ભગવાનનો સાક્ષાત્કાર કર્યો છે તે જ સાચા મહત્વાકાંક્ષી કહેવાય. હજી હું એવી મહત્વાકાંક્ષાની સ્થિતિને પામ્યો નથી. હું વિચારથી બ્રહ્મની ઝાંખી કરી શકું છું, પણ અનુભવે કરીને એ બ્રહ્મની સ્થિતિને પામ્યો નથી. એમ પોતે કહેતા. કારણ કે સત્યવાદી હતા. તેઓ એમ કહેતા કે મને લોકો મહાત્મા કહે છે, પણ સંત તો એનું નામ કે જેને પ્રભુના સાક્ષાત્‌દર્શન થઈ ચૂક્યા હોય એને સંત કહેવાય. સંતને માર્ગે ચાલ્યો હોય એ પણ સંત કહેવાય. પેલા સંપૂર્ણ સંત અને આ સાધનિક સંત કહેવાય. સંતના માર્ગે ચાલે, સત્યના માર્ગે ચાલે, પ્રભુના માર્ગે ચાલે એ સંત કહેવાય. દરેકે સંત બન્યા વગર છૂટકો નથી.

તમામ મનુષ્યે જગતમાં ગમે તે મનુષ્ય હોય, ગમે તે જ્ઞાતિનો હોય, પણ એ મનુષ્યે ભલે એ ભૌતિકવાદી હોય, નાસ્તિક હોય કે આસ્તિક હોય કોઈ પણ મનુષ્યને પોતાની મુક્તિને માટે પ્રભુનો આશ્રય લીધા વગર છૂટકો નથી. એક જન્મે નહિ તો બીજે જન્મે. ભક્તિ વગર કોઈ વસ્તુ પ્રાપ્ત થાય નહિ. પ્રભુની ભક્તિ એટલે પ્રભુની ઉપાસના. વિજ્ઞાનમાં પણ સત્ય શોધવા હોય તો વિજ્ઞાનની ભક્તિ કરવી પડે. એમ કહેવાય કે એ વિજ્ઞાનભક્ત છે. ત્યારે મોટા મોટા જે વૈજ્ઞાનિકો થયા એ વિજ્ઞાનની ભક્તિ કરીને થયા. આ જગતનો વિચાર કરો કે પ્રભુએ કેટલી કેટલી વસ્તુઓ બનાવી છે કે જે મનુષ્ય કરી શકે નહિ. કરતો જાય છે. એમ નવું નીકળતું જાય છે. એ પણ પાછો પાર પામતો નથી. એ પણ માને છે કે અનંત બ્રહ્માંડો છે. તો હજી તો એ એક-બે ગ્રહો પર અવકાશ યાત્રાથી પહોંચ્યા છે. એનું સંશોધન કરતાં પણ એનો દમ નીકળી જાય છે. એવા તો અનંત બ્રહ્માંડો છે.

આ પૃથ્વી ઉપર જે મનુષ્યો છે એવા બીજા બ્રહ્માંડો નથી? એવા તો અનંત બ્રહ્માંડો છે કે જ્યાં મનુષ્યો ઉચ્ચ સ્થિતિને પામેલા છે. એવા બ્રહ્માંડો છે જ્યાં સતયુગ વર્તે છે. એવા પણ બ્રહ્માંડો છે ત્યાં દ્વાપરયુગ પ્રવર્તે છે. કોઈને કોઈ બ્રહ્માંડોમાં અવતારોનું પ્રગટીકરણ થયા જ કરે છે. અને એ તમામ અવતારો જેમાંથી પ્રગટ થયા એ અવતારી પણ છેવટે પ્રગટ થઈ અને મનુષ્યોનું કલ્યાણ કરે છે. એમ ન સમજીએ કે આ પૃથ્વી પર આપણે છીએ એ બ્રહ્માંડમાં જેટલા મનુષ્યો છે એટલા જ છે. અનંત જીવો છે. મનુષ્યો ઉપરાંત પણ એટલા બધા જીવો છે. જુઓ ચોર્યાસી લાખ યોનીમાં કેટલા બધા જંતુઓ છે. ઝીણા ઝીણા, મોટા જીવો એ બધાયના રૂપ જુદા જુદા આ પ્રભુની લીલા અકળ છે એવું નથી લાગતું? જો વિજ્ઞાન એમ કહેતું હોય કે પ્રભુ નથી, તો વિજ્ઞાન આ બધું સર્જન કરે નહિ? લાખો કરોડો જીવ-જંતુઓ પેદા કરી દે નહિ? કેમ નથી કરતું? પ્રભુ ઇચ્છે ત્યારે એ બધું પ્રલય થઈ જાય, લીન થઈ જાય, ઇચ્છે ત્યારે સૃષ્ટિની ઉત્પતિ થાય. એને કોઈ રોકી શકતું નથી. હવામાન બદલાય છે, પ્રલય થાય ત્યારે કોઈ રોકી શકતું નથી. વિજ્ઞાન ગમે તેટલી મહેનત કરે, પણ પ્રભુ આગળ એનું કંઈ ચાલતું નથી. ત્યારે એ એમ માનતું થયું છે કે એવી કોઈ અજબ શક્તિ છે કે જે શક્તિ પારાવાર છે. એવી અપાર છે કે એનું સંશોધન કરતાં કોઈ પાર જ નહિ આવે, ચાલ્યા જ કરશે.

ટેલિવિઝન તો ટેલિવિઝનમાંથી વળી બસ્સો વર્ષ પહેલા મનુષ્યો જે વાણી બોલેલા તે સાંભળવાનો પણ અત્યારે પ્રયોગ ચાલે છે. કૉમ્પ્યુટરો વિચાર કરતા થઈ ગયા, પણ યાંત્રિક રીતે છતાં પણ કૉમ્પ્યુટરો કંઈ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે? ન કરાવી શકે. પ્રભુની શોધ એ ન કરી શકે. એના માટે તો સંતરૂપી કૉમ્પ્યુટર જોઈએ કે જે પ્રભુને જોઈ શકે. ત્યારે કૉમ્પ્યુટર બધું જ કરશે. વૈજ્ઞાનિકો બધી જ શોધખોળ કરશે, પણ પરમાત્માની શોખોળ, પરમાત્માને મેળવવા હોય તો સંત પાસે જવું પડશે. કારણ કે સંતે પ્રભુની પ્રાપ્તિ કરેલી છે. એની મહત્વાકાંક્ષા પૂરી થઈ ચૂકી છે. માટે પ્રભુને પામવા માટે આ મનુષ્યજન્મ છે એ યાદ રાખવું. આ જન્મે પ્રભુને મેળવવા માટે થોડો પ્રયત્ન કર્યો હોય તો એ જરૂર ઊગી નીકળશે, પણ બીજો જન્મ ધરવો પડશે. અને ત્યાંથી શરૂઆત કરવી પડશે. એ કરતાં સંત મળે તો તરત જ ન કરી લઈએ? જેથી આ જન્મે જ પાર આવે.

બ્રહ્માનંદ સ્વામીને કોઈએ પૂછ્યું કે મરવું એટલે શું? તો સ્વામી બોલ્યા, ‘મરના મરના સૌ કહે, મરી ન જાને કોઈ, મરના તો ઐસા મરના ફિર જનમ ન હોય.’ એનું નામ મરવું. મરીને જો ફરી જન્મ લેવાનો હોય તો એ મરી જાણ્યું ન કહેવાય. એ મૃત્યુ પામ્યો ન કહેવાય. એને મરતાં આવડ્યું નહિ. મરવું તો એવું મરવું કે ફરી જન્મ ન ધરવો પડે. એનું નામ સાચું ડ્ઢીટ્ઠંર જેને કહીએ, સાચું મૃત્યુ જેને કહીએ. ત્યારે એવું મૃત્યુ પામીએ કે કોઈ કહે કે આ...હા..હા! એનું મૃત્યુ ભવ્ય થયું. ભવ્ય મૃત્યુ એનું નામ કે ફરી જન્મ ન આવે તો એ ભવ્ય મૃત્યુ કહેવાય. ત્યારે મૃત્યુની એ વ્યાખ્યા છે. મૃત્યુ એ સૌથી સરસ ઘટના છે, પણ ક્યારે? કે જ્યારે ફરી જન્મ ન આવે ત્યારે. તો ફરી જન્મ ન આવે એવી સ્થિતિ થાય ત્યાં સુધી મૃત્યુને દૂર રાખવાનું. મૃત્યુને પાસે નહિ આવવા દેવાનું. પ્રભુની પ્રાપ્તિ કરવામાં પોતાની આળસે કરીને જો ચલાવે રાખે તો મૃત્યુ દૂર નહિ જાય, પણ જો આપણને પ્રભુપ્રાપ્તિ માટેની સાચી આકાંક્ષા હોય તો મૃત્યુ છેટે રહેશે. આપણને તક આપશે પ્રભુને ભજવાની. પણ બોલીએ અને કરવા ન માંડીએ તો મૃત્યુ રાહ જોતું નથી. માટે આ મનુષ્ય જન્મની એકે એક પળ અમૂલ્ય છે. મૂલ્યવાન છે. એના તુલ્ય કોઈ મૂલ્યવાન વસ્તુ નથી. એ અમૂલ્ય છે.

સંતો એમ કહે છે કે દુનિયામાં મોટામાં મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરવાને માટે પણ લોકો આખી જિંદગી કાઢે છે. કેટલી બધી મહેનત કરે છે. વિદ્યાર્થી ગ્રેજ્યુએટ થવાને માટે બાળમંદિરથી માંડીને નર્સરી કે કે.જી.થી માંડીને ગ્રેજ્યુએટ થાય, પોસ્ટગ્રેજ્યુએટ થાય, ત્યાં સુધી સત્તર-અઢાર વર્ષો સુધી સાધના કરે છે. અગિયારથી પાંચ શાળામાં જાય, ઘરે આવે, ગૃહકાર્ય આપ્યું હોય શિક્ષકોએ એ બેસીને તૈયાર કરે, સવારે વહેલો ઉઠે, ત્યારે સત્તર વર્ષે એ ગ્રેજ્યુએટ થાય. ગ્રેજ્યુએટ થયા પછી ય નોકરી મળે નહિ. ગ્રેજ્યુએટ થયા પછી તમે એને બી.એ.ની કોઈ બાબત પૂછો તો કાંઈ ન આવડે. પરીક્ષામાં જાય અને ત્યાં લખી આવ્યો બસ. ગ્રેજ્યુએટ થઈ ગયા પછી એની કિંમત કાંઈ નહિ. ત્યારે એ વિદ્યા નથી. વિદ્યા એનું નામ કે જે મુક્તિ અપાવે. सा विधा या विमुक्तये | મુક્તિ એટલે દુઃખમાંથી મુક્તિ. દુઃખ કેનું નામ? કે જે નાશ પામે એ વસ્તુની આકાંક્ષા એનું નામ દુઃખ. એક જ એવું છે, આત્મા અને પરમાત્મા એ બંનેનો યોગ એ શાશ્વત છે.

બધી નદીઓનું વહેણ કઈ તરફ હોય? સમુદ્ર તરફ તો જીવાત્માનું વહેણ પ્રભુ તરફ હંમેશાં રહેવાનું. પ્રભુએ એવી કળા કરી છે કે એક જન્મે નહિ, બે જન્મે નહિ, અનેક જન્મે પણ અંતે પ્રભુ એ જીવને પોતાની તરફ લઈ લે છે. કોઈ પ્રશ્ન પૂછે કે આ પ્રભુની લીલા શું? શા માટે અનેક જન્મો લેવડાવે છે? એક જન્મે પૂરું કેમ કરી દેતા નથી? તો પ્રભુ એમ કહે છે કે એક જન્મે શું હું તો એક પળમાં પૂરું કરી દઉં. જો અમારા તથા અમારા સંતના આશીર્વચનમાં સાચી શ્રદ્ધા હોય અને અમારા સ્વરૂપનું જ્ઞાન અને અણીશુદ્ધ ઉપાસના દૃઢ કરી હોય તથા આજ્ઞામાં અણીશુદ્ધ વર્તન હોય તો પાત્ર કરીને પૂરું કરી દઉં.

જય સ્વામિનારાયણ!


સારાંશ

મનુષ્યજન્મ દુર્લભ છે. ચોવીસ કલાકમાં એક વખત તો અંતદૃષ્ટિ કરવી જ કે આધ્યાત્મિક માર્ગમાં કેટલા આગળ વધ્યા. પ્રભુને ગમે તેવું કાર્ય તે પુણ્ય અને ન ગમે તેવું કાર્ય એટલે પાપ. ભગવાનને સદાય સાથે રાખવાથી ખોટું કાર્ય થતું નથી. ભજન - ભક્તિ કરતા ભગવાનના ગુણો ભક્તમાં આવે ત્યારે ભક્તિ સાચી અને ભક્ત સાચા પથ પર આગળ વધે છે તેમ મનાય. ભગવાનમાં અતૂટ શ્રદ્ધા હોવી આવશ્યક છે. જીવનમાં પ્રભુને પામવાની મહત્વાકાંક્ષા રાખવી. ભગવાનના સાક્ષાત્કારવાળા હોય તેમને ખરા મહાત્મા કહેવાય.

અનંત બ્રહ્માંડોમાં સર્વોપરી પરમાત્માની અનંત લીલાઓ ચાલ્યા કરે છે. અનાદિમુક્ત મળે ત્યારે જ પ્રભુપ્રાપ્તિ શક્ય બને છે. ફરી જન્મ ન થાય એવું જીવન જીવાય ત્યારે ધન્ય બનાય. નાશવંત વસ્તુની આકાંક્ષા જ્યાં સુધી જીવને રહે, ત્યાં સુધી જીવ દુઃખી રહે. આત્મા પરમાત્મા સાથે જોડાય ત્યારે સર્વ દુઃખોનો અંત આવે છે. પ્રભુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, અણિશુદ્ધ આજ્ઞાપાલન અને સર્વોપરી ઉપાસના હોય તો પ્રભુ પૂરું કરી દે છે.