16
આ દિવ્ય સભાને કોટાનકોટી દંડવત્પ્રણામ સહ વંદન કરું છું.
આજે સત્સંગસભા મહારાજની મરજીથી ખૂબ સરસ થઈ. શ્રીજીમહારાજે પોતાના મુક્તો દ્વારા ખૂબ સારી વાતો કરાવી. એવી વાતો કરાવી કે આખી સભા એમાં સ્થિર થઈ ગઈ. કોઈને ઉઠવાનું મન થયું નહિ. એ બતાવે છે કે મહારાજે વાતો ખૂબ સારી કરાવી અંતરમાં ઉતારવા જેવી હતી. હવે એમાં કાંઈ આજની સભા પૂરતું વિશેષ કહેવાનું રહેતું નથી. માત્ર સમાપન કરવાની વાત છે, એટલે બે મિનિટ જો ન કહું તો ઠીક ન કહેવાય અને સભાનો બહુ રાજીપો મળે નહિ.
આ બધી વાતમાંથી મને એમ લાગ્યું કે બાપાવક્ત થવું એ ગૌરવની વાત છે. આજ્ઞા અને ઉપાસનામાં અણીશુદ્ધ વર્તન હોય તેને બાપાવાળા કહેવાય. અક્ષરધામમાં જવું હોય તો બાપાવાળા બને જ છૂટકો કે નહિ? કહો જોઈએ? વિચારો! બાપાવાળા એટલે આજ્ઞા અને ઉપાસનામાં જેનું અણીશુદ્ધ વર્તન હોય તેને બાપાવાળા કહેવાય. અને આજ્ઞા અને ઉપાસનામાં અણીશુદ્ધ વર્તન ન હોય તો અક્ષરધામમાં સ્થાન મળે ખરું? ન મળે. ત્યારે જો કોઈ આપણને બાપાવાળા કહે તો આપણી છાતી ગજ-ગજ ફૂલવી જોઈએ. હું તો આનંદથી નાચું જો કોઈ મને કહે કે ઓ હો! આ જુઓ નારાયણભાઈ બાપાવાળા છે. કેટલા શ્રેયની વાત કે આજ્ઞા અને ઉપાસનામાં જેનું અણીશુદ્ધ વર્તન હોય તેને બાપાવાળા કહેવાય. સારાય સત્સંગમાં દરેકે બાપાવાળા બને જ છૂટકો છે. એકે એક બાપાવાળા બનશે. એટલે કે આજ્ઞા અને ઉપાસનામાં અણીશુદ્ધ, વર્તનવાળા. આખા રહસ્યાર્થ વચનામૃતમાં અણીશુદ્ધ આજ્ઞા અને સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરી પુરુષોત્તમસ્વરૂપ સમજવામાં જરા ય કસર ન રહે એટલી બધી અંદર તત્વજ્ઞાનના બધા પાસાઓની છણાવટ થઈ ચૂકી છે. માટે બાપાવાળા કોઈ કહે તો એમ ન માનવું કે આપણે કંઈ બીજા કરતાં ઓછા છીએ. અરે! જો બાપાવાળા ન હોય તો એના કરતાં તો અણીશુદ્ધ વર્તનવાળા કોઈ બીજા ખરા કે નહિ? તો ગૌરવ લેવું.
એક હરિભક્તે મને પૂછ્યું કે તમે બાપાવાળા છો? તો મેં કહ્યું બરોબર બાપાવાળો છું. પછી મેં કહ્યું તમે બાપાવાળા નથી? તો કહે ના, હું બાપાવાળો નથી. ત્યારે તમે કોના વાળા છો? બાપાવાળા તમે કોને સમજો છો? જેનું આજ્ઞા અને ઉપાસનામાં અણીશુદ્ધ વર્તન હોય તે બાપાવાળા. તમારું અણીશુદ્ધ વર્તન છે ખરું? જો હોય તો તમે બાપાવાળા. અમે પણ બાપાવાળા અને એવું ન હોય તો નથી. જો એવું ન હોય તો સ્વામિનારાયણના આશ્રિત પણ ક્યાં રહ્યા? ત્યારે અક્ષરધામમાં જવા માટે, સ્વામિનારાયણ ભગવાનના સાચા આશ્રિત કહેવાવાને માટે બાપાવાળા બનવું પડશે. અણીશુદ્ધ આજ્ઞા અને ઉપાસના પાળવા પડશે. આ વાત જીવમાં જો ઉતરે તો ન્યાલ થઈ જવાય. એક ભાઈએ વાત કરી કે બળદિયાથી અમે આવ્યા તો ભૂજમાં કોઈકે કહ્યું સ્મશાનિયા આવ્યા. એમને પોતાની સમજણમાં ખામી છે. ભૂજના મંદિરમાં ૭૦ મહાન સંતોની સભા બેઠી હતી મેં કહ્યું તમે આવો પ્રચાર કરો છો ખરા? એ ચર્ચા લાંબી છે. ચર્ચાના અંતે સર્વે એટલું સ્વીકારે કે આમ કહેવામાં દ્વેષ, કેવળ તેજોદ્વેષ સિવાય બીજું કોઈ કારણ નથી.
(વર્ષો પહેલાં થયેલા ઝઘડા વિષે પૂ.મામા વાત કરે છે.)
એ ઝઘડાનું કારણ, શેનો ઝઘડો હતો? એ ઝઘડો આજ્ઞાલોપ સામે હતો, અણીશુદ્ધ ઉપાસના નહોતી એના સામે ઝઘડો હતો. આ ટ્યુબલાઈટ અને ઘાસલેટના નાના કોડીયાનો દીવો એને સરખા કહેવું, એ કોઈ રીતે શક્ય છે ખરું? થોડું ભેજું હોય એ પણ સમજે કે ક્યાં ટ્યૂબલાઈટ ને ક્યાં દીવો? ક્યાં અવતાર અને ક્યાં અવતારી? કેટલો ફરક છે? તો એ અણીશુદ્ધ ઉપાસનાની વાત જ્યારે ત્યાં કરી તો ઝઘડવા મંડી ગયા. કારણ કે એમને ટ્યૂબલાઈટ શું કે કોડીયું શું એ જ ખબર નહોતી એટલે ઝઘડ્યા. અને ઈશ્વરચરણદાસજી સ્વામીએ કહ્યું કે ઉપાસના સમજાવવા માટે આ દેહ ધર્યો છે. એ લડત સામાન્ય લડત નથી. એ લડત તો આજ્ઞાની કાચપ અને ઉપાસનાની કસર સામે છે. એ લડત તો અક્ષરધામ સુધી પહોંચાડે એવી કહેવાય. શા માટે? કે જો આજ્ઞાલોપ સામે લડત કરીને આજ્ઞાનું શુદ્ધિકરણ સમાજમાં થઈ જાય, ઉપાસનાનું શુદ્ધિકરણ થઈ જાય તો એ લડત તો અહિંસામય છે. અહિંસા અને સત્ય એ બે તો ભગવાનનું સ્વરૂપ છે. તો એવી લડત એમણે ઉપાડી કે જેથી સત્સંગમાંથી આજ્ઞાનો લોપ જતો રહે. વહીવટશુદ્ધિની અંદર ધર્મશુદ્ધિ ટકી રહે એનો જે અભાવ એની સામે લડત. પરમાત્માને ગમે એવી એ લડત. એ લડત કોણે કરાવી? ભગવાન સ્વામિનારાયણે કરી. નહિ કે ઈશ્વરચરણદાસજી સ્વામીએ. ઈશ્વરચરણદાસજી સ્વામી એ તો નિમિત્ત સદ્ગુરુ હતા. ભગવાન સ્વામિનારાયણના મહાન સંત હતા અને આજ્ઞા અને ઉપાસના આ બે ચોખ્ખી થઈ ત્યાં સુધી લડત ચાલુ રાખી. હજી પણ એ લડત ચાલ્યા જ કરે છે. આજ્ઞા શું કહેવાય? એની પણ પૂરી ખબર નથી. જો આજ્ઞા બરોબર સમજીને પળાય તો ઉપાસનાની કાચપ પણ જતી રહે. સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના મેં કહ્યું તેમ, ટ્યુબલાઈટ ને કોડીયું એમ સરખામણી એ ય ઓછી છે.
બાપાવાળા જો કોઈ કહે તો ડરવું નહિ. ખરેખર એને પણ બાપાવાળો બનાવી દેવો જોઈએ. જેના જ્ઞાનગુરુ અબજીબાપા એ બાપાવાળા. એ જ્ઞાનગુરુએ શું સમજાવ્યું? કે જો આજ્ઞા અને ઉપાસના જીવનમાં જ્યાં સુધી અણીશુદ્ધ રીતે આચરણમાં નહિ મૂકાય, ત્યાં સુધી અક્ષરધામમાં રહેવાશે નહિ. આમાં કાચપ હોય છતાં ય દયાળુ ભગવાન સર્વોપરી પરમાત્મા, આ તો પુરુષોત્તમપદવીપણું કામ જ કરી નાંખ્યું. ક્યાં અવતારોનું કાર્ય અને ક્યાં અવતારીનું કાર્ય? અંતે એ લેવા આવે અને પોતાના સુખમાં ઊભા રહી શકે એવી કૃપાવર્ષા કરે. સત્સંગમાં ફરી જન્મ ધરાવીને સારા સંજોગો ઊભા કરે અને અણીશુદ્ધ કરે. કંસારા જેમ વાસણને ટીપી ટીપીને સરસ પાત્ર બનાવે છે, એમ સ્વામિનારાયણ સર્વોપરી પરમાત્મા પોતાના આશ્રિતને પાત્ર ન થયો હોય તો આ રીતે ફરી જન્મ આપે ત્યારે અણીશુદ્ધ બનાવે. પોતે કેટલો ઉપકાર કરે! પોતે જવાબદારી સ્વીકારી લીધી, પોતાનું બિરુદ સાચવ્યું જે જીવ અભિમુખ થયો તો મોડો - વહેલો એને અણીશુદ્ધ બનાવી પોતાનું સુખ જીરવી શકે એવો બનાવીને પોતાના સુખમાં રાખે છે.
બાપાશ્રીએ રહસ્યોનો ઉકેલ કેવો સરસ આપ્યો છે. મને એમ લાગે છે કે સ્વામિનારાયણ ભગવાનના તત્વજ્ઞાનના તમામ રહસ્યોની છણાવટ બાપાશ્રીએ સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી કરી નાંખી છે. કોઈ કહે કે મહારાજનું કાર્ય અધૂરું કેમ કહેવાય? અધૂરું કામ કરવા મહારાજ આવ્યા હતા? પૂરું નહોતું કર્યું? એમ કેમ કહેવાય, અને ભગવાન અધૂરું કામ પૂરું કરીને કેમ ન ગયા? તો હું એમ પૂછું કે મહારાજે સ્વરૂપનિષ્ઠા અને પોતાની ઉપાસના પ્રવર્તાવી. અરે! ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પાંદડે - પાંદડે હજી ભજન થશે સ્વામિનારાયણ - સ્વામિનારાયણ. તો મહારાજનું કામ જો પૂરું થઈ જાયને! તો કરવાનું શું રહ્યું? હજી તો ભારતમાં લાખો - કરોડો ભગવાન સ્વામિનારાયણને ઓળખતા નથી. તો કામ અધૂરું છે કે પૂરું થઈ ગયું? સમજણ નથી કે શું અધૂરું ને શું પૂરું? બસ, અધૂરું ભાઈ અધૂરું. અધૂરું શું ને પૂરું શું? સમજો તો ખરા, કાંઈ સમજ્યા વગરની વાત! ભગવાનનું કામ તો ચાલુ જ રહેવાનું. અનંત બ્રહ્માંડમાં એ કામ ચાલે છે. ભગવાન એક પછી એક બ્રહ્માંડમાં મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને પોતાની ઉપાસના પ્રવર્તાવે છે. સ્વામિનારાયણ ભગવાનનું એ કામ તો સદાકાળ ચાલ્યા જ કરવાનું છે. જ્યાં સુધી એક પણ વ્યક્તિ આનાથી વંચિત હશે, ત્યાં સુધી એ કામ ચાલશે. એ અધૂરું કામ તો આપણે બધાએ કરવાનું છે. આ રીતે મહારાજનું જણ જણ પ્રત્યે પોતાનું સ્વરૂપ સમજાવવાનું. અધૂરું કામ તો આપણે બધાએ કરવાનું છે. ત્યારે એ અધૂરું કામ તો આપણા માટે સેવા મૂકી કે જો તમે એ કામ કરશો તો મારી તમારા ઉપર કૃપા વરસશે.
એક જીવને જો ભગવાન સન્મુખ કરી શકીએ, તો ભગવાન એક બ્રહ્માંડ ઉગાર્યા જેટલું ફળ આપે છે, હા! આપણે માટે તો અધૂરું કામ ચાલુ જ રહેવાનું છે. એ અધૂરું કામ છે જ. અરે! હજી તો કેટલાય બ્રહ્માંડોમાં એ કામ ચાલ્યા કરે છે અને અધૂરું કામ કરવારૂપ સેવા કરાવી ને આપણને પાત્ર બનાવવાના અને જો આપણે બીજાને ભગવાન ઓળખાવીએ તો આપણને પાકું થતું જાયને! મહારાજની મૂર્તિ પાકી થતી જાય, સ્વરૂપ સિદ્ધ થતું જાય. તો બાપાવાળા કોઈ કહે તો આપણે ગૌરવ લેવાનું. જે સામાન્ય વાક્યમાં કે એક શબ્દમાં સમજાવી શકાય કે ભાઈ, તમારે પણ બાપાવાળા થયે જ છૂટકો છે. જો તમે અણીશુદ્ધ આજ્ઞા પાળતા હો તો તમે ય બાપાવાળા ને હું પણ બાપાવાળો અને બાપાવાળા કહેતા સ્વામિનારાયણ ભગવાનના સાચા ઉપાસક, સાચા આજ્ઞામય.
હવે આપ સૌનો હું રાજીપો ઇચ્છી ને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય!
સારાંશ
જેનું આજ્ઞા અને ઉપાસનામાં અણીશુદ્ધ વર્તન હોય તે આપોઆપ બાપાવાળા થઈ જાય છે. બાપાવાળા કહેવડાવવામાં ગૌરવ અનુભવવું. આજ્ઞા અને ઉપાસના શુદ્ધ કરવા શ્રમ લેવો એ સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા બરાબર છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી અવતારના અવતારી છે તે વાત દૃઢ કરવી. અણીશુદ્ધ આજ્ઞા અને ઉપાસના જીવનમાં ઉતારી આચરણમાં ઉતારીએ ત્યારે અક્ષરધામમાં રહેવાના અધિકારી બની શકીએ. એ ન થાય ત્યાં સુધી ભગવાન ફરી જન્મ ધરાવે છે.
રહસ્યાર્થ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાનના તત્વજ્ઞાનના તમામ રહસ્યોની છણાવટ બાપાશ્રી દ્વારા થઈ છે. પૃથ્વી પરના દરેકે દરેક જીવ ભગવાનનું સર્વોપરી તત્વજ્ઞાન જ્યાં સુધી નહિ સમજે, ત્યાં સુધી એ તત્વજ્ઞાન સમજાવવાનું કાર્ય ચાલુ જ રહેશે. એ કાર્યને સેવા સમજી દરેકે કરવું, જેથી ભગવાનની તેના ઉપર કૃપા વરસે. એક જીવને પણ જો ભગવાન સન્મુખ કરી શકીએ તો ભગવાન એક બ્રહ્માંડ ઉગાર્યા જેટલું ફળ આપે છે. બાપાવાળા એટલે સ્વામિનારાયણ ભગવાનના સાચા ઉપાસક અને સાચા આજ્ઞામય.