2
સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ દિવ્ય સભા, અનાદિમુક્તની આ દિવ્ય સભાને કોટાનકોટી દંડવત્પ્રણામ સહ વંદન કરું છું. (પછી સંતોના આવવાથી તેમની સાથે થોડી વાતો કરી, સંતોના પ્રવચનો બાદ પૂ. મામા કહે છે.)
શ્રીજીમહારાજની કૃપાથી આપણને શ્રીજીમહારાજે આવા સાચા સંત દ્વારા આત્યંતિક શ્રેયની વાતો કરી અને ખૂબ ઉપકૃત કર્યા છે. એમની વાણી ખરેખર ખૂબ ઉપયોગી લાગી છે. એમણે એક સરસ વાત કરી કે મનુષ્યદેહ દુર્લભ છે. એ દુર્લભ દેહનો હેતુ ત્યારે જ સર્યો કહેવાય કે જ્યારે દુર્લભ કામ સાધ્ય બને. એ દુર્લભ કામ એ કે પ્રભુના સાધર્મ્યપણાને પમાય. આ દેહે એ દુર્લભ કામ. અને એ દુર્લભ કામ સિદ્ધ કરવા માટે ભગવાનને પામેલા સંત, મુક્તનો સમાગમ અનિવાર્ય છે. એ સમાગમ વિના, એવા સંત મળ્યા વિના ભગવાનની પ્રાપ્તિ શક્ય નથી. એવી વાણી મહારાજે તેમના દ્વારા ઉચ્ચારી. ખૂબ આનંદ થયો. આ દુર્લભ દેહ દ્વારા એ જ કરવાનું છે. ભગવાનના સ્વરૂપને પામવાને માટે એમણે ખૂબ સરસ સવિસ્તાર વાત મૂકી. મેં તો એનો સાર ટૂંકમાં તમારી પાસે રજૂ કર્યો. અત્યારે સમય નથી, નહિ તો એમની વાતો જ થોડી વિસ્તૃત કરી વધારે આનંદ મેળવત. એમાં ઘણું રહસ્ય સારું છે. એનો વિસ્તાર કરતા ઘણો સમય લાગે.
એમણે આજ્ઞા ઉપાસનાની સુંદર વાતો કરી. ભગવાનનું સ્વરૂપ આજ્ઞા, અને એ સ્વરૂપ જો દૃઢ થાય તો ઉપાસના પરિપક્વ થવા માટે વાર ન લાગે, પણ ભગવાનના વચનોનો સાક્ષાત્કાર કરવાને માટે સતત સંતના સમાગમમાં રહીને અભ્યાસ કરવો પડે. ત્યારે આજ્ઞાનું સ્વરૂપ આત્મસાત્ થાય. ભગવાનનું વચન પાળવું કઠણ પણ છે અને તદ્દન સહેલું પણ છે. જો સમજણ બરાબર થાય તો પળમાં એ કામ સુલભ બની જાય. ભગવાનની આજ્ઞા ઘણી સરળ છે. એ સરળ છતાં પૂર્ણ છે. ભગવાન સ્વામિનારાયણે બતાવેલો જે માર્ગ એ ખૂબ સમન્વયી, સરળ અને પૂર્ણ છે. એ પૂર્ણતાને પામવાને માટે ભગવાને કૃપા વરસાવી પોતે કૃપાસાધ્ય બન્યા. અને બાપાશ્રીની વાર્તા છઠ્ઠીમાં મહારાજે એમ બતાવ્યું કે અમે અમારા અનાદિમુક્ત દ્વારા જ્ઞાનવાણી કેવી રીતે ઉચ્ચારીએ છીએ અને કૃપાવાણી કેવી રીતે ઉચ્ચારીએ છીએ એ એમાં સ્પષ્ટ નિર્દેષ થયો. જ્ઞાનવાણી દ્વારા ભગવાન પોતાના સ્વરૂપને ઓળખાવે છે, પોતાના અનાદિમુક્તને ઓળખાવે છે અને કૃપાવાણી દ્વારા પળવારમાં તમામ દોષોથી મુક્ત થઈ જાય એવી વાણી ઉચ્ચારે છે. એમાં એમ કહ્યું કે જો અમારા વચનમાં વિશ્વાસ આવે, અમારા સ્વરૂપનો નિશ્ચય બરાબર થાય અને એમાં અડગ વિશ્વાસ રહે, તો પળવારમાં અમારા સ્વરૂપનો સંબંધ થઈ જાય. વિશ્વાસ અને અડગ શ્રદ્ધા કેળવવાને માટે આપણે સતત જાગૃતિ રાખવી પડે. લાંબો અભ્યાસ પણ કરવો પડે આનંદ સાથે. તો એ વિશ્વાસ દૃઢ થાય અને સંત સમાગમ અને કૃપા થાય, તો એ વિશ્વાસ જલદી કેળવાઈ જાય. એ જે ક્ષણે કેળવાઈ જાય, એ ક્ષણે જ મૂર્તિમાં જોડાઈ જવાય.
ભગવાનના સ્વરૂપમાં જોડાવાને માટે મહારાજે સંતનો સમાગમ કાયમ રાખવા માટે જણાવ્યું છે. સંત સમાગમ સિવાય ઉદ્ધાર નથી. સંત જ ભગવાનને પમાડે. બીજા કોઈનું એ કામ નથી. મુક્ત સિવાય આ સાધ્ય વસ્તુ શ્રીજીમહારાજનું સુખ શક્ય નથી. ઘણા સાધન કરે, છતાં પણ એ સાધન છે. સાધ્ય નથી. સાધનનો ભાર ઘણીવાર અહં ઉત્પન્ન કરે છે. એટલે મહારાજ એમ કહે છે કે સાધનનો ભાર રાખ્યા સિવાય અમને મુખ્ય રાખો. સાધન આપણને એમના સ્વરૂપનું સુખ જીરવાય એવા પાત્ર કરવામાં મદદ કરે છે. જેમ સોય વડે કાંટો કાઢીને બંનેને ફેંકી દઈએ છીએ, તેમ સાધનરૂપી ઉપકરણ દ્વારા પાત્ર બનાય અને જેવા પાત્ર થાય, એવી ભગવાનની કૃપા વરસે અને એ કૃપારૂપી વરસાદ થતા ભગવાનના સ્વરૂપનું રોમે રોમ સુખ અનુભવાય. એટલે એ સાધનો આપણને પાત્ર બનાવવામાં મદદ કરે છે. તેમ જ અંતઃશત્રુઓ અને માયા એ પણ આપણને ભગવાન તરફ લઈ જવામાં મદદરૂપ થાય છે. અંતઃશત્રુઓ આડા આવે તો એની સામે લડાઈ કરવી પડે છે. ભગવાનનું બળ રાખી અને તેની સામે લડતા લડતા બળવાન બનાય છે. એ આપણને ક્યારે છોડે કે જ્યારે આપણે પૂરા બળવાન થઈ જઈએ. અને એ બધા આપણાથી હારી જાય, એ સેવા બજાવ્યા પછી તેઓ આપણને છોડી જાય છે. એટલે અંતઃશત્રુઓ પણ ભગવાનના સેવકો છે, જે સેવકો આપણને બળવાન બનાવે છે.
માયા અંધકારરૂપ છે તો ભગવાનની શક્તિ વળી અંધકારરૂપ? ભગવાને કેમ બનાવી? જાણી જોઈને બનાવી, કે માયારૂપી અંધકારમાંથી બહાર નીકળો તો તમે પાત્ર થયા કહેવાશો. અને પછી ભગવાનના સુખને પમાશે. એટલે માયા આપણને પહેલા તકલીફ આપે છે, પણ એ તકલીફ દ્વારા આપણને પાત્ર પણ બનાવે છે. તો ભગવાને એ માયા આપણને નુકસાન કરવા નથી મોકલી, પણ આપણને પોતાના સ્વરૂપને પમાડવાને માટે મૂકી છે. ત્યારે મહારાજ કહે છે કે મારો ભક્ત મારો દૃઢ આશ્રય કરે તો એ તત્કાળ માયાના અંધકારમાંથી દૂર થઈ જાય છે. એને અંતઃશત્રુઓ છોડી જાય છે. અને પછી એ બધા અંતઃશત્રુઓ એ ભગવાનના ભક્તને નમન કરે છે. ભક્ત માયિકમાંથી દિવ્ય બની જાય છે. પ્રભુની એ અંધકારમય માયા એ દિવ્યસ્વરૂપ ધારણ કરે છે અને ભગવાનના સ્વરૂપમાં લઈ જાય છે. આ ક્યારે બને કે સંત સમાગમ. ભગવાનને પામેલા સંત મળે તો આવી કઠણ જબરજસ્ત સાધના દ્વારા માંડ માંડ કેટલાય જન્મે પ્રાપ્ત થઈ શકે એ તરત થઈ જાય. ભગવાને કહ્યું કે હું કૃપાસાધ્ય સ્વરૂપ પ્રગટ થયો છું. ૨૪ અવતાર થયા પછી મહારાજ સર્વોપરી પરમાત્મા આ પૃથ્વી ઉપર દૃષ્ટિગોચર થયા.
ગોપાળાનંદ સ્વામીએ લખ્યું છે કે મહારાજના અનાદિમુક્તના દર્શન તો અવતારાદિકને પણ દુર્લભ છે. એમ પણ કહ્યું છે કે અવતારો પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં રહેલા અનાદિમુક્તના દર્શન કરવા આવે છે. ત્યારે એ બધાથી પર અનાદિમુક્તો છે. અને અનાદિમુક્તોથી પર સ્વામિનારાયણ ભગવાન છે. તેનાથી પર કોઈ સ્વરૂપ નથી, કોઈ ભૂમિકા નથી. અને જગતના ધર્મોનો પણ જો અભ્યાસ કરીએ તો એવી સ્થિતિ બતાવે છે કે કોઈ એવી સર્વોપરી ભૂમિકા છે કે જે હજી પામવાની બાકી છે. ભગવાન બુદ્ધ નિર્વાણ દશાને પામ્યા ત્યારે નિર્વાણસ્થિતિમાં રહીને એમને મહાનિર્વાણ દેખાયું. ઓ... હો! કે હજી તો ઘણું આગળ જવાનું છે. તો એ મહાનિર્વાણમાંથી ય બહાર જતા રહ્યા ને પછી બોલ્યા. તો એ સાબિત કરે છે કે સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે કે અમારી ભૂમિકા છે તે આત્યંતિક છેવટની ભૂમિકા છે. એમ આ બધા અનુભવો પૂરવાર કરે છે. શ્રી રમણમહર્ષિ પણ એમ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે ભગવાન કૃષ્ણના તમને દર્શન થાય, એની પ્રાપ્તિ થાય તો અટકશો નહિ એનાથી આગળ જાઓ. એ શું બતાવે છે? સ્વામિનારાયણ ભગવાનના શબ્દો ધીમે ધીમે આત્મસાત્ કરે, એટલે (આત્મસાત્) થતા જાય છે. કારણ કે પોતે પૃથ્વી ઉપર પ્રગટ થયા તો લોકોને આત્મદર્શનનો પ્રયોગ કરતા કરતા પણ એમ લાગે છે કે કંઈક આગળ છે, કંઈક આગળ છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણની વાત સાંભળે, ત્યારે એમ થાય કે ખરેખર ખૂબ સાદી ભાષામાં ગહનમાં ગહન તત્વજ્ઞાન એમણે વચનામૃતમાં મૂક્યું. એ સમજવાને માટે તો સર્વોપરી ભગવાનને ઓળખ્યા હોય તે જ જ્ઞાન આપી શકે. ગોપાળાનંદ સ્વામી દ્વારા ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી જેવા પાંચ સંતો વચનામૃત સમજ્યા ત્યારે સમજાયા. લખ્યા પોતે ને પોતે, સંશોધન પોતે કર્યું તો ય (યથાર્થ) ન સમજ્યા.
એકવાર મહારાજે ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ સંતો કહે છે કે આ વચનામૃત સ્વામીએ અમને સમજાવ્યા ત્યારે અમે સમજ્યા છીએ, તો અમને તો એ સમજાવો કે તમે શી રીતે સમજાવ્યા? અમારી વાણી અમને સમજાવો તો ખરા! એટલે સ્વામી હસ્યા કે મહારાજ! તમને કંઈ તમારી વાણી સમજાવવાની હોય? તો કહે ના સ્વામી, અમારે તમારા મુખેથી સાંભળવી છે. અમારી વાણી તમે કેમ સમજ્યા છો એ અમારે સમજવી છે. એટલે મહારાજે આગ્રહ રાખ્યો તો સ્વામીએ વચનામૃત જે રીતે પોતે સમજ્યા હતા એ સમજાવ્યા. મહારાજ પાસે દીનભાવે એમની પ્રસન્નતા મેળવવાને માટે રજુ કર્યા. ત્યારે મહારાજે એવી પ્રસન્નતા જણાવી કે સ્વામી! અમારી વાણી આટલી ગહન અને આટલી જબરી હશે એ તો અમે તમારી પાસે સાંભળી, અમે ય ત્યારે જ સમજ્યા. એમ મહારાજે પ્રસન્નતા બતાવી કે અમારી વાણી અમે જ તમારા દ્વારા આટલી સરસ રીતે સમજાવી શક્યા. ત્યારે વિચાર કરો કે સ્વામીએ એ વચનામૃતની વાણી કેવી સરસ રીતે સમજાવી હશે! પણ ભગવાનની કોઈ ગહન ગતિ કે એ કાગળ ઉપર મૂકવામાં ન આવી. સમય ઓછો રહ્યો હશે. ભગવાને ભવિષ્યમાં આ કામ કરવું હશે.
હું વઢવાણમાં હતો, એ વખતમાં ત્યાંના સંતો સ્ત્રી - દ્રવ્યના ખૂબ ત્યાગી હતા. હરિસ્વરૂપ સ્વામી ને એ બધા. એ વખતે હું નાનો હતો. મારા અક્ષર સારા એટલે મારા પાસે ગુટકો લખાવે. હું બહુ સમજી ન શકું, પણ એ લખાવે એમ સરસ રીતે લખી નાંખું એટલે એ રાજી થતા. મને રોજ નવા કીર્તનો પણ શીખવાડતા. સો જેટલા. અને એ ભગવાનની સ્મૃતિ કરતાં કરતાં (ભગવાનમાં એકરૂપ થતા પૂ. મામાની લીંક જતી રહે છે.) એટલે એ સંતો પાસેથી ધીમે ધીમે થોડું થોડું સમજાયું. પછી ધ્રાંગધ્રામાં અનાદિમુક્ત ભગવત્સ્વરૂપદાસજી સ્વામીનો મેળાપ થયો. અને ત્યાર પછી વૃંદાવનદાસજી સ્વામી અને ઈશ્વરચરણદાસજી સ્વામીનો સમાગમ થયો. એમણે મને બાપાશ્રીની વાતો અને રહસ્યાર્થ વચનામૃત આપ્યા. એ વખતે હું ગ્રેજ્યુએટ થયો હતો. અને મહારાજના સ્વરૂપને બરાબર (અનુભવે) ઓળખ્યું પણ હતું. આજ્ઞા - ઉપાસનામાં ફેર જરા ય પડતો જ નહિ. કારણ કે મારા મા એવા હતાં. જેણે આજ્ઞા - ઉપાસના ખૂબ દૃઢ કરીને બેસાડી દીધી હતી. એટલે આ બાપાશ્રીની વાતો અને રહસ્યાર્થ વચનામૃત વાંચ્યા. એમાં કેટલાક પ્રશ્નો મને ઉઠ્યા. મારામાં એક વસ્તુ એ છે કે સમજ્યા વગર માની નહિ લેવાનું. ગળે વાત ઊતરે તો, અને અનુભવ કરીને એ જો બરાબર લાગે તો જ સ્વીકારું નહિ તો નહિ સ્વીકારું.
એ સંતોને મેં કહ્યું કે મારા થોડા પ્રશ્નો છે એનો તમે ઉત્તર આપો. એ લાંબી વાત છે. એટલે ટૂંકમાં એટલું કહું કે એમણે ઉત્તર આપ્યા. એના ઉપર મેં સતત વિચારણા કરી. વૈજ્ઞાનિક રીતે વિચારણા કરી. તો મને એમ લાગ્યું કે આ રહસ્યાર્થ વચનામૃતમાં ટીકા એ સમજૂતી. ટીકાના બે અર્થ થાય છે. એક criticism (સમાલોચના) અને બીજો સમજૂતી. સ્પષ્ટ વિવરણ. માટે સ્પષ્ટ સમજૂતીરૂપ આ ટીકા છે. એ શ્રેષ્ઠ માર્ગદર્શિકા છે. તો મેં એના ઉપર ખૂબ વિચાર કર્યો વૈજ્ઞાનિક રીતે. ત્યારે મને એમ લાગ્યું કે ભગવાન સ્વામિનારાયણને જેમ છે તેમ ઓળખવા માટે અને જગતને આ સર્વોપરી તત્વજ્ઞાન સમજાવવાને માટે આ માર્ગદર્શિકા ખૂબ ઉપયોગી છે. એમાં ખૂબ ઊંડુ ઉતરાય તો જ સમજાય એવું છે અને ખૂબ વિચાર કરતાં બધા પ્રશ્નો મને ને મને ઊઠે અને મને ને મને અંદર (અંતરમાં) મહારાજ સોલ્વ (ઉકેલ) કરી આપે. તો હવે હું એટલો બધો સ્પષ્ટ લાગું છું મહારાજની કૃપાથી, કે જો આ રહસ્યાર્થ પ્રદીપિકા દ્વારા ગોપાળાનંદ સ્વામીએ જે સમજૂતી આપી એ પર્વતભાઈ જેવા મહા અનાદિમુક્ત અબજીબાપામાં રહીને એમણે કાગળ ઉપર મૂકાવી. ત્યારે અત્યારે મને એટલો બધો વિશ્વાસ છે કે જો કોઈ પ્રશ્નો પૂછે રહસ્યાર્થના કે છેવટની સ્થિતિના તો વૈજ્ઞાનિક રીતે હું બિનધર્મી હોય, સત્સંગી ન હોય, બીજા ધર્મી હોય એને પણ સમજાવી શકું કે ભગવાન સ્વામિનારાયણનું તત્વજ્ઞાન આ રીતનું છે. અને એ હું આ રહસ્યાર્થ પ્રદીપિકાટીકા દ્વારા સમજ્યો છું. જરા ય અસ્પષ્ટતા નથી રહી. કોઈ પણ પ્રશ્ન કરે કે આ બરાબર નથી તો હું એની સાથે આનંદથી વાત કરું. હું એટલે સુધી કહું કે જો એમાં રહેલી વાત બરાબર ન હોય એવું જો તમે મને ગળે ઉતારી દો તો હું તમારો શિષ્ય બની જાઉં. અને જો હું તમને ગળે ઉતારી દઉં તો તમારે તરત જ એ સર્વોપરી તત્વજ્ઞાન, શ્રીજીમહારાજનું તત્વજ્ઞાન બરોબર પચાવીને મહારાજના સુખને પામવા માટેની સાધના શરૂ કરી દેવી જોઈએને?
અત્યારે પ્રણાલિકાઓની જડતા એટલી બધી ઘૂસી ગઈ છે તેનો એક દાખલો આપું. અવલબા હતાને અવલબા, એ એકવાર મહારાજના સ્વરૂપ સાથે એવી ઉપશમ સ્થિતિ થઈ ને જોડાઈ ગયા ને જેમ મીરાંબાઈ (ગોપીઓની જેમ) દહીં લો, દહીં લોની બદલે કૃષ્ણ લો, કૃષ્ણ લો બોલવા મંડ્યાને એમ અવલબા કહે, ‘હું સહજાનંદ સ્વામી, સર્વેનો અંતર્યામી.’ આમ કહેતા જાય. ‘હું સહજાનંદ સ્વામી સર્વેનો અંતર્યામી.’ બોલો, ત્યારે વિચાર કરો. બીજા કહે, આ અવલબા તો ભગવાન થઈ ગઈ. પણ એ ભગવાન થઈ ગયાં નહોતા, એ તો સેવક હતાં. એમાં રહીને મહારાજ બોલ્યા. એમને ક્યાં દેહનું ભાન રહ્યું? એ તો ભગવાન સાથે ચૈતન્ય જોડાઈ જાય પછી ભગવાન પોતે એ દેહનો ઉપયોગ કરે છે. અને એમાં રહીને પોતે બોલ્યા તો પોતે તો એમ કહેને કે ‘હું સહજાનંદ સ્વામી, સર્વેનો અંતર્યામી.’ એ પોતાનો અધિકાર છે. મહારાજનો તો અધિકાર ખરો ને? અવલબાઈ નહોતા બોલ્યાં. અવલબાઈને તો ખબર જ નહોતી. જ્યારે એ ઉપશમમાંથી બહાર આવ્યાં, ત્યારે (બધા) કહે, તમે આવું બોલતા હતાં? તો કહે, હું નહોતી બોલી. એ તો મહારાજ બોલી ગયા. કોઈવાર અનાદિમુક્ત દ્વારા મહારાજ એવું બોલે ત્યારે કંઈ એવું ન સમજી લેવાય કે એ ભગવાન થઈ ગયા. ભગવાન બોલે એમાં નકારાય કેવી રીતે? એવી સ્થિતિ થાય તો આપણા બધાયમાં એવું બોલી જાય. તો પ્રભુને માટે કોઈ ધણીનો ધણી છે? માટે એવી વાતમાં ખોટા ભ્રમમાં નહિ પીડાવું જોઈએ.
હવે તીવ્ર બુદ્ધિવાળા રહસ્યાર્થ પ્રદીપિકા સમજતા જો કોઈ બરોબર સામનો કરે તો હું એમને એવા પ્રશ્ન પૂછું કે ભગવાનને પામ્યા હોય તો જ જવાબ આપી શકે નહિ તો ઊભા થઈ રહે. કોઈ દિ’ (અસત્ય) ના સ્વીકારું. સ્વામિનારાયણ ભગવાનના તત્વજ્ઞાન પાસે અત્યારે જેટલા વાદ બહાર પડ્યા છે એ બધા જ વાદ એટલી ભૂમિકાએ સત્ય છે. એથી આગળ જાઓ એટલે એ સત્ય નહિ. એનાથી આગળ જવું પડે. એટલી ભૂમિકાએ બરોબર. પછી એનાથી આગળ જાઓ એટલે એની ગતિ નથી. પછી એ આગળ નીકળી જાય. એની નીચેની ભૂમિકાઓની ત્યાં ગતિ નથી. એમ ભગવાન સ્વામિનારાયણને પામે ત્યારે ઠરીને બેઠા કહેવાય. તો ભગવાન સ્વામિનારાયણે આપણને કેવું કરી મૂક્યું? કેવા સંતો આપ્યા? સંખ્યાબંધ નંદ સંતો, દાસ પદવીના સંતો, અત્યારે પણ મણિ જેવા સંતો આપણી પાસે છે. એવા સંતોના સંસ્મરણો સાંભળવા મળ્યા. એમણે (સ્વામીએ) સરસ વાત કરી એટલે મેં તેમની કદર કરી. જો એમણે નાની સરખી અન્ય જ્ઞાનની વાતો કરી હોત તો મજા ન આવત, પણ એમણે દુર્લભ દેહથી દુર્લભ પ્રાપ્તિ કોને કહેવાય કે ભગવાનના સ્વરૂપને પામી જવાય તે દુર્લભ કામ. એટલે મને આનંદ થઈ ગયો કે સારું થયું કે આજે આવા સંતો મહારાજે મોકલ્યા ને તેમણે આવી વાતો કરી.
આજે હવે છેલ્લી ઉત્તમ વિધિ આપણે પતાવીએ કે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે, ‘મરના મરના સૌ કહે મરી ન જાને કોઈ, મરના તો ઐસા મરના ફિર જનમ ન હોય.’ ભગવાન સ્વામિનારાયણ વિષેની આસક્તિ સિવાય બીજી કોઈ પણ આસક્તિ રહે તો ફેર જન્મ લેવો પડે. મહારાજ કહે છે કે જેટલી આસક્તિ કરવી હોય એ મારામાં કરો, ખુશામત કરવી હોય તો મારી કરો. કારણ કે બીજાની ખુશામત કરશો તો એ ઓછી હશે. પ્રશંસા કરવી જોઈએ એથી ન કરવાની કરે. હોય નહિ ને વધુ વધુ પ્રશંસા કરે. દીધે જ રાખે. વખાણ પારાયણો તો એટલી ચાલે છે આખા વિશ્વમાં જુઓને! કેટલા બધા વક્તાઓ છે. તો એમાં એમની બાબતની વખાણ પારાયણ જો લખી હોય તો કેટલાય મહાભારત ભરાઈ જાય. એ બધા પાછા અર્થહિન. તો મહારાજે એમ કહ્યું કે તમે મારી ખુશામત કરો કેમ કે તમે મારી જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે. કારણ કે હું તો અવર્ણનીય છું. મારા ગુણો અને મારા મહિમાનો પાર નથી પામી શકાતો. માટે ખુશામત કરવી હોય તો મારી કરો, ગુણગાન - પ્રશંસા મારા કરો અને મારા સિવાય ક્યાંય આસક્તિ નહિ રાખો. તો આસક્તિ કરવી હોય તો એક સર્વોપરી ભગવાન સ્વામિનારાયણની.
હવે બીજી વાત. જ્યારે આપણે આ દિવ્ય સભામાં બધા એવા હરિભક્તો એકત્રિત થયા છીએ કે જે ભગવાનના સાચા આશ્રિતો છે. સાચો આશ્રિત એનું નામ કે જેને ભગવાનની આજ્ઞા અને ઉપાસના પહેલા સમજણમાં પરિપક્વ થઈ હોય અને પછી એનો લક્ષ્યાર્થ કરવા તરફ જેની હંમેશ નજર રહે એ ભગવાનનો સાચો આશ્રિત. તો હું કહેવા એમ માંગુ છું કે, ‘મરના મરના સહુ કહે, મરી ન જાને કોઈ, મરના તો ઐસા મરના ફિર જનમ ન હોઈ.’ એવાં ફરી જન્મ ન આવે એવી સ્થિતિ કેળવેલા પાંચ ભક્તો, મહામુક્તો ભગવાનના સુખે સુખિયા થઈ ગયા એમને આપણે આજે દિવ્ય શ્રદ્ધાંજલિ અર્પિએ છીએ.
(ત્યારબાદ ધામમાં પધારેલા હરિભક્તો વિષે તથા મિશન દ્વારા પ્રકાશિત પુસ્તિકા વિષે વાત કરી સમાપ્તિ કરે છે.)
સ્વામિનારાયણ ભગવાનની જય!
સારાંશ
પ્રભુના સાધર્મ્યપણાને પામવાનું દુર્લભ કામ સુલભ બનાવવા અનાદિમુક્તનો જોગ - સમાગમ અતિ આવશ્યક છે. ભગવાને દર્શાવેલો માર્ગ સમન્વયી, સરળ અને પૂર્ણ છે. અંતઃશત્રુઓ અને માયા પણ જીવના સેવકો છે. જીવને પ્રભુ પ્રાપ્તિ માટે પાત્ર બનાવવાની સેવા બજાવ્યા બાદ તેઓ જીવને છોડીને ચાલ્યા જાય છે. તેઓ છોડી જાય એ માટે ભગવાનનો દૃઢ આશરો અને અનાદિમુક્તનો જોગ - સમાગમ અનિવાર્ય છે કે જેઓ આ દુર્લભ કાર્ય સુલભ અને શક્ય કરી આપે છે. અનાદિમુક્તના દર્શન અવતારોને પણ દુર્લભ છે. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી તત્વ છે એનાથી ઉપર કોઈ ભૂમિકા નથી.
ભગવાનને જે પામ્યા હોય, અનાદિમુક્તની જેની સ્થિતિ થઈ હોય તે જ વચનામૃતના રહસ્યોને સાચા અર્થમાં સમજાવી શકે. પછી વ્યક્તિ ગમે તે ધર્મને અનુસરનાર હોય. અનાદિમુક્ત પોતાના ઉદાહરણ દ્વારા આપણને જ્ઞાન કેવું હોવું જોઈએ, સમજાવવાની શક્તિ કેવી હોવી જોઈએ તે સમજાવે છે. જ્યારે ભગવાન સાથે ચૈતન્ય જોડાઈ જાય, ત્યારે તેમાં રહી ભગવાન બોલે, વાતો કરે, બધી ક્રિયા કરે છતાં એ ચૈતન્ય ભગવાન ન થઈ જાય. ભગવાન એ સ્વામી અને મુક્ત એ દાસ. દાસ અને ભગવાનમાં ફરક તો હંમેશાં રહેવાનો જ.
બીજા બધા વાદો જે છે તે એટલી ભૂમિકાએ સત્ય છે. ભગવાન સ્વામિનારાયણને પામે ત્યારે સર્વ પ્રાપ્તિ થઈ ચૂકી કહેવાય. ખુશામત, ગુણગાન - પ્રશંસા, આસક્તિ બધું મહારાજનું જ કરવું. ભગવાનનો સાચો આશ્રિત એ છે કે જેને ભગવાનની આજ્ઞા અને ઉપાસના પહેલા સમજણમાં પરિપક્વ થઈ હોય અને પછી એનો લક્ષ્યાર્થ કરવા તરફ જેની હંમેશ નજર રહે.